કાળરાત્રી-10 Narendrasinh Rana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળરાત્રી-10

(લેખક અને તેમના પિતાને બરકેનાઉંના કેમ્પમાંથી ઓસચવિત્ઝના મુખ્ય કેમ્પમાં લાવવામાં આવ્યા. જ્યાં તેમને એક માનવતાવાદી બેરેક પ્રમુખ નીચે રહેવાનું આવ્યું. તેમના જીવન ધોરણમાં થોડો સુધારો થયો. હવે આગળ વાંચો...)

અમે ત્રણ અઠવાડિયા ઓસચવિત્ઝના કેમ્પમાં રહ્યા. અમારી પાસે કોઈ જ કામ નોહતું. અમે આખો દિવસ ઘણું સુતા. અમે અમારો વારો ટ્રાન્સપોર્ટમાં ન આવે તેવા પ્રયત્ન કરતા. તેમ કરવું સહેલું હતું. ક્યારેય કારીગર તરીકે નામ ન લખવો એટલે તમારી પસંદગી ટ્રાન્સપોર્ટમાં ન થાય. ટ્રાન્સપોર્ટમાં જેનો વારો આવે તેને સખત મજૂરી કરવા જવું પડતું.

ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં અમારા માનવતાવાદી બેરેક પ્રમુખને હટાવી દેવામાં આવ્યો. તે બહુ સારો હતો. તેની જગ્યાએ નવો આવેલો બેરેક પ્રમુખ અને તેના માણસો બહુ ક્રૂર હતા. અમને અંદાજો આવી ગયો કે અમારા સારા દિવસો પુરા થઈ ગયા હતા. અમે ટ્રાન્સપોર્ટમાં વારો લેવો કે નહીં તે વિષે ફરી વિચારવા લાગ્યા.

મિસ્ટર સ્ટેઇન, અમારા એન્ટવર્પના સગા, અમારી નિયમિત મુલાકાત લેતા. તે તેમના ભાગમાં આવેલી થોડી બ્રેડ પણ મારા માટે લાવતા. તેઓ મારા પિતાને કેહતા,"તમે આ છોકરાને ખવડાવો. જુઓ કેટલો દુબળો પડી ગયો છે. તમારે પણ મળે તે ખાઈ લેવું. અહીં નબળા અને બીમાર લોકો માટે કોઈ જગ્યા નથી. તમારે સિલેક્સન(ભઠ્ઠીમાં મોકલવાની પસંદગી પ્રક્રિયા)થી બચવું હોય તો મળે તે ખાવું પડશે. અહીં જીવતા રહેવા અને ભઠ્ઠીથી બચવા માટે આ એક જ ઉપાય છે."

અમને આવી સલાહ આપનાર મિસ્ટર સ્ટેઇન પોતે જ ખુબ દુર્બળ અને સુકાઈ ગયેલા હતા.

"મને આ નર્કમાં મારી પત્ની અને પુત્રને જોવાની ઈચ્છા એ જ જીવતો રાખ્યો છે." તેઓ બોલતા."તેઓ હેમખેમ છે એ માહિતી જ મારા જીવતા રહેવા માટે પૂરતી છે. નહીં તો મેં ક્યારનું જીવવાનું છોડી દીધું હોત."

એક સાંજે તેમણે આવીને કહ્યું,"આજે એન્ટવર્પના યહૂદીઓને લાવવામાં આવ્યા છે. હું તેમને મળવા જવા નો છું. તેમની પાસે ચોક્કસ મારી પત્ની અને પુત્રની માહિતી હશે."

પછી તેઓ ક્યારેય ન દેખાયા. કદાચ તેમને તેમના પરિવાર વિષે "સાચા" સમાચાર મળી ગયા હશે.

રાત્રીના સમયે અમેં બધા અમારી પથારીઓમાં સુતા સુતા મુશ્કેલીઓને ભૂલવા માટે યહૂદી લોકગીતો ગાતા. અમારામાં અકીબા નામે એક સારો ગાયક પણ હતો. તે પોતાના ઘૂંટાયેલા અવાજમાં લોકગીતો ગાતો. કેટલાક ઈશ્વરના વિચિત્ર ન્યાય અને મુક્તિની વાતો કરતા. મારી વાત કરું તો મેં પ્રાર્થના કરવાનું છોડી દીધું હતું. હું ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર નહોતો કરતો પણ મને તેના ન્યાય વિષે હવે શંકા હતી.

અકીબા બોલ્યો,"ભગવાન આપણી પરીક્ષા લઇ રહ્યા છે. તેઓ આપણે શેતાનને મારવાની આપણી ઈચ્છાઓ પર કાબુ મેળવી શકીએ છીએ કે નહીં તે જોવા માંગે છે. તે આપણે આપણી અંદરના શેતાનને પહેલા મારીએ એમ ઈચ્છે છે. આપણને દુઃખી થવાનો કોઈ અધિકાર નથી. તે જેટલી ક્રુરતાથી આપણને દુઃખ આપે છે તેટલો જ તે આપણને પ્રેમ કરે છે."

અમારી વચ્ચે રહેલો એક પાદરી કોઈ અવતાર દ્વારા અમને પડી રહેલા દુઃખોના અંતની વાતો કરતો. આ બધી વાતો વચ્ચે હું વિચારતો કે મારી મા અને મારી બેહનો ક્યાં હશે? કેવી હાલતમાં હશે?

"તારી મા અને બહેનો સુરક્ષિત હશે. તેમની ઉંમર વધુ નથી અને તેઓ શારીરિક રીતે સ્વસ્થ છે માટે તેઓ લેબર કેમ્પમાં હશે." મારા પિતા મને સાંત્વના આપતા. અમે બન્ને આ વાત દ્વારા અમારું મન મનાવવાનો પ્રયત્ન કરતા.

બધા જ કારીગરોને બીજા કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા હતા. અમારા જેવા કોઈ પણ કામ ન જાણતા બહુ થોડા જ હવે આ કેમ્પમાં બચ્યા હતા.

"આજે તમારો વારો છે જવાનો," બ્લોક સેક્રેટરીએ એક દિવસ જાહેરાત કરી. "તમારે આના પછીના ટ્રાન્સપોર્ટમાં જવાનું છે."

દસ વાગ્યે અમને અમારું રોજનું રાશન આપવામાં આવ્યું. ડઝન એસ.એસ.ના સૈનિકોએ અમને ઘેરી લીધા. અમને મુખ્ય ગેઇટની બહાર લઇ જવામાં આવ્યા. પેલું મુખ્ય ગેઇટ પર મારેલું પાટિયું અમે ફરી વાંચ્યું,"કામ જ મુક્તિ અપાવે છે." અમારી ગણતરી કરવામાં આવી. થોડીવાર પછી અમે ખેતરોથી ઘેરાયેલા રસ્તા પર ખુલ્લા આકાશ નીચે ચાલી રહ્યા હતા.

અમે ધીરે ધીરે ચાલી રહ્યા હતા. અમારા ગાર્ડસને કોઈ જલ્દી નોહતી તેના કારણે અમે ખુશ હતા. અમે કેટલાક ગામ વચ્ચેથી પણ પસાર થયા. ગામમાં રહેતા જર્મનો કોઈ પણ જાતના આશ્ચર્ય વગર અમને જોઈ રહ્યા હતા. તેમણે કદાચ આવા ઘણા કાફલાઓ પસાર થતા જોયા હશે.

રસ્તામાં અમે કેટલીક જર્મન છોકરીઓને પણ જોઈ. કેટલાક એસ.એસ.ના સૈનિકોએ તેમને રીઝવવાના પ્રયત્નો શરૂ કર્યા. છોકરીઓએ અનુકૂળ પ્રતિભાવ આપ્યા અને સૈનિકો સાથે હસીને વાતો કરવા લાગી. થોડીવાર પછી સૈનિકો તે છોકરીઓ સાથે ચુંબનો અને પ્રેમપત્રોની આપ લે કરી રહ્યા હતા. અમે ચુપચાપ તેમના પ્રેમાલાપ નિહાળી રહ્યા હતા. અમને થોડા સમય માટે તેમના પ્રહારો અને અદેશોમાંથી મુક્તિ મળી હતી.

આશરે ચાર કલાક પછી અમે બુના ના કેમ્પમાં પહોંચી ગયા.

બુનાનો કેમ્પ જાણે કોઈ રોગચાળાના કારણે ખાલી થઈ ગયો હોય તેમ લાગતું હતું. કેમ્પમાં બહુ ઓછા કેદીઓ સારા કપડામાં આંટા મારી રહ્યા હતા. અમારે ફરીથી નાહીને "શુદ્ધિકરણ"ની પ્રક્રિયામાં પસાર થવું પડ્યું. કેમ્પનો પ્રમુખ થોડીવાર પછી અમારી પાસે આવ્યો. તે એક પોહળા ખભા અને વાંકડિયા વાળ ધરાવતો જાડો માણસ હતો. તેનું ગળું અને હોઠ જાડા હતા. તે એક દયાળુ માણસ હોય એમ લાગતું હતું. થોડી થોડી વારે તેની આંખોમાં હાસ્ય ડોકાઈને ચાલ્યું જતું હતું. અમારા કાફલામાં ઘણા બાર થી પંદર વર્ષના છોકરાઓ હતા. તેણે તેમને અલગ બેસાડ્યા. તે છોકરાઓને બ્રેડ અને સૂપ આપવામાં આવ્યું.

અમને નવા કપડાં આપવામાં આવ્યા. મોટા ભાગના કેદીઓ કામ પર ગયા હતા. તેઓ જયારે પાછા ફરે ત્યારે અમને અલગ અલગ કામ માટેની ટુકડીઓમાં મુકવામાં આવનાર હતા. સાંજે કામ પરથી બધી જ કેદીઓની ટુકડીઓ પાછી આવી ગઈ. બધાની હાજરી લેવાઈ. અમે જુના કેદીઓ પાસેથી કઈ ટુકડીઓ સારી અને કઈ ખરાબ તેની માહિતી મેળવવા લાગ્યા.

બધાનો એક જ મત હતો કે બુનાનો કેમ્પ બીજા કેમ્પ કરતા પ્રમાણમાં સારો હતો. અહીં જીવતા રેહવું પ્રમાણમાં સેહલું હતું. માત્ર બાંધકામ કરતી ટુકડીમાં આવવાથી બચવાનું હતુ.

જાણે કઈ ટુકડીમાં જવું તે નક્કી કરવાનું અમારા પર હોય.

આ વખતે અમારો બેરેક પ્રમુખ એક જર્મન હતો. તેનું શરીર ખુબ જ જાડુ હતુ. તેને હરવા ફરવા માટે પણ ખુબ પ્રયત્નો કરવા પડતા. અમારા કેમ્પ પ્રમુખની જેમ જ તેણે પણ અમારી સાથે રહેલા બાર થી પંદર વર્ષના છોકરાઓને સૂપ અને બ્રેડ આપ્યા. તેની આ વિશેષ દયાનું કારણ મને પછી ખબર પડી. કેમ્પમાં રહેલા સજાતીય ઓફિસરો વચ્ચે આવા છોકરાઓની ખુબ ડિમાન્ડ હતી.

બેરેક પ્રમુખે અમને જણાવ્યું કે અમારે બધા એ તેની સાથે ત્રણ દિવસ રેહવું પડશે પછી બધાને અલગ અલગ કામની ટુકડીઓમાં મુકવામાં આવશે. આવતી કાલે બધાનું મેડિકલ ચેકઅપ થશે.

પ્રમુખ સાથે રહેલો એક છોકરો મારી પાસે આવ્યો. તે પેલા જર્મનનો ખાસ માણસ હોય તેમ લાગતુ હતુ. તે આવીને બોલ્યો,"હું તને સારી ટુકડીમાં રખાવી દઈશ પણ તેના બદલામાં તારે મને તારી પાસેની એક વસ્તુ આપવી પડશે."

"મારે મારા પિતાથી અલગ થવું નથી." હું બોલ્યો.

"જો તું તારા બુટ મને આપી દે તો હું તને અને તારા પિતાને સારી ટુકડીમાં રખાવી દઈશ." તે મારા નવા બુટ તરફ જોઈને બોલ્યો.

તેને મારા બુટ ગમી ગયા હતા પણ હું તેને તે આપવા માંગતો નોહતો.

"હું તને તે સિવાય બે દિવસનું જમવાનું પણ એક્સ્ટ્રા આપીશ. બોલ શું કહે છે?" તેણે મને વિચારતો જોઈને પોતાની ઓફર વધારી.

મારા બુટ મને બહુ પ્રિય હતા એટલે મેં ના પાડી. મને ક્યાં ખબર હતી કે થોડા સમય પછી કોઈ પણ જાતના વળતર વગર હું મારા બુટ ગુમાવવાનો હતો.

(ક્રમશ:)