Sundarta vadharvani tips books and stories free download online pdf in Gujarati

સુંદરતા વધારવાની ટિપ્સ

સુંદરતા વધારવાની ટિપ્સ

મીતલ ઠક્કર

ભાગ-૧

* કાળી પડી ગયેલ ત્વચા પાછી ચમકી ઊઠે તે માટે ઉબટનનો ઉપયોગ મહિનામાં બે વખત કરવો. જો ત્વચા વધુ પડતી કાળી પડી ગઈ હોય તો દર અઠવાડિયે એક વખત ઉબટનનો ઉપયોગ કરવો જોઈએ. ચણાના લોટમાં હળદર અને મલાઈ ભેળવીને નિયમિત શરીર ઉપર લગાવવાથી ત્વચા કોમળ બને છે. મગના લોટમાં મધ, દહીં, બદામની પેસ્ટ અને નારિયેળનું તેલ નાખીને ઉબટન બનાવીને શરીર ઉપર લગાવીને થોડા સમય બાદ સાફ કરવાથી ત્વચા નિખરી ઊઠે છે.

* સનફ્લાવર ઓઇલથી વાળના મૂળમાં મસાજ કરવાથી વાળની રૂક્ષતા દૂર થાય છે.

* લેગિંગ પહેરતી વખતે શરીરના ભાગો ઊભરી આવે છે. જો લેગિંગનું કાપડ વધુ પડતું પાતળું હોય તો પગના દરેક ઉભાર દેખાઈ આવે છે. જેને કારણે અન્ય માટે હાસ્યાસ્પદ બની શકાય છે. કાપડ પાતળું હોવાથી પગનો વધુ ચરબીવાળો ભાગ કદરૂપો લાગે છે. લેગિંગની ખરીદી કરતી વખતે તે પહેરીને જોઈ લેવું. લેગિંગ પહેર્યા બાદ સરળતાથી વળી શકાતું હોય તો તેની પસંદગી કરી શકાય છે. લેગિંગ પહેર્યા બાદ તેમાંથી આંતરિક વસ્ત્રો દેખાય નહીં તેની પણ યોગ્ય કાળજી લેવી. ઠંડીની મોસમમાં મળતા ખાસ લેગિંગની ખરીદી યોગ્ય ગણાય છે. કારણકે તે ઠંડીમાં ગરમાવો પણ આપે છે અને પગના ચરબીયુક્ત ભાગને ઢાંકી પણ દે છે.

* સૂતા પહેલાં ઉચ્ચગુણવક્તાયુક્ત ડીપ ક્લિઝિંગ મિલ્કથી ત્વચાની સારી રીતે સફાઇ કરવી જેથી સૌંદર્ય પ્રસાધનથી ત્વચા પ્રભાવિત થાય નહીં. ક્લિંઝર ત્વચાને અનુરૂપ જ હોવું જોઇએ. ક્લિંજરના ઉપયોગ બાદ ભીના રૂના પૂમડાંથી ત્વચા સાફ કરવી તેમજ ચહેરો ધોઇ નાખવો. ત્યાર બાદ આલ્કોહોલ રહિત ટોનરથી ત્વચા ટોનઅપ કરવી. ત્યાર બાદ નાઇટ ક્રીમ લગાડવું. અઠવાડિયામાં એકવાર ચહેરા પર ઉચ્ચગુણવક્તાયુક્ત જેલ લગાડવું. તેનાથી ડેડ સ્કિન, બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થાય છે. ઘર બહાર નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાડવું.

* રોજબરોજ પહેરાતાં ડ્રેસીસમાં ગળાની વિવિધ ડિઝાઈનો કરાવી શકાય છે. આ ડ્રેસીસમાં ગળામાં શું આકર્ષક જ્વેલરી પહેરવી તે પ્રશ્ર્ન સતાવતો હોય છે. ઑફ શોલ્ડર ડ્રેસમાં તમે ગળાને સજાવવા આકર્ષક ડિઝાઈનર જ્વેલરી પહેરી શકો છો. ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવાનું પસંદ કરો ત્યારે તેની ડિઝાઈન મોટી ન હોય તેનું ધ્યાન રાખવું. વધુ પડતી જ્વેલરી પહેરવી નહીં. ગળું આકર્ષક દેખાય તેવી ઈચ્છા હોય તો નાજુક જ્વેલરી પહેરવાનો આગ્રહ રાખવો. ડ્રેસમાં વધુ પડતી ગળાના ભાગમાં એમ્બ્રોઈડરી કરાવવી નહીં.

* જો તમે વાળને કલર કરતાં હો તો એમોનિયા ફ્રી, સેમી પરમેનેન્ટ રંગ વાપરો. આ સિવાય એક પાકેલું કેળું છુંદી તેમાં બદામનું તેલ ભેળવો. આ મિશ્રણથી વાળમાં મસાજ કરો. પંદર મિનીટ પછી વાળ સોડા વોટરથી ધોઈ લો. વાળમાં ચમક આવવા સાથે તે ઘટ્ટ પણ દેખાશે.

* ગુલાબજળ તથા કપૂરના મિશ્રણથી ત્વચા વારંવાર લૂછવી જેથી ત્વચામાનુ વધારાનું તેલ શોષાઈ જશે. ૧૦૦ મિલિ. ગુલાબજળમાં અડધી ચમચી કપૂર ભેળવી શીશીમાં ભરી દઈ રેફ્રરિજેટરમાં મુકી રાખવું. આ એક ઉત્તમ એન્ટિસેપ્ટિક ટોનિક છે. દિવસમાં બે થી ત્રણ વાર લગાડવાથી અવશ્ય ફાયદો થશે.

* હોઠની ત્વચા સૂકી પડી જતી હોય તો સારી ગુણવત્તાવાળા લીપબામનો ઉપયોગ કરવો. દિવસમાં બે-ત્રણ વખત કરવો. અનેક વખત હોઠની ત્વચા સૂકાઈ જાય ત્યારે તેને તોડવાની આદત હોય છે. જેને કારણે હોઠમાંથી લોહી નીકળવું કે સૂજી જાય છે. હોઠોને નુકસાન થાય છે. હોઠ કાળા પડી જાય છે.

* આંખની નીચે કાળા કુંડાળા થવાનું મુખ્ય કારણ રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવું, અનિદ્રા કે લાંબી બીમારી હોવી. પહેલાં તો તમે આમાંથી યોગ્ય કારણ શોધો તેના ઉપચાર કરો. એ દરમિયાન મિલ્ક પાવડરમાં ગુલાબજળ ભેળવી એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોક વાઇઝ પાંચ મિનિટ મસાજ કરવો. ત્યાર બાદ ૧૦ મિનિટ પછી ભીના કપડાંથી લૂછી ધોઇ નાખવું. પાણી પુષ્કળ પીવું તેમજ દિવસ દરમિયાન પ્રવાહી વધુ પીવું.

* આંખોનો મેકઅપ કરતા પહેલાં આઈ પ્રાઈમરનો ઉપયોગ જરૂર કરવો. આઈ શેડો લાંબા સમય સુધી ટકે છે, વળી તેનો રંગ પણ નીખરે છે. વળી પાંપણની ત્વચાને કોમળ પણ બનાવે છે. આંખોની પાંપણ અને આઈબ્રોની મધ્યમાં એટલે કે બ્રો બૉન ઉપર હાઈલાઈટ કરવાથી આંખોને સુંદર આકાર મળે છે. મસ્કરા આંખોને આકર્ષક બનાવવમાં અગત્યનો ભાગ ભજવે છે.

* અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

* વેક્સિંગ કરાવવા માટે જ્યારે બ્યુટીપાર્લરમાં જવાનું થાય ત્યારે નિષ્ણાત પાસેથી જાણી લો કે વેક્સિગં બાદ ત્વચા ઉપર કયું લોશન લગાવવામાં આવશે. સામાન્ય રીતે તેઓ લવન્ડર કે એલોવીરાનો ઉપયોગ ત્વચા ઉપર કરતા હોય છે. જે ત્વચામાં થતી ચચરાટી, દુખાવો અને લાલાશને દૂર કરે છે.

* ત્વચા પર વયનો પ્રભાવ ન પડે માટે ઘઉંનું થૂલું અને દૂધનું ક્રિમ ભેળવી પેસ્ટ બનાવી સાબુના સ્થાને ઉપયોગમાં લેવું. ઘઉંનું થેલું અને દૂધનું ક્રિમ ત્વચાને લબડી પડતા અટકાવે છે. જેથી મૃત ત્વચા દૂર થાય છે. તેમજ ત્વચાને પોષણ મળે છે. આ ઉપરાંત બટાટા, કોબી, ગાજર, ગુલાબની પાંખડીઓ, ચંદન, હળદર, મધ અને બદામના માસ્ક લગાડવાથી વયનો પ્રભાવ ત્વચા પર પડતો નથી.

* ગોળાકાર ચહેરા પર ધનુષ આકારની ભ્રમર સુંદર લાગે છે. બ્રાઈડલ આર્ટિસ્ટ માને છે કે આવો આકાર આપ્યો હોય તો ચહેરો થોડો લાંબો લાગે છે.

* આઈબ્રો વચ્ચે ખાલી જગ્યા હોય તો આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરવાથી તે કાળી ગાઢી અને મોટી લાગે છે. બ્લેકને બદલે બ્રાઉન પેન્સિલનો ઉપયોગ પણ કરી શકાય.

* ત્વચા પર કાળા ડાઘા હોય તો મેથીનાં પાંદડાંનો રસ રોજ રાત્રે લગાવો અને સવારે નવશેકા પાણીથી ધોઈ નાખો. ડાઘ જતા રહે ત્યાં સુધી સતત આ પ્રયોગ કરો. તેનાથી ત્વચાની શુષ્કતા પણ દૂર થઈ જશે.

* આઈબ્રો ક્યારેય ઑવર પ્લકિંગ કરવી નહીં. આમ કરશો તો ઉંમરમાં મોટા દેખાશો ચહેરાનો શેપ પહેલાં કરતાં જુદો લાગશે.

* ફૂદીનો તથા તુલસીનાં પાંદડાં પાણીમાં ઉકાળીને ગાળી લો. ગાળેલા પાણીને સાદા પાણી સાથે ભેળવી સ્નાન કરો. તેનાથી આખા શરીરની ત્વચાને કાંતિ તથા તાજગી મળશે. ક્રાંતિહીન ત્વચા માટે એક વાસણમાં નારંગીની છાલ લઈ તેમાં ગરમ પાણી નાખી ઢાંકી દો. પાણી ઠંડુ થઈ જાય, ત્યારે શીશીમાં ભરી રાખો. રોજ સવારે રૂથી ચહેરા પર લગાવો. ૧-૨ કલાક પછી ચહેરો ધોઈ નાખો. ત્વચા કાંતિમય બની જશે.

* રેડ મૅકઅપ કોઈપણ ઉંમર, સ્કિન ટૉન માટે ખૂબસૂરત છે. શરત માત્ર એટલી જ કે સ્કિન ટૉન સાથે મૅચ થતો શૅડ લગાવવો જોઈએ. ક્રિમસન રેડ, કોરલ, ફેરી રેડ અને રુબી જેવાં શેડ આપણા દેશની યુવતીઓ અને મહિલાઓના સ્કિન ટૉન પર નિખરી ઊઠે છે. એને ઍકસ્ટ્રા લાસ્ટિંગ કાજલ, આઈ લાઈનર અને ટ્રાન્સપરન્ટ મસ્કરા સાથે લગાવો.

* લાંબા વાળ હોય તો ઢીલો ચોટલો વાળો. વાળ ખુલ્લા રાખશો તો ગૂંચવાઈ જશે. સવારે વાળ ઓળતાં વાળ બટકી જશે. તકિયા પર સુતરાઉને બદલે રેશમી કવર લગાવો અથવા રેશમી કાપડ પાથરો. આમ કરવાથી વાળમાં રહેલું કુદરતી તેલ વાળમાં બરકરાર રહેશે.

* ચહેરા પર ડાઘ હોય તો દરરોજ નારંગીનો રસ તથા દૂધ સમાન પ્રમાણમાં લઈ ડાઘ પર લગાવો. ૧૫ મિનિટ પછી સાદા પાણીથી ધોઈ નાખો. નિયમિત પ્રયોગ કરવાથી ફરક પડશે.

* નખની ચમક વધારવા લીંબુની છાલ નખ પર હળવેથી ઘસો. અથવા હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી નખ થોડો સમય બોળી રાખો, પાંચ મિનિટ પછી નખ ધુઓ. નખ સ્વચ્છ કરવા સોફ્ટ નેલ બ્રશનો ઉપયોગ કરવાની ટેવ પાડો.

* અડધી ચમચી મલાઇ, અડધી ચમચી હળદરને ભેળવી ચહેરા પર લગાડવી. ચહેરા પરની ઝાંય આછી થાય છે. એક ઇંડાની સફેદી, એક ચમચો ગ્લિસરીન, એક ચમચો સાકર અને થોડું ગુલાબજળ લઇ સાકર ઓગળી જાય ત્યાં સુધી ફીણવું. ચહેરા પર બ્રશની મદદથી લગાડવું. સુકાઇ જાય બાદ કાચા દૂધથી હળવેથી રગડી દૂર કરવું. ચહેરા પર પાણી થપથપાવવું. ચણાના લોટમાં દહીં, ફૂદીનાની પેસ્ટ અને થોડા ટીપાં લીંબુના રસના ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. નિયમિત લગાડવાથી ખીલ હોય તો છૂટકારો મળે છે.

* હૅવી બોડી ધરાવતી યુવતીઓ- મહિલાઓ ૧-૨ ઈંચની હાઈ હિલ પહેરી શકે. એથી તેમનાં પગ પાતળા હોવાનો આભાસ ઊભો કરી શકે. હાઈ હિલ્સવાળાં સૅન્ડલ્સ પહેરવાં હોય તો પહેલાં પ્રૅક્ટિસ કરવી, કારણ કે ચાલતી વખતે બૅલેન્સ રાખવાનું જરૂરી છે.

* લીંબુના અડધિયા પર એક ચમચી સાકર અને તાજું ક્રિમ લગાડી ઘસવું. સાકર પીગળે ત્યાં સુધી ઘસવુ લગભગ પાંચ-સાત મિનિટ સુધી ઘસવું. ત્યાર બાદ બેબી ઓઇલ મસાજથી ઘસવું. નિયમિત કરવાથી ઘૂંટણ સુંવાળા થઇ જશે.

* પેટ પર ચરબી હોય તો લૉ વેસ્ટ પૅન્ટ પહેરી શકો. આવું પૅન્ટ પહેરશો તો હિપ્સ અને પેટની ચરબી ઢંકાયેલી રહેશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED