Kaalratri - 12 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-12

(આપણે છેલ્લે વાંચ્યું કે કેવી રીતે લેખક અને તેમના પિતાને કેવી રીતે એક ઇલેક્ટ્રોનિક સ્પેર પાર્ટસ જોડાવાના કારખાનામાં મજૂરી કામ માટે મોકલવામાં આવ્યા. હવે આગળ વાંચો...)

કારખાનામાં ઘણી વાર મારે એક યુવાન ફ્રેન્ચ છોકરી સાથે કામ કરવું પડતું. મને ફ્રેન્ચ અને તેને જર્મન આવડતી ન હોવાથી અમે વાતો નહોતા કરી શકતા. તે દેખાવમાં યહૂદી નોહતી લાગતી. તે ફરજીયાત કામ પર મોકલવામાં આવેલા ગ્રુપની સભ્ય હતી. અમે એમ જ માનતા કે તે "નાઝી" છે.

એક વાર જયારે આઈડેક કોઈને મારવા માટે શોધતો હતો ત્યારે હું તેની ઝપટે ચડી ગયો. તેણે મને કોઈ કારણ વગર મારવાનું શરૂ કર્યું. તે મારા માથા પર અને છાતી પર મુક્કા મારવા લાગ્યો. તે મને જમીન પર પછાડતો અને પાટા મારતો હતો. અસહ્ય પીડાના કારણે હું ચીસો ન પાડું તે માટે મેં મારો હોઠ દાંત વચ્ચે દબાવી દીધો. આઈડેકને મારુ મૌન અપમાનજનક લાગ્યું અને તે મને વધારે જોરથી મારવા લાગ્યો.

અંતે થોડીવાર પછી એ શાંત થયો. જાણે કશું જ બન્યું ન હોય અને અમે બન્ને કોઈ રમત રમીને છુટા પડ્યા હોય તેમ તે ચાલ્યો ગયો. અસહ્ય પીડાના કારણે મારુ આખું શરીર દુઃખી રહ્યું હતું. હું મારી જાતને ઘસડીને ખૂણામાં લઇ ગયો. મારુ આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. મેં મારા માથા પર કોઈનો હાથ મારુ લોહી લૂછી રહ્યો હોય તેમ અનુભવ્યું. તે પેલી ફ્રેન્ચ છોકરી હતી. તેના મોઢા પર એક દુઃખ ભરેલું સ્મિત હતું. તેણે મને બ્રેડનો એક ટુકડો આપ્યો. મને ખબર હતી કે તે મને કઈંક કેહવા માંગે છે પણ ડર અને ભાષાના બંધનના કારણે બોલી નથી શકતી. તે થોડીવાર એમ જ મારી પાસે બેસી રહી અને પછી એકદમ શુદ્ધ જર્મનમાં બોલી,"રડ નહીં, નાના ભાઈ. તારા ગુસ્સાને અને ધૃણાને દબાવી રાખ. રાહ જો, સમય આવશે. એ સમયની રાહ જો. એ દિવસ ચોક્કસ આવશે..."

***

તે ઘટનાના ઘણા વર્ષો પછી હું પેરિસની મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યો હતો. હું ન્યુઝપેપર વાંચી રહ્યો હતો ત્યારે મારી સામે એક કાળા વાળ અને મોટી આંખોવાળી સુંદર સ્ત્રી આવીને બેઠી. મેં તે આંખો પેહલા પણ ક્યાંક જોયેલી હતી.

"મેડમ, તમે મને ઓળખ્યો?" મેં તેને પૂછ્યું.

તેણે ના પાડી.

"તમે 1944 માં પોલેન્ડના બુનાના કેમ્પમાં હતા ને?"

"હા, પણ..."

"તમે ત્યાં એક ઇલેક્ટ્રોનિક પાર્ટસના કારખાનામાં કામ કરતા હતા, યાદ છે?"

"હા..." તેણે થોડીવાર મારી સામે જોયું. અચાનક તેને યાદ આવ્યું.

"આઈડેક...પેલો યહૂદી છોકરો...તમારા શબ્દો..." મેં તેને યાદ કરાવ્યું.

અમે પછી સ્ટેશને ઉતરીને નજીકની રેસ્ટોરન્ટમાં સાંજ સુધી બેસીને અમારી દુઃખદ સ્મૃતિઓ વાગોળતા રહ્યા. છુટા પડતા પેહલા મેં તેને પૂછ્યું,"શું હું તમને હજુ એક પ્રશ્ન પૂછી શકું?"

"મને ખબર છે તમે એમ જ પૂછવા માંગો છો ને કે હું યહૂદી છું કે નહીં? હું યહૂદી છું. હું એક રૂઢિચુસ્ત યહૂદી પરિવારમાંથી આવું છું. જર્મનીના ફ્રાન્સ પરના કબજા દરમ્યાન મેં ખોટા ઓળખપત્રો અને કાગળો મેળવ્યા હતા. મારા દેખાવના કારણે અને કાગળોના કારણે કોઈને મારા પર શંકા ન ગઈ. તેમણે મને ફરજીયાત મજૂરી માટેના ગ્રુપમાં મૂકી. જયારે મને જર્મની મોકલી દેવામાં આવી ત્યારે મારા કાગળોને કારણે હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં જવાથી બચી ગઈ. ત્યાં કારખાનામાં કોઈને ખબર નોહતી કે મને જર્મન ભાષા બોલતા આવડે છે. જો તેમને ખબર પડે તો મારી બોલીના કારણે તેમને મારા પર શંકા જાત માટે હું કોઈ સાથે બોલતી નહીં. તારી સાથે તે દિવસે જર્મનમાં વાત કરવી મારા માટે જોખમી પગલું હતું પણ મને ખબર હતી કે તું કોઈને નહિ કહે..."

***

એક વખત જ્યારે અમે જર્મન સૈનિકોની દેખરેખમાં ડીઝલ એન્જીન રેલવેના વેગનોમાં ચડાવી રહ્યા હતા ત્યારે આઈડેક ફરી ગુસ્સે થયો આ વખતે તેના નિશાન પર મારા પિતા આવ્યા. તે મારા પિતાને લોખંડ ના ધોકા વડે મારવા લાગ્યો.

"ડોસા, આ તારી કામ કરવાની રીત છે?" એ બરાડા પાડી રહ્યો હતો.

મારા પિતાએ પેહલા તો પોતાના હાથ વડે તેના ઘા થી બચવાનો પ્રયાસ કર્યો પણ પછી પીડાના કારણે જમીન પર બેસી ગયા. હું તેમની બાજુમાં જ હતો. હું ચુપચાપ બધું જોઈ રહ્યો. મેં તેને રોકવાનો કોઈ જ પ્રયત્ન ન કર્યો. મેં એક કાયરની જેમ તેના પ્રહારથી બચવા મારા પિતાની પાસેથી ખસી જવાનું પણ વિચાર્યું. મને આઈડેકના બદલે મારા પિતા પર ગુસ્સો આવી રહ્યો હતો. તે શા માટે તેની નજરમાં આવી ગયા? તેમણે આવું શું કામ કર્યું? કેમ્પના જીવને મારા માંથી બધા જ ગુણો ચૂસી લીધા હતા.

ફ્રેન્ક, જે અમારી પાંચ વ્યક્તિઓની ટુકડીનો વડો હતો, એક વખત મારો સોના મઢેલો દાંત જોઈ ગયો. તે હંમેશા અમને મદદ કરતો.

"છોકરા, મને તારા દાંત પરનું સોનાનું આવરણ આપ." તેણે માંગણી કરી.

મેં તેને કહ્યું કે હું તેના વગર ખોરાક ચાવીસ કઈ રીતે?

"તેઓ ખાવા જ ક્યાં આપે છે કે તારે ચાવવું પડે."

મારા પાસે બીજો ઉપાય પણ હતો. મેં તેને કહ્યું કે એ આવરણ રજીસ્ટરમાં નોંધાયેલું છે. મેડિકલ ચેકઅપ દરમ્યાન જો તેમને એ નહિ દેખાય તો આપણે બન્ને મુશ્કેલીમાં મૂકાશું.

"તું મને આવરણ નહીં આપે તો તું વધારે મુશ્કેલીમાં મુકાઇશ." તે ધમકી આપતા બોલ્યો.

દયાળુ અને પરોપકારી ફ્રેન્કની આંખોમાં અચાનક લાલચ દેખાઈ રહી હતી. મેં તેને મારા પિતાને પૂછીને જવાબ આપું તેમ કહ્યું.

"તારે પૂછવું હોય તેને પૂછ પણ મારે કાલ સુધીમાં જવાબ જોઈએ."

મેં મારા પિતાને વાત કરી.

"આપણે એવું ન કરી શકીએ." મારા પિતાનો જવાબ હતો.

"તો એ આપણી પર દાઝ રાખશે." મેં મારા પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"એ એવું નહિ કરે."

કમનસીબે, ફ્રેન્કને અમારી દુખતી રગ ખબર હતી. મારા પિતાએ લશ્કરી ટ્રેનિંગ નોહતી લીધેલી માટે તેમને પરેડ કરવામાં તકલીફ પડતી. કેમ્પમાં અમારે જયારે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થતું ત્યારે પરેડ કરતા જવું પડતું. ફ્રેન્કને આ કારણે મારા પિતાને હેરાન કરવાનો મોકો મળી રહેતો. મારા પિતા જયારે પરેડ કરતા ત્યારે તે ભૂલો કાઢીને તેમને તમાચા અને મુક્કા મારતો. મારા પિતા ચુપચાપ તેના અત્યાચાર સહન કરતા.

મેં મારા પિતાને આ ત્રાસથી બચાવવા પરેડની ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું. હું તેમને પરેડ શીખવાડતો ત્યારે સાથી કેદીઓ અમારા પર હસતા. મારા પિતા પરેડ કરતા ન શીખી શક્યા અને ફ્રેન્કના પ્રહારો સહન કરતા રહ્યા.

આવું બે અઠવાડીયા સુધી ચાલ્યું. તેના અત્યાચારો અસહ્ય બનતા અંતે મેં સોનાનું આવરણ તેને આપી દેવાનું સ્વીકાર્યું.

"મને ખબર જ હતી છોકરા કે હું જીતી જવાનો. હવે તારે તારી જીદની કિંમત ચૂકવવી પડશે. તારે એ આવરણ સાથે એક ટાઈમની બ્રેડ પણ મારા સાથીને આપવી પડશે." તે હસીને બોલ્યો.

"આવરણ અને બ્રેડ બન્ને શું કામ આપું?" મેં વિરોધ નોંધાવ્યો.

"કેમ, આવરણ ખેંચવા માટેની ફી તું તે ડોક્ટરને નહિ આપ..."

તે રાત્રે સંડાસમાં વર્સોવના ડેન્ટિસ્ટે મારા દાંત પરનું સોનાનું આવરણ, કટાયેલી ચમચીની મદદથી, એક ટાઈમની બ્રેડના બદલામાં, ખેંચી કાઢ્યું. ફ્રેન્કનું વર્તન અમારા તરફ ફરી સારું થઇ ગયું. તેણે એક બે વખત મને એક્સ્ટ્રા સૂપ પણ લાવી આપ્યું. થોડાદિવસ બાદ બધા જ પોલેન્ડના કેદીઓને બીજા કેમ્પમાં લઇ જવામાં આવ્યા. ફ્રેન્ક પણ તેમાંથી એક હતો. મેં એ સોનાનું આવરણ કંઈ પણ મેળવ્યા વગર ગુમાવ્યું હતું.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED