કાગવાસ ક્યારેય મોર-વાસ બનતો નથી....! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાગવાસ ક્યારેય મોર-વાસ બનતો નથી....!

કાગવાસ ક્યારેય ‘ મોરવાસ ‘ બનતો નથી...!

છડેચોક બોલે નહિ, તો એ ગુજરાતી નહિ....! આમાં મોદીજીને વચ્ચે નહિ લાવતા ભાઈ સાહેબ....!! પણ આપણામાં કહેવત છે, કે, ‘ સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો...! ‘ સરાધીયામા ૩૪૯ દિવસ ભલે આપણા હોય, પણ ૧૬ દિવસ કાગડાના....! ૩૬૫ દિવસમાં જે જે તિથીએ ડોહાઓ ઉકલી ગયેલાં એ તિથી કાગડાની....! આ ૧૬ દિવસોમાં પૂર્વજો, કાગડા સ્વરૂપે સામેથી દર્શન આપવા, આપણા આંગણે આવે. એમ તો નહિ કહી શકાય કે, શ્રાધના દિવસોમાં ‘ એન્યુઅલ ચેકિંગ ‘ માટે આવે....! બધું વસાવેલું-મુકેલું આ ડોફાઓએ ટકાવ્યું છે, કે ઉલેળી મુક્યું છે એ જોવા...! ને ભેગા ભેગા રસોઈનો ટેસ્ટ પણ કરતાં જાય કે, રસોઈમાં કંઈ સુધર્યા છે કે પછી એવાં ને એવાં જ....! આ તો ગમ્મત...!!

કહેવાય છે ને કે, શરીર મરે, પણ આત્મા તરતો જ હોય. એટલે માયા ક્યારેય માણસથી છૂટાછેડા લેતી નથી. સરકારે તો સરાધીયાના દિવસો પણ, સમૂહ લગ્નની માફક સમૂહ ‘ ઉત્સવ ‘ તરીકે ઉજવવો જોઈએ. જો કે, લોચો એ વાતનો પડે કે, આપણા પૂર્વજોને એકબીજા સાથે નહિ ફાવતું હોય તો, પ્રોબ્લેમ પણ થાય...! ને કોંગ્રસ-ભાજપાના ઝંડા કાઢે તે અલગ....! બાકી લાવવું હોય તો, આમાં પણ “ સૌનો સાથ સૌનો વિકાસ “ લાવી શકાય. ગામેગામ ‘ હોર્ડિંગ ‘ બોર્ડ મૂકી શકાય. ને સૂચનાઓ પણ આપી શકાય, કે, “ સરાધીયાના દિવસોમાં કોઈપણ જાલીમે કાગડાઓ જોઈને પથ્થરબાજી કરવી નહિ...! બીજાને જે કહેવું હોય તે કહે, પણ કોઇપણ કાગડાને ‘ લુચ્ચો ‘ કહેવો નહિ....! સંભવ છે કે, એમાંનો એકાદ કાગડો તમારો સ્વજન પણ હોય....! એટલે બને ત્યાં સુધી તો, શ્રાદ્ધના દિવસોમાં કાગડાનું પૂરું સન્માન જ જાળવવું. તમામ કાગડાઓને ખાસ મહેમાન તરીકે જ ટ્રીટ કરવા. જેથી તેઓ સ્વર્ગમાં રીટર્ન થાય ત્યારે આપણી સારી છાપ લઈને જાય. અને આપણી આન-માન ને શાન સ્વર્ગ સુધી પહોંચે. ને નીચે ખાસ લખવું કે, ‘ સૌનો વાસ સૌની સુવાસ.....! એની વે ‘ ગરીબ કલ્યાણ મેળા ‘ ની માફક, સરકારે દર વરસે આવો “ સરાધીયાનો મેળો “ પણ રાખવો જોઈએ....! આ તો વિકાસની એક ટીપ આપું...!

ચૂંટણીના દિવસોમાં જેમ જ્યાં જ્યાં નજર મારી ઠરે “ ત્યાં નેતા જ નેતા દેખાય, એમ ધાબે ધાબે નજર દોડાવો તો, ચારેયકોર કાગડાઓ જ દેખાય. જે ધાબાઓ લૂગડાં સુકવવા કે પતંગો ઉડાડવા જ વપરાતા, એ ધાબાઓ પૂર્વજોના ઉતારા માટે જાણે ‘ હેલીપેડ ‘ થઇ જાય. ધાબે ધાબે પૂર્વજોની ફ્લાઈટ, લેન્ડિંગ થી જાય....! બીચારાઓના પિંડ કપાઈ ચુક્યા હોય, એટલે ડાઈનીંગ ટેબલ ઉપર તો સીધાં ધામા નંખાય નહિ. એટલે જાય પણ ક્યાં....? ને આપણા પૂર્વજો એટલે અભિમાની કરતાં સ્વમાની વધારે. એમને ખબર કે, જીવતાં જીવત ડાઈનીંગ ટેબલ ઉપર કેવી કીચકીચ થતી, એ કંઈ દાઢમાંથી થોડી જાય....? એના કરતાં ધાબે જ ધામો નાંખ્યો હોય તો, પુરાણી લીલોતરીના તો દર્શન થાય...!

એક એવો પણ ભૂતકાળ હતો, કે કાગડાને ભેગા કરવા હોય તો માત્ર કઢીથી જ પતી જતું, ‘ કાગડા કાગડા કઢી પીવા આવજે....! ‘ આટલું બોલીએ, એટલે કાગડું ફેમીલી પેક સાથે હાજરા હજુર થઇ જતું...! આજકાલ તો એ પણ જાણે રાજનીતિજ્ઞ બની ગયું. એને ખબર પડી ગઈ કે, આ લોકો મને કઢીમાં પતાવે છે, ને એ બધાં પકવાન ઝાપટે છે. એ સમઝી ગયું કે, કઢી પકવાનમાં આવતી નથી. જે ડોહા પીઝા-બર્ગર ને ફ્રેન્કીના ચટાકા કરીને ગયાં હોય, એ હવે કઢીમાં પલળે....? આજે જો પીરસવા ગયાં તો, કઢીનાવાટકાનો કદાચ છુટ્ટો ઘા પણ કરે....! બહુ ખડ્ડુસ હોય તો, માથે ચોંચ મારીને સંભળાવી પણ દે કે, “ તમારે પાણી પૂરી-ભેલપૂરી-મસાલા પૂરી- દહીપુરી-ચટણીપૂરી-પીઝા-બર્ગર ઝાપટવાના, ને અમારે સિમ્પલ કઢીમા ચોંચ પલાળવાની....? ડોફાઓ, જીવતાં જીવત સુવાસ તો નહિ આપી, મર્યા પછી તો વાસ સરખો નાંખો.....? “

મોર ભલે રાષ્ટ્રીય પક્ષીનું લેબલ વીંટાળીને વટ મારતો હોય, પણ કાગવાસ એટલે કાગવાસ. એ મોરવાસ તો નહિ જ બને. સરાધીયાના મામલામાં મોરનું પાંચિયું પણ નહિ આવે. એમાં તો કાગડાનું જ ચલણ ચાલે...! બિચારા મોર જેવાં આપણા રૂપાળા પૂર્વજોને કાગડામા જોવાનું સારૂ તો નહિ લાગે. પણ, “ ક્યા કરે...? યે સબ આગેસે ચલી આતી હૈ.....! “ કહેવાય છે કે, ત્રેતાયુગમાં એક કાગડાએ સીતાજીને ચોંચ મારીને ઘાયલ કરેલાં. એટલે ભગવાન શ્રી રામે તણખલાના બ્રહ્માસ્ત્રથી કાગડાની એક આંખ ફોડી નાંખેલી. પાછળથી ખબર પડી કે, એ કાગડો નહિ, પણ ઇન્દ્રનો પુત્ર જયંત હતો. છેલ્લે માફ કરવાની વાત આવી, એટલે શ્રી રામે કહ્યું કે, ‘ સજા તો હવે થઇ ગઈ. પણ જા તને વરદાન આપું છું કે, તને ખવડાવેલા ભોજનથી, ખવડાવનારના પિતૃઓ કાગવાસ જમીને સંતૃપ્ત થશે. બસ, ત્યારથી આ કાગડાઓ માટેની ટીફીન સેવા ચાલુ થઇ ગઈ. મૂંઝારો એ વાતનો આવે કે, સાલી ખબર જ નહિ પડે કે, કયો કાગડો આપણો પૂર્વજ છે....?

ઉપરની વાત પ્રમાણે તો, કાગડું જનમજાતથી જ અપલખ્ખણું હોવું જોઈએ. એટલે તો આજે પણ એનો જનરલ રીપોર્ટ ક્યાં સારો આવે છે...? એમાં શ્રાદ્ધના દિવસો જો આવ્યાં, તો જાણે વીવીઆઈપી બની જાય....! કાલાવાલા કરીએ તો પણ દાદ નહિ આપે. ભજીયા-પાત્રાના ભોજન ધરીએ તો પણ નહિ રીઝે. બાકી એક વાતે એક્કા ખરાં, હવામાન ખાતાની આગાહી કદાચ ખોટી પડે, પણ મહેમાન જો આવવાના હોય તો એની આગાહીમા એ ખોટાં નહિ પડે. ઉઘરાણીવાળો જેમ સવારમાં આવીને ઓટલે બેસી કકળાટ કરવા માંડે, એમ સવાર પડે એટલે, આપણા ધાબે એનું કૌઉ કૌઉ ચાલુ જ થઇ જાય. આપણે સમઝી જ લેવાનું કે એકાદ વાવાઝોડુ ટપકવાનું..! દુખની વાત એ કે, આટલો ચતુર હોવા છતાં, કોઈએ એને પોપટની જેમ પાળ્યો હોય કે, ખોળે લઈને બચીઓ ભરી હોય તેવું બન્યું નથી....! ગરજ હોય ત્યારે ગધેડાને પણ બાપ કહેવો પડે એમ, ક્યારેક તો એવી કાકલુદી કરાવે કે, લંચ સમયે મુકેલો કાગવાસ પડ્યો પડ્યો ડીનર થઇ જાય, પણ કાગડો ફરકે શુદ્ધા નહિ. સામેથી લોકોને કહેવાનું કરાવે કે, ‘ જીવતાં જીવત ડોહાને સુખ આપ્યું હોય, તો ડોહો કાગ વાસ લેવા આવે ને...? ‘ એના કપાળમાં કાંદા ફોડું...!

જેમ ફિલમ શરુ થતાં પહેલાં, જેમ ટાઈટલ પડવા માંડે, એમ શ્રાદ્ધના વેધ તો શ્રાવણથી જ ભરાવા માંડે. ડોહાને જીવતાં જીવત દુખી કરવામાં કોઈ કસર બાકી તો રાખી જ નહિ હોય, એટલે આગોતરા જમીન માટે ‘હોમ-હવન ને શાંતિના જાપ તો ‘શ્રાવણથી જ શરુ થઇ જાય....! હજી પાડ માનો કે, કાગળમાં માણસ જેટલું નોલેજ આવ્યું નથી. નહિ તો ‘ યુનિયન ‘ બનાવીને જો બેઠાં તો, આપણા પૂર્વજોને પણ ભૂખે મારે. રિક્ષાવાળા જેમ પેસેન્જર દીઠ ચાર્જ લગાવે, એમ એ પણ પછી તો ‘ પૂર્વજ ‘ દીઠ વરતતા થઇ જાય...! પછી તો આપણી પણ એવી છટકે કે, એના કરતાં તો આપણું શ્રાદ્ધ આપણે જ કરીને આ દુનિયા છોડવી. પછી ભલે ને આપણા છોકરા બુમો પાડે કે-

બાપા તમને મારા પર ભરોસો નઈ કે (૨)

વાસમા દૂધપાક ને આપીશું પૂરી

પૂરીનો આકાર છે ગોળ ગોળ (૨)

પણ એકવાર તું મોઢેથી બોલ બોલ (૨) ....

બાપા તમને મારા પર ભરોસો નઈ કે (૨)

વાસમા છે ફાફડા ને લોચો જલેબી

જલેબીનો આકાર છે ગોળ ગોળ (૨)

પણ એકવાર તું મોઢેથી બોલ બોલ (૨).....

બાપા તમને મારા પર ભરોસો નઈ કે (૨)

વાસમાં છે ભજીયા ને ચુરમાના લાડુ (૨)

લાડવાનો આકાર છે ગોળ ગોળ (૨)

પણ એકવાર તું મોઢેથી બોલ બોલ (૨)

બાપા તને મારા પર ભરોસો નઈ કે (૨).....!!

***