સુંદરતા વધારવાની ટિપ્સ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરતા વધારવાની ટિપ્સ

સુંદરતા વધારવાની ટિપ્સ

મીતલ ઠક્કર

ભાગ-2

* પગની ડ્રાય સ્કીન વધારે ડ્રાય ન થાય તે માટે આખો દિવસ સ્લિપર પહેરો. બહાર જાઓ ત્યારે પગની એડી કવર થાય તેવાં સેન્ડલ પહેરો અને કોટન સોક્સ પહેરો. રોજ રાત્રે નવશેકા પાણીમાં 10 મિનિટ પગ બોળીને રાખો. ત્યારબાદ પ્યુમિક સ્ટોનથી એડીને ઘસીને સાફ કરો. સ્વચ્છ રૂમાલથી તેને લૂછીને વેસેલિન લગાડી દો. એક અઠવાડિયા સુધી નિયમિત રીતે આ પ્રોસેસ કરવાથી ધીમે ધીમે વાઢિયા દૂર થઈ જશે.

* નેલ પેન્ટ કાઢી નાખ્યા પછી ક્યૂટિકલ ક્રીમ, અથવા ઑલિવ ઓઈલથી મસાજ કરો. નખની ચમક જળવાઈ રહેશે.

* લીંબુના રસમાં ખાવાનો સોડા મિક્સ કરીને વીસ મિનિટ ચહેરા, હાથ, પગ ઉપર લગાવીને રાખવાથી કાળાશ દિવસે દિવસે ઓછી થતી જશે. અઠવાડિયાં સુધી આ રીતે કરવાથી તમારી સ્કિન ચમકવા લાગશે અને સનબર્ન પણ નીકળી જશે.

* હવામાં ફેલાતા પ્રદૂષિત રજકણોની અસર વાળ પર થતી હોય છે. એટલે ઘરના બહાર જતાં પહેલાં વાળને કૉટન સ્કાર્ફથી કવર કરવાની ટેવ પાડો. વાળ પર મોટા બક્કલ અથવા હૅરબૅન્ડનો ઉપયોગ ન કરવો. આ પાછળનું કારણ એવું છે કે વાળમાંના કુદરતી તેલને હૅરબૅન્ડ શોષી લેતું હોય છે. પરિણામે વાળ સૂકા અને બરછટ થઈ જાય છે. ઘણીવાર વાળ બટકી જતા હોય છે. વાળને બહુ ટાઈટ પણ ન બાંધો. વાળનાં મૂળમાં સોજો આવે તો દુખાવો થવાની શક્યતા છે. આમ કરવાથી વાળ તૂટવાનો ડર રહેતો હોય છે. વાળ ધોતી વખતે રોજ શૅમ્પુનો ઉપયોગ ન કરવો. વાળ ધોયા પછી કન્ડિશનર લગાવવું. એમ કરવાથી વાળ તૂટવાની તકલીફથી બચી શકાશે.

* ચોખાના લોટમાં બાજરીનો લોટ, લીંબુનો રસ, ખાવાનો સોડા મિક્સ કરીને સાબુના બદલે આ ઉબટણ લગાવીને સ્નાન કરવાથી સ્કિનની કાળાશ દૂર થાય છે. આનાથી સ્કિન ફાટતી પણ નથી. આ ઉબટણથી નાનાં બાળકોને પણ સ્નાન કરાવી શકો છો. હા, જો બાળકો માટે આ ઉબટણ બનાવો તો ખાવાનો સોડા ન ઉમેરવો.

* રાત્રે સૂતા પહેલાં હળદરમાં દૂધ કે દહીં ભેળવીને ચહેરા ઉપર લગાવીને રાખો. સવારે ઊઠીને આયનામાં જોશો તો તમારો ચહેરો નીખરી ગયેલો જોવા મળશે. રોજ રાત્રે હળદર લગાવવી ન ફાવે તો સપ્તાહમાં એક વખત અજમાવી શકાય છે.

* જો તમારી સ્કિન ઓઇલી હોય તો દિવસમાં બે વાર આઇસક્યૂબથી પાંચ મિનિટ મસાજ કરવું. ઓઇલી સ્કિન‌વાળાએ અઠવાડિયામાં ત્રણ વાર એલોવેરાના ગરને મસળીને તે ચહેરા પર લગાવવો. એનાથી પણ ઓઇલી સ્કિન નોર્મલ થવા લાગશે.

* તમે ઘરમાં જ સ્પાનો અનુભવ પણ લઈ શકો છો. બે રૂના નાના પુમડા ગુલાબજળમાં ડુબાડીને તમારી આંખો પર મૂકી દો. સારું- સુરીલું કોઈ સંગીત ચાલુ કરો. વીસ મિનિટ વિચારોને પણ બંધ કરી રિલેક્સ થાઓ. ત્વચાની અને મનની તાણ દૂર થતા ત્વચા પરનો નિખાર બીજાને તો દેખાશે તમને પણ અનુભવાશે.

* નારંગીનો રસ, મધ લગાવવાથી પણ સ્કિન સારી બને છે. ચહેરા પરની ચીકાશ ઓછી થાય છે અને ત્વચા કાંતિવાન બને છે.

* શરીર ઉપર વેક્સિગં કરતા પહેલાં બરફ ઘસી લેવો પરિણામે ત્વચા નમ પડી જશે. ત્વચા ખેંચાવાને કારણે થતા દુખાવામાં રાહત થાય છે.

* રાત્રે નાઇટ ક્રીમ લગાવ્યા બાદ રાત્રિ દરમિયાન ક્રીમનું ઓઇલ તમારી ત્વચા પર ફેલાઈ ગયું હોય છે. સાથે દિવસ દરમિયાન તમે કરેલા મેકઅપનું મિશ્રણ પણ ત્વચા પર લાગેલું હોય છે. તો સવારે ઊઠતાંની સાથે ફેસવોશથી મોં ધોવાથી ત્વચાને ફ્રેશનેસ ફીલ થાય છે. તદુપરાંત ત્વચા પર લાગેલો કચરો અને ક્રીમનું ફેલાયેલું ઓઇલ પણ દૂર થાય છે. વળી, સવારે ઊઠતાવેંત મોં ધોવાથી સુસ્તી દૂર થાય છે અને તાજગી અનુભવાય છે.

* વાળમાંથી અજીબ દુર્ગંધ આવતી હોય તો ટામેટાનો રસ કાઢો અને તેનાથી વાળમાં માલિશ કરો. 20-30 મિનિટ વાળમાં આ પેસ્ટ રાખ્યા પછી શેમ્પૂથી વાળ ધોઈ નાખો. ઉપરાંત, આ સમસ્યા માટે ડુંગળી પણ અસરકારક સાબિત થાય છે. ડુંગળીને વાટીને પેસ્ટ તૈયાર કરી સ્કાલ્પ પર લગાવો. અડધા કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લેવાથી વાળમાંથી દુર્ગંધ આવતી બંધ થઈ જશે.

* હોઠ પાતળા હોય કે મોટા, લિપસ્ટિક લગાવતા પહેલાં હોઠને એક્સફૉલિએટ કરવું જરૂરી છે. તેનાથી સ્કિનમાં મોજૂદ ડેડ સેલ્સ ખતમ થઈ જાય છે. આનાથી તમારી લિપસ્ટિક લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને હોઠ આખો દિવસ સુંદર દેખાય છે. આમ તો માર્કેટમાં તમને આવા અનેક એક્સફૉલિએટર મળી જશે, પરંતુ તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ખાંડ, મધ અને વેસેલિનને યોગ્ય રીતે મિક્સ કરી લો. હળવા હાથે તેને થોડી વાર હોઠ પર લગાવો અને પછી લૂછી લો.

* ગર્ભાવસ્થા વખતે પેટ ઉપર પડેલાં સ્ટ્રેચમાર્ક્સને ઘટાડવામાં હળદર ગુણકારી છે. હળદરમાં ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી લેવી. તેને સ્ટ્રેચ માકર્સ ઉપર નિયમિત લગાવવાથી તે ઘટવા લાગે છે.

* બટાકાનો રસ કાઢીને એક વાટકીમાં ભરો. તેમાં ટામેટાંનો રસ, લીંબુનો રસ મિક્સ કરો અને રાત્રે સૂતી વખતે ગરદન પર લગાવીને આખી રાત રહેવા દો. સવારે ઠંડા પાણીથી ધોઈ નાખવાથી ગરદનની કાળાશ ઓછી થઈ જશે. આ ઉપાય તમે રોજ અપનાવી શકો છો અને માત્ર ગરદન પર જ નહીં, શરીરના અન્ય કોઈ પણ ભાગની ત્વચા શ્યામ અથવા કાળી પડી ગઈ હોય તો ત્યાં પણ લગાવી શકો છો. આ મિશ્રણને એક બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખી મૂકો. બેથી ત્રણ દિવસ માટે આ મિશ્રણ સારું રહે છે.

* આપની આંખો બદામના આકારની ન હોય તો આંખના મેકઅપ માટે કાજલ પેન્સિલનો ઉપયોગ કરવો નહીં. કાજલ પેન્સિલના ઉપયોગથી આંખો વધુ નાની લાગે છે. આંખની ઉપરવાળી પાંપણની મધ્ય ભાગથી આઈલાઈનર લગાવવાનું શરૂ કરવું. ધીમેધીમે બ્રશને આંખોના કોર્નર તરફ લઈ જવું. મધ્યમાં પાતળી લાઈન લગાવીને અંતમાં તેને થોડી ઘટ્ટ બનાવો. પાંપણ ઉપર બનાવેલી પાતળી લાઈન અને આઈલાઈનરથી બનાવેલી લાઈનને બરાબર ભરી લેવી.

* ગુલાબજળમાં ગુલાબની પાંખડીને મસળીને આ પેસ્ટ રોજ પાંચ મિનિટ હોઠ પર લગાવી હળવા હાથે ઘસો. ધીમે ધીમે હોઠનો રંગ ગુલાબી થવા લાગશે.

* બ્લશરના ઉપયોગથી ખૂબસૂરતી વધુ નિખરે છે. પાવડર બ્લશ લાંબા સમય સુધી ફાયદો નથી આપતું તેથી ક્રીમ બ્લશનો ઉપયોગ કરવો. બ્લશના બે કોટ લગાડવા. પહેલા ક્રીમ બ્લશ તેના ઉપર પાવડર બ્લશને ચીક બોન્સ અને ઉપરની તરફ બ્લેન્ડ કરવું.જેથી લાંબો સમય સુધી ટકશે. બ્લશર લગાડતી વખતે હળવુ સ્માઇલ કરવું. જે ભાગ ઊપસી આવે તેના પર બ્લશર લગાડવું.

* ત્વચાની ખોવાયેલી રંગત કે ચમકને પાછી લાવવા બોડી પૉલિશિંગની ટ્રીટમેન્ટ કરાવવી શ્રેષ્ઠ ઉપાય છે, જેમાં સંપૂર્ણ શરીરને સ્ક્રબિંગ કરવામાં આવે છે, ત્યારબાદ શરીર ઉપર ખાસ પ્રકારનું શાઈનિંગ લગાવવામાં આવે છે. ત્વચા ચમકદાર બની જાય છે.

* દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.

* હાથ-પગની દેખભાળ રાખવા સાકર અને લીંબુને ભેળવી હાથ પર સાકર ઓગળે ત્યાં સુધી હળવે હાથે રગડવું. અને પછી હાથ ધોઇ નાખવા. સંતરાની તાજી છાલને હાથ પર રગડવી. ત્વચા સાફ થઇ જશે. બદામ અને મધ સપ્રમાણ માત્રામાં ભેળવી નખ અને ક્યુટિકલ્સ પર હળવે હળવે માલિશ કરવું અને ૨૦ મિનિટ બાદ હોથ ધોઇ નાખવા.

* ખીલના ડાઘાને કારણે વાન શ્યામ થઇ ગયો હોય તો નેચરલ શેડનો કંસિલર લગાડીત્વચાના ટોન સાથે મેચ કરનારા ફાઉન્ડેશન બ્લેન્ડ કરવો અને પછી પ્રેસ પાવડર લગાડવો.

* કાજળ આંખને વધુ આકર્ષક બનાવે છે. કાજળ ફેલાય ન જાય માટે આંખની આસપાસના ના ભાગને ડ્રાય રાખવો. કાજળને બ્લેક આઇશેડો સાથે બ્લેન્ડ કરીને લગાડી શકાય.
કાજળ લગાડયા પછી લિકવિડ આઇલાઇનર લગાડવુ જે કાજળને ફેલાતા રોકે છે. કાજળ ફેલાઇ ગયુ હોય તો ટચઅપ માટે ઇયર બડનો ઉપયોગ કરવો.

* બે ટી.-સ્પૂન કોપરેલમાં એક ટી-સ્પૂન લીંબુનો રસ ભેળવી વાળના મૂળમાં લગાડવાથી ખોડો દૂર થાય છે.

* જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો કોઇ ખુશ્બુ વગર અને નૉન આલ્કોહોલિક મોઇશ્ચરાઇઝર પસંદ કરો. કોશિશ કરો કે ચહેરા અને બોડી માટે તમે અલગ અલગ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તમારી સ્કિનને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખો.

* જ્યારે તમે ફેસ પેક લગાવો તે દરમિયાન કોઇ પણ પ્રકારની વાતચીત અવોઇડ કરો અને શાંત રહો. તમારાં ચહેરામાં મૂવમેન્ટ હોવાથી તેમાં ખેંચાણ વધશે અને ફેસ પેક પર કરચલીઓ આવી જશે. આનાથી તમારાં ફેસ પેક પર યોગ્ય અસર નહીં દેખાય. ફેસ પેક હટાવ્યા બાદ સાબુનો ઉપયોગ ના કરો, તેને માત્ર નોર્મલ પાણીથી હટાવો.

* સ્કિનમાં મોજૂદ ડેડ સેલ્સ વેક્સિંગ માટે અડચણ બને છે અને વેક્સિંગના દર્દમાં વધારો કરે છે. તેથી ગમે ત્યારે વેક્સિંગ કરવા અથવા કરાવતા પહેલાં તમારી સ્કિનને યોગ્ય રીતે બોડી સ્ક્રબથી પગ અથવા હાથ જ્યાં પણ વેક્સ કરાવવાનું હોય તેને એક્સફૉલિએટ કરો. આનાથી સ્કિનમાં મોજૂદ ડેડ સ્કિન દૂર થઇ જશે. આ સાથે જ તમને કોઇ પણ પ્રકારના રેશિઝ પણ નહીં થાય.

***