મિશન વસુંધરા AMIN SUNIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન વસુંધરા

"વર્મહોલ આપણને કેવી રીતે મદદરૂપ થઇ શકે?" મિતાલી પૂછી રહી.

સાથે જ બધાના ચહેરા પર આતુરતા ડોકાઈ રહેલી જોઈને મિસ ફાગૂન પૂછી રહયા. " આમ તો આપ સૌ વર્મહોલ નામથી પરિચિત હશો જ, છતાંય ફરી એકવાર ટૂંકમાં વર્મહોલ એટલે શું એ જણાવી દઉં".

"ના, ટૂંકમાં શુ કરવા, લોન્ગમાં સમજાવો. એક વખતમાં પણ પૂરું સમજાવો. " દિપક એની આદત મુજબ ઉતાવળ કરી રહ્યો.

"ઓકે, સ્યોર. " ફાગૂને સમજાવવાનું શરૂ કર્યું.

"વર્મહોલ એક સૈદ્ધાંતિક સુરંગ યાની એક શોર્ટકર્ટ રસ્તો છે, વર્ષો પહેલા આઇન્સ્ટાઇને જ્યારે સાપેક્ષતાની થિયરી આપી એ મુજબ વર્મહોલ બ્રહ્માંડમાં કોઈ એક જગ્યાએ યા અનેકોનેક જગ્યાએ સમય અને આકાશને એકસાથે જોડે છે. " આટલું બોલીને મિસ ફાગૂન થોભ્યા.

" પણ મારે તો કઈ આવું ભણવાનું આવેલ નહીં!!" ફરી દિપક ઘંઘો થયો.

"હા, એ આપના રેકોડ્સ જોતા ખ્યાલ આવે છે જ દિપક ડેશિંગ" હિના મજાક કરી રહી.

હીનાની આ અચાનક આવી પડેલી ટીખળથી દિપક જરા થોથવાયો. એ જોઈને સમગ્ર ઓરડામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

અત્યાર સુધી ઓરડામાં એક અજીબ પ્રકારની સ્તબ્ધતા અને અકળામણ છવાઈ ગયેલી હતી જે હીનાના એક નાના પ્રયાસ દ્વારા હળવી બની. હીનાની આ ખૂબીને ફાગૂન મનોમન બિરદાવી રહયા. એમની નઝર નીલ પર ગઈ. એ કૈક પૂછવા માંગતો હોય એમ લાગ્યું. ફાગૂને આંખોના ઈશારે સહમતી આપી.

"શુ અમારે આ વર્મહોલ નામના શોર્ટકર્ટ રસ્તાથી મુસાફરી કરવાની છે?? અને ક્યાં મુસાફરી કરવાની છે??

" વેલ, એક પછી એક બધા જ મુદ્દે આજે ચર્ચા થશે. ચર્ચાને અંતે જો આપ સૌ આ મિશન સાથે સહમત થશો તો જ આગળ વધશું, પણ એ પહેલાં વર્મહોલની થોડીક વધુ માહિતી હું શેર કરી દઉં" ફાગૂન કહી રહ્યા.

"વર્મહોલમાં નકારાત્મક ઉર્જા, સમય અને સ્થાનને પોતાની અંદર ખેંચે છે, જે એક સુરંગના સ્વરૂપે દેખાય છે. બીજું એ કે બ્રહ્માંડમાં કશુંય ઠોસ નથી કે નથી સપાટ. જેમકે કોઈ ચિઝને એકદમ નજીકથી જોવામાં આવે તો એમાં અનેક છેદ અને લીસોટાઓ, દરારો જોવા મળે છે. ભૌતિક વિજ્ઞાનના નિયમ અનુસાર સમય પણ એમાં અપવાદ નથી જ" ફાગૂન પુરી ગંભીરતાપૂર્વક કહી રહ્યા.

"સમયમાં પણ દરારો??" અનિષ આશ્ચર્યચકિત બનીને પૂછી રહ્યો.

" હા, અનિષ. કારણ કે સમય પણ એક પરિમાણ એક આયામ જ છે".

"ઓહહહ: સમજાયું".. અનિષ બબડયો.

" મૂળભૂત ત્રણ આયામોમાં આ પરિસ્થિતિ સરળતાથી નજરે પડે છે. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈમાં જે વસ્તુ સત્ય છે એજ વસ્તુ ચોથા આયામ માટે પણ એટલીજ સત્ય છે, અને એ ચોથું આયામ એટલે સમય.

સમયમાં પણ વર્મહોલ રહેલા હોય છે, હજારો, લાખો. પણ એ એટલા નાના હોય છે કે નરી આંખે દેખી શકવું મુશ્કેલ હોય છે. સતત અને લગાતાર બનતા અને લગાતાર નષ્ટ થતા આ સૂક્ષ્મ વર્મહોલમાંથી એક વ્યક્તિ કે એક આખું યાન પસાર થઈ શકે એ અશક્ય છે". ફાગૂન વધુ ગંભીર અને ભાવવાહી અવાજમાં સમજાવી રહ્યા... "

"પૃથ્વીલોકમાં સદીઓ પહેલા એવી અનેક કલ્પનાકથાઓ અને ફિલ્મો બની ગઈ હતી જેમાં અવકાશવીરોને આ વર્મહોલમાંથી ટ્રાવેલ કરતા દર્શાવ્યા છે. જોકે એ સમયે વર્મહોલ એક થિયરીથી કશું વધુ હતો નહીં. આજે આપણી જાણમાં એવા અનેક વર્મહોલ્સ છે જેનાથી આપણે ખૂબ ઓછા સમયમાં ઘણી લાંબી અવકાશ મુસાફરી કરી શકીએ એમ છીએ.

અહીં આપણા માટે એક પ્લસ પોઇન્ટ એ છે કે એક વર્મહોલ આપણને ખૂબ ઉપીયોગી થશે અને એ આપણા મિશનની કરોડરજ્જુ છે. "

"ટાઈટનથી સેંકડો માઇલ્સ દૂર એક વર્મહોલની માહિતી પ્રાપ્ત થઈ છે. અને ચોક્કસ પ્રયોગોના આધારે એ સાબિત થયું છે કે એ જગ્યા વર્મહોલ જ છે".

"એવા તે કયા પ્રયોગો કર્યા છે એ અમને જણાવી શકશો મેડમ?" દિપક અધિરાઈને કૈક જિજ્ઞાસાવશ ફરી પૂછી રહ્યો.

"વેલ, વધુ ટેકનીકલ બાબતમાં ના ઉતરતા સરળતાથી સમજાવી દઉં કે એક બે ભંગાર યાન એ એરિયામાં છોડતા એ બંને યાન અદ્રશ્ય થઈ ગયા હતા. !! અફાટ તારા વિશ્વમાં બે જ જગ્યાએ એવું બને.. એક તો "બ્લેક હોલ"માં. બીજું "વર્મહોલ" માં.

જો બ્લેકહોલ આટલો નજીક હોત તો આપણો આ ટાઈટન બચવા પામ્યો ના હોત. !! બ્લેકહોલ હંમેશા એક ગ્રેવીટી ધરાવે છે અને પોતાના ગુરુત્વાકર્ષણથી પોતાની આસપાસની સઘળી ચીજોને પોતાના અંદર ખેંચે છે.

જ્યારે વર્મ હોલમાં વસ્તુ જેતે એરિયામાં પ્રવેશે તો જ પ્રવેશીત વસ્તુને નુકશાન થાય છે. બાકી નહીં. "

સૌ કાન દઈને મિસ ફાગૂનને સાંભળી રહ્યા હતા.

અચાનક મિસ હિનાએ ફાગૂનનો ઈશારો મળતા બોલવાનું શરૂ ક કર્યું.

" દોસ્તો, આપણી પૃથ્વી, આપણું જૂનું ઘર, ત્યાં પણ બે વર્મહોલ શોધાઈ ચુક્યા હતા. જેના નામ કદાચ આપથી અજાણ હશે જ. એક વર્મહોલ જેનું નામ હતું "બર્મ્યુડા ટ્રાયન્ગલ". બીજો હતો જાપાન નામના દેશની પાસે.

ત્યાંથી પસાર થનાર વિમાન અને જહાજ કોઈ કોઈ વખત ગૂમ થઈ જતું હતું. વર્ષોના સંશોધન પછી પણ એ વખતની માંધાતા મરીન સંસ્થાઓ કે લેટેસ્ટ ઉપગ્રહો કે નાસા-ઈસરો વગેરે આનો જવાબ શકેલા નહીં. કારણ કે વર્મહોલની એવી અવધારણા ત્યારે વિકસીત થયેલી કે વર્મહોલનું મુખ હંમેશા ખુલ્લું જ હોય. એક છેડો હંમેશા ઓપન ડોર હોય એમ. "

પણ, એ વખતના એક મહાન વૈજ્ઞાનિક નામે સ્ટીફન હોકીનસે એક અજબ થિયરી રજૂ કરીને દુનિયાને ચોંકાવી દીધું. એ થિયરી અંતર્ગત આ બંને પૃથ્વી હયાત વર્મહોલના મુખ એક ચોક્કસ સમયે જ ખુલતા હતા!!"

"તો શું એમ કહી શકાય કે બહારની દુનિયાના લોકો એ વર્મહોલ દ્વારા જ પૃથ્વી પર આવતા હતા યા એનો એક દ્વાર તરીકે ઉપિયોગ કરતા હતા??" અનિષ પૂછી રહ્યો.

" હા. ચોક્કસ. એમ કહી શકાય. પૃથ્વીના વિવિધ જંગલોમાં મળી આવેલ અનેક પુરાતન ગુફાઓમાં સ્પેશ શૂટ સાથેના ચિત્રો દોરેલા મળેલ હતા જ. કદાચ એ પણ એક શકયતા છે કે પૃથ્વી પર જે માનવ જીવન ખીલ્યું એ કોઈ અતિ વિકસિત એલિયન સભ્યતાની દેખરેખ હેઠળ વિકસ્યું હોય!!"

હિના એક અનુભવી પૃથ્વી એક્સપર્ટ હતી અને એ વિશેષતા હીનાની ખૂબજ ઊંડી અને ડિટેલમાં અપાતી માહિતી દ્વારા નિખરી આવતી હતી.

નિલનું ધ્યાન સતત હિના પર મંડરાયેલું હતું છતાંય એનું અતિ શાર્પ માઈન્ડ હીનાએ રજૂ કરેલ એક એક શબ્દ પર વિચારી રહ્યું હતું અને એ વિચારના અનુસંધાને જ નિલ પૂછી રહ્યો .

"શુ આપણું મિશન વસુંધરા એટલે પૃથ્વી પર પાછું જવું એ છે??!!"

"હા, કૈક એવું જ".. જવાબ સાથે ફાગૂન ભેદભર્યું સ્મિત ફરકાવી રહ્યા.

દિપક ડેશિંગ આમ તો તડ ને ફડમાં માનનારો જીવ હતો અને હંમેશા ધીરજ ખોઈ બેસતો.

" હા અને પાછું કૈક એવું જ!! એટલે કહેવા શુ માગો છો મેડમ, જે કહેવું હોય એ સ્પષ્ટ કહો, ગોળ ગોળ શુ વાત ચલાવો છો, મગજની મેથી મારી દીધી તમે તો યાર!!" દિપક જાણે પૂરો કંટાળી ગયો હોય એમ બોલી ઉઠ્યો.

" આપ અવકાશવિર છો કે પોલીસ ઇન્સ્પેકટર??" હિના એના મોહક અંદાજમાં હસતા હસતા પૂછી રહી.

ફરી ઓરડો હાસ્યથી ઉભરાઈ રહ્યો.

" હવે હું જે કહેવા માગું છું અને જે કહીશ એ પૂરું ધ્યાનથી સાંભળજો દોસ્તો" ફાગૂન કહી રહી.

" આપ સૌને પસંદ કરવામાં આવ્યા છે એક એવા મિશન માટે, જેનાથી શેષ રહેલ અને પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલી માનવજાતને એક નક્કર ઠેકાણું મળે, જ્યાં એ એ નૈસર્ગીક રીતે વિકસી શકે.

ઘણા વર્ષોથી જે સ્થળની મુલાકાત લેવાનું ગોઠવાયું હતું એ સમય હવે આવી પહોંચ્યો છે. એકાદ મહિનાની ટ્રેનિંગ બાદ આપ સૌને એ મિશન પર મોકલવામાં આવશે.

કોઈએ કોઈ સવાલ હોય તો પૂછી શકો છો દોસ્તો" ફાગૂને સમાપનના અંદાજ માં કહ્યું.

" આ નવુ સ્થળ એટલે કયું??" અનિષ પૂછી રહયો.

" નવુ સ્થળ એટલે જ નવી પૃથ્વી- આપણી જ પૃથ્વી પણ કદાચ નવા જ અંદાજ માં!!" ફાગૂન કહી રહી...

" અને આ નવી પૃથ્વી કયા આવી?" મિતાલી પ્રશ્ન કર્યો.

"પ્રતિ ભ્રહ્માંડ માં".... ફાગૂન અપાર્થિવ ભાવે બોલી રહી....

"પ્રતિ બ્રહ્માંડ!!!' સૌ આશ્ર્ચચકિત સવારે પૂછી રહ્યા..

સૌને આશ્ચર્યની ગર્તામાં ધકેલીને મિસ ફાગૂને મિટિંગ સમાપ્ત કરી.

***

ડાયરેકટર અકિલ, ફાગૂન દ્વારા લેવાયેલ મિટિંગમાં જાણી જોઈને હાજર રહ્યો ના હતો. નિર્ણયોમાં કઠોર આ અકિલ હદયનો મૃદુ ઇન્સાન હતો. મિશન કેટલું જાનલેવા છે એ જાણતો હોવાના કારણે જ એ મિટિંગમાં ભાગ લઈ શક્યો ન હતો. પોતાની સૌથી બેસ્ટ અવકાશવીરોની ટીમ એણે મિશન વસુંધરા માટે લગાવી હતી. એક એવું મિશન કે જ્યાંથી પાછા ફરવાની શકયતા તો હતી જ પણ પાછા ફરી શકશે જ એ જરાય નક્કી હતું નહીં.

પોતાની ઓફીસની બાલ્કનીમાંથી નીલ દૂર દૂર સુધી નજર નાખી રહ્યો. મધ્ય બપોર હતી તોય સૂર્ય ફિક્કો દેખાતો હતો આજે કેમ એ કઈ નક્કી ના કરી શક્યો.

કદાચ અકિલનું ધ્યાન વિચારોમાં વ્યસ્ત હોવાના કારણે અકીલે એવું ખુદને સમજાવ્યું. પોતાની વર્ષોની મહેનતના કારણે જ ચંદ્રલોક પર મીની પૃથ્વીનું સર્જન થઈ ચૂક્યું હતું. અહીં રહેતા માનવોને કોઈ કહેતા કોઈ તકલીફ હતી નહીં. આનુવંશિક અને જિનેટિક રોગોના ઈલાજ શોધાઈ ચુક્યા હતા અને હવે એ ભૂતકાળની વાત રહી હતી. આયુષ્ય પણ સરેરાશ માણસનું સો વર્ષનું મિનિમમ રહેતું હતું..

અચાનક ધીમા પણ ઘેઘૂર આવજે અકિલનું ધ્યાન ભંગ કર્યું. એક દિલને ધ્રુજાવી નાખતો આવાજ ક્યાંથી આવી રહ્યો હતો એ સમજી શકતો હતો નહીં અને ત્યાંજ એની નજર દૂર ક્ષિતિજ પર મંડરાઈલ રહેલ એક અજીબ ચીજ પર પડી.

"ઓહહહ શુ ચીજ હતી એ??!!" અકિલ વિચારી રહ્યો.

ધીરે ધીરે એ મોટુ વાદળું આકાશમાં વધુને વધુ ઉપર ચઢવા લાગ્યું અને અકિલની દિશામાં આગળ વધવા લાગ્યું. અકિલ બસ સ્તબ્ધ થઈને જોઈ જ રહ્યો.

આ કોઈ વાદળ હતું નહીં. આ એક વિશાળકાય યાન હતું અને યાન હવે ધીરે ધીરે સમગ્ર ચંદલોકની વસ્તીને ઢાંકી રહ્યું..

બિલકુલ અકિલની ઓફીસ પર આ મહાકાય યાનનું સેન્ટર ગોઠવાઈ રહ્યું. એક ગોળ રકાબી પ્રકારનું આ યાન!!. અકિલ સ્તબ્ધ થઈને જોઈ રહ્યો અને અનેક સવાલ એના દિમાગમાં આવી ગયા...

ત્યાંજ અકિલની નજરે કૈક નોંધ્યું અને અકિલ બબડી ઉઠ્યો

"NOVA 007x".... ઓહઃ આતો પેલું જ ભેદી યાન!!

સમગ્ર ચંદ્રલોક પર અંધારાની કાળી છાયા ફરી વળી અને ત્યાંજ, યાનની મધ્યમાંથી તીવ્ર પ્રકાશપૂજ ચંદ્રલોકની ધરતીને અજવાળી રહ્યો...

અકિલ બસ જોઈ જ રહ્યો.. જોતો જ રહ્યો...

"દોસ્ત કે દુશ્મન!!" અકિલ વિચારી રહ્યો.…

***