Pruthvivallabh - 13 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 13

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩ લક્ષ્મીદેવી રણે ચઢ્યાં

રસનિધિએ ખિન્નતામાં માથું નમાવ્યું તે વિલાસે જોયું, અને તેનું હૈયું દ્રવી ઊઠ્યું. શી બિચારા પર આફત ! શી તેની સ્ત્રી પર આફત !

તેની સ્ત્રી બિચારી પોતાના જેવડી જ હશે અને અત્યારે એકાંત અવંતીમાં પતિવિયોગે ઝૂરી મરતી હશે. તેણે તો બિચારીએ ત્યાગવૃત્તિ નહિ જ કેળવી હોય. તેને જગત મિથ્યા છે એવો ભાગ્યે જ ખ્યાલ હશે. પોતે પરણે અને સત્યાશ્રય દૂર દેશમાં કારાગૃહ સેવે તો પોતાને શું થાય ?

આવા વિચારો ક્યાંય સુધી તેના મનમાં ઘોળાયા કર્યા. બિચારી કાવ્યસેવી, કોમલહૃદયી ઉદયામતીના દુઃખે તેના સંયમી હૃદયને પણ દુઃખી બનાવ્યું. અને તેમાં ઉદયનો પતિ કેવો સુંદર, વિદ્વાન હતો ! આવા પતિ પાછળ કોણ દુઃખી ન થાય ? પોતાની વાત તો જુદી હતી; પણ બીજાની શી સ્થિતિ ? આવા વિચારો કરતાં તેની આંખ મીંચાઈ પણ નહિ. આખરે તેણે બારી ઉઘાડી બહાર ડોકિયું કર્યું.

રાત શાંત હતી - ચાંદની વાડીમાં પ્રસરી રહી હતી.જે તરફ રસનિધિ હતો તે તરફ તેની જાણતાં-અજાણતાં નજર થઈ ગઈ અને રસનિધિને તેના મિત્ર ધનંજય જોડે ફરતાં-ફરતાં વાત કરતાં જોયો. એકાગ્રતાથી તે જોઈ રહી - એ કવિવરો શી રીતે શી વાત કરતા હશે તેની કલ્પના કર્યા કરી. એકદમ તે ઊભી હતી તેની નીચેનું બારણું ઊઘડ્યું. અને એક સ્ત્રી બહાર આવી. વિલાસ વિસ્મતિ થઈ - અને પછી ખંચાઈ ઊભી રહી.

તેણે લક્ષ્મીદેવીને તરત ઓળખી. તેને સંબોધન કરવા ‘બા’ શબ્દ તેની જીભે આવી ઊભો, પણ તેને માતાનો ધાક લાગ્યો એટલે મૂંગી રહી.

લક્ષ્મીદેવી કવિરાજોને સૂઈ જવાની વિનંતી કરવા જતી હતી એમ સ્પષ્ટ લાગ્યું. તેણે ધીમેથી બારી બંધ કરી, ફરીથી ઊંઘ આણવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

લક્ષ્મીદેવી હોઠ પર હોઠ દબાવી ઊભી રહી. મહાસામંતને તૈલપરાજે બોલાવ્યા હતા એટલે તેની વાટ જોતાં તે થાકી ગઈ હતી, બારીએથી નજર કરતાં બે કવિઓને જોઈ તે બહાર આવી.

છતાં તે માત્ર મળવા માટે આવી નહોતી. ઘડીઓની ઘડી સુધી તસુ ચઢાવી તેણે કંઈ વિચાર કર્યો હતો; અને તે એક દૃઢ નિશ્ચય પર આવી હતી. તે નિશ્ચય પૂરો પાડવા તે અત્યારે બહાર આવી હતી.

વર્ષો થયાં જુદી-જુદી લાગણીઓ અત્યારે એક કેંદ્રસ્થાને ભેગી મળી હતી; જુદા-જુદા વિચારોની માળ ગૂંથાઈ તે વડે એક જપ ચાલ્યા કરતો હતો. દીમાં નિશ્ચયાત્મક ડગ ભરતી સ્યૂનરાજની પટરાણી રણે ચઢી.

તે થોડેક આગળ આવી, અને ઊભી રહી. રસનિધિ ને ધનંજય કોઈનાં પગલાં સાંબળી ચમક્યા ને મૂંગા રહી ઊંચું જોયું.

‘કવિરાજો !’ ધીમેથી લક્ષ્મીએ કહ્યું.

બંને કવિઓ એકમેકની સામે જોઈ રહ્યા.

‘શું કહો છો, બા ?’ ધનંજયે કહ્યું.

‘કેમ હજી સૂઈ નથી ગયા ?’ ચારે તરફ જોઈ લક્ષ્મીદેવીએ પૂછ્યું.

‘સ્થાન અપરિચિત છે - તે ક્યાંથી ઊંઘ આવે ?’ રસનિધિએ કહ્યું.

‘કવિવરો ! મુંજરાજને મારવાનો હુકમ થઈ ગયો છે.’ ધીમેથી લક્ષ્મીએ કહ્યું.

‘હેં !’ બંને બોલી ઊઠ્યા.

‘હા.’

બંને કવિઓએ નિસાસો મૂક્યો. રસનિધિએ તબિયત વાળી હોઠ કરડ્યા. ધનંજયે ડોકું નીચું નાખ્યું.

‘કેમ ધનંજય ! શો વિચાર કરો છો ?’

‘બા ! અમારો સૂર્ય અસ્ત થઈ ગયો.’

‘હજુ વાર છે.’

કોઈ બોલ્યું નહિ.

લક્ષ્મીદેવી પાસે આવ્યાં અને ન સંભળાય તેમ કહ્યું : ‘અને છોડાવી લઈ જવાની છે હિંમત ?’

ધનંજય ગભરાઈ પાછો હઠ્યો, પણ રસનિધિએ તીક્ષ્ણતાથી ઊંચું જોયું અને એક પલમાં લક્ષ્મીદેવીના મનના વિચારો પારખ્યા. પણ તે ખોટું હસી : ‘હું તો મશ્કરી કરું છું.’

‘બા ! રસનિધિએ કહ્યું, ‘તમને મશ્કરી લાગે છે; પણ અમારા તો અંતરની એ અભિલાષા છે, શું કરીએ ? દેશ પારકો છે, માણસો પારકાં છે. અકળામણ કોને મોઢે કાઢીએ ? અમે તો કેદીઓ.’

‘તમે ક્યાં કેદમાં છો ?’

‘અમે નથી; પણ અમારો શ્વાસ ને પ્રાણ - મયૂરાસના ભગવતી

સરસ્વતીનો લાડકવાયચો અમારો રાજા - આવી દુર્દશાએ પહોંચ્યો છે. પછી શું દુઃખ ઓછું છે ?’

‘એ તો આજે લાગે છે - કાલે વીસરી જશો.’

‘બા ! કારાગૃહના કાળા ડામ કદીય વિસરાયા છે ? ને તેનાં કલંક કદીય દૂર થયા છે ?’

લક્ષ્મીદેવીનું મુખ ઝાંખું થયું. રસનિધિએ આગળ ચલાવ્યું : ‘તમે સ્વતંત્ર છો - સુખી છો.’ દરેક શબ્દ પર ભાર મૂકતાં તેણે કહ્યું.

‘કેમ જાણ્યું ?’ કડવાશથી રાણીએ પૂછ્યું.

‘તમે તૈલપરાજનાં રાણીનાં બહેન છો - તેના મહાસામંતનાં પત્ની છો. તમે ક્યાં પરાધીનતા સહી છે, કારાગૃહો સેવ્યાં છે કે તમને અમારા પ્રભુની દયા આવે ? શું કરીએ, પરદેશમાં કોઈની સહાય નથી; નહિ તો -’ કહી રસનિધિ અટક્યો.

‘શું કરો ?’

‘તમે કહ્યું તે : મુંજરાજને છોડાવીએ.’

‘રસનિધિ ! તૈલપરાજના પંજામાંથી કોઈ કદી છટકે ?’

‘સહસ્ર હાથનો સહસ્રાર્જુન મહાત થયો તો પછી બે હાથના તૈલપનો શો હિસાબ ?’

‘કવિરાજ !’ લક્ષ્મીદેવી મશ્કરીમાં બોલવાનો પ્રયત્ન કરતાં હતાં છતાં તેમાં ગાંભીર્ય આવ્યું, ‘આ કાવ્યો રચવાનું કામ નથી.’

‘ના બા ! આ તો કાવ્યોનો કર્તવ્યમાં સાક્ષાત્કાર કરવાનો છે.’

‘કરો જોઈએ,’ મશ્કરીમાં લક્ષ્મીદેવી બોલ્યાં.

‘મુસ્કેલી જ માત્ર એટલી છે કે અહીંયાંના કોઈ જણભોમિયાની મદદ નથી. તમે આપશો ?’ ધીમેથી રસનિધિએ પૂછ્યું.

લક્ષ્મીદેવી રસનિધિના બોલવાનો અર્થ સમજી.

‘મદદ તો ભોળાનાથ સદાય આપશે. અમારા રાજમહેલના મહાદેવની માન્યતા ઘણી છે. ત્યાં આવી મુંજ જો એક બીલીપત્ર ચઢાવે તો બીજી પળે તે આકાશમાર્ગે અવંતી જાય એવું તેમાં સત છે.’

રસનિધિ આ શબ્દોનો અર્થ સમજવા જરા વાર નીચું જોઈ ઊભો રહ્યો, ને પછી કહ્યું : ‘બસ એટલું જ ને ? તમારી ખાતરી છે ?’

‘હા. પણ ત્યાં આવવો જોઈએ.’

‘તે તો કેમ બને ? ત્રિશૂલધારી ભગવાન કોદાળી-પાવડા મોકલે તો તો કંઈ બને.’

‘રસનિધિ ! તમારી કલ્પનાશક્તિ જબરી છે.’

‘ત્યાર વગર હું કવિ થયો ? બા ! શંકરને મનાવવાનો રસ્તો બતાવો.’

‘શ્રદ્ધા રાખો..’

‘બા, અમારે મન તો સ્યૂનાધિપનાં પટરાણી જ સાક્ષાત્‌ શ્રદ્ધાનો અવતાર છે.’

‘એ શ્રદ્ધા સદાય ફળશે,’ ધનંજય વચ્ચે બોલ્યો.

‘રસનિધિ, વજ્ર જેવું હૈયું છે ?’ ભમર ચઢાવી લક્ષ્મીદેવીએ પૂછ્યું.

‘હા.’

‘આમ આવો.’

શબ્દો બોલ્યા વિના લક્ષ્મી અને રસનિધિ એકમેકનો અર્થ સમજ્યાં; અને આગળ તે ને પાછળ કવિઓ એમ ત્રણ જણ મહેલની એક ઓતરાદી બાજુ તરફ છાનાંમાનાં ચાલ્યાં.

મહેલનો એક ભાગ પડતર થવા આવ્યો હતો. તેનું બાંધકામ ચાલતું હતું તે તરફ લક્ષ્મી ગઈ. તોડે દૂર એક ઝાડ નીચે કોદાળી, પાવડા, ટોપલા વગેરે બાંધકામનાં સાધનો પડ્યાં હતાં. લક્ષ્મીએ આંગળી વતી તે દેખાડ્યાં, ને રસનિધિએ હા કહી.

ત્યાંથી મૂંગે મોઢે લક્ષ્મી થોડે દૂર ઝાડોનાં ઝુંડોમાં થઈ એક વાવ હતી તે તરફ કવિઓને લઈ ગઈ.

‘આ વાવનું ભોંયરું રાજમહેલની નીચે નીકળે છે.’ લક્ષ્મીએ ધીમેથી રસનિધિના કાનમાં કહ્યું, ‘અને જે ખંડમાં એ ભોંયરું નીકળે છે ત્યાંથી ત્રીશ હાથ દૂર બીજા ભોંયરામાં -’

‘મું -’

લક્ષ્મીએ હોઠ પર આંગળી રાખી તેને ચૂપ રાખ્યો અને ત્રણે જણ જેમ જેમ ગયાં હતાં તેમ અંધારામાં લપાતાં પાછાં આવ્યાં. જ્યાં તેઓ ઊભાં હતાં ત્યાં આવી ત્રણેયે નિરાંતના નિસાસા મૂક્યા.

‘આ પેલું અમારા રાજ્યમહેલનું શિવાલય. એ મહાદેવ માટે શું કહેવાય તે ખબર છે ?’

‘ના.’

‘કે રોજ રાતે શહેર બહાર ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં તે ભૈરવને મળવા જાય છે.’

‘કેવી રીતે ?’

‘એનો પોઠિયો છે તે જબરો છે. મંદિરમાંથી અલોપ થઈ પાતાલમાર્ગે ભુવનેશ્વરના મંદિરમાં નીકળે.’

‘એમ ?’

‘હા, ભગવાન રીઝવા જોઈએ.’

‘બા, એ ભગાવન રીઝશે,’ હોંસભર્યા અવાજે રસનિધિએ કહ્યું.

‘હવે ભોળાનાથની વાત પૂરી થઈ. મહારાજ હવે આવતા હશે. હું જાઉં છું.’

‘પધારો બા !’ સાભાર અવાજે રસનિધિએ કહ્યું, ‘આજે અમારાં કુલદેવી તમે છો.’

‘તમારાં કુલદેવી ?’

‘ભૂલ્યો,’ જીભ કરડી રસનિધિએ કહ્યું, ‘અવંતીનાથનાં.’ ‘હું મારા સ્યૂનરાજની થાઉં તો બસ છે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED