19109 ગુજરાત ક્વીન એક્ષ્પ્રેસ Chetan Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

19109 ગુજરાત ક્વીન એક્ષ્પ્રેસ

અર્પણ

એ તમામ ખુદાબક્ષોને, જેઓ ટ્રેનથી મુસાફરી કરે છે...

જીગ્નેશ આજે પહેલીવાર પોતાના પરિવાર ને સાથે લઈને ટ્રેનની મુસાફરી કરી રહ્યો હતો. પોતે ઘણી વખત ટ્રેનમાં જ અવર-જવર કરતો, પરંતુ પરિવાર સાથે આજે પહેલી વખત સફર કરવાનો હતો. સુરતથી અમદાવાદ જવાનું... પાંચ થી સાડા પાંચ કલાકનો રસ્તો થાય.... જીગ્નેશે અગાઉથી પોતાની પત્ની અંકિતા અને તેનો ૪ વર્ષનો પુત્ર અંશનું રિઝર્વેશન કરાવી લીધેલું. ૧૧ દિવસ પહેલા જયારે રિઝર્વેશન કરાવ્યું ત્યારે ૩૪ નું વેઈટીંગ લીસ્ટ હતું. આ ૧૧ દિવસ તેને સતત PNR Status જોવામાં જ વિતાવ્યા. દિવસમાં કેટલીય વખત ચેક કર્યા કરવાનું... ૧૧ દિવસ સુધી આ તેનો નિત્યક્રમ બની ગયો હતો...

અંતે આજે તે સફરનો દિવસ આવી ગયો હતો. સુરતથી સવારે ૫:૩૮ નો ‘ગુજરાત ક્વીન’ નો ટાઇમ.. જીગ્નેશ સવારે ઉઠીને ૫:૨૦ પર જ સ્ટેશન પર પહોચી ગયો. ‘ગુજરાત ક્વીન’ નાં ડબ્બા-ક્રમ હજુ LCD પર બતાવ્યા નહોતા. પ્રતીક્ષા-ગૃહનો ઉપયોગ ભાગ્યેજ કોઈ ગુજરાતી કરે છે. જીગ્નેશ પણ પ્લેટફોર્મ પર જ્યાં સુધી ડબ્બા-ક્રમ ના લાગે ત્યાં સુધી ઉભો રહ્યો. અચાનક જ અંકિતા એ કીધું.. “તમે મફલર લઇ લીધું હોત તો.. કેટલી ઠંડી છે..”. “અરે ૬ વાગી ગયા છે, હમણાં તડકો નીકળશે એટલે ઠંડી નહિ લાગે...” જીગ્નેશે એની વાતને નકારી કાઢી. ફરી અંકિતા બોલી.. “તો પણ...”. જીગ્નેશે ધ્યાન ના આપ્યું અને પ્લેટફોર્મ પરથી વળાંભીને આગળ જોયું કે ક્યાંક ગાડી ની લાઈટ દેખાય છે કે નહિ, પણ કોઈ લાઈટ દેખાઈ નહિ.

સવાર-સવારમાં સ્ટેશન પર નાના સ્ટોલવાળો ચા બનાવી રહ્યો હતો. તેની ખુશ્બૂ લગભગ અડધા પ્લેટફોર્મ પર પ્રસરી ગઈ હતી. પાણીની બોટલવાળા તેની બેગમાં ૮-૧૦ બોટલ સરખી રીતે ગોઠવતા હતા. એક હાઈ-ફાઈ કપલ આવ્યું. સવાર સવારમાં પણ એટલો મેક-અપ કરેલો હતો જાણે કે પ્લેટફોર્મ પર એને રેમ્પ-વોક કરવાનું હોય. તેની બાજુમાંથી જ એક ભિખારી જેવો લાગતો આધેડ મેલું-ઘેલું કપડું ઓઢીને ધીમે ધીમે પસાર થઇ ગયો. ત્રણ બિહારી યુવાનોનું ગ્રુપ બેઠું બેઠું સવારની તમાકુ બનાવતું હતું. થોડે દુર એક ડોસો પોતાની લાકડી બાજુમાં આડી મુકીને બીડી સળગાવી રહ્યો હતો.

એક સજ્જન દેખાતા ભાઈએ આવીને જીગ્નેશનું ધ્યાનભંગ કરતા પૂછ્યું..” ગુજરાત ક્વીન આ જ પ્લેટફોર્મ પર આવશે?”. “હા...” જીગ્નેશે પોતાની ઘડિયાળ તરફ નજર કરી. જાણે ગાડીઓનો ટાઈમિંગ નો હિસાબ-કિતાબ પોતે જ રાખતો હોય. તેણે દુર નજર કરી. કોઈ લાઈટ દેખાઈ. “ગાડી આવી ગઈ...” તેણે અંકિતાને કીધું અને એક બેગ પોતાના ખભે લઇ લીધી. અંકિતા એ પણ અંશને કાંખમાં તેડી લીધો. લાઈટનો પ્રકાશ મોટો થતો ગયો તેમ તેમ જીગ્નેશે પોતાના ખભે લટકાવેલી બેગને સરખી કરતો ગયો. ક્યાંક ધક્કા-મુક્કીમાં બેગ છૂટી ના જાય. પેલા ત્રણ બિહારી યુવાનોનું ગ્રુપ તમાકુ સાઈડમાં થુકીને ચઢાવા માટે તૈયાર થઇ ગયું. પ્લેટફોર્મના કિનારા પર જે લોકો આરામથી ગાડીની રાહ જોતા હતા એ ટ્રેનનું વ્હીસલ સાંભળીને ઉભા થઇ ગયા.

જીગ્નેશે જોયું કે નજીક આવવા છતાં ટ્રેનની સ્પીડ ધીમી પડી નથી. તરત જ પાછળથી કોઈ બોલ્યું, “અલ્યા, માલગાડી છે...”. જીતેલી બાજી હાથમાંથી જતી રહી હોય એમ સૌ પાછા પોત-પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા. સુમ-સુમ કરતી ધૂળ ઉડાડતી માલગાડી સ્ટેશન પાર કરી ગઈ. પેલા ત્રણ યુવવાનો એ ફરી તમાકુ બનાવવાનું શરુ કરી દીધું.

૧૦ મિનીટ પછી માઈકમાં એનાઉન્સ થયું કે “ અમદાવાદ તરફ જનારી ‘ગુજરાત ક્વીન’ એક્સ્પ્રેસ ટૂંક સમયમાં પ્લેટફોર્મ ક્રમાંક ૧ પર આવી રહી છે...” દુરથી લાઈટ દેખાવાની શરુ થઇ ગઈ. લાઈટ મોટી અને પ્રકાશિત થતી ગઈ અને C5 નો ડબ્બો જીગ્નેશની પાસે આવીને ઉભો રહી ગયો. દરવાજાની બંને બાજુએ લોકોનું ટોળું એકઠું થઇ ગયું. ટોળામાંથી અવાજો આવવા લાગ્યા.. “અલ્યા, પહેલા ઉતારવા દ્યો..” “ચાલો ચાલો જલ્દી...”. એવામાં ડબ્બામાંથી ઉતરતા એક બોલ્યો...” અલ્યા ભઈ ઉતારવા દે પહેલા... આખી ટ્રેન ખાલી જ છે...” ( આવું કહેવાવાળા એ ડબ્બામાં બેઠેલા માણસોની ખરેખર ગણતરી કરી હશે???)

ઉતરવા વાળાની લાઈન જેવી પૂરી થઇ કે તરત જ બખડ-બખડ અવાજ સાથે સૌ કોઈ અંદર ઘુસવા લાગ્યા. જીગ્નેશે પહેલા અંકિતા અને અંશને અંદર જવા દીધા અને પછી તરત જ પોતે ચઢ્યો. બેગને ખભામાં ફસાવી હતી અને બેવ હેંગર પકડી ને ચઢવા ગયો અને તેની બેગ પાછળ ભીડમાં ફસાઈ ગઈ. પોતે ઉપર ચઢવા પ્રયત્ન કરે પણ પટ્ટો ખભામાં અને બેગ ભીડમાં. તેને પાછળ ધ્યાન આપ્યા વગર જ જોરથી અંદર ઘુસવા તાકાત લગાવી અને એક પટ્ટો તૂટી ગયો. પાછળથી કોઈએ બુમ મારી...” અલ્યા ચઢને જલ્દી.. શું કરે છે આ ભઈ...!! પાછળ હજુ બો બધા બાકી છે...”. “હા.. પણ...”. જીગ્નેશે બેગને બાથમાં લઈને ભીડને ચીરતો પોતાની સીટ પર પહોચી ગયો. “આ શું થયું? થેલો તૂટી ગયો?” અંકિતાનું મોં બેગ તરફ જોતા ફાટી ગયું. “ હા... એ... ભીડમાં થોડું...” કહેતા જીગ્નેશ અટકી ગયો. “ તમને કઇ નથી થયું ને?” અંકિતા એ એમની ચિંતા કરતા પૂછી લીધું. “ના... ના...” જીગ્નેશે શર્ટ સરખો કરતા-કરતા વાત પૂરી કરી અને આરામદાયક સ્થિતિ બનાવીને સીટ પર બેસી ગયો. આજુબાજુ જરાક નજર કરી લીધી કે મુસાફરીમાં સાથ આપવાવાળા માણસો કેવા છે!! સામેની સીટ પર એક મહિલા અને એમનાં પતિ બેઠા હતા. બાજુની ત્રણ જણની સીટ પર બે છોકરીઓ અને એક છોકરો બેઠા હતા. નજર કરતા કદાચ એમનો ફ્રેન્ડ હશે એવું જીગ્નેશે મનો-મન માની લીધું. બીજી તરફ ત્રણની સીટ પર એક દાદા-દાદી અને તેની બાજુમાં એક બિહારી યુવાન હતો.

“તમારે ક્યાં? અમદાવાદ જવાનું છે?” જીગ્નેશના અવલોકનમાં ભંગ પડતા સામે બેઠેલા ભાઈએ પૂછ્યું. “હા... ને તમારે?” જીગ્નેશે સામું પણ પૂછી લીધું. “નડિયાદ સુધી...” પેલા ભાઈએ સ્માઈલ સાથે પ્રત્યુત્તર આપ્યો.

“ પપ્પા... તમારો મોબાઇલ આપો ને..!! ” જીગ્નેશ રોકવા જાય એ પેહલા તો અંશે જીગ્નેશના ખિસ્સામાં સીધો જ હાથ નાખીને મોબાઈલ કાઢી લીધો.

“ નહિ... અંશ... નો.. દિકા...” કહીને અંશને રોક્યો પણ અંશ હવે મોબઈલનો માલિક બની ચુક્યો હોય એમ મમ્મીનાં ખોળામાં સંતાઈ ગયો. “ ભલે ને ઘડીક રમતો... હમણાં સુઈ જશે...” એમ કહીને અંકિતાએ વાતને છાવરી લીધી. અંશ ગેમ રમવા લાગ્યો.

ટ્રેનની બીજી વ્હીસલ વાગી અને ધીરે-ધીરે ટ્રેને ગતિ પકડી લીધી. પ્લેટફોર્મ પૂરું ના થયું ત્યાં સુધી જીગ્નેશ બારીની બહાર જોતો રહ્યો.

ખટક - પટક - ખટક – પટક કરીને ટ્રેન નાં પાટા ચેન્જઓવર થવા લાગ્યા. જમીન સાથેની દોસ્તી પળવાર માટે છોડીને ટ્રેન તાપીના પુલ પરથી પસાર થઇ. બુઘુમ - બુઘુમ... બુઘુમ – બુઘુમ કરીને સવારની શાંતિ ને ડીસ્ટર્બ કરતો સરદાર બ્રિજ ગાજી ઉઠ્યો. જીગ્નેશની નજર હજુ પણ બહાર જ હતી. થોડે દૂર બીજા પુલની લાઈટોનું પ્રતિબિંબ તાપીના પાણીમાં ઝળકતું હતું. કિનારા પર તંબુમાં ગરીબ લોકો સુતા હતા. લાઈટો આછી આછી દેખાતી હતી. ઝુંપડીમાં રહેતા લોકો જનરલી સવારે વહેલા ઉઠી જતાં હોય છે અને આલીશાન બંગલોઝવાળાને નિદ્રાદેવીનાં ભયંકર આશીર્વાદ હોય છે.

પૂલનો અવાજ શાંત પડ્યો અને ટ્રેન વળી પછી જમીન પર પહેલાના અવાજની જેમ ચાલવા લાગી.

ઉતરાણ-સાયન-કીમ-કોસંબા પસાર થયું ત્યાં સુધીમાં સૌએ એક-એક ઊંઘ ખેચી લીધી હતી.

જનરલ ડબ્બામાં કોઈ સાંકડ-મુકડ થઈને બેઠા હતા... અને મોટાભાગનાં લોકો ઉભા હતા. આલમારી હમેશાની માફક ખીચો-ખીચ ભરેલી હતી. બારી પાસે લગવેલા હૂકમાં ૩ -૪ બેગ ખીચડક લટકાવેલી હતી. જાણે તેને શૂળીમાં ફાંસી આપી દીધી હોય એમ!!! ઉપરની સીટમાં કોઈ આડા પડીને સુઈ ગયા હતા તો કોઈ એક જણની સીટમાં બે ની જગ્યા કરીને અડજસ્ટ થયા હતા. એક મહિલાના ખોળામાં બાળક સુતેલું હતું અને એના મોં પર પ્રકાશ ના આવે એટલા માટે પાલવ ઢાંકેલો હતો.એક વૃદ્ધ ઉભા ન રહી શકવાના કરને બાલ્કનીમાં સીટનો ટેકો લઈને જ બેસી ગયા હતા. કોઈ મારવાડી સાડીના ૩-૪ પોટલાં દરવાજાની જગ્યામાં જ મુકીને તેના પર બેસેલો હતો અને મોબાઇલમાં કઈંક મેથી મારતો હતો. ( કદાચ એ સવાર-સવારમાં ઓન-લાઈન કઇંક ડીલ કરતો હશે!!!)

ટ્રેન આગળ વધી રહી હતી. એક તીવ્ર દુર્ગંધ આખી ટ્રેનમાં પ્રસરી ગઈ. નબળાં હૃદયની સ્ત્રીઓએ પોતાનો પાલવ અથવા ચૂંદડીનો ડૂચો કરીને મોં પાસે રાખી દીધો. આ વાત એ સાબિત કરતી હતી કે અંકલેશ્વર આવી ચુક્યું હતું.

આલમારીમાં ખીચોખીચ ભરેલી બેગની હારમાળમાં ટ્રેનની ડાન્સ કરવાની આદતના લીધે એક બેગ થોડી બહાર આવી ગઈ હતી. જીગ્નેશે આ વાત નજરમાં લીધી અને મનોમન વિચારી લીધું કે થોડા સમયમાં એ નીચે પડી જશે. તેણે નજર ફેરવી લીધી.

થોડા સમય પછી ટ્રેન ફરી ધીમી પડી અને ફરી એક પુલ શરુ થયો. બારીની બહાર નજર કરી તો ગોલ્ડન કલરનું તોતિંગ સ્ટ્રક્ચર જોઇને જીગ્નેશ સમજી ગયો ક નર્મદા નદીનો ગોલ્ડન-બ્રિજ છે. ભરૂચ આઈ ગયું હતું. હળવે રહીને ટ્રેન ઉભી રહી. પ્લેટફોર્મ પરથી અને રોંગસાઈડથી, બંને તરફથી લોકો ચઢ્યા. ભરૂચથી ચઢાવાવાળા લોકોમાં અપડાઉન અને વિદ્યાર્થી બંને વર્ગના લોકો હોય છે. તડકો ધીમે ધીમે બારીમાં આવી રહ્યો હતો. જીગ્નેશે હળવે રહીને કોણી મારીને અંકિતાની ઊંઘ ભાંગી. અંશ પણ ઉઠી ગયો. વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડી.

(ક્રમશઃ)