સુનેહા - ૧૫ (અંતિમ) Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સુનેહા - ૧૫ (અંતિમ)

-: પંદર :-

જગતાપનાં ઘરે પહોંચતા જ પવને ડોરબેલ વગાડી, એને એમ કે સાંજ પડી ગઈ હોવાથી જગતાપ પોતે જ બારણું ખોલશે અને જેવું એ બારણું ખોલશે કે તરતજ એ એનાં પર તૂટી પડશે. પણ એમ આપણે વિચારીએ એમ બધુંજ થોડું થાય છે?

પવને જગતાપનાં ઘરની બેલ મારતાં જ નોકર જેવા લગતા એક મોટી ઉમરના પુરુષે બારણું ખોલ્યું. જગતાપ વિષે પવને પૂછપરછ કરતાં પેલા વ્યક્તિએ જગતાપને ગઈકાલે સાંજેજ લકવાનો જબરદસ્ત હુમલો આવ્યો હોવાની વાત કરી અને અત્યારે તે નજીકમાંજ આવેલી એક હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે એમ પણ કહ્યું. પવનનો ગુસ્સો એની જગ્યાએ જ સ્થિર થઇ ગયો. પવન જગતાપને હવે કશુંજ કરી શકે એમ ન હતો આથી પેલા વ્યક્તિને પણ કશું કહેવાનો કોઈજ ફાયદો નથી એમ વિચારીને પવન રીતસર પોતાના પગ પછાડતો પોતાની કાર તરફ વળ્યો.

***

સુનેહાના જતાં રહેવાનું દુઃખ પવનને અનહદ હતું. એ આ બાબતે સુનેહાનો નહીં પરંતુ પોતાના પાપોનો દોષ છે એવું માનતો હતો. જોધપુરથી અમદાવાદ આવ્યાના અઠવાડિયા સુધી પવન પોતાની ઓફિસે ગયો નહીં અને આખો દિવસ ઘરમાં સુનમુન બેઠો રહેતો. પિતા સમાન જેરામ દેસાઈ સીવાય પવને સુનેહાવાળી વાત કોઈને પણ કહી ન હતી. જેસંગ અને રુડીબા પણ પવનની આ હાલત જોઇને દુઃખ સાથે નવાઈ પામી રહ્યા હતાં, પણ પવને એમને ખરાબ તબિયતનું બહાનું આપી દીધું હતું. દિવસમાં એકવાર જેરામ દેસાઈ પવન સાથે ફોન ઉપર વાત કરતો અને એને સમજાવતો કે એ બને તેટલું જલ્દી આ સુનેહા વાળું પ્રકરણ ભૂલીને કામે લાગી જશે તો જ તેની હાલતમાં ધીરેધીરે સુધારો આવશે. આવતીકાલ, આવતીકાલ કરતાં કરતા પવને એક અઠવાડિયું કાઢ્યું અને છેવટે એક અઠવાડિયા બાદ એ ઓફિસે ગયો.

ઓફિસમાં ઘૂસતાં જ પવને રીસેપ્શનીસ્ટની જગ્યાએ સુનેહાના નોકરી છોડ્યા બાદ અપોઈન્ટ કરેલી છોકરીને જોઈ અને એને તરતજ સુનેહા યાદ આવી ગઈ. એ પેલી છોકરીના ‘ગુડ મોર્નિંગ સર’ નો જવાબ આપ્યા વગરજ ઝડપથી પોતાની કેબીનમાં જતો રહ્યો. એક અઠવાડિયાનું પેન્ડીંગ કામ એના ટેબલ ઉપર પડ્યું હતું પણ પવનને એ કામ પતાવવામાં જરાપણ રસ નહોતો, એ તો એની કેબીન માંથી સુનેહાની ખુરશી તરફ સતત જોઈ રહ્યો હતો અને આ દરમ્યાન એની આંખોમાંથી સતત આંસુઓ વહી રહ્યા હતાં.

આમનેઆમ આખો દિવસ વીતી ગયો, સ્ટાફ પણ છ – સાડા છ એ જતો રહ્યો. સાંજે સાડા આઠ વાગ્યા થઇ ગયા છતાં પણ પવન પોતાની કેબીન માંથી બહાર ન આવતાં ભૂખ્યો થયેલો અને પોતાના ઘરે જવા અધીરો થયેલો હૈદર પવનની કેબીનમાં ગયો અને એણે જોયું તો પવન એની ખુરશીમાં બેભાનાવસ્થામાં પડ્યો હતો અને એના જમણાં કાંડાની નસ ઉપર એક ઊંડો ઘા હતો જે એણે પોતાના પેપર કટરથી પાડ્યો હતો અને આ ઘા માંથી લોહી સતત વહેતું હતું.

“હાય હાય પવનભૈ આ શું કર્યું તમે? પવનભૈ...???પવનભૈ...??? આંખો ખોલો પવનભૈ!!” પવનનાં ચહેરાને આમતેમ હલાવતા હલાવતા હૈદરની રાડ ફાટી ગઈ.

પવનને અચાનક આવી હાલતમાં જોઇને હૈદર હાંફળોફાંફળો થઇ ગયો. પણ તોય થોડુક ભાન ભેગું કરીને હૈદરે પોતાનો હાથરૂમાલ પવનનાં કાંડે ક્ચોક્ચ બાંધી દીધો, પણ એમ કાઈ લોહી થોડું બંધ થવાનું હતું? આસપાસની તમામ ઓફિસો પણ સાડા આઠ થઇ ગયા હોવાથી બંધ થઇ ગઈ હતી. ખરા સમયે હૈદરને ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવાની યાદ આવી અને એણે પોતાના મોબાઈલમાંથી પહેલા ૧૦૮માં કોલ કર્યો અને ત્યારબાદ જેરામ દેસાઈને તેણે જાણ કરી. માત્ર ૩ મીનીટમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ પવનના કોમ્પ્લેક્સમાં આવી ગઈ. પ્રાથમિક સારવાર આપ્યા પછી ૧૦૮ના પેરામેડીકને હૈદરે જેરામ દેસાઈ સાથે પણ વાત કરાવી અને જેરામ દેસાઈએ તેને પોતાની જાણીતી હોસ્પીટલમાં ખસેડવાની સુચના આપી. અમુકજ મીનીટોમાં પવનને જેરામ દેસાઈના જાણીતા ડોક્ટરની નવરંગપુરામાં આવેલી એક હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવ્યો અને લગભગ એકાદ કલાકની તાત્કાલિક સારવાર આપ્યા બાદ ડોકટરોએ પવનને ભયમુક્ત જાહેર કર્યો.

આદરમ્યાન હૈદરે જેસંગ અને રુડીબાને પણ હોસ્પીટલમાં બોલાવી લીધા હતાં. રુડીબાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતાં. જેરામ દેસાઈ પણ મહેસાણાથી દોઢેક કલાકમાં હોસ્પીટલ આવી ગયો અને આ દરમ્યાન તેણે પોતાના સંપર્કોને કામે લગાડીને પવન પર આત્મહત્યા કરવાનાં પ્રયાસનો કેસ ન થાય તેની તકેદારી પણ લઇ લીધી હતી. જેસંગે જેરામ દેસાઈને પવનનું આમ કરવા પાછળનું કારણ પૂછતાં જેરામે સુનેહા સાથેના તેના પ્રણયભંગની વાત કરી. જેસંગને એક છોકરી માટે પોતાના સિંહ જેવા દીકરાએ આપઘાત કરવાની કોશિશ કરી છે એમ જાણીને પોતાનું કપાળ કૂટ્યું. જયારે રુડીબાએ પોતાનો દીકરો બચી ગયો એમ જાણીને ઈશ્વરનો પાડ માન્યો.

***

‘આમ ક્યાં સુધી ચાલશે પવન? જિંદગીથી તું આટલી જલ્દીથી અને આટલી હદે હારી જાય એ મારી સમજણની બહાર છે.’ પવનનાં ભાનમાં આવ્યાનાં બે દિવસ પછી હોસ્પીટલમાં જ જેરામ દેસાઈએ તેને સમજાવવાની કોશિશ કરી.

‘હું જીવતો’તો જ સુની માટે, એ જતી રહી તો મારે હવે જીવીને શું કરવાનું?’ પવને એની સામે રહેલી બારીની બહાર જોતાંજોતાં જવાબ આપ્યો.

‘તમે? આવી વાત કરો છો પવનભાઈ? અને એય એક છોકરી માટે? કમ ઓન યાર, કેટલીયે છોકરીઓ તમારા જીવનમાં આવી અને ગઈ, તમને તો આદત છે એની પવનભાઈ. અને સુનેહા તો તમને છોડીને ગઈ છે એમાં એનો વાંક છે, તમે શું કરવા આ માટે તમારી જવાબદારી લો છો?’ પવનના સ્વાસ્થ્યની ખબર લેવા આવેલા ભૂષણે પણ હવે મોરચો સંભાળ્યો.

‘તમને તો ખબરજ છે ભૂષણભૈ, બીજી બધી છોકરીઓ અને સુનીમાં ફરક હતો. હું ખુબ ઇન્વોલ્વ થઇ ગયો’તો સુની માટે. છોકરીઓ બદલવી એ મારી આદત હતી, પણ સુની એ જ એ આદત છોડાવી. જવાબદારી તો મારી જ ને? જે જે છોકરીઓના દિલ મેં દુખાડ્યા છે એ બધાનીજ બદદુઆઓ મને લાગી છે અને એટલેજ મારી સુની મારાથી દુર ...” બસ આટલું બોલતાં જ પવન એક નાના બાળકની જેમ ધ્રસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

પવનને આ રીતે રડતા જોઇને જેરામ અને ભૂષણ બંને એકબીજાની સામે જોવા લાગ્યા અને ત્યારબાદ બંને એ નિર્ણય પર પહોંચ્યા કે પવનને આ આઘાતમાંથી બહાર નીકળતા હજી ઘણો સમય લાગશે એટલે એમણે યોગ્ય સમયની રાહ જોવીજ રહી.

એમનો આ નિષ્કર્ષ પણ સાવ ખોટો ન હતો. પવને સુનેહાને ખરા હ્રદયથી ચાહી હતી અને એ એને છોડીને આમ અચાનક અને એપણ એના બાળકની માં બન્યા પછી જતી રહેશે એની કલ્પના પવનને જરાય નહોતી. આ નવ મહિના દરમ્યાન પવન પોતે એ બાળક સાથે એક ખેચાણ અનુભવવા લાગ્યો હતો. પવન જોકે હવે સુનેહાનું આમ જતાં રહેવાને પોતાનાજ દુષ્કર્મોની સજા માની રહ્યો હતો પણ જયારે એ જોધપુરથી અમદાવાદ આવવા નીકળ્યો હતો ત્યારે તો એ જગતાપને જ સુનેહાનો દોષી માનતો હતો અને આથીજ એ જગતાપને મારવા સીધો એને ઘેર ગયો હતો. જો જગતાપ ત્યારે પવનને હાથ લાગ્યો હોત તો પવન પોતાનો ગુસ્સો એના પર ઠાલવી ને પોતાનું મગજ શાંત કરી શક્યો હોત. પણ જગતાપને પણ જાણે સુનેહા પર ગુજારેલા ત્રાસની જ સજા ઉપરવાળાએ જ આપી હોય એમ એને પણ લકવાનો હુમલો થયો અને હવે એ કાયમમાટે પોતાની બાકીની જિંદગી જીવવા માટે કોઈ બીજા પર અવલંબીત થઇ ગયો હતો.

***

પાંચેક દિવસની સારવાર બાદ પવનને હોસ્પીટલેથી ઘેરે જવાની રજા મળી. ઘેરે આવ્યા બાદ રુડીબાએ પવન પાસે ફરીથી આવું ન કરવાનું વચન લીધું. જેરામ દેસાઈની લાખ વિનંતીઓ અને કોશિશો બાદ પણ પવન એક-બે મહિના સુધી ઓફીસ ન ગયો. એ આખો દિવસ ઘરમાં પોતાના રૂમમાં જ સુતો રહેતો અને આખો દિવસ પોતાના મોબાઈલમાં મહિનાઓ પહેલા સુનેહા અને એના વચ્ચે થયેલા એસ એમ એસ ને ફરીને ફરી વાંચતો રહેતો. અમુક દિવસે ભૂષણ પણ એને મળવા આવતો, પણ પોતાની કોઈજ વાતનો જવાબ પવન ન આપે એટલે અમુક સમય બાદ કંટાળીને એ પણ જતો રહેતો.

એક દિવસ વહેલી સવારે પવને જેરામ દેસાઈને ફોન જોડ્યો અને પોતે એનાથી અને એના માં-બાપથી ક્યાંક દૂર કોઈક અજાણ્યા શહેર જાય છે એટલુંજ કહી ને ફોન સ્વીચ ઓફ કરી દીધો. જેસંગ અને રુડીબાને સવારની મીઠી ઊંઘ માણતા જોઇને એમને પણ પવન કશુંજ કીધા વગર ઘરની બહાર નીકળી ગયો.

***

પવનનાં ઘરેથી ક્યાંક ચાલ્યા જવાના લગભગ દસ મહીના પછી....

સ્થળ: શિવબાબા જીવનસંધ્યા આશ્રમ, વારાણસી, ઉત્તર પ્રદેશ.

શિવબાબા જીવનસંધ્યા આશ્રમ એ વારાણસીનો એક જાણીતો વૃદ્ધાશ્રમ હતો. કોલકાતાના એક મોટા મારવાડી ધંધાદારી કૈલાશ જૈનની સખાવત દ્વ્રારા ચાલતા આ આશ્રમમાં સંતાનો ઘણીવાર તો સામે ચાલીને પોતાના કોઇપણ કામમાં ન આવી શકનારા માતાપિતાને મૂકી જતાં. અહીં પોતાનાં મૃત્યુની રાહ જોઈ રહેલા કેટલાય વૃદ્ધ સ્ત્રી – પુરુષોની ખુબ સુંદરરીતે સેવા થતી અને આને લીધેજ ઘણીવારતો કેટલાંક સંતાનો પોતાના જીવનસાથીની ઈચ્છાને માન આપીને અથવાતો કમને પણ જો એમના માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવાનો વારો આવે તો એ શિવબાબા જીવનસંધ્યા આશ્રમને જ પસંદ કરતાં. આ ઉપરાંત વારાણસીની ગલીઓમાં રખડતા રહેતા અનાથ અને વૃદ્ધ ભીખારીઓને પણ દિવસમાં બે વાર આ આશ્રમ નિશુલ્ક ભોજન પૂરું પાડતો.

‘નહીં અંકલ, ફોર્મ તો પૂરા ભરના પડેગા ના? ઐસે કૈસે હમ આપકો યહાં એડમીશન દે સકતે હૈ?’ પોતાની પુત્રવધુના ત્રાસથી કંટાળી ને છેક પટનાથી વારાણસી આવેલા એક વૃદ્ધને પોતાના પટનાના ઘરનું સરનામું એડમીશન ફોર્મમાં લખવું ન હતું જે આશ્રમના નિયમોથી વિરુદ્ધનું વલણ હતું અને એટલે જ આશ્રમની ડેપ્યુટી મેનેજર ‘સુનેહા અગ્રવાલ’ પેલા વૃદ્ધને પોતાનું સાચું એડ્રેસ લખવા માટે સમજાવી રહી હતી.

‘અરે બેટી અબ જબ ઉ ઘર સદા કે વાસ્તે છોડ હી દીયા હૈ તો ઉસકા અડ્રેસ જાનને કઈ કૌન જરૂરત આન પડી હૈ તો કા?’ પેલા વૃદ્ધે પોતાની દલીલ ચાલુ રાખી.

‘દેખીએ અંકલ, યે હમારે રેકોર્ડ કે લીયે જરૂરી હૈ, હમ ઉધર કોઈ ઇન્ક્વાયરી નહીં કરેંગે. મૈ આપકો પ્રોમિસ દેતી હું.’ સુનેહાએ પેલા વૃદ્ધને સમજાવવાની કોશિશ કરી.

‘હમકા સબ માલુમ હૈ, જૈસેહી હમને ઇધર અડ્રેસ દીયા કી હફ્તે-દસ દિનબાદ આપલોગ હમરે બીટવાકો બુલા કર હમે ઇહાં સે ઉહા બાપીસ ભેજ દોગે હાં? અબ હમકો ઉધર નાંહી જાના. ઈક બાત સમજલ્યો બિટિયારાની, હમ ઇધર નહીં તો બાબા કે મંદિરકે બાહર પડે રહેંગે, પર તોકા અડ્રેસ નાહીના દેંગે.’ પેલો વૃદ્ધ કોઇપણ હિસાબે સુનેહાની વાત માનવા તૈયાર નહોતો.

‘બિટિયારાની કહા હૈ ના? ફિર અપની ઇસ બિટિયારાની કી બાત નહીં માનોગે? મૈ અપની ઇસ બેટી કી સૌગંધ ખા કર કેહતી હું અંકલ, આપકો હમ વાપસ નહીં ભેજેગે. હમે માલુમ હૈ આપ પર ક્યા ગુઝરી હોગી, તભી આપ અપને એક લૌતે બેટેકો છોડ કર ઇધર આયે હૈ.” પોતાના ટેબલની નજીકજ પારણાંમાં ગાઢ નિંદ્રા માણી રહેલી પોતાની પુત્રી ક્રિશ્નાના કપાળે હાથ મુકીને સુનેહા બોલી.

‘હે ભોલેબાબા, હે કૈલાસપતિ હમકા બેટે કે જગહ ઐસી ઇક સમજદાર બિટિયા કાહે ના દી? લાઓ ઉ ફોર્મ દો, મૈ અપના અડ્રેસ લીખ દેતા હૂં.” આંખમાં વહેતી ગંગા-જમના સાથે પેલા વૃદ્ધે પોતાનું એડ્રેસ ફોર્મમાં લખવા માંડ્યું.

‘અરે, અંકલ ભોલેબાબાને અબ આપકો એક બેટી દે દી હૈ ઐસા માનલો, અબ તો આપ ઔર હમ રોઝ ઇધર હી રહેંગે ના? સાથસાથ?’ સુનેહા હસીને બોલી.

***

બસ, સુનેહાના આ જ સ્વભાવે એને અહીં આવ્યાના માત્ર મહિના – મહિનામાંજ આખાયે આશ્રમમાં ખુબ પ્રિય બનાવી દીધી હતી. જયારે સુનેહાએ બધુંજ છોડીને ક્રિશ્નાને લઈને કાયમમાટે ક્યાંક જતાં રહેવાનું નક્કી કર્યું ત્યારેજ તેણે ત્યાંના અખબારમાં આવેલી એક જાહેરાતને જોઇને આ આશ્રમમાં ડેપ્યુટી મેનેજરની નોકરી માટે અપ્લાય કરી દીધું હતું. અહિયાં નોકરી મળે કે ન મળે પણ સુનેહાએ પોતાની બાકીની જિંદગી ક્રિશ્ના સાથે વારાણસીમાં જ ગુજારવાનો નિર્ણય કરી લીધો હતો, કારણકે સુનેહાને વિશ્વાસ હતો કે એના માતાપિતા કે પવન કોઈને પણ પોતે છેક વારાણસી હશે એવી કલ્પના પણ નહી આવે. ઇન્ટરવ્યુમાં આશ્રમના સંચાલકો અને ટ્રસ્ટીઓ એ સુનેહાની હોંશિયારી અને એની સાથે દોઢ-બે મહિનાની એક બાળકી હોવાનું ધ્યાનમાં લઈને એને તરતજ નોકરીએ રાખી લીધી હતી. માત્ર અમુકજ અઠવાડિયામાં સુનેહાએ પોતાના કામથી આશ્રમના સંચાલકો અને આશ્રમમાં રહેતાં તમામ વૃદ્ધોનું દિલ જીતી લીધું હતું.

આ આશ્રમમાં કુલ ૧૫૦ થી પણ વધુ વૃદ્ધો અને વૃદ્ધાઓ રહેતી હતી અને સુનેહા બને ત્યાંસુધી આ તમામની નાનીમોટી જરૂરીયાતનું અંગત ધ્યાન રાખવાની કોશિશ જરૂર કરતી. આથીજ આશ્રમના દરેક વ્યક્તિના હોઠ પર કાયમ ‘સુનેહા મેડમ’ નું જ નામ રહેતું. ક્રિશ્નાને સુનેહા કાયમ પોતાની સાથેજ રાખતી. ઓફિસમાં પણ સુનેહા જયારે કામ કરતી હોય ત્યારે એને બાજુમાં સુવાડતી અને વચ્ચે વચ્ચે એની સાથે રમી લેતી અને જો ભૂખી હોય તો ઓફિસની ઉપર પોતાના રૂમમાં જઈને એને પોતાનું દૂધ પીવડાવતી અથવાતો અન્ય ખોરાક આપતી. ક્રિશ્નાનું ઘોડિયું પણ સતત સુનેહા જોડે જ રહેતું.

આજે સુનેહાને આશ્રમના કામ ઉપરાંત બીજું મહત્વનું કામ પણ કરવાનું હતું, કારણકે આવતીકાલે ક્રિશ્ના એકવર્ષની થવાની હતી અને એટલેજ સુનેહાએ કાશી વિશ્વનાથના મંદિરમાં ક્રિશ્નાના દીર્ઘાયુ અને સુખાકારી માટે એક ખાસ આરતી કરાવવાનું નક્કી કર્યું હતું. આ આરતી બાદ આશ્રમના વૃદ્ધોને જમાડતા પહેલા સુનેહાએ કાશી વિશ્વનાથ મંદિર ની થોડેક દુર બેસતાં કેટલાંક ભિક્ષુકોને પણ ક્રિશ્નાને હાથે મીઠાઈ વહેંચવાનું નક્કી કર્યું હતું. અને આ માટે સુનેહાએ ઘણીબધી તૈયારીઓ કરવાની હતી.

***

બીજે દિવસે સવારથીજ સુનેહા ખુબજ ખુશ હતી. આજે એની વ્હાલી દીકરીનો પહેલો જન્મદિવસ હતો. સવારે લગભગ નવેક વાગ્યે સુનેહા, ક્રિશ્ના અને આશ્રમના એક સહકર્મચારી નામે પંડિતજી, સાથે કાશી વિશ્વનાથના મંદિરે પહોંચી ગઈ અને ત્યાં પોતાની દીકરી માટે ખાસ થઇ રહેલી આરતીમાં ભાગ લીધો અને પુજારીને એક હજાર એક પૂરા દાનમાં આપ્યાં. ખુશ થયેલા પૂજારીએ સુનેહા અને ક્રિશ્નાને ખુબ આશીર્વાદ આપ્યા. ભોલેબાબાના દર્શન કરીને સુનેહાએ પહેલેથીજ પોતાની સાથે આવેલા પંડિતજી સાથે મંદિરની ડાબી બાજુ પરંતુ થોડેક દૂર આવેલા સંખ્યાબંધ વૃક્ષોની હરોળની નીચે બેઠેલા કે સુતેલા ભિક્ષુકોને એકપછી એક ક્રિશ્નાનો હાથ અડાડી અડાડીને લાડુ વહેંચવા માંડી. પંડિતજીએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈ ભિક્ષુક સુનેહાની નજર ચૂકવીને બીજીવાર લાડુ ન લઇ જાય અથવાતો સુનેહા મેડમને અકારણ હેરાન પણ ન કરે. પણ સુનેહાના સારા નસીબે એવું કશુંજ ન થયું અને સુનેહા આરામથી વારાફરતી એક એક ભિક્ષુકને લાડુ આપતી ગઈ.

ત્યાં બેઠેલા તમામ ભિક્ષુકોને લાડુ વહેંચ્યા બાદ પણ હજી ત્રણેક લાડુઓ બાકી બચ્યાં હતાં. આશ્રમના સાથીઓ માટે તો ભોજન સાથે આપવા માટે સુનેહાએ અલગથી લાડુ મંગાવ્યા હતાં, એટલે આ બચેલા ત્રણ લાડુ કોને આપવા એમ વિચારતી વિચારતી સુનેહાની નજર થોડેક દુર એક વૃક્ષ નીચે બેઠેલા બે ભિક્ષુકો તરફ ગઈ.

‘યે લો બાબા, આજ મેરી બેટીકા જન્મદિન હૈ.’ પેલા વૃક્ષ નીચે પહોંચીને ત્યાં બેઠેલા બે ભિક્ષુકોને ક્રિશ્નાનો હાથ લગાડીને એક એક લાડુ આપતાં સુનેહા બોલી. કદાચ ભૂખ્યા હોવાને લીધે આ બંનેએ તરતજ એ લાડુ ખાઈ લીધા.

‘ઈ બચા હુઆ ભી હમકા દઈ દો બેટી.’ કદાચ એક ભિક્ષુકને હજીપણ ભૂખ લાગી હશે એટલે સુનેહાના બોક્સમાં પડેલા છેલ્લા લાડુને જોઇને એને એ ખાવાની ઈચ્છા દર્શાવી.

‘નહીં બાબા, હરેક કો એક હી લડ્ડુ દેના હૈ. અરે! યે પીછે કૌન સો રહા હૈ?’ વૃક્ષની બીજીબાજુ કોઈ ફાટેલી ચાદર માથાસુધી ઓઢીને સુઈ રહ્યું હતું એને જોઇને સુનેહા બોલી.

‘પતા નહી, ઇધર કા તો નહી હૈ બેટી, પાંચ દિનસે ઐસે હી પડા રહા હૈ ઇધર, હમ જો ખાના દેત હૈ ખા લેત હૈ, ઔર ફિર સો જાત હૈ. ભિખારી હૈ પર ગુસ્સા તો કૌનો રાજામહારાજા જૈસન પાલ રખ્ખા હૈ સસુર ને.’ પેલો ભિક્ષુક એની પાછળ સુઈ રહેલા વ્યક્તિ વિષે કહી રહ્યો હતો.

સુનેહા તરતજ પેલા સુઈ રહેલા વ્યક્તિ પાસે ગઈ અને એને ઉભાંઉભાં જ બોલાવ્યો. એના એક હાથમાં છેલ્લા લાડુ સાથેનું બોક્સ હતું અને બીજા હાથમાં એણે ક્રિશ્નાને તેડી હતી.

‘બાબા? બાબા..યે પ્રસાદ લે લો, આજ હમારી બિટિયા કા પહીલા જનમદિન હૈ, શિવબાબાકા પ્રસાદ હૈ.’ ક્રિશ્નાનો હાથ અડાડીને સુનેહા એ પેલાને બોલાવતાં કીધું.

થોડીવાર સુધી પેલા ભિક્ષુકે જરાય હલચલ ન કરતાં સુનેહાએ લાડુનું બોક્સ પોતાની સાથે આવેલા પંડિતજીને આપ્યું અને પોતે નીચે ઘૂંટણીયે બેસી ગઈ અને પેલા ભિક્ષુકને એના ખભેથી ઢંઢોળ્યો. એકવાર, બેવાર અને જયારે ત્રીજીવાર સુનેહાએ પેલાને જોરથી ઢંઢોળ્યો કે પેલો ત્રાડ નાખતો બેઠો થઇ ગયો.

‘તુમ લોગોં કો કિતની બાર બોલા હૈ કી મુજે મત જગાઓ, પર સાલે તુમલોગ માનતે હી નહીં, અબ ક્યા હો ગયા? કિસકી બેટી મર ગઈ જો પરેશાન કર રહે હો?’ પેલો ભિક્ષુક જોરજોરથી બોલવા લાગ્યો.

એને આમ અચાનક બેઠો થઇ ગયેલો જોઇને સુનેહા પણ ઉભી થઇ ગઈ અને પંડિતજીએ પકડેલા લાડુના બોક્સમાંથી બચેલો લાડુ લઈને પેલા સામે ધર્યો અને એના તરફ સ્હેજ ઝુકી.

લાંબાલાંબા વાળ અને છેક ગળા સુધી વધેલી અસ્તવ્યસ્ત દાઢી અને ગંધાતા શરીરવાળા પેલા ભિક્ષુકે કદાચ ભૂખ્યા હોવાને લીધે પોતાની તરફ સ્હેજ ઝુકેલી સુનેહાના હાથમાં લાડુ જોતાં બેઠાબેઠાજ પોતાનો હાથ લાંબો કર્યો. એ ભિક્ષુક પેલો લાડુ પોતાના હાથમાં લેવાની કોશિશ કરતોજ હતો ત્યાંજ એની અને સુનેહાની નજર મળી. બંનેની નજર મળતાંની સાથેજ બંને પોતપોતાની જગ્યાએ સ્થીર થઇ ગયા...

‘પવન.......?’ પેલા ભિક્ષુકની નજરમાં નજર નાખીને આટલું બોલતાં જ સુનેહાએ પોતાનો લાંબો કરેલો હાથ પાછો ખેંચી લીધો અને બે ડગલા પાછળ ખસી.

‘સુની??...સુનેહા??’ જાણેકે સુનેહાના સવાલનો પડઘો પાડતો હોય એમ પેલો વ્યક્તિ પણ તરતજ ઉભો થઇ ગયો.

હા, એ પવન જ હતો!

સુનેહાએ પંડિતજીને પેલો લાડુ પાછો આપી દીધો અને પવન ફરીથી સામે જોવા લાગી. પવન પણ સતત સુનેહા સામે જોઈ રહ્યો હતો. થોડીવાર પછી બંનેની આંખો ભીની થઇ અને એમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. બંને આપોઆપ એકબીજાની નજીક આવ્યા. સુનેહાએ ક્રિશ્નાને તેડી હતી અને એજ હાલતમાં એણે પવન તરફ પોતાના બંને હાથ લંબાવ્યા. પવને તરતજ ધ્રુજતા હાથે સુનેહાના આંગળાં પોતાના આંગળાંથી પકડી લીધા અને એને એમાં પોતાના અંકોડા ભરાવ્યા. બંનેની આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. જાણેકે બંનેને પોતે એકબીજા સાથે જાણે-અજાણે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરી રહ્યાં ન હોય?

નિર્દોષ ક્રિશ્ના સુનેહા અને પવન તરફ વારાફરતી જોઈ રહી હતી અને કોઈવાર નિર્દોષ સ્મિત રેલાવતી તાળીઓ પણ પાડી લેતી હતી. પવને સુનેહા તરફથી નજર હટાવીને ક્રિશ્ના તરફ જોયું અને એના માથા ઉપર ધીરેધીરે પોતાનો હાથ ફેરવવા લાગ્યો અને થોડેજ દૂર આવેલા કાશી વિશ્વનાથના મંદિરમાંથી સતત ઘંટારવ સંભળાવા લાગ્યો....

=: પ્રકરણ પંદર સમાપ્ત :=

|| સંપૂર્ણ ||

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 4 અઠવાડિયા પહેલા

Sonal

Sonal 1 માસ પહેલા

Nirali

Nirali 2 માસ પહેલા

Foram Shah

Foram Shah 10 માસ પહેલા

vasudev panchal

vasudev panchal 11 માસ પહેલા