પૃથિવીવલ્લભ - 20 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 20

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૦ પાદપ્રક્ષાલન

સવારના પહોરથી તૈલપરાજના દરબારમાં ધામધૂમ થઈ રહી. સામંતો ને મહારથીઓની ઠઠ જામવા લાગી.

પાદપ્રક્ષાલન એક પાપ-પુણ્યનો કુંડ હતો. તેમાંથી જે કેદ થયેલા રાજાઓ નિર્વિઘ્ને નીકલી જતાં તેઓને પોતાનું રાજ્ય સામંત તરીકે ભોગવવા દેવાની રજા આપવામાં આવતી. અને જે કોઈ અભિમાનના તોરમાં તેમાંથી ન નીકળતાં તે હાથીને પગે કે કારાગૃહમાં જીવન પૂરું કરવાનું નોતરું માંગી લેતા. તૈલપ પોતે અનેક વાર મુંજરાજના પગ ધોઈ તૈલંગણના સિંહાસનની પ્રસાદી પામ્યો હતો, આજે ધારાનું સિંહાસન મુંજને તૈલપના પગ ધોઈ યાચવાનું હતું.

મુંજ આ શિક્ષા ભાગ્યે જ સ્વીકારશે એમ બધાનું માનવું હતું, છતાં પકડાયેલા નરેશોનું શરીર અસ્પર્શ્ય ને પવિત્ર મનાતું હોવાથી કંઈ પણ કારણ વગર જેને ઝબે કરાય એમ નહોતું, તેથી તૈલપે વિચાર કરી આ યુકતિ ખોળી કાઢી હતી. જો મુંજ પાદપ્રક્ષાલન કરે તો તેની કીર્તિ સદાને માટે જાય અને તૈલપ પૃથિવીનો નાથ ઠરે, અને જો તે પ્રમાણે ન કરે તો તેને ગમે તે શિક્ષા કરવાનો અધિકાર સ્પષ્ટ રીતે તૈલપને આવી જાય.

અને આખા ગામમાં એક પ્રશ્ન બધાના મગજમાં થઈ રહ્યો હતો : શું મુંજ પાદપ્રક્ષાલન કરશે ? કેટલાક એમ ધારતા હતા કે કરે તો સારું કે તે બચે ને તૈલપની કીર્તિ વધે. કેટલાક એમ માનતા હતા કે તે ન કરે તો સારું કે જેથી તે કેદમાં રહે. તે જીવ ખુએ તો તૈલપની કીર્તિ વધે. તેના રૂપ કે ગુણ પર જેટલા મોહ્યા હતા તે આશા રાખતાં હતાં કે કોઈ પણ રીતે મુંજ બચે તો સારું. પણ આ આશા કોઈ બહાર કાઢતું નહિ.

રાજ્યસભામાં જેટલાને આવવાનો અધિકાર હતો તેટલા બધા આવ્યા : કોઈને આવો અપ્રતિમ પ્રસંગ જોવાનો લહાવો ખોવો નહોતો. સૂર્યોદયને થોડી વાર થઈ ગઈ કે રાજસભામાં પગ મૂકવા જેટલી પણ જગ્યા રહી નહિ.

બધા આવી રહ્યા કે તૈલપરાજ મહાસામંતને સાથે લઈ આવ્યા. તેનો કુંવર અકલંકચરિત પણ આવ્યો. તૈલપની ગાદીની પાસે એક અંદર જવાનું બારણું હતું તેની અંદરથી મૃણાલવતી, જક્કલા ને લક્ષ્મી પણ આવીને બેઠાં. મૃણાલનું મુખ સખત ને ફિક્કું હતું, તેની આંખોમાં ભયંકર તેજ હતું. તેની મુખમુદ્રા જોઈને જ લોકોને લાગ્યું કે મુંજનું આવી બન્યું.

તૈલપરાજે મૂછના આંકડા ચઢાવવા માંડ્યા, અને બે સામંતોને કેદીઓ લાવવાનો હુકમ કર્યો.

થોડી વારે કેદી રાજાઓ આવ્યા. તેમાં સૌથી પહેલો મુંજ હતો. તેના હાથ પાછળથી બાંધવામાં આવ્યા હતા.

જેવો તે વિજયસેનામાં ચાલતો હતો તેવો જ તે અહીંયાં આવ્યો. વિખરાયેલા વાળ તેની કીર્તિમાં ઉમેરો કરતા, ચમકતું અભિમાન તેના મુખના ગૌરવને વધારતું, તેની ડોકીનો મરોડ તેની સત્તા સ્વયંભૂ જ છે એમ સાબિત કરતો. તે દેવ જેવો આવ્યો - રાજસભા માત્ર જંતુઓની હોય એવી લાગવા માંડી.

મૃણાલે તેને ભરસભામાં જોયો ને તેનાં રોમેરોમ ખડાં થઈ ગયાં. ગઈ રાતનો અનુભવ યાદ કરી નવયૌવનાની માફક તેને ગાલે શેરડા પડ્યા. પોતાનો ક્ષોભ કોઈ ન પારખી જાય એમ તે પ્રયત્ન કરવા લાગી.

દિવસના ઉજાસમાં તે નરેશના મોહક શરીરની દેખાતી અપૂર્વ રેખાએ રેખા તેણે ચોરની માફક છાનાંમાનાં પોતાના હૃદયમાં ઉતારી; આંખો આગલ કલ્પના સજીવન કરી.

મુંજને આણી તૈલપના સિંહાસન આગળ ઊભો રાખવામાં આવ્યો. એક ગર્વભર્યું હાસ્ય મોઢા પર રાખી, બેદરકારીથી તે ઊભો રહ્યો.

તૈલપે હુકમ કર્યો એટલે બંદીજનોએ તૈલપની સ્તુતિ ગાઈ. તે થઈ રહી એટલે રાજાએ મહાસામંત તરફ ફરીને પૂછ્યું :

‘ભિલ્લમરાજ ! કાલે કવિઓ છોડાવી ગયા તેનું શું થયું ?’

‘પેલા રહ્યા’ કહી જે તરફ ધનંજય, રસનિધિ અને તેના મિત્રો બેઠા હતા તે તરફ ભિલ્લમે આંગળી કરી.

‘તેમને કહો કે કંઈ કહે. ઉજ્જેણીના કવિઓએ મુંજને છાપરે તો ઘણો ચઢાવ્યો, હવે તેને ઉતારવામાં સામેલ થશે ને ?’ ભિલ્લમ રાજાની આ યુક્તિથી કચવાયો, પણ ભરસભામાં રાજાનું વચન ઉથાપાય તેમ નહોતું એટલે આવીને તે ધનંજયને રાજાનો સંદેશો કહી ગયો.

બધા કવિઓને કંપારી થઈ આવી. ઘણા રસનિધિ તરફ ફર્યા.

રસનિધિએ તરત ધનંજયને કહ્યું : ‘મહારાજ ! આપ સરસ્વતીના લાડીલા છો, કંઈ કહો.’

ધનંજયે આંખ વતી હા કહી અને બેઠેલા સામંતોમાં થઈ તે સિંહાસન આગળ આવ્યો.

ધનંજય જેવો સિંહાસન પાસે આવ્યો કે મુંજ જે બીજી તરફ જોતો હતો તેણે તેની સામે જોયું, અને તે હસ્યો.

‘ધનંજય ! અવંતીનું નામ રાખજે.’ તેણે હસતાં કહ્યું.

‘જેવી આજ્ઞા.’ નીચા નમીને ધનંજયે કહ્યું.

તૈલપ આ વાત સાંભળી ચિડાયો, અને તેને કપાળે કરચલી વળી.

તુચ્છકારથી તેણે પૂછ્યું : ‘નામ શું તમારું ?’

ધનંજય જવાબ દે તે પહેલાં મુંજરાજે મોટે અવાજે કહ્યું :

‘તૈલપ ! આટલી ખબર નથી ? જેની કવિતા સાંભળી ભગવતી મયૂરાસની પોતાની વીણા છોડી દે છે, જેના સુવિખ્યાત નામથી અજાણ્યા સદાય નરક સમાન અંધકારમાં જ રહે છે તેવો, કવિઓનો પણ કવિ અને અવંતીના કવિઓમાં શ્રેષ્ઠ એવો આ ધનંજય છે.’ તે સમયના કવિઓને છાજે એવી રીતે મુંજે કહ્યું.

‘તને મેં પૂછ્યું નહોતું.’ ગુસ્સામાં તૈલપે કહ્યું.

‘હું ક્યાં કહું છું કે મને પૂછ્યું ?’ ઠંડે પેટે મુંજે કહ્યું, ‘પણ કોઈની પ્રશંસા તેને હાથે જ કરાવવી એ વિનયશીલ પુરુષોની સભામાં થયું હોય એમ સાંભળ્યું નથી.’

સભાસદોનાં હૃદય કંપી ઊઠ્યાં. તૈલપ જે અલ્પતા અનુભવતો હતો, તે બધાને સ્પષ્ટ દેખાતી હતી; અને આથી તૈલપનો ગુસ્સો પણ વધતો હતો એ પણ સ્પષ્ટ દેખાતું હતું. આનું પરિણામ શું આવશે તેની અનિશ્ચિતતામાં બધાં ઊંચી ડોકે જોઈ રહ્યાં.

‘ચલાવ.’ તૈલપે ધનંજયને કહ્યું.

ધનંજયે પહેલાં એક અનુષ્ટુપ મહાકાલેશ્વર મહાદેવની પ્રશંસાનો કહ્યો, અને પછી રાજાની સ્તુતિનો શ્લોક ગાવા માંડ્યો.

શ્લોકરચના ઘણી જ સરસ હતી - તેમાં પૃથિવીએ જેને પોતાનો નાથ કર્યો છે એવાં રાજરાજેન્દ્રની સ્તુતિ હતી. એક રીતે તે તૈલપને લાગુ પડે એમ હતી, અને મુંજની પ્રશંસા પણ એથી થઈ ગઈ હોય એમ દેખાતું હતું. તૈલપ કંઈક સમજ્યો, પણ રોષ દબાવી બોલ્યો :

‘શાબાશ ! કવિરાજ. જાઓ બેસો.’

ધનંજય પગે લાગી પોતાને સ્થાને પાછો ફર્યો.

મૃણાલવતીએ ધ્યાન દઈ આ બધું જોયા ને સાંભળ્યા કર્યું. જે છટાથી, આધિપત્યથી મુંજ આખી સભામાં રાજતો હતો તે જોઈ તેને ગર્વ થયો; અને જેમ-જેમ તૈલપનો ભ્રૂભંગ વધતો ગયો, જેમ-જેમ તેની આંખમાં ક્રૂરતા દેખાતી ગઈ તેમ-તેમ રખે મુંજને મારવાનો હુકમ થાય એવી બીકે તેનું હૈયું કંપી રહ્યું.

ધનંજય બેસી ગયો એટલે તૈલપ સામે જોઈ હસીને મુંજે પૂછ્યું : ‘કેમ તૈલપરાજ ! કવિ કેવો લાગ્યો ?’

તદ્દન બેદરકારીથી, અડધા તિરસ્કારમાં આ પ્રશ્ન મુંજે પૂછ્યો. જવાબમાં હોઠ કરડી તૈલપ ઘૂરકી રહ્યો. સભામાં સોય પડે તોય સંભળાય એવી શાંતિ પ્રસરી રહી અને બધાંનાં હૈયાં ક્ષોભ પામ્યાં.

‘મુંજ !’ જરાક ઘાંટો ખોંખારી તૈલપે બોલવા માંડ્યું. તેની તીક્ષ્ણ આંખોમાં તરવારની ધાર જેવું તેજ આવ્યું, ‘તારાં પાપનો ઘડો ભરાઈ રહ્યો છે - તારી રાજલક્ષ્મીનો નાશ થયો છે. તું -’

‘કોણે કહ્યું ?’ મુંજે પૂછ્યું.

‘હું કહું છું.’

જવાબમાં મુંજ મજાકમાં હસ્યો અને મૂંગો રહ્યો.

‘આબરૂસર જીવવાનો હવે એક જ રસ્તો રહ્યો છે.’

મુંજે બેદરકારીથી જે બારણામાં મૃણાલ બેઠી હતી તે તરફ જોયા કર્યું.

‘જે પગથી આજે ધરણી ધ્રૂજી રહી છે તેને ધોઈ તારા અપરાધોની ક્ષમા માંગ.’ તે સમયની કૃત્રિમ ભાષામાં તૈલપે કહ્યું.

બે સૈનિકોએ મુંજના બે હાથની બેડીઓ કાઢી નાખી અને એક સામંત સુવર્ણની ઝારીમાં પાણી લઈ આગળ આવી ઊભો. પગ ધોવડાવવાને ઉત્સુક બનેલા તૈલપે પગ સિંહાસનની નીચે મૂક્યા.

જેવા તેના હાથ છૂટ્યાં કે મુંજે તબિયત વાળી ગર્વમાં ઊંચું જોયું.

ઝારી લઈ તૈયાર ઊભેલા સામંતે કહ્યું, ‘મુંજરાજ ! ચાલો મહારાજના પગ ધુઓ.’

મુંજે તેની સામે આશ્ચર્યથી જોયું, ‘સામંતરાજ ! ક્યાં છે તે તાંડવથી ત્રિભુવન ડોલાવનાર ચંડીશ્વર ભગવાન મહાકાલનાં પ્રતાપી ચરણો કે આ પૃથિવી-વલ્લભ તેમને ધોઈ પાવન થાય ?’

જવાબની વાટ જોતો મુંજ ઊભો રહ્યો.

બિચારી ઝારી ધરી ઊભેલા સામંતની જીભ તાળવે ચોંટી ગઈ. તૈલપનાં ભવાં ભયંકર રીતે સંકોચાયાં. મહાસામંત ભિલ્લમને લાગ્યું કે કંઈ રસ્તો કાઢવો જોઈએ, તેથી મીઠાશથી તેણે કહ્યું :

‘અવંતીનાથ ! આહવમલ્લ મહારાજનું પાદપ્રક્ષાલન કરો; વિજેતાનો આ પરાપૂર્વથી ચાલતો આવેલો અધિકાર છે.’

મુંજ તિરસ્કારપૂર્વક હસ્યો : ‘સ્યૂનરાજ ! પૃથિવી-વલ્લભના પગ ધોઈધોઈ હાથ પર રહેલી ભીનાશ જેની સુકાઈ નથી તે તૈલપના હું પગ ધોઉં ? કંઈ ભ્રમિત થયા છો ?’ તેના શબ્દોમાં, આંખમાં તિરસ્કાર હતો.

બારણામાં બેઠી બેઠી, ન સમજાય એવી ઊર્મિઓથી હૈયું ભરતી મૃણાલવતી મુંજની સામે જ જોઈ રહી.

તૈલપના ગુસ્સાનો પાર ન રહ્યો, તેની આંખમાં અંગારા ચમક્યા, ને તે ઊભો થઈ ગયો : ‘અભિમાની ! પાપાચારી ! હજુ તારો ગર્વ ગળ્યો નથી કેમ ?’

મોટું માણસ એક નિરાધાર બાળકને કહે તેવા તિરસ્કારથી હસી મુંજે કહ્યું : ‘આમ ફાંફાં માર્યે પૃથિવી-વલ્લભ થવાવાનું હતું ?’

‘શું કહે છે ? દુષ્ટ ! ઊભો રહે.’ તૈલપે બરાડો માર્યો. અડધી સભા ઊભી થઈ ગઈ હતી.

તૈલપે ચારે તરફ ગુસ્સામાં જોયું. તેની આંખ વિકરાળ થઈ, તેનાં અંગ ક્રોધથી કંપવા લાગ્યાં.

‘સામંતો ! શું જોયા કરો છો ? પકડો એ પાપીને. એની પાસે પાદપ્રક્ષાલન !’

ચારપાંચ સામંતો આગલ આવ્યા ને મુંજ તરફ ધસ્યા.

પોતાનું પ્રચંડ શરીર ટટ્ટાર કરી બીજાઓ તરફ બેદરકારીથી જોતો મુંજ ઊભો રહ્યો. તેની આંખો અનિમિષ હતી, તેના મોઢા પર ગર્વનું હાસ્ય હતું. તેના માથાના મરોડથી જ તે બધાને ડારતો હતો.

મૃણાલે આ બધું જોયું - અને આ બધામાં મુંજનું વ્યક્તિત્વ કેવું નિરાળું, અપ્રતિમ ને દુર્ધુર્ષ હતું તે જોયું. તેને પણ ગર્વ થયો ને મુંજનો વિજય જોવા તે એકીટશે જોઈ રહી. તેના પણ હોઠ બિડાયા. જે તેજ મુંજની આંખમાં હતું તે તેની આંખમાં પણ આવ્યું. જે સામંતો પાસે આવ્યા હતા તે તૈલપ તરફ વારાફરતી જોતા ઊભા રહ્યા. કોઈની મગરૂર નહોતી કે મુંજની પાસે આવે.

‘શરમ છે.’ તૈલપે હોઠ પીસી કહ્યું, ‘કે આમ જોયા કરો છો. અકલંકચરિત ! તારામાં પણ પાણી નથી ?’

કુંવર ને પેલા સામંતો મુંજનો હાથ પકડવા આવ્યા. ભિલ્લમ તબિયત વાળી મૂંગે મોંએ ઊભો રહ્યો.

‘આવો ! ડરો છો શું કામ ?’ મુંજે હસીને કહ્યું અને જેવા પેલા સામંતો તેને પકડવા આવ્યા કે તેમને સહેલાઈથી વિખેરી નાખ્યા.

રાજસભામાં કોલાહલ થઈ રહ્યો. માનભંગ થયેલો તૈલપ બીજા સામંતોને કહેવાં લાગ્યો : ‘શું જુઓ છો ?’

આઠ-દસ બીજા સામંતો તૂટી પડ્યા ને મુંજના હાથ પકડ્યા. જે હાથ મૃણાલે ડમાવ્યો હતો, તેમાંથી કાચું માંસ નીકળ્યું. મૃણાલે તે જોયું અને નિસાસો નાંખી આંખો મીંચી, બીજી પળે તે પણ ઊભી થઈ ગઈ.

મુંજને પકડવો એ એક વાત હતી; તેને વાંકો વાળી તેના પાસે પગ ધોવડાવવા એ બીજી વાત હતી. પર્વતના શિખરો સમો, બધાથી ઊંચો, અણનમેલો તે થોડી વાર ઊભો રહ્યો અને પેલા સામંતોના પ્રયત્ન નિષ્ફળ જવા લાગ્યા. આખરે તેઓએ એને ઘસડવો શરૂ કર્યો.

મુંજમાં અદ્‌ભુત જોર હતું અને પહેલાં તો તે સહેલાઈથી હસીને બધાને હંફાવવા લાગ્યો, પણ આખરે તો ઊભો રહી શક્યો નહિ. તૈલપના મુખ પર ક્રૂરતાભર્યું હાસ્ય દીપી રહ્યું.

એકદમ મુંજ પડતું મૂકી ધસ્યો અને અચાનક ધસારાથી જે સામંતો ખેંચતા હતા તેમના હાથ છૂટી ગયા. ઝારી લઈ ઊભો રહેલો સામંત આ ખેંચતાણની ગમ્મત નિશ્ચિંત જીવે ઊભો-ઊભો જોતો હતો. મુંજ ધસ્યો અને નીચું માથું કરી તેણે ખભા વતી ઝારીને ધક્કો માર્યો. સામંતના હાથમાંથી ઝારી ઊછળી અને પાસે ઊભેલા તૈલપરાજ પર પડી અને એના આખા શરીર ઉપર પાણીની ધારા ચાલી રહી.

આ બધું એક વિપલમાં થયું. મુંજને ઝાલી રહેલા સામંતોએ અજાયબીમાં હાથ છોડી દીધા; તૈલપ પડતો મુકુટ સાચવી રહ્યો ને મુંજ એકલો નિરાંતે ઊભો-ઊભો ખડખડાટ હસી રહ્યો.

મૃણાલ બારણાના ઉંબરા ઉપર આવી ઊભી રહી.

તૈલપનો દેખાવ હાસ્યજનક હતો, તેના ગૌરવનો નાશ થયો હતો. તેણે હોઠ કરડ્યો, એક બરાડો માર્યો અને મ્યાનમાંથી તલવાર કાઢી.

એક સો તલવાર બહાર નીકળી ને મુંજની આસપાસ લોહીતરસી તલવારોની ઘટા છવાઈ રહી. નીડરપણે મુંજ ઊભો રહ્યો. બધી તલવારની ધારોનો જવાબ તેની આંખના તેજની ધારો દેતી.

‘દુષ્ટ ! હવે જોઈ લે ! મારો એ હરામખોરને !’ તૈલપે હુકમકર્યો.

તલવારનો ખણખણાટ થયો - મુંજ ગર્વથી જોઈ રહ્યો.

એકદમ એક અવાજ ગાજી રહ્યો : ‘આ શું કરો છો ?’

ક્રોધથી જ્વલિત થયેલી જગદંબાના જેવી દેખાતી મૃણાલવતીએ તૈલપની પાસે કૂદી આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની આંખોમાં નિઃસીમ સત્તા ચમકતી હતી. તેના અવાજમાં યુદ્ધની હાકલનો રણકાર હતો.

તૈલંગણ આખો આ અવાજથી કંપતો હતો. તે અવાજ સુણી સામંતોની સમશેરો નીચી નમી. તૈલપ પોતે શરમિંદો થઈ ગયો.

‘શું કરો છો ?’ ગુસ્સામાં મૃણાલે કહ્યું. તેની છાતી ઊછળતી હતી.

‘શરમાતા નથી ? એક નિઃશસ્ત્ર નરેશ પર શસ્ત્ર ચલાવવા તૈયાર થયા છો !

આખા તૈલંગણને કલંકિત કરવા તૈયાર થયા છો ? તૈલપરાજ ! આ તને શોભતું નથી. તારા ધર્મરાજ્યમાં આ ?’

બધા સાંભળી રહ્યા. મુંજ મૂછમાં હસ્યો.

‘જાઓ, સભા વિસર્જન થઈ ગઈ. મુંજને માટે પછી યોગ્ય વિચાર કરવામાં આવશે. ચાલ ભાઈ !’ કહી તે તૈલપના સામે જોઈ રહી. તૈલપે જરાક રોષથી મૃણાલ સામે જોયું. પણ બે પળમાં મૃણાલનું સામ્રાજ્ય કાયમ થયું અને નીચું માથું કરી તે તેની જોડે ચાલ્યો ગયો.