પૃથિવીવલ્લભ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૪. કાષ્ઠપિંજર
આજે રાતે મૃણાલવતીને ઊંઘ આવી નહિ. આ અપરિચિત અનુભવ હતો કારણ કે, તે સદાયે નિરંતે ઊંઘતી. તેણે ઊંઘ આણવા મથામણ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહિ. તેણે ધ્યાન કરવા પ્રયત્ન કર્યા પણ તે રુચ્યું નહિ. મંજના પાપપુણ્યનું સરવૈયું કાઢવામાં જ તેના મનને અત્યારે ખરો સાર સમાયેલો લાગ્યો.
ઘડીઓ પર ઘડીઓ વીતવા લાગી, પણ આંખો મીંચાઈ નહિ, તેમ નજર આગલથી મુંજ ખ્યો નહિ. પાપી મુજંને કચડી નાખી પાપનું ફળ આપવું, કે તેના પર દયા કરી તેને પુણ્યમાર્ગ દેખાડવો તે, કંઈ સમજાયું નહિ. પલમાં તેને દુઃખી કરી રિબાવી તેના પાપનું પ્રાયશ્ચિત કરાવવાનું મન થયું; ઘડીમાં તેના આત્માનો ઉદ્ધાર કરવા, તેને નિષ્કલંક જીવનના પાઠ શીખવવાનું મન થયું; મન નિર્ણય પર ન આવ્યું અને પ્રભાત આવી પહોંચ્યું.
નિર્ણય કરાવનું તેણે મોકૂફ રાખ્યું. કાષ્ઠપિંજરમાં મુંજને પૂરવાનો હુકમ થઈ ગયો હતો એટલે આ શિક્ષાથી જો તે નમે, તેને સદ્બુદ્ધિ આવે તો પછી નિર્ણય કરવો સહેલ થઈ જાય એમ તેને લાગ્યું. તૈલપનો દુશ્મન કેવો દુર્બુદ્ધિ હતો તેની ખાતરી થઈ અને તેને પરિણામે તૈલપનો અને તેનો પ્રતાપ કેવો નીતિમાન અને ન્યાયી હતો તેની ખાતરી થઈ અને પોતે આદરેલી નીતિને ન્યાયથી જ તેના ભાઈનો આખરે વિજય થયો; એ ત્રણ વાત તે વધારે દૃઢતાથી માનવા લાગી.
સૂર્યોદય થતાં સ્નાનધ્યાન કરીને તે રાજમહેલની બારીએ નીકળી અને તેને જોતાં જોઈ જક્કલાદેવી ને લક્ષ્મી પણ આવી લાગ્યાં. પાપીઓને કચરાતાં જોવામાં જ સત્યનો વિજય હતો એટલે આવે પ્રસંગે રાજમહેલમાં બધાં નરનારઓ હાજર થઈ ગયાં.
રાજમહેલના ચોકમાં પણ લોકોની ઠઠ ભરાઈ હતી. રાજમહેલની એક બીંતની પાસે જ એક ખંડ જેવું મોટું લાકડાનું પાંજરું ઊભું કરવામાં આવ્યું હતું.
અવારનવાર કંઈક નરેશો તૈલપરાજના બાહુના પ્રાબલ્યથી નિરાધાર બની આ પિંજરામાં પોતાના પાપનો પશ્ચાત્તાપ કરવા આવતા હતા.
જાહેરમાં, તિરસ્કારથી હસતા પ્રજાજનો સમક્ષ આખો દિવસ ગાળવો એ ગમે તેનો ગર્વ ગાળે એવો અનુભવ થઈ પડતો. જેણે સામાન્ય જનો સંસર્ગ કદી કર્યો નહિ હોય તેની આસપાસ દરેક પ્રકારના લોકો આવતા, તેની મજાકો કરતા, કોઈક વખત તૂંકતા, કોઈક વખત ઢેફાં ફેંકતા, અનેક કટુ વચને તેની સ્થિતિનું ભાન કરાવતા; જેઓ સિંહાસન કે અંબાડી સિવાય, છત્ર ને ચામરના આડંબર વિના કદી બેઠા ન હોય તેઓ નિરાધાર બની ઊભા રહેતા, થાકી, દીન બની પાંજરામાં બેસતા કે સૂતા.
આ યુક્તિ ભલભલાનાં માનભંગ કરતી, ઇંદ્ર જેવાનો ઓપ ઝાંખવાતો, કર્ણ જેવા દાનેશ્વરીઓ દીન બની મરણની યાચના કરતા. અધમતાના આવા અનુભવે દરેક જણ જીભ કરડી કે માથું પટકી મરણની શાંતિ મેળવવા પ્રયત્ન કરતો; અને આવે દરેક નિષ્ફળ પ્રયત્ને લોકો હસતા, કેદી લાચાર બનતો અને તૈલપરાજની કીર્તિ દશે દિશામાં પ્રસરતી.
મૃણાલની વિવેકબુદ્ધિ જડ નહોતી બની; આ પાંજરામાં મુજંનો ગર્વ ગળે તેથી જ સત્યનો જય થશે એમ તેની ખાતરી થઈ.
લોકોની પણ ઠઠ થઈ અને મહામુશ્કેલીએ સૈનિકો લોકોને પાંજરાથી દૂર રાખી શક્યા.
બધા એકીનજરે જોઈ રહ્યા. મૃણાલના સ્વસ્થ હૃદયમાં અધીરાઈના માત્ર અધીરાઈના જ - ધબકારા થવા લાગ્યા; અને મહેલના બારણામાંથી ચાર સૈનિકો મુંજને પીઠ પાછળ હાથ બાંધી પાંજરામાં લાવ્યા.
તેના મુખ પર તેવી જ શાંતિ ને ગૌરવ, તેની આંખમાં તે જ હાસ્ય, તેના પ્રચંડ શરીર પર તેવી જ સ્વસ્થતા હતાં. હોંસથી હાથીએ ચઢતો હોય તેમ તે પાંજરામાં કૂદીને આવ્યો અને જરાક હસીને ચારે તરફ જોયું.
તે આવ્યો ત્યારે લોકોએ જરાક ઠીઠિયારી શરૂ કરી હતી, પણ તેનું સ્વરૂપ, તેનું હાસ્ય જોઈ બધા ચૂપ થવા લાગ્યા. તેને પકડી આવેલા એક સૈનિકથી ન રહેવાયું :
‘કેમ પૃથિવીવલ્લભ ! ખુશીમાં તો ખરા ?’
મુંજ તેના તરફ પર્યો, આનંદથી હસ્યો, ને સ્તંભ સરખો પગ ઊંચકી, તેને એક એવી લાત મારી કે ઠેસ મારતાં જેમ રોડું જઈને દૂર પડેતેમ તે બિચારો હવામાં અધ્ધર ઊડી, સૈનિકોએ પોતાને જવા સારુ ઉઘાડા રાખેલા બારણામાં થઈ બહાર લોકો હતા ત્યાં પડ્યો.
સાથે મુંજે મોટેથી કહ્યું : ‘ભાઈ તમ દેખે વિશેષ.’
લોકો ખડખાટ હસી પડ્યા, તાળી પાડવા લાગ્યા ને રસ્તામાં નિરાધાર થઈ પડેલા સૈનિકની મશ્કરી કરવા લાગ્યા. અટારી પર ઊભેલી મહેલની સ્ત્રીઓનું પણ હસવું માયું નહિ. બીજા સૈનિકો પાંજરામાંથી ઉતાવળા બહાર નીકળ્યા ને બારણું વાસી દીધું.
પેલા સૈનિકને બીજાઓએ મહામહેનતે ઊભો કર્યો. તેની વેદનાની બૂમે લોકો હસતા, ને મુંજ પણ હસતો. તેને ઊભો કર્યો ત્યારે પાંજરામાંથી મુંજે પૂછ્યું : ‘ભાઈ ! તું તો ખુશીમાં ખરો ?’
લોકો ખડખડ હસી પડ્યા. બધાં મુંજ પરનો દ્વેષ બૂલી ગયા. તેણે કરેલી ગમ્મતથી ખુશ થયા.
આ ગમ્મતથી હસતો મુંજ ચારે તરફ આનંદથી જોઈ રહ્યો. તેણે અટારી પર નજર નાખી, મૃણાલવતી તરફ જોયું અને માથુ નમાવી નમસ્કાર કર્યા - જક્કલા જરાક હસી, પણ લક્ષ્મી ખડખડાટ હસી પડી. માત્ર મૃણાલે પહોંચા કરડી જોયા કર્યું. આ પાપીમાં ખિન્નતા નહોતી. તેનું ગૌરવ અભંગ હતું. તેની સ્વસ્થતા નિશ્ચલ હતી. શું માણસ ધૂળ ચાટતો ન થાય ?
મુંજે તેના પાંજરાની આસપાસ ઊભેલા લોકો તરફ જોયું.
‘તમે આ શું કરો છો ? તમને શરમ નથી આવતી ? તમારો રાજા આજે અવંતીપતિને પકડી લાવ્યો છે ને તમે આવા સાદા વસ્ત્રમાં ? ને આમ મૂઢ જેવા ? જાઓ, જાઓ,’ મજાકમાં હસતા મુંજે કહ્યું : ‘જરા ફાંકડા થઈ આવો ! તૈલંગણની સુંદરીઓ ક્યાં છે ? સ્ત્રીઓ વગર વિજયઉત્સવ થાય
? રંગ, રાગ, બધી સામગ્રીઓ જોઈએ.’
ત્યાં ઊભેલા લોકો હસ્યા. મુંજે એક નાની છોકરીને બોલાવી :
‘આમ આવ, તને ગાતાં આવડે છે ?’
‘ગાતાં ?’
‘ગાંડી ! અવંતીમાં તારા જેવડી છોકરીઓ હોય તે અત્યારે ગાય, બજાવે ને નાચે. તને નાચતાં આવડે છે ?’
‘ના.’
‘હત્ તારી.’
‘ગાતાં આવડે છે ?’
‘ના.’
‘કેવા માણસો છો ? બિચારો તૈલપ જીતીને આવ્યો ને તમે તેને ગીતે વધાવતાંયે નથી. ચાલ હું શીખવું. તને સંસ્કૃત આવડે છે ?’
‘ના.’
‘ઠીક જો, શીખવું - તારી તૈલંગણી મને બરાબર આવડે ચે કે નહિ તે જોજે તૈલપ તણી નગરી સદા રસગાનતાવિહીન છે -’
‘બોલ જોઉં. આવડ્યું ?’ નીચા વળી હેતાળ અવાજે મુંજે પૂછ્યું.
બાળા બિચારી શરમાઈ નીચું જોઈ રહી. લોકો હસતે મોઢે જોઈ રહ્યા.
‘બોલ, બોલ ગભરાય ચે શું ? જો હું ગાવા લાગું.’
છોકરીએ ઊંચું જોયું અને આવો સ્નેહાળ અવાજ, આવં પ્રતાપી મુખ, આવી શ્રદ્ધા-આકર્ષી નજર જોઈ તેનો ગભરાટ અદૃષ્ટ થયો, અને મુંજની સાથે તે ધીમેથી ગાવા લાગી :
‘તૈલપ તણી નગરી સદા-’
‘શાબાશ !’ મુંજે, ‘ચલાવ - ચલાવ
-રસગાનતાવિહીન છે.’
છોકરી બોલી, લોકો પણ ધીમેથી બોલ્યા. મુંજે અવાજ મોટો કાઢી બીજી ટૂંક ઉમેરી :
‘તે પૃથિવી કેરા નાથના પદસ્પર્સથી રાચી રહે.’
મુંજના સંસ્કારી, બુલંદ અવાજના પડઘા શમ્યા. લોકોનાં હૃદયમાં ગભરાટ પેઠો અને તેમનાં ભયભર્યાંનયનો અટારીમાં બેઠેલી મૃણાલવતી તરફ ફર્યાં.
મુંજે મશ્કરીમાં પૂછ્યું : ‘મૃણાલબાથી ગભરાઓ છો ? ગભરાશો નહિ. તેમણે પણ એ વાત કબૂલ કરી છે.’ મૃણાલ સાંભળે એમ મુંજે કહ્યું. મુજંનો મીઠો, હસતો અવાજ બધે પ્રસરી રહ્યો, મૃણાલના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તેની આંખમાં વીજળી ચમકી, અને રખે તેની અસ્વસ્થતા કોઈ જોઈ જાય એવા ડરે તે એકદમ ત્યાંથી ચાલી ગઈ.
અટારીમાં ભંગાણ પડ્યું. જક્કલાદેવી પણ ત્યાંથી ચાલ્યાં ગયાં. થોડી દાસીઓ પણ ગઈ. માત્ર લક્ષ્મી પ્રફુલ્લ હૃદયે જોઈ રહી.
મુંજ પેલી છોકરી તરફ ફર્યો : ‘ચાલ બહેન, પૂરું કર તો ‘તૈલપ તણી નગરી સદા રસગાનતાનવિહીન છે.
તે પૃથિવી કેરા નાથના પદસ્પર્શથી રાચી રહે.’
‘બોલો, બોલો.’
કેટલાક બીતાં-બીતાં બોલ્યા.
એટલામાં રાજમહેલમાંથી પચીસ-ત્રીસ સૈનિકો આયુધ લઈ આવ્યા ને લોકોને વીખેરવા તેમના પર તૂટી પડ્યા. લોકો જીવ લઈ નાસી ગયા. મુંજે પાંજરામાં ઊભા-ઊભા હાસ્ય કર્યું. સામે અટારી પર લક્ષ્મીએ તે હાસ્યનું પ્રતિબિંબ પાડ્યું. •