બિંદુ
નિલેશ મુરાની
ફ્રોમ:- બિંદુ. (ફૂલ સ્ટોપ.)
પ્રિય
સતીશ,
આજે પણ તું પણ એટલોજ પ્રિય છે જેટલો પહેલા હતો. તને એમ લાગતું હશે કે હું તને મિસ નહી કરતી હોઉં, પણ હા, આજે પણ હું તને મિસ કરું છું. આજના આ સોસીયલ મીડયાના સમયમાં હું તને વોટ્સએપ્પમાં મેસેજ પણ કરી શકતી હતી, અને તને ફેસબુક મેસેન્જરમાં મેસેજ પણ કરી શકતી હતી, પણ કદાજ એ મેસેજ તને ફિક્કો લાગત. આજે મને ઈચ્છા થઇ કે આજે વેલેન્ટાઈનડે છે તો હું તને મારા ધ્રુજતા હાથે પત્ર લખું.
મને સમજમાં આવે છે કે મારો ઉપરનો પેરેગ્રાફ વાંચીને તને આશ્ચર્ય થતું હશે, કે હું તને પત્ર કેમ લખી રહી છું? મેં તને ખુબ તડપાવ્યો છે, તેના માટે સોરી કહેવા આ પત્ર નથી લખી રહી. મેં આજ સુધી તારાથી કોઈ વાત નથી છુપાવી, અને છુપાવવા પણ નથી માંગતી. આજથી છ મહિના પહેલા જયારે આપણે મળ્યા હતા ત્યારે મેં તને ન કહેવાનું કહી દીધું. હા, એ મારે નહોતું કહેવું.
“મને નફરત છે તારાથી”
“હું તારું મોઢું જોવા નથી માંગતી”
આવા વાક્યો મેં ઉચ્ચારેલા. આવી કટુવાણી મારા મોમાંથી નીકળી હતી. પણ તને કશી ખબર નથી, કે મેં તને આવું શા માટે કહ્યું હતું. ખરેખર આવા વાક્યો તો તારે મને કહેવા જોઈતા હતા, પણ ના, તે એવું બિલકુલ ન કર્યું, અરે મેં તો ત્યારેજ નક્કી કરી લીધું હતું, કે જીવન સાથી તો સતીશ જેવોજ હોવો જોઈએ, જયારે તને ખબર પડી કે મારી સાથે ચાર નરાધમો એ રેપ કર્યો છે, અને ત્યારે પણ તું મને અપનાવવા તૈયાર થઇ ગયો. આ છીછરી માનસિકતા ધરાવતા સમાજમાં હું કોઈને મોઢું બતાવવા જેવી નહોતી રહી, અને તે મારો હાથ પકડીને આખા શહેરમાં ઘુમાવી હતી. હું નીચું જોઇને ચાલતી હતી, અરે તેંજ તો મને શીખવાડ્યું ઊંચું જોઇને ચાલતા, એ કપરી પરિસ્થતિમાં હું કોઈ સામે આંખ નહોતી મિલાવી શકતી, પણ તે મને આંખોમાં આંખ નાખી અને લોકોને મુહતોડ જવાબ આપતા શીખવાડ્યું. ખરેખર મારું સદભાગ્ય કહેવાય કે મને તારા જેવો સાચો પ્રેમ કરનારો સાચો મર્દ મળ્યો. મારા નામ બિંદુનો મતલબ તું હમેશા ફૂલ સ્ટોપ જેવોજ કાઢતો, તું મને હમેશા કહેતો ને કે હું જિંદગીનું એક ફૂલ સ્ટોપ છું, પણ મારી લાઈફ અવિરત તારી યાદોમાં ચાલતી રહેશે, અને તને યાદ કરતી રહીશ. આ તારી બિંદુ ફૂલ સ્ટોપ નથી તેવો અહેસાસ હું તને ચોક્કસ કરાવીશ.
હું તને આટલો બધો પ્રેમ કરું છું, તેમ છતાં મેં તારી સાથે ઉદ્ધત વર્તન કેમ કર્યું? બસ એજ સવાલ તને સતાવી રહ્યો છેને? પણ એ સવાલનો જવાબ કદાજ હું તને આપીશ તો તું સહન નહી કરી શકે. હું તને કહેવા નહોતી માંગતી પણ એ કડવી વાસ્તવિકતાને હું કેટલો સમય છુપાવી રાખતી ? આજે નહી તો કાલે તને ખબર તો પડવાનીજ હતી, તો પછી કેમ નહી આજના આ વેલેન્ટાઈન ડેના દિવસે હું તને આ પત્ર લખીને જણાવી દઉં. એ એક વર્ષ પહેલા જે નરાધમોએ મારા ઉપર રેપ કર્યો હતો, ત્યારે દોઢ મહિના સુધી મને માસિક નહોતું આવ્યું, હું ખુબ વિચલિત થઇ ગઈ હતી. ખુબ ગભરાઈ ગઈ હતી. પણ જયારે મને માસિક આવ્યું ત્યારે મને શાંતિ થઇ, પણ વાત અહી પૂરી નથી થતી. એ દરમિયાન મારા શરીરમાં કોઈ અલગ પ્રકારની જણજણાટી થવા લાગી.મારી બોડીનું તાપમાન અસ્તવ્યસ્ત થવા લાગ્યું. અલબત હું માનસિક રીતે ભાંગી પડી હતી, એ સમયે તે મને ખુબ મોરલ સપોર્ટ આપ્યો, પણ મારી શારીરિક તકલીફો વધવા લાગી.
છેલ્લે જયારે આપણે મળ્યા હતા ત્યારે મારી તકલીફ ચરમસીમાએ હતી. મને ખુબ ગભરામણ થતી હતી, પણ મારી ભૂલ થઇ ગઈ, મારે તે દિવસે જયારે હું દવાખાને ગઈ તને સાથે લઇ જવો જોઈતો હતો, પણ જે થયું તે સારું થયું. પછી મને પણ એમ થયું કે સારું થયું સતીશને સાથે ન લાવી. હું તો વિખરાઈ ગઈ હતી લુટાઈ ગઈ હતી, હતાશ થઇ ગઈ હતી. પણ તને હતાશ થતો હું ક્યારેય નથી જોઈ શકતી. તે દિવસે ડોક્ટરએ મારા બ્લડ સેમ્પલ લઇ અને મારું એચ.આઈ.વી ટેસ્ટ કર્યું હતું. અને સાંજ સુધી રીપોર્ટની રાહ જોવા કહ્યું હતું, એ મારા જીવનના બાર કલાક મેં કેમ વિતાવ્યા છે, એ હુજ જાણું છું. અને સાંજે જયારે રીપોર્ટ આવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. મને ચક્કર આવવા લાગ્યા હતા. સતીશ આઈ.એમ એચ.આઈ.વી. પોઝીટીવ ડીયર, મને માફ કરજે, હું તારા લાયક નથી રહી. મને તો કોઇપણ મારા જેવો એચ.આઈ.વી.પોઝીટીવ મળી જશે, અને મેં સ્વીકારી પણ લીધું છે. મેં છાપામાં જાહેરાત પણ આપી દીધી છે કે એચ.આઈ.વી.પોઝીટીવ યુવક જોઈએ છે, કોઈ પણ જ્ઞાતિનો કેમ ન હોય? અત્યરે જયારે હું આ લખી રહી છું તો મારા આંસુ આ કાગળ ઉપર ટપકી રહ્યા છે. મને ખબર છે, આ પત્ર વાંચીને તારી હાલત શું થશે. કદાજ મેં તને વોટ્સએપમાં આ પ્રકારે મેસેજ કર્યો હોત તો મારી આંગળીના ટેરવા મને સાથ ન આપત, કારણ કે એમાં ડીલીટ અને એડિટ કરવાનું ફીચર્સ છે ને! અને પોસ્ટનું બટન ક્લીક કરવાની પણ મારી હિમત ના થઇ હોત, પણ આ તારી આપેલી હિમંત આજે મને કામ આવે છે. એ ચાર નરાધમો તો બીજા દિવસે જામીન ઉપર છૂટી ગયા, અને ફરી ખુલ્લી હવા લેવા લાગ્યા, જો તું મારા માટે કંઈ કરી શકતો હો તો એટલું જરૂર કરજે, એ ચારેયમાંથી એકને એઇડ્સ જરૂર હશે. એમને કહેજે કે એકવાર ટેસ્ટ જરૂર કરવી લે, તો કદાજ મારી જેમ કોઈ બીજી એમનો શિકાર ન બને. અને એમાંથી કોઈને પણ ઇન્ફેક્સન પણ લાગ્યું હશે. અને જેને પણ એઇડ્સ હોય તેનો ફોટો ફેસબુક અને વોટ્સએપ્પ જેવા માધ્યમથી વાયરલ જરૂર કરજે, અને હા, મારી બદનામીની જરા પણ ચિંતા કર્યા વગર કરજે. એ નરાધમોનું જે થવું હોય તે થાય, એમને સજા થાય કે ન થાય, પણ મારે હવે આખી જિંદગી સજા ભોગવવાની રહેશે. અને મારા કારણે તું સજા ભોગવે એ મને જરા પણ મંજુર નથી. આજે મારા નામ ઉપર એહ.આઈ.વી. પોઝીટીવનું લેબલ લાગી ગયું, અને એ વાસ્તવિકતા મેં સ્વીકારી લીધી છે. હું ચાહું છું કે એ વાસ્તવિકતા તું પણ સ્વીકારી લે, અને તારા દિલ દિમાગમાંથી મને કાઢી નાખવાની કોશિષ કરજે. મારામાં આજે પણ હિંમતની કમી નથી. હું લડી લઈશ, મારી બાકી રહેલી જીંદગી હું જીવી લઈશ. મને બે પ્રકારના ભયંકર રોગ થયા છે, એકતો એઇડ્સ અને બીજો પ્રેમરોગ, એઇડ્સ સાથે કદાજ હું સર્વાઈવ કરી લઈશ, પણ પ્રેમરોગ સામે સર્વાઈવ કરતા હું થાકી જઈશ, હતાશ થઇ જઈશ, ત્યારે તારા આર્ટીકલ વાંચીશ, તારી બુક્સ અને અને ર્આર્ટીકલસનો આખો સેટ મેં વસાવી લીધો છે. સતીશ તને યાદ છે? તું મને હમેશા કહેતો કે પ્રેમ એ બલીદાનનું બીજું નામ છે? તું સાચુજ કહેતો હતો. આજે એ પ્રેમ એ બલીદાનની કિમંત મને સમજાય છે. મુવીમાં અને સીરીયલમાં દેખાડવામાં આવતો પ્રેમ અને આ પ્રેમ ખરેખર અલગ છે. કેટલો દર્દનાક છે ? પણ એ દર્દને ભૂલવા માટે મારી પાસે તારી યાદો ઓછી છે શું? અરે એ એકએક પળ હું તારી યાદોમાં વિતાવી શકીશ, પણ હવે તારી સામે ક્યારેય નહીં આવું. મને ખબર છે તું હમેશા મોટીવેસનલ ભાષણો આપતો રહે છે, લેખ લખતો રહે છે. પણ તું અંદર થી કેટલો કમજોર છે એ તો ફક્ત હુંજ જાણું છું. હું તારા વગર જીવી લઈશ, પણ મને તારી ચિંતા ખાઈ રહી છે.
મને જાણવા મળ્યું કે લોકો તને પણ ધુત્કારે છે. લોકો તારી સાથે પણ ખરાબ વ્યવહાર કરે છે. આ બધું મારા કારણે થઇ રહ્યું છે. તારી ફેસબુકની એક એક પોસ્ટ, એકેએક બ્લોગ હું વાંચું છું. તારા એકેએક શબ્દોમાં છલકતું દર્દ હું મહેસુશ કરી શકું છું, પણ મારી મજબુરી છે કે હવે આગળનો રસ્તો હું એકલી સર કરીશ, અને તને આગળ સાથ નહીં આપી શકું.
ચાલ છોડ વધારે ઈમોશનલ નહીં થવાનું, આવું તો ચાલ્યા કરે. બાય. ટેક કેર...
અને હા, તને એક વાત કહેવાની રહી ગઈ. પ્લીઝ તું મને આ પત્રનો જવાબ ના લખીશ.
લી.. તારી અને ફક્ત તારી,
બિંદુ.
એચ.આઈ.વી પોઝીટીવ.