ફાંકો મારો જનમસિદ્ધ અધિકાર છે. Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાંકો મારો જનમસિદ્ધ અધિકાર છે.

ફાંકો રાખતાં પણ આવડવું જોઈએ...!

ફાંકો છે યાર....! ફાંકો કોને નહિ હોય...? ફાંકો તો અંબાણીને પણ હોય, ને ભિખારીને પણ હોય. આલ્યા માલ્યાને પણ હોય, ને વિજય માલ્યાને પણ હોય...! બીજાની તો શું વાત કરવી, એક ભિખારીના મહોલ્લામાં બીજા ભિખારીને ‘ નો એન્ટ્રી ‘ એ એનો ફાંકો છે...! એમ આઈ રાઈટ ચમનિયા...?

પરણીને આવ્યા પછી વાઈફને પણ ફાંકો હોય કે, આ ઘર મારૂ, આ ગાડી મારી, આ દુકાન મારી, આ વાડી મારી, આ બાઈક મારી....! કારણ....સાસરામાં આવીને જ્યારે સૌને પોતીકા કરે, ત્યારે એને આવો ફાંકો આવે. બાકી ‘ હસબંધ ‘ ની તાકાત નહિ કે, સાસરે જઈને એમ કહે કે, આ જમણી બાજુનો જે વોશરૂમ છે, તે મારો છે....! યાર...આપણું ખાલી ઓશીકું બદલાય જાય તો ઊંઘ નહિ આવે, ને વાઈફ આખું ઘર-ગામ- પરિવાર-અટક-સ્મશાન ને કુળદેવી બદલીને આપણે ત્યાં આવે. તો પછી ‘ ફાંકો ‘ કેમ કેમ નહિ રાખે....?

ફાંકો આમ તો તળપદો શબ્દ છે. અભિમાન બોલવાનું અઘરું લાગ્યું હોય, ત્યારે ‘ ફાંકો ‘ શબ્દ પ્રગટ થયો હશે. એટલે માત્ર ટાઈટલ વાંચીને કોઈ રખે માની લેતાં કે, આજે ‘ હાસ્ય લહરી ‘ ને પણ ફાંકો આવી ગયો કે શું ....? ઐસા કુછ નહિ હૈ બચ્ચા....! આઈ ( પણ ) નોઝ કે સામી દિવાળીએ ‘ ફાંકા ‘ વાળી ફેંકવાની ના હોય. કોઈના દિમાગની સપરમાં દિવસોમાં પત્ત્તર ખાંડવાની ના હોય. પણ લગીરે બળાપો કરવાની જરૂર નથી. બંદાએ ભલે ‘ ટાઈટલમાં ‘ ફાંકા ‘ નો શબ્દ પ્રયોગ કર્યો, પણ હું ફાંકાબાજ કોઈ બોલીગ કરવાનો નથી. આ તો પેલાં જેવી વાત છે. ક્રિકેટનો કોઈ પાકટ ખેલાડી આઉટ જ નહિ થતો હોય, બોલરને પરસેવો વળે કે ના વળે....? એનામાં આઉટ કરવાનો ‘ ફાંકો ‘ આવે કે ના આવે....? એમ તમને હસાવવાં સિવાય મારો બીજો કોઈ મલીન ઈરાદો જ નથી. બીજું કે, હાસ્ય લેખક ફાંકેબાજ કે ફાંટાબાજ બનીને જાય ક્યાં....? જેમ અસ્સલનો મદારી, ખેલ કરવા માટે રીંછ-નોળિયા કે સાપ પકડી લાવતા, એમ હું આ લેખના વિષયમાં ‘ ફાંકો ‘ પકડી લાવ્યો, એટલું જ ....! આ પણ એક હસવા હસાવવાનો ખેલ જ છે ને....? બીજું કે ફાંકાના કંઈ એક જ પ્રકાર થોડાં હોય...? ‘ તુંડે તુંડે મતીર ફાંકા...! છોડો યાર...! મને પણ આ વિષય ઉપર લેખ લખવાનો ફાંકો ચડ્યો ત્યારે આ બધી ચોખવટ કરવી પડે ને....? કોનામાં કેટલો ફાંકો છે, એમાં મગજ ઘસવા કરતાં, “ ભેંસના શિગડા ભેંસને ભારી “ કહીને પડીકું વાળતા આવડ્યું નહિ ત્યારે ને....? એના કપાળમાં કાંદા ફોડું....!!

કહો તે પાર્ટીના કસમ ખાયને કહું કે, આપણી વાત, ‘ હાઈ-ડોઝ ‘ ફાંકાની ‘ કે ‘ એલોપથી ‘ ફાંકાની નથી. ‘. સોનુ....તને મારા પર ભરોસો નહિ કે....? આ વાત છે ‘ નેચરોપથી ‘ ફાંકાની....! એમાં અસર થાય, પણ આડ અસર નહિ થાય એની સો ટકા ગેરંટી. માખી જ્યારે આગિયો બનવાનો ‘ ફાંકો ‘ રાખે, ત્યારે માની લેવાનું કે, એના મગજમાં મગજમાં માળો બાંધી જ દીધેલો છે, એ વિખેરાવાનો નથી...! ફાંકાનો આ માળો માણસના ભેજામાં બંધાય. ને ભેજું આપેલું હોય ભગવાને....! આ ભગવાન પણ એવો વેપારી છે કે, એક નહિ, માણસને બબ્બે ભેજાં સપ્લાય કરેલાં. જાણે એક ઉપર એક ભેજું ફ્રી...! કદાચ એક ફેઈલ જાય તો, બીજું વાપરી શકાય. એમાં રાવણને તો ૨૦-૨૦ ભેજાં સપ્લાય કરેલાં....! માથા દીઠ બબ્બે....!

એવરી વન નોઝ....કે, એક પણ માણસ આ દુનિયામાં ભેજાં વગર આવ્યો નથી. નાલ્લું તો નાલ્લું, પણ ખાલી માથે કોઈ પાર્સલ આવ્યું હોય, એવું ધ્યાનમાં નથી.. ભલે માણસ પાસે બેંક બેલેન્સમાં ‘ અલ્લાયો ‘ હોય, પણ મૂડી ને ભેજું તો એની પાસે હોય જ....! પછી એ વાપરે, નહિ વાપરે, ઓછું વાપરે કે વધારે વાપરે, ધેટ ઇઝ હીસ પ્રોબ્લેમ. એ મામલો એ સંભાળે....! આ ભેજાની બાબતે થોડોક વેઢોવંચો તો થયેલો જ હં કે....? આ ભગવાને, માણસને બુલેટ ટ્રેન જેવું ભેજું આપ્યું, ને અમુકમાં તો શોધવું પડે કે, એનામાં ભેજું છે કે નહિ....? સ્વાભાવિક છે કે, એની પાસે ફાંકાની અપેક્ષા રાખવી, એ બોળી પાસે કાંસકો માંગવા જેવી વાત થઇ કહેવાય.

પશુઓમાં પણ ભેજું તો ખરું, પણ એના કેરેટ વધતાં ઓછાં....! અમુક પશુને જોઈએ તો, માણસ કરતાં એમના ભેજાં ચઢી જાય. માણસનું તો પાંચિયું પણ નહિ આવવા દે. છતાં માણસ હોવાનો ફાંકો નહિ છોડે. ફાંકાના રવાડે ચઢ્યો તો, વગર બ્રેકનું ભેજું પણ દોડાવે. બ્રેક લાગી તો લાગી, નહિ તો હરિ હરિ....! એનું ભેજું જ એવું વાઈ-ફાઈ ધરાવે કે, જ્યાં પણ જાય, ત્યાં કોઈપણ ટાવર પકડે....!

ભેજામાં હાઈ-વે જેવું ટોલનાકું તો હોય નહિ. “ વિચાર આયા તો ભી ભલા, ઔર નહિ આયા તો ભી ભલા...! “વિચાર નાનો હોય કે મોટો, શૈતાની હોય કે તોફાની, સારો હોય કે ખરાબ, પાયાવાળો હોય કે, પાયા વગરનો, રચનાત્મક હોય કે ખંડનાત્મક, જે હોય તે, એવરીથીંગ ઇઝ ફ્રી....! મગજમાં એકાદ ભમરો કે ભમરી ભરાવી જ જોઈએ, એટલે ધીરે ધીરે પછી એની આખી ફેમીલીનો પ્રવેશ શરુ થવા માંડે. જેવી જેવી ફાંકાની બ્રાંડ, તેવું તેનું ગુનગુન....! ધત્ત્ત તેરીકી....!

આ તો માણસ છે ભાઈ....! માણસ અને ભગવાનમાં ફેર એટલો જ કે, માણસની મૂર્તિ ભગવાન બનાવીને મોકલે, ને ભગવાનની મૂર્તિ માણસ બનાવે. બંનેની બનાવટમાં ફેર એટલો કે, માણસે બનાવેલી મૂર્તિમાં કોઈ માથાકૂટ જ નહિ. જ્યાં ચોંટાડી હોય ત્યાં ચોંટી રહે. નહિ બોલવાની, નહિ ચાલવાની, નહિ વિચારવાની. નહિ ભગવાન બદલે, નહિ ગુરુ બદલે, નહિ ધરમ બદલે, નહિ પાર્ટી બદલે, ને નહિ કોઈ એ ફાંકો રાખે....! પ્રોબ્લેમ બધાં ભગવાનની મૂર્તિમાં....! માણસના મગજનું ફાટક ખુલ્લું જ રહેવું જોઈએ. એટલે ‘ ફાંકો ‘ એનું રેશન કાર્ડ કઢાવીને ‘ રોહિન્ગ્યા ‘ ની માફક વસવાટ કરતો થઇ જ જાય...! પછી થાય એવું કે, ધીરે ધીરે માણસ જ ભગવાન બનવા માંડે....! બાકી સિંહને ક્યાં ખબર છે કે, હું જંગલો રાજા છું. લોકોએ તો એનો ફાંકો જોઈને એને રાજા માની લીધો. ચમનીયો કહે, ‘ રાજા હોવાની ખબર હોત તો, રાજા જેવો રાજા થઈને કપડાં વગર ઉઘાડો થોડો ફરતે....? તારી ભલી થાય તારી...!

આચમનીયો ઘણીવાર મને કહે, કે આ ફરસાણ જેવાં બીજા કોઈ રૂડાં અવતાર જ નહિ. માણસ કરતાં પણ ટેસ્ટી હોવા છતાં, ક્યારેય મગજમાં કોઈ ફાંકો નહિ રાખે. ફરસાણવાળાને ત્યાં કેવાં બધાં સંપીને એક ટોપલામાં પડી રહે....? નહિ ક્યારેય ઝઘડવાના કે નહિ ક્યારેય એકબીજાની અદેખાઈ કરવાના. સેવ, ગાંઠીયા, પાપડી, ફાફડા, જલેબી, ચેવડો, ચોરાફળી, ચકરી, કડક પૂરી, ફરસી પૂરી, મઠીયા, દાળમુઠ, ભાખરવડી, કચોરી, ભજીયા સીંગ, ભૂસું કે ચવાણું, ચણા ચોર ગરમ, પેટીશ, વઘારેલા ખમણ, મમરા કે સક્કરપારા વગેરે ને સાચવવા માટે ક્યારેય પોલીસ મુકવી પડી નથી. ફાફડાએ ક્યારેય ફાંકો બતાવીને પાપડી, ચકરી કે દાળમૂઠ ઉપર હુમલો કર્યો હોય એવું સાંભળ્યું..? કોઈની સામે ક્યારેય કોઈ ‘ એફઆઈઆર ‘ ફાટી....? કારણ એમને ખબર છે કે, જેમ દરેક માણસનું લોહી લાલ છે, એમ અમે પણ બધાં એક જ બેસનના વિવિધ ફરજંદો છે. આપણને નવાઈ લાગે કે, કોઇપણ બાપુની એકપણ કથા સાંભળ્યા વગર એમનામાં આવી અક્કલ આવી ક્યાંથી....?

કદાચ સુરતીઓને એટલે જ આ ફરસાણ પ્રિય હોવું જોઈએ. જેમ. કોઈપણ માણસને પોતાની કુળદેવી હોય, એમ ઘારી એટલે સુરતીની બીજી કુળદેવી, ને ફરસાણ એમનો કુળદેવતા....! સુરતી લહેરીલાલાને ૫૬ જાતના ભોગ ધરો, પણ ફરસાણ નહિ પીરસાયું તો, એમને જમવાનો ‘ સ્ટાર્ટ ‘ જ નહિ આવે.....! સુરતીઓના કોઠા જાણે ભગવાને કોઈ અલગ ફેક્ટરીમાં ‘ સ્પેશ્યલ ‘ બનાવ્યા હોય એમ, જે આપો એ બધું એને પચી પણ જાય.....! હમણાં હમણાં તો ફરસાણમાં વળી લોચો લાઈનમાં આવ્યો છે. આ લોચો એટલે, ભણતા ભણતા જે ખમણ અભ્યાસ છોડીને ઉઠી જાય, એને ‘ લોચો ‘ કહેબાય...! બસ....! આ સુરતીઓને એક જ ફાંકો કે, કોઈપણ બાબતે લોચો મારવા કરતાં, ‘ લોચો ‘ ખાવો સારો....! એટલે જ તો દાસબહાદુર વાઈવાલા કહેતાં કે, “

ફાફડા જલેબી લોચો ખાયને ભુસાનો ફાંકો રાખે છે

વાધ એણે માર્યો નથી પણ વાઘણને ઘરમાં રાખે છે....!

***