love jihad books and stories free download online pdf in Gujarati

લવ જીહાદ.

લવ જીહાદ

પંદર દિવસથી અધૂરી મુકેલી વાર્તા પુરી કરવા રાત્રે બાર વાગ્યે મથામણ કરી રહ્યો, મગજ કામ નહોતું કરતું ખુબ અકળામણ થતી હતી એટલે વિનયને ફોન લગાવ્યો..

“હા બોલો અજય.”

“વિનય પેલી વાર્તા બાબતે પૂછવું હતું, કાલે ચર્ચા કરી હતી ને! અંત લખવા કઈં ગડ નથી પડતી, મિત્ર કોઈ સુજાવ આપને?”

“અરે ભાઈ અજય તું એ વાર્તા લખવાનું રહેવા દે, એ તારું કામ નહીં, તું તારું પત્રકારત્વ કર, અને જે વાર્તા તું લખી રહ્યો છે એમા વાચકોની લાગણી દુભાઈ જશે અને આ તારી પહેલી વાર્તા છે, માટે સાચવીને.”

“કેમ લાગણી દુભાઈ જશે? જેમનું તેમ સત્ય લખવામાં પણ લાગણી દુભાઈ જાય?”

“હા દોસ્ત, ઘણી વખત વાચકોને સત્ય પચતું નથી, માટે એવું લખવાની કોશિષ કરવી કે વાચકોને ગમે.”

“તો? જે સત્ય છે એ નહિ લખવાનું?”

“ના નહીં લખવાનું, હાલના સમયમાં ચાલતા પ્રવાહને ધ્યાનમાં લઈને વાર્તાકારોની જમાતમાં ટકી રહેવું હોય તો આ બધા પાસા વિચારવા પડશે મિત્ર.”

“પણ હું એવું નહિ કરી શકું. તને તો ખબર છે મેં પત્રકારની નોકરી શા માટે છોડી છે.”

“હા સારી એવી નોકરી ગુમાવી તેં મિત્ર, તારી જગ્યાએ હું હોત તો એવું ન કરતો.”

“એ વાત છોડ, વાર્તા બાબતે કોઈ મંતવ્ય હોય તો જણાવ.”

“કોઈ મંતવ્ય નહિ આપી શકું. હું તો તને એકજ સલાહ આપીશ કે એ વાર્તા લખવાનું રહેવા દે અથવા વાર્તાના પાત્રોમાં જે છોકરા અને છોકરીની અલગ અલગ જ્ઞાતિ બતાવી છે એ સુધારો કર તો કંઈક થાય.’

“પણ તો તો વાર્તા જ નથી બનતી.”

“હાલ કશું સૂઝતું નથી, કોઈ નવો વિચાર આવે તો ફોન કરું છું.”

“ઓકે”

કહેતા વિનયે સામેથી ફોન કટ કર્યો. મેં લેપટોપ શટડાઉન કર્યું, જમીને આડો પડ્યો.

સવારે સાડા નવ વાગ્યે મોબાઈના રણકારે મારી ઊંઘમાં વિક્ષેપ પાડ્યો..

તે મારા જુના બોસ આશુતોષસરનો ફોન હતો.

“જી ગુડ મોર્નીગ સર”

“વેરી ગુડ મોર્નિંગ અજય, તારા જેવું કામ પડ્યું છે. કરીશ?”

“જી મારા સિદ્ધાંતથી વિપરીત હશે તો નહીં કરું સાહેબ.”

“અરે અજય એ આગળનું બધું ભૂલી જા. એ ઘટનાના બીજા અધ્યાય બાબતે જ તો તને ફોન કર્યો. એ ઘટનાનો બીજો અધ્યાય કવર કરીને અહેવાલ તૈયાર કરવાનો છે. બોલ કરીશ?”

“જી ચોક્કસ કરીશ, પણ મારી પદ્ધતિથી અને મારો અહેવાલ વગર એડિટિંગ કર્યે તમારા પેપરમાં છપાય એ શરતે કરીશ.”

“અજય તારી બધી જ શરત મંજુર છે, પણ આ કામ તારે કરવાનું છે.”

“જી સર. પણ કરવાનું શુ છે?”

“ હું તને કોન્સ્ટેબલ હરિરામનો કોન્ટેક નંબર મોકલાવું છું. પેલો સમીર અને સંધ્યા અમદાવાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. એમને મળી વિગતો જાણી અને અહેવાલ લખવાનો છે. વધારે વિગત તને કોન્સ્ટેબલ હરિરામ આપશે. એની સાથે મારી વાત થઈ ગઈ છે. તું આજે બપોરે જ નીકળી જા. રોકડાની જરૂર હોય તો ઓફિસે આવ અને લઈ જા.”

“ના એ જરૂર નહીં પડે. હું કોન્સ્ટેબલ હરિરામનો કોન્ટેક કરું છું. કશી જરૂર પડી તો ફોન કરીશ.

“ઓકે અજય ઓલ ધી બેસ્ટ.”

સામેથી ફોન કટ થતા જ મારી ઊંઘ જાણે ઉડી ગઈ. જે વ્યક્તિએ એ બાબતે મને નોકરી છોડવા મજબુર કર્યો! આજે એજ વ્યક્તિ એક મહિના પછી એ ઘટના સાથે જોડાયેલી ઘટના માટે મને કેમ મોકલે છે?

શું આ ઘટના અરુણ કવર નથી કરી શકતો? અને આ બાબતે હું અહેવાલ તૈયાર કરીશ તો શું આશુતોષસર અહેવાલ જેમનો તેમ છાપશે?

ઘણા બધા સવાલો મારા દિમાગમાં દોડવા લાગ્યા.

બપોરે બાર વાગ્યાની બસ છે. મેં ઘડિયાળ ઉપર નજર કરી, દસ વાગ્યા હતા. ઘડિયાળ ઉપર થોભેલી મારી નજર લેપટોપ પર સરકી અને હું સ્વગત બબડયો..

“હવે મારી આ વાર્તા ક્યારે પુરી થશે?”

બાથરૂમમાંથી બહાર આવી વોટ્સએપ મેસેજ ચેક કર્યા. આશુતોષસરે કોન્સ્ટેબલ હરિરામનો કોન્ટેકટ નંબર મોકલાવેલ.

આશીતોષસરને અંગૂઠો સેન્ડ કરી હું તૈયાર થયો અને રીક્ષા પકડી બસ સ્ટેશને પહોંચ્યો. બસમાં બેસીને કોન્સ્ટેલબ હરિરામને ફોન કર્યો..

“હેલ્લો.”

“હેલો સર હું અજય બોલું છું. આશુતોષસરે મને તમારો નંબર આપ્યો હતો.”

“ઓહ! હા અજય! તમે અમદાવાદ માટે નીકળી ગયા?”

“હા સર બસ હમણાં જ બસમાં બેઠો.”

“હું તમને મારા ખબરી રામકુમારનો નંબર મોકલું છું. એ તમને અમદાવાદ પોલીસ સ્ટેશનની બહાર મળશે અને તમને બનતી મદદ કરશે. પણ સાહેબ એક પાંચસોની નોટ રામકુમારને આપી દેજો.”

“જી સાહેબ.”

સામેથી ફોન કટ થતા પાંચ મિનીટમાં મને ખબરી રામકુમારનો કોન્ટેક્ટ નંબર મળ્યો. નંબર સેવ કરી મેં ખબરી રામકુમારને ફોન લગાવ્યો.

“હેલ્લો”

“મિસ્ટર રામકુમાર?”

“જી બોઉં છું. બોલો.”

“જી હું અજય બોલું છું. કોન્સ્ટેબલ હરીરામે મને તમારો નંબર આપ્યો છે.”

“જી અજયભાઈ એમની સાથે હમણાં જ વાત થઇ. તમે અમદાવાદ પોલીસ સ્ટેશન પાસે પહોંચીને મને ફોન કરો, મળીએ.”

“જી,”

કહેતા જ મે ફોન કટ કર્યો. ત્રણ કલાકની લાંબી મુસાફરી બાદ હું અમદાવાદ પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યો. ફોન કર્યાની પાંચ મિનીટમાં ખબરી રામકુમાર આવી ગયા. ફોન ઉપર મારું વિવરણ આપ્યું હતું એટલે રામકુમારે મને શોધી લીધા.

“અજયભાઈ?”

“જી, તમે રામકુમાર?

“જી. ચાલો પહેલા ચા પીએ.” એમ કહેતા રામકુમાર મને બાજુમાં ચાની કીટલી તરફ લઇ ગયા. રામકુમારના હાથમાં એક ફાઈલ હતી જે એને છાતી ઉપર લગાવી રાખી હતી, બે સ્ટુલ ગોઠવી મારી સામે બેસી બે ચાનો ઓર્ડર કરતા કહ્યું.

“જુઓ અજયભાઈ પોલીસ સ્ટેશનની બહાર બંને સમુદાયના લોકોએ ઘેરો ઘાલ્યો છે, તમે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર મારી પાછળ પાછળ આવજો, તમે કશું બોલતા નહી. સમીર અને સંધ્યાને પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત રાખ્યા છે, એમના માતાપિતા આજે પોલીસ સ્ટેશનમાં આવવાના છે. એ લોકો આવે અને કોઈ હોબાળો થાય એ પહેલા તમારે જે પૂછપરછ કરવી હોય તે કરી લેજો.”

“જી સમજી ગયો.”

“બીજું, બહાર અન્ય પત્રકારો પણ રાહ જોઇને ઉભા છે પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈને પ્રવેશ મળતો નથી. તમે તો જાણો છો આજકાલના પત્રકારો અધકચરું આર્ટીકલ છાપીને સમાજમાં કેવા મેસેજ છોડે છે.”

“હા સાચી વાત,” મેં કહ્યું,

ચા આવી અમે બંનેએ ચા પીધી અને પોલીસ સ્ટેશન તરફ ગયા. પોલીસ સ્ટેશનની બહાર એક સમુદાયના લોકો હોબાળો મચાવી રહ્યા હતા, પોલીસ સ્ટેશનની સામે અમુક લોકો ઘરણા પ્રદર્શન કરી બેઠા હતા અને નારા લગાવી રહ્યા હતા.

”સ્ટોપ લવ જીહાદ,”

“પનીશ ટુ સમીર”

“વી વોન્ટ સમીર”

જેવા પોસ્ટરો અને બેનરો હાથમાં લઈને ઉભા હતા. કોઈ અણછાજતી ઘટના ન બંને એ માટે દસ બાર સુરક્ષા કર્મીઓ તૈનાત ઉભા હતા.”

“રામકુમારે એક કોન્સ્ટેબલને ફોન લગાવ્યો એટલે એ અમને બંનેને બહાર લેવા આવ્યો અને અમને પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશ મળી ગયો. સૌથી પહેલા મારી ઔપચારિક મુલાકાત સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર ઝાલા સાથે થઇ તેમજ સમીર અને સંધ્યાને મળવાની મને પરવાનગી મળી ગઈ. ત્યાર બાદ એક કોન્સ્ટેબલ મને અને રામકુમારને બીજા માળે સમીર અને સંધ્યા પાસે લઇ ગયા. સમીર અને સંધ્યા બંને પોલીસ કર્મચારીઓની સુરક્ષા વચ્ચે પણ ખુબ ગભરાયેલા લાગતા. મને જોઇને એમની ગભરામણ વધી ગઈ હોય એવું લાગ્યું, સંધ્યા સફેદ પંજાબી ડ્રેસમાં ઘઉં વર્ણ નમણો ચહેરો અને કાનમાં કાળા બટન જેવા સાદા બુટીયા, તેમજ નાકમાં જીણો દાણો ચમકતો, સમીરની બાજુમાં બેઠેલી એ સુંદર લાગી રહી, સમીર બ્લેક પેન્ટ અને વાઈટ શર્ટમાં સંધ્યાની બાજુમાં બેઠો હતો. ગભરાયેલા સમીર અને સંધ્યા તરફ રામકુમારે જોઇને કહ્યું,,

“જુઓ સંધ્યા, આ સાહેબ પત્રકાર છે, અને આ પત્રકારથી ડરવાની જરૂર નથી. એ ફક્ત તમારી અત્યાર સુધીની કહાની જાણવા આવ્યા છે અને એવું કશું એમના પેપરમાં નહી છાપે જેનાથી તમને નુકસાન થાય.”

રામકુમારની વાત સાંભળી સમીરને થોડો વિશ્વાસ બેઠો હોય એવા ભાવ તેના ચહેરા ઉપર જોવાયા, પણ વચ્ચેજ સંધ્યા બોલી..

“રામભાઈ,, આ ભાઈ પણ એજ અખબારમાંથી આવે છે જેને એક મહિના પહેલા અમારો ખોટો અહેવાલ છાપીને અમને હેરાન કર્યા હતા, તમને તો બધી ખબર છે, એ અહેવાલના કારણે અમારે કેટલું ભોગવવું પડ્યું હતું.”

“હા સાચી વાત પણ તમને એ ખબર નહી હોય એ આર્ટીકલને લઈને આ સાહેબે એમની નોકરીને લાત મારી હતી. એ અહેવાલની ફેવરમાં આ સાહેબ હતા જ નહી.”

રામકુમારે કહ્યું,

“પણ રામકુમાર તમને અમારી પૂરી કહાની ખબર છે, અલબત આજે અમે પોલીસ સ્ટેશન સુધી સુરક્ષિત પહોંચ્યા છીએ એ પણ તમારા કારણે.” વચ્ચે સમીર બોલ્યો..

“અરે એ તો મારી ફરજ હતી અને મને ઉપરથી હરીરામ સાહેબનો આદેશ હતો, મારે આટલું તો કરવું જ જોઈએ ને.”

હું રામકુમારને જોતો રહ્યો, હું એને એક ખબરી સમજતો હતો પણ અહીં ચિત્ર કૈંક અલગ હતું, એ મારા વિષે ઘણું બધું જાણતા હોય એવું લાગ્યું, મેં રામકુમાર તરફ જોઈ કહ્યું.

“હા તો તમારી શું ભૂમિકા રહી સમીર અને સંધ્યાને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં?”

રામકુમારે સમીર અને સંધ્યા તરફ નજર કરી અને કહ્યું..

“જુઓ અજયભાઈ, એક મહિના પહેલા સમીર અને સંધ્યા ઘર છોડીને ભાગી ગયા હતા બરાબર?”

“ઓકે એ તો હું જાણું છું,” મેં કહ્યું.

“ઓકે, બીજા દિવસે સવારે તમારા અખબારમાં અહેવાલ છપાયો હતો, જેની હેડ લાઈન હતી કે

“એક વિધર્મી યુવક હિંદુ યુવતીને ફોસલાવીને અપહરણ કરી ગયો,

અને બીજી હેડ લાઈન હતી,

“ લવ જીહાદના વધતાં જતાં બનાવો અટકાવવા પગલા જરૂરી.”

“બરાબર એ અહેવાલ અમારા પ્રતિનિધિ અરુણે તૈયાર કર્યો હતો અને એ અહેવાલના પક્ષમાં હું ન હતો, એટલે જ મેં એ નોકરી છોડી હતી. ઓકે, પછી શું થયું એ હું નથી જાણતો.”

“ત્યારબાદ મને કોન્સ્ટેબલ હરીરામનો ફોન આવ્યો હતો અને આ બંને વિષે જાણકારી મેળવવા તેમજ જાણકારી મળી ગયા પછી આ બંને ઉપર નજર રાખવા તેમજ બંનેની સુરક્ષાની જવાબદારી મને આપી હતી.”

“પણ એ જવાબદારી તો એમની હોય છે ને? તમે કેમ લીધી?”

“અરે સાહેબ તમે તો જાણો જ છો, સમીર ઉપર અપહરણ સિવાયના કેટલા ચાર્જ લગાવી દીધા હતા. જે દિવસે અખબારમાં એ અહેવાલ છપાયો એ દિવસથી ફેસબુક અને વોટ્સેપ ઉપર કેવા કેવા મેસેજ વાયરલ થયા હતા એ તો તમે જાણો જ છો.

જેનું મુખ્ય કારણ તમારા અખબારમાં છપાયેલો લવ જીહાદવાળો અહેવાલ હતો, ત્યાર બાદ અમારા ખબરી મિત્રોમાં ખળભડાટ મચી ગયો હતો, પણ જોગાનુજોગ મને આ બંને ક્યાં છે એ જાણકારી મળી ગઈ હતી અને જે જગ્યાએ બંને હતા ત્યાં એમની સુરક્ષા ન હતી એટલે હું એ બંનેને મારા ઘરે લઇ ગયો હતો. અને સાહેબ હું વનવગડામાં રહું છું અને હું રહ્યો પોલીસ ખબરી એટલે મારા ઉપર કોઈ શંકા પણ ન કરે. આ બંને મારી કસ્ટડીમાં હતા એની જાણકારી રામગઢના કોન્સ્ટેબલ હરીરામ અને અહીંના લોકલ પી.એસ.આઈ, ઝાલા સાહેબ એમ બે જણાને જ ખબર હતી.”

“ઓકે, પણ એવું કેમ કર્યું?”

“સાહેબ જો એવું ન કરતા તો શું થતું? લવ જીહાદ એટલે શું? કોઈ જાણે છે? કોને ખબર છે લવ જીહાદની શું વ્યાખ્યા છે? બસ અમસ્તું હાલી નીકળવાનું! સાવ અમુક છકી ગયેલા અને નીચલી કક્ષાના લોકો પાસે આ સોસીયલ મીડિયા નામનું હથીયાર આવી ગયું છે, જેમ મન ફાવે એમ મેસેજ ફોરવર્ડ કર્યે રાખવાના? સાહેબ પેલી કહેવત છે ને કે વાંદરા ના હાથમાં તલવાર આવી ગઈ. તમે અંદાજો લગાવી શકો છો. સંધ્યા અને સમીરની તમામ વિગતો જાણ્યા પછી ખબર પડી કે આમા લવ જીહાદ જેવું કશું નથી. બંને એક બીજાના પડોશી છે. અને બંને પરિવાર વચ્ચે સારા સંબંધ છે અને છેલા ત્રણ વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરે છે. અલબત બંનેના ઘરવાળા આ વાત સારી રીતે જાણે છે. તો પછી આમા લવ જીહાદ ક્યાંથી આવ્યું? અને બીજું સાહેબ તે દિવસે જો હું સમીર અને સંધ્યાને મારા ઘરે ન લઈ ગયો હોત તો આ લોકો એને ગમે ત્યાંથી શોધી લીધા હોત અને કંઇક તો અણબનાવ બન્યો જ હોત, એટલા માટે મામલો ઠંડો પડે ત્યાં સુધી આ બંનેની જવાબદારી હરીરામ સાહેબે મને આપી હતી, સાહેબ એક વાત બીજી કહેવાની, હરીરામ સાહેબની અને આમની કોઈ ઓળખાણ નથી, તો પણ આમની સુરક્ષા માટે સાહેબે મને ગઈ કાલે આંગડીયાથી દસ હજાર રૂપિયા મોકલાવ્યા. કેમ? આને માણસાઈ કહેવાય સાહેબ. એ ધારતા તો આ બંનેની ધરપકડ કરાવી શકતા હતા, પણ એ એવું કશું જાણતા હતા એટલે એમને આ પગલું ન ઉઠાવ્યું અને આ જવાબદારી મને સોંપી.”

“પણ તમારી પાસે આ બંને એક મહિનો રહ્યા, રિસ્ક ન કહેવાય?”

“કેવું રિસ્ક? સાહેબ રિસ્ક તો આ બંને પકડાઈ ગયા હોત તો હતું.”

“તો હવે આમને પોલીસ સ્ટેશનમાં શા માટે રાખ્યા છે?”

“સાહેબ, સંધ્યા અને સમીર બંને ગઈ કાલે રજીસ્ટર મેરેજ કરી આવ્યા છે, કાયદાકીય રીતે બંને પતીપત્ની છે, પણ બહાર લોકોએ હોબાળો મચાવી રાખ્યો છે અને સાંજે આ બંનેના માતા-પિતા અહીં આવવાના છે, એમના માતા-પિતા એમને મળવા માંગે છે, અને સમીર અને સંધ્યા એમના ગામ જવા નથી માંગતા એટલે એમની ઈચ્છાથી હું આજે એમને અહીં હાજર કરવા આવ્યો, એ પણ હરીરામ સાહેબે મને સુચના આપી પછી જ. સાહેબ હું એક ખબરી છું અમુક અંદરની વાતો પણ હું તમને જણાવું છું, પણ એનો મતલબ એવો ન સમજતા કે તમે બધુજ છાપી નાખો, હા મારી અને હરીરામ સાહેબની સુરક્ષાનો પણ ખ્યાલ રાખજો. આ તો સાહેબે મને બધું જ કહી દેવા માટે કીધું હતું એટલે મેં તમને બધુજ જણાવી દીધું.”

“જી એ તમે ચિંતા ન કરો, અહેવાલ હું એ રીતે જ તૈયાર કરીશ કે તમારી છબી ન ખરડાય, મારો મુખ્ય ઉદ્દેશ એજ છે કે જે ખરેખર મામલો લવ જીહાદમાં ખપાવવામાં આવ્યો હતો એની હકીકત લોકો સુધી પહોંચાડવી અને આ મુદ્દે લોકોને જાગૃત કરવા.” મેં કહ્યું..

રામકુમારની વાત સાંભળી લીધા બાદ સમીર અને સંધ્યા તરફ જોઇને પૂછ્યું..

“તમને બંનેને આ પગલું ભરીને અફસોસ નથી થતો?”

“કેવો અફસોસ સાહેબ? અફસોસ તો આ ધર્મ ધર્મ રમીને થાય છે. આજે મને અમારા એ ગુરુ ઉપર ગુસ્સો આવે છે જેને અમને આ ધર્મનું જ્ઞાન આપ્યું.” સમીરે કહ્યું..

“ના સમીર એવું નહિ વિચારવાનું ભાઈ. પાંચેય આંગળીઓ સરખી નથી હોતી.

સમુદાયના અને ટોળાઓના અંગત વિવાદમાં માણસાઈની ઘોર ખોદાઈ રહી છે. અંતે ઇન્સાન જ ઈન્સાનનો દુશ્મન બની જાય છે. કોઈ પણ ધર્મ હિંસા નથી સીખવાડતું.

ધર્મ ધર્મની જગ્યાએ હોય છે જયારે કર્મ કર્મની જગ્યાએ, સાચો ધર્મ એજ છે કે તમે કર્મ ન ચુકી જાઓ. લવ જીહાદની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ગઈ છે, અને આજે તમને જે ભોગવવું પડ્યું છે એ કારણસર જ ભોગવવું પડ્યું. સાચું કે નહી રામકુમાર?”

“હા સાહેબ સો ટકા સાચી વાત કહી તમે.”

“હા તો સમીર તમે મેરેજ ક્યાં કર્યા? અને કેવી રીતે કર્યા?” મેં સમીર તરફ જોઇને કહ્યું,,

ત્યાં રામકુમારે એની છાતી ઉપર પકડેલી ફાઈલ ખોલી રજીસ્ટર મેરેજની રસીદની એક નકલ અને સોગંધનામાંની નકલ મને આપતા કહ્યું..

“પ્રમાણપત્ર હવે મળશે, પણ કાયદાકીય રીતે આ બંને પતી-પત્ની છે તેમજ બંને પુખ્ત વયના છે, માટે એ પ્રકારે કોઈ તકલીફ નથી.”

“ઓકે” કહી એ નકલ મેં મારા થેલામાં મૂકી ઘડિયાળ તરફ નજર કરી તો સાંજે સાત વાગ્યા હતા.. મારે આઠ વાગ્યાની બસ પકડવાની હતી,,,મેં રામકુમાર તરફ જોઇને કહ્યું...

“તો હું નીકળું?”

“હા તમે જઈ શકો છો.”

“હવે સમીર અને સંધ્યાને અહીં કેટલો સમય રાખવાના છે?”

“જી એ હમણાં જ બંનેના માતા પિતા આવે છે. એ લોકો આવે એટલે એમને આ રસીદ અને સોગંધનામાંની નકલ બતાવી અને રવાના કરવાના છે,” રામકુમારે કહ્યું.

“સાહેબ મેં અહીં નોકરી શોધી લીધી છે અને મકાન પણ મળી ગયું છે, હવે અમારે પાછુ રામગઢ જવાની જરાય ઈચ્છા નથી, આ તો અમે એકવાર મમ્મી પપ્પાને મળી લઈએ તો મામલો શાંત પડી જાય અને પોલીસ સ્ટેશનની અંદર મળવાનું એટલે જ નક્કી કર્યું કે એ લોકો ખોટી ધાકધમકી ન કરી શકે એ બાબતે એક કાચી ફરિયાદ પણ અમે અહીં પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે. એમાં અમે ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે અમારા બંનેના જીવને જોખમ છે અને આ બધી કાર્યવાહી કરવામાં અમને રામકુમારે સારી એવી મદદ કરી છે..” વચ્ચે સમીર એકી શ્વાશે બોલ્યો..

“જી બધું સારું થઇ જશે, થોડો સમય ગરમા ગરમી રહેશે પછી બધું થાળે પડી જશે.” મેં સમીર અને સંધ્યા તરફ જોઈ સાંત્વના આપતા કહ્યું..

રામકુમાર મને પોલીસ સ્ટેશનની બહાર મુકવા આવ્યા, બહાર ઘરણા પ્રદર્શન કરવા બેઠેલા ટોળા તરફ જોઈ મેં રામકુમાર સામે પ્રશ્નાર્થ ભરી નજરથી જોયું...રામ કુમાર મારો મૌન સવાલ સમજી ગયા હોય એમ કહ્યું...

“સાહેબ આ ટોળું રાત્રે વિખેરાઈ જશે, તમે જાઓ તમારી બસ નીકળી જશે.”

“ઓકે રામકુમાર તમને મળીને ખુબ આનંદ થયો, ચાલો નીકળું ત્યારે, રામગઢ આવવાનું થાય તો યાદ કરજો,”

“ચોક્કસ સાહેબ.”

રામકુમાર સાથે હાથ મિલાવી મેં પાછળના પોકેટમાંથી પર્સ કાઢ્યું, પાંચસોની નોટ કાઢી રામકુમાર તરફ લંબાવવા જતો હતો અને મને રામકુમારે અટકાવતા કહ્યું..

“રહેવા દો સાહેબ ઉપરવાળાએ ઘણું બધું આપ્યું છે.” કહેતા મારો હાથ પાછો ઠેલાવ્યો અને મને એક ઉમદા સ્માઈલ આપી, એમના ચહેરા ઉપર પણ વિજય ભાવ જોવાયો.

આઠ વાગ્યાની બસ પકડીને હું સીધો રામગઢ પ્રેસમાં અગિયાર વાગ્યે પહોંચ્યો, આસુતોષસર કેબીનમાં મારી રાહ જોઇને બેઠા હતા, બાર વાગ્યા સુધીમાં મારે અહેવાલ લખીને આસુતોષસરને આપવાનો હતો, કેમ કે બીજા દિવસના પેપરમાં એ અહેવાલ પ્રકાશિત કરવાનો હતો. આસુતોષ સરે મને એમની સામેની ચેર પર બેસવા કહ્યું, ઓફિસમાં આંટા ફેરા કરતા પ્યુન સલીમને અવાજ લગાવતા આસુતોષસરે કહ્યું..

“સલીમ બે કપ ચા બનાવો.”

મેં થેલામાંથી કલમ કાઢી અને ટેબલ ઉપર પડેલા કાગળ ઉઠાવી અડધા કલાકમાં અહેવાલ તૈયાર કરી આપ્યો, સલીમ ચા અને બિસ્કીટ લાવ્યો, બિસ્કીટ જોઇને હું ખુશ થઇ ગયો, લખેલો અહેવાલ ફરી એક્વાર્ વાંચતા વાંચતા હું ચા સાથે પારલે-જીનું એક પેકેટ ઉલારી ગયો. અહેવાલ વાંચી લીધા બાદ મેં આસુતોષસરને આપ્યો, એમને ફરી સલીમને બોલાવ્યો..

“સલીમ.. ફટાફટ પ્રેસમાં પહોંચાડો. પ્લીઝ.”

“સર! તમે વાંચી તો લો. પ્રૂફ રીડીંગ?”

“અરે તે લખ્યું છે, એ બરાબર જ હશે,”

સલીમ અહેવાલ લઈને કેબીનની બહાર નીકળ્યો હતો અને ફરી મને કંઇક યાદ આવ્યું.મેં સલીમને પાછો બોલાવ્યો...

“જી સાહેબ.” સલીમે મારી તરફ જોઇને કહ્યું..

મેં થેલામાંથી સમીર અને સંધ્યાના મેરેજ રજીસ્ટરની રસીદ સલીમને આપતા કહ્યું...

“પેસ્ટરને કહેજો કે અહેવાલની હેડ લાઈનની નીચે આ સર્ટીફીકેટ છાપી નાખે,”

“જી સાહેબ કહેતા સલીમ કેબીનની બહાર નીકળી ગયો.”

“ઓકે અજય તું પણ થાકી ગયો હોઈશ, સવારે નવ વાગ્યે આવ વિગતે વાત કરીએ.”

“ઓકે સર કહીને હું બહાર નીકળતો હતો અને ફરી મને આસુતોષસરે બોલાવ્યો..

“મારું બાઈક લેતો જા, સવારે આવે તો લેતો આવજે.”

“જી સર. કહેતા હું નીકળી ગયો.”

પ્રેસની બહાર નીકળતા જ રામકુમારનો ફોન આવ્યો..

“હેલ્લો.”

“હેલ્લો અજયભાઈ અહીં બધું હેમખેમ પતી ગયું છે. બંનેના માબાપ આવ્યા હતા અને સમાધાન થઇ ગયું છે. બંનેના માબાપ આ સંબંધથી રાજી થઇ ગયા છે. હવે આગળ કશી ચીતના કરતા નહી.”

“જી એ સરસ કામ થયું. તમારું સારું યોગદાન રહ્યું. સમીર અને સંધ્યા એમની સાથે ગયા?” મેં પૂછ્યું.

“ના એ હવે અહીં જ સ્થાઈ થવા માંગે છે અહી રોકાઈ ગયા છે. ટૂંકમાં હવે મામલો સાંત પડી ગયો છે.”

“સરસ, અભિનંદન માનવતા તમારા જેવા લોકો થકી જ જીવંત છે.”

અહી અમારી વાત પૂરી થઇ.

આખા દિવસની મુસાફરીથી થાકી ગયો હતો એટલે ઘરે પહોંચીને આડો પડ્યો અને ઊંઘ આવી ગઈ..

***

બીજા દિવસે સવારે નિત્યક્રમ પતાવી નવ વાગ્યે પેપર ઉઠાવ્યું, અહેવાલની હેડ લાઈન વાંચી ચહેરા ઉપર એક સ્મિત ફરી વળ્યું. ત્યાંથી પ્રેસ તરફ બાઈક દોડાવ્યું, આસુતોષસર કેબીનમાં બેઠા હતા, ગ્લાસમાંથી મને જોઈ અંદર બોલાવ્યો, આંગળી ઉપર બાઈકની ચાવી ફેરવતો ફેરવતો હું કેબીનની અંદર ગયો.

આસુતોષસર ચેર ઉપર ઉભા થઇ કશું શોધતા શોધતા,,

“બેસ બેસ અજય,”

“ના બેસવું નથી સર, આ તમારી બાઈકની ચાવી,” મેં ઉભા ઉભા જ બાઈકની ચાવી ટેબલ ઉપર મુક્તા કહ્યું...

આસુતોષસર પ્રિન્ટરની પાછળ ઘુસી ગયેલું ન્યુજ પેપર કાઢી આજનો મારો અહેવાલ જોવા લાગ્યા, ટેબલ ઉપર એક મહિના પહેલા પત્રકાર અરુણે તૈયાર કરેલા અહેવાલ વાળું ન્યુજ પેપર પણ પેપરવેટ નીચે દબાવેલું પડ્યું હતું, મારી નજર એ પેપર ઉપર હતી અને આસુતોષ સરની નજર મારા આજના તાજા અહેવાલ ઉપર હતી,

આસુતોષસર થોડીવાર મારી સામે જોતા ને થોડીવાર ટેબલ ઉપર પડેલા જુના ન્યુજ પેપર ઉપર જોતા અને પછી આજના એમના હાથમાં રહેલા તાજા અહેવાલમાં નજર પડતી અને એમના ચહેરા ઉપર હળવું સ્મિત આવી જતું..

“તો સર હું જાઉં છું.” કહેતા હું ચાલતો થયો..

“અ ...બ.… અજય… ફરી પ્રેસ જોઈન કરવાની ઈચ્છા ખરી?”

‘ના સર,, પત્રકારત્વ નહી ફાવે,, હું વાર્તા લખવા પ્રયાસ કરી રહ્યો છું.

“વાર્તાઓ તો તું અહીં બેસીને પણ લખી શકે છે. તારા માટે દરવાજા ખુલ્લા છે તું ગમે ત્યારે આવી શકે છે.”

“ચોક્કસ આવીશ સર,, પણ.”

“પણ શું?”

“સાહેબ હું મારી કલમથી લખીશ તમારી કલમથી નહી.”

“ઓકે એની ટાઈમ. તારા માટે આ પ્રેસના દરવાજા ખુલ્લા છે.”

“ઓકે, મને બે દિવસનો સમય આપો. બે દિવસ પછી વિચારીને જવાબ આપું.”

“ઓકે.”

હું પ્રેસની બહર નીકળ્યો, બહાર ચાની કીટલી ઉપર ઉભો રહી ચા પીધી..

ચાની છેલ્લી ચૂસકી લેતા હું સ્વાગત બબડ્યો...

“મને મારી વાર્તાનો અંત મળી ગયો.”

ઘરે આવી થોડો ફ્રેશ થઇ લેપટોપ ચાલુ કર્યું. વાર્તાને સુખદ અંત આપી વાર્તા પૂરી કરી.

રીમોટ હાથમાં લઇ ટીવી જોવા બેસી ગયો.

ન્યુજ જોઇને હું ચોંકી ગયું.. જે આ મુજબ હતા.

“કાંકરિયા તળાવના કિનારે પ્રેમી યુગલની બે લાશો મળી આવી, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હશે અને વિગતવાર....”.

આટલું સાંભળતા જ મેં ગુસ્સમાં ટીવી બંધ કરી દીધું અને હું ફરી સ્વગત બબડ્યો..

“માણસની જાત! કૂતરાની પૂછડી સાલ્લી! ક્યારેય નહી સુધરે!”

મારે મારી વાર્તાનો અંત બદલાવવો પડ્યો.

સમાપ્ત...

નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED