બોમ્બ બ્લાસ્ટ Chetan Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

બોમ્બ બ્લાસ્ટ

“બ્ભુમ્મ્મ્મ.....” એક જ ક્ષણના ધડાકાનાં અવાજથી આખું શહેર જાણે ધડબડી ગયું અને દુર દુર સુધી કેટલીય વાર લગી પડઘાઓ સંભળાતા રહ્યા. સવાર થવાને હજુ વાર હતી. લોકો હજુ ત્રીજા પહોરની ઊંઘ લઇ રહ્યા હતા. ગુલાબી ઠંડી અને ટાઢી હવાને લીધે લગભગ તમામ ઘરોમાં લોકો કમરાઓ વાખીને સુતેલા હતા. મારુતિ એપાર્ટમેન્ટમાં સાતમે માળે થયેલા આ ધડાકા એ પુરા શહેરને ઊંઘમાં એક જબરદસ્ત આંચકો આપી અને ફરીથી સુવા માટે મજબૂર કરી દીધા. લોકોને ભાળ મળી ગઈ હતી કે , નક્કી કઈક થયું છે. ધડાકાની તીવ્રતા સાંભળીને દરેક વ્યક્તિ સવારે ઉઠીને ગલ્લા પર, સિગારેટ ફૂકતા, કે પછી પાન થુકીને દીવાલ બગાડતાં કે માવો ખાતાં આ ધડાકાની વાત કરવાનો હતો.

મારુતિ એપાર્ટમેન્ટમાં સાતમાં માળે રહેતાં બાકીના ઘરોમાં કાચ ફૂટી ગયા હતા અને તેનાં કટકાઓ એપાર્ટમેન્ટની પાર્કિંગની ગલીમાં તો વળી રસ્તા પર પડેલા હતા.

સાતમાં માળે એક વેંત પણ દુર ના જોઈ શકાય એટલો ધુમાડો હતો. જે ફ્લેટમાં ધડાકો થયો હતો તેમાંથી હજુ પણ કઈક વસ્તુ નીચે પડવાનો અવાજ આવ્યા કરતો હતો. ફ્લેટનું મેઈન ડોર તૂટી ને પડી ગયું હતું. તેનાં લાકડાનાં ટુકડાઓ લોબીમાં પડેલા હતા અને સળગી રહ્યા હતા.

“રેશમા...... આર યુ ધેર???”

આઠમાં માળે થી ભરતભાઈ હાથમાં ટોર્ચ લઈને નીચે ઉતરતા બોલતા આવ્યા. પણ એને અંધારામાં ધુમાડા સિવાય કઈ જ સુઝ્યું નહિ. ટોર્ચનો પ્રકાશ જ્યાં પણ પડતો હતો ત્યાં ફક્ત ધુમાડો જ હતો. એમણે ફરી વાર બૂમ પાડી.

“રાહુલ..... રેશમા.... આર યુ ધેર???”

પ્રત્યુત્તરમાં ફક્ત કોઈ વાસણ પડવાનો અથવા ફર્નિચરના સળગવાનો અવાજ આવતો હતો. ભરતભાઈ એ એક સળગતા લાકડાને ઓળંગીને આગળ પગ મુક્યો અને ટોર્ચ નો શેડ પાડ્યો. ધુમાડાની આરપાર થઈને ભરતભાઈની નજર જ્યાં પડી ત્યાં તેમના રુંવાડા કંપી ગયા. હાથમાં રહેલી ટોર્ચ ધ્રુજવાને કારણે અંધારામાં પડતો સીધો શેડ ધ્રુજવા લાગ્યો. તેમને પરિસ્થિતિની ભયાનકતા સમજાઈ ગઈ. ટોર્ચ રેશમાના ચહેરા પર અને પછી પુરા શરીર પર ફરી ગઈ. રેશમાની લાશ ઉંધી થઈને પડી હતી. પગનો પોંચો નહોતો. તેની જગ્યાએ થી ઘૂંટી પાસે થી લોહી વહીને જતું હતું. જમણા હાથની કોણી પાસેથી ચામડીનું લાછરું નીકળી ગયું હતું. તેણે પહેરેલા ગાઉનના અમુક જ ફાટેલા ટુકડાઓ તેનું શરીર ઢાંકવા પ્રયત્ન કરતા હતા.બાકીનું શરીર ફાટેલા, સળગી ગયેલા, સળગી રહેલા, કપડામાંથી લાલ થઇ રહ્યું હતું. તેનાં સાથળ પર કાપડનો એક કટકો સળગી રહ્યો હતો જે જોત – જોતામાં ઓલવાઈ ગયો અને તેની જગ્યા પર એક કાળો ધાબ છોડતો ગયો. પોંચાની જગ્યાએથી વહેતું લોહી વધારે થવાને લીધે ખાબોચિયાં જેવું ભરાઈ ગયું હતું. મૃત શરીરની ખુલ્લી આંખો સ્થિર હતી. વિખરાયેલા વાળની એક લટ તેનાં ચહેર પર આવીને ભયાનકતા છુપાવવા પ્રયત્ન કરતી હોય એમ લાગ્યું.

ભરતભાઈ કંપી ઉઠ્યા. એણે ટોર્ચ નું મો ત્યાંથી ફેરવી લીધું. બહાર કરતા ફ્લેટની અંદર ધુમાડો વધુ ઘટ્ટ અને તીવ્ર હતો. ભરતભાઈ ધ્રુજતા પગે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.

રેશમાની લાશ એમણે જે હાલતમાં જોઈ હતી એવી જ અથવા એનાથી વધારે ભયાનક અને ક્રૂર હાલતમાં હજુ બે લાશો જોવા માટે ભરતભાઈ એ મનને મજબૂત બનાવ્યું અને ટોર્ચ ફેરવતા રહ્યા.

આ ફ્લેટમાં રાહુલ, તેની પત્ની રેશમા અને તેનો ત્રણ વર્ષનો છોકરો અંશ રહેતાં હતા. ભરતભાઈ દરરોજ સવારે નોકરી પર જતી વખતે થોડીવાર માટે અંશને રમાડવા આ ઘરમાં આવતા. અંશ બોલતા શીખ્યો એ દીવસથી ભરતભાઈને “તા....તા... “ કહેતો. અને રેશમા એને સુધારતી... “કા... કા... શું કહેવાનું??? બોલ તો... કા... કા.... “ અને અંશ બોલતો.. “તા.... તા....”

ભરતભાઈના દિમાગમાં જાણે સ્મૃતિઓનું ઘોડાપુર ચાલ્યું. અને સ્મૃતિઓ જૂની પણ નહોતી ફક્ત એક દિવસ પહેલા અંશને જે સોફા પર બેસાડીને એ રમાડતો હતો તે સોફાનું રેગ્ઝીન ફાટીને બહાર નીકળીને કાળું પડી ગયું હતુ, સળગતું હતું. અંશની નાની ત્રણ પૈડા વાળી સાયકલની સીટ એક ખૂણામાં પડી હતી. ભરતભાઈ એ ધડકતા દિલે આ બધું જોવાનું હતું. એણે ટોર્ચ બીજા હાથમાં લીધી અને બેડની બીજી તરફ નીચે ફર્શ પર જોયું. ખુલ્લી છાતી એ પડેલો રાહુલ. તેનું મો ફાટી ગયેલું હતું. આંખો ખુલ્લી હતી. વાળ વિખરાઈ ગયા હતા. એનો એક હાથ માથા પાસે ટિપોઈની અડતો હતો તે જગ્યા એ આગ હતી. બીજો હાથ કમર પાસે પડેલો હતો. ટિપોઈ પર સોનાની એક વીંટી,ચેઈન, ઘડિયાળ, વોલેટ બધું જ પડેલું હતું, પણ અસ્તવ્યસ્ત. રાહુલે પહેરેલા સફેદ લેંઘામાં ક્યાંક કાળા ધબ્બા લાગ્યા હતા તો ક્યાંક લોહીના લીધે લાલ ધબ્બા હતા. ભરતભાઈ સ્થિતિને લીધે એટલા બધા ડઘાઈ ગયા હતા કે તેને કોઈને ફોન કરવાનુ ન સુઝ્યું કે ન તો બૂમો પાડીને મદદ મેળવવાનું. તેમના દિમાગમાં ઘણી બધી વાતો ચાલતી હતી. એ જ વાતો જે હજુ એક જ દિવસ પહેલા આ જ સોફા પર બેસીને આ જ માણસ સાથે થઇ હતી. “બદલાયું શું છે?” એનો જવાબ ભરતભાઈની નજર સામે પડેલો હતો. રાહુલ અને રેશમા ની લાશ. પરંતુ હજુ પણ તેનાં પર વિશ્વાસ થઇ શકતો નહોતો. ખુલ્લી આંખે પડેલી રાહુલ ની લાશ ભરતભાઈ થી વધારે વાર જોવાઈ નહિ. તેણે ટોર્ચ ફેરવી લીધી. બારીની બહાર નજર કરી. સાતમાં માળ પરથી ફક્ત દુરની ઊંચી ઈમારતો દેખાતી હતી. નીચેના મકાનની છત પર કપડા સુકાયેલા હતા એક કબુતર બારીની બહારથી ઉડીને પસાર થઇ ગયું. ઉડવું સહેલું છે. સારું છે. તમે હવામાં મુક્ત રહી શકો છો. આકાશમાં કોઈ અવરોધ નથી તમે ગમે તેવી ઉડાન ભરી શકો. ગમે તેટલા ઊંચા જઈ શકો. પડી જવાનો ભય નથી હોતો. પટકવાનો ડર નથી હોતો.તમારી જ પાંખો તમને ઝીલી લે છે. પણ અહી આ ફ્લેટમાં પરિવાર વિખાઈ ગયું હતું. અલબત્ત, મરી ગયું હતું. તેણે કિચન તરફ પગલા વાળ્યા. મોટું ડબલ-ડોર વાળું ફ્રીજ ત્રાંસુ થઈને દીવાલ ને અડકીને ઉભું રહી ગયું હતું એક દરવાજો ખુલો હતો. ફર્શ પર દૂધ – સરબત – બધું ઢોળાઈ ગયું હતું. ટમેટાં – લીંબુ જેવી ગોળ શાકભાજી દડીને બહાર આવી ગઈ હતી, કેટલીક અંદર પણ હતી. એક કાળો ધબ્બો તેણે દીવાલ પાસે જોયો. ત્યાંથી એક પીળી ગેસ લાઈન પસાર થતી હતી. અને બાજુમાં ગેસ સ્ટવ થોડો વળી ગયેલો – ત્રાંસો પાડ્યો હતો. તેણે અનુમાન લગાવી લીધું કે ધડાકાને લીધે ગેસ લાઈન બ્લાસ્ટ થઈ હશે અને બમણો ધડાકો થયો હશે. કિચનની પ્લેટફોર્મની નીચે ફર્નીચરનાં અમુક દરવાજા તૂટી ગયા હતા. અને છેલ્લો દરવાજો સંપૂર્ણ બહાર નીકળી ગયો હતો. તેમાંથી અંદર મુકેલી વસ્તુઓ – વાસણો દેખાતા હતા. કિચનની દીવાલમાં કરેલા કાચના ફર્નીચરમાં લગભગ કોઈ કાચ સાઝો નહોતો.

ભરતભાઈ ને હજુ પણ ભાળ નહોતી મળી કે ધડાકો શેના લીધે થયો હશે? બધું અસ્તવ્યસ્ત લાગતું હતું. દાવાનળમાં ભભુકીને રાખ થયેલા જંગલમાં બળેલાં થડને જોતા જોતા ચાલે એમ ભરતભાઈ એક પછી એક દ્રશ્યો પર થરથરતા દિલે જોવા લાગ્યા. તેણે ફ્લેટમાં લગભગ બધે નજર ફેરવી લીધી, પણ અંશ તેને ન મળ્યો. પરિસ્થિતિને તાગીને, અંશ મૃત જ હશે એમ માનીને અંશના મૃતદેહ માટે ભરતભાઈ ટોર્ચને હવે આમતેમ ફેરવવા લાગ્યા. પરિવારનું કોઈ સ્વજન મૃત શરીરનાં અંશો – અવશેષો એકઠા કરે, શોધી શોધીને એમ અત્યારે ભરતભાઈને અંશને શોધીને આ પરિવારને, એક મૃત પરિવારને શોધીને સંપૂર્ણ કરવાનો હતો. તેનાં શરીરમાંથી ઓચિંતા જ એક ઝણઝણાટી પસાર થઇ ગઈ. રુંવાડા બેઠા થઇ ગયા. આખો સ્થિર રહેતી નહોતી. હાથ ફરી ધ્રુજવા લાગ્યો.

દીવાલ પર તેણે લોહીના ડાઘ જોયા. ત્યાં કોઈ અંગ ભટકાયું હશે એવી પ્રતિકૃતિ થઇ. તે દીવાલ અને બેડ વચ્ચે થોડી જગ્યા તરફ એ આંખો પહોળી કરીને ચાલ્યા. બેડની નીચે જોતા પહેલા તેણે એ દીવાલ પરના લોહીના ડાઘ ને ફરી એક વાર જોઈ લીધો. તેણે ટોર્ચનો પ્રકાશ બેડની નીચે ફેક્યો. બેડની નીચે નું દ્રશ્ય જોઈને એ સફાળા જ બેઠા થઇ ગયા. હૃદય અસામાન્ય રીતે ધબવા લાગ્યું. ટ્રેનનાં એન્જીન ની જેમ, ધમણ ની જેમ. તેનાં કપાળ પર , ગળા પર, બધે જ પરસેવો વળી ગયો. તેણે ફરી પેલા લોહીના ડાઘ પર નજર કરી. તેનાં પગ ધ્રુજવા લાગ્યા. નિર્યણ શક્તિ હવે કમજોર પડી ગઈ હતી. એ લગભગ શૂન્ય મસ્તક થઇ ગયા. અથવા તો એટલા બધા વિચારો આવ્યા કે તેનાં મગજ એ પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું. હવે શું કરવું એની ભાન પડતી નહોતી. ઘરમાં એણે ટોર્ચ ફેંકી અને ચારે તરફની હાલત જોઈ લીધી. જો કે પુરા ઓરડામાં એ પહેલા પણ ફરી ચુક્યા હતા પરંતુ હવે શું કરવું એ સૂઝ ન પડતા તે ઓરડામાં જ ચાલવા માંડ્યા. આંખો પહોળી થઇ ગઈ હતી. હોઠની ઉપર મૂછમાં થોડી – થોડી વારે પરસેવો જામી જતો હતો એને તે આંગળી ફેરવીને લુછી લેતો હતો.

અચાનક તેણે કઈક સુઝ્યું અને ત્વરાથી તે ઘુમીને ફ્લેટની બહાર નીકળી ગયો.

રાહુલના મો પર એક માખી બણ બણી રહી. રેશમાની ખુલ્લી આંખોમાંએની વાળની એક લટ ચુભતી હતી. જો એ મૃત શરીરમાં જીવ હોત તો એ સુંદર ચહેરાને એક લાક્ષણિક અદાથી એ લટને કાનની પાછળ ખોંસી દેત. અને નજાકતતાથી આંખો ઢાળી દેત. રેશમા.