Pruthvivallabh - 22 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 22

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૨. વિલાસનું સ્વાસ્થ્ય

પુરુષ અને સ્ત્રીને પ્રેમની પરવા ન હોય તો સહજીવન ન કરવું બે વિષયમાં : એક કાવ્યસેવામાં અને બીજું સંગીતમાં. કાવ્યસંગીતનો સહચાર વિમાનની ગરજ સારે છે, ને સહચારીઓ વગર દોરીએ વ્યોમમાં ચડી - એકબીજાને આધારે ઊડતાં - ન છૂટે એવા એકાંતમાં ભેરવાઈ પડે છે. વિલાસ ને રસનિધિ આ વાત વીસરી ગયાં.

રસનો સ્વાદ ચાખતાં વિલાસની તરસ વધતી ગઈ. અને રસનિધિએ અખૂટ રસધારા વર્ષાવી તરસ છિપાવવાનો પ્રયાસ કર્યા જ કર્યો.

‘માલતીમાધવ’ના તોફાની પ્રદેશમાંથી તેઓ મ્યાલ વદને ‘ઉત્તરરામચરિત’ના હૃદયવેધન વાતાવરણમાં વિહર્યાં : અને ત્યાંથી ‘શાકુંતલ’ની સોનેરી, મોહભરી મીઠાશનો અનુભવ લેતાં-લેતાં ક્યાં ને ક્યાં ભૂલાં પડી ગયાં. આ મનગમતી મુસાફરીમાં અજાણ બાળા ગાંડીતૂર બની ગઈ ને પળે-પળે ખીલતી રસિકતાથી કાવ્યની અનેક રંગની મોજો મહાલવા લાગી. તેનો આત્મા પણ નવરંગી થયો એટલું જ નહિ, પણ કોઈક પળે તેના તે રસનિધિના રંગનું અનેરું મિશ્રણ અણજાણપણે થવા લાગ્યું.

‘પાદપ્રક્ષાલન’ની રાજસભા વીખરાઈ ગયા પછી સાંજના મંદિરમાં બેઠાં-બેઠાં રસનિધિએ ‘વિક્રમોર્વશીય’ નાટક પૂરું કર્યું.

‘હવે શું કરશો ?’

રસનિધિ દયામણે ચહેરે આ બાળા સામે જોઈ રહ્યો; તેની આંખોમાં ઝળઝળિયાં આવવા માંડ્યા.

‘વિલાસવતી ! હવે બહુ થયું. હું કંઈ માન્યખેટમાં રહેવાનો નથી.’

વિસ્મિત બની વિલાસવતી જોઈ રહી; ‘તમે ક્યારે જવાના છો ?’

‘તમારા મહારાજા રજા આપે તો અત્યારે.’

વિલાસવતીએ નિસાસો મૂક્યો : ‘ને પાછા -’

‘પાછા ?’ રસનિધિએ હોઠ દાબી કહ્યું, ‘શંભુ લાવે ત્યારે,’ તેની આંખો ચમકી રહી.

વિલાસે ફરીથી નિસાસો મૂક્યો અને ધીમેથી બબડી : ‘શિવ ! શિવ !’

‘મને પણ ભોળાનાથ સંભારવાનું મન થાય છે. મેં તમારા જીવનને નકામું રસને પંથે ચડાવ્યું. મને પસ્તાવો થાય છે,’ કહી અચાનક આવેલું આંસુ રસનિધિએ લૂછી નાંખ્યો.

‘તમે કેમ રડો છો ?’

‘તમારા લીધે.’ હિંમતથી રસનિધિએ કહ્યું.

‘મારા લીધે ?’ જરા ગૌરવનો ડોળ કરતાં બાળાએ પૂછ્યું.

‘અહીંયા તો બધાં જનાવરો છે. તેમાં તમારું શું થશે ?’

વિલાસનો હોઠ ધ્રૂજ્યો.

રસનિધિ ઊભો થઈ ગયો.

‘મારું ચાલે તો -’

વિલાસને અજાણતાં એક ધ્રુસકું આવ્યું.

‘તો -’

‘તમને અવંતી લઈ જાઉં.’

આંસુઓમાં તરતી આંખો વિલાસ જોઈ રહી. ત્રણ દિવસમાં આ પુરુષને જાણે તે પહેલેથી જ ઓળખતી હોય એવો ભાસ થતો હતો.

વિલાસતી જમીન તરફ જોઈ રહી; રસનિધિ સ્નેહભીની આંખે વિલાસ તરફ જોઈ રહ્યો.

થોડી વાર કોઈ બોલ્યું નહિ.

‘કેમ અલ્યા, શું કરે છે ?’ એક કઠોર અવાજ પાછળથી આવ્યો.

બંને ફર્યાં : કુંવર અકલંકચરિત મંદિરનાં પગથિયાં નીચે યમરાજ સમો ભયંકર બની ઊભો હતો. તેણે કંઈ સાંભળ્યું નહોતું, પણ માત્ર રસનિધિની સ્નેહભીની મુખમુદ્રા જોઈને જે તેનો પિત્તો ઊછળ્યો હતો.

રસનિધિએ જોરથી હોઠ દાબ્યા ને ચિત્ત ઠેકાણે આણ્યું. વિલાસ બાવરી બની ગઈ.

ઘરકતે ડોળે કુંવર જોઈ રહ્યો; અનિમિષ નયને રસનિધિએ પણ તેના તરફ જોયા કર્યું.

‘શું કરે છે ?’ અલકંકચરિતે પૂછ્યું.

‘તમે જુઓ છો હું શું કરું છું !’ જરા સખ્તાઈથી રસનિધિએ જવાબ દીધો.

‘મેં નહોતું કહ્યું કે આ મંદિર તારે માટે નથી ?’

‘હું મંદિરમાં નહોતો આવ્યો. મહાસામંતની કુંવરીને મળવા આવ્યો હતો.’

કુંવરે હોઠ કરડ્યો : ‘શા માટે ?’

‘મને મન થયું. મારાં પ્રાણરક્ષકની પુત્રી છે, એને મળવું જ જોઈએ.’

કુંવરને શું કહેવું તે સૂઝ્‌યું નહિ.

‘વિલાસવતીની તપશ્ચર્યામાં ભંગ પાડવાનો નથી. ચાલ ! તું તારે રસ્તે ચાલવા માંડ.’

રસનિધિ હસ્યો : ‘તમારા પિતા રજા આપે તો આ ઘડીએ.’

‘ચાલ હવે, જા !’

‘કુંવરીને લઈને જઈશ, લક્ષ્મીદેવી એને બોલાવે છે.’

‘વારુ ! હમણાં આવે છે.’

રસનિધિએ જોયું કે હવે ઘણી વાર ઊભા રહેવું સલાહભરેલું નથી.

તે ધીમો-ધીમો પગથિયાં ઊતર્યો અને ત્યાંથી જવા લાગ્યો.

અકલંકચરિત પગથિયાં ચડ્યો.

‘વિલાસવતી ! આવા જોડે વાતો શી કરવી ?’

વિલાસ નીચું જોઈ બોલી : ‘માણસ, સારા છે.’

અકલંકચરિતની આંખોમાં નિષ્ઠુર તેજ આવ્યું : ‘આવા માણસ જોડે બોલવું એ તૈલંગણની ભાવી સમ્રાજ્ઞાને ન શોભે !’

વિલાસે ઊંચું જોયું, ને એકદમ રડી દીધું. ક્યાં સુધી તેનાં ધ્રુસકાં શમ્યાં નહિ. કુવર સ્થિર નયને જોઈ રહ્યો. વિલાસનાં આંસુનો પ્રવાહ ઓછો થતો ગયો ત્યારે તિરસ્કારથી અકલંકે કહ્યું : ‘આ તારો વૈરાગ્ય ને આ તારું સ્વાસ્થ્ય !’

વિલાસ બોલી નહિ અને શાંતિથી કુંવર ત્યાંથી ચાલ્યો ગયો.

તે ગયો એટલે રસનિધિની વાટ જોતી તૃષાર્ત ચાતકી સમી વિલાસ ચારે તરફ જોઈ રહી.

બીજા રસપ્રદ વિકલ્પો