મિશન વસુંધરા AMIN SUNIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન વસુંધરા

મિશન વસુંધરા -૬

દર્શના, એડવાઇઝર અને અણુ વિજ્ઞાની સૌ જોઈ રહ્યા. એ ભેદી ટચૂકડું યાન, નોવામાં સમાઈ ગયું અને સાથે અકિલ પણ.

શાહીનના ચહેરા પર મૂંઝવણ અને હતાશા સ્પષ્ટ ડોકાઈ રહી હતી. આગળ શું થશે અને અકિલની પરિસ્થિતિ શું હશે એ પર શાહીન વ્યગ્રતાથી વિચારી રહ્યો. જેવો અકિલ અહીં પાછો આવે, ફરીથી, અણુ મિસાઈલનો પ્રયોગ કરવાનો વિચાર શાહીન કરી રહ્યો.

એડવાઇઝર સોલી પણ હવે શું થશે અને કેવી પરિસ્થિતિ નિર્માણ પામશે અને જો આવી કે તેવી, પરિસ્થિતિ નિર્માણ પામે તો શું કરવું અને ચંદ્રલોકને ઓછામાં ઓછું નુકશાન પહોંચે એ માટેના વિવિધ ઉપાયો વિચારી રહ્યો. એડવાઇઝર એની જિંદગીમાં આટલો વ્યગ્ર ક્યારેય જોવામાં આવ્યો ન હતો.

દર્શના આ બંનેને જોઈ રહી હતી. એણે નોંધ્યું કે, શાહીન અને સોલી બંને ખૂબ જ સ્ટ્રેસમાં જણાતા હતા, જે બંનેના સ્વભાવની વિરુદ્ધ હતું. એ તથ્ય પણ દર્શના જાણતી હતી.

વાતાવરણ થોડું હળવું કરવા દર્શનાએ વાત કરવાનું નક્કી કર્યું હોય એમ શાહીનને પૂછી રહી.

" શાહીન, એવા તે કયા પોસીબલ કારણો છે જેના કારણો હોઈ શકે જેના કારણે અણુ મિસાઈલ પણ નિષ્ફળ ગઈ?"

અચાનક પુછાયેલ સવાલથી શાહીન ચોંક્યો પણ તત્ક્ષણ શાહીન સ્વસ્થ થઈ ગયો.

"અણુ મિસાઈલ એટલે આખરી હથિયાર હોય છે, જ્યારે કોઈ ચોક્કસ પદાર્થ પર નિશાન રૂપે છોડવામાં આવે છે, આજ સુધી ઘણી બધી ઉલ્કા અને ચંદ્રને ટકરાઈ શકવાની શક્યતાઓ ધરાવતા એ તમામ પદાર્થોને આપણે આ જ અણુ મિસાઈલથી તોડી પાડેલ છે, અહીં કેમ નિષ્ફળ ગયા એય એક મોટો સવાલ છે. " શાહીન કૈક અવિશ્વસનીય રીતે જવાબ આપી રહ્યો. જાણે અણુમિસાઈલનું આમ નિષ્ફળ જવું એને એક સપનું લાગતું હતું.

દર્શનાનું મગજ અત્યારે તીવ્ર ગતિએ કામ કરી રહ્યું હતું.

એણે એડવાઇઝરને પણ એક સવાલ કર્યો. " હવે આગળ શું થઈ શકે એમ છે, એડવાઇઝર?"

અકિલના પરત આવ્યા પછી ખબર પડે કે શું કરવું આગળ, અકિલ સાથે એ નોવાવાળા શું વાતચીત કરે છે એના આધારે નક્કી કરશું. આમ પણ આ પરગ્રહીઓ ખૂબ શક્તિશાળી લાગે છે. અને કરોડો માઈક્રો રોબોટ્સ પણ આપણી આજુ બાજુ ગોઠવાઈ ગયેલા છે. જે એક પ્રકારના સેન્સર કહી શકાય. જે આપણી બધી જ નાનામાં નાની માહિતી ત્યાં પહોંચી જાય છે, જાણે કે કોઈ અદ્રશ્ય રીતે આપણા પર સતત નજર નાખતું હોય!!" સોલી એકીશ્વાસે બોલી રહ્યો.

"હમમ.. માઈક્રો રોબોટ્સ જ જાહેર કર્યા છે હજુ તો, આ પરગ્રહવાસીઓએ શું શું નહીં ગોઠવ્યું હોય!!" દર્શના વિચારી રહી.

બાલ્કની વિન્ડોમાંથી એણે બહાર નજર દોડાવી, બધા જ ચંદ્રવાસીઓ ડરેલા હતા અને ટોળામાં ભેગા થઈને આવી પડેલ આફત પર ગૂફ્તગુ કરતા દર્શના એમને થોડી હતાશા સાથે જોઈ રહી...

***

જેવો અકિલ એ ઈંડાકાર યાનમાં બેઠો એવું જ યાન તીવ્ર ગતિએ પોતાના ગંતવ્ય સ્થાન તરફ હંકારી ગયું.

"યાન ચાલકે અજીબ પોશાક પહેરેલો હતો અને એની ઊંચાઈ લગભગ 8 ફુટ ઉપરની તો હશે જ!! અકિલ એક નજરમાં યાન ચાલકને મનોમન અંદાજી રહ્યો. ચહેરા પર માસ્ક હોવાના કારણે અકિલ યાનચાલકનો ચહેરો જોઈ શકતો ન હતો. અચાનક યાન ચાલકના શરીરમાંથી એક વિચિત્ર ગંધ એ અનુભવી રહ્યો અને અકિલ પોતાનું શરીર શિથિલ પડતું અનુભવી રહ્યો. લગભગ દસેક મિનિટ પછી જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે અકીલે ખુદને એક વિચિત્ર ખુરશીમાં બેસેલો જોયો. અકીલે આજુબાજુ નજર દોડાવી ત્યાં કોઈ ન હતું. સામે એક પારદર્શક કાચ દેખાતો હતો.

અકિલ વિચારી રહ્યો હતો કે એણે ભાન કેમ ગુમાવી દીધું હતું અને અચાનક એ વિચિત્ર ગંધ એને યાદ આવી ગઈ....

"હેલો અકિલ.... " સામે જ રહેલા પારદર્શક કાચમાંથી આવાજ આવ્યો..

અકીલે ધ્યાનથી જોયું,

કોઈ ત્યાં દેખાયું નહીં, તો શું આ કાચ મારી સાથે વાત કરે છે!!.. અકિલ ગૂંચવાયો.

"ચંદ્રલોકના ડાયરેકટર અકિલ, આપ જરા પણ ગભરાતા નહીં, અમે અહીં આપ અને ચંદ્રલોકનું કોઈ નુકશાન કરવા નથી આવ્યા"... ફરીથી એ પારદર્શક કાચ બોલી રહ્યો... અકિલની શું બોલવું એ દિમાગમાં આવતું અટકી ગયું હતું. એક કાચ કેવી રીતે માનવીય ભાષા બોલી શકે એ જ એના દિમાગના બહારની વાત હતી.

"મિસ્ટર અકિલ, અહીં આપને એટલા માટે લાવવામાં આવેલ છે કે આપે, અમને જે પૂછવું હોય એ પૂછી શકો છો, બધા જ સવાલોના જવાબ અપાશે".. ફરીથી એજ શાંત અને કંઈક ગેબી અવાજ અકિલના કાનમાં ગુંજી રહ્યો.

અકિલ પર આ શબ્દોની અસર થઈ, એ થોડોક સ્વસ્થ બન્યો. એના મનમાં એ સ્પષ્ટ થઈ ગયું કે આ દુશ્મન યાન નથી, યા આ કોઈ વિનાશકારી સભ્યતા નથી.

છતાંય આ યાન અહીં કેમ આવ્યું?શુ મકસદ હોઈ શકે? કેમ?વિગેરે જેવા અનેક સવાલથી અકિલનું મગજ ઉભરાઈ રહયું.

ડાયરેકટર અકિલ, સીધી વાત કરવામાં જ માનતો હતો અને એ એનો સ્વભાવ પણ હતો. એની મૂંઝવણ એક જ હતી કે જેની સાથે વાત થઈ રહી હતી એજ દેખાતી ન હતી.

આખરે અકિલ પૂછી રહ્યો..

"ચંદ્રલોક પર આમ ધસી આવવાનું કારણ? અને આપનું મૂળ સ્થાન કયું??

"નોવા 007x" નામની ગેલેક્સી અમારું મૂળ સ્થાન, અને ચંદ્રલોકના લોકોને સુખી અને સમૃદ્ધ ભવિષ્ય આપવાની જવાબદારી સાથે અમે અહીં આવ્યા છીએ. " એ પારદર્શક કાચમાંથી એકદમ શાંત અને ગંભીર અવાજ રેલાઈ રહ્યો.

"આપ કોણ છો અને સામે કેમ નથી આવતા??" અકિલ કૈક વ્યગ્રતાથી પૂછી રહ્યો.

" એ માટે આ યોગ્ય સમય નથી, પણ અમે ચંદલોકવાસીઓ સમક્ષ જરૂર અમારો ચહેરો બતાવીશું".. એકદમ સ્પષ્ટ જવાબ અકિલ સાંભળી રહ્યો.

" મિસ્ટર ડાયરેકટર, મારી વાત ધ્યાનથી સાંભળો, એક મિત્રવત સૂચન છે કે આપ કોઈ હોંશિયારી ના કરો. જેમ આપના એક વિજ્ઞાનિકે અણુ મિસાઈલ છોડલી એમ. એમાં જ આપ સૌની ભલાઈ છે. અમારા તરફથી કોઈ નુકસાન આપને થશે નહીં એની હું ખાતરી આપું છું. " પારદર્શક કાચ સામે અકિલ તાકી જ રહ્યો, પણ કોઈ દેખાયું નહીં....

" તો મિસ્ટર અકિલ, આજે સાંજે આપણે ફરી મળીએ છીએ. ત્યાં સુધીમાં આપ સૌ સાથે વાત કરી લો. " અવાજ કૈક સત્તાધારી રીતે વહી રહ્યો.

અને ફરી અકીલે એજ તીવ્ર ગંધ અનુભવી. આંખ ખોલી ત્યારે એ એ જ જૂની મિટિંગ સ્થળે હતો. !!

આજુબાજુ સૌને ગોઠવાયેલા અને પોતાની સામે તાકી રહેલી આંખોના ભેદ વાંચવાનો નિષ્ફળ પ્રયાસ અકિલ કરી રહ્યો.

"હેલો ડાયરેકટર, હું દર્શના, આ એડવાઇઝર સોલી અને આપણા શાહીન. " દર્શના કૈક ટ્રીકી રીતે બોલી રહી હતી. અકિલને જાણે બધું સમજાતું હોવા છતાં એ હજુ પેલી તીવ્ર ગંધની અસર હેઠળ હતો. લાંબી અવકાશ મુસાફરી પછી અનુભવાતા હેંગઓવર જેવી સ્થિતિ અકિલ અનુભવી રહ્યો હતો. પણ, એ એય જાણતો હતો કે યાનમાં થયેલ મુસાફરી વધુ દૂર થયેલ નહતી.

થોડીવારે અકિલ સ્વસ્થ થયો. સૌ સામે સ્મિત કર્યું અને ત્યાં થયેલ બધી જ વાત વિસ્તારપૂર્વક અકિલ સૌને કહી રહ્યો. કેવી રીતે આ પરગ્રહવાસીઓ પોતાના શરીરમાંથી જ દુર્ગન્ધ છોડીને બીજાને થોડીવાર માટે બેભાન બનાવી નાખે છે એ પોઇન્ટ પણ અકિલ બધાને જણાવી રહ્યો. સૌ વિસ્મિત થઈને ડાયરેકટરની વાત અને એમને થયેલ અનુભવ સાંભળી રહ્યાં. અને એજ ક્ષણે સૌની જાણ બહાર સેંકડો માઈક્રો રોબોટ્સ એમની વાતોને "ડિકોડ" કરી રહ્યા હતા... અકીલે જણાવ્યું કે ત્યાં કોઈ પરગ્રહવાસી હતો નહીં પણ એક પારદર્શક કાચ જ હતો. જ્યારે ટચુકડા યાનમાં એક માસ્કધારી હતો. એથી વિશેષ કોઈ જાણકારી આ પરગ્રહવાસીની મળી નહીં.

" ફરી આજ સાંજે મુલાકાત નક્કી થઈ છે. સૌ સાથે સામુહિક ચર્ચા કરીને નિર્ણય લેવાની તક આપવમાં આવી છે, જે ફક્ત દેખાવ પૂરતી જ હોય એમ લાગે છે.... "અકિલ કહી રહ્યો.. આ દરમિયાન શાહીન પોતની પર્સનલ બેગ ખોલી રહયો હતો અને એમાં કઈક ફંફોસ્તો હતો અને એક ચીજ પર નજર પડતા જ એની આંખો ચમકી ઉઠી.

અકિલનું ધ્યાન એ તરફ ગયું અને એ કશુંક બોલવા ગયો પણ શાહીને હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

એક કોરો કાગળ લઈને શાહીન આગળ વધ્યો અને સાથે એક બોલપેન પણ હતી. કાગળમાં કશુંક લખેલ હતું. એડવાઇઝર સોલી અને દર્શના પણ ધ્યાનથી જોવા લાગ્યા. કાગળમાં એક જ લાઇન લખેલ હતી. " કોઈએ મોઢેથી સંવાદ કરવો નહીં. અને આ કાગળમાં લખીને વિચારો વ્યક્ત કરવા. કારણ કે માઈક્રો રોબોટ્સ આપણે જે બોલીએ એ ત્યાં સંદેશો મોકલવી દે છે. આપણું લખેલ ક્યારેય નહીં મોકલવી શકે. ".

સૌ કોઈ શાહીનના દિમાગ પર વારી ગયા.

શાહીને ફરી કાગળ પરત લીધો અને ફરી કૈક લખીને અકિલની આપ્યો. જેમાં લખ્યું હતું, "દોસ્તો, મેં એક ડીવાઇસ બનાવેલી છે, જે આપણે અકિલની આપશું અને એ ડિવાઇસ દ્વારા એ યાનમાં અકિલ સાથે કોણ વાત કરે છે, એ તરફ દિવાઇસનું મ્હો રાખતા સામેનો બધો જ એરિયા સ્કેન થઈ જશે અને બધીજ વિગતો આ ડિવાઇસમાં રેકોર્ડ થઈ જશે.

સાંભળતા જ અકિલના ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ. એ કોઈપણ ભોગે આ પરગ્રહવાસીના બોસને જોવા માંગતો હતો. અકિલ વિચારે ચઢી ગયો હતો એ દરમિયાન, શાહીને એ ડિવાઇસ અકિલના શૂટમાં સંતાડી દીધી. વિચારોના વમળમાંથી નીકળતા જ અકિલ સૌને પૂછી રહયો.

"ચંદ્રલોક માટે શું નિર્ણય લઈશું દોસ્તો?"..

અકિલ અને સૌ એડવાઇઝર સોલી સામે જોઈ રહયા.

"દોસ્તો, આપણી પહેલી ફરજ છે માનવજાતની બાકી રહી ગયેલ વસ્તીને બચાવવી અને એને સંવર્ધન આપવું, કોઈપણ ભોગે. ". સોલી મક્કમ સ્વરે બોલી રહ્યો.

અને નિયત સમયે ફરી એ યાન અકિલની લેવા આવી ગયું. અકીલે એક નજર એડવાઇઝર સામે નાખી અને યાનમાં બેસી ગયો. ફરી એજ પ્રક્રિયાનું પુનરાવર્તન થયું.

હવે અકિલ ફરી એ જ ખુરશીમાં અને એ જ ચીરપરિચિત પારદર્શક કાચ સામે બેઠો હતો.

"હેલો મિસ્ટર અકિલ, જણાવો શુ નક્કી કર્યું?

અને અકિલ સાથે ફિટ કરેલ ઇન્ફ્રા રેડ સ્કેનિંગ ડિવાઇસ, સમગ્ર રૂમનું સ્કેનિંગ કરી રહી હતી.

"બસ એ જ, કે માનવજાતની ખુશી અને એની સલામતી આપના હાથમાં સોપીએ છીએ આશા છે કે કોઈ દગો નહીં થાય"... અકિલ થોડો લાગણીભર્યા અવાજે બોલી રહ્યો.

" આપના ચંદ્રલોકની ચિંતા હવે અમારા શિરે". ફરીથી ધીરો અને ગંભીર અવાજ કાચમાંથી રેલાઈ રહયો.

થોડીક મિનિટ્સ બાદ મિટિંગ પુરી થઈ, હવે ચંદ્ર પર , પરગ્રહવાસીઓનું રાજ હતું, સત્તાના સૂત્રો એમના હવાલે કરવામાં આવ્યા હતા...

અને એ સાથે જ અકિલનો અવાજ, સમગ્ર ચંદ્રલોકમાં વ્યાપી ગયો અને જાહેરાત કરી રહ્યો કે નોવાવાસીઓ હવે આપણા સર્વ સતાધીશ છે.. અને અકીલે ત્યાંથી વિદાય લીધી, સાથે મનમાં એક અજંપો અને ઉત્તેજના હતી કે આ પરગ્રહવાસીની જાણકારી હવે પ્રાપ્ત થશે. અકિલના દિલને થોડું સુકુન એટલે હતું કે, પરગ્રહીઓ જરાય નુકશાનકારક ના હતા, પૂર્ણ મિત્રતાપૂર્ણ એમનું વલણ અત્યાર સુધી જોવાયું હતું. છતાંય એમનું આ રીતે આગમન જરાય સમજી શકાય એમ હતું નહીં. ખેર, એતો પછી પડશે એવા દેવાશે એમ અકિલ વિચારતો , ટચુકડા યાનમાં પરત ફરી રહ્યો.

***

અકિલ, સોલી, દર્શના એક નાના રૂમમાં હાજર હતા અને સામે જ એ સફેદ પડદા જેવું હતું. કદાચ આ એક મીની થિયેટર હતું.

શાહીન એક બાજુ કૈક વાયરો એટેચ કરી રહ્યો હતો અને એની પાસે અકીલે આપેલ એ ડિવાઇસ હતું જેમાં બધી જ માહિતી એકઠી થયેલ હતી.

શાહીને દિવાઇસનું એક બટન ઓન કર્યું અને એ સાથે જ સામેના સફેદ પડદા પર એક રહસ્યમય રૂમનું ચિત્ર ઉભરી રહ્યું.

ફક્ત અકિલ જ દેખાતો હતો આખા રૂમમાં. અને અચાનક સામેના પડદા પર કૈક અજીબ આકૃતિ ઉપસવા મંડી, એક પારદર્શક કાચ અને એના બિલકુલ પાછળ એક વિશાળ કદની આકૃતિ અકિલ સામે તાકીને જોઈ રહી હતી, પણ આકૃતિ એટલી ધૂંધળી હતી કે સ્પષ્ટ દેખી શકાતું ન હતું. કદાચ એ કાચને કારણે હશે!!. અકિલ વિચારી રહ્યો....

સૌ સ્તબ્ધ બનીને એ આકૃતિના હાવભાવ સામે જોઈ રહ્યા હતા. ધીરે ધીરે આકૃતિ વધુ સ્પષ્ટ થવા માંડી અને જેવી આકૃતિ પૂર્ણ રૂપે સ્પષ્ટ દેખાઇ એવી જ દર્શના ચીસ પાડી ઉઠી....

***

અવકાશવીર નીલ અને એની ટીમ સામે દેખાતો નજારો જોઈ જ રહયા, એકદમ અલગ જ પ્રકારનું બ્રહ્માંડ એમની નજરે પડી રહ્યું હતું,

કશાય ખટકા વગર યાન વર્મ હોલમાંથી પસાર થઈ ચૂક્યું હતું, વર્મહોલની સામાન્ય બધી જ ધારણાઓ ભાંગીને ભુક્કો થઈ ચૂકી હતી, એવું કશું જ જોવામાં આવ્યું હતું નહીં કે જે થિયરીઓમાં હજુ થોડીક ક્ષણો પહેલા જ સમજાવાયું હતું. વિના અવરોધે વર્મહોલની એ ભેદી ટનલ પસાર થઈ ચૂકી હતી અને નીલની ટીમ એક નવા જ બ્રહ્માંડમાં પ્રવેશી ચુકી હતી.

અચાનક દીપકે અનુભવ્યું કે યાન કોઈ અદ્રશ્ય શક્તિના કારણે ચોક્કસ દિશામાં ખેંચાઈ રહ્યું હતું.. સમગ્ર બ્રહ્માંડ વાદળી રંગે રંગાયેલું હતું. વિવિધ ગ્રહો અને ઉલ્કાઓ જાણે યાનની આજુ બાજુથી પસાર થઈ રહી હોય એમ લાગતું હતું. ગ્રહો અગણિતની સંખ્યામાં અહીં તહીં ઘૂમી રહ્યા હતા. સૌના જીવ પડીકે બંધાયેલ હતા કારણ કે એ નક્કી હતું કે ગમે તે સમયે ગમે ત્યાં ટકરવાની સાંભવના ઊંચી હતી

અને જે ધાર્યું હતું એમ જ થયું. એક વિશાળ ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ નિલના યાનને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. અને પછીની થોડી જ ક્ષણોમાં યાન એ ભેદી ગ્રહના વાતાવરણમાં પ્રવેશી ગયું..

નિલની સાથે સાથે સૌ અવકાશવીરોએ ચુસ્ત રીતે શરીરને, સીટ સાથે બાંધી રાખ્યા હોવા છતાંય વાતાવરણમાં પ્રવેશતા જ બધા હલબલી ઉઠ્યા, એક તેજ લીસોટા રૂપે યાન, આ અજનબી ગ્રહના વાતાવરણની પ્રથમ સપાટીને ચીરતું અંદર ઉતરી રહ્યું.

અનિષની નજર ગ્રહની ભૂમિ પર પડી અને એ આશ્ચર્યચકિત બનીને જોતો જ રહ્યો...

દૂર દૂર સુધી ફક્ત હરિયાળી જ ફેલાયેલી હતી અને અફાટ મહાસાગરના મોજા ઉછળતા એ દેખી રહયો. વિશાળકાય વાદળો સમગ્ર મહાસગરને ઢાંકવા મથી રહ્યા હતા..

યાન હવે વધુ ને વધુ નીચે ઉતરતું સૌ અનુભવી રહ્યાં.

"યાન પરથી કંટ્રોલ પેનલ ડિસ્ટર્બ થઈ ગઈ છે, યાન કંટ્રોલ બહાર જઈ રહ્યું છે".. અચાનક નીલ બોલી રહ્યો. એ સાથે જ સૌના ચહેરા પર ભયની લાગણી ફેલાઇ ગઈ.

" દોસ્તો, આપણું યાન આ ગ્રહની ધરતી પર ગમે ત્યાં ત્રાટકી શકે છે, કદાચ આપણે જીવતા પણ ના રહીએ, દોસ્તો અલવિદા.... " નીલ બોલી રહ્યો....

નીલ એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં તો યાન એક પ્રચંડ ધડાકાભેર દરિયામાં તૂટી પડ્યું....

ક્રમશ: