પૃથિવીવલ્લભ - 23 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 23

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૩. તપની મહાસિદ્ધિ

મૃણાલ સંધ્યાકાળની વાટ જોતી બેઠી.

દુનિયામાં કેટલાંક સુખ સહ્યાં જાય છે. કેટલાંક દુઃસહ થઈ પડે છે; પણ વાલમની વાટ જોતાં થતી વેદના જેવી અસહ્ય વેદના બીજી એક હોતી નથી. તેમાં આવી વેદના મૃણાલને આ ઉંમરે પહેલવહેલી હતી.

પોતાનું ધાર્યું કરવાની, બીજા પાસે કરાવવાની તેને ટેવ હતી; પણ અત્યારે તે નિરાધાર હતી. છતાં આ નિરાધારીમાં, આ વેદનામાં સમાયેલું સુખ તેણે કદી અનુભવ્યું નહોતું. નવવધૂના ઉત્સાહથી તે સાયંકાળની વાટ જોતી હતી.

સૂર્યાસ્ત થતાં તે ઊઠી અને ધબકતા હૈયાને આશ્વાસન આપતી મુંજને મળવા ચાલી.

કારાગૃહની ચોકી કરતા સૈનિકોએ આ રાજ્યવિધાત્રીને આવતી જોઈ, અને તેઓ દૂર હઠ્યા. પાદપ્રક્ષાલન વખતે થયેલા રમખાણની ખબર આખા માન્યખેટમાં પ્રસરી ગઈ હતી; અને આ તોફાનનો કેમ અંત આવે છે તેની જિજ્ઞાસા બધાંને થતી હતી. સૈનિકો પણ નવાં-નવાં ગપ્પાં મારતા હતા; અને આ પ્રસંગ કંઈ અનન્ય છે એમ તેમને લાગતું હતું. આ કારણથી મૃણાલ અત્યારે મુંજને મળવા આવે તેમાં તેમને કંઈ અજાયબી લાગી નહિ.

મૃણાલે જોયું કે લોકલાજ જાળવવા પોતે શા કારણે અહીંયાં અત્યારે આવી તેનું કંઈ પણ બહાનું આપવું જોઈએ. તેણે ત્યાં ઊભેલા નાયકને પૂછ્યું :

‘કેદારદત્ત ! પેલો પાપી કેમ છે ?’

‘છે તેમનો તેમ; નિરાંત ઊંઘે છે.’

‘કેવો નઠોર ! એ પાપીને કંઈ બોધ કરવો જોઈએ. તૈલંગણની કીર્તિ વધે ને એ નમે તો જ ઠેકાણું પડશે.’ કહી તે અંદર ગઈ, તેના અવાજમાં જે નિશ્ચયાત્મકતા હંમેશાં રહેતી તે અત્યારે નહોતી. પોતાને જૂઠું બોલતી જોઈ તેને કમકમાં આવ્યાં.

પણ તે જૂણાણાનો પશ્ચાત્તાપ લાંબો વખત રહ્યો નહિ. જેથી તે ભોંયરામાં દાખલ તઈ તેવો જ મુંજનો અવાજ આવ્યો : ‘કેમ આવ્યાં કે ? મેં નહોતું કહ્યું ?’

મૃણાલનું હૃદય ઘેલું બની રહ્યું. એ અવાજમાં રહેલી મોહિનીથી તે બધું વીસરી ગઈ. ગઈ રાતે અનુભવેલો આનંદ ફરીથી વ્યાપી રહ્યો. તેને ક્ષોભ થયો, તે શરમાઈ ગઈ, ને ધ્રૂજતા હાથો એકમેકમાં રાખી તે ઊભી રહી. પગે આગળ ખસવા ના પાડી.

‘મૃણાલવતી !’ હસતે મોઢે મુંજે કહ્યું, ‘હવે એમ શરમાયે કેમ ચાલશે ! તમારો હવે છૂટકો નથી.’

મૃણાલે ઘણો પ્રયત્ન કર્યો, પણ બોલાયું નહિ. વિચાર સ્થિર થયો નહિ, સ્વસ્થતા આવી નહિ. તેને પોતાના તરફ તિરસ્કાર આવ્યો અને સ્વસ્થતા આણવા કરેલા પ્રયત્ન નિષ્ફળ ગયા.

નયનતેજના સુદર્શનચક્રથી મૃણાલનું રક્ષણ કરતો ધરણીધર સમો પૃથિવીવલ્લભ પાસે આવી ઊભો.

‘ગભરાઓ છો શું ? અત્યાર સુધી પ્રતે હતાં - હવે સજીવન થયાં.’ કહી તેણે હાથ પહોળા કર્યા.

મૃણાલ ક્ષોભમાં પણ ચમકી અને પાછી હઠી. મુંજે હાથ લંબાવી જોરથી આનાકાની કરતી મૃણાલને બાથમાં ભીડી - ચગદી નાખી.

મૃણાલ - વૃદ્ધાવસ્થાને આરે ઊભેલી ઉગ્ર તાપસી, તરફડતી, ધ્રૂજતી, નાસી જવાની ઇચ્છાથી કાંપતી, આનંદની અવધિ અનુભવતી -ઊભી રહી. મુંજે નીચા વળી ચુંબન કર્યું.

આનંદના મદમાં, પશ્ચાત્તાપના ક્રોધમાં, ક્ષોભની અનિશ્ચિતતામાં તેણે જોરથી છૂટવાનો પ્રયત્ન કર્યો, પણ જાણે તે નાનું બાળ હોય તેમ હસતો હસતો મુંજ તેને બાથમાં પકડી રહ્યો.

‘આ શું કરો છો ?’ આખરે મૃણાલે કહ્યું.

‘મૃણાલવતી ! આનંદ અનુભવું છું ને તેનો અનુભવ કરાવું છું.’ કહી તે હસ્યો.

મૃણાલે જોરથી તરફડિયાં માર્યાં, અને મુંજે તેને છોડી. તે કૂદીને આઘી ઊભી રહી.

‘તમે મને કલંકિત કરો છો - મને ભ્રષ્ટ કરો છો; મારા તપ પર પાણી ફેરવી નાંખો છો,’ ઝપાટાબંધ શ્વાસ લેતાં અડધા અક્ષરે મૃણાલે કહ્યું.

‘મૃણાલવતી ! પાછો ઢોંગ કર્યો ? કલંક પાપીઓને હોય, ભ્રષ્ટ અશુદ્ધ હોય તે થાય, નિર્બળ હોય તેના તપ પર પાણી ફરે. આનંદસમાધિ અનુભવતાં કદીયે કલંક નહિ કે ભ્રષ્ટ થવાય નહિ. એ તો તપની મહાસિદ્ધિ ! આનંદની જે અરુચિ તેનું નામ રોગ. હવે તમે રોગથી મુક્ત થયાં - આજ સુધી નહોતાં. બોલો, કદી આવું સુખ અનુભવ્યું હતું ?’

‘તમે કેમ જાણ્યું ?’

મુંજ હસ્યો.

‘રોગથી મુક્ત હોય તે તરત નીરોગીને પારખે, મૃણાલવતી ! ક્ષણભંગુર જીવનમાં આનંદ અનુભવ્યા સિવાય બીજાને સમય નથી. મને જોયો, પારખ્યો ત્યારે એ તમે સમજ્યાં.’

‘મુંજરાજ ! તમે અદ્‌ભુત છો.’ જરાક હસીને મૃણાલે કહ્યું.

‘ના. માત્ર અનુભવી છું. અને તમને અનુભવ કરાવવા જ મને વિધિએ અહીંયાં મોકલ્યો છે, નહિ તો મને વળી આ કારાગૃહ શા માટે ?’ કહી મુંજે ફરીથી હાથ લંબાવી મૃણાલને ખેંચી.

ધીમે-ધીમે મૃણાલ ખેંચાઈને પાછી પૃથિવીવલ્લભની વિશાળ છાતી પર લપાઈ ગઈ.

મૃણાલે કલંકના ખ્યાલ, ક્ષોભ ને પશ્ચાત્તાપ બધા દૂર કર્યા; અનેક વર્ષોની દબાવેલી ઊર્મિઓને આગળ વધવા દીધી.

મુંજ તેવો ને તેવો જ સ્વસ્થ હતો. સિપ્રાતરંગોમાં અવંતીની મદભર સુંદરીઓ સાથે જે રસથી તે વાતો કરતો તેવા જ રસથી વૃદ્ધ અને કદરૂપી તાપસી જોડે તે વાતો કરી રહ્યો.

દૂરથી ચોઘડિયાં વાગ્યાં અને બહાર કોઈનાં પગલાં ખખડ્યાં એટલે

મૃણાલને સમય ને સ્થળનું ભાન આવ્યું.

‘પૃથવીવલ્લભ ! હવે મારે જવું જોઈએ.’

‘શા માટે ?’

‘મારી દાસીઓ જાણશે તો શું થશે ? ને તૈલપરાજ -

‘ભલે જાણે. ક્યાં આપણે ગુનો કરીએ છીએ ?’

મૃણાલે હસતાં હોઠ કરડ્યા : ‘તમારી નફ્ફટાઈની હદ નથી.’

‘કેમ ?’

‘તમને કશાની પરવા નથી.’

‘શા માટે હોય ? સેવક હોય તેને પરવા, અધમ હોય તેને પરવા; આપણને શા માટે હોય ? કદી સિંહ કે સિંહણને શરમાતાં જોયાં છે ?’

‘તમે ખરેખર પૃથિવી-વલ્લભ છો.’

‘તે તો હું તમને ને તમારા ભાઈને ક્યારનો કહ્યા કરું છું.’

‘હું તમને પકડી લાવી ને આખરે તો હું જ પકડાઈ.’

‘હું જાણતો હતો.’

બહાર કોઈએ બારણાં ઉઘાડવાનો પ્રયત્ન કર્યો.

મૃણાલ કૂદને પાછી હઠી ને પૂછ્યું : ‘કોણ ?’

કેદારદત્ત બારણું ઉઘાડી આવ્યો : ‘બા ! મહારાજ આપને બોલાવે છે.’ કૃત્રિમ ગાંભીર્યથી મૃણાલે કહ્યું : ‘કહે આવું છું. મુંજ ! મેં કહ્યું તે યાદ રાખજો.’ ‘તમારે હજુ ઘણું બાકી છે, બનશે તો ફરી મળીશું.’ લુચ્ચાથી હસતાં મુંજે કહ્યું. મૃણાલની પ્રેમભીની આંખમાંથી મોહક કટાક્ષબાણ નીકળ્યું. સામે ઊભેલા વિલાસયુદ્ધના મહારથીએ તે ઠંડે પેટે હસતાં-હસતાં ઝીલ્યું. નીચી નજર કરી, રસધારાઓ ઝીલતા હૃદયે તૈલંગણની રાજ્યવિધાત્રી ત્યાંથી નીકળી.