કાળરાત્રી-13 Narendrasinh Rana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળરાત્રી-13

(આપણે વાંચ્યું કે લેખક અને તેમના પિતાનું જીવન બુનાના લેબર કેમ્પમાં ધીરે ધીરે સંઘર્ષમય બની રહ્યું હતું. તેમને પડી રહેલી મુશ્કેલીઓ ધીરે ધીરે વધી રહી હતી. હવે, આગળ વાંચો...)

પોલેન્ડના કેદીઓને બીજા કેમ્પમાં ખસેડાયા તેના થોડા દિવસ પેહલા મને એક વિચિત્ર અનુભવ થયો. તે રવિવારનો દિવસ હતો કેમ્પમાં કોઈએ કામ પર જવાનું નોહતું પણ કોઈ અગમ્ય કારણોસર આઈડેક અમને કામ પર લઇ જવા માંગતો હતો. થોડીવારમાં અમે બધા કારખાને પોહચ્યાં. કારખાનું ખાલી હતું. આઈડેક અમને જે મળે તે કામ કરવાની સૂચના આપીને ગાયબ થઇ ગયો. તેણે અમારી જવાબદારી ફ્રેન્કને સોંપી. તેણે અમને કારખાનામાં જમીન પર બેસાડયા. લાંબા સમય સુધી બેસીને કંટાળ્યા પછી અમે વારાફરતી આંટો મારવા જવાનું નક્કી કર્યું. અમે કોઈ નાગરિકના દ્વારા કારખાનામાં ભુલાઈ ગયેલી બ્રેડ કે બીજી ખાવાની ચીજોની શોધમાં હતા.

મારો વારો આવતા હું આમતેમ ભટકતો કારખાનાના પાછળના ભાગમાં પોંહચી ગયો. મેં બાજુની ઓરડીમાંથી આવતો અવાજ સાંભળ્યો. હું તપાસ કરવા નજીક ગયો. મેં ઓરડીમાં આઈડેક અને એક યુવાન પોલિશ છોકરીને અર્ધ અનાવૃત અવસ્થામાં જમીન પર પાથરેલી શેતરંજી પર સુતેલા જોયા. આ છોકરી સાથે સુવા માટે આઈડેક સો કેદીઓને પરેડ કરાવતો અહીં લાવ્યો હતો, તે વિચારના કારણે મને હસવું આવી ગયું. આઈડેક અને છોકરી મને જોઈ ગયા. છોકરીએ પોતાનો અર્ધ અનાવૃત દેહ ઢાંકવાનો પ્રયત્ન કર્યો. આઈડેક ગુસ્સામાં મારી તરફ ધસ્યો.

મારે ત્યાંથી ભાગી જવું જોઈતું હતું પણ કોઈ કારણસર મારા પગ ન ઉપડ્યા. આઈડેકે મારુ ગળું પકડ્યું અને બોલ્યો," કામ મૂકીને આંટા મારવાની સજા તારે ભોગવવી પડશે છોકરા. જા પાછો. હું હમણાં તારી ખબર લેવા આવું છું."

કામ પૂરું થવાના અડધી કલાક પેહલા આખી ટુકડીને હાજરી માટે ભેગી કરવામાં આવી. મારા સિવાય કોઈને આ અચાનક લેવામાં આવી રહેલી હાજરીનું કારણ ખબર નોહતી. આઈડેકે ભાષણ આપ્યું,

"કેદીઓએ બીજા લોકોના કામોમાં દખલ દેવાની ન હોય પણ તમારા માંથી એક વ્યક્તિને આ વાતની સમજણ નથી. માટે આજે તેને એ સમજણ આપવાની છે."

મને પરસેવો વળી ગયો.

"A-7713"

હું આગળ આવ્યો.

"લાકડાનું ખોખું લાવો." તેનો હુકમ છૂટ્યો.

ખોખું લાવવામાં આવ્યું.

"આના પર ઊંધો સુઈ જા, છોકરા."

હું પેટ ખોખાં પર રહે અને ઘૂંટણ જમીન પર રહે તેમ સુઈ ગયો. મને ખબર હતી કે હવે શું થવાનું હતું.

ચાબુક લાવવામાં આવ્યું. આઈડેકે ગણતરી શરૂ કરી,"એક...બે.."

પહેલા બે ચાબુકના ફટકા પછી મારી ચામડી બહેરી થઇ ગઈ. મને થતી પીડા જાણે હદ પાર કરી ગઈ. તેણે બે ફટકા વચ્ચે આરામ લેવાનું શરૂ કર્યું.

"દસ...અગિયાર..."

તેના અવાજ અને પડી રહેલા ચાબુકના ફટકા સિવાય બીજો કોઈ અવાજ મને નોહતો સંભળાઈ રહ્યો.

"ત્રેવીસ..."

બે બાકી, મેં અર્ધ જાગ્રત અવસ્થામાં વિચાર્યું.

"ચોવીસ...પચીસ."

ચાબુકના ફટકા પુરા થઈ ગયા હતા પણ મને ખબર ન પડી કેમ,કે હું પીડાના કારણે બેભાન થઇ ગયો હતો. તેમણે મારા મોઢા પર ઠંડુ પાણી છાંટ્યું ત્યારે હું ભાનમાં આવ્યો. હું હજુ તે ખોખાં પર જ પડ્યો હતો. મને બધું ઝાંખું દેખાઈ રહ્યું હતું. મારી આસપાસની જમીન ભીની થઇ ગઈ હતી. મને કોઈ બોલતું હોય એવું લાગ્યું.

"ઉભો થા." એ આદેશ હતો.

મેં ઉભા થવા પ્રયત્ન કર્યો પણ ઉભો ન થઇ શક્યો. હું કેહવા માંગતો હતો કે હું ઉભો નથી થઇ શકતો પણ મારામાં બોલવાની શક્તિ જ નહોતી રહી.

"ઉભો થા, છોકરા." ફરી આદેશ આવ્યો અને ફરી મેં ઉભા થવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો. મને મારા પિતાનો ચેહરો યાદ આવ્યો. મારી આવી પરિસ્થિતિ જોઈને તેમની શું હાલત થઇ હશે?

બે કેદીઓ મને ઢસડીને આઈડેક પાસે લઇ ગયા. તે પોતાનું મોં મારા કાન પાસે લાવીને બોલ્યો," સાંભળ, હરામી. તારી જિજ્ઞાષાએ તને આ પચીસ ફટકા અપાવ્યા. તે જે જોયું છે એ કોઈને કહીસ તો આના કરતા પાંચ ગણી સજા મળશે. સમજણ પડી?"

મેં હકારમાં માથું હલાવ્યું. હું માથું હલાવતો જ રહ્યો જાણે સમયના અંત સુધી માથું હલાવવાં માટે જ જન્મ્યો ન હોય.

એક રવિવારે મારા પિતા મને કેમ્પ પર મૂકીને અમારી અડધી ટુકડી સાથે કામ પર ગયા. બાકીની અડધી ટુકડીએ આરામ કરવાનું નક્કી કર્યું હતું. આશરે સવારે દસ વાગ્યે હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા. એસ.એસ.ના બધા જ ઓફિસરો તેમના સુરક્ષિત બંકરમાં ચાલ્યા ગયા. સંત્રીઓએ ગેટ બંધ કરી દીધા. વોચ ટાવર પર ગોઠવાયેલા સૈનિકો પણ સુરક્ષિત સ્થાને ચાલ્યા ગયા. આખો કેમ્પ થોડીવારમાં તોફાનમાં ત્યજી દેવાયેલા જહાજ જેવો બની ગયો.

હવાઈ હુમલા દરમ્યાન કેમ્પમાંથી ભાગી જવું સહેલું હતું કેમ,કે આસપાસ રહેલી કાંટાળી વાડમાંથી વહેતો વીજપ્રવાહ પણ બંધ કરી દેવામાં આવતો. તકલીફ માત્ર હવાઈહુમલાને કારણે આકાશમાંથી વરસતા દારૂગોળાની હતી. અમારી પર પડેલો એક જ બોમ્બ સેંકડોને મારી શકે તેમ હતો. એસ.એસ.ના ઓફિસરોને હવાઈહુમલા દરમ્યાન બહાર દેખાતા કોઈ પણ કેદીને ગોળીએ દેવાની છૂટ હતી.

તે દિવસે રસોડા પાસે બે મોટા તપેલા ભરીને સૂપ ઉકળી રહ્યો હતો. તેનું ધ્યાન રાખનારા અત્યારે સુરક્ષિત જગ્યાએ સંતાઈ ગયા હતા. સેંકડો ભૂખી આંખો તે બે તપેલા સૂપને તાંકી રહી હતી. જાણે ભૂખ્યા વરૂઓ વચ્ચે બે ઘેટાને તેના માલિક મૂકીને ચાલ્યા ગયા હોય. એ ભૂખ અને ડર વચ્ચેનો મુકાબલો હતો. ડર હંમેશા ભૂખ સામે જીતી જતો હોય છે. તે દિવસે પણ એમ જ થઇ રહ્યું હતું. મોતનો ડર ભૂખ સામે જીતી રહ્યો હતો. સામે પડેલા બે તપેલા સૂપ સુધી પહોંચવાનું સાહસ કોઈ નહોતું કરી રહ્યું.

અચાનક બ્લોક નંબર 37 માંથી એક કેદી જમીન પર સાંપની જેમ સરકતો સરકતો સૂપના તપેલા તરફ આગળ વધ્યો. તેની ભૂખ મોતના ડર સામે જીતી ગઈ હતી. સેંકડો ભૂખી આંખો તેને ઈર્ષાથી જોઈ રહી. તેના શરીર સાથે જાણે બધાના શરીર પણ સૂપના તપેલાઓ પાસે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે જમીન પર સરકતો સૂપના તપેલાઓ સુધી પહોંચી ગયો.

તેણે આસપાસ નજર કરીને ધીરેથી ગોઠણભેર ઉભો થયો. તેની આંખોમાં ભૂખ હતી જાણે તેનું સમગ્ર અસ્તિત્વ તેના પેટની ભૂખમાં સમાઈ ગયું હોય. તે તપેલાનાં કાંઠા સુધી પોતાનું મોઢું લઇ ગયો. તપેલું હજુ ગરમ હતું. તે ઉકળી રહેલા સૂપ પર નમ્યો. તે કદાચ પોતાનું પ્રતિબિંબ સૂપમાં જોઈ ગયો અને તેણે જોરથી ચીસ પાડી. તેણે પોતાનું મોઢું ગરમ સૂપમાં બોળ્યું. તરત જ ગોળી છૂટવાનો અવાજ આવ્યો અને તેનું શરીર તપેલા પાસે ઢળી પડ્યું. પોતાની ભૂખ સંતોષવા માટે તેણે જીવ ખોયો.

થોડી જ વારમાં અમને ઉડતા વિમાનોના અવાજ આવવા લાગ્યા. બુના પર હવાઈ હુમલો શરૂ થઇ ચુક્યો હતો. અમે બધા ખુલ્લામાં હતા. અમારી તે હુમલાની ઝપટમાં આવી જવાની સંભાવના સૌથી વધુ હતી. તેમ છતાં અમે ખુશ હતા. અમને જર્મની હારી રહ્યું છે તેવા સમાચારો મળતા રહેતા પણ આ હુમલો તે સમાચારોની પુષ્ટિ કરી રહ્યો હતો. અમને અમારી મુક્તિ હવે નજીક લાગી રહી હતી.

કોઈએ મને કહ્યું કે બુનાની ફેક્ટરીને નિશાન બનાવવામાં આવી છે. મને મારા પિતાની ચિંતા થઇ. હુમલો એક કલાક સુધી ચાલ્યો. એક કલાક પછી હુમલો પૂરો થયો તેનું સિગ્નલ આપતું સાયરન વાગ્યું. આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. અમેરિકન વિમાનો બુના પર દારૂગોળો વરસાવીને ચાલ્યા ગયા હતા. અમે અમારા નર્કમાં એકલા રહી ગયા હતા.

(ક્રમશ:)