મિશન વસુંધરા AMIN SUNIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન વસુંધરા

મિતાલી સુઈ રહી હતી કે તંદ્રામાં હતી કંઈ ખ્યાલ આવી રહ્યો ન હતો. એના હોઠ અસ્પષ્ટ રીતે ફફડી રહયા હતા અને શ્વાસોશ્વાસ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા. એના ઉન્નત ઉરોજ ઊંચા નીચા થઈ રહ્યા હતા. બધા અવકાશવીરોના મુકાબલે, મિતાલીની સ્લીપિંગ એક્ટિવિટી તેને અસામાન્ય જણાઈ રહી હતી.

એક વિશાળ સ્કિન સામે નજર નોંધીને બેઠેલ યુવતી નામે ક્રિના, ટાઈટનની એક માઈન્ડ એનાલાઈઝર, સ્વપ્ન એક્સપર્ટ હતી. તમામ અવકાશવીરોની સ્લીપિંગ ટાઈમ ગતિવિધિઓ નોંધી રહી હતી. દિપક, અનિષ, નીલ.. સૌ ઊંડી ઊંઘમાં સરી પડેલ હતા. ક્રિના નોંધી રહી. કશુંક ટપકાવતી ગઈ.

કશુંક એવું હતું જે મીતાલીને સપનામાં સતાવતું હતું યા કશુંક ભયાનક સ્વપ્ન એ જોઈ રહી હતી. !!

ક્રિના નોંધી રહી કે મિતાલીના ચહેરા પર હવે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો હતો. શરીર પરસેવાથી લથબથ થઈ ચૂક્યું હતું.

અને અચાનક.... મિતાલી ચીસ પાડી ઉઠી. ઉભી જ થઇ ગઇ..

ક્રિના તરત જ દોડીને મિતાલી પાસે ગઈ. સાથે બીજા સાથી અવકાશવીરો પણ મિતાલીની ભયાનક ચીસથી સફાળા જાગી ઊઠયા.

"કોઈ ખરાબ સ્વપ્ન જોયું કે શું??".. મીતાલીની પીઠ પર હળવો હાથ ફેરવતા ક્રિના પૂછી રહી.

મિતાલી અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ચૂકી હતી.

"હા, એક ખૂબ જ ભયાનક સ્વપ્ન", એના અવાજમાં એક ડર આવી ગયો.

"ઓહઃ કેવું સ્વપ્ન જોયું મિતાલી?".. નીલ પૂછી રહ્યો.

અનિષ અને દિપક પણ મિતાલીએ સ્વપ્નમાં શુ જોયું એ જાણવા ઉસ્તુક થઈ રહયા.

"સ્વપ્નમાં મેં જોયું કે, માનવ બાળકો અતિ અસામાન્ય વર્તન કરી રહ્યા હતા, નાના નાના બાળકો પથ્થર ખાઈ રહ્યા હતા.. !!" બોલતા જ મિતાલીના ચહેરા પર એ વિચિત્ર સ્વપ્નની યાદ તાજા થઈ ગઈ. દિપકે આ નોંધ્યું.

"અરે કેવા કેવા સ્વપ્ન જોવે છે આ મિતાલી!!" દિપક હસતા હસતા, મીતાલીની મજાક ઉડાવી રહ્યો, એ આમ કરીને એના ડરને દૂર કરવા માંગતો હતો. બધા જ દિપકને ટેકો આપી રહ્યા.

પણ, નીલ એની વાતને ખૂબ ગંભીરતાથી સાંભળી રહ્યો હતો. મિતાલીને ઘણી વખત અજીબોગરીબ સપના આવતા અને એમાંથી ઘણા સાચા પડયાના દાખલા પણ એમની ટીમ જાણતી હતી. જોકે, આ વખતનું સપનું નીલનેય થોડું વધુ પડતું લાગતું હતું.

"મિતાલી, આગળ કહો આપે શુ જોયું?" અનિષ પણ પૂછવા લાગ્યો.

"અનિષ, સપનામાં જોયા મુજબ એક સાથે ઘણા બધા બાળકો હવામાં ઉડતા હતા અને જાદુઈ કરતબો કરતા હોય એમ, હવામાં અઘ્ધર બોલ નાખતા અને ઉડીને પકડી લેતા!!. "મિતાલી હેરાન થઈને બોલી રહી.

"હવામાં ક્રિકેટ રમતા બાળકો, પાણી પર ચાલતા બાળકો.. મેં જોયા" મિતાલીએ સ્વપ્નમાં જોયેલ ઘટનાઓને આગળ વધારી.

"છેલ્લે, મેં જોયું એ મુજબ, બાળકો વિચિત્ર રીતે આપણી સામે જોઈ રહ્યાં હતાં અને જાણે એ માનવોના સંતાન જ ના હોય એમ વર્તન કરતા હતા!!.

"વધુ તો હું ત્યાં ડરી ગઈ જ્યારે આ જ બાળકોએ ધરતીને એક બાજુથી આરોગવાનું ચાલુ કરી દીધું!!"

મિતાલીએ સ્વપ્નમાં જોયેલ બધી ઘટના જણાવી દીધી .

બધુ સાંભળ્યા બાદ નીલ ઊંડા વિચારમાં પડી ગયો હતો.. એ જાણતો હતો કે મિતાલીને ઘણી વખત પૂર્વભાસ થતો હતો અને ભવિષ્યમાં બનનાર ઘટનાઓની ઝલક, સ્વપ્નમાં પણ એ જોઈ શકતી હતી. કદાચ એને "ટેલીપથી" કહી શકાય!! નીલ બબડયો. હા, કદાચ આ ટેલીપથી જ હતી, જે કુદરતી રીતે જ મિતાલીને બક્ષિસમાં મળી હતી.

આ તરફ, ક્રિના ગંભીરપણે મિતાલીનો સ્લીપિંગ રિપોર્ટ અને એણે જોયેલ અજીબ સ્વપ્ન વિશે માહિતી આપી રહી હતી ત્યારે મિસ ફાગૂનના ચહેરા પર કદી જોઈ ના હોય એવી ગંભીરતા છવાયેલ હતી. ફાગૂન કેમ આટલા ગંભીર હતા એ કઈ ક્રિનાને ખ્યાલ આવ્યો નહીં.

"મિસ હિના, આપ સૌ અવકાશવીરોને અહીં હાજર કરો, એક ઇમરજન્સી આવી પડી છે" ફાગૂન થોડા વ્યગ્ર અવાજે કહી રહયા.

થોડીક જ વારમાં બધા જ અવકાશવીરો મિસ ફાગૂનની ઓફિસમાં ગોઠવાઈ રહયા.

આ વખતે, મિસ ફાગૂનની જમણી બાજુ હિના અને ડાબી બાજુ ક્રિના બેઠા હતા.

ફાગૂને બોલતા પહેલા થોડું ગળું ખોંખાર્યું, બધાની નજર એમના ઉપર જ હતી અને સૌ વિચારી રહ્યાં કે એવું તો શું કામ આવી ગયું કે કશુંક અણધાર્યું થઈ ગયું કે શું!! એકદમ અચાનક કેમ મિટિંગ બોલાવવી પડી!!

ગળું સાફ કર્યા બાદ મીસ ફાગૂને શરૂ કર્યું.

"દોસ્તો, એક અતિ અગત્યની માહિતી, સમજો કે એક બુરા સમાચાર છે. "ફાગૂન દુઃખી સ્વરે બોલી રહી.

"શુ બુરા સમાચાર છે??" અનિષ પૂછી રહ્યો.

"દોસ્તો, આપણો સંપર્ક ચંદ્ર લોક થી કપાઈ ગયો છે!!". મિસ ફાગૂને દુઃખદ સમાચાર આપ્યા.

" શું"!!

"ના હોય!!

"કેવી રીતે!!!"

સૌ એક સાથે એકસામટા પ્રશ્નોના તીર છોડી રહયા.

"છેલ્લી માહિતી પ્રમાણે જે ફોટોગ્રાફ્સ અને ડિટેલ છે આપણી પાસે, એ મુજબ આપ લોકોને રસ્તામાં મળેલ યાન 007x NOVA, ચંદ્રલોકના આકાશમાં જોવા મળેલ. પછી અચાનક જ સંપર્ક કપાઈ ગયેલ છે!!" ફાગૂન કૈક વિચારપૂર્વક અવાજે બોલી.

સૌ અવકાશવીરોના ચહેરા પર વ્યગ્રતા છવાઈ ગઈ.

"અને આપણા મિશનનું શું?" દિપક પૂછી રહ્યો.

સૌ ફરી ઉત્સુકતાપૂર્વક ફાગૂનની દિશામાં જોઈ રહયા.

" વેલ, ચંદ્રલોકનું એક જ મિશન હતું, કે આપ સૌને અહીં પહોંચાડવા. જે કામ પૂરું થઈ ગયેલ છે, આગળ મિશન કેવી રીતે આગળ વધારવું એ મારા હાથમાં છે. પણ, છતાંય જો ચંદ્રલોકનો કોન્ટેકટ બરકરાર રહ્યો હોત તો સારું હતું એમ. " ફાગૂન બોલી રહી.

સૌના ચહેરા પર ટેંશન છવાઈ ગયું. સૌ ચંદ્રલોક પર આવી પડેલ આફતરૂપી યાન અને હવે ચંદ્રલોકમાં શુ સ્થિતિ હશે એ પર વિચારી રહ્યાં.

***

અતિ વિશાળકાય ઊડતી રકાબી જેવું યાન સમગ્ર ચંદ્રલોકની વસ્તીને સમાવી રહ્યું હતું. ચંદ્રની ધરતીથી યાન લગભગ દસેક કિલોમીટરની ઊંચાઈએ સ્થિર હતું. ચંદ્રલોકની એ નાની માનવ વસાહતમાં એક ભયનું મોજું ફરી વળ્યું હતું. સૌ એ વિશાળકાય યાનને લઈને અનેક તર્ક વિતર્ક કરી રહયા હતા. લોકો વધુ તાજ્જુબ તો યાન ઉપર અંકિત "007x NOVA" થી થઈ રહ્યાં હતાં.

આજે સતત બીજો દિવસ હતો, યાન ચન્દ્રલોક પર ચૂપચાપ ભેદી રીતે મંડરાઈ રહ્યું હતું. એક જ વખત ફેંકેલા પ્રકાશ સિવાય, એ યાનમાંથી કોઈ ગતિવિધિ નજર આવી હતી નહીં.

ડાયરેકટર અકિલના દિમાગમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. અને કોઈ અજ્ઞાત ભયના ઓથાર નીચે અકીલે ચંદ્રલોકના ચાવીરૂપ પ્રતિનિધિઓની એક અરજન્ટ બેઠક બોલાવી હતી. અતિ ગુપ્ત ધોરણે સૌને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

અણુ વિજ્ઞાની શાહીન, એડવાઇઝર સોલી, ઈમરજન્સી અફેર્સના નિષ્ણાત દર્શના, અને ડાયરેકટર અકિલ વચ્ચે ગુપ્ત મિટિંગ શરૂ થઈ.

"દોસ્તો, આ મિટિંગ કેમ બોલાવવામાં આવી છે એતો આપ સૌ જાણો છો જ, ચંદ્રલોક પર એક ભેદી યાન આવીને મંડરાઈ રહ્યું છે છેલ્લા બે દિવસથી, કશી જ હિલચાલ નથી એ યાન તરફથી, પણ કશુંક તો અણધાર્યું બનશે, જે આપણી ફેવરમાં પણ હોય અને વિરુદ્ધમાં પણ હોય, બધું જ શકાય છે!!" અકિલ બોલી રહ્યો.

" વધુ શકયતા એ છે કે આ યાન આપણને હાનિ પહોંચાડશે, માટે આ યાનને ખતમ જ કરી દો" એડવાઇઝર સોલી એમની લાક્ષણિક તડ- ફડ ની અદામાં બોલી રહ્યા.

" એટલી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી, પહેલા એ જુઓ કે યાનની હવેની હિલચાલ કેવી રહે છે. જો ચંદ્રલોકની વસાહત અને ચંદ્રલોકના સાર્વભૌમત્વ પર ખતરો આવશે તો આપણે એ ભેદી યાનને અણુ મિસાઈલથી ઉડાવી દઈશું".. ઇમરજન્સી અફેર્સના વડા દર્શના બોલી રહ્યા.. અકીલે આ વાત પર દર્શના સાથે સહમતી દર્શાવી.

"મિસ્ટર શાહીન, શું આપણું અણુમિસાઈલ આ ભેદી યાનને તોડી શકશે?!!" અકિલ સાવચેતીના ભાગ રૂપે પૂછી રહ્યો.

" હા, ડાયરેકટર. આપણા પાસે એવી મિસાઈલ્સ છે જે આવા યાનને ચપટીમાં ખતમ કરી શકે છે. બસ એક જ મિસાઈલ કાફી છે, અગ્નિ 100 એ અત્યાધુનિક આવૃત્તિ છે. આ મિસાઈલના એકમાત્ર વારથી ભલભલા યાનના ભાંગીને ભુક્કા થઈ જાય એની હું ગેરન્ટી આપું છું"... શાહીન બોલી ઉઠ્યો.

"દોસ્તો, આમ ગુપ્ત રીતે મળવાનું કારણ તો આપ જાણો છો કે જ્યારથી આ યાન આપણા પર મંડરાઈ રહ્યું છે, તમામ સંદેશાવ્યવહારના સાધનો ડબ્બો થઈ ગયા છે. અને આપણો ટાઈટન સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. જોકે, આપણે એ જાણતા નથી જ કે, આપણા ટાઈટન પરના કોન્ટેકટ પણ આ યાન દ્વારા બ્લોક થઈ ગયા છે!!મને લાગે છે કે, આ યાન નથી પણ એક મહાકાય જામર છે. જે, ચંદ્રલોકની તમામ રેડિયો તરંગોને હાલ રોકી રહ્યું છે. " અકીલે ચિંતાના સૂરમાં કહ્યું.

"આ યાન ચોક્કસ કઈ દિશામાંથી આવેલ છે ડાયરેકટર?" દર્શના કૈક વિચારતા પૂછી રહી.

"વેલ, દર્શના, આપે ખૂબ સરસ અને અગત્યનો સવાલ કર્યો. આ મુદ્દે જ ગૂંચવણ છે કે, યાન પાસે સંપૂર્ણ માનવભાષાના જ ચિહ્નો અંકિત છે , જ્યારે સાલ આજથી એક હજાર વર્ષ પછીની અંકિત છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, આ યાન કોઈ એવી પૃથ્વી પરથી આવેલ છે જ્યાં આપણા જેવી જ ભાષા અને સભ્યતા હોવી જોઈએ. એક બીજી શકયતા એ છે કે, યાન કદાચ "મલ્ટી યુનિવર્સમાંથી પણ આવેલ હોઈ શકે" અકિલ માહિતી આપી રહ્યો.

"યાન જે ધાતુમાંથી બનેલ છે એ આપણા ક્રાંતિકારી મેટલ "કેડીટ" કરતા ય વધુ હળવા મેટલમાંથી નિર્મિત દેખાય છે, અજીબ વાત એ છે કે, યાન સંપૂર્ણ રીતે સિલ્વરનું બનેલું છે, યા સિલ્વર કોટેડ છે. " અકીલે યાનની વધુ માહિતી આપી.

"આપણા ગુપ્ત મિશનનું શું?" અહીં પણ એ જ સવાલ પુછાઈ રહ્યો હતો.. પણ અલગ વ્યક્તિ દ્વારા અને અલગ સ્થળે. આ વખતે એડવાઇઝર સોલી પૂછી રહ્યા હતા.

"આપણા તરફથી, એ મિશન પૂરતો આપણો ભાગ પૂર્ણ રીતે સંપન્ન થયો છે, હવે આગળ શું કરવું અને શું ન કરવું, એનો નિર્ણય મિસ ફાગૂન એમની સમજ મુજબ લેશે. મને લાગે છે કે આપણું એ ગુપ્ત મિશન આગળ વધશે જ" અકિલ જવાબ આપી રહ્યો.

" ચંદ્રલોક પર આવી પડેલી આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા સૌએ તૈયાર રહેવું પડશે. શારીરિક અને માનસિક બંને રિતે. આ યાન ગમે ત્યારે કંઈ પણ કરી શકવા શક્તિમાન લાગે છે, અચાનક ગેરીલા હુમલો પણ કરી નાખે, કંઈ નક્કી કહી શકાય નહીં" અકિલ બધા પાસા વિચારતા બોલી રહ્યો.

અકિલ આમ બોલી જ રહ્યો હતો, ત્યાં જ વાતાવરણમાં એક કર્કશ ધ્વનિ ગુંજી ઉઠ્યો.. .

એક તીવ્ર અને ભેદી અવાજ,

જરાય માનવીય લઢણ નહીં તોય સંપૂર્ણ માનવીય ભાષાના એ શબ્દો.. .. .

"હેલ્લો ચંદ્રલોકવાસીઓ.. . "

ઓહહહ:!! આ અવાજ ક્યાંથી આવ્યો એ બધા શોધી રહ્યા અને દર્શનાએ સૌને બારીમાંથી દેખતા એ વિશાલ યાન તરફ જોવા ઈશારો કર્યો. ફિક્કા પ્રકાશમાં એ યાન લાખો નાનીમોટી લાઈટોથી ઝગમગી રહ્યું હતું. જાણે કે વિશાળ પ્રકાશ પુંજ!!સમગ્ર ચંદ્રલોક પણ પ્રકાશિત થઇ ઉઠ્યું. હવે સૌ સાબદા થઈને સાંભળી રહ્યાં. સૌના મગજમાં એક જ સવાલ ઉભરતો હતો કે"આ એલિયનો આપણી ભાષા, એય આટલી શુદ્ધતાથી કેવી રીતે બોલી રહ્યા હતા!!"

"ચંદ્રલોકવાસીઓ જરાય ગભરાઓ નહીં, અમે તમારા દુશ્મન નથી, અમને તમારા મિત્ર માનો. " અકિલ અને સૌ આ શબ્દો સાંભળી રહ્યા. અને, એક રાહતની લાગણી બધાના દિલમાં અનુભવી રહ્યા.

"ચંદ્રલોકવાસીઓ, અમે અહીં આપને આજથી બે વર્ષ પહેલાં જ શોધી કાઢ્યા હતા. પણ ખાસ કારણોસર અહીં આપને અમે થોડા મોડા મળ્યા. "યાનમાંથી અવાજ રેલાઈ રહ્યો હતો, ને આ શબ્દોની એક અજીબ અસર સૌ અનુભવી રહ્યા, કોઈને એ ખબર નહતી પડતી કે આખરે આ યાનધારકનો ઉદ્દેશ શું છે. અને એમની એ આતુરતાનો ય અંત આવી રહ્યો.

ફરી યાનમાંથી અવાજ પડઘાઈ રહ્યો..

"ચંદ્રલોકવાસીઓ, આજથી ચંદ્રલોકની તમામ સત્તા અમારા હાથમાં લઇ લેવામાં આવે છે અને આજથી જ, અમે જેમ કહીયે એમ, અમારા હુકમનું પાલન ચંદ્રલોકવાસીઓએ કરવાનું રહેશે". શાહીન આ સાંભળી રહ્યો અને અતિ આવેશમાં આવી ગયો. એના પાસેની ઇમરજેન્સી સૂઇટકેસ ખોલીને કોઈક બટન, એ દબાવી રહ્યો.

અને દૂરદૂર એક અણુ મિસાઈલ ખૂબ ત્વરિત ગતિએ આ ભેદી યાનને નિશાન બનાવતી આવતી રહી.

અકીલે અને સૌએ આ જોયું. અકિલ કૈક બોલવા જતો હતો પણ શાહીન અને દર્શનાએ રોક્યો.

પણ.. આ શું!!! સૌના આશ્ચર્યાઘાત વચ્ચે અણુ મિસાઈલ, યાનની અતિ નજીક આવીને હવામાં ઓગળી ગઈ. !!સૌ સ્તબ્ધ થઈને આ નજારો જોઈ રહયા.

એક ભયંકર અને ભેદી અટહાસ્ય સમગ્ર ચંદ્રલોક પર ફરી વળ્યું.. અને એ અટહાસ્ય યાનમાંથી જ પડઘાઈ રહેલું સૌ અનુભવી રહ્યા.. . શાહીનની હાલત એકદમ કફોડી થઈ ગઈ હતી અને હવે થોડો ડરેલો પણ દેખાઈ રહ્યો હતો, તો બાકીનાની સ્થિતિ પણ શાહીનથી કંઈ વિશેષ સારી હતી નહીં.. .

અટહાસ્યની હારમાળા તૂટતા, ફરી એકવાર એજ કર્કશ અવાજ ગુંજી ઉઠ્યો..

"ચંદ્રલોકવાસીઓ, આપ એટલા તો બુદ્ધિશાળી અને સમજદાર તો છો જ કે, આ એકમાત્ર ઝલકથી એ ખ્યાલ આવી ગયો હશે કે, આપ સૌ અમારું કંઈ બગાડી શકો એમ નથી. પણ હા, અમે ધારીયે તો એક જ ક્ષણમાં આ ચંદ્રલોકને ચપટીમાં ચોળી શકીએ એમ છીએ". અવાજ ઘેરો બન્યો અને કાતિલ પણ.

"અતિ સ્પષ્ટ અવાજમાં આવી રહેલા શબ્દોમાં જે કાતિલતા હતી એ સૌને વીંધી ગઈ . હા, આ એક કાતિલ અને ઠંડી ધમકી જ હતી. અંદરથી સૌ કોઈ હવે ફફડી ઊઠયા હતા. જ્યાં અણુ મિસાઈલ પણ નિષ્ફળ જતી હોય ત્યાં બીજું કરી પણ શું શકાય!!.. અકિલ થોડો હતાશ થઈને વિચારી રહ્યો.. .

આ ભેદી યાનમાં કોણ હતું, કંઈ જ ખબર પડતી ન હતી, પણ એટલું નક્કી હતું કે ચંદ્રલોકનું સાર્વભૌમત્વ ખતરામાં હતું. દુશ્મન વધુ શક્તિશાળી હતો, બધી જ બાબતોમાં, ટેકનોલોજીમાં અને શસ્ત્રોમાં પણ. !!.. અકિલનું મગજ ખૂબ ત્વરાથી કામ કરી રહ્યું હતું, પણ તે કોઈ નિર્ણય લઈ શકતો ન હતો..

અને ફરી એકવાર, યાનમાંથી અવાજ ગુંજી ઉઠ્યો.

"ચંદ્રલોકવાસીઓ, સાંભળો, છેલ્લા બે દિવસથી અમે અહીં બધું જ અમારા પક્ષે ગોઠવી દીધું છે. દરેક ચંદ્રવાસીની સંપૂર્ણ વિગત હવે અમારી પાસે છે. અમારા "માઈક્રો રોબોટ્સ" જે આપને નરી આંખે પણ નહીં દેખાય, હવે આપ સૌના શરીરમાં, ઘરમાં, દરેક વસ્તુ પર ગોઠવાઈ ગયેલા છે. જે હર પલની માહિતી અમને સતત મોકલતા રહેશે. યાદ હોય તો અમે થોડી ક્ષણો માટે પ્રકાશ ફેંકેલ. એ આ માઈક્રો રોબોટ્સ ગોઠવવા માટે જ. જેમ કે, અત્યારે આ ચંદ્રલોકના અતિમહ્ત્વનાં ચાર લોકોની મિટિંગ ચાલી રહી છે અને ત્યાંથી જ અણુમિસાઈલનું બટન શાહીન દ્વારા ઓપેરેટ થયું હતું. કેમ ખરુંને શાહીન એન્ડ અકિલ??!!".. આટલું બોલી રહ્યા બાદ ફરી એક વિજેતા કરે એવું ક્રૂર અટહાસ્ય યાનમાંથી દૂર દૂર સુધી ફેલાઈ રહ્યું.. .

ડાયરેકટર, અણુ વિજ્ઞાની, ઇમરજન્સી અફેર્સ મેનેજર અને એડવાઇઝર.. સૌના મ્હોં પડી ગયા હતા.

"એ નક્કી થઈ ગયું હતું કે દુશ્મન ધાર્યા કરતાં કૈક વધુ જ ચાલક અને શાતિર હતો. લડવાથી કોઈ ફાયદો થવાનો હતો નહીં. અને એમ કર્યે પણ ચંદ્રવાસીઓના પ્રાણ જોખમમાં મુકવાનું થાય, જે પોસાય એમ હતું જ નથી કોઈપણ ભોગે. "...

"ચંદ્રલોકવાસીઓ અને ડાયરેકટર અકિલ, આપ સૌને એક સલાહ, બધી જ સત્તા અમને આપી દો અને અમે આપને એક અદભૂત જીવનની ગેરન્ટી આપીએ છીએ. યા પછી લડીને ખત્મ થાઓ". જેમ આપની મરજી.

"જે કંઈ વિચારવું હોય એ બસ વિચારી લો. થોડી જ વારમાં અમારું એક પ્રતિનિધિ મીની યાન અકિલને લેવા આવશે. જો અમારી શરત મંજુર હોય તો અકિલ યાનમાં આવીને આગળ શું અને કેમનું જેવા સવાલોના જવાબો મેળવી શકે છે....

યાનમાંથી સતત, એક એક શબ્દ ચિપી ચિપીને બોલાઈ રહ્યો હતો.

અને અકીલે, એડવાઇઝર સોલી સામે એક નજર નાખી, સોલીએ જવાની મુક સંમતિ આપી.

અને દૂર દૂરથી એક ઈંડા આકાર નાનું યાન, અકિલને લેવા માટે આવી રહ્યું હતું....

અકીલે એક નિશ્વાસભરી નજર ચંદ્રલોક પર નાખી ને યાનમાં ચઢી ગયો....

***

એક મહિનાની ટ્રેનિંગ ક્યારે પુરી થઈ ગઈ, અવકાશવીરોને ખ્યાલ જ ન રહ્યો.

અને એ દિવસ આવી પહોંચ્યો જ્યારે સૌ અવકાશવીરો "હારાકીરી" માટે જવાના હતા... હા, એ એક પ્રકારની હારાકીરી જ તો હતી, માનવજાતના ભલા માટે આ બધા અવકાશવીરો ફના થવા તૈયાર હતા હવે. ! વર્મહોલમાં ઘૂસવું મતલબ મોતને ગળે લગાડવું. શુ થશે એ ક્યાં કંઈ નક્કી હતું!! અંદર પ્રવેશ્યા પછી પાછાં ના પણ અવાય. સૌને આ ફેક્ટ ખબર હતું.

એક નાની શી હવાઈ પટ્ટી પર એક અજીબ પ્રકારનું યાન સૌની રાહ જોઈ રહ્યું હતું.

મહત્વની વાત એ હતી કે, "વર્મહોલ"માં જવા માટે હિના પણ તૈયાર થઈ હતી. કેમ? એ તો કદાચ નીલ જ કહી શકે એમ હતું.

સાથે ગૌરવ પણ. કારણ દિપક.

એક પછી એક અવકાશવીરો યાનમાં ગોઠવાઈ રહ્યા. બધા જ બેસી ગયા પછી એક આખરી નજર, નીલે ટાઈટનની ધરતી પર નાખી અને એન્જીન સ્ટાર્ટ કર્યું.

દૂર દૂર ઉભા રહેલ મિસ ફાગૂનની આંખમાં કૈક પાણી જેવું કળાતું એણે અનુભવ્યું.

અને એક આખરી સલામી આપીને નિલે યાન હંકારી મેલ્યું.

અને….

જોત જોતામાં યાન "વર્મહોલ"માં અદ્રશ્ય થઈ ગયું….

"શું થશે હવે!!" એક ઘેરો સવાલ ફાગૂનના દિલને થડકાવી ગયો...

ક્રમશ:….