Ohh Mamta books and stories free download online pdf in Gujarati

ઓહ્હ મમતા...

હત્યાનું કારણ આજે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. ત્રણ મહિનાઓ થી મમતાના કેસ ઘણા બધા ગવાહો અને પુરાવાઓ પોલીસને મળ્યા હતા. તપાસ ચાલુ હતી. વીકીની નજર સતત ન્યુઝ ચેનલ પર હતી. શું થયું હશે? કોણે મારી હશે? કે પછી આત્મહત્યા? ના, મમતા આત્મહત્યા જેવું પગલું ના ભરી શકે. હું જાણું છું એને. તો પછી કોઈ દુશ્મન? મમતા નો સ્વભાવ કોઈને દુશ્મન ન બનાવી શકે… એ તો સૌની દોસ્ત બનીને રહેતી. બધાને દોસ્ત બનાવી શકતી. તો પછી એનો પતિ? હા, હોઈ શકે. પણ મમતાએ કદી લગ્નજીવન બાબતે ફરિયાદ નહોતી કરી ....તો? કોણ હશે?

ઇન્સ્પેક્ટર રાઠોડની છાતી પાસે ઢગલાબંધ ન્યુઝ ચેનલોના માઈક ગોઠવાઈ ગયા. એક પછી એક સવાલો રિપોર્ટરો તરફથી એક સાથે જ આવી ગયા -

"જુઓ, પુલીસ હેવ કમ્પલીટેડ ધીસ ઇન્વેસ્ટીગેશન. ઇટ્સ નોટ અ સ્યુસાઇડ. ઇટ્સ અ મર્ડર...!!! મમતા ની હત્યા ખુબ જ સિફતપૂર્વક ગળું ઘોટી ને કરવામાં આવી છે. એફ.એસ.એલ પાસે પુરાવા મળ્યા છે. હત્યારાની તપાસની દિશામાં પુલીસ હવે ભાળ મેળવી રહી છે.એ જલદી જ પકડાઈ જશે. થેંક્યું."

વીકી જોઈ રહ્યો. એ મનોમન ગણગણ્યો. " મેં કહ્યું હતું ને! મમતા આત્મહત્યા ન કરી શકે ....નક્કી એનો પતિ... અથવા કોઈ જુનો દુશ્મન.... કદાચ પાંચ-સાત વર્ષ પહેલાનો કોઈ..... ચાર વર્ષથી હું મમતા ને ઓળખું છું......ખુબ અંગત રીતે ઓળખું છું...

વિકીએ એક નિ:સાસો નાખ્યો અને ગરદન પાછળ ઝુકાવીને સીલીંગ તરફ જોઈ રહ્યો. આંગળીઓ ટીવી અને ન્યુઝ ચેનલો વાળનો બબડાટ હજુ ચાલુ હતો.

'વીકી, તું કેમ લખતો નથી?'

'શું લખું?'

'કઈ પણ. જે તને પસંદ પડે. કોઈ પણ મુદ્દા પર લખ.....પણ તું લખવાનું રાખ...'

'ઘણી વખત મને લાગે છે કે હું સર્જન ન કરી શકું. હું શ્રોતા બની શકું, વક્તા નહિ.'

'પણ તારું લખાણ લોકો પસંદ કરે છે.'

'મમતા, બે-ચાર લાઈનો લખવાથી કોઈ લેખક નથી બની જતું. આજકાલના 'યુવનીયાઓ' ક્યાંક કોઈ લેખ વાંચીને-સાંભળીને એક ફકરો લખી નાખે છે અને પોતાની જાત ને લેખક નો ખિતાબ આપી દે છે અને આપણી મુર્ખ પ્રજા તેને 'રાઈટર', 'સાહિત્યકાર', 'આર્ટીસ્ટ' જેવા નામો આપીને એની મૂર્ખામી સાબિત કરી દે છે. આ તો પેટ ભરીને ખાઈ લીધું અને પછી ઓકી નાખ્યું. એ સર્જન નથી, ઉલટી છે, મનનો મેલ છે. કોઈના લખાણની અસર મન પર રહી ગઈ છે એનું પ્રતિબિંબ છે. હું પ્રતિબિંબમાં માનતો નથી. પ્રતિબિંબ વાસ્તવિક નથી, કાલ્પનિક છે. ભલે પોતાનું છે, પણ સત્ય નથી, જુઠું છે, મમતા, બધું જ જુઠું છે, ફરેબી છે, પૂરી દુનિયા ફરેબી છે. હું સાચો છું એમ નથી કહેતો, પણ.... એ જુઠાણું મને એ ગમતું નથી.'

'તો તું શું લખવા માંગે છે?'

'મને ખબર નથી.'

'તને પ્રેમ જોઈતો હોય તો હું છું ને ....પ્રેમ પર તો કેટલા કવિઓએ પુસ્તકો ભરીને લખ્યું છે...આઈ થીંક તું પ્રેમ પર તો લખી જ શકે ..'

'હું બધું જ લખી શકું છું ...'

'....તો લખને....' મમતાએ વચ્ચેથી જ વાત કાપીને વિકીને કહી દીધું.

"અત્યારે કોઈ બુક વાંચે છે?"

"ના..."

"કઈ વાંચવું હોય તો હું બુક સજેસ્ટ કરું.."

"ના..."

"વીકી..."

બધું જ ક્ષણભરમાં યાદ આવી ગયું. અને એક જ નામ, 'મમતા'... અત્યારે એ ન હતી. કોઈ એ એનું ખૂન કર્યું હતું. એના અવાજોનાં ભણકારા કાન પર, મગજ પર, દિલ પર બધે જ અથડાતા રહ્યા. 'વીકી.. તું કેમ લખતો નથી...! ઓહ્હ મમતા...

એક સિગરેટ તેણે પેકેટમાંથી કાઢી. હવે એક જ બચી હતી. માચીસ હાથમાં લઈને, હોઠમાં સિગરેટ દબાવીને એ બારી પાસે ઉભો રહ્યો. સામેના ઘરમાંથી એક સ્ત્રી બહાર આવીને રમતા બાળકને તેડીને અંદર લઇ ગઈ. સ્ટ્રીટ લાઈટો સાંજ થવાને લીધે શરુ થઇ ગઈ હતી. સૂર્ય ડૂબી રયો હતો. પાછો આવશે, કાલે. દૂધવાળો સાંજનું દૂધ ઘરે-ઘરે પહોચાડતો જતો હતો. દૂર ક્યાંક મંદિરમાં થતી આરતીનો ઘંટ સંભળાતો હતો. ચાર-પાંચ ડુક્કરો સીધી લાઈનમાં એકબીજાની પાછળ-પાછળ કાલી રહ્યા હતા. દૂર ક્ષિતિજ પર સૂર્ય લાલ હતો. મીલો ના ધુમાડામાં આછો પડતો જતો, ડૂબતો, ફરી ઉગવા માટે. હવામાં પોતાની જ સિગરેટના ધુમાડાને વીકી જોઈ રહ્યો. એણે એક કશ ખેંચ્યો. સિગરેટ ફરી લાલ થઈને સળગી ઉઠી.

બહાર ડોરબેલ વાગી.

સિગરેટને એશ-ટ્રેમાં દબાવીને વીકીએ દરવાજો ખોલ્યો.

"મિસ્ટર વીકી તમે જ છો?"

"હા... હું જ વીકી..."

"મમતા મર્ડર કેસમાં તમારી સાથે થોડી વાતચીત કરવી છે. અમે અંદર આવી શકીએ?"

"તમે પુલીસમાંથી છો? તમારો યુનિફોર્મ?"

"અમે ડી-સ્કવોડ માંથી છીએ. હવે અમે અંદર આવીએ?"

"જી... આવો બેસો..."

પાણી અપાઈ ગયું. સામેની સિંગલ સોફા-ચેર પર વીકી ગોઠવાઈ ગયો. સામે પાંચ ઓફિસરના ચહેરાઓ સવાલો સાથે તૈયાર હતા.

"જી.. તમે પૂછી શકો..." વીકી એ શરૂઆત કરી.

"મમતાને કેટલા સમયથી ઓળખો છો?"

"લગભગ ચાર વર્ષ..."

"એમના પતિ તમને ઓળખે છે?"

"ના... ક્યારેય મુલાકાત થઇ નથી.."

"તમે મમતા ને કેટલી વાર મળ્યા છો?

"લગભગ પાંચ-છ વખત..."

"તમારા બંનેના મુલાકાતની જાણ એમના પતિને છે?"

"ના..."

"ઓહ્હ... તો તમારો સંબંધ લગ્નેત્તર છે.. આઈ સી.."

"ના એવું નથી.."

"એવું જ છે મિસ્ટર વીકી... મમતાના મર્ડરની રાત્રે તમે એમને મળવા ગયેલા અને પછી ત્રણ કલાકમાં એમની લાશ અમને પેટ્રોલિંગ દરમિયાન મળી આવી છે... તમારા કોલ રેકોર્ડ્સ પણ છે અમારી પાસે. અને મમતાના મોબાઈલ પર તમારા ફિંગરપ્રિન્ટ્સ પણ મળ્યા છે..."

"તમે મારા ફિંગરપ્રિન્ટ્સ ક્યારે લીધા?"

"વીકીજી.. તમને ખ્યાલ નહિ હોય, પણ છેલ્લા ત્રણ મહિનાથી અમારી સ્કવોડ તમારા પર નજર રાખે છે. તમારા ઘર પર, ઓફીસ પર, લેન્ડલાઈન કોલ્સ પર, બધે જ..."

"તમે આવું કેવી રીતે કરી શકો? કોઈ પુરાવા વગર તમે મારા પર આમ આક્ષેપ ન લગાવી શકો..."

"ચુપ..."

પાંચમથી વીકીના ડાબે બેઠેલા ઓફિસરે ઉભા થઇને અવાજ ફાડીને કહ્યું.

"ચુપચાપ અમારી સાથે ચલ, નહીતો મીડિયાવાળાને બોલાવીને ન્યુઝ આપીશ કે મમતાનો હત્યારો પકડાઈ ગયો છે, મિસ્ટર વીકી શાહ..."

વીકીના કપાળ પર પરસેવો બાઝી ગયો. પાણીનો અડધો ભરેલો ગ્લાસ પકડીને એ ગટગટાવી ગયો.

"ઠીક છે... હું આવું છું... પણ પહેલા હું એક સિગરેટ પી શકું?"

" હવે ચાલ.. લોક-અપ માં તને બિરયાની પણ ખવડાવીશ... ઇડીયટ સાલો..." પેલા ઉભા થયેલા ઓફિસરે રૂઆબ બતાવતા બોલી નાખ્યું.

"કઈ નહિ... પી લો.." પૂરી વાત-ચિતમાં શાંત રહેલા ઓફિસરે કહ્યું. અને પેકેટમાંથી છેલી સિગરેટ કાઢીને વીકી ફરી ગેલેરીમાં ચાલ્યો ગયો.

સૂર્ય દેખાતો નહોતો. અંધારું થઇ ચુલ્યું હતું. પીળી સ્ટ્રીટ-લાઈટોના પ્રકાશના ધબ્બા રોડ પર પડતા હતા. ક્યારેક-ક્યારેક કોઈ વાહન પસાર થઇ જતું હતું.

એક લાંબો કશ ખેંચીને વીકીએ સિગરેટને હોલવ્યા વગર પાળ પર મૂકી દીધી. પાછળ જોયું. પાંચમાંથી ત્રણ ઓફિસરો તેને બ્રાઉન વિન્ડો-ગ્લાસમાંથી જોઈ રહ્યા હતા.

અચાનક જ તેણે પગ ઉછાળ્યા અને એક હાથ પાળી પર રાખીને બહાર છલાંગ લગાવી દીધી.

સાતમા માળેથી એક શરીર હવામાં વીંઝતા પવનના અવાજ સાથે નીચે ગયું. આંખો બંધ અને શરીરમાં નસો ફાટી જાય એવો વેગ. ગેબી અવાજ સાથે તે નીચે પટકાયો. ખોપડી ફાટી ગઈ હતી. ગણતરીની સેકન્ડોમાં જ આસપાસની દુકાનવાળા અને રાહદારીઓ ભેગા થઇ ગયા. લોહી જમા થવા લાગ્યું. તેના પર માખીઓ બણબણતી નહોતી. લોહી ગરમ હતું કદાચ એટલે. ધીમે ધીમે ખૂન બહાર આવીને વહેવા લાગ્યું. આંખો બંધ થઇ ગઈ અને હલન-ચલન પણ.

ઉપરથી પાંચેય ઓફિસરોના ચહેરાઓ પાળીની બહારથી દેખાઈ રહ્યા હતા.

"મને પેહેલેથી જ શંકા હતી... બાસ્ટર્ડ સાલો...." એક ઓફિસરે કહ્યું..

"ચાલો... કેસ ક્લોઝ્ડ"

પાળીની બહાર સિગરેટ અડધી જલીને રાખમાં બદલાઈ ગઈ. માચીસની અડધી બહાર એક દીવાસળી ડોકું કાઢતી હતી. એક પવનની લહેરકી આવીને રાખ ઉડાડી ગઈ...

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED