Juvaniyao books and stories free download online pdf in Gujarati

Juvaniyao


જુવાનિયાઓ

-ઃ લેખક :-

સ્નેહા પટેલ


sneha_het@yahoo.co.in

9925287440

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

૧. માનવ દાક્ષિણ્‌ય

કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી, ક્યાંથી વડવાઈ બને ?

ભલભલાં વૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !

હું ખરૂં ત્યાં, ખૂબ અરસા બાદ ઊંગે વૃક્ષ ને,

સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઈ બને.

- હેમેન શાહ

’ભારતીય સરકારને એફબીઆઈના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ‘સઈદ બિન અલી અલ હુરી’ના નામે એક મેઈલ મળ્યો હતો. જેમાં અમદાવાદ લાંબા સમય સુધી ભુલી ના શકે એવા ભયંકર ‘માનવતાના કરૂણ રકાસ’ જેવા બોમ્બ ધડાકા કરવામાં આવશે અને મોટા પાયે જાનહાનિ કરવામાં આવશે - એવી દિલ દહેલાવી નાંખનારી ધમકીઓ મળી હતી. ભગવાનની મહેરબાનીથી એ ધમકીઓ તો પોકળ ઠરી.પણ હવે નવરાત્રિ અને દિવાળીના પર્વ નજીક આવી રહ્યાં હતાં. આ વખતે તો અમેરિકાથી પોતાની ખાસ બહેનપણી પ્રિયા અમદાવાદની નવરાત્રીનો રંગ માણવા સ્પેશિયલ આવવાની છે અને પોતાના ઘરેજ રોકાવાની છે. શહેરના બજાર,મોલ્સ, પાર્ટીપ્લોટ્‌સ, એરપોર્ટ, સ્વામી નારાયણ,ઈસ્કોન મંદિર જેવા ધર્મસ્થાનો..આ બધી જગ્યાએ મારે એને લઈને ફરવાનું થશે. વળી આ બધી જગ્યાએ કાયમ નાગરિકોની મોટી ભીડ રહે અને એથી જ આતંકવાદીઓ માટે એ પ્રિય સ્થળો. જો ફરીથી આ સાઈઠ લાખની વસ્તીને ટાર્ગેટ બનાવવાનું વિચારશે અને એમાં સક્સેસ જશે તો..?’

થોડાક નેગેટીવ - અણગમતા વિચારો વીસેક વર્ષની સુંદર નવયૌવના મહેંકના રૂંવાડા ઊંભા કરી ગયા. ત્યાં તો એના હાથ પર કોઈનો હળ્વો સ્પર્શ થયો અને એની આ વિચારધારા તૂટી.એક્દમ જ એને ભાન થયું કે ઓહ..એ તો અત્યારે બી. આર. ટી. એસમાં સફર કરી રહી હતી અને બેસવાની જગ્યાના અભાવે એ ઉભી ઉભી જ વિચારોએ ચડી ગઈ હતી. એણે પોતાને સ્પર્શનાર વ્યક્તિ તરફ નજર નાંખી તો એક ૨૪-૨૫ વર્ષનો યુવાન નજરે પડયો, જે હાથના ઈશારાથી પોતાની સીટ પર મહેંકને બેસવા માટે કહી રહ્યો હતો. મહેંક ‘થેન્ક્સ’ સાથે એક સ્મિત આપીને સીટ પર બેસી ગઈ.

બે એક મિનિટ પછી મહેંકની નજર બાજુમાં જ ઉભેલા એક ઘરડાં અને અશકત કાકા ઉપર પડી. કમરેથી વાંકા વળી ગયેલાં કાકા હાથમાં શાકભાજીનો થેલો હતો જેને ઉંચકીને ઉભા રહેવાને એ સક્ષમ નહતાં જ. માંડ માંડ એ થેલો બે પગ આગળ ગોઠવી, બીજા ખાલી હાથે બસમાં પાઈપનો સહારો લઈને માંડ માંડ બેલેન્સ જાળવતા’કને ઉભેલા હતાં.પૂરઝડપે ભાગતી બસના દરેક ઝટકે એ ને એમનો શાકભાજીનો થેલો આમથી તેમ ફંગોળાઈ જતાં. હડબડાહટમાં એ કાકા થેલો ને જાત સંભાળતા અને માંડ માંડ ફરીથી બેલેન્સ મેળવતા ત્યાં સુધીમાં તો બીજો ધક્કો તૈયાર જ હોય. કાકાના કપાળેથી પસીનાના રેલા દદડવા લાગ્યાં અને ચહેરા પર પારાવાર થાકની લાગણી દ્રશ્યમાન થવા લાગી. મહેંકથી એમની એ હાલત ના જોવાતા એ ઉભી થઈ ગઈ અને કહ્યું,

‘કાકા તમે અહીં બેસી જાઓ. મારા કરતાં તમારે આ જગ્યાની વધારે જરૂર છે.’

અને કાકા હાશકારો અનુભવતા આભારવશ નજર એની સામે નાંખતા તરત જ એ જગ્યાએ બેસી ગયા. જે યુવકે મહેંકને પોતાની સીટ ઓફર કરેલી એ આ દ્રશ્ય જોઈને તમતમી ગયો.

‘અરે..અરે, આ શું ? કેવો જમાનો આવ્યો છે ? લોકોમાં સ્ત્રી દાક્ષિણ્‌ય જેવું કંઈ રહ્યું જ નથી ને ! મેં ઉભા થઈને મારી જગ્યા તમને આપી અને તમેપ કાકા..તમને પણ આમ કોઈ બાઈ માણસની જ્ગ્યા પચાવી પાડતા શરમ નથી આવતી?’

હાશકારાનો શ્વાસ હજુ તો પૂરો પણ નહતો થયો અને અચાનક આવું આક્રમણ ! કાકા થોડા બોખલાઈ ગયા અને ઉભા થવા જતા હતાં ત્યાં જ મહેંકે એમને ખભા પર હાથ મૂકીને કહ્યું,

‘કાકા તમ-તમારે શાંતિથી બેસો. કોઈ જ ચિંતા ના કરશો. ’

અને એક તીખી તમતમતી નજર પેલા યુવાન સામે જોઈને કહ્યું,

‘પહેલાં એમ કહો કે આ ‘સ્ત્રી દાક્ષિણ્‌ય’ એટલે શુ?”

હવે બોખલાઈ જવાનો વારો પેલા યુવાનનો હતો. એને મહેંક તરફથી આવા વર્તનની અપેક્ષા જ નહતી.

‘સ્ત્રી દાક્ષિણ્‌ય એટલે તો..એમાં તો એવું ને કે એક સ્ત્રીને તમે ઈજ્જત આપો, એની રક્ષા કરો..મદદ કરો..’ આટલું બોલતાં બોલતાં તો એ થોથવાઈ ગયો ને ગેંગે ફેંફેં થઈ ગયો.

‘ઓકે, તમે મને ઉદાર થઈને તમારી બેસવાની જગ્યા મને આપીને મને મદદ કરી, ઈજ્જત આપી એ બહુ સારી વાત છે. ચાલો એ માની લીધી. પણ એક્દમ પ્રામાણિકતાથી એક વાત કહેશો ? મારી જગ્યાએ કોઈ ઘરડાં માજી હોત તો તમે એમને આમ જ ’ઈજ્જ્ત’ આપત? વળી આ ‘સ્ત્રી દાક્ષિણ્‌ય’નો મતલબ એવો તો નથી જ ને કે એક યુવતી ૧૦-૧૫ મિનિટ બસમાં ઉભા ઉભા સવારી કરવાને પણ અશક્ત હોય છે. જો તમને એવું જ લાગતું હોય તો જરા તમારા ઘરમાં આખો દિવસ કામના ઢસરડાં કરતી તમારી માને ધ્યાનથી જોજો અને પછી વિચારજો કે એની શારિરીક, માનસિક તાકાત ઓછી છે કે તમારી..? તમે એને મદદરૂપ થાઓ છો એના કરતાં આ ઉંમરે તમને વધુ મદદરૂપ થતી હશે. તમારી બહેન કે ભાભી કે કોઈ પણ નજીકના સંબંધીમાં કામ કરતી સ્ત્રીઓને જોજો. ઘર ,બાળકો,સાંસારિક જવાબદારીઓ સાથે એ પોતાની નોકરીને પણ યોગ્ય સમય અને ન્યાય આપી શકવાને સમર્થ પૂરવાર થઈ જ હશે. વળી આ કાકા શારિરીક રીતે અશકત છે. બસમાં ઉભા ઉભા સવારી કરી શકે એમ નથી. તો આ જગ્યા મેં એમને ઓફર કરીને ‘માનવ દાક્ષિણ્‌ય’ દાખવ્યું ના કહેવાય, એમાં શું ખોટું છે. ‘શું સ્ત્રી દાક્ષિણ્‌ય કરતાં માનવ દાક્ષિણ્‌ય વધારે ચડિયાતું નથી?’

અનેપ.

માનવતાની ખુશ્બુથી મહેંકતી મહેંકની ધારદાર દલીલનો આખી ય બસમાં કોઈ જવાબ આપી ના શક્યું. આજની આધુનિક, સુશિક્ષીત નારીને એની સુંદર સમજ બદલ બધાય પ્રશંસનીય નજરે નિહાળી રહ્યાં

૨. અનુવાદ

આ પ્રેમલ વિખવાદ કઈ ભાષામાં કરી નાંખ્યો,

તેં મારો અનુવાદ કઈ ભાષામાં કરી નાંખ્યો ?

-અનિલવાળા

આજે આમ તો બીજો વિચાર મગજમાં લઈને બેઠી હતી પણ ત્યાં જ ‘વોટસ એપ’માં ‘ક્લાસીક’ ગ્રુપમાં મિત્રો સાથે એક નવા જ ટોપિક પર વાત થતાં મારા વિચારની દિશા જ બદલાઈ ગઈ અને એક નવી જ વાર્તા લખાઈ ગઈ. આજની એ વાર્તા મારા એ તમામ મિત્રોને અર્પણ !

‘ત્રણાંબેન, જરા તમારા હર્ષને મારે ત્યાં મોક્લજો ને જરા.’

‘શું થયું અમીબેન ? આમ અચાનક સવાર સવારમાં..?’

‘કંઈ ખાસ નહી, આ મારા પૌત્ર ઋષિનું કંઈક પાર્સલ જેવું આવ્યું છે, એમાં કંઈક મોબાઈલમાં આંગળીથી સહી કરવાની છે એવું કહે..હવે મને આ બધી માથાપચ્ચીમાં કંઈ સમજ નથી પડતી. મૂઆ એ આખો દિવસ લેપટોપ ને મોબાઈલમાં શું નું શું ય ગોરખધંધા કર્યા કરતો હોય છે, કંઈક લાઈન શોપપજેવું બધું..’

‘અમીબેન, એને ‘ઓનલાઈન શોપિંગ’ કહેવાય. તમે ચિંતા ના કરો હું ઋષિને મોકલું છું.’ ત્રણાંબેનથી થોડું હસી પડાયું.

ચીલ્ડ મેંગો શૅકની ઘૂંટ ઘૂંટ ભરીને મજા લેતા ઋષિને અડધો ગ્લાસ મૂકીને જવું પડશે એ વિચારથી થોડો ગુસ્સો તો આવ્યો પણ શું થાય ? ગ્લાસ ફ્રીજરમાં મૂકીને એ અમીબેનના ઘરે ગયો. ત્યાં ઓનલાઈન શોપિંગનો માણસ ખભે મસમોટો કાપડનો થેલો લઈને અને માથા પર કેપ ચડાવીને એની કાગડોળૅ રાહ જોતો ઉભેલો દેખાયો.એની પાસેથી એનો મોબાઈલ લઈને એમાં એણે તર્જનીથી પોતાના નામની સહી કરી અને એને પાછો આપ્યો. બે સેકંડના આ કામ માટે દસ મિનીટથી આ ઉનાળાની ગરમીમાં રેબઝેબ થતો ઉભેલો પેલા માણસે જાણે જેલમાંથી છૂટયો હોય એવા હાવભાવ સાથે આભારવશ ઋષિ સામે સ્મિત ફેંક્યું અને અમીબેન પાસે એક ગ્લાસ ઠંડાપાણીની માંગણી કરી.અમીબેન પાણી લેવા રસોડામાં ગયા ને ઋષિએ એ સેલ્સમેનને પૂછ્‌યું,

‘આ મોબાઈલમાં સહી કરવાની - એનું કોઈ સોફ્ટવેર છે કે ?’

‘અમારી કંપનીએ એક એપ્લીકેશન ડેવલોપ કરી છે આના માટે..’

‘હમ્મ..’ ત્યાં જ અમીબેન પાણીના ગ્લાસ સાથે ડોકાયા. પાણી પીને પેલો માણસ ચાલ્યો ગયો ને અમીબેન ઋષિ તરફ જોઈને બોલ્યાં,

‘આ તમારી પેઢીના જબરા તૂત હાં કે, તમારા મા-બાપે જ તમને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકી મૂકીને બગાડી મેલ્યાં છે. નવી નવાઈનું અંગ્રેજી ભણવાનું અને બળ્યાં તમારા આ અંગ્રેજી તોરતરીકાઓ..!’

ઋષિ પંદર વર્ષનો તરવરીયો જુવાન. સવાર સવારમાં દૂધ પીતા ઉઠાડીને કામ કરાવવા બદલ આ આંટી એને ‘થેન્ક્સ’ કહેવાના બદલે એમની પેઢીને અને અંગ્રેજી માધ્યમને ગાળો દેવા બેસી ગયા એ જોઈને અકળાઈ ઉઠ્‌યો.

‘એમાં અમારી પૅઢીનો શું વાંક આંટી ? આજ કાલ જે રીતે જમાનો ચાલે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ.અંગ્રેજી માધ્યમને ગાળો આપવાનો શું અર્થ ? અમારા મમ્મી પપ્પાએ જમાનાના બદલાતા પવનો જોઈને અમારા સારા ભવિષ્ય માટે જે પ્રયત્નો કર્યા એને આમ વખોડો છો શું કામ ? એ પહેલાં અમારી કમાણીની ચિંતા કરે કે ભાષાના રખોપાની ? પ્રાયોરીટી ભી કોઈ ચીજ હૈ ના ! આ તમારી ગુજરાતી ભાષાને જ કહો ને કે અમને ઉજ્જવળ ભવિષ્ય આપવાની ક્ષમતા ધરાવે, આજીવિકાની તકો વધારેપપછી જુઓપકોઈ મા બાપ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે કે ? ‘

‘બળ્યું તમારૂં અંગ્રેજી, કોઈ જાતના સંસ્કારો જ નહીં ને. આ તું જોને મારી સાથે કેવી જીભાજોડી કરતો થઈ ગયો છે ! આપણી માતૃભાષાની ઘોર ખોદવા બેઠા છો બધા ભેગા થઈને.’ ઋષિ બે મીનીટ તો સમસમી ગયો પણ પછી સંયત અવાજે બોલ્યો,

‘માસી, અંગ્રેજી સર્વસ્વીકાર્‌ય માધ્યમ છે તો એને શીખવામાં શું વાંધો હોય ? વળી અંગ્રેજી જ શું કામ.. મારા પપ્પાને તો ધંધામાં જર્મન, ફ્રેંચ, ચાઈનીસ ..જેવી કેટકેટલી ભાષાઓનો ખપ પડે છે અને એ આ ઉંમરે પણ એ ભાષાઓ શીખવાનો પ્રયત્ન કરતા હોય છે. તમને ખબર છે મારા પપ્પા ભાષાશાસ્ત્રમાં પીએચડી કરે છે. એમાં એક વખત એમણે એમની કવિ ઉમાશંકરની કવિતા રજૂ કરી તો એમના માર્ગદર્‌શકો એ આખી ચર્ચા અંગ્રેજીમાં જ થી હોવાથી પપ્પાને એ કવિતા અંગ્રેજીમાં ટ્રાન્સલેટ એટલે કે અનુવાદ કરીને રજૂ કરવાનું કહેવાયું હતું. પપ્પાએ એ કૃતિ ગુજરાત યુનિવર્સ્િાટીના અંગ્રેજી ડીપાર્ટમેન્ટને મોકલી અને ત્યાંની ઓથોરીટીએ એ ક્રુતિનો અનુવાદ કરીને મોકલ્યો. હવે અંગ્રેજી ભાષાના જ્જ્ઞાન વગર આ અનુવાદ કયાંથી શક્ય હતો બોલો ?’

અમીબેન તો આવડા ટેણિયાના મૉઢે આવડી મૉટી મોટી વાતો સાંભળીને થોડાં ઝંખવાઈ જ ગયાં, કશું ના બોલી શક્યાં. પણ એમની પાછળ જ એમના પતિદેવ રીતેશભાઈ ઉભા હતાં એમને આ ચર્ચામાં બહુ રસ પડયો. એમણે અમીબેનને એમના અને ઋષિ માટે નારંગીનો જ્યુસ લાવવાનું કહ્યું અને ઋષિને અંદર બોલાવીને સોફા પર બેસાડયો.

‘બેટા, તું આ અનુવાદની વાત કરતો હતો તો એમાં તને કેટલી સમજણ પડી છે એ કહે .’

‘અંકલ, સાચું કહું તો આજકાલ જ્યાં ત્યાં બધે જ અંગ્રેજીનો વ્યાપ વધતો જાય છે, એ શીખ્યા વિના અમારે લોકોને છૂટકો જ નથી અને એમાં ભણવાનું રાખીએ તો આ આંટી જેવા અનેકો લોકો ખાલીખાલી અમારા માથે અપરાધભાવનો ટોપલો ઢોળતાં જાય છે. અમને તો ઠીક અમારા મા બાપને ય એમાં ધસેડી કાઢે છે એ સહન નથી થતું. અલ્યા, અંગ્રેજીમાં ભણીએ છીએ..કોઈ ગુનો તો નથી કરતાં ને ? એટલે આવું કોઈ કંઈ બોલેને તો મારાથી સામે જવાબ અપાઈ જાય છે. માફ કરજો, આંટીનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહતો.’

‘દીકરા, સૌપ્રથમ તો તું મારી વાત જ ના સમજ્યો. જે શિક્ષણ તમને સુંદર ભાવિ આપી શક્તું હોય એવી દુનિયાની કોઈ જ ભાષામાં શિક્ષણ સામે મારો તો કોઈ જ વાંધો નથી, એનો મતલબ એવો નહીં કે મને મારી માતૃભાષા માટે પ્રેમ નથી. હું તો ગુજરાતી ભાષામાં પુસ્તકો લખું છું. એ બધી વાતો છોડ. મને તો તારા આ અનુવાદના પ્રસંગમાં રસ પડયો છે. તું શું માને આ અનુવાદ કોઈ પણ ભાષાના સાહિત્ય માટે કેટલો જરૂરી છે ?’

‘ઓહો અંકલ, હવે તમારો પોઈંટ સમજ્યો. આ સાહિત્ય - બાહિત્ય જેવા અઘરા શબ્દોમાં મારી ચાંચ તો ના ડૂબે પણ એટલું ખરૂં કે એ દિવસે મારા પપ્પાની થીસીસ રજૂ કરવા માટે ગુજરાતી કવિતાનો અનુવાદ અનિવાર્ય થઈ ગયો હતો. એ પછી અંગ્રેજી હોય કે ઉર્દૂ કે ફ્રેંચ કે કોઈ પણ ભાષા, મનુષ્યો એમના જીવન દરમ્યાન અનેકો ભાષા શીખે તો ખોટું શું છે. ઉલ્ટાનું આ તો સમાજને ઉપકારક કાર્ય છે.હવે વધુ તો આપ વડીલ સમજાવો.’

‘દીકરા, તું વ્યાપ, ઉપકારક, રોજગારી જેવા અનેકો શબ્દો તારી વાતચીતમાં સમાવેશ કરી જાણે છે. તારૂં ગુજરાતીના શબ્દોનું જ્જ્ઞાન પણ ઘણું સારૂં છે એ હું જોઈ શકું છું. હું તો વિશાળ આચાર-વિચારોનો માલિક છું. તેં જે કહ્યું એ પરથી મને આ ક્ષણે એટલું સમજાય છે કે આપણા ગુજરાતી સાહિત્યને દુનિયાના છેડાં સુધી પહોંચાડવા માટે આપણે દુનિયાભરની ભાષાઓનો અભ્યાસ કરવો જ પડે. આપણી વાત આપણે એમને એમની ભાષામાં જ કહેવી પડે. બાકી તો કાલે આ હર્ષ મને કહેતો હતો કે,’દાદાજી, આ ફોરેનમાં સહેજ પણ ના ચાલી હોય એવી ફિલ્મો ય આપણે અહીં અહોભાવથી જોઈએ છીએ. એ લોકોને ત્યાં એ વાત ચવાઈ ગયેલી લાગે છે પણ આપણા માટે તો એ દુનિયા સાવ નવી હોય છે. પિકચરો દ્વારા આપણે એમની દુનિયામાં ડોકાચિયાં કરી શકીએ છીએ. એમની સામાજિક પ્રણાલી, જીવન પધ્ધતિને નજીકથી જાણી સમજી શકીએ છીએ’, આ પરથી તું વિચાર કે આપણે આપણી વાર્તા, કવિતાઓ, નાટકોનો અનુવાદ કરી શકવાને સક્ષમ બનીએ તો આપણા સાહિત્યની કેવડી મોટી સેવા થઈ શકે એમ છે. કયા માધ્યમમાં ભણવું જેવી વાતોની પસંદગી અંગત હોય છે પણ થોડા વિશાલ હ્ય્દયના થઈ શકીએ તો જ અનુવાદ જેવા કામ હાથમાં લઈ શકાય દીકરા. કોઈ પણ ક્રુતિના અનુવાદમાં બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. તમે જે ભાષામાં અનુવાદ કરી રહ્યાં છો એ અને જે ભાષાનો અનુવાદ કરો છો એ - આ બે ય ભાષાનો પૂરતો અભ્યાસ અને જ્જ્ઞાન હોવું અતિઆવશ્યક. મૂળ રચનાનું સૌંદર્ય મરી ના જવું જોઈએ અને અતિક્રમી પણ ના જવું જોઈએ. અનુવાદક મુખ્ય સર્જક કરતાં વિશાળ હ્ય્દયનો ગણી શકાય, કારણ કે એણે સૌપ્રથમ તો આજે જયારે બધા જ બોલવા બેઠા છે એવા જમાનમાં મૂળ સર્જક જે કહેવા માંગે છે એ સાંભળવાની તૈયારી રાખવી પડે છે વળી અતિઉત્તમ અનુવાદનું કામ કરીને પણ એની ક્રેડિટ તો મૂળસર્જક સાથે વહેંચવાની હોય છે. વળી સર્જકને તો જે તે ભાષામાં કામ કરે એની જ પૂરતી જાણકારી હોય તો ચાલી જાય પણ અનુવાદકના માથે બે ય ભાષાની પૂરતી સમજણની અપેક્ષાનો ભાર લટકતી તલવાર જેવો હોય છે. પોતાની ભાષાનો ઉત્તમ સર્જક ઉત્તમ અનુવાદક હોય એવું તો સહેજ પણ જરૂરી નથી જ. અનુવાદક ઉત્તમ સર્જનને દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સાહિત્યના બહોળા પ્રચાર, સમ્રૂધ્ધિ માટે હું તો માનું છું કે વિશાળ પાયે આવા અનુવાદો થવા જ જોઈએ.પણ આપણે ત્યાં તો હજુ દુનિયામાં સર્વસ્વીકાર્‌ય અંગ્રેજી જ નથી સ્વીકારાતી તો પઅફસોસ થાય છે ! તમે ય આટલી ઉંમરમાં આ અંગ્રેજીના કારણે કેટલું નવું નવું વાંચી, જાણી શકો છો, તમારો વિકાસ કેટલો સરસ રીતે થાય છે. અંતે તો તમારો વિકાસ દેશનો જ વિકાસ છે ને..’

અને બારણાંની આડસ લઈને ઉભેલાં અમીબેન અને સોફાના હાથા પર કોણી ટેકવીને એના પર હડપચી ગોઠવીને બેઠેલ ઋષિ બે ય ઉંડા વિચારમાં ગરકાવ થઈ ગયા.

૩.ઈનસ્ટન્ટ રીપ્લાય

થોડી નિસ્બત, થોડી ધરપત, થોડી ચાહત ને રકઝક પણ,

મન ફાવે તે લૂંટાવી જા, આ લાગણીઓના સરનામે.

-દિવ્યા રાજેશ મોદી

વીસે’ક વર્ષનો તરવરીયો ફૂટ્‌ડો યુવાન હિતાંશ હાંફળો ફાંફળો થઈને બંગલાના કંમ્પાઉન્ડમાં ફરતો હતો. એના એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં સ્માર્ટ ફોન હતો. સિગારેટનો છેલ્લો લાંબો કશ લઈને એણે અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી સિગારેટનું ઠૂંઠું દૂર ફંગોળ્યું. હવામાં બે ત્રણ ગોળ ગુલાંટી ખાઈને ઠૂંઠું પામના કૂંડા પાસે જીને પડયું. કૂંડાની ફરતે મહેંદી વાવેલી હતી જેમાં આ બેદરકારીથી ફેંકાયેલ સિગારેટના તણખાંથી આગ લાગી. જોકે હિતાંશનું ધ્યાન જતાં એણે તરત જ આગને એના ફ્લોટર્સથી દબાવીને ઠારી દીધી.

વીરેન, હિતાંશના પપ્પા એમના રૂમની ગેલેરીમાંથી આ સમગ્ર ઘટના જોઈ રહ્યાં હતાં અને જેનાથી હિતાંશ સાવ અજાણ હતો. પોતાના દીકરાની આવી બેચેનીનું કારણ જાણવાના ઈરાદાથી વીરેન એના બેડરૂમમાંથી બંગલાના બગીચામાં આવ્યો અને હિંચકા પર બેઠેલ હિતાંશની પાસે જીને બેઠો.

‘બેટા, કેમ આટલો બધો અકળાયેલો છું ? ‘

‘હ..અ..અપપપ્પા એવું કશું નથી. આ તો અમથું..માથું દુખતું હતું.’

‘બેટા, મારી પર વિશ્વાસ નથી કે ?’ અને વીરેને પોતાની સ્વચ્છ વિશાળ આંખો હિતાંશની આંખોમાં પૂરોવી દીધી. પપ્પાની નજરનો સામનો ના કરી શકતો હોય એમ હિતાંશ નજર ફેરવી ગયો. વીરેને એના ખભા પર હાથ મૂકયો અને હળ્વેથી બોલ્યો,

‘પપ્પા પર વિશ્વાસ ખૂટી ગયો કે ?’

‘ના..ના પપ્પા એવું કંઈ નથી. આ તો એવું છે ને કે મારી એક ફ્રેન્ડ છે, યશ્વી. અમે બંને એક બીજાને પસંદ છીએ. કોલેજમાંથી છૂટા પડીએ પછી પણ અમારી વચ્ચે રોજ સતત મેસેજીસ અને ફોનથી કોન્ટેક્ટ રહે છે. પણ છેલ્લાં અઠવાડિયાથી યશ્વી મારા કોઈ જ મેસેજીસના રેગ્યુલર જવાબ નથી આપતી. પાંચ વાર ફોન કરીએ તો માંડ એકાદ વાર વાત કરે અને બાકી કામનું કે ઘરનું કોઈ બાજુમાં છે તો વાત નહીં થાય જેવા બહાના બતાવે છે. પપ્પા, હું તમને મારા મિત્ર માનું છું અને એથી જ આપને આ વાત કહી રહયો છું. મારી રોજની સવાર એના ‘ગુડ મોર્ન્િાંગ’ ના મેસેજથી અને રાત એના ‘ગુડનાઈટ’ના મેસેજથી જ પડે છે. મને એક જાતની આદત પડી ગઈ છે હવે. પણ આ યશુ આજકાલ આવું ઓકવર્ડ બીહેવ કરે છે ને મને સતત અસલામતીનો ભય રહ્યાં કરે છે. યશુ બહુ જ સુંદર અને પૈસાદાર મા બાપની સ્માર્ટ સંતાન છે એને ક્યાંક બીજો કોઈ છોકરો તોપ’ અને હિતાંશનો અવાજ રૂંધાઈ ગયો ને આગળનું વાક્ય બોલાયા વિના જ રહી ગયું. જોકે વણબોલાયેલ વાક્યના પડઘા લાગણીશીલ બાપાના કાન સુધી પહોંચી જ ચૂક્યા હતાં અને પોતાના સંતાનની આવી દશા પર એ બે પળ સ્તબ્ધ થઈ ગયાં. બે મૌન પળ વહી ગયા પછી વીરેને પોતાની જાતને સંયત કરી અને દીકરાના ખભે હાથ મૂકીને બોલ્યો,

‘હિત, તને ખબર છે ને તારી મમ્મી ને મારા પ્રેમલગ્ન છે ?’

‘ઓફકોર્સ પપ્પા, આ તો કેવો સવાલ ? આ જ કારણથીમને તમારી ને મમ્મી પર વિશ્વાસ છે કે તમે મારી હાલત સમજશો અને મને પણ લગ્ન માટેની સંમતિ આપશો જ. અહાહાપકેવી અદભુત પ્રેમ કહાની છે તમારી બે ય ની ! મને તો એ સાંભળીને ય રોમાંચ થઈ જાય છે પપ્પા.’ અને હિતાંશના મુખ પર આછેરી સ્મિતની લકીર ખેંચાઈ ગઈ.વીરેન પણ દીકરાની હળવાશની એ પળોને માણી રહ્યો ને ધીરેથી બોલ્યો,

‘અમારા જમાનામાં આજની જેમ મોબાઈલ - ફોબાઈલ નહતા. ઘરનાથી છુપાઈ છુપાઈને અમારે ફોનમાં વાત કરવાનો સમય પણ ચોરવો પડતો હતો. એવા ચોરેલ સમયમાં એના ઘરની બહાર આવેલ પીસીઓમાંથી તારી મમ્મી મને ફોન કરે અને ઘણી વખત તો એ ફોન તારી દાદી કે દાદા ય ઉપાડે અને એ સમયે સામેથી ફોન કટ કરી દેવો પડે. વાત કરવાના ય આવા ફાંફાં તો મળવાની વાત તો શું કરૂં બેટા ? અમે બે ય જણ મળવા માટેની કે ફોન પર વાત કરવાની ચાતકની જેમ રાહ જોતાં. પણ સાચું કહું બેટા, એ રાહ જોવાની પણ એક મજા હતી. બહુ જ રાહ જોવાયા પછી માંડ માંડ પાંચ દસ મિનીટ વાત કરવા મળે, દસ પંદર દિવસે અડધો પોણો કલાક એક બીજાને મળવાનો મળે અને એ સમય અદભુત અદભુત હોય બેટા, એટલો અદભુત કે હું એને શબ્દોમાં વર્ણવી જ ના શકું.’

‘હા પપ્પા, તમારા ના વર્ણવાયેલ સમયને હું સમજી શકું છું.’

‘પણ બેટા, આજે તમને લોકોને સતત ફેસબુક, વોટસએપ, ટ્‌વીટરના અપડેટના જંગલોમાં અટવાયેલી જોવું છું ને ત્યારે મને બહુ દુઃખ થાય છે.’

‘કેમ દુઃખ પપ્પા ? અમે સતત એક બીજાના સંપર્કમાં રહીએ છીએ એનાથી અમારો પ્રેમ વધુ ગાઢ બને છે. તમને તો આનંદ થવો જોઈએ ને ?’

‘ના બેટા, તમે આ સતત અપડેટમાં ધીરજ જ ખોઈ બેઠા છો. વિરહ પછીના મિલનની શું મજા હોય એ અનુભૂતિથી જ તમારી પેઢી વંચિત થઈ ગઈ છે. તમને બધું ઈનસ્ટન્ટ જોઈએ. સવાલો પણ ઈન્સટન્ટ, એના જવાબો ય ઈનસ્ટન્ટ અને વળી એ જવાબ ના મળે તો એના ફ્રસ્ટ્રેશન ય ઈનસ્ટન્ટ. પણ આ બધા ઈન્સ્ટન્ટમાં જે અગત્યનું હોય છે - આ ડીપ્રેશનોમાંથી ઈનસ્ટન્ટ બહાર આવી જવાની.’ એ જ તમને નથી આવડતું. ઉલ્ટાનું નાની નાની બાબતો ય તમને હેરાન પરેશાન કરી મૂકે છે. તમારી પાસે ખુશી, મનોરંજન મેળવવાના ઢગલો સોર્સીસ હાજર છે પણ ઝાઝા રસોઈઆ રસોઈ બગાડે એમ આ ઝાઝા સોર્સીસે તમને એમનું મહત્વ જ નથી સમજવા દીધું. મેસેજીસ, ફોન એ એકબીજાની ખબર અંતર પૂછવા માટે હોય છે પણ તમે લોકોએ એને સતત રીપ્લાય આપવાના, ટચમાં રહેવાની અપેક્ષાઓ થકી એક ન્યુસન્સ બનાવી દીધું છે. બે કલાક પણ નેટ ના ચાલતું હોય કે કોઈની સાથે મેસેજીસની આપ લે ના થાય તો આખી દુનિયાના દુઃખના ડુંગરા તમારા માથે તૂટી પડે છે. આટલી વિશાળ દુનિયામાં તમે સાવ જ એકલવાયા થઈ જાઓ છો - વળી જેટલી ઝડપથી મિત્રો બની જાઓ છો એટલી જ ત્વરાથી તમે લોકો એકબીજાથી અળગાં ય થઈ જાઓ છો ને સતત નવા નવા સંબંધોની શોધમાં ભટક્યા જ કરો છો ને પરિણામ શું ? સ્ટ્રેસના સમુદ્રમાં ગોતા લગાવો છોપછ્‌ટ છે તમારી આ ઈન્સ્ટન્ટીયણ અપેક્ષાઓને.તમે લોકો એક પળ પોતે ય એકલા નથી જીવતા કે નથી સામેવાળાને પક્ષને ય એવી સ્પેસ આપતાં. કોઈ પણ પ્રસંગ કે જગ્યા - તમે લોકો સતત મોબાઈલમાં મેસેજીસ કરવામાં જ વ્યસ્ત. નથી આમના રહેતા કે નથી પેલી પા ના. શું સમજાવવું હવે તમને લોકોને ?’

હિતાંશના મગજમાં એકાએક ટ્‌યુબલાઈટ થઈ હોય એ થોડો ચમક્યો અને બે પળ રહીને બોલ્યો,

‘પપ્પા, તમારી વાત સાચી છે. યશ્વીએ મને કહેલું જ હતું કે એના માસી તાજા તાજા વિધવા થયા છે અને બધા એમને લઈને થોડા ટેન્સ છે તો રેગ્યુલર મેસેજીસ કે ટચમાં રહેવું શક્ય નથી જ. પણ હું એની એ તકલીફ સમજી શકવા જેટલો સમર્થ જ કયાં ? આ ઈન્સ્ટન્ટ રીપ્લાય, સતત સંપર્કની આદતોએ મારૂં માનસ, સમજણ સાવ ખોખલું જ કરી નાંખ્યું છે. રાહ જોવાની ધીરજ જ નથી રહી. તમે મને સમયસર ચેતવી દીધો પપ્પા, આઈ લવ યુ !’

અને હિતાંશની આંખમાંથી પસ્તાવાના બે મોતી વીરેનની હથેળીમાં સરી પડયાં.

૪. વાત દુનિયાના બેસ્ટ હસબન્ડની

હેત છે કે હૈયામાં માતુ નથી,

એ ય સાચું છે કે છલકાતું નથી.

સાંભળ્યાં બહુ સૂર સાતેસાત પણ,

રાગ જાણીતો કોઈ ગાતું નથી.

- સ્નેહા પટેલ

વસંત ઋતુની વહેલી સવાર હતી. પૃથ્વી એની નિયમિત ગતિ જાળવતી પોતાની ધરી પર અવિરતપણે ફરી રહી હતી. પ્રવાસીના કાનમાં દરિયાના મોજાંનાં પછડાટનો ધીરો ધીરો અવાજરસ રેડાઈ રહ્યો હતો. કાન અને આંખને સુસંગત કરવા પ્રવાસી પોતાની રોજની બેઠક સમી ખડક પર ગઈ અને ત્યાં બેસીને કાંડા પર બાંધેલા બેન્ડથી પરસેવો લૂછ્‌તી’કને દરિયાને નિહાળવા લાગી. દરિયાકિનારો અને એમાં પણ સૂર્યોદયનો સમય આ ઘટના પ્રવાસીની સૌથી મનપસંદ વાત.છેલ્લાં ૨૫ વર્ષથી એ નિયમિતપણે કુદરતની આ નિતનવી ઘટનાને એની નજરોમાં ભરીને અનોખી સ્ફૂર્તી - તાજગી -જીવવાનું બળ મેળવતી હતી. આકાશના ભૂખરા રંગના પ્રતિબીંબથી દરિયો પણ ભૂખરા રંગે રંગાઈ ગયેલો. મોજાંનું પાણી મનસ્વી રીતે ગતિ પકડતા - ખડક સાથે અથડાતા અને ફીણ ફીણ થઈ જતું હતું તો થોડું પાણી વાછટરૂપે ઉડીને આસપાસનું વાતાવરણ ધૂંધળું બનાવી દેતું હતું.ધીરે ધીરે આકાશમાં દોડતી -ફરતી વાદળીઓ લાલ થવા માંડી, પૂર્વીય ક્ષિતિજમાંથી દરિયાની ઉપલી ધાર પર ધીમે ધીમે લંબગોળ આકારનો એક ગોળો ઉપસવા લાગ્યો અને ધીમે ધીમે એ કર્કથી મકરવૃત તરફ ગતિ કરવા લાગ્યો. આકાશના વાદળો ખસતા ગયા અને કેસરી રંગ ગાઢો થઈને પીળાશ પકડવા લાગ્યો. દરિયાની ધાર પર થતાં સૂર્યોદયને નિહાળતાં પ્રવાસીની અંદર પણ સૂર્યોદય જેવી તાજગી ઉગવા લાગી. આંખો નશાર્ત થવા લાગી. આટલા વર્ષોથી ચોમાસાના દિવસો સિવાય નિયમિતપણે સૂર્યોદય જોતી હતી એમ છતાં પણ ક્યારેય એકસરખો નહતો લાગ્યો. રોજ રોજ આટલી નવીનતા કયાંથી લાવતો હશે આ ? પ્રવાસીને એના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યાં અને એ પોતાની ધડકનોની તાલ ઉપર સૂર્યનો ઉદય જોવામાં એક્ધ્યાન થઈ ગઈ. દસ મિનીટ જેવો કુમળો તડકો મળ્યો એટલે શરીરને વિટામીન ડીનો ખજાનો પણ પ્રાપ્ત થઈ ગયો અને ધીમે ધીમે એ નશામાંથી બહાર આવીને પ્રવાસી પોતાના ઘર તરફ વળી.

આટલી સુંદર ઘટના પણ એનો આનંદ વહેંચવા -સમજવા માટે જીવનમાં એક પણ વ્યક્તિ નહી !

ઘરમાં પ્રવેશતાં જ એને ડાઈનિંગ ટેબલ ઉપર બેસીને છાપું વાંચતો સાગર દેખાયો. સાગર એનો પતિ. છાપું વાંચતા વાંચતા પ્રવાસીની એની ‘સ્વીટહાર્ટ’ની રાહ જોઈ રહયો હતો. પ્રવાસી હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈને ફટાફ્ટ ચા બનાવી અને સાગર સાથે ચા પીવા બેઠી. સાગરના વાંકડિયા વાળમાંથી દેખાતું એનું ચમકતું સ્વચ્છ વિશાળ કપાળ એને દરિયાના સૂર્યોદય જેવું જ લાગતું. હજુ એ ધ્યાનથી સાગરનું મોઢું જોઈ શકે એ પહેલાં તો સાગરની ચા પતી પણ ગઈ.

‘ચાલ પ્રવી, હું ભાગું હવે’

‘અરે સાંભળ તો ખરો..આજે મેં કેટલો સરસ સૂર્યોદય જોયો એની વાત કરૂં.’

‘સોરી ડીયર, અત્યારે સહેજ પણ સમય નથી. વળી તારે સૂર્યોદય જોવાની કયાં નવાઈ, રોજ તો જોવે છે. તું પણ છે નેપ’

અને બાકીનું વાક્ય ઈરાદાપૂર્વક અધૂરૂં મૂકીને સાગર ફટાફટ તૈયાર થઈને ફેકટરીએ જવા ઉપડયો. પ્રવાસી હવે સાવ એકલી. કામવાળી બાઈ, રસોઈઓ, માળી બધાં પોતપોતાના સમયે આવીને પોતાનું કામ કરીને જતાં રહ્યાં. ત્યાં પ્રવાસીના મોબાઈલની રિંગ વાગી અને પ્રવાસીએ ફોન લીધો.

‘હલો,હાય માધુરી..’

‘હાય સ્વીટીપાઈ, કેમ છે ?’ સામેથી એક સુમધુર અવાજ પ્રવાસીના કાને પડયો.

‘હું તો હંમેશા મજામાં જ ને..’ અને પોતે મજામાં જ છે એની સાબિતી આપવા પ્રવાસીના હોઠ પર એક ફીકું સ્મિત આવી ગયું, બે પળ પછી ખ્યાલ આવ્યો કે પોતે ફોન પર વાત કરે છે અને ફોન પર એના ચહેરાના હાવભાવ માધુરીને દેખાવાના નથી એટલે હોઠ પાછા નોર્મલ થઈ ગયા.

‘હા ભાઈ, તારે શું ખોટ, દસે આંગળીએ ગોરમા ને પૂજેલા છે એટલે સાગર જેવો વર મળ્યો છે. રોજની જેમ આજે પણ એણે જ ચા મૂકી હશે, અને તમે મેડમ મોર્ન્િાગ વોક કરીને આવો એની રાહ જોતો હશે, રાઈટ..યુ લકી વન..અહીં તો મહિનાનો એક દિવસ પણ આવો ના ઉગે.’

‘હા માધુ, આજે તો એણે નાસ્તામાં મારી ફેવરીટ ઉપમા પણ બનાવેલી. પરણીને આવી ત્યારથી સવારની ચા તો સાગર જ બનાવે છે. મેં એને કેટલી વખત કહ્યું પણ એ મને ના જ પાડે. એ જ્યારે ના હોય ત્યારે જાતે ચા બનાવવાનું હવે આકરૂં થઈ જાય એટલી હવે મારી ટેવ બગાડી કાઢી છે એણે.’

‘હા ભાઈપતમારી વાત થાય કંઈ? હવે સાંજે પતિદેવ અચૂક ફ્લાવર, ગિફ્ટ કે કોઈક ને કોઈક સરપ્રાઈઝ લેતાં આવશે. તારી તો સવાર પણ નિરાળી અને સાંજ પણ પછી રાત તો નિરાળી જ રહેવાની નેપ’

માધુરીની વાતનો સંદર્ભ સમજતા પ્રવાસીનું નાજુક મોઢું શરમથી લાલચોળ થઈ ગયું.

‘અચ્છા સાંભળ, આજે સાંજે પિકચર જોવા જવું છે ?’

‘કયું ?’

‘ક્વીન, સાગર સાથે જોઈ તો નથી લીધું ને ? ‘

‘ના, હજુ બાકી છે. ઓકે. ડન’

‘લે, તારે કેટલી શાંતિપફટાફટ નિર્ણય લઈ લીધો. ના પતિદેવને પૂછવાનું કે ના સાંજની રસોઈની ચિંતા..વળી પિકચર જોવાના નામે જ એમનું મોઢું દિવેલ પીધા જેવું થઈ જાય. લગ્નને દસ વર્ષ થયા પણ હજી સુધી એક મૂવી જોવા સાથે નથી આવ્યાંપહશે જેવા જેના નસીબ બીજું શું ? ઓકે , સુપર મલ્ટીપ્લેક્ષમાં મળીએ, સાંજે સાત વાગ્યે, તું વહેલી પહોંચે તો ટિકીટ લઈ લેજે.મારે સ્વાતિ ટ્‌યુશનમાંથી આવે પછી નીકળાશે તો કદાચ મોડું પણ થાય અને પછી ટિકીટ ના મળે તો મૂડ જતો રહેશે.’

‘હા ભાઈ હા, હું ટિકીટ લઈ લઈશ. તું શાંતિથી આવજે. ચાલ હવે ન્હાવા જવું છે. ફોન મૂક.’ અને પ્રવાસીએ ફોન કટ કર્યો.

ફોન કટ કરીને આંખો બંધ કરીને પગ સામેની ટીપોઈ પર લંબાવીને પ્રવાસી વિચારવા લાગી,’ સાગર અને એ સાવ જ વિરૂધ્ધ સ્વભાવના. પ્રકૃતિનો ‘પ’ કે કોઈ આર્ટનો ‘અ’ પણ સાગરને ના સમજાય. એને તો ફકત ‘રૂપિયા’નો ‘ર’ જ પરમેશ્વર. આજે પણ એ ત્રણ દિવસ માટે બિઝનેસ મીટીંગ માટે દિલ્હી ગયેલો. મહિનાના વીસ દિવસ તો એના આમ જ એકલા અટૂલા જ વીતે અને બાકીના દસ દિવસ પૈસા કેવી રીતે આવ્યાં, કઈ પાર્ટી સાથે કેમની વાત થાય, મશીનો -ટેકનોલોજીની લેટેસ્ટ માહિતીઓ મેળવવામાં જ વીતતો. સાગર પાસે એને સમજવાનો, અનુભવવાનો સમય કે સમજણ જ ક્યાં હતાં ? અને પોતે પોતાનો એ ખાલીપો પોતાની સખીઓ, સગા વ્હાલાઓમાં સાગર અને એના સંબંધોની ખોટી ખોટી વાતો કરીને ભરતી હતી. સાગર એનો પડયો બોલ ઝીલી લે, એના મૌનથી , એની આંખોથી જ એની નારાજગી, ખુશી જાણી લે છે. એને ખબર હતી કે એનો સંતોષ ભ્રમણાઓથી ભરપૂર છે પણ વાસ્તવિકતામાં જે ખુશી ના મળે એની કલ્પનાઓ કરવામાં ક્યાં કોઈ પાબંદી હોય છે ? આમ નહીં તો તેમ..એ તો થોડું એડજસ્ટ, કોર્મ્પોમાઈસ તો કરવા પડે જ ને..બધાને બધું જ થોડી મળી જાય ? બાકી એનો સાગર એટલે સાગર ! એને કાયમ હાથમાં ને હાથમાં જ રાખે.

સાગર એટલે દુનિયાનો બેસ્ટ હસબન્ડ !

૫. આજકાલના જુવાનિયા

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !

મને મનગમતી સાંજ એક આપો :

કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપોપ

ખરી પડયાં પાંદડાંને હાથમાં લઈને

મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :

પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી

કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.

થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને

અર્જુનનો મત્સ્યવેધ આપો.

- જગદીશ જોષી

મોહિત ઓફિસેથી આવ્યો અને સોફામાં બેસીને બૂટ મોજાં જ કાઢતો હતો ત્યાં અંદરના રૂમમાંથી એક મર્દાના અવાજ આવ્યો,

‘મોહિત, આવી ગયો દીકરા ? જરા અંદર આવજે તો મારા ચશ્મા દેખાતા નથી. શોધી આપને.’

એક પગમાંથી મોજું કાઢેલું ને બીજા પગનું બાકી હતું એને એમનુ એમ રહેવા દઈ મોહિત ઉભો થયો અને અંદરની રૂમમાં ગયો. સોળ બાય સોળના એક સુંદર મજાના સ્વચ્છ બેડરૂમમાં બેડ ઉપર એના પિતાજી હેમંતભાઈ બેઠા હતા અને હાથમાં ચોપડી પકડીને ચશ્માની શોધ કરી રહેલાં. મોહિતે એમના માથા ઉપર લાગેલા ચશ્મા એમની આંખો પર ઉતારીને સેટ કરી આપ્યા અને કંઈ જ બોલ્યા વિના ટાઈની ગાંઠ ઢીલી કરીને ફરીથી સોફા પર બેઠો. હેમંતભાઈ, એના પિતાના સ્વભાવથી મોહિત હવે કંટાળી ગયેલો. આખો દિવસ એમની કોઈક ને કોઈક ડિમાન્ડ, કચકચ ચાલુ જ હોય.વળી આટલું કર્યા પછી પણ એમને કોઈ પણ વાતે ક્યારેય સંતોષ તો થાય જ નહીં. હેમંતભાઈના રોજ રોજના કજિયાથી કંટાળીને એની પત્ની મેઘા છેલ્લાં બે મહિનાથી એના સંતાન સાથે પિયર જીને બેઠી હતી. જ્યાં સુધી હેમંતભાઈ આ ઘરમાં છે ત્યાં સુધી એ આ ઘરમાં પગ નહીં મૂકે એવી ભીષ્મ પ્રતિજ્જ્ઞા લઈને ગયેલી. મોહિતપમોહિત બિચારો શું કરે ?

એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ ! મેઘાની વાત ખોટી નહતી અને ઘરડે ઘડપણ વિધુર એવા બાપાને સાચવવા દિન બ દિન અઘરાં થઈ રહેલા એમને કોઈ સંસ્થામાં પણ ના મૂકાય. એના માતા વીણાબેન ઘરરખ્ખુ અને સીધા સાદા ભારતીય નારી. પતિનો પડયો બોલ ઝીલનારા. પોતાની તબિયત સારી હોય કે નરસી ઘરના કોઈ પણ સદસ્યના કામ કાજ ના ચૂકે. અમુક વખત તો હેમંતભાઈને ખ્યાલ પણ ના હોય કે વીણાબેનને તાવ આવે છે કે બીજી કોઈ બીમારી છે ! એક વખત વીણાબેનનું ઓપરેશન હતું અને એમાં એ ખાસ્સા લેવાઈ ગયેલા. પલંગ પરથી ઉભા જ નહતા થઈ શકતા ત્યારે હેમંતભાઈએ એમને એમના પિયર મોકલી દીધેલા. એમને ઘણા બધા કામ હતા એમ પત્નીની બીમારી પાછળ સમય ફાળવવા જાય તો કામ ક્યારે કરે ? હેમંતભાઈની નોકરી પણ મજાની. સવારે અગિયાર વાગે જવાનું અને સાંજે છ વાગે છુટ્ટી. સવારે નવ વાગ્યે આળસ મરડીને વિશ્વ પર ઉપકાર કરતા હોય એમ એ ઉઠે, અડધો કલાક પથારીમાં બેસીને છાપું વાંચે, બ્રશ કરે અને વીણાબેનને ચા - નાસ્તા માટે બૂમ પાડે. પરવારીને થોડી વાર ટીવી જુએ અને અગિયાર વાગ્યે જમીને અને નાસ્તાનો ડબ્બો લઈને ઓફિસે. ઓફિસમાં પણ કારકુની કામ. એક જ ખુરશી પર બેઠાં તે બેઠાં. આરામથી કામ કરવાનું ના થાય તો બીજા દિવસે. સાંજે છ વાગ્યે છુટ્‌યાં પછી દોસ્તારો સાથે રખડવાનું, અને રાતે સાદા આઠ નવ વાગ્યે ઘરે આવી જમી કરીને ટીવી જોઈને સૂઈ જવાનું.

મોહિતને હેમંતભાઈનો ભૂતકાળ યાદ આવતાં જ મગજ ભમી જતું. પોતાના સગા બાપે કોઈ દિવસ પાસે બેસાડીને માથે હાથ ફેરવીને વાત કરી હોય એવું એને તો યાદ નહતું જ. એની શારિરીક , માનસિક, આર્થ્િાક બધીય તકલીફો એણે વીણાબેનની સાથે જ શેર કરીને રસ્તા શોધેલા હતા. જે અતિપ્રિય હતી વ્યક્તિ પહેલાં જતી રહી અને પાછ્‌ળ રહી ગયા આપ વિચારતાં જ મોહિતનું મોઢું કડવું થઈ ગયું. એના નાના ભાઈ અમરે તો આમની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દીધેલા. ના જ સચવાય તો ઘરડાઘરમાં મૂકી આવજે એવું કહીને ગયેલો. પણ એ પગલું એટલું સહેલું થોડી છે !

સમાજ શું કહે ? પોતાના ઘરડાં લાચાર બાપ સાથે કોઈ ઘરડે ઘડપણ આવું કરે ? અને મોહિતની નજર સામેથી મા બાપ ને સાચવવા જેવી ફરજોના અનેકો લેખ, સુવાક્યો, કવિતાઓ પસાર થઈ જાય.

એને વિચાર આવ્યો આવું કેમ ? પોતાના બાળપણમાં પોતાને પિતાનો પ્રેમ કદી પ્રાપ્ત નથી થયો એનો કોઈ વાંધો નહીં. એ એમની ફરજો ચૂક્યા ત્યારે એમને કોઈ યાદ કરાવનારા નહીં. આજના જમાનામાં એ ઘરના બે છેડાં ભેગા કરવા સવારના સાતથી રાતના દસ સુધી જાત ઘસીને બે નોકરી કરતો હતો. એની પોતાની તબિયત પણ નરમ ગરમ રહેતી હતી. અધૂરામાં પૂરૂં એની પત્ની અને બાળકો પણ આમની કચકચથી કંટાળીને જતા રહેલા. પણ હેમંતભાઈને એ બધાથી કોઈ ફરક નહતો પડતો. એ તો પોતાની મસ્તીમાં જીવતા હતા. એમના સંતાને એમનીસેવા ચાકરી કરવી એ એની ફરજ છે બસ, બીજી બધી વાતો સાથે એમનો કોઈ નિસ્બત નહતો.

વળી મેઘા એના મા બાપનું એકનું એક સંતાન એટલે પરણ્‌યાં પછી મોહિતના માથે એમને સાચવવાની જવાબદારી પણ ખરી. બે માબાપ થઈને એક સંતાનનું ધ્યાન રાખેી તો થોડી રીઝનેબલ વાત પણ એક જ સંતાન મોટાં થઈને એના સંતાનો ઉપરાંત એના અને એની પત્નીના એમ ્‌ચાર વૃધ્ધ વ્યક્તિઓનો ખ્યાલ રાખવાનો અને મોંઘવારીમાં કમાણી કરીને શરીર તોડવાનું તો એ પોતાની લાઈફ ક્યારે જીવી શકે ?

ત્રિશંકુની જેમ ફસાયેલો મોહિત વિચારતો હતો કે વૃધ્ધો પ્રત્યે સમાજ આટલો સંવેદનશીલ છે તો એ જ માનવી જયારે જુવાન હતો ત્યારે એણે પોતાના સંતાનને એક સ્વસ્થ અને સુંદર ભાવિ આપવા માટે કોઈ જ વિચાર ના કર્યો અને પોતાની મરજીથી મન ફાવે એમ જીવન જીવ્યો એવા બેજવાબદાર પિતાના માસૂમ સંતાન માટે સમાજ કેમ કંઈ નથી વિચારતો ? હેમંતકુમારે ક્યારેય એના ભણતરની, તબિયતની કે સંસ્કાર સુધ્ધાંની ચિંતા નહતી કરી એવા પિતાની અત્યારે એણે ફરજ સમજીને ચાકરી કર્યા કરવાની અને પોતાના દાંમ્પત્ય જીવનને એમાં હોમી કાઢવાનું એ કેટલું ન્યાયપૂર્ણ ? આપણો સમાજ મા બાપના યુવાન સંતાનો વિશે વિચારતો ક્યારે થશે ? ત્યાં તો અંદરના રૂમમાંથી અવાજ આવ્યો,

‘અલ્યા મોહિતીયા, તેં તો ફ્રેશ થવામાં બહુ સમય લીધો ને કંઈ..ટિફીન ક્યારનું આવી ગયું છે, ચાલ હવે પીરસી દે તારો આ ઘરડો બાપો ભૂખ્યો થયો હશે એની સહેજ પણ ચિંતા જ નથી ને તને તો . આ આજકાલના જુવાનિયાઓને શું કહેવું બાપા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED