યુવા જોશ Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુવા જોશ

યુવા જોશ

(પ્રેરણાત્મક વિચારો)

લેખક

જીતેશ દોંગા

અનુક્રમણિકા

1 - 21 વરસના યુવાને કેમ જીવવું?2

2 - હા...તારા સવાલો ખોટા છે.5

3 - પોતાના કામથી મહાન બનવાની કળા...8

4 - પોતાના કામથી મહાન બનવાની કળા - 211

5 - તમારું પેશન જાણવું છે?:14

6 - યુવાનીની લાજ રાખો...!17

7 - એ યુવાન...કુછ ઐસા કરકે દિખા, ખુદ ખુશ હો જાયે ખુદા.21

8 - ઓહ કોલેજલાઈફ...આહ કોલેજલાઈફ!24

9 - તો ઝીંદા હો તુમ.27

10 - દુનિયાને બદલી શકાય છે!30

11 - આજના સરદાર-ગાંધી બનવાની રેસીપી!33

12 - બી ધ ચેન્જ...36

13 - માણસ બધું જ જાણે છે!39

14 - રૂપિયો કમાવા જેવી કોઈ ખુશી નથી!42

15 - સબસે બડા રોગ: ક્યાં કહેંગે લોગ!45

16 - માણસ અંદરનો માણસ.48

1 - 21 વરસના યુવાને કેમ જીવવું?

ક્વોરા પર એક વ્યક્તિએ સવાલ પૂછેલો: એકવીસ વરસના માણસે પોતાનો સમય કઈ રીતે પસાર કરવો જોઈએ.?

સામાન્ય રીતે આપણે શિખામણ દેવામાં ઉસ્તાદ હોઈએ છીએ. મેં જોયું છે કે જે માણસ આપણને કહેતો હોયકે દિવસ દરમિયાન કઈ રીતે દરેક કામને પાર પાડવું જોઈએ એ જ માણસ પોતાનું કામ પાર પાડવા ઇન્ટરનેટ પર મોટીવેશનલ વિડીયો જોઇને ચાર્જ થયા કરતો હોય છે અને છતાં કામ પાર પાડી શકતો નથી હોતો.

પરંતુ ઉપરના સવાલના હજારો જવાબને વાંચીને મેં અહી એક જવાબ તૈયાર કર્યો છે જે હું સંપૂર્ણ રીતે પાળું છું, અનુભવી ચુક્યો છું, અને તમને પણ યુવાનીના આ સમયમાં ખુબ ઉપયોગી થશે.

૧) એકવીસ વરસની ઉંમરમાં માણસ ક્લુંલેસ હોય છે. જીવનમાં શું કરવું ખબર હોતી જ નથી. એટલે પહેલા તો એક કામ કરો: કશુંક કરવાની ટેવ પાડો! હા...ટેવ. કોઈ પણ વસ્તુ પાછળ તમે જો મિનીમમ એક મહિનો આપો તો એક મહિનાને અંતે એ ટેવ બની જશે. અને એ ટેવ જાળવી રાખો તો એક વરસમાં એ લોહીમાં ભળી જશે અને અર્ધ-જાગૃત મન આપોઆપ કરી નાખશે. એકવીસ વરસની ઉમરમાં ૧) રોજે મિનીમમ ૩૦ મિનીટ કસરત કરો. ૨) ફાસ્ટ-ફૂડ બને તેટલું ઓછું કરીને સારા ફળ-શાક ખાઓ. ૩) તમારા દિમાગની કાળજી લેવાનું ચાલુ કરી દો. મતલબ કે ગમે તેવો કચરો માહિતી તેમાં ન ભરો. 4) રોજે એક કલાક પુસ્તક વાંચો. બ્લોગ કે નેટ પર નહી, હાર્ડબુક વાંચો. ૫) મોબાઈલ અને વોટ્સએપ કે ફેસબુકનો વધારે પડતો ઉપયોગ ઘટાડીને TED, મ્યુઝીક, સારી ફિલ્મ્સ, અને કોઈ ગિટાર,તબલા કે ફ્લુટ શીખો.

૨) આ ઉમરે તમારી રીલેશનશીપની કાળજી રાખો. ભરપુર દોસ્તી કરો. રખડો. પોતાના માં-બાપને વધુ જાણો. તેમને વધુ વાતો કરીને ખુશ કરો. તેમના ભૂતકાળ પૂછો. તમારા સપના કહો. બધાના જન્મદિવસ અને એનીવર્સરી યાદ રાખો કારણકે તમારી એ કાઈન્ડનેસ એ માણસ જીવનભર ભૂલશે નહી. આ ઉમર દરેકને માફ કરી દેવાની છે. હા...મોટું મન રાખીને માફ કરી દો એ માણસને. આ ઉમરે જેટલી રિલેશનશિપ સારી એટલા જ લોકો હવે પછીના વરસોમાં મદદ કરશે. પણ હા… ઈમોશનલ બ્લેકમેઈલ કરતા અને તમને વાપરી જતા માણસોથી દુર રહેતા શીખી જાવ. ‘ના’ કહેવાની કળા શીખો.

૩) તમારા ખિસ્સામાં પડેલા રૂપિયાનું મેનેજમેન્ટ શીખી જાઓ. બાપના રૂપિયા ઉડાડવા કરતા કઈ રીતે જાતે મહિનાનું ખર્ચ નીકળે તે વિચારો. ક્યારેય શેર બજારમાં પડશો નહી. ક્યારેય નહી. ભણતા હો તો સાઈડમાં કોઈ નાનકડી જોબ કરીને અનુભવ લો. પાર્ટ-ટાઇમ જોબ તમને ખુબ મોટો અનુભવ આપશે. તમને જે શોખ હોય એવા ક્ષેત્રમાં જોબ શોધો. શોખને પેશન બનાવો. પેશનને વ્યવસાય બનાવશો તો જિંદગીભર ખુશ રહીને જીવશો. નાનકડા ધંધા કરો. દોસ્તો સાથે મળીને કોઈ રવિવારે હાઈજેનીક ફૂડની લારી ખોલીને પણ હજારો કમાઈ શકાય. વેઈટર-વોચમેન-CCD કે પછી કોલ-સેન્ટર જેવી નાનકડી જોબ કરીને તમે તમારી જાતને ઉભી રાખી શકો.

4) તમારા કોમ્યુનીકેશન પાવરને સ્ટ્રોંગ બનાવો. મોટાભાગના માણસોના દુઃખ મિસ-અન્ડરસ્ટેન્ડ થયેલા કોમ્યુનીકેશન હોય છે! વાત કરતા શીખો! મેઈલ કરતા શીખો. સારો મેઈલ લખતા શીખો. સામેના માણસને પૂરી રીતે સાંભળી, તેના વાક્યોને પચાવીને પછી બે વાર વિચારીને બોલતા શીખો. દોસ્ત હોય કે ગર્લ-ફ્રેન્ડ કે પછી કોઈ કંપની ઇન્ટરવ્યુ આ ઉમરે ટેવ પાડી દો કે તમે સાચું બોલો. જેટલું અંદર હોય એટલું જ બહાર દેખાય. નાના બાળકથી માંડીને કંપનીનો માલિક પણ સમજી શકે એવી વાત મુકો. શીરાની જેમ સત્ય બોલો, અને સત્ય બોલવું ખુબ સહેલું અને ખુબ જ ઉપયોગી છે એટલે એની ટેવ અત્યારથી જ પાડી દો. ચહેરો ન પહેરો. જેવા છો તેવા દેખાવ. ફેસબુક એવી સાઈટ પર લોકોનો પીછો કરવા કરતા રીયલ લાઈફમાં જેવું જીવો છો તેવી જ પોસ્ટ કરો, અને સાચા ફ્રેન્ડ બનાવો.

૫) રખડો. એકલા રખડો. એકલા અને ઓછા પૈસે રખડો. જો દોસ્તો સાથે જાઓ તો એવી ટેવ પાડો કે એવા દોસ્ત સાથે જ જાઓ જેમની સાથે તમે તમારી જાતનો સંગાથ કરી શકો. એકલા ટ્રાવેલ કરવાથી જાત સાથે વાતો થશે. પોતાના સપના અને તાકાત ખબર પડશે. પોતાના ડર ખબર પડશે.

૬) જાત સાથે વાત કરો. આ ઉંમરમાં જેટલા સવાલ થાય એ સવાલ અંદરનો માણસ પૂછ્યા કરે છે, અને એજ જવાબ આપે છે. પોતાની જાતને સમજાવતા શીખો. પોતાની જાતને કહી દો કે તમે કઈ પણ ધારો તે કરી શકો છો. તમારા ડર તમને ખબર જ છે, અને તમે તેના ઉપર કામ કરી રહ્યા છો.

૭) તમારી આજને સાર્થક બનાવવાની ટ્રાય કરો. યાદ રહે: યુવાનીમાં મોજ-શોખ કરવામાં સમય ફટાફટ ભાગી જાય છે. જયારે સાચું દુઃખ આવે ત્યારે સમય ખુબ ધીમો થઇ જાય છે. એકવીસ વરસની ઉંમરમાં તમારે નક્કી કરી લેવાનું છે કે આજે હાથમાં લીધેલા કામ કઈ રીતે પુરા થાય. કઈ રીતે તમે પ્રાયોરીટી મુજબ કામને સેટ કરીને પાર પડો અને પછી મોજશોખનો સમય શોધો.

8) કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. મોટા ભાગના યુવાનો પોતાના કોલેજ ટાઈમમાં પોતાનું કમ્ફર્ટ શોધતા રહે છે. પોતાના ગમતા કામ શોધતા નથી અને માત્ર પોતાના ભણવા પૂરતા કલાક કામ કરીને બાકીના કલાકોમાં ટાઈમપાસ કરે છે. બેટર છે કે તમારી જાતને થોડો સમય કમ્ફર્ટ માંથી બહાર કાઢીને એક્સ્પરીમેન્ટ કરી લો. કોલેજના કલ્ચરલ ફેસ્ટ અને ટેક્નીકલ ફેસ્ટમાં ભાગ લો. કોઈ સારી મુવી કે આર્ટ બનાવો. કોઈ વ્યક્તવ્ય કે સ્પોર્ટમાં ભાગ લો. આ બધા કામ કરવા માટે કમ્ફર્ટ ઝોન છોડીને પરાણે કામ કરવા બેસવું પડશે. કોઈ પુસ્તક વાંચવા માટે પણ તમારું મન ના પાડશે, એટલે ગમે તેમ કરીને કામને ધક્કો મારીને પણ પાર પડવાની કળા શીખી લો.

૯) કશુંક સર્જન કરો. હા...આ ખુબ જ અગત્યની વાત છે. જોબ લાઈફ હોય કે કોલેજ લાઈફ...માણસ બહાનાં બતાવતો હોય છે કે તેને ટાઈમ મળતો નથી! હાવ ટ્રેજિક! ટાઈમ બધા પાસે હોય છે. કોઈ બીઝી હોતું જ નથી. ટાઈમ કાઢીને નવા કામ કરવા પડે છે. આ સમય એવો છે કે તમે ધારો તે સર્જન કરીને લોકો સમક્ષ કે ઇન્ટરનેટ સામે મુકો એટલે લોકો તરત જ તમને રીવ્યુ આપે છે. તમે લખેલી કવિતા કે થીસીસ ઓનલાઈન મુકશો એટલે તુરંત જ ખબર પડી જશે કે તમારા કામમાં કેટલો દમ છે. પરંતુ કઈંક કરો!

10) ઊંડા ઉતરો. કોઈ પણ કામ, વિષય કે વ્યક્તિને વધુ ઊંડાણથી સમજો. આ ટેવ જીવનભર સાથ આપશે. સફળ બનાવશે. દરેક વસ્તુ કે વ્યક્તિ અંદર હજારો શીખવા જેવી વાત હોય છે. કોઈ સમાચાર, કોઈ બુક, કોઈ વેબ સાઈટ, કે કોઈ આર્ટ પીસને ઊંડાણથી સમજીને તમે તેને જીવનમાં વણી શકો છો. આ ઉમરે ઉપર છલો પ્રેમ પણ ન કરવો! ઊંડો પ્રેમ કરો. ઊંડું જીવો, અને ઊંડી ખુશીઓ શોધો.

બસ ધીમે-ધીમે પચીસ વરસની ઉંમર સુધીમાં તમે ઘણું બધું મેળવી ચુક્યા હશો. પચીસ વરસ સુધીમાં જે મેળવ્યું એ સાચું, અને સાર્થક હશે, કારણકે બાકીની ઉપર લગભગ માણસને લેવાનું નથી હોતું, પણ લીધેલાનો ઉપયોગ કરીને પરફોર્મન્સ આપવાનું હોય છે.

***

2 - હા...તારા સવાલો ખોટા છે.

એક અગાધ પાણી ભરેલા ફુંફાડા મારતા સમુદ્રના સન્નાટા ભરેલા લાંબા કિનારા પર એક શરીર બેઠું છે. એ શરીર વીસ વરસની ઉંમરનું છે. સમગ્ર ધરતી પર એકમાત્ર એ શરીર છે, અને માનવજાત વિહીન આ ધરતી પોતાના બધા જ કુદરતી રંગોમાં પોતાના એકાંતને ઉજવી રહી છે.

એ શરીરની અંદર રહેલું મન વિચારોને જન્મ આપે છે. અત્યારે એ મન થોડા સવાલો લઈને બેઠું છે. વિચારે છે: મારી આ પૃથ્વી અખિલ બ્રહાંડની સાપેક્ષે માત્ર અને માત્ર એક નાનકડું આછું વાદળી ટપકું જ છે. બ્રહાંડની સાપેક્ષે આ ધરતી કશું જ નથી, માત્ર કણ છે. એક દરિયાના પાણીના ટીપાની અંદર જીવતો એક અણુ જેવડો ગ્રહ. કોઈ અગૂઢ શક્તિએ મને આ ઘર પર જન્મ આપ્યો છે. જન્મ લીધા પછી હું મારી જાત સાથે ઉત્ક્રાંતિ પામી રહ્યો છું. એક સમયે જયારે હું બોલતો થયો ત્યારે હું શબ્દોના સહારે સવાલ કરતો થયો. સવાલોના જવાબ શોધવાની આ અવિરત-અખંડ-અને અગૂઢ પ્રક્રિયાને હું કદાચ ‘જીવન’ કહેતો થઈ ગયો. માનવજાત મને સવાલો પેદા કરવા મજબુર કરતી હતી. કેટલાયે જવાબ મને મારી જીંદગી માંથી મળવા લાગ્યા. કેટલાયે જવાબ મને માનવજાતને જોઇને મળી ગયેલા. મને આ ધરતી પર સારું-ખરાબ,સાચું-ખોટું, પ્રેમ-દગાખોરી, મુસ્કાન-મૃત્યુ, સુખ-દુખ, ગરીબી-અમીરી, આનંદ-નિરાશા બધું જ દેખાવા લાગ્યું. હું જેમ-જેમ મોટો થવા લાગ્યો એમ મારા સવાલો મોટા થતા ગયા. એક પથ્થરમાં હું ઈશ્વર જોઈ શકતો હતો, અને તેને નામ આપી શકતો હતો. સમય આવ્યે તે પથ્થરને ‘તું ઈશ્વર નથી’ એમ પણ કહી દેતો. શું આ ખરેખર માણસ તરીકેની મારી ‘ઉત્ક્રાંતિ’ હશે? હું બાળક તરીકે મારી આસપાસના દરેક માણસ પર ભરોસો મુકીને તેને વળગી પડતો, પરંતુ હવે હું એમનાથી દુર ભાગી રહ્યો છું. હું કશું નહોતો જાણતો ત્યારે કદાચ ખુશ હતો, હવે હું સ્વાર્થ-લાલચ-પ્રપંચ-દગાખોરી અને મારી જાત સાથેની દુભાયેલી લાગણીઓથી ઘરાયેલો રહું છું. આ ગ્રહ પર મારું એકત્વ ક્યાં છે? હું કેમ એકલું અનુભવી રહ્યો છું? મારી બેરોજગારી, મારી નિષ્ફળતા, મારો સંઘર્ષ, અને મારા આંસુ આ બધાની સામે જયારે હું મારા આ ધરતી પરના અનન્ય અસ્તિત્વને સરખાવું છું ત્યારે ખરેખર મારી આ ઉંમર સાર્થક છે? શું ખરેખર મારું કહેવાતું જ્ઞાન સાર્થક છે? શું ખરેખર મેં માનવજાત વિષે પામેલું બધું જ જ્ઞાન કે જેને હું સત્ય માનીને બેઠો છું એ વાસ્તવ છે? શું ખરેખર મારા બળાપા-સપના-આંસુ-આશાઓ સાર્થક છે? શું વહેતો જતો સમય કે જેને હું કશુક બનવા, કશુક પામવા માટે વાપરવા અધીરો બની ગયો છું, અને મારા હાથમાંથી દરેક ક્ષણે કશુંક છૂટી રહ્યું છે તે બધું જ ખરેખર આ અખિલ બ્રહાંડમાં રહેલી નાનકડી વાદળી ટપકા જેવડી ધરતી પર મારું અનન્યત્વ હશે?

એ શરીરની આંખો માંથી એક આંસુ નીકળે છે અને દરિયાની સુકી રેતીમાં સુકાય જાય છે.

આ શરીર યુવાન છે. એ શરીરની અંદર રહેલી આગ યુવાન છે. તે શરીરની અંદર ઉઠેલા સ્પંદનો-લાગણીઓ-સપનાઓ-સંવેદનાઓ યુવાન છે. આ સવાલો લઈને ઉભેલું એ માનવશરીર માત્ર બહારથી વીસ વરસની ઉંમરનું લાગે છે, પરંતુ જો તે પોતાના સાઈઠ વર્ષે પણ આ સવાલો જન્માવતું રહ્યું તો એ યુવાન કહેવાશે, કારણ કે ‘યુવાની’ એ કોઈ ઉંમરની અવસ્થા નથી, પરંતુ જીંદગી જીવવાનો, સવાલો પૂછવાનો, જવાબો શોધવાનો, અને અખિલ બ્રહ્માંડમાં પોતાના અસ્તિત્વને ઉજવવાનો તરીકો છે. કદાચ આ સ્પીરીટને તમે ‘યુવાની’ શબ્દ આપીને ઓળખાવો એ આ વિશ્વનું સંચાલન કરનારી શક્તિને ‘ઈશ્વર’ કહેવા જેટલું જ ખોટું હશે, પરંતુ અહી મહત્વ તે શક્તિ-સ્પીરીટ નું છે.

દરિયાકિનારે આ શરીર ઉભું થાય છે. પોતાની આસપાસની કુદરતને નિહાળે છે. કુદરત અને તે જેનાથી ઘેરાયેલી છે તે સમગ્ર બ્રહાંડ યુવાનીના દરેક સવાલનો જવાબ લઈને બેઠું છે. યુવાન જુએ છે: આ કુદરત કેવી ધબકી રહી છે. દરેક ક્ષણે તે જીવી રહી છે. માણસે પહેલા તો જીવતા શીખવું પડે. કોઈ માણસ બીજા માણસને જીવતા ન શીખવી શકે, પરંતુ કુદરત જીવતા શીખવે છે. એ કહી રહી છે: એ માનવ...તું આ દરિયાની જેમ ઉછળતો રહે, કુદતો રહે, ગર્જના કર, ગાંડો થા, ભરતી-ઓટ આવ્યા કરે પરંતુ તારો કિનારો છોડ્યા વિના તું તારા ‘હું’ ને ઉજવતો રહે. તું આ કાળી રાત્રીના અખિલ આકાશની જેમ જીવ, મહાકાય બન, મહા-હૃદયી બન, બધું સમાવી લે, બધાને સમાવી લે, બસ...તું આકાશની જેમ અનંત બન. અંધકારને ઉજવી લે, તારા મહી જીવતા તારોડીયાઓના પ્રકાશને ઉજવી લે. તું કોઈ જંગલમાં વહેતા ઝરણાની જેમ વહેતો રહે, ક્યાં જઈશ, ક્યાં પહોચીશ તે વિચારવા બેસ નહી, પરંતુ ‘મારો ધર્મ વહેતો રહેવાનો છે’ એ જુસ્સા સાથે વહેતો રહે, તે જોયું? આ ઝરણાઓ તેમની સફરના દરેક ઉતાર-ચઢાવમાં પોતાની પૂરી જાતને સમાવી દે છે. તેમના પટમાં કોઈ ઊંડો ખાડો આવે તો તેને પણ પોતાના જીવનથી ભરી દે છે, અને કોઈ પથ્થર આવે તો પણ તેને ધીમીધારે કાપી નાખે છે. અંતે જે જમીન માંથી એ જન્મેલું એ જ જમીનમાં સમાય જાય છે માણસની જેમ... પરંતુ એ દુઃખી થવા, રડવા, રાડો નાખીને કોઈ તેના આંસુ લૂછે તેની રાહમાં, પોતાના દુઃખોની કહાની લઈને બેસી નથી રહેતું. માણસ આવું બધું ક્યાંથી શીખ્યો? યુવાનને આ બધું ના પોસાય.

કુદરત એ યુવાનીનો પર્યાય છે. એ પેલા દુઃખી યુવાનને કહી રહી છે: અરે...તું તારી જાતને જો! ઓળખ. જો તું આ ધરતી પરના માનવ સિવાયના દરેક પ્રાણીને. તને લાગે છે કે જંગલનું કોઈ કુતરું પોતાના દુઃખ લઈને ‘શું થશે?, હું જ કેમ?’ એવા સવાલો કરી રહ્યું છે? ના. કુદરતને ખબર છે, કુતરાને ખબર છે કે અસ્તિત્વ આપણા હાથમાં નથી, નથી, અને નથી જ. આપણા હાથમાં માત્ર અને માત્ર આ વહેતી ક્ષણ છે. અસ્તિત્વને તેનું કામ કરવા દો. કોઈ દુઃખ આવે તો તેને અસ્તિત્વ પર છોડી દો, પરંતુ રડવા,બળવા, મારવા અને મરવા ના બેસો.

એ યુવાન, એ માનવ...કેમ આટલું બધું ફૂંકી-ફૂંકીને જીવે છે? જો તો ખરો તારી સામે ઉભેલા પેલા વૃક્ષને! કેવું અદભુત જીવન જીવે છે એ! ધરતીના પડ ફાડીને એ કુંપળ બનીને ફૂંટે છે, આકાશ ભણી ઉભું થાય છે. કુદરત જેટલું તેને આપે છે એટલું લઈને એ ઊંચું માથું રાખીને ટટ્ટાર ઉભું રહે છે. સમયે-સમયે પોતાના પાંદડા ખેરીને એ પોતાના ‘હું’ ને પણ ત્યજી દે છે. એ પરિવર્તનને ચાહે છે. એ કિલ્લોલને ઝંખે છે. એ ઝૂમે છે, નાચે છે, ગાય છે, અને એક દિવસ સુકાય છે. પરંતુ એ ક્યારેય વેદનામાં અંધ નથી થતું, એ ક્યારેય સ્થિર નથી થતું, એ ક્યારેય કોઈના કુહાડીના ઘા છતાં ફરી-ફરી ફૂંટવાનું ભૂલતું નથી. અને એકમાત્ર માનવ છે જે કુદરતી નથી!

એ યુવાન પહેલા તું કુદરત બન. જો...કુદરત ખુદ કેટલી યુવાન છે.

હવે જયારે જયારે તું કોઈ પણ સવાલ કરે...પહેલા તારી આસપાસની કુદરતના ખોળે જઈને થોડી ક્ષણ બેસીને તેને નીરખજે. કારણકે અંતે આ પુરા યુનિવર્સમાં તારું અનન્યપણું તારા દરેક દુખ-પીડા-આંસુ-વેદના-સંઘર્ષ-ગુસ્સા-લોભ-લાંચ-લાલચ-ભ્રષ્ટાચાર-દગાખોરી કશું જ નથી. અરે...તું ખુદ કશું જ નથી. તું માત્ર દુર આકાશેથી નાનકડી વાદળી ટપકા જેવી દેખાતી આ ધરતી પર જન્મેલું કુદરત છો, યુવાન છો, જે ખોટા સવાલો લઈને જવાબો શોધવા બેઠું છે. હા...તારા સવાલો ખોટા છે.

***

3 - પોતાના કામથી મહાન બનવાની કળા...

“હું એક વાત કહીશ: જયારે તમે મોટા થાઓ છો ત્યારે તમે જાણવા લાગો છો કે: આ દુનિયા જેવી છે તેવી રહેવાની, અને એની અંદર તમારે જીવવાનું છે. તમારી લાઈફ આ દુનિયામાં જીવો, અને વધારે પડતું વંટોળ જેવું બનવાનો પ્રયત્ન ન કરો, આ દુનિયામાં પ્રયત્ન કરો કે સારી એવી ફેમેલી લાઈફ જીવી શકો, ખુશ રહો, મોજ કરો, થોડા રૂપિયા બચાવો.”

“...પરંતુ આ ખુબ જ મર્યાદિત લાઈફ છે. વાસ્તવમાં લાઈફ ખુબ વિશાળ ફલક છે. એકવાર તમે એક ખુબ જ સામાન્ય સત્ય શોધી લો કે: તમારી આજુબાજુ બધું જ કે જેને તમે દુનિયા કહો છો તે એવા માણસોથી બની છે જે તમારા કરતા ઓછા સ્માર્ટ છે, અને તમે દુનિયાને ચેન્જ કરી શકો છો, તમે આને અસર કરી શકો છો, તમે તમારી પોતાની એવી વસ્તુઓ સર્જી શકો છો કે જે બીજા માણસો વાપરી શકે, તમે આ વિશ્વને વધારે સુંદર બનાવવા તમારી જાતને ઘસી શકો છો,”

“...અને જે મિનિટે તમે સમજી જાઓ છો કે તમે આ વિશ્વને બદલી શકો છો, તમને ખબર પડે કે આ વિશ્વ ભૂતકાળમાં ગયેલા, અને વર્તમાનમાં જીવતા માણસોએ બનાવેલ પાણી ભરેલા ફુગ્ગા જેવું છે, જેમાં તમે તમારી આંગળી ઘૂસાડો તો બીજો તરફ તેનો આકાર બદલવાનો જ છે...બસ...તે મીનીટે તમે સમજી જજો કે તમે લાઈફનું સિક્રેટ જાણી ગયા છો.”

સ્ટીવ જોબ્સના આ શબ્દો છે.

અત્યારે આ શબ્દો હું લખી રહ્યો છું ત્યારે જ બેંક માંથી ફોન આવે છે. મને જણાવવામાં આવે છે કે તમારી લોનની અરજી અમે સ્વીકારી શકતા નથી, કારણકે તમે લેખક છો, અને તમારી પાસે ભવિષ્યની એવી કોઈ સિક્યોરીટી નથી. કાલે ઉઠીને તમને તમારા વાંચકો અને પબ્લીશર ફેંકી દેશે ત્યારે તમે અમને કઈ રીતે પે-બેક કરશો?

હું ફોન પર હસી પડું છું. ફોન મુકાયા પછી થોડીવાર જાણે મેં જ મારી જાત સાથે દગો કર્યો હોય તેવી અનુભૂતિ થાય છે. પણ નહી. મને પેલું લાઈફનું સિક્રેટ ખબર છે: આ દુનિયાદારીની એક,બે અને સાડા ત્રણ. હું જીવીશ તો આ રીતે જ. કેમ? કારણ કે પેલી બેંક સમજે છે કે મારી પાસે ગુમાવવા માટે કશું જ નથી. મેં મારી ચોવીસ વરસની ઉમરે લખવાનું કામ ઉપાડેલું છે, આવતીકાલે ઉઠીને કદાચ હું ફેંકાઈ જઈશ, પરંતુ આ સમય, આ યુવાનીના દિવસો જ સાચા દિવસો છે જેની અંદર હું મારી જાત, જીવન, અને જનુન સાથે પ્રયોગો કરી શકું છું. મારી પાસે ખરેખર ગુમાવવાનું કઈ જ નથી! મારી પાસે નિષ્ફળતા હશે ત્યારે પણ એવડો મોટો અનુભવ હશે કે એ અનુભવના સથવારે હું બાકીની જીંદગી સામે પાણીએ તરી જઈશ. અને મને લાઈફનું એક બીજું સિક્રેટ પણ ખબર છે: માણસ જયારે યુવાન હોય ત્યારે જે બળ લગાડીને જીવે છે, તે પરિવાર અને બાળકો થાય પછી નથી કરી શકતો. તમારી પાછળ ઘણું બધું ગુમાવવા માટે હોય છે તે સમયે.

***

માણસે આ કરવાનું છે: એકવાર નક્કી થઇ જાય કે પોતાનું કામ શું છે, ક્યાં કામમાં પોતાને મિનીંગ મળે છે, પછી એ કામને લઈને એવા સ્વપ્નાઓ, એવી ચેલેન્જ પેદા કરવી કે જે માણસ તરીકે તમને અને આ વિશ્વને બદલાવી શકે. એવું સ્વપ્ન જોવું, જે દુર પહાડની જેમ તમને દેખાતું હોય, અને મંજિલ એવી મોટી હોય કે તમને ખબર હોય કે મારે તો અહી સફરની મજા લેવાની છે. ખુદને જ એટલો બુલંદ બનાવવાની આ તડપ છે.

કોઈ લેબની અંદર એક વૈજ્ઞાનિક આખું જીવન ગુજારી દે છે, એક ખુરશી પર બેસીને સ્ટીફન હોકિંગ પીડા પર રડવાને બદલે બ્રહાંડને ચૂમતો હોય છે, એક બુદ્ધ, એક ગાંધી, એક સચિન, એક રહેમાન પોતાની પૂરી જીંદગી એક કામને પોતાનો મિનીંગ બનાવવામાં વાપરી નાખે છે. દોસ્તો...બસ, એકવાર ગમતું કામ મળી જાય પછી બધા રસ્તાઓ મળી જતા હોય છે, પરંતુ જેટલો તફાવત માઈક્રોમેક્સમાં અને એપલમાં હોય છે એ તફાવત મહત્વનો છે. આવતીકાલે ઉઠીને તમે એક મ્યુઝીશિયન બનવાનું વિચારો પણ એ કામ કરવાનો તરીકો આજુબાજુના કલાકારોને જોઇને જ બનાવી લેશો તો કદાચ તમે સફળ જઈને સ્ટાર બની શકશો, રોકસ્ટાર નહી. પોતાના કામને પોતાના અસ્તિત્વ સાથે જોડવું પડે છે, નિષ્ફળ થવું પડે છે, કામને રોજે ઉત્ક્રાંતિ આપવી પડે છે, અને તેને સર્વાઈવલ ઓફ ફીટેસ્ટ નો સિધ્ધાંત કહેવો પડે છે.

પોતાના કામમાં કાતિલ સફળતા સીધી રીતે મળતી નથી. કોઈ એલન મસ્ક, કલામ, સચિન, કે સ્ટીવ જોબ્સ બનવા માટે તમારે તમારી ‘નાનકડી સફળતા’ ને ‘ખુશી’ આપી દેશો તો નહી ચાલે. આ માણસો ખુશ તો હતા પણ...આ માણસો ગાંડા હતા, ઘેલા હતા, ફ્રિક હતા, અને સમાજમાં મિસફીટ હતા. પોતાના કામની ચેલેન્જને તેમણે સામે પાણીએ ચાહી હતી. તેમણે સમાજ-દુનિયા કેમ વિચારે છે તેમ વિચાર્યું જ નથી. તેમણે પોતાના દરેક વિચારને પૂરી રીતે ચકાસીને ગાંડપણ વહોર્યું છે. અને તેમના કામ માટે એક અતિ મહત્વનો નિયમ રાખ્યો છે:

ઓબ્સેશન.

કામ નો નશો.

જગતમાં એ કામમાં કોઈએ ન કરી હોય એવી ગાંડી મહેનત.

જો તમને એ નશો નથી, એ લગન નથી, તો પછી એ કામ છોડીને પોતાના ઈગોને સંતોષતું કામ પકડી લેવું. યાદ રાખજો સીધુંસાદું કામ તમને મોટા માણસ બનાવશે, મહાન નહી. જો વિશ્વને તમારાથી મોટીવેટ કરવું હોય તો એવું કામ કરવું પડે જે વિશ્વમાં કોઈએ ન કર્યું હોય, અને કર્યું હોય તો તમારા જેટલી લગની લગાડીને ન કર્યું હોય. તમારા ટેલેન્ટ, અને તાકાતની અંદર ગાંડપણ ભેળવવું પડશે.

એટલે ત્યાં સુધી પોતાના ઓબ્સેશનને ચાહો, વળગી પડો કે તેમાંથી પ્રોબ્લેમ ઉભા થવાનું ચાલુ થાય. એવા પ્રોબ્લેમ કે જેને સોલ્વ કરવા, પામવા માટે તમને કામ કરતા-કરતા મરી જવા સુધીનો સ્પીરીટ હોય. કદાચ આ બધું વર્ષો લઇ લેશે, તમારે કેટલીયે નવી જ્ઞાનની સીમાઓને પાર પાડવી પડશે, જુના ડોટ્સ કનેક્ટ કરવા પડશે...અને એ પછી પણ કદાચ નહી મળે!

પરંતુ યારો...આ છે મહાન કાર્યો કરનારાઓનો સ્પીરીટ.

જો તમે કદાચ જન્મથી ટેલેન્ટ નથી ધરાવતા તો કામમાં વધુ ફાયદો છે: તમને પહેલા તો કામની કોઈ સેન્સ નથી, તમે હારો છો, દિમાગ નબળું પડે છે, નિષ્ફળતા પછીની એકલતા, દુનિયાનો ડ્રામા, ખુદના અંદરનો ભાંગેલો માણસ, ઊંઘ ન આવે એવી રાતો, અને કોઈ ભાવ ન પૂછે એવા દિવસો જોવા પડે છે. કારણ? કારણકે આ ધંધામાં, આ ક્ષેત્રમાં તમે સામાન્ય છો. પણ યાદ રહે: આ બધી જ પીડા અનુભવ બનીને તમને એકદિવસ ઉપર ચઢાવી દે છે.

એટલે ભાડમાં જાય જુના લોકોએ બનાવેલા રસ્તા. ઈન્સ્પાયર નથી થવું, ઇનોવેટ થવું છે. કાતિલ સફળતાના કોઈ સ્ટેપ નથી, યા હોમ કરીને પડો. ગાંડા થાવ. જાતને સમજાવો કે: તારો રસ્તો સીધીસાદી સફળતા માટે નથી, પરંતુ અત્યાર સુધી દુનિયાના સ્ટ્રકચરમાં ક્યાય ફીટ ન થયું હોય, દુનિયાને બદલતું હોય, કશુક ઉત્ક્રાંત કરતુ હોય, અને ઘેલું હોય એવું કામ કરવો રસ્તો છે. તમારી નબળાઈઓને સ્ટ્રેટેજી પૂર્વક મારી નાખીને, પોતાની સ્માર્ટનેસને પાર્ટનર બનાવીને, નિષ્ફળતાને કાખમાં તેડી, ગાંડપણ નામનો ગુનો કરીને સામે પાણીએ લડીને એ ‘કાતિલનેસ’ હાંસિલ કરવાની છે.

આવા માણસોને નિષ્ફળતાનો ડર હોય જ છે. અરે નિષ્ફળ થાય ત્યારે ક્યાય ઊંડી ખીણમાં ફેંકાઈ જતા હોય છે. યાદ રહે દોસ્તો: અહી કોઈ નિષ્ફળ ન ગયું હોય એવી નિષ્ફળતા મળશે તો એ પણ યાદ રાખજો કે તમે તેમાંથી એવું શીખશો જે અહી કોઈએ શીખ્યું જ નથી.

પીપરમેન્ટ: આ માણસોને નેટ સર્ફિંગનો એટલો ટાઈમ નહી હોય, પરંતુ પુસ્તકો જરૂર વાંચતા હશે.

***

4 - પોતાના કામથી મહાન બનવાની કળા - 2

હું જયારે કોલેજમાં હતો તે સમયે મેં મોટીવેશન વાંચવાનું શરુ કરેલું. શિવ ખેરાની યુ કેન વિન, પોઉલો કોએલ્હોની અલ્કેમીસ્ટ, રોન્ડા બર્નની બુક અને વિડીયો તરીકે પ્રસિદ્ધ એવી સિક્રેટ, રીચ ડેડ પુઅર ડેડ, અને સેવન હેબીટ્સ ઓફ...

આવી બીજી ઘણી બુક્સ જે માર્કેટમાં પ્રસિદ્ધ હતી અને જયારે આગળ કશું જ ભાન પડતી ન હતી ત્યારે એમ થતું કે આ બધી બુક્સ અને વિડીયો જોઇને હું જીવતા અને જીતતા શીખી જઈશ.

જીવન તબલો ભાઈ પણ બદલ્યું નહી!

આ બુક્સ બે-પાંચ કલાકનું મોટીવેશન જ હતું. જે થોડીવારમાં ઓગળી જતું!

પછી જયારે જોબ ચાલુ કરી ત્યારે સંદીપ મહેશ્વરીના વિડીયો જોવા લાગ્યો. બીજી ઈંગ્લીશ લેખકોની મોટીવેશનલ બુક્સ વાંચવા લાગ્યો.

જીવન તબલો ભાઈ પણ બદલાયું નહી. (મને જેટલો નવલકથાઓએ બદલ્યો છે તેટલો શિખામણોએ નથી બદલ્યો.)

એક સમય આવ્યો, જયારે ખબર પડી કે આ બધા મોટીવેશનના ડોઝ તો એલોપેથીની જેમ થોડો સમય રહે છે, પરંતુ જયારે માણસ કાળા દિવસો પસાર કરી રહ્યો હોય, દુઃખી હોય, કે લાઈફમાં શું કરવું તે ફિગર-આઉટ કરી જ ન શકતો હોય તે સમયે આવા કોઈ માણસો કે એમના શબ્દો કામમાં આવતા નથી. જીંદગી જીવવાની અને જીતવાની જડીબુટ્ટી હોતી જ નથી!

આજે જીવન બદલાઈ ગયું છે.

જે જીતેશ દોંગા શું કામ કરવું, કેવું કામ કરવું, કયું કામ મને ગમે છે એવી બધી ફરિયાદો કરતો કરતો દિવસ પસાર કરી દેતો હતો તે માણસ હવે દિવસની દરેક કલાક, દરેક મિનીટ અને દરેક સેકન્ડ ક્યાં અને કેવી રીતે વાપરવી તે જાણવા લાગ્યો છે. હજુ અમુક દિવસો પહેલાની જેમ કંટ્રોલ થતા જ નથી. આખો દિવસ પ્લાનિંગમાં અને કામ ન કરવાની આળસમાં પસાર થઇ જાય છે, છતાં હું મોટાભાગના દિવસોને ‘વાપરી લેતા’ શીખી ગયો છું.

હા...હવે હું મોટીવેશન લેતો નથી, પરંતુ અમુક સત્યો સ્વીકારીને જીવવા લાગ્યો છું. એ સત્ય એ છે કે:

તમે જે રીતે હાલની આ મિનીટ જે રીતે પસાર કરશો તે રીતે જ કલાક પસાર થઇ જશે. જે રીતે તમે આજના કલાકો પસાર કરશો તે રીતે જ આજનો દિવસ પસાર થઇ જશે, અને જે રીતે તમે આજનો દિવસ પસાર કરશો એ જ રીતે એક દિવસ લાઈફ પસાર થઇ જશે. કોઈ મોટીવેશન કે પોઝીટીવ થિન્કિંગ કામમાં નહી આવે અને તમે હજુ લાઈફને ફિગર-આઉટ કરતા રહેશો ત્યાં જ તમને ખબર નહી હોય એમ સ્વીચ ઓફ થઇ જશે!

એટલે મેં એલોપેથી બંધ કરીને આયુર્વેદ ચાલુ કર્યું. આયુર્વેદ લાંબા સમય પછી અસર કરી રહ્યું છે પણ અસર થઇ છે. આ આયુર્વેદ એ છે કે: મારે દિવસે-દિવસે મારી અંદર જન્મતા ફ્રસ્ટ્રેશનને પહેલા તો રોકવાનું છે. કામ ન થાય કે નવા સપના જોતા ન આવડે તો તે સ્થિતિ પર રડવાનું નથી. ઉભા થવાનું છે. કઈ રીતે? હું શરૂઆતની અમુક વાતો ગોળીઓ આપું છું. આ બધું જ જાત-અનુભવ હોયને સીધું જ લખું છું:

૧. વહેલી સવારમાં ઉઠીને ક્યારેય વોટ્સએપ-ફેસબુક-મેઈલ ચેક ન કરો. ક્યારેય નહી. પહેલા તો તમારે દિવસ દરમિયાન કરવાના દરેક કામની એક કાગળમાં લીસ્ટ કરો. દરેક નાનકડું કામ કે કોઈ અગત્યનો ફોન કરવાની વાત પણ લખી લો. દરેક કામને પ્રાયોરીટીઝ મુજબ નંબર આપો. અગત્યનું અને અઘરું પહેલા. યાદ રહે: આજે જો આ લીસ્ટનું કામ પૂરું ન થયું તો સુવાનું નથી. ગમે તે ભોગે કામ પૂરું થવું જોઈએ. મગજની નસો ફાટી જાય, થાક લાગે, હારી જવાય...આ બધું જ બહાનાં છે.

૨. જો જોબ કરતા હો તો સાંજે આવીને આ લીસ્ટ બનાવો. દરેક કામ પતાવીને નાનકડો બ્રેક લો. ફરી બીજું કામ ચાલુ કરો. યાદ રહે: સાંજ પછી ઇન્ટરનેટ કે ચેટને લગતા દરેક ડીવાઈસ બંધ! હા ટોટલ બંધ. વોટ્સએપ ચેટ કે ફેસબુક ખુબ ટાઈમ બરબાદ કરે છે અને જયારે કોઈ ચેટનો જવાબ કે પોસ્ટની લાઈક ન આવે તો માણસ ગાંડો થતો હોય છે. યાદ રહે: દોસ્તી હોય, રીલેશનશીપ હોય, કુટેવ હોય કે ટેકનોલોજી હોય...જે વસ્તુ કે વ્યક્તિ તમને તમારા લક્ષ્યથી દુર કરે, તમને ખુશ ન કરે, તમને રડાવે-પીડાવે એને છોડી દો. દુર ભાગી જાઓ. આ જ એકમાત્ર ઉપાય છે આપણી આજને સરખી રીતે જીવવાનો અને જીતવાનો!

૩. વન સ્ટેપ એટ અ ટાઈમ. એક સમયે એક જ કામ. એ કામ એટલું ધગશ અને ખંતથી કરો કે એ સમયે ભગવાન પણ બિલોરી કાચ લઈને આખી દુનિયામાં તમારી જેવો ખંત-મહેનતથી કામ કરતો માણસ શોધવા બેસે તો ન શોધી શકે! પરફેક્શનને ટેવ બનાવવા માટે એક જ ઉપાય છે: પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને એક સમયે જે પણ કામ હાથમાં લીધું છે તેને ગમે તે ભોગે પણ પરફેક્ટ કરવું. કામ ના ગમતું હોય તો પણ પરફેક્શનથી કરવું. કોઈ ફળ કે જશની આશા રાખ્યા વિના.

4. ડ્યુટી ઈઝ ગોડ. કામમાં ભગવાન રહેલો છે. કામ એક પ્રાર્થના છે. તમને નવાઈ લાગશે પણ હું આ લેખ લખી રહ્યો છું એ પણ મારે માટે એક પૂજા છે મારી જાતની, મારી અંદર રહેલા ઈશ્વરની. એટલે કામ નબળું હોતું જ નથી, તમારો એ કામ પ્રત્યેનો એટીટ્યુડ બોગસ હોય છે. જાત સાથે વાતો કરો. ખુદની ભૂલો કાઢો. ખુદને કોસો. ખુદને જ પોતાનો સ્પર્ધક બનાવો. ખુદને જીતવા ચાહો. ગઈ કાલના કામ કરતા આજનું કામ કઈ રીતે વધુ સારું થાય એ ટેવ જયારે આવી જશે ત્યારે તમે ટોપ પર હશો. હું લેખક તરીકે સૌથી સારું પરફોર્મન્સ આપતો જોઇશ. અને તમે તમારા ક્ષેત્રમાં!

5. કામની સાથે દિવસનું અને શરીરનું બેલેન્સ રાખો. હું કહું છું એટલી વાતો ફરજિયાતપણે કરવી જ. પ્રેમ ભર્યા મારા હુકમથી! : રોજે વીસ મિનીટથી અડધો કલાક કસરત! હું રોજે સ્વીમીંગના ક્લાસીસમાં જાઉં છું. તમે જોબ કરતા હો કે લાંબા કલાકો કામ કરતા હો તો સાદા નાઈટડ્રેસમાં વીસ મિનીટ દોડવા જાઉં. શરીર માંથી પરસેવો વહેવો જોઈએ. શરીર નથી તો આરોગ્ય નથી, અને આરોગ્ય નથી તો કોઈ કામ નહી થાય, કોઈ કામ નહી કરી શકો તો જિંદગીભર બળતા રહેશો અંદરથી. બીજું: મારી જેવડા, 24-૩૦ વરસની ઉંમર વાળા માણસોને ખાવામાં ગમે તેવી તેવો હોય છે. એ વાત સાચી કે લાઈફને પૂરી રીતે બધા રંગોમાં જીવવાની છે, બધું જ ચાખી લેવાનું છે, અને કોઈ અફસોસ વગર ખાવા-પીવાનું અને મોજ કરવાની છે, પરંતુ યાદ રહે: આરોગ્ય આ બધાને લીધે થોડું પણ બગડ્યું તો કોઈ મજા નથી જીવવાની!

હું દિવસની બે-ત્રણ સિગારેટ પીવા લાગેલો ત્યારે ઊંડી ખાંસી ચાલુ થયેલી. કામ અટકી પડ્યા. મેં સિગારેટ તરત જ બંધ કરી દીધી. હું વડાપાઉં અને પાણીપુરી વધુ ખાતો ત્યારે પેટમાં બળતરા રહેતી અને રાત્રે લખી શકતો નહી. કામના ભોગે મારે જીભનો ચટકો ન પોસાયો. મેં દસ-પંદર દિવસે જયારે કામ ન કરવાનું હોય તે દિવસે જ આવું ચટકાભર્યું ખાવાનું રાખ્યું.

6. ઊંઘ! પૂરી લેવી. ઊંઘમાં હંમેશા તમારી અંદર રહેલી નેચરલ ક્લોક સમય નક્કી કરીને જ તમને એનર્જી આપતી હોય છે. મતલબ? મને સાત કલાકની ઊંઘ જરૂરી છે. મોદીને ત્રણ કલાક ઊંઘ પછી પણ ફ્રેશનેસ છે! ઊંઘના કલાકોના કોઈ નિયમ નથી હોતા. બાળકને વધુ ઊંઘ જોઈએ. જેમ મોટા થતા જાઓ એમ ઊંઘ ઓછી જોઈએ. એટલે પુરતી ઊંઘના કલાકો નક્કી કરવા માટે બે-ત્રણ વાર અલગ-અલગ ટાઈમ નક્કી કરીને જોઈ લો. મોડી રાત્રે કામ ફાવે તો એમ, વહેલી સવારે ફાવે તો એમ. યાદ રહે: તમારી પાસે બધા જ સવાલોના જવાબ હોય જ છે. તમે કેટલા એક્સક્યુઝ આપો છો એના પરથી તમારું શરીર અને મન એક્સક્યુઝ આપતા રહે છે.

7. મેં પહેલા પણ કહેલું: માણસ બધું જ જાણે છે. તમે બધું જ જાણો છો. કાલે તમારાથી કોઈ નબળો શિખામણ આપવા આવે તો ફટ દઈને તમારી ફિલોસોફી ચાલુ કરી દો છો. મેં ભિખારીઓને પણ ફિલોસોફી ઠોકતા જોયા છે.

સવાલ એ છે: તમે કેટલું ઉકાળ્યું?

***

5 - તમારું પેશન જાણવું છે?:

એક બાળક તરીકે આપણી પાસે હજાર ચોઈસ હતી. આપણે થોડીવાર ધૂળમાં રમતા-રમતા કુંભાર બની જતા, તો થોડીવાર પાટીમાં ચિતરડા કરીને પેઈન્ટર. ક્યારેક મમ્મીની કાથરોટ માંથી લોટના પીંડ સાથે રમતા-રમતા આપણને કુક બની જવાની ખેવના થતી, અને ક્યારેક સ્કુલના મેડમને જોઇને ટીચર બનવાની તમન્ના. ક્યારેક બાળક મન ઉડતા પ્લેનને જોઇને પાઈલોટ બની જતું, તો ક્યારેક બાપુના હળની પાછળ ખાતર વેરતો ખેડૂત.

પરંતુ પછી આવી એજ્યુકેશન સીસ્ટમ. એક નંબરનો બચપણ મારી નાખતો વિલન! બારમું ધોરણ પૂરું થયું પછી તો સાલું બે જ ઓપ્શન! ડોક્ટર અથવા એન્જીનીયર. કોમર્સ વાળો સીએ અથવા બાકી બધું. આર્ટસ વાળા માટે પણ એટલા જ ઓછા ઓપ્શન! વધુ ભણ્યા પછી ખબર પડી કે આતો સાલું એક જ વિષય આપે છે પીએચડી કે માસ્તર કરવા માટે! ભણતર પૂરું થયું ત્યારે ખબર પડી કે હવે તો ઝીંદગીમાં એક જ કામ કરીને ઢસરડા કરીને કમાવાનું છે. લાઈફની વાટ લાગી જવાની બીક લાગી!

હું જયારે એન્જીનીરીંગ માંથી બહાર નીકળ્યો, હાથમાં જોબ ન હતી, દુનિયા આખી ફ્લોપ દેખાતી હતી, હું ખુદ મારી જાતને ફ્લોપ માનતો હતો. એમ થતું કે પેશન નહી ખબર હોય તો જીવનભર કોઈ અણગમતું કામ-જોબ લઈને રોજે પીસાવું પડશે. ખુબ ડર હતો. આવો ડર કદાચ તમને પણ હશે. પોતાનું પેશન નથી ખબર એનો ડર. તો ચાલો દોસ્તો આજે એ સફર કરીએ કે આ પેશન કઈ રીતે ખબર પડે.

***

બધું જ જાણ્યા પહેલા એક ખુબ જ અગત્યની વાત સમજી લો: પેશન કોઈ કામને હાથમાં લેવાથી તરત જ ખબર પડી જતી નથી. ખુશી કોઈ કામને ઉપરછલું કરી લેવાથી નથી મળતી. પેશન મળે છે સફળ થવાથી. હા. સફળતા જ પેશનને જાણવાનો તરીકો છે. જેમ એક બાળક એક માટીનું રમકડું બનાવીને કોઈને દેખાડે, કોઈ તેને વખાણે એટલે તરત જ ખુશ થઈને એ જ કામે વળગી પડે છે તેમ. સફળતા જ તમને અંદરથી ધક્કો આપે છે આગળ વધવા માટે.

એટલે યારો...આજ થી જ મંડી પડો! દુનિયા આખીની સમજ આવી ગઈ હોય, અને વડીલ બની ગયા હો, પરંતુ અંદરથી જીવનની કોમનનેસ જોઇને પીડાઈ રહ્યા હોય તો પહેલા બાળક બનો. હજારો કામ હાથમાં લેવા પડશે. પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને તે કામમાં ઓતપ્રોત થઈને સફળ થવું પડશે. મારો બક્ષી કહેતો: માણસે જયારે જીવન સીધું-સપાટ જતું હોય ત્યારે જાતે જ ખાડાઓ પેદા કરવા પડે છે, પડવું પડે છે, ઉભા થવું પડે છે.

તો પેઈન્ટ કરો. બાથરૂમમાં ગીતો ગાઓ. કોઈ મ્યુઝીક શીખો. જો ક્યારેય સ્ટેજ પર ભાષણ ન આપ્યું હોય તો એકવાર પોતાની બીકને ઢીંક મારીને સ્ટેજ પર જાવ. આંખો કાન ખુલ્લા રાખો. દુનિયા જુઓ. લખો. જે અનુભવ થાય છે તે લખો. વધુ અનુભવ કરો. કોઈ ટીમને લીડ કરો. કોઈ ઝુંબેશ ચલાવો. કોઈ બળવો કરો. સર્જન કરો. નાનકડું છતાં જીવ રેડેલું સર્જન કરો. ઊંડા ઉતરો એ સર્જન પાછળ. થોડા ગાંડા, થોડા ઘેલા બનો. રખડો. ખુબ રખડો. એકલા રખડો. ટોળીમાં રખડો. કોઈ અંધને મદદ કરો. કોઈ ગરીબને ભણાવો. કોઈ લુહારની દુકાનમાં વેલ્ડીંગ કરવા બેસી જાવ, અને કોઈ સુતારની કરવત લઈને લાકડા કાપો. વાંચો. ભરપુર વાંચો. દિમાગ હેંગ થઇ જાય ત્યાં સુધી વાંચો. વાંચન માણસને બદલાવી નાખે છે. પેશન શોધવા માટે વાંચન જેવું કોઈ હથિયાર નથી. એક પુસ્તક જ માણસને વિવિધ-રંગીન-ઊંડી જીંદગીઓ જીવાડે છે. એક દિવસ અચાનક સાંજે જોબ માંથી આવી દોસ્તનો માંગેલો કેમેરો લઈને શોર્ટ-ફિલ્મ બનાવવા બેસી જાવ. જાતે ફિલ્મને એડિટ કરો. ફિલ્મ બની ગયા પછી કોઈને બતાવ્યા પહેલા જ બીજા દિવસની સાંજે દોડવા જાવ. ખુબ દોડો. દોડતા-દોડતા પડી જવાય એટલું દોડો. નાચો. ધ્યાનમાં બેસી જાવ. કાનમાં હેડફોન ભરાવીને ગમતું મ્યુઝીક ચાલુ કરીને સાંજે ચાલવા નીકળો. યુ-ટ્યુબ પર એક ચેનલ બનાવો જેમાં તમે એક વિષય પર લેક્ચર આપી શકો. કશુક એવું સર્જન કરો જેનાથી આ દુનિયાને કઈંક ફર્ક પડે. પહાડો ચડવા જાઉં. ફોટોગ્રાફી શીખો. દોસ્તીને માણો. પ્રેમમાં ડૂબી જાઉં. કોઈ ન મળે તો ખુદના પ્રેમમાં ડૂબી જાઉં. એકલા-એકલા પોતાનો ઇન્ટરવ્યુ લો. પોતાની જાતને પૂછો: Where do you see yourself after five years? જવાબ મોટેભાગે નહી મળે, આપણે જોઈતો પણ નથી. આવતીકાલની જયારે માણસને ખબર ન હોય ત્યારે પાંચ વરસ પછીની શી ખબર પડે? ચિંતા કરશો નહી. માણસને આવતીકાલની ચિંતા નહી, પરંતુ ઉત્સાહ હોવો જોઈએ. બાળકને ચિંતા હોય છે કાલની?

યારો...એક દિવસ કોઈ કામમાં સફળતા મળ્યા પછી ખુશી થશે. એકલા-એકલા નાચવાનું મન થશે. બસ...એ કામને વધુ ઊંડાણમાં કરો. વધુ સફળ થાવ. યાદ રહે: પેશન ત્યારે જ ખબર પડે જયારે કોઈ કામમાં સફળતા મળે. હું એન્જીનીરીંગ માં હતો ત્યારે એકદિવસ સવારે વ્હીસ્કીના હેંગઓવર છતાં રીક્ષામાં બેસીને કોલેજ જઈ રહ્યો હતો. રસ્તામાં રીક્ષાવાળાએ એક ખિસકોલી ઉપર રીક્ષા ચડાવી દીધી. મને ખુબ ગુસ્સો આવ્યો, અને મેં હોસ્ટેલ પર જઈને ફેસબુક પર મારો ગુસ્સો ઠાલવતો લેખ લખ્યો: Where is our humanity? થોડા કલાકમાં લેખને ત્રીસ-ચાલીસ લાઈક મળી. મને લખતી સમયે આજુબાજુ શું થઇ રહ્યું છે તેની પણ ખબર ન હતી. ખુશી હતી કે મને લોકોએ વખાણ્યો! બસ...એ લખવાના કામને પુરા જોશ સાથે પકડ્યું, અને અઢી વરસ પછી મારી નોવેલ બેસ્ટ-સેલર હતી. આ સફળતા પેશનને ધક્કો મારી રહી છે આજે.

તમે પણ શાંતિથી બેસતા નહી. સેટલ થતા નહી. નાની-નાની નિષ્ફળતા ભોગવજો. રડવું પડે તો રડી લેવાનું, પણ ભાગ્યના સહારે બેસી નહી રહેવાનું. એક કીડીની જેમ હજાર પ્રયત્ન પછી પણ ઉપર ચડવાનું. પડવાનું. મોજમાં રહેવાનું. પેશન ના મળે તો શું થયું? ખુશી કઈ એકલા પેશનથી જ નથી મળતી! કોઈ માટે ફના થઇ, ગાંડો-ઘેલો પ્રેમ કરી, ઘસાઈને ઉજળા થઈને પણ ખુશી મળે છે. એટલે જીવનના સાઈઠ વર્ષે પણ ખબર પડે કે ભાઈ આપણને તો પહાડો ચડવાનો શોખ છે, તેમાં મોજ પડે છે તો એકપણ વિચાર કર્યા વિના પોતાની નોકરી છોડી દેજો. પરિવારને સમજાવીને થેલો પેક કરીને પહાડ પર ટ્રેકિંગના ટ્રેઈનર બની જજો. દુનિયા ભલે ગમે તે કહે. આપણે આપણી મજ્જાની લાઈફ સાથે થોડી પણ છેતરપીંડી કરવી નહી. કુદરતની જેમ જીવવાનું. કેટલાક વરસ એવા પણ જાય કે પેશન ખબર ન પડે, દુકાળ પડે ખુશીઓમાં, અને લોકો પણ સામું ન જુએ. વિચારજો: આવું તો કુદરત સાથે પણ થાય છે, જયારે આપણે તો આ અખિલ બ્રહાંડમાં આવેલું એક ઉર્જાનું નાનકડું સ્વરૂપ જ છીએ. ચલતા હે..હોતા હે..પણ ઉભા ન રહેવું.

છેલ્લે: ખુદની ચોઈસ હશે, જો કરેલી ચોઈસના પરિણામને સ્વીકારવાની તાકાત હશે, પોતાની જાત સાથે પ્રેમ હશે અને ખબર હશે કે જીંદગીમાં ખાડાતો કરવા જ પડશે તો પછી એક દિવસ કુદરત તમને કોઈ એવું કામ જરૂર આપશે જેની સફળતા બીજી બધી જ સફળતા કરતા વધુ રોમાંચક હશે. અને ધારો કે એવું ન બંને તો?

...તો ઉભા થાવ. કહો: જીંદગી આ રહા હું મેં

***

6 - યુવાનીની લાજ રાખો...!

આપણી પેઢીઓ જયારે હજુ વધુ ટેકનોલોજીથી ધેરાયેલી હશે, બધું હાથમાં હશે, અને અત્યારે તમને અસંભવ લાગી રહી છે તેવી વસ્તુઓ કરી રહી હશે ત્યારે મારી એક વાત સાચી ઠરશે. મારા શબ્દો લખી લેજો: આ પેઢી ક્વોટ-જનરેશન બની જશે, તેઓ જયારે દુઃખમાં હશે, કે કોઈ કામને પાર પાડવા માંગતા હશે, જયારે લાઈફમાં તેમને કોઈ રસ્તો સૂઝતો નહી હોય ત્યારે આ પેઢી ઉભા થઈને લડવાને બદલે એક અલાયદા ઇન્ટરનેટ જેવા વિશ્વમાંથી સુવિચારો શોધતી હશે. ઈચ્છતી હશે કે કોઈ એવું વાક્ય, કોઈ ફિલોસોફી મળી જાય જે તેના દુઃખને લાગુ પડે, અને તેને તે ક્વોટ થકી પીડામાંથી ઉભા થવાનો રસ્તો મળે. આ પેઢીને ખબર નહી હોય કે તેઓ જે શબ્દોથી પોતાના વિચાર-વિહીન દિમાગને ભરી રહી છે તે બધા જ જીવનના નિચોડ કોઈ માણસ જીવીને પછી લખી ગયું છે, જયારે તમે એ વાંચીને જીવવાના પ્લાનિંગ કરી રહ્યા છો.

આ લેખમાં બીજી કોઈ પણ મીઠી વાત કરતા પહેલા નિરાશાજનક વાતો એટલે કહી દઉં છું કારણકે એ જ દેખાય છે મને ચારે તરફ! ફેસબુક કે વોટ્સએપ કે ટ્વીટર કઈ પણ ખોલો, જયા પણ જુઓ, યુવાનો મચી પડ્યા હોય છે ક્વોટસ-ફિલોસોફીને ફોરવર્ડ કરવામાં. એ જ યુવાનો (એમાં હું પણ ખરો જ) જયારે વાસ્તવના મંચ પર એકલા ઉભા હોય છે ત્યારે હારતા મેં જોયા છે. હું ખુદ એવી રીતે નાસીપાસ થતો હોઉં છું કે જાણે અત્યાર સુધી લખેલી-બોલેલી વાતો માત્ર શબ્દો જ હતી.

ના.

વાત ખોટી છે.

ઉપર લખી તે બંને વાત ક્યાંક ખોટી છે. તમે ખોટી પાડી શકો છો.

મારા અનુભવ પરથી કહું છું: માણસ સ્વીકાર કરવામાં જેટલો પાવરધો છે એટલો જ જમાના સામે થૂંકવામાં કાચો છે. મોટાભાગના ફરિયાદ કરતા યુવાનોને ક્યાંકથી એટલા બહાનાં મળી જતા હોય છે કે એમને સાંભળીને જ થાય: બેટા તુમસે નહી હોગા.

સમાજ શું કહેશે, માં-બાપ માનતા નથી, એ ધંધામાં ફ્યુચર ક્યાં? લોકો મારી સામે હસશે, હું ક્યાંયનો નહી રહું. યુવાનો એટલા બહાનાં ધરી દેતા હોય છે કે એમ કહેવાનું મન થાય કે એક કામ કરો: લાજ કાઢીને ચાલવાનું રાખો રસ્તા પર. તમારા ફેસબુક-વોટ્સએપ માંથી જે ફિલોસોફીના ડોઝ રોજેરોજ ભર્યા કરો છો એજ કરો જીંદગીભર. તમારાથી નહી થાય કોઈ કાળજા ભરેલું કામ. કારણકે તમને બધા સત્યો ખબર છે. તમને નિષ્ફળતા ખબર છે, સફળતા પણ ખબર છે, દુનિયાના રંગ-રૂપ બધું જ ખબર છે તમને...અને એટલે જ લાજ કાઢીને ફરો, કારણકે માણસને જયારે બધી જ થીયરી ખબર છે ત્યારે એ આમેય ફ્લોપ છે. તમે નિષ્ફળ જ નહી જવાના ક્યારેય,અને એ જ તમારી સૌથી મોટી નિષ્ફળતા હશે. એક-એક પગલું ભરવામાં જે યુવાન સમાજ,આખું ગામ, અને ભવિષ્ય શું કહેશે એવી કુતરાને પણ ખબર ન હોય એવી વાતો ફાડ્યે રાખતો હોય ત્યારે થાય છે કે તમને ફરિયાદ કરવાનો અધિકાર જ નથી. મૂંગા મરો. ફિલોસોફીને થીયરી જ સમજો. દુનિયાને જેવી છે તેવી સ્વીકારો, અને શાંતિથી મરી જાવ. પૃથ્વીનો ભાર ઓછો થશે.

યુવાની થૂંકવાની ઉમર છે યારો, ફૂંકવાની નહી. ફૂંકી-ફૂંકીને જીવવાની નહી. આ લેખકે જે વીસ વાર લખ્યું છે: જો મ્યુઝીશીયન બનવાના ઓરતા હોય તો ગળાની નસો ફાટી જાય ત્યાં સુધી ગાવાની પ્રેક્ટીસ કરો, જો લેખક બનવું હોય તો નીચું ઘાલીને લખવા બેસી જાવ, જો ધંધામાં પડવું હોય તો આ જમાનો-સમય સર્વશ્રેષ્ઠ છે, જો ડાન્સર બનવું હોય તો રૂમમાં પોતાની જાતને પૂરીને ગાંડા થાવ.

પણ નહી...એ શું કરશે? એ ગુગલ કરવા બેસશે, બીજા હજાર માણસને પૂછશે, શું પોસિબલ છે અને શું નહી એ ચકાસશે, અને પછી પોતાની એક સરહદ બનાવી લેશે. બહાનાં આપશે; ‘ઇન્ડિયામાં એક્ચ્યુલી ફુટબોલર બનવું ખુબ અઘરું મલે જીતેશભાઈ. એટલે છેવટે જોબ જ લીધી, જે હવે પસંદ નહી પડતી’

મનમાં એમ થાય: આ એજ ઇન્ડિયા હશે ને જે સ્વતંત્ર થાય એ પહેલા કોઈ ગાંધી વિચારીને બેસી ગયો હશે કે ‘અહી તો આપડું રાજ પાછું ન મલે, બેટર છે કે હું બેરિસ્ટર જ બનું!’

હકીકત એ છે કે યુવાનીમાં ભૂલો કરાય. કોઈની સામે થવાય, બે ગાળો બોલાય, અને કહેવાય કે મારું સપનું છે એને હું સાકાર કરીને જ રહીશ, વચ્ચે કોઈ આવ્યું છે તો ખેર નથી. અને પછી સવા શેર સુંઠની તાકાત દેખાડીને એ સપનાને ફાડીને છોતરા કાઢવા બેસવાનું હોય. સમયને નીચોવવાનો હોય, એક-એક મિનીટ બચાવીને, ચાલુ જોબ પછી રાત્રે ઘરે આવીને પોતાના ગમતા કામ પાર પાડવાના હોય. જયારે ફેફસા ફાંટી જાય એટલી ભયંકર દોડ દોડો ત્યારે ફીનીશીંગ-લાઈન પર તમારી જીતનું સ્વાગત કરવા જગત હંમેશા ઉભું હોય છે. મને ગુસ્સો એ છે કે સાલા યુવાનો દોડવાની શરૂઆત પહેલા જ હજાર સવાલ કરી નાખે છે, અને પછી સામે જગત પણ હજાર બહાનાં આપીને કહે છે: બેટા...તુમસે ના હોગા.

Pursuit of Happiness ફિલ્મનો પ્રખ્યાત સંવાદ. જગતની સામે બાથ ભીડીને સ્ટ્રગલ કરતો બાપ પોતાના દીકરાને કહે છે: “કોઈને પણ ક્યારેય કહેવા દેતો નહી કે તું કઈ કરી શકતો નથી. મને પણ નહી. જો તારું કોઈ સ્વપ્નું હોય તો તેનું રક્ષણ તારે જ કરવાનું છે. જયારે આ માણસો પોતાની જાતે કશું કરી નથી શકતા ત્યારે તેઓ તમને કહેવા ઈચ્છે છે કે – તમે એ વસ્તુ ન કરી શકો. જો તું કશુક ચાહતો હોય, તો ઉભો થા અને લઇ લે. બસ.”

યુવાનીનો સાચો સ્પીરીટ આ છે. આ ક્વોટ અહી લખ્યું છે તે લેખકે સીધીસાદી રીતે કોપી-પેસ્ટ નથી કર્યું પણ પોતાના બળે જીવીને પછી અહી મુકવાની લાયકાત ધારણ કરી છે.

***

આથી વિરુદ્ધ વાત છે. છેલ્લા લેખમાં મેં પોતાના કામથી મહાન બનવાની વાતો કરેલી. એક વાંચકે કહેલું: તમારી ફિલોસોફી કદાચ તમને લાગુ પડી શકે, આ દુનિયામા બેજ લોકો જલસાથી જીવી શકે છે એક એ કે જેની પાસે ગુમાવવા માટે કશુજ નથી

અને બીજા એ કે જેની પાસે વાપરવા માટે પુષ્કળ રુપિયા છે. બાકીના મિડલ ક્લાસ લોકોની જીદંગી તો એક BHK ફલેટ, એક કાર, અને છોકરાવ ને ભણાવવાને પરણાવવામા પુરી થઈ જાઈ છે. ખુશી એય લોકો દર મહિને બેક લોનના EMI ની જેમ ટુકડે ટુકડે મનાવે છે. ઓફિસમા બોસની કચકચ હોય, ઘરે જાઈ ત્યારે છોકરાવના હોમવર્કને સાસુ-વહુના ઝઘડાની માથાકુટ હોય એમા તુ આ કહે છે એવુ એ બિચારા કયારે વિચારે.”

“આ સ્વીકાર તમારો દુશ્મન છે. યુવાની દુનિયાના દેખાતા સ્વીકારાયેલા સત્યો સામે ‘થું’ કહેવાની, એની સામે બળવો પોકારવાની, સામે પાણીએ ચાલવાની અને એક દિવસ પોતાનો નવો ચીલો ચાતરવાની ઉંમર છે, કારણકે આ ઉંમરમાં માણસ પાસે ગુમાવવા માટે ખુબ થોડું હોય છે. એવું મેં કહેલું. પરંતુ આ ફિલોસોફી જ્યાં એ યુવાન ગળાડૂબ પામે ત્યાં જ એક વિલન ઉભો હોય છે જેને સ્વીકારી લે છે. એ વિલન એટલે સમાજ. ના...સમાજ નહી, પરંતુ સમજ વગર સમાજની દોરી, કોઈની લાઈફના ડીસીઝનની દોરી પોતાના હાથમાં છે એવા અબુધોની ટોળી. લેખક છો એટલે તમે આવું બધું લખી શકો છો, તમે અલગ માટીના છો, આવા પ્રવાસ કરી શકો છો, અમે હવે ઠરી-ઠામ થયેલા માણસો છીએ એટલે તમારી વાત માનીએ ખરા, પરંતુ...”

“એટલું જ કહી શકું કે તમને ફરિયાદ કરવાનો પણ કોઈ અધિકાર નથી પછી. યુવાનો, વાંચકો યાદ રહે: આજે જે કરી નથી શક્યા, જેમણે બહાનાં જ બતાવ્યા છે, પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને એ કશું કામ કરી શક્યા નથી એ બધા જ આવતીકાલના આવા વડીલોની ટોળકીના સભ્યો હશે જેને આવતી પેઢીનો યુવાન કચરો ગણતો હશે. એટલે જયારે એમ લાગે કે તમે જે રસ્તે ચાલી રહ્યા છો તે રસ્તા પર કોઈ ચાલ્યું જ નથી, તો એમ સમજવું કે આપણે તો નવો રસ્તો સર્જ્યો છે, તમે પાયોનીયર છો, તમે કદાચ ભલે નિષ્ફળ થાવ પરંતુ એ અનુભવ એટલો વિશાળ મળવાનો છે કે એ અનુભવના સહારે હું જીંદગી તરી જવાનો છું.

તો યારો...પાટું મારો એ સીસ્ટમને જેને બહાનું બનાવીને તમે કશું કરતા નથી, ઉભા થઈને કામે વળગો, નીચું ઘાલીને કામનો એવો નશો કરો કે દુનિયા ડરાવે તો એને પણ કહી શકો કે આ મારો રસ્તો છે...મારો. સ્વીકાર કરવો નહી. જુના રીવાજો તોડી નાખવા. દિલને ગણતા કામમાં જુના માણસોને અનુસરવા કરતા નવા ચીલા પાડવા. આ સમય શ્રેષ્ઠ છે પોતાના ગમતા કામ કરવા માટે. જો ગણતું કામ ખબર ન હોય તો એને શોધવા બેસવા માટે પણ એક જ કામ છે: ક્વોટસ-ફેસબુક કે વોટ્સએપ બંધ કરી, શું કરવું, શું ન કરવું એવું વધારે વિચાર્યા વિના મનમાં આવે એવું કામ પોતાના કમ્ફર્ટઝોનને તોડીને કરો. ઊંડા ઉતરો, અને કોઈ કામ ન ગમે તો હજાર બીજા કરો.

યુવાની છે તો યુવાનીની લાજ રાખો, નહી તો લાજ કાઢીને ચાલવાનું શરુ કરી દો.

***

7 - એ યુવાન...કુછ ઐસા કરકે દિખા, ખુદ ખુશ હો જાયે ખુદા.

મને ઘણા બધા વાંચકોના ફોન આવે છે. મોટા ભાગના યુવાનો હોય છે. એવા યુવાનો જેની અંદર કશુંક કરી છૂટવાની આગનો દરિયો ભર્યો છે, પરંતુ કશું કરતા હોતા નથી. દિશા જ હોતી નથી. અંદરથી બળતા હોય છે. યુવાની માત્ર નામની હોય છે. તેઓ કબુલે છે કે તેમને તેમનું પેશન ખબર નથી, હજુ સુધી કોઈ રસનો વિષય જાણવા મળ્યો નથી, હજુ લાઈફની દશા અને દિશા નક્કી કરી નથી, હજુ તેઓ પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર કેમ નીકળવું તે પામી શક્યા નથી, હજુ તેમને લાઇફમાં કશું ખૂટતું હોય એવું લાગે છે. છાતીમાં એક ખાલીપો છે, એક અંધકાર છાતીમાં ભર્યો છે.

દોસ્તો...આ સવાલ આમ તો આખી માનવજાતનો છે. વિશ્વના મોટાભાગના માણસોને પોતાના જીવાતા જીવનની સાર્થકતા લગતી હોતી નથી. મોટા ભાગના લોકો ખુશ હોય છે, છતાં કશુક ખૂટી રહ્યું છે તે પામવા પાછળ ગાંડાઘેલા અને દુ:ખી થતા હોય છે. દરેક માણસ અંદરથી થોડો બળતો હોય છે. દરેકની છાતીમાં એક ખાલીપો છે, એક અંધકાર ભર્યો છે.

જવાબ હું આપું છું.

મારો જવાબ કદાચ મારું સત્ય છે, પરંતુ એના દરેક શબ્દને મેં ખુદ જીવેલા-અનુભવેલા છે એટલે મારો જવાબ વાંચતો દરેક યુવાન મારા શબ્દ પર ભરોસો રાખી શકે છે અને જો શક્ય હોય તો અંદર ઉતારી શકે છે.

***

યારો...યુવાની ’મને મારું પેશન ખબર નથી’ કે ‘લાઈફમાં કશું ખૂટતું હોય એવું લાગે છે’ એવા બોગસ સવાલો કરીને અંદરથી બળતા રહેવાની વાત નથી. યુવાની જિંદગીનું એક સેલિબ્રેશન છે. એને પહેલા તો સેલીબ્રેટ કરવું પડે. છાતીમાં રહેલા અંધકારને જોઇને ઉપાધી કરવા કરતા એ અંધકારમાં થોડા ઊંડા ઉતરો તો ખબર પડશે કે તમારી છાતીના અંધારામાં એક અખિલ બ્રહાંડ છે, પ્રકાશ છે, ઉર્જા છે જેને તમે જીવી જાણી જ નથી. આ ઉર્જા એટલે સાચા અર્થમાં યુવાની! હા...જે માણસ જવાનીના સમયમાં જિંદગીના મોટા-મોટા સવાલો લઈને રડવા બેસી જાય એતો અત્યારથી જ ફ્લોપ થઇ જાય છે! કુદરતે 18 થી 25 સુધીની ઉંમરના સાત અદભુત વરસ આપ્યા છે ત્યારે અંદર રહેલી ઉર્જાને વાપરશું નહી તો જવાની સાર્થક થશે નહી. જે માણસની જવાની સાર્થક નહી, એનું જીવન સાર્થક નહી.

એટલે હે યુવાનો...અંદરને અંદર કેટલું બળવાનું?

ઉભા થાવ. હા...તમે ખુદની જે પણ નબળી વાતો પર રડી રહ્યા છો તે રડવાનું બંધ કરીને પહેલાતો આંસુ લુંછીને ઉભા થાવ. બાથરૂમમાં જઈને ચહેરો પાણીથી ધોઈને બહાર આવો. પોતાની રૂમ બંધ કરીને થોડું અંધારું કરીને થોડીવાર ગાંડાની જેમ નાચી લો! અંદરનો જેટલો ગુસ્સો છે એ નાચીને કાઢી નાખો, જ્યાં સુધી નીચે ન પડી જવાય ત્યાં સુધી નાચી નાખો. જયારે થાકીને નીચે પડી જાવ, અંદરની કોઈપણ બળતરા થોડી શમી ગઈ હોય પછી મારી નીચેની વાત ગળે ઉતારી લો:

માણસો કહેતા હોય છે કે માણસને દિલના અવાજને સાંભળીને જીવવું જોઈએ. કદાચ બધા સાચા હશે પરંતુ યુવાને તો પોતાના આંતરડાના અવાજને સાંભળીને જીવવું જોઈએ. આંતરની અવાજ એ જ અંતરનો અવાજ. જેને દુનિયા Intuition કહે છે તે! આંતરનો અવાજ સાંભળનારા માણસો કદાચ પોતાની છાતીના અંધકારને ઓળખતા નહી હોય, પરંતુ હું છાતી ઠોકીને કહી શકું કે તેઓ પોતાની લાઈફને સાર્થકતા પૂર્વક જીવી જશે. આ અવાજ એટલે શું? આંતરડીનો અવાજ કેમ જીવવાનો?

મોજમાં રહેવું, ખોજમાં રહેવું. કશું હારવું, ક્યાંક પડી જવું, ફરી ઉભા થવું. દોડવું!

યુવાની ‘ચાલવા’ માટે નથી, ‘દોડવા’ માટે છે.

યુવાની ‘બોલવા’ માટે નથી, ‘રાડ-ત્રાડ-પોકાર’ પાડવા માટે છે.

યુવાની ‘પચાવવા’ માટે નથી, ‘ઓકવા-થૂંકવા’ માટે છે.

યુવાની માત્ર ‘હવા’ નથી, આ વંટોળ છે, વંટોળ...

એટલે ઉભા થાવ, અને જીવનમાં ક્યારેય ડિસ્કોથેકમાં ના ગયા હોય તો જાવ. ખુબ નાચો.

જીવો. પ્રેમ કરો. સરહદો તોડીને પ્રેમ કરો. સમાજની એક-બે-અને સાડાત્રણ! એવો પ્રેમ કરો કે એ જયારે તૂટે ત્યારે તમે અને તમારું સર્વસ્વ તૂટી પડે. નાત-જાત-રંગ-ભેદ બધાની સરહદો ઉપર થૂંકી નાખો.

એકલા હો તો એકલતાની ઉજાણી કરો. રખડો. ખુબ રખડો. એકલા રખડો. એક ટુકડો રોટલી ખાઈને દિવસ પસાર કરીને પણ દેશના ખૂણે-ખૂણે ઘૂમી લો. લોકોની જીંદગી જુઓ, આ સર્કસ જુઓ, અને પછી એને હસી નાખો.

જવાનીમાં આમેય આખી દુનિયાને હસી નાખવાની હોય. જાત અનુભવે જંગ છેડીને, આખું જગ ખેડીને, જીવ રેડીને પોતાના પ્રચંડ સત્યો ઉભા કરવાના હોય. એવા અનુભવો કરવાના હોય કે જે તમને સાચી રીતે ‘ડીફાઇન’ કરે, તમારું ‘હું’ જેમાં સાર્થક થતું હોય.

ભૂલ કરો. નાની-નાની નિષ્ફળતા મેળવો. વીસ કામમાં હાથ અજમાવો, અને એ બધામાં નિષ્ફળ જાવ. મેં ખુદ એન્જીનીયર થઈને વેઈટરનું કામ કરેલું છે, કોલસેન્ટર, સેલ્સમેન, અને ટુરિસ્ટના ગાઈડનું કામ કરેલું છે. ભિખારીના બાળકોને મફતમાં ભણાવ્યા છે, હજાર માણસોની સભામાં સ્ટેજ પર ચડીને પૂરી ખુમારીથી ભાષણ આપેલું છે. મારા કોલેજના દોસ્તો જયારે ‘ટાઈમ નથી’ એવું કહીને વાંચવા બેસતા ત્યારે મેં જિંદગીને માનવા માટે એક ચાદર ઓઢીને મુંબઈના એક હાઈ-વેના ડીવાઈડર ઉપર સુઈને ત્રણ-ચાર રાતો વિતાવી છે. સિગારેટ-બીયર-હુક્કા પણ માણ્યા છે, અને યોગ્ય સમયે તેને છોડીને ગીરના જંગલમાં અંધારામાં બેસીને ધ્યાન-તપ પણ કર્યું છે. આ બધા જ અનુભવો છેલ્લે આજે 25માં વરસે લાઈફ પ્રત્યે એક ‘રીસ્પેક્ટ’ પેદા કરી આપે છે. મારા વાંચકને કશુંક નક્કર કહેવા માટેની ઔકાત આપે છે. એવું માનતા નહી કે હું ધૂની છું, લેખક છું એટલે આવો છું. ના..હું યુવાન છું એટલે એવો છું. સાચો યુવાન એની યુવાનીને સાર્થક કરી જાણે છે. બસ.

મેં એકવાર લખેલું: યુવાનમાં બુદ્ધ અને રોમિયો બંને હોવા જોઈએ. યુવાનમાં ભગતસિંહ અને ગાંધી સાથે જીવવા જોઈએ. યુવાનમાં ચાણક્ય અને સરદાર પીગળેલા હોવા જોઈએ. તેની અંદર મધર-ટેરેસા અને હિટલર સમાયેલા હોવા જોઈએ. કવિ અંકિત ત્રિવેદી કહે છે તેમ યુવાનના રુંવાડે રામ અને શ્વાસમાં શ્યામ હોવા જોઈએ!

એટલે દોસ્તો...રડવાનું બંધ કરીને થોડું ફ્લર્ટ કરી લો. થોડી લાઈન મારવાની છૂટ! પરંતુ સાથે-સાથે પોતાનું એકત્વ ભૂલાય નહી તે રીતે જંગ છેડો. જાત સાથે બળવો કરો, અને સમાજ સાથે યુદ્ધ. ખરું કૃષ્ણત્વ એજ છે કે યુવાન પ્રેમ અને જંગ બંને ખેલી શકવો જોઈએ. યુવાન જગતની પરવા કર્યા વિના જુના રીવાજો-શિખામણો-રસ્તાઓ-આદર્શો બધું તોડી-પાડીને પોતાનું કશુક આગવું કરવો જોઈએ.

યારો...ખુબ વાંચો. અતિરેક થઇ જાય એટલું વાંચો, ફિલ્મો જુઓ. ટોરેન્ટ હેંગ થઇ જાય એટલી જુઓ! બધા કામ માંથી સમય કાઢીને કોઈએ ન કરેલું દિલને ગમતું કામ કરો. જયારે આખી દુનિયા સુતી હોય ત્યારે કોઈ એક નાનકડું સપનું લઈને એને સાકાર કરવા જાગો, તપ કરો. લાઈફને નિચોવી લો, યુવાનીને નિચોવી લો. પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર કુદીને ન ગમતા કામમાં પણ ઊંડા ઉતરો.

પોતાની જાત સાથે વાતો કરતા રહો. પોતાને સવાલ પૂછો, જવાબ માંગો. જવાબ ના હોય તો જાવ અને એનો એકવાર અનુભવ કરી લો.

આ બધું યુવાની છે, અસ્તિત્વ છે. એક દિવસ એ અસ્તિત્વ એજ આંતરડાનો અવાજ છે એવી ખબર પડશે. ઈશ્વરમાં માનતા હોતો એમાં શ્રદ્ધા રાખીને જોતા રહેજો: એક દિવસ કોઈ એવું કામ મળી જશે જેમાં જલસો પડી જશે. એ કામને પછી તમે જીવનનું એકમાત્ર ધ્યેય બનાવી દેજો.

અને હા...એ કામ શું છે એ જાણવા માટે રડવાનું બંધ કરો. ઉભા થાવ.

અંતિમયાત્રા:

યુવાનને ખબર હોવી જોઈએ કે પોતાના હૃદયને ગમતી વસ્તુ-કામ શોધવાનો એક જ ઉપાય છે- હજાર કામ કરવા. દરેક કામ પુરા ખંત-ઊંડાણ-પરફેક્શનથી કરવું. ખુશ રહીને કરવું. દરેક કામમાં ઊંડે ઉતરતા તેને કોઈ કામનું ઊંડાણ એટલું ગમી જશે કે તે કામને તે પોતાના હૃદયના ઊંડાણમાં સંઘરીને મોજથી જીવતો થઇ જશે. ખેર...ગમતા કામની ખબર ન પડે તો પણ યુવાન ખુશ હોવો જોઈએ. ગમે તે ભોગે.

***

8 - ઓહ કોલેજલાઈફ...આહ કોલેજલાઈફ!

કોલેજ લાઈફ! પેલો રંગ દે બસંતીનો ડાયલોગ યાદ આવે છે? ‘કોલેજ દી ગેટ કે ઇસ તરફ હમ લાઈફ કો નચાતે હે...તે દુજી તરફ લાઈફ હમકો નચાતી હે’ કોલેજ પછીની લાઈફ પોતાને ન ગમતા કામ કરવામાં માણસને નચાવતી હોય છે. મારો એક દોસ્ત હમણાં ફોન પર કહેતો હતો- ‘સાલું આ કોલેજ પછી મારી લાઈફની હાલત કોઈએ બે પગ વચ્ચે લાત મારી હોય એવી થઇ ગઈ છે. તારી લાઈફ કેમ ચાલે છે?’ મારી પાસે પણ એવો જ જવાબ હતો- ‘આઈ એમ ઓલ ફક્ડ અપ!’

વેલ. કોલેજમાં કરેલા નાચ બહાર નીકળીને આપણને નચાવે છે! છતાં કોઈને એવો મોટો અફસોસ નથી હોતો. ના હોવો જોઈએ. આપણી એજ્યુકેશન સીસ્ટમ મુજબ કોલેજ જ આપણા જીવનની પ્રયોગશાળા છે. કરો નખરા. ખેલ કરો. એક્સપરીમેન્ટ કરો. કોલેજના ત્રણ-ચાર વરસમાં યુવાનને ખબર પડી જવી જોઈએ કે પોતે શું કરવા ઘડાયો છે. હા. પોતાના દિલને ગમતું કામ શોધવાનો સૌથી સારો સમય કોલેજ છે. બેફીકર-બેશરમ બનીને જીવન સાથે ચેડા કરી શકો, અને કોઈ ટોકે નહી. કોઈ કહેશે નહી કે- યાર..સુ લાઈફની મધર-સિસ્ટર એક કરવા બેઠા છો!

પણ આપણે ક્યાંક ભૂલ કરી બેસીએ છીએ. લેટ મી એક્સ્પ્લેઇન: બંક મર્યા, છોકરી પાછળ પડ્યા, પટાવી ના શક્યા, બીજી શોધી, ના મજા આવી, લેક્ચરર ગમી ગઈ! ચાલશે. એક્ઝામના દસ દિવસ પહેલા કોર્સ જોયો, બેકાર પેપર ગયા, કેટીના ઢગલા થયા, વધુ કેટી ભેગી થઇ અને ફાટી પડી, કોલેજને ગાળો દીધી, પેલી પ્રોફેસરની સેક્સી બોડી આને માટે જવાબદાર લાગી! ઓકે, એ પણ ચાલશે. દિલોજાન દોસ્ત બન્યા, સ્ટીરીયો ઉપર પોર્ન જોઈ, બીયર-વ્હીસ્કીના નશામાં સ્કૂલની લવ-સ્ટોરી સૌને સંભળાવી, હુંકાનો કેફ ચડ્યો, વગર પેટ્રોલની માંગી બાઈક ફેરવી, ફિલ્મોમાં-ટોકીઝ ઘસી કાઢી, મુવી ડાઉનલોડ કરીને ટોરેન્ટને પણ હેંગઓવર આવી ગયું! ઓકે, એ પણ ચાલશે. એસાઈનમેન્ટના ઉતારા કર્યા, પ્રોફેસરને તો ત્રીજી પેઢીની ગાળો આપી, બેંચ પર ઊંઘ કરી, વાઈવામાં પ્રોફેસરે ત્રીજી પેઢી યાદ કરાવી, પ્રેક્ટીકલમાં ‘પું’ થઇ ગયું, હોસ્ટેલમાં રમેલી NFS યાદ આવી ગઈ, FF આવ્યો! ધેટ્સ ગુડ. બોગસ ટેક-ફેસ્ટ, એથી બોગસ કલ્ચરલ ફેસ્ટ, એથી બોગસ કોન્વોકેશન અને એના ભાષણો, એથીયે બોગસ પેલો માલ હવે જોવા નહી મળે એની ફીલિંગ! વર્સ્ટ પાર્ટ આપણા દોસ્તો દુર જશે! આ બધું ગયું.દોસ્તો સાથે આખી રાત ગપ્પાબાજી, દુનિયા બદલવાની વાતો, પ્લેસમેન્ટના સપના, અને છેલ્લા વરસમાં કોલેજે મારેલી લાતો, ગુઝ-બમ્સ, ફ્યુચરનું ટેન્શન, દોસ્તી દુર થશે હવે? લાઈફની વાટ લાગશે હવે? વેલ...ધેટ્સ ઓકે ટુ!

પણ દોસ્ત...એક વાત કહું? આ બધું તો બધાએ કર્યું! તમે નવું શું કર્યું? જો થોડું-ઘણું ધ્યાન આપ્યું હોય તો ફર્સ્ટક્લાસ આવી જાય, અને કોઈ કંપની લઇ જાય. ગુડ. પણ મને એ કહો કે આતો બધા કરે જ છે! તમે શું કર્યું? ઓકે. તો હું કહું શું કરવું જોઈએ? મેં જોયું છે કે કોલેજલાઈફમાં જેવો સ્પાર્ક યુવાનોમાં હોય છે તેવો જોબલાઈફમાં નથી હોતો. કેમ? ધે ડોન્ટ લવ ધેર જોબ! બિચારા વપરાયેલા કોન્ડમ જેવા થઇ ગયા હોય છે! (આવા વિશેષણ માટે લેખકને ગાળો ના દેવી!) આના બે કારણ છે: એક આપણી એજ્યુકેશન સીસ્ટમ, અને બીજું- આપણે! આપણી સિસ્ટમે આમેય આપણી ક્રિયેટીવ સેન્સ મારી નાખી હોય છે. ગોખી-ગોખીને હવે તો ગાંડા થયા. લાલ થઇ ગઈ! બારમાં ધોરણનો ભાર હતો. વધુ ભાર આપીએ તેમ સ્પ્રિંગ ઉછળે એ રીતે સૌ કોલેજમાં ઉછળ્યા. બારમાં બોર્ડમાં જેટલી ભીંસ પડી તેની બમણી મોજ કોલેજમાં કરી (પણ જીવનના ઉદેશની ખોજ ન કરી...આ આપણો વાંક!) પણ સિસ્ટમને કેટલી કોંસશો? લંકા બાળવી હોય તો હનુમાનજીને પણ પૂંછડે આગ લગાડવી પડે છે!

હા...તો હવે આપણો વાંક કહું. જીવનનો ઉદેશ્ય, પેશન, ઓબ્સેશન તેની તમે ખોજ ના કરી. હું તો ૨૫૦ ટકા માનું છું કે સ્કુલ ક્રિયેટીવીટીને મારી નાખે છે, પણ આપણે ખુદ એને જીવાડી શકીએ છીએ. પહેલું કામ: કોલેજના જલસા સાથે પોતાને ગમતા કામ શોધવાનું ચાલુ કરો. ગમે તે ભોગે દિવસના અમુક કલાક એ કામ કરો. કામની ખબર ના હોય તો ભરપુર વાંચો. પુસ્તકો જીવનને ઉગારી દેશે. દિમાગની બતી ચાલુ કરો. જો પોતાની બ્રાંચમાં રસ હોય તો તેનું ભરપુર વાંચો. પ્રેક્ટીકલ વસ્તુઓ બનાવો. નવા ઇનોવેટીવ આઈડિયા શેર કરો. ટેક-ફેસ્ટમાં ‘સક્રિય’ ભાગ લો. જો પોતાના વિષયમાં રસના હોય તો બીજા વિષય શોધો. સિંગીંગમાં પાર્ટ લો. ભલે ચપ્પલ ઉડે, પણ એકવાર ગાઓ. ડાન્સિંગ પણ કરો. બેશરમ શકીરા બનો દોસ્ત. કોઈ નાટકમાં ભાગ લો, કોઈ સ્ટોરી લખો, પેપર લખો, શોર્ટ ફિલ્મ બનાવો, બ્લોગ ચલાવો, ચિત્રો બનાવો. જો આર્ટમાં પણ રસ ના પડે તો ટ્રાવેલિંગ કરો, એકલા ફરો, લોકોને મળો, નાનકડી જોબ કરો. નાનકડી જોબ મતલબ શું? બેશરમ થઈને કોઈ હોટેલમાં વેઈટર બનો, કોલ સેન્ટરમાં કામ કરો, બસ કંડકટર બનો, કૂક બનો, નાની દુકાન ખોલો, છાપા-બુક્સ વેચો, નવી જ પ્રોડક્ટ બનાવીને વેચો, રસ્તા સાફ કરવાની જોબ પણ ચાલે, કોઈ ઝુંબેશનો પાર્ટ બનો, ભાષણ કરો, બળવો કરો, સ્પોર્ટ રમો, લાઈબ્રેરીમાં ફ્રી સર્વિસ આપો, કોઈ સર્વેમાં ભાગ લો. અરે યાર...લાંબુ લીસ્ટ છે. એ બધું પણ ના ગમે તો? વધુ પુસ્તકો વાંચો. બસ.

આવું કેમ કરવું? દોસ્ત, આ બધું કરતી સમયે હૃદયના કોઈ ખૂણામાં ક્યારેક અવાજ આવશે કે- ‘યાર આ કામમાં મોજ પડી ગઈ! મજા આવી!’ બસ. એ દિલનો અવાજ છે! એ કામને પકડી લો, એમાં ઊંડા ઉતરો. વધુ મોજ પડી? વધુ ઊંડા ઉતરો. કુવાને ઊંડો ખોદશો તો મીઠા પાણી મળશે. સાચું કહું તો...લાઈફના પચીસ વરસ જાય એ પહેલા એ કામને પ્રોફેશન બનાવવાની પૂરી ટ્રાય કરીલો. નહી કરો તો કોલેજના ગેટ બહાર જીંદગી તમને નચાવશે. પચીસ પુરા થશે ત્યાં અરેન્જ મેરેજનું ભુત, પછી છોકરા, વધુ પૈસા, પૈસા, પૈસા, છેલ્લો શ્વાસ. ગેમ ઓવર!

તમને ડરાવતો નથી. ના ગમતા કામ કરીને ખુશીથી જીવન-ઉત્સવ મનાવતા લોકો આપણે જોયા જ છે. આપણા માં-બાપ એમાં આવી જાય છે. પણ આપણે એવું નથી કરવું. ગમે તે ભોગે ખુશ તો રહેવું જ છે, પણ સાથે-સાથે ખુશી આપતું કામ પણ કરવું છે. એટલે જોબ કરતા હોતો સાઈડમાં ગમતા કામ કરવાનો ટાઈમ કાઢો. બહાનાં ના દેશો. કોલેજ ચાલુ હોય તો ટાઈમપાસ ના કરો. જલસાનો ટાઈમ કાઢો, પણ જલસા કરવાનો ટાઈમ શોધતા ના ફરો. ખોજ કરો. અહી બધું જ છે. મને આવા ફોલોસોફીના ભાષણ આપવાની ઔકાત કે અધિકાર નથી, પણ મેં ઉપર લખેલું બધું અનુભવ્યું છે. લંકા બાળવી હોય તો પૂંછડે આગ જરૂરી છે. એ આગ એટલે સ્પાર્ક. ગમે તે ભોગે, છેલ્લા શ્વાસ સુધી ખુશ રહીને, ગમતા કામ કરીને, કમાવાની ખેવના. આ બધું બોલવામાં સહેલું છે, ઉતારવામાં કડવું, પચવામાં ભારે, અને સેહત માટે બેસ્ટ. એક બેસ્ટ સલાહ દઉં: GRE, માસ્ટર્સ, કોમ્પીટીટીવ એક્ઝામ આપતા પહેલા વિચારવું: કે સાલું...જે વિષયો મેં બેચલર ડીગ્રીમાં એન્જોય નથી કર્યા, એને લઈને માસ્ટર્સ કે તેને લગતા કોર્સમાં એન્જોય કરીશ?

“કરિયર બનાવો. જોબ ઈઝ આઉટ-ડેટેડ. ગધેડા પણ જોબ કરી શકે છે”- મારા કોલેજના કોમ્યુનિકેશન સ્કીલના પ્રોફેસર વેણુ મહેતા.

***

9 - તો ઝીંદા હો તુમ.

હું ડ્રાઈવ-ઇન-રોડના ડીવાઈડર પર બેઠો છું. તમરાઓનો અવાજ આવી રહ્યો છે. ધીમો વરસાદ ચાલુ છે. રાત્રીના દસ વાગ્યા છે. વાહનો ઓછા છે. મારી સામે રહેલા ‘હિમાલયા’ મોલ માંથી યુવાન કપલ બહાર આવીને પલળી રહ્યા છે. ઘણા દિવસ પછી આજે નિરાંત થઇ છે. બહારની દુનિયાને જોઇને એમજ ભડકે બળતી અંદરની દુનિયાને આ વરસાદે ઠારી દીધી. વરસાદ હંમેશા સારા માણસોને જન્મ આપે છે. સારા વિચારોને જન્મ આપે છે. સામે મેક-ડી ના ગેટ પર એક ક્યુટ કપલે નાનકડી કિસ કરી. વરસાદ જૂની યાદોને કોમા માંથી બહાર કાઢે છે. વરસાદમાં આંખો બંધ કરીને લાઈફને વિચારું છું ત્યારે સડસડાટ ભાગી ચુકેલી ત્રેવીસ વરસ લાંબી મુવી દેખાય છે. છેલ્લા થોડા વર્ષો હાઈ-ડેફિનેશનમાં છે! છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં જોયેલી દુનિયા કહું? આ વર્ષોમાં અમે યુવાનો ઉમાશંકર જોશીના સપનાના વિશ્વ-માનવ બની ચુક્યા છીએ.

વિશ્વમાનવ. અદભુત વર્ડ છે. અમે યુવાનો હવે એ શબ્દને સાર્થક કરી રહ્યા છીએ. પૂરી રીતે નહી, આંશિક. અધૂરામાં જ મજા છે. અમે યુવાનો હવે હાર્ડ-કોર દોસ્તી કરવા લાગ્યા છીએ. અમે સર ઊંચા રાખીને દોડી રહ્યા છીએ. અમારા સપના ઘેલા છે. પાગલ છે. અમારે પામવા છે. અમે નવા રસ્તાઓ ખોળ્યાં છે. કાંટા વધુ છે એ રસ્તે, પણ અમને એની મજા લેતા આવડે છે. પીડાનું સુખ હોય છે! અમને શોર્ટ-કટ પસંદ નથી. શોર્ટ-કટ લઈને સફળ થયેલા વડીલોની આ દુનિયામાં નિરર્થકતા અમને ખબર છે. અમે યુવાનો એવા મોટા આદર્શવાદી નથી. ના. બનીશું પણ નહી, પણ અમારા આદર્શો આ વરસાદની જેમ ગુંજન કરશે જરૂર. જુઓને...અમે સરેઆમ કેટલાયે નિયમો તોડીને વિશ્વ-માનવ બની ચુક્યા છીએ: અમે સરહદો તોડીને પ્રેમ કરી શકીએ છીએ. દોસ્ત બનાવતી સમયે જ્ઞાતિ પૂછતાં નથી. અમે ટાઈટ હગ કરીએ છીએ. અમે દુનિયાભરના લોકો સાથે કનેક્ટ છીએ. અમારા વિચારો કહીએ છીએ. એમના વિચારોને સ્વીકારીએ-સમજીએ છીએ. અમારી લાઇફને ફેસબુક-ઇન્સ્ટોગામ-બ્લોગ્સ-વોટ્સએપ પર આસાનીથી શેર કરીએ છીએ. સારું ઈંગ્લીશ બોલીએ છીએ, સારું ગુજરાતી બોલીએ છીએ. બધું ખાઈએ છીએ. હવેતો ફૂટબોલ-ક્રિકેટ-હોકી બધું રમીએ છીએ. બધી ભાષાની મુવીઝ અને ટીવી સીરીઝ જોઈએ છીએ. દરેક ન્યુઝની અપડેટ હોય છે. વિશ્વના દરેક ખૂણામાં રહેલા માણસની વાતો-સ્ટોરી-પીડા-ખુશી પામી જઈએ છીએ. અમને ગમતી વસ્તુઓ કરીએ છીએ. ગમેં તે ભોગે! ખુશ છીએ. રડવાના-હસવાના કારણોની અમારે જરૂર નથી. છાતી ખોલીને જીવીએ છીએ. જુઓને...અમને ના ગમતું ફેંકી દઈએ છીએ. નથી જોવું તે નથી જ જોતા. સર ઊંચા છે. કાન ખુલ્લા છે. આંખો આકાશ તરફ છે. અમને વરસાદમાં ભીંજાતા આવડે છે. આખા વિશ્વના કોઈ પણ ખૂણે અમે ખુશ રહી શકીએ છીએ. અમને જોઇને રવીન્દ્રનાથ ટાગોરને આંસુ આવી જાત. જુઓ...અમારા દિમાગ કોઈ ભય વિના જીવી રહ્યા છે. જ્ઞાન ક્લિક દુર છે. અમે ઘડેલું વિશ્વ ટુકડાઓમાં છે જ નહી, મુઠીમાં છે. અમે સાચું-કડવું કહી દેવાની હિંમત રાખીએ છીએ. અમે ભૂખ્યા છીએ. તમે કહો છો તે પરફેક્શન માટે મહેનત કરીએ છીએ. અમારા કારણો ખુબ જ ચોખ્ખા છે. કોઈ ખોટી કુટેવો નથી. અમારા દિમાગ વિચારે છે, અને કશુંક કરી બતાવે છે. ટાગોરજી...એવા જ સ્વતંત્ર સ્વર્ગમાં તમારે તમારા દેશને જોવો હતોને? હવે જન્મ લઈલો ફરીથી.

હવે આ વિશ્વ-માનવ વાંચે છે. હજારો પુસ્તકો વાંચે છે. તેને ખબર પડી ગઈ છે કે- આ વિશ્વને પુસ્તકો જ બદલી શકે છે. યુવાન વાંચી રહ્યો છે. કાલે ઉઠીને અમારા બાળકોને કદાચ ઈમેજીનેશન અને ક્રિયેટીવીટીની ખોટ નહી લાગે. અમે તેમને બચપણથી જ પુસ્તકો આપીશું. અમને સમજાયું છે કે- આ વિશ્વને ‘વોર’ નહી, ‘વર્ડ્સ’ બદલાવી શકે છે.

આહ...એક મોટો વીજળીનો કડાકો થયો. જુઓ. સામે પેલા બધા યુવાન કપલ અલગ-અલગ દિશામાં ભાગવા લાગ્યા. જોયું? કુદરતને કસોટી જ પસંદ છે. માણસોને જ પરીક્ષાઓ ગમતી નથી. હવે મને એ પરીક્ષાનો ડર લાગી રહ્યો છે. હજુ હું ડીવાઈડર પર જ પલળી રહ્યો છું. વિચાર આવે છે. ડર. ભવિષ્ય અલગ બન્યું તો? લડી લઈશું? રખે ને...અમે યુવાનો ટેકનોલોજીના ગુલામ બની ગયા તો? અમે ઇન્ટરનેટ વિશ્વમાં વધુ નજીક આવીને એકબીજાના જીવનને ખલેલ પહોંચાડવા લાગ્યા તો? જે સ્માર્ટફોન અમને કરોડો કિલોમીટર દુરથી નજીક લાવ્યો, તે જ ફોન બે પાકા મિત્રોને બાજુમાં બેઠા હોય તો પણ દુર નહી કરી નાખેને? અમે બધા વાંચતા બંધ થઇ ગયા તો? કાલે ઉઠીને કોમ્પ્યુટરે અમારા દિમાગને રિપ્લેસ કરી દીધું તો? સ્પાઈક જોન્સના મુવી ‘HER’ જેવું થશે તો? કાલે મેં શેર કરેલી મારી લાઈફને કોઈ વીંખવાનું-પીંખવાનું વિચારશે તો? લોકો એકબીજાને ટાઈટ હગ નહી આપી શકે તો? પ્રેમીઓ એકબીજાને રડાવી નહી શકે તો? અરેરે...યુવાનો યાંત્રિક નહી બની જાયને? યુવાનો વરસાદમાં પલળશે તો ખરાને? તેઓની લાગણીઓ પર્સનલ નહી બની જાયને? તેમના સપનાઓ સ્વાર્થી નહી હોયને? તેમને આ વિશ્વમાં બદલાવ લાવવાની ખેવના હશેને? નહી હોય?

જુઓ...વીજળીનો બીજો કડાકો થયો. ખેર...હું તો નહી ડરું. કેમ ડરવાનું? આશા છે મને. ટાગોર અને ઉમાશંકરના સપનાનું વિશ્વ જ રહેશે આ. અમે પ્રેમ કરીશું. રીવાજો તોડીશું. જ્હોન લેનનની જેમ...”ઉપર ખુલ્લું આકાશ છે. ક્યાંયે નર્ક છે જ નહી. અહી કોઈ દેશ નથી.કોઈ સરહદ નથી. કોઈને મારવાના નથી. કોઈને મરવાનું નથી. કોઈ ધર્મ નથી. સહુ શાંતિથી સપનાઓ લઈને જીવે છે. તમને લાગે છે આવું કહેનારો હું એકલો છું. ના. કેટલાયે માણસો મારા જેવું જ વિચારે છે. સૌ શાંતિથી જીવે છે. કદાચ તમે પણ મારી સાથે જોડાઈને વિશ્વ-માનવ બની જાશો. આપણે એવું વિશ્વ વિચારીશું જ્યાં કોઈ લાલચ, ભૂખમરો, લુંટ નહી હોય. જ્યાં બધા ભાઈઓની જેમ રહેતા હશે. નાનકડી દુનિયાને એકબીજા સાથે પથારીની જેમ શેર કરતા હશે. આપણે એકલા આવા સપના જોનારા નથી. ઘણા બધા છે!”

વરસાદ વધી ગયો છે. તમરાનો અવાજ બંધ થઇ ગયો છે. આ ધરતી પર આશા સૌથી છેલ્લે મરનારી હોય છે. મને એ આશા છે- આપણે વિશ્વમાનવ બની રહેશું. દિલથી જીવીશું. ખુશ. હસતા. કિલ્લોલ કરતા. ભીંજાતા. આપણા આંસુની-પીડાની પણ આપણે ઉજાણી કરી નાખીશું દોસ્ત. આ વરસાદની જેમ જીવીશું. ગરજશું. મન મુકીને વરસશું. બીજાને ભીના કરીશું. પોતાના આ વિશ્વ પરના જન્મને ઉત્સવ બનાવી દેશું. જેમ વરસાદ એક ઉત્સવ છે તેમ. આપણા એ જીવનમાં બીજા પણ નાચી શકશે. વહી જશું એક દિવસ. આ વરસાદની જેમ કોઈ સરહદ જોયા વિના રસ્તાઓ બનાવી લેશું. સુગંધ ફેલાવીશું. ભલે આપણે અત્યારે અધૂરા છીએ, પણ અધુરાની જ તો મજા છે! અહી કોને પરફેક્ટ થવું છે? બસ...તેની નજીક રહીને જીવનનો ઉત્સવ કરીશું. સૌને ખબર છે કેમ જીવવું! નથી ખબર? બસ...ઉપર કહ્યું તેમ! વિશ્વ-માનવ બનીને. જીવનના વરસાદમાં સપનાઓની હોડી ચલાવીને. લાગણીઓમાં ભીના થઈને. વિશ્વમાનવ એટલે શું? સ્વતંત્રતા. ચાહત. સંઘર્ષ. આંસુ. મુસ્કાન. આશા. ખુશીઓ. વેદના. ઉત્સવ. મૃત્યુ. બસ...આજકલ અમે યુવાનો એવા બની રહ્યા છીએ. અમને દુનિયાની પડી છે. સામે પાણીમાં તરતા કચરાની પડી છે. વરસાદમાં ભળી ગયેલા પ્રદુષણની પડી છે. આ દુનિયા મારા નાચવા માટેનું સ્ટેજ છે. મારી પછીની પેઢી પણ અહી નાચશે. રંગ-મંચ પર દિલ ફાડીને નાચવું છે. લોકોને હસાવવા છે. જુઓને આ વરસાદ કેવી ગાંડી વાતો કરાવે છે! અમે યુવાનો આવા જ છીએ! વિશ્વ-માનવ. મસ્ત શબ્દ છેને?

***

10 - દુનિયાને બદલી શકાય છે!

સવારે રિક્ષામાંથી ઊતર્યો અને ઈયર-ફોન્સ ભરાવ્યા. પ્લેલિસ્ટ શફલ મોડ પર મૂકીને મારી મસ્તીમાં ચાલતો જતો હતો. સવારનો સમય હતો એટલે રોડની એકબાજુ 30-40 જેટલા લોકો ટોળે વળીને ઊભા હતા. એમના દીદાર અને અધીરાઈ જોઈને લાગતું હતું કે બધા મજૂર-વર્ગના છે, અને એમને કામ પર લઈ જવા આવતા છકડા કે એવા કોઈ વાહનની રાહ જોઈને ઊભા છે.

હું બધાંના ચહેરા જોઈ રહ્યો હતો, એમની જિંદગી કેવી હશે એની કલ્પના કરતો હતો. જે વાતો કરતા હતા એ બધાંના દાંત લાલાશ પડતા હતા, કેટલાક ત્યારે પણ ગલોફામાં ભરીને માવો કે મસાલો ચાવતા જ હતા. હું એમની બાજુમાંથી જ પસાર થયો, રોડ પર ઠેકઠેકાણે તાજી કે આગલા દિવસોની પાન-મસાલાની પિચકારીઓ દેખાતી હતી. કેટલો સરસ રોડ છે, એકદમ ચકચકાટ ! એને આ લોકોએ પિચકારીઓ મારી-મારીને રોડ ઓરિજનલ કયા કલરનો હતો એ જ ના ઓળખાય એવો બનાવી દીધો છે. મનમાં દેશની સંપત્તિનો દેશના જ નાસમજ લોકો કેવો કચરો કરી નાખે છે એનો અફસોસ થયો, અને વિચારો ચાલુ થયા :" કાશ આ લોકો થોડું ભણેલા હોત, તો એ આવું ના કરત. જે દેશની ચોથા ભાગની વસ્તી અશિક્ષિત છે, ત્યાં ગમ્મે એટલી સારી વસ્તુ બનાવીને આપો, એનો દુરુપયોગ થવાનો જ. આ લોકોને એવું તો શિખવાડવામાં જ નથી આવ્યું કે ભાઈ આ દેશની એટલે કે આપણાં સૌની સંપત્તિ છે, એને આ રીતે બગાડાય નહીં. જ્યાં સાંજે રોટલા-ભેગા થવાશે કે નહીં એ જ પ્રાણ-પ્રશ્ન હોય ત્યાં દેશ ને દેશભક્તિ ને રાષ્ટ્રીય સંપત્તિ ને એવું બધું શું સમજે એ લોકો ? કોણ સમજાવે ? કાશ એ થોડા શિક્ષિત હોત !"

બરાબર એ જ સમયે મારી વિચાર-શૃંખલાને તોડતી એક કાર પસાર થઈ. રાષ્ટ્રીય સંપત્તિ ગઈ તેલ પીવા, આ વ્યક્તિગત સંપત્તિ તો જો બૉસ !! શું લાગે યાર...!! મનોમન જ અડસટ્ટો વાગી ગ્યો કે આરામથી 30-40 લાખની તો હશે જ ! પવનને ચીરતી એ નીકળી અને હું તાત્કાલિક મોહી પડ્યો. કાર જસ્ટ થોડેક જ આગળ ગઈ હશે, અચાનક ઝડપથી એનો લેફ્ટ સાઇડનો ડોર થોડોક ઓપન થયો, એક માથું જરીક બહાર નીકળીને નમ્યું અને પચ્ચ કરીને પિચકારી મારી... ચાલુ ગાડીએ, રોડ પર જ !! મારા રૂંવે-રૂંવે આગ લાગેલી, હાથમાં રહેલો મોબાઈલ એના માથા પર છૂટ્ટો મારવાનું મન થઈ ગયું. પણ એક ગમાર ગધેડા માટે મારો મોંઘેરો ફોન થોડો બગાડાય ?

સળગતા દિમાગ સાથે એ જ એકદમ તાજજી પિચકારીની બાજુમાંથી પસાર થયો. રોડ પર એક લાલ-ચટ્ટાક ડાઘ પડી ગયેલો. પેલી હારબંધ પિચકારીઓની સરખામણીમાં મને આ એક " શિક્ષિત પિચકારી " વધુ વસમી લાગતી હતી. અજાણતાં જ મારી નજર પાછી વળી, પેલા ટોળા બાજુ, અને મન બોલી પડ્યું : " એમાં તમારી કોઈ ભૂલ નથી ! "

મારા ફેસબુક વૈભવ અમીને આ પોસ્ટ મુકેલી. છેલ્લી લીટી ફરી વાંચો: " એમાં તમારી કોઈ ભૂલ નથી !

" આખા દેશનો કેટલાયે વર્ષોનો ઘાણવો દાજેલો છે!

એની વે. સોલ્યુશન છે. આપણા દેશના, આખા વિશ્વના, અરે.… આખી માનવજાતના દરેક પ્રોબ્લેમનું એક મસ્ત મજાનું, સાવ સહેલું સોલ્યુશન છે. એ સોલ્યુશન આજકાલ આપણે યુવાનોએ વાંચ્યા-જાણ્યા-સમજ્યા-પચાવ્યા વગર વખોડી-હસી નાખેલો બંદો આપી ગયો હતો. એ સોલ્યુશન કહું એ પહેલા બીજી સાચી ઘટના કહી દઉં:

હું મારી બાઈક લઈને વડોદરા ટ્રાફિકમાં જઈ રહ્યો હતો. મારી થોડે આગળ સાઠેક વરસનો માણસ બાઈક લઈને જઈ રહ્યો હતો. અચાનક તેને બિચારાને ચક્કર આવ્યા હશે, તેણે બાઈકનો કંટ્રોલ ગુમાવ્યો અને તે નીચે પડ્યો. તેને વધુ વાગ્યું નહી, પણ તેના હાથ-પગ ડામર સાથે ઘસાવાથી લોહી નીકળવા માંડ્યા. મેં મારી ગાડી ધીમી કરીને જોયું. કોઈ ઉભું ના રહ્યું. સૌ કોઈ ઉભા રહેવાનો વિચાર કરતા હતા, પરંતુ ખચકાઈને લીવર આપી દેતા હતા. મેં બાઈક રસ્તાની સાઈડમાં ઉભી રાખી, અને બાજુમાં દોડી ગયો. કાકાને બેઠા કર્યા. તેમના હાથ પર મારો રૂમાલ બાંધી દીધો. તરત જ મારી બાજુમાં એક બહેન સ્કુટી ઉભી રાખીને મને મદદ કરવા લાગ્યા. બે જ મિનીટમાં બીજી દસ બાઈક ઉભી રહી અને સૌ કોઈ મદદ કરવા લાગ્યા. એમ્યુલન્સ આવી. હું એમ્બ્યુલન્સમાં પેલા કાકા સાથે બેઠો. કાકાને હોસ્પીટલમાં સારવાર કરાવી હું પાંચ કલાક પછી મારી બાઈક લેવા રોડ પર આવ્યો. થોડા દિવસ પછી એ કાકાએ મને ચા પીવા બોલાવ્યો. અમે દોસ્ત બન્યા. મારી વાતો હંમેશા મોટી-મોટી અને દુનિયા બદલવાની હોય છે. એવી જ એક વાત પછી કાકાએ મને કહ્યું: તું આ લોકોને-દુનિયાને ક્યારેય બદલી નથી શકવાનો જીતું-બેટા!

હું મુસ્કુરાયો એમની સામે.

એમને પ્રૂફ જોઈતું હતું. મેં કહ્યું: ખબર છે અંકલ...તે દિવસે તમને મદદ માટે હું ઉભો રહ્યો, પછી માત્ર બે જ મિનીટમાં બીજા દસ લોકો દોડી આવેલા? ખરેખર તો તમારી હાલત જોનારા દરેકની અંદર દયાભાવ હતો, મદદની ખેવના હતી, પણ તમને ખબર છે મેં શું કર્યું? હું ઉભો રહ્યો. મારી અંદર પડેલા લાગણીના સમુદ્રમાં જે મોજું ઉદભવ્યું એ બીજા લોકોની અંદરના રણકાર કરતા મોટું હતું. બસ મેં દુનિયા ત્યારે જ બદલી નાખી...જયારે હું બદલાવ બન્યો, દુનિયા બદલી ગઈ. હું મદદ બન્યો, દુનિયા મદદ માટે આવી ગઈ. હું તમારી પીડાને રૂમાલ બાંધવા લાગ્યો, દુનિયા મને પોતાનો રૂમાલ આપવા લાગી. અંકલ...તે દિવસે હું ઉભો ના રહ્યો હોત તો દુનિયા અલગ હોત. તમારું લોહી થોડું વધારે નીકળ્યું હોત. બીજું કોઈ જરૂર ઉભું રહ્યું હોત, પણ અત્યારે થોડા માણસોની અંદર પડેલા લાગણીના મોજાઓને વધુ ઉછાળવાનું આત્મ-ગૌરવ મને મળ્યું છે. અંકલ ભલે તમે ના માનો...પણ હું આ વાત તમને કહું છું ત્યારે પણ હું દુનિયા બદલું છું. અને આ ક્ષણે હું દુનિયાને છાતી ઠોકીને કહી શકું છું કે- દોસ્ત...ફર્ક પડે છે. આ દુનિયાને તમારાથી બદલી શકાય છે. જખ મારીને દુનિયાને બદલવું પડે છે. બસ તમારા હૃદયમાં ખેવના હોવી જોઈએ. નાનકડો સારો બદલાવ લાવવાની ખેવના. અંકલ મેં તે દિવસે પેલા દસ માણસોને બીજાઓને મદદ કરતા કરી દીધા છે. ખબર છે?

તમને ખબર છે...મારા એ શબ્દોએ એ માણસને બદલેલો. મને એ બદલાવ આજકાલ તેને મળીને દેખાય છે. મારા શબ્દો વાંચીને તમારા હૃદયમાં રહેલા લાગણીના સમુદ્રને પણ મેં ઉછાળ્યો છે. મેં એકવાર કહેલું, ફરી કહું: અબજો વર્ષોથી અવિરત ચાલતી આ પૃથ્વીને તારા મરવાથી કશો ફરક પડવાનો નથી, પરંતુ તારા જીવવાથી ફરક પડે છે. તારા જીવવાના અંદાજથી ચોક્કસ તું કેટલાયે જીવનને અસર કરતો જઈશ.

***

11 - આજના સરદાર-ગાંધી બનવાની રેસીપી!

યુવાનીની ઉપરના આ લેખોની સીરીઝમાં આજે મારે તમને ઘણીવાતો કહેવી છે, પરંતુ એ હું બીજા આવનારા લેખો પર નાખી દઈ રહ્યો છું. મારે તમને નિષ્ફળતાની વાતો કરવી છે, મારે યુવાનીમાં પડતી ટેવો અને કુટેવોની વાતો કરવી છે, પચીસ વરસની ઉમર સુધી રૂપિયા કઈ રીતે રળવા તેની વાતો કરવી છે, અને સરદાર-ગાંધી કે ભગતસિંહ એકવીસમી સદીના યુવાન હોત તો એમનો જીવવાનો અંદાજ કેવો હોત એ મારે કહેવું છે. મારે તમને હજુ તો એ પણ કહેવું છે કે યુવાની જેવું કશું હોતું જ નથી! પરંતુ આ બધા પહેલા નેઈલ ગેઈનમેન નામના બેસ્ટ-સેલર અમેરિકન લેખકે University of the Arts in Philadelphia માં યુવાનોને આપેલી કરિયર વિશેની સ્પીચમાં જે સલાહ આપેલી તે સલાહ શબ્દશઃ ગુજરાતી કરીને કહેવી છે. આ વાતો હું પણ કરી ચુક્યો છું, પરંતુ પહેલા નેઈલભાઈને લડવા દઈએ:

સૌથી પહેલું: તમે તમારી કરિયરની શરૂઆત કરો ત્યારે તમને કોઈ આઈડિયા હોતો નથી કે તમે શું કરી રહ્યા છો! આ ખુબ સારી વાત છે! જે માણસોને ખબર હોય છે કે તેઓ શું કરી રહ્યા છે તેમને તે કામના બધા નિયમો પણ ખબર હોય છે, અને તેમને શું સંભવ છે એ પણ ખબર હોય છે. પરંતુ જયારે માણસને શું સંભવ છે અને શું અસંભવ છે તેની ખબર છે ત્યારે એ અસંભવ કામ કરતો જ નથી કારણકે તેને ખબર છે કે તે સંભવ નથી! તમને શરૂઆતથી જ ખબર નથી, અને ખબર પાડવી પણ નહી..

બીજું: જો તમને કઈ ખબર ન હોય કે તમારે શું કરવું છે, તમે આ ધરતી ઉપર શું કરવા માટે આવ્યા છો, અથવા કોઈ કામમાં આગળ શું કરવું...ત્યારે એક જ કામ કરવું: ઉભા થાવ અને એ કામ કરી નાખો. કામમાંથી પસાર થાવ. આ જેટલું સંભળાય છે તેથી અઘરું છે, અને તમને કામ પૂરું થાય ત્યારે જ ખબર પડે છે કે તમે વિચાર્યું હતું તેના કરતા તો આ સહેલું છે! હું લખવા માંડ્યો એટલે જ લખતા શીખ્યો! મને મારું ગમતું કામ નહોતી ખબર ત્યારે હું એવા દરેક કામ કરતો જેમાં મને એડવેન્ચર જેવું લાગતું. હજુ પણ હું એવું જ લખું છું જે મને સાહસ જેવું લાગે પરંતુ કામ નહી. તમને દરેક કામ કામ જેવું લાગવું જ ના જોઈએ, કોઈ એડવેન્ચર જેવું જ લાગવું જોઈએ. યાદ રાખો: આખી દુનિયામાં કોઈ પાસે નથી અને માત્ર તમારી પાસે જ છે એવી એક જ વસ્તુ છે- તમારી જાત. તમારો અવાજ, તમારું મગજ, તમારું કામ. એટલે એ રીતે જ કામ કરો જે રીતે તમે કરી શકો. જયારે તમને એવો અનુભવ થાય કે જગતની ગલીમાં તમે એકલા જ નગ્ન બનીની જેમ ચાલ્યા જઈ રહ્યા છો ત્યારે કદાચ તમે સાચા છો!

ત્રીજું: તમે જયારે કશુક કરવાની શરૂઆત કરો છો તમને ઢગલો પ્રોબ્લેમ્સ આવીને ઉભા રહી જાય છે. શ્રેષ્ઠ ઈલાજ: તમારે જાડી ચામડીના માણસ બનવું પડે! તમારે શીખી જવું પડે કે દરેક પ્રોજેક્ટ-કામ સફળ ન જાય. અસફળતાની સાથેસાથે માણસને નિરાશા, હતાશા, અને ભૂખમરો આવતા જ હોય છે, તેને ઈશ્વરની ગીફ્ટ સમજીને પસાર થઇ જાવ! એ રોકી શકાય જ નહી. તમારે બધું મેળવી લેવું છે અને તમે ચાહો છો કે કશું ખોટું થાય જ નહી? તમે ટીલું લાવ્યા છો?

ચોથું: મને આશા છે કે તમે ભૂલો કરશો. કારણકે જયારે તમે ભૂલો કરો છો તેનો મતલબ એ થાય છે કે તમે કશુંક તો કરો છો!અને ભૂલો પોતાની જાતે જ ખુબ ફાયદાકારક છે. જીવન ક્યારેક અઘરું પડી જાય છે, સંજોગો સમય ખરાબ આવે છે, અને તમને શીખવા મળે છે કે: જીવનમાં, પ્રેમમાં, ધંધામાં, ભણવામાં, દોસ્તીમાં, અને સંબંધોમાં ઘણુબધું આડું-અવળું થતું જ હોય છે. અને જયારે જીવન અઘરું પડી જાય ત્યારે તમારે એક જ કામ કરવું જોઈએ: કોઈ સારું સર્જન કરો! માત્ર ખરાબ દિવસોમાં જ નહી, પરંતુ સારા દિવસોમાં પણ.

અને પાંચમું: તમારું કોઈ સર્જન કરો. એવું કશુંક કરો કે જે તમે એકલાજ કરી શકો. મેં પણ શરૂઆતમાં મારા ગમતા લેખકોની અસર નીચે કોપી લાગે તેવું જ લખેલું હતું. એમાં કઈ ખોટું નથી. આપણો અવાજ ત્યારે જ મળતો હોય છે જયારે આપણે બીજાના અવાજ જેવો અવાજ તો નીકળે! છેવટે તમારો અવાજ, તમારું દિમાગ, તમારી કહાની, તમારી દ્રષ્ટિ મળી જ જશે. એટલે લખો, ચિત્રો દોરો, કશુંક બનાવો, નાચો, નાટક કરો, રમો, અને તમે જેમ જીવી શકો તેમ જ જીવો. આપણું વિશ્વ અત્યારે Transitional world છે. બધું બદલાઈ રહ્યું છે. નિયમો બદલાઈ રહ્યા છે, ટેકનોલોજી બદલાઈ રહી છે, માણસની રોટલી રળવાની રીતો બદલાઈ રહી છે, જીવવાની રીતો બદલાઈ રહી છે, એટલે તમારું કામ કઈ રીતે વિશ્વ સમક્ષ મુકવું એ પણ જાણી લેજો. જુના નિયમો અને વિચારો મરી જઈ રહ્યા છે. જુના વિચારોનો ગઢ બાંધીને બેઠેલા માણસોને પોતાના રાજ્યો ખાલી કરવા પડી રહ્યા છે. હું એક જોરદાર સલાહ આપું છું: તમારા ખુદના નિયમો બનાવો. પછી જાવ...અને જોરદાર ભૂલો કરો, રસ પડે એવી ભૂલો કરો, ચમકે એવી ભૂલો કરો. નિયમો તોડો. અને મરો એ પહેલા દુનિયાને વધુ રસભરી બનાવવી હોય તો કશુક સારું સર્જન કરો!

***

હવે કહી દઉં સરદાર અને ભગતસિંહ વાળી વાતો? એ સમય હતો આઝાદીનો ત્યારે એ માણસોએ સમયની જરૂરીયાતને પારખી. ગાંધીને ખબર પડી કે બેરિસ્ટર બનવા કરતા લડવું જરૂરી છે. ગાંધી માટે એ કરિયર બની ગઈ. સરદારને પોતાની સમજ પણ અંગ્રેજોને ભગાડવામાં લાગી. ભગતસિંહ પોતાનો ગુસ્સો તે રીતે જ પેદા કરવા લાગ્યા. હવે આ ત્રણેય અત્યારે યુવાન હોય તો શું કરે? બળવા? અહિંસાના આંદોલન? ના. અત્યારે આ વિશ્વને જુના સરદાર કે ગાંધીની જરૂર નથી. માણસ સ્વતંત્ર છે જે ધારે તે કરવા માટે. દુનિયાને જરૂર શેની છે? એક સમજેલા સારા માણસની. જે ભ્રષ્ટાચાર વિના, લોભ-લાલચ-કપટ વિના સારી જોબ ધંધો કરતો હોય, જેને માત્ર પોતાનો દેશ જ નહી પરંતુ આખા વિશ્વની પડી હોય, એને રસ્તા પર કચરો ફેંકીને પણ બળતરા થતી હોય, એને જે કોઈ છોકરીની છેડતી જોઈ લોહી ઉકળતું હોય. જે જાગૃત હોય દેશ પ્રત્યે, પોતાની ફરજ પ્રત્યે, જે કોઈ ગરીબને ભણાવતો હોય, શિક્ષણનું મુલ્ય સમજતો હોય, જે સાંજે જોબથી આવીને મોજથી કઈક સર્જન કરતો હોય, ગમતું કામ કરતો હોય, જે લોખંડી હોય પોતાના ચારિત્ર્યથી, જે અવાજ કરતો હોય ખોટા કામ, આતંક અને રાજકારણ માટે. જે ઇન્ટરનેટ પર જીવીને પણ કુદરતને જાણતો હોય, જે મોબાઈલમાં ફેસબુક વોટ્સએપ કરે પરંતુ જયારે દોસ્ત બાજુમાં બેઠો હોય ત્યારે મોબાઈલ અડકે પણ નહી. જે સાહસિક હોય, પોતાના સપનાઓ હોય, પોતાના સપના પાછળ ગાંડાની જેમ મહેનત કરતો હોય.

આજનો ભગત-સરદાર-ગાંધી આવો હોત. મારા માટે તો આવો જ.

બાકીની યુવાની પરની વાતો આવતા લેખમાં...

***

12 - બી ધ ચેન્જ...

સમય બદલાઈ રહ્યો છે. માણસ બદલાઈ રહ્યો છે. ઘણા સમય પહેલા જે રીતે જીંદગી જીવાતી તેની અંદર અને આજે જીવાતી જીંદગી અંદર ખુબ ફર્ક બની ગયો છે. આ ચેન્જ નું કારણ શું? આ બદલાવ કરવામાં કોણ પાયોનીયર હોય છે?

જવાબ છે: અમુક છંછેડાયેલા માણસો. અમુક હટકે માણસો. અમુક બળવાખોરો.

આ બળવાખોરી સહેલી હોતી નથી. જો કોઈ રીવાજ કે સીસ્ટમને લઈને એ બળવાખોરી ચાલુ કરો અને જો તમારો વ્યુ પોઈન્ટ સાચો ન હોય, સમાજને માટે યોગ્ય ન હોય તો ટૂંક સમયમાં જ તમને ફેંકી દેવામાં આવે છે. પરંતુ જયારે માણસ ખરેખર કોઈ એવા રીવાજ સામે બોલે જેની સામે આખી પેઢીને ગુસ્સો છે ત્યારે એ રીવાજ બદલી જતા હોય છે, અને આખો સમાજ પણ.

બદલાવ આવા એક-એક માણસો થકી આવતો હોય છે. આ ચેન્જ-મેકર્સ ઘણું ભોગવતા હોય છે, પરંતુ બદલાવ ત્યારે જ આવતો હોય છે. ઘસાઈને દુનિયાને ઉજળી કરવાની વાત છે.

હા...પરંતુ એ બધું કરવા માટે માંહ્યલા અંદર જીગર જોઈએ. કારણકે મોટાભાગે માણસ પોતાના પરિવાર સામે જ હારી જતો હોય છે, ભલે પછી દુનિયા સામે જંગ જીતી ગયો હોય!

અને મારે માટે એક એવો જંગ છે, જેની અંદર પહેલો ડર છે કે [પરિવાર સામે હારી ન જઈએ તો સારું.

માંડી ને વાત કરું?

લગ્ન!

મને દેખાતી સૌથી બોગસ સીસ્ટમ! લાડવો ન ખાય એને પણ દુઃખ, અને ખાય એને પણ! બાય-ધ-વે લાડવો કઈંક ખાવાલાયક દેખાતો હોત તો અમે પણ ઉતાવળ કરતા, પણ આ સીસ્ટમને જોઇને જ ગુસ્સો એવો આસમાને ચડે છે કે હવે ધીમે-ધીમે એનાથી નફરત થઇ રહી છે! નફરત લગ્નથી નહી, પણ જે રીતે આપણે ત્યાં લગ્ન થાય છે એ પ્રથાઓની વાહિયાતનેસથી થઇ ગઈ છે.

સોલ્યુશન? Be the Change! તમારે ખુદને જ બદલાવ લાવવો પડે. એટલે આ જાહેરમાં કહું છું કે મારા લગ્ન (જો થશે તો.)માં કંકોતરીની અંદર જ નીચે મુજબના પ્રતિબંધ લખી નાખવામાં આવશે.

૧) મારા બાપાએ મારાથી મોટી ચાર બહેનોના મોંઘાદાટ અને સમાજની નજરમાં ‘ધામધૂમથી’ લગ્ન કરીને માથા ઉપર ટાલ વધારી છે તેના બોધપાઠ પરથી અમારે ત્યાં લગ્ન પૂરી સાદાઈથી થઇ રહ્યા છે, ખુબ આશાઓ લઈને આવવી નહી, કારણકે અમે કરોડોના લગ્ન કરનારાઓના જમણવારમાં ‘બીજું બધું તો ઠીક પણ દાળ મોળી હતી’ એવા ખોંસા કાઢનારા જોયા છે!

૨) અમારે ત્યાં લગ્નના મહિનાઓ પહેલા છોકરીને કંકુ-પગલા કરવા અગાઉથી બોલાવવામાં આવતી નથી. આ હમણાં જ ઘુસેલી બોગસ સીસ્ટમ છે, જે હજારોનો ખર્ચો કરાવી નાખતી હોય છે. કંકુ-પગલા લગ્ન કર્યા પછી લક્ષ્મી ઘરે આવે ત્યારે હોય છે, પહેલા નહી. (આ અગાઉથી કંકુ-પગલા કરીને છોકરીને ઘરે રોકવા બોલાવવા પાછળનો મૂળ-ઉદેશ તો છોકરી સ્વભાવે કેવી છે એનું ટેસ્ટીંગ કરવાનો હોય છે.)

૩) લગ્નના એક દિવસ અગાઉ અમારે ત્યાં ‘રાસ’ થાય છે, ‘ગરબા’ નહી. ગરબા ‘નવરાત્રી’ માટે હોય છે, રાસ પ્રસંગની ઉજવણી માટે થાય છે. એટલે અમે DJ બોલાવીને એના ઉપર એકતાલનો ગરબો વગાડવા કરતા ઘણા યાગ્ય રાસ રમીએ છીએ.

4) શરણાઈ-ઢોલની જગ્યાએ જે ‘DJ નું કલ્ચર’ ઘૂસ્યું છે એ એક હદે સ્વીકારી લઈએ, પણ આવા DJ? એક પણ સુર-તાલ નહી! મેશ-અપ વગડે તો પણ એક-એક મિનિટના દસ સોંગ એકસાથે! એમાં નાચવું હોય તો પણ એક જ ઢબમાં (એક હાથ આકાશ તરફ રાખીને કમર હલાવ્યા કરવાની!) અને કેટલું લાઉડ! બાજુમાં નાચનારાઓને બે દિવસ સુધી કાનમાં ધાક ન જાય! બેન્ડવાજાનું પણ એવું જ છે! તાલના નામે ધબડકો. એમાં પણ પેલા ગાવાવાળા ભાભા અને મેડમ! લતાજી કે રહેમાન સાંભળી ગયા હોય તો સુસાઈડ કરી લે. ઇનશોર્ટ: ધીમીધારે, મનને ગમે એવું DJ કે રાસ ગાનારા લગ્નને શોભાવે.

૫) અમે બેન્ડવાળા ઉપર કે ઢોલવાળા ઉપર રૂપિયા ઉડાડતા નથી. ના. ક્યારેય નહી. એમાં પણ પગ નીચે કચરાયેલા રૂપિયા વીણવા રાખેલા નાના બાળકો અમને દુઃખ પહોચાડે છે. દસ-દસની નોટોના બંડલ અમારી પાસે પણ છે, હાથોહાથ સેલેરી રૂપે બેન્ડને આપી દઈશું. (અને આ નોટો ઉડાડવાનો દેખાડો કોને માટે? આખી જાનને ઉત્સાહ જગાડવા માટે? વેલ...અમે જેમને અમારા લગ્નનો ઉત્સાહ જ ન હોય એમણે ખાલી જમણવાર વસુલ કરવા આવવો જ નહી, એ પણ સાદો જ હશે.)

૬) સેમ ગોઝ વિથ ફટાકડા! ધુમાડો- રૂપિયાનો અને દેખાડો ઔકાતનો. એના કરતા ફટાકડાના ભાગનો રૂપિયો અમે કોઈ જરૂરિયાતમંદ સંસ્થાને કે વિકલાંગો ને આપીને રાજી થઈશું. પ્લસ...જે કાગળો ઉડાડવાના ખેલ છે એ ખરેખર કચરો કરવાનું ઉતમ માધ્યમ સિવાય કશું જ નથી. વરઘોડા ઉપર કે નાચનારા ઉપર ઉડનારા કાગળના ફટાકડા પાછળથી એ રસ્તાઓની જે હાલત કરે છે તેને દસ ‘સ્વચ્છ ભારત મિશન’ પણ પહોંચી ન વળે. આભાર...અમે એવું નહી કરીએ.

૭) આ લગ્ન છે, સર્કસ નહી. વરરાજો ઘોડા પર બેસીને ખેલ કરે એ એની લાડવો ખાવાની મોજ માટે બરાબર છે, પરંતુ સ્પેશિયલ ટ્રેનીંગ પામેલી ઘોડીઓ પાસે નાચ નચાવવા કે ખાટલા ઉપર ચડાવીને ખેલ કરાવવા એમાં ખરેખર પેલો છોકરો વરરાજો નહી, પણ સર્કસ વાળો લાગે. ત્યારે ફરી સવાલ થાય? આ સર્કસ કોને દેખાડવા માટે? લગ્નનો ઉત્સાહ જગાડવા? હાહાહા.

8) અમારે ત્યાં લગ્નમાં ચાંદલા-પહ-કે ભેંટ તરીકે પણ રૂપિયા લખાવવા નહી. રીવાજો તોડો. હું તમારે ત્યાં પાંચસો એક લખાવીને ગયો હોઉં તો તમે મારે ત્યાં આવતા પહેલા એ નોટ જોશો, સામે એટલા જ લખાવશો. હિસાબ બરાબર! હવે ઓછા લખાવ્યા તો મને વાંધો, વધુ લખાવ્યા તો તમને બળતરા. આ લગ્નમાં ઘૂસેલો સૌથી ખરાબ રીવાજ છે. લાગણીઓના સંબંધ વચ્ચે રૂપિયો આવવો જ ના જોઈએ. બંધ કરો. તમે લગ્નમાં આવવા ટીકીટ બગાડી, સમય આપ્યો એ જ તમારો ચાંદલો.

૯) ખાસ. અમે લગ્ન કરીએ છીએ, કોઈ ફોટોગ્રાફી કોન્ટેસ્ટ નથી!,મંડપમાં ચારેબાજુ જાણે ઘડમશીન લઈને ઉભા હોય એમ ફોટોગ્રાફરો વર-વધુ ને જે પોઝ અપાવતા હોય એ કેવું હાસ્યાસ્પદ છે! દરેક વિધિને ઉભી રાખીને પોઝ આપવાનો! ગોરદાદા પણ આજકાલ એ મુજબ વિધિ ટૂંકાવી નાખે છે! અરેરે...પેલો સિંદુર પૂરે તો પણ ફોટાવાળા કહે: ‘ત્યાં જ હાથ રાખો, કંકુ ઢોળતા નહી, ફોટો ખરાબ આવશે!’ અરે ભાઈ...મેકઅપના થથેડા કરીને આવેલા આ બંને કેદીઓ હસતા ચહેરા રાખીને થાકી જાય છે, આ લગ્ન છે, F-Tv નહી. વિધિ ચાલવા દો, અને નેચરલ મોમેન્ટ્સ ક્લિક કરો, વિધિ રોકો નહી.

10) દોસ્તો...આ અંધેરી નગરી છે, અને તમે ગંડુ રાજા. લગ્નના કરિયાવરના દેખાડા, અમુક તોલા સોનાના વજનની વાતો, જમણવારમાં થતો અન્નનો બગાડ, અને આ બધા વચ્ચે થતો સાચી લગ્ન-વિધિનો નાશ દુખ કરતા ગુસ્સો વધુ આપે છે.

મોંઘાદાટ રીસેપ્શનમાં પોઝ આપી-આપીને રૂપિયા ભરેલા કવર સ્વીકારી-સ્વીકારીને થાકેલા કપલને જ્યારે તમે સુહાગરાતનો અનુભવ પૂછો તો ખબર પડે એના માટે પણ હોટેલ બુક કરાવેલી હતી! અરે ભાઈ, સુહાગરાત સુહાગને ઘરે થાય! અને એમાં થાકી ગયા હોય તો સુઈ જવાય. ઇટ્સ ઓકે!

હવે તમને થશે કે આટલું બધું કંકોતરીમાં લખશું તો તે મોંઘી થશે, પણ આટલું લખ્યા પછી એનો કોઈ સ્વીકાર કરતુ હોય તો અમને મોંઘી કંકોતરી બનાવવી પોસાય એમ છે.

ખેર... આ બધું કરવામાં ઘણુબધું ભોગવવું પડતું હોય છે. આપણા જ સગાઓ અને આજુબાજુના માણસો સામે બોલવું અને એમને દુખી કરવા એ યોગ્ય તો નથી જ, પરંતુ બદલાવ આ રીતે જ આવતો હોય છે.

***

13 - માણસ બધું જ જાણે છે!

સવારમાં હું પાંચ વાગ્યે ઉઠું છું.

આજે મારી પાસે ગઈ કાલ જેટલી જ કલાક છે. ગઈકાલે સુતા પહેલા ઘણા કામ રહી ગયા હતા. હું જાતને સમજાવું છું: ભૂલી જા ગઈ કાલને. આજે લડવાનું છે.

મારે ખુબ આગળ વધવું છે. ગુજરાતનો સૌથી મોટો, સૌથી ચાહના પામેલો લેખક બનવું છે. પણ મારે કોઈ સાથે સ્પર્ધા નથી. મારી જાતને જીતવી છે. મારી નબળાઈને હરાવવી છે. મારી ગઈકાલને ટક્કર મારે એવી ‘આજ’ જીવવી છે. મારી જાતને એટલી બુલંદ કરવી છે કે કોઈ પીઠ થાબડનાર ન મળે તો ખુદનો હાથ ઉંચો થઈને ખભો થાબડી આપે.

અને આ બધું કરવામાં મને ખુબ જ ખુશી મળશે. જાતને નિચોવવામાં, આતમ સાથે બાથ ભીડવામાં, ખુદને ચેલેન્જ આપીને જીતાડવામાં, હાથમાં લીધેલું કામ પૂરું કરવામાં અને મારા નબળા વિચારોને હરાવીને-મારી નાંખીને ‘આજ’ ને ઉજવવામાં મને ખુશી મળશે.

આવું જ સપનું આ લેખનો કોઈ વાંચક લઈને બેઠો હશે. આ શબ્દોમાં ક્યાંક પ્રેરણા શોધતો હશે. દોસ્ત...અંદર જો. તને બધા જ જવાબ ખબર છે. નથી ખબર? દરેકને બધું જ ખબર હોય છે. બસ ફર્ક એ હોય છે કે ‘કશુંક કરીને દેખાડનારા’ ખુબ ઓછા હોય છે. ‘પોતાની જાતને જીતનારા’ ખુબ ઓછા હોય છે. ‘પોતાના નબળા વિચારને જીતનારા’ ખુબ ઓછા મળે છે.

જગતનું સૌથી સુંદર સત્ય ખબર છે તમને? મને આજે જ આ સત્યનો સાક્ષાત્કાર થયો છે. એ સત્ય એ છે કે: માણસ બધું જ જાણે છે! તમે બધું જ જાણો છો. એક વ્યક્તિને પોતાની સફળતા, નિષ્ફળતા, આબરૂ, સાર્થકતા બધું જ ખબર હોય છે. માણસ જાણતો હોય છે કે કોણ તેને પ્રેમ કરે છે. પત્ની જાણતી જ હોય છે કે પોતના પતિનો પ્રેમ સાચો છે કે પછી બંને જિંદગીના ગાડાને ધક્કો જ મારી રહ્યા છે. તમે પાક્કી ખબર હોય છે કે તમને આ જગતમાં સાચો પ્રેમ કોણ કરે છે, અને કોણ દેખાડા કરે છે. અરે તમને તમારી દરેક નબળાઈઓ પણ ખબર હોય છે, અને તે દરેક નબળાઈને માત આપવાની રીત પણ. તમને ખબર હોય છે કે તમે ક્યાં પાછા પડો છો, શેના લીધે નિષ્ફળ છો, અને ક્યાં બદલાવથી બુલંદી મળે તેમ છે.

પણ છતાં...તમે મહામુર્ખ છો. હું મહામુર્ખ છું. કારણ? કારણકે આપણે બહાનાં બતાવતા રહીએ છીએ. આપણી નબળાઈઓનું ખૂન કરવાને બદલે તેને ઢાંકીને પછી ભાગ્ય પર, કે સંજોગો પર, કે સીસ્ટમ પર બધું ઢોળી દઈએ છીએ. આપણા દરેક કામ, દરેક સંબંધ, જિંદગીના દરેક વળાંક અને રસ્તાઓ ક્યાંક ખુબ ઊંડે આપણે જાણતા જ હોઈએ છીએ. માત્ર અને માત્ર કુદરતને લીધે આવનારી અણધારી તકલીફો અને સંજોગોને બાદ કરતા લગભગ આખું જીવન માણસના હાથમાં હોય છે. તમારી સાર્થકતા અને નિરર્થકતા તમને ખબર જ હોય છે અને એ દરેકના જવાબદાર તમે જ હોઉં છો...આ જગતનું સૌથી સુંદર સત્ય છે.

પણ...પણ...પણ...તમે અને હું મહામુર્ખ છીએ. આપણી અંદર બેઠેલા નબળા માણસને હરાવી નથી શકતા. લખવાના સમયે મને ફિલ્મ જોવાનું મન થાય છે ત્યારે મારી અંદરનો કાયર ખરેખર તો બહાનું બતાવતો હોય છે કે: હવે આળસ ચડે છે, એકાદ ફિલ્મ જોઈ નાખીએ. બસ આ એક વિચાર આજનો દિવસ ઢાળી દે છે. હંમેશા કોઈ એક નબળો વિચાર તમને હરાવતો હોય છે. તમને જાગૃત રીતે આની ખબર જ હોય છે, છતાં તમે હારો છો.

મને જીવનના દરેક સત્ય ખબર છે. મહેનતના દરેક સત્ય ખબર છે. અરે મને ચેલેન્જ આપો તો હું મહેનત કરીને મહાન બનવાના સત્યોનું એક લીસ્ટમાં લખી આપું: “હંમેશા ગમતું કામ જ કરો. ખુદને માટે કામ કરો. નબળું તો ક્યારેય ન કરો. ક્યારેય કામની નિષ્ફળતામાં ઝૂકવું નહી. એજ કામ કરવું જે તમને સાચો અર્થ આપે છે, ખુશી આપે છે. સાહસ કરો. એવું કામ કરો જે તમારે માટે ખુબ જ અગત્યનું છે. એક જ કામ માટે તમારું સર્વસ્વ નિચોવીને મંડી પડો. દરેક અડચણ જો જન્મે છે તો તેનું મારણ પણ હોય છે. ક્યારેય મચક આપવી નહી. ખુદ સાથે સ્પર્ધા કરો. સ્પર્ધક થી ખુશ થાઓ, પણ ચિંતા ન કરો. અને જીવનના અંત સુધી આ રીતે મોજમાં રહી ઘસાતા રહો અને ઉજળા બનો.”

છે ને દસ બાર વાક્યોમાં આખા કામમાં જીતવાનો સાર. તમને પણ ખબર જ છે. હવે અંદર એક સવાલ પૂછો: શું ખૂટે છે? કેમ હારી જાઉં છું હું મારા ક્ષેત્રમાં. કેમ મારી અંદર આગળ વધવાની આટલી તમન્ના હોવા છતાં હું આગળ વધી શક્યો નથી, અથવા ખુબ ધીમો છું?

જવાબ તમે ખુદ છો! ખુશીઓના ભોગે તમે બળી-બળીને આગળ તો વધી રહ્યા છો, પણ જયારે કમ્ફર્ટ ઝોનમાં પડ્યા હો છો ત્યારે આળસ કે પછી નબળા વિચારોને લીધે એ કામને તમે અવગણી નાખો છો. અંદરથી આવેલો નકાર તમને બીજા બહાનાં આપે છે. પછી થોડા સમયમાં બીજા કોઈ સફળ માણસને જોઇને તમને જયારે મોટીવેશનનો ધક્કો લાગે ત્યારે ફરી તમે પેલા કામને પકડીને ખુદને કોસવા લાગો છો.

ક્યાંક આપણે સ્વીકારવું પડે કે સામાન્ય રીતે આળસ કરીને કે પછી આવતીકાલ પર ઢોળીને આપણે કામને લગતી આપણી હાર, આપણી જીત, આપણી સફળતા, આપણી નિષ્ફળતા અને આપણી ખુશી...આ બધું જ થોડા કમ્ફર્ટ ઝોનમાં ભૂલી જતા હોઈએ છીએ. સામાન્ય દિવસોમાં અસામાન્ય સપના સાકાર કરવાનું વિચારીએ છીએ પણ એને લાગતું નાનકડું કામ પણ કરતા હોતા નથી.

“જે બનવું છે, જે કરવું છે, જે પાર પાડવું છે તે દિશામાં આ ક્ષણે, બરાબર વાંચજો ‘આ સેકન્ડે’ તમે શું કરી રહ્યા છો તે જ બધો બદલાવ લાવે છે. વર્તમાનને કઈ રીતે વાપરી રહ્યા છો તે અને તેજ મહત્વનું છે.” બાકી કામને લઈને ગમે તેટલું મોટીવેશન મેળવો, ગમે તેટલા સપના જુઓ કે ગામ આખાને વાતો કરો, એ બધું બોગસ અને ફોગટ છે.

આજના દિવસે તમારા સપના માટે કેટલું કામ કર્યું એ મહત્વનું છે. આવતીકાલનો સહારો ન લેવો પડે એ રીતે આજે જેટલી મહેનત કરી છે તે સાર્થક થવાની છે.

માણસ મુર્ખ છે. એટલા માટે કે એ પોતાની ખુશી, કોઈનો પ્રેમ, કોઈની દોસ્તી,...આ બધી લાગણીઓ માટે આવતીકાલ પર કશું ઢોળશે નહી. બધું આજે જ કરશે...પણ જયારે કામની વાત આવે ત્યારે નાલાયક બહાનાં આપીને બધું જ આવતીકાલ પર મુકીને આજે જલસા કરવા બેસી જાય છે. જોકે આના કારણો બે છે: ૧) તમને કામ ગમતું ન હોય ૨) તમારી જાતને તમે બરાબર જગાડી નથી.

જો કામ ગમતું ન હોય તો આગળના બધા લેખ એ માટે જ લખ્યા છે! જાતને જગાડવી હોય તો આગળના લેખ વાંચતા રહેજો.

***

14 - રૂપિયો કમાવા જેવી કોઈ ખુશી નથી!

ઘણી એવી રાતો નીકળી છે જેમાં રડવા સિવાય કશું જ કરી શકાતું નથી. કોઈ દોસ્ત નહી, કોઈ કુટુંબનું માણસ નહી, કોઈ લેખક નહી...કોઈ કામમાં આવતું નથી. માં-બાપને એ કહી શકાતું નથી હોતું. પોતાની જાતને કોસવા લાગુ છું. અંદરથી આગ ભભૂકી રહી છે, પરંતુ એ આગને ઠારી શકે એવું કશું જ હોતું નથી. કોઈ મોટીવેશન કામમાં આવતું નથી. મનમાં થાય છે કે કોઈ મને હાથ પકડીને બહાર કાઢો. પણ કોણ કાઢે? દરેકને પોતાની જીંદગી છે અને દરેક પોતાની પ્રાયોરીટી છે. ભૂખ મરી જાય છે. સારા દિવસોમાં જોયેલા સપનાઓ મરી જાય છે. કોઈ થુલીયા જેવો માણસ આવીને કહી જાય છે કે તારી કોઈ ઔકાત નથી.

મારો આત્મો એ સમયે એક જ વાત બબડ્યા કરે છે: એ લેખકડા...અત્યારે તું જે કઈ પણ છે એ બધું જ તારી ચોઈસ છે. શેનો રડે છે? શેનો આંસુ સારે છે. તારા આંસુ આ પરિસ્થિતિને બદલવાના નથી. આ લાઈફ કોઈ મુવી નથી કે તેમાં હંમેશા તરત જ કોઈ ટ્વીસ્ટ આવી જશે અને પળવારમાં બધું જ બદલાઈ જશે. આ કોઈ રેસ નથી કે તું હારી ગયેલો છે. આતો ગીત છે યારા. તારું ખુદનું ગીત. તારી મોજમાં રહીને, તારી આન-બાન-શાનથી ગાવાનું છે. તારા કર્મો જે છે એજ તું ભોગવી રહ્યો છે. જે દિવસો તે મહેનત નથી કરી તે દિવસો સામે પોતાનું ભરણું કરે છે. ભોગવ. અને રડ નહી, કારણકે અહી બધું જ તારી ચોઈસ છે. બધું જ બદલી જશે. બધું જ ઠેકાણે પડી જશે. આજે જે ખિસ્સું ખાલી છે અને જે હૃદય સપનાઓથી ભૂખ્યું છે એ બંને એક દિવસ ભર્યા-ભર્યા થઇ જશે. બસ તું ચાલતો રહે. અત્યારે અંધારામાં છે, કાલે અજવાળા થશે. જો તું નરકમાંથી જઈ રહ્યો છે તો પણ ચાલતો રહે. કાલે તું તારી જાતને સાબિત કરી દઈશ. આજે તારી ચોઈસ જો મહેનતની હશે તો કાલે તું કીંગ હશે.

એટલે આજે આ આંસુને બદલે હૃદયમાં જેટલો ગુસ્સો છે એને મહેનતમાં ફેરવ. પોતાના કમ્ફર્ટઝોન થી બહાર નીકળીને કામ કરતો જા. ધીરજ રાખ, બધું જ થઇ જશે.

***

અહી આ ધરતી પર જેટલા શ્વાસ મળ્યા છે એમાંથી મોટાભાગના શ્વાસ આપણે આપણી જાતને ખુશ રાખવાના વ્યર્થ પ્રયાસોમાં જ પસાર કરી નાખીએ છીએ. પરંતુ માણસ જ એક એવું પ્રાણી છે જેને ખુશ રહેવા માટે કોઈ કારણ જોઈએ છે! કેમ આપણે વિના કારણે ખુશ નથી રહી શકતા? કેમ? કેમ આપણે પોતાના મનને કમ્ફર્ટ મળી રહે એટલે આજના દિવસને પૂરે-પૂરો નીચોવી નથી શકતા? કેમ સાંજે કોઈ કામ પાર પાડવાનું નક્કી કર્યું હોય પરંતુ જમીને એ કામ બાજુમાં રહી જાય છે અને આપણે ફિલ્મ જોવા કે ગપ્પા મારવા બેસી જઈએ છીએ. એવી તે આપણી અંદર કઈ તાકાત ખૂટે છે જે પોતાના કમ્ફર્ટઝોન ને પાર કરી શકતી નથી અને હારી જાય છે. જે જાણે છે કે મારે આ ક્ષણે કામ કરવાનું છે છતાં એ કામ નથી કરતી પરંતુ પોતાની મોજમાં આવે એવો ટાઈમપાસ કર્યા કરે છે?

મારા અનુભવે કહીશ કે માણસની અંદર એ ‘બાઉન્સ-બેક’ થવાની ક્ષમતા જ બધું છે. જિંદગીના ખરા અંધારામાં કોઈ મોટીવેશન કામ નથી આવતું. કોઈ હાથ નથી પકડતું. કોઈ ટેકો નથી કરતુ. માણસ ને ખુદને પોતાની જાતને નોર્મલ લાઈફમાં બાઉન્સ-બેક કરવી પડે છે. જેટલી ઝડપથી તમે પાછા પોતાની જાતને સંભાળી શકો એટલી ઝડપથી તમે કામે લાગીને આગળ વધી શકશો. જેટલી ઝડપથી તમે કમ્ફર્ટઝોન માંથી બહાર નીકળી શકો એટલી ઝડપથી પોતાના કામ પુરા કરીને આગળ વધી શકશો.

અને એટલે જ આ રેસ નથી, આ જીવનગીત છે. પળ-બે પળ તમારો સાદ બેસી જાય, તમે મૂંગા થઇ જાઓ, પરંતુ જેટલી ઝડપથી એ ગીતને ફરી ચાલુ કરીને મોજમાં રહી ખોજ કરતા રહો એટલી ક્ષણો ઓછી વેડફી ગણાશે.

દિવસના કેટલાયે કલાક આપણે સાવ વ્યર્થ કાઢી નાખીએ છીએ. કશું જ કરતા નથી. હા...સપના જરૂર જોઈએ છીએ પરંતુ એ સપનું સાકાર થાય એવું એકપણ કામ આપણે આખા દિવસ માં કરતા નથી! તો કેમ ચાલશે? વળી દુઃખની વાત એ છે કે આપણને ખબર હોય છે કે આપણે ટાઈમપાસ કરી રહ્યા છીએ! ખબર હોય છે કે આવી કેટલીયે ‘આજ’ વીતી રહી છે અને વીતી જવાની છે જો ઉભા થયા નહી તો કઈ જ મળવાનું નથી.

આપણને સપનાઓ જોવા છે, સાકાર પણ કરવા છે, પરંતુ આજે એ સપના પાછળ નક્કર એવું કોઈ કામ કરવું નથી. સ્ટીવ જોબ્સ કહેતો: કે રોજે રાત્રે સુતા પહેલા હું અરીસા સામે જઈને મારી જાતને પૂછતો કે આજે તે જેવી રીતે જીવ્યું એ વ્યર્થ હતું? અને જયારે કેટલાયે દિવસ સુધી જવાબ ‘ના’ મળતો ત્યારે ખબર પડતી કે કશુંક ખોટું થઇ રહ્યું છે, અને માર્રે બદલવાની જરૂર છે. બસ...આપણે હવે એ અરીસા વાળા પ્રયોગની ખાસ જરૂર છે એવું લાગી રહ્યું છે. કારણકે અરીસો હોય કે ન હોય આપણને સુતા પહેલા ખબર જ હોય છે કે આજનો દિવસ કેવો ગયો છે.

સોલ્યુશન? બાઉન્સ બેક! જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી જપવું નથી, અને જમવું નથી. જો શું કામ કરવું એ ખબર ન હોય, અને શું પેશન છે એ ખબર ન હોય તો જ્યાં સુધી એ આત્મખોજ કરવામાં જાત સાથે જેટલા પ્રયોગ કરવા પડે એટલા પ્રયોગ કરીને એ ખોજ પૂરી ન થાય ત્યાં સુધી જપવું નથી. જ્યાં સુધી રૂપિયો એકાઉન્ટમાં ઘુસવા ન લાગે ત્યાં સુધી અવિરત મહેનત કરતી રહેવી છે.

જગત ભલે જે કહે તે પરંતુ હું સ્વ-અનુભવે કહીશ કે રૂપિયો ખુબ જ મહત્વનો છે. અતિ-મહત્વનો છે. રૂપિયો નથી તો કશું જ નથી. એની પાછળ ભાગજો. ગમે તેમ થાય એને પહેલા પકડજો. કામ તમને ગમતું હોય કે ન ગમતું હોય, પહેલા એ કામ થકી રૂપિયાને પકડજો. એ રૂપિયો જબરું રડાવે છે. એ જયારે ખિસ્સામાં ન હોય ત્યારે કોઈ ક્રિએટીવીટી કામ આવતી નથી. કોઈ માણસ કામ આવતું નથી.

તમારું મન કહેશે કે માણસે લાઈફમાં રૂપિયાની કમાણી સિવાય બીજા પ્લેઝર પણ જોવા જોઈએ ને? હું કહીશ કે રૂપિયો કમાવા જેવું પ્લેઝર એક પણ નથી. એ નથી તો કોઈ પ્લેઝર-ખુશી માણી શકાતા નથી. મેં હમણાં જ કહ્યું: માણસને ખુશ થવા માટે કારણની જરૂર કેમ પડે? કોઈ પ્રાણીને ખુશ થવા કારણ જરૂરી નથી. માણસને જ કેમ? પણ એમાં એક વાત ઉમેરી દેજો. માણસને કારણની જરૂર નથી જ. પરંતુ ખાલી ખિસ્સું, કે કોઈ લાગણી દુભાઈ જાય ત્યારે દુઃખ આવે છે, અને માણસને દુખી થવા માટે પણ કોઈ કારણની જરૂર નથી પડતી.

***

15 - સબસે બડા રોગ: ક્યાં કહેંગે લોગ!

યુ સી...તમે જ્યારે મોટા થાઓ છો ત્યારે ઘણુબધું ગુમાવી દેતા હો છો. ના… હું નાના બાળક જેવી નિર્દોષતા, નિખાલસતા, અને ભોળપણની વાત નથી કરતો. જો એ ત્રણ લાગણીઓ મોટી ઉંમરે તમારી પાસે ન હોય તો તમે ખરેખર ‘મોટા’ થઇ ગયા જ છો. હું નાના બાળક જેવી સચ્ચાઈ, બેફિકરાઈ, અને હસવા-રડવાની છટાઓની વાત પણ નથી કરતો. એ ત્રણ લાગણીઓ તમારી અંદર ન હોય તો તમે આમેય ફ્લોપ વડીલ બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છો.

હું વાત કરું છું દૃષ્ટિની. નજર. જગતને જોવાની એ નજર! અહોહો... હવે તમે કેટલા ચહેરા ઓઢ્યા છે તેનું ભાન કરાવું ત્યારે ખબર પડશે કે આપણી બાળકની જેમ જીવવાની વાતો માત્ર આપણા ક્વોટસ અને ફીલીસોફીમાં જ રહી છે.

એક બાળક તરીકે આપણે જાદુગર હતા. આપણી ઈચ્છા નામની લાકડી હતી. એ ઈચ્છા જ્યારે ઘુમાવો ત્યારે જગતમાં ખરેખર જાદુ થતો. તમારે બનવું હોય એવું બની જતા. ઘણા બધા સપનાઓ હતા. એ સપનાઓ અંદર થોડી તમન્નાઓ ભળતી અને નાનકડો પ્રયાસ ચાલુ થતો. તમે સ્કુલમાં કરેલા વૈજ્ઞાનિક પ્રયોગો, ઘરે આવીને રમકડા સાથે કરેલી તોડફોડ, માટીમાં બેસીને બનાવેલા ઘર, અને રસોડામાં બેસીને બગડેલા વાસણ, કાગળ પર કઈંક લખતા, કેવી ઉત્સુકતાથી ચિત્રો દોરતા, અને આપણે ખુદ જાણે સચિન છીએ એ રીતે રમતા! આ દરેક સ્થિતિ આપણી અંદર એક હુનર જગાડતી. બાળક તરીકે તમે વૈજ્ઞાનિક, ડોક્ટર, મિકેનિક, કડિયા, રસોઈયા, લેખક, પેઈન્ટર, અને શિક્ષક બની જતા. પરંતુ એજ્યુકેશન તમને એક રંગુ બનાવતું ગયું. આપણે પ્રાથમિક શાળાના સાત વિષય પછી, માધ્યમિકમાં સાયન્સ-કોમર્સ-આર્ટસ બસ આ ત્રણ વિષય પર આવી ગયા. તેમાંથી બાહર નીકળી માત્ર એક-બે ચોઈસ મળી: એન્જીનીયર કે ડોક્ટર કે કોમર્સને લગતા બે ચાર ફિલ્ડ. હવે કદાચ તમારે ડોકટરેટની ડીગ્રી લેવાની હોય તો માત્ર એક જ વિષય પર!

આનો મતલબ એમ નથી કે એજ્યુકેશન સીસ્ટમ ખોટી છે. ના. એજ્યુકેશન સીસ્ટમ પૂરી યોગ્ય તો નથી જ, પણ યુવાની પછીના સમયમાં આપણે આપણા સત્યો, આપણા વિચારો, અને ખાસ તો બાળપણને ખોઈ બેસીએ છીએ. ચારે બાજુ આપણને દુખી કરનારા, આપણી નિંદા કરનારા અને નીચે પાડનારા દેખાય છે. હા એ લોકો છે જ. પરંતુ આપણે એમના એ વિચારો અને વાક્યોથી ડીસ્ટર્બ થઈને માણસ તરીકે બદલાઈ જઈએ છીએ. અંદરનો બાળક પછી માત્ર અમુક સમયે બહાર આવે છે...બાકી શરીરથી મોટો અને મનથી આખી દુનિયા જોઇને ડીસ્ટર્બ થઇ ગયેલો પેલો માણસ હવે ‘મોટો’ થઇ ગયો છે.

કેમ?

શા માટે?

તમારા વિષે દુનિયા જે મંતવ્યો આપે છે તેનાથી આટલું બદલાઈ જવાનું? સબસે બડા રોગ...ક્યાં કહેંગે લોગ! ચારે તરફ પોતાના ઓરીજીનલ સ્વભાવ અને અંદરના બાળકને માસ્ક પહેરાવીને માણસો ફરી રહ્યા છે. કેટલા માસ્ક? એક જ વ્યક્તિ ફેસબુક પર અલગ હશે, રીયલમાં મળો ત્યારે પૂરો અલગ, જયારે એકલો બેઠો હોય ત્યારે અલગ, પત્ની અને કુટુંબ સાથે સાવ અલગ.

આખિર એ ક્યાં સર્કસ હે?

તું ક્યો એસા જોકર હે?

તું બહુરુપિયો કેમ છે? કેટલા મેકઅપ પહેરે છે!

જવાબ અંદર છે. બધા જ જવાબ આત્મ અંદર પડ્યા હોય છે. બસ તારી ખોજ બહાર થઇ રહી છે. વધુ રૂપિયો કમાઈને, સૌને ખુશ રાખીને, પોતાનું સ્ટેટ્સ બનાવીને, અને ગામમાં પોતાની વાહ-વાહ થાય એવા કામ કરીને તને લાગે છે કે તું કશુંક બની ગયો? હા...તું સાચો છે..તું કશુંક ‘બની’ જઈશ, કશું ‘પામી’ નથી રહ્યો. તું ‘તું’ નથી...તું કોઈ બીજો ‘બની ગયો’ છે.

ચહેરા ઓઢ્યા છે તે.

સત્ય અંદર કોહવાઈ રહ્યું છે. શું ફર્ક પડે છે તને જગતથી? હા...પ્રેમ કર. લોકોને પ્રેમ કર. તને પાડી દેનારને પ્રેમ કર. આ ફિલોસોફી માત્ર શબ્દોની ગોઠવણી નથી, એક અદા છે જીવવાની. મને એક વાત સમજાઓ...જ્યારે કોઈ તમને દુઃખી કરી દે છે, દગો આપે છે, કે એકલતા લાગી રહી છે એ સમયે કોઈ મોટીવેશન કામમાં આવતું હોતું નથી...પરંતુ એ સમયે તમારી પાસે બીજો રસ્તો પણ શું છે? એક જ રસ્તો છે: દુઃખ ને કે પેલી એકલતાને કહેવું પડે કે સરખી આવ. આમ ધીમી-ધીમી નહી, ધારદાર આવ. ભાંગી નાખ મને, તોડી નાખ મને. મને તારો પણ પૂરો આનંદ લેવા દે.

...આ પ્રયત્ન કરજો. રડતી આંખે એકલતાને આવકારવાનો પ્રયત્ન.

તમારા માસ્ક હશે તો એ એકલતામાં તમારે બીજાના ટેકા જોઇશે. સુખમાં છકી જવાશે. કારણકે તમે બાળક નથી. એ નિર્દોષતા, એ ભોળપણ, એ દરિયાદિલી તમે ધરબી દીધી છે હૃદયના કોઈ ખૂણામાં.

મોટા થઈને માણસે ક્ષણને જીવતું થવું જોઈએ. ભવિષ્ય અને ભૂતકાળ માંથી નીકળીને માત્ર ક્ષણને પામવાની ઝંખના રાખવી પડે. ચહેરા પહેર્યા વિના આ ક્ષણને જીવવાની કળા શીખવી પડે. નહિતર દુનિયા તમને બદલાવી નાખે છે. એ તમને ભાંગી નાખે છે.

એટલે જ કહું છું: શું ફર્ક પડે છે શું લોકો કહે છે તેનો? કેમ? કોણ મરવાનું છે તારી સાથે? કોણ જન્મવાનું છે તારી સાથે? છેલ્લે સ્મશાનમાં તારી એકલાની રાખ ઉડવાની છે તો પછી આ ઉધામા શા માટે? તું મુક્ત થા દોસ્ત મુક્ત થા. ચહેરાઓથી મુક્ત થા. સત્ય બનીને જીવવું ખુબ જ સહેલું છે. બાળક જેવી લાગણીઓ અને એવી દૃષ્ટિથી જીવવું ખુબ સહેલું છે. તેવા માણસ બનીને કલાકાર બનવું પણ તને ખ્યાતી આપશે. જગતના મહાન સર્જનો બાળકની દૃષ્ટિથી જ સર્જાયા છે.

એ વિસ્મયતા, એ હુનર પ્રત્યેનું ડેડીકેશન કેમ ખોઈ બેઠો છે? હજુ ક્યાંયે મોડું નથી થયું. બસ...તમને ડર છે કે લોકો શું કહેશે! કેવો સરસ ડર છે. કાશ કુતરાઓ અને બિલાડાઓને આવો જ ડર લાગતો હોત! એ બિન્દાસ થઈને ફરે છે, બસ માણસ...

સફળતામાં જ્યારે મોજ વછૂટે ત્યારે હું મારી મોજને કહું આવ...આવ... સરખી આવ...ધીમીધારે નહી...બેશુમાર આવ.

એકલા પડીને જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખને કહું...આવ..આવ...ભાંગી નાખ મને.

અંતે તો મારે બસ જે ક્ષણ મને મળી છે તેને સાર્થક રીતે જીવવી છે. નથી ઓઢવા માસ્ક મારે. નથી બનવું આખી દુનિયાને હસાવતો જોકર મારે.

હું ખુદને નાગો કરું. નાગાઈથી જીવું એ જ બસ છે. મને આ જ સત્ય લાગે છે.

માણસ મોટો થઈને ભૂલી જતો હોય છે કે એક સમયે તે જાદુગર હતો જોકર નહી.

તું જાદુગર છે. ખેલ કર. જાદુ કર. તારી ઈચ્છાઓની લાકડી ઘુમાવ અને બાળકની જેમ સપનાઓ જો. હસ. રડ. બસ...ક્ષણને જીવ, અને માસ્કને કાઢ.

તું કોઈ બીજો માણસ છે, અને તે તું જાણે છે. જો જાણે છે તો હજુ ક્યાં ખોવાયો છે? અંદર જવાબો પડ્યા છે.

***

16 - માણસ અંદરનો માણસ.

રાત્રીના એક વાગ્યા છે. કરોડરજ્જુમાં સખત દુઃખાવો થઇ રહ્યો છે. આખો દિવસ લખવાનું ક્રિયેટીવ કામ કરીને શરીર અને દિમાગ ભાંગી પડે છે. આંખ બંધ કરીશ તો એક જ મિનીટમાં હું ગાઢ ઊંઘ કરતો હોઈશ. પણ આ શું? દિમાગમાં વિચાર આવે છે: “ઉભો થા, લેખ લખવાનો બાકી છે, આજે છેલ્લો દિવસ હતો, છતાં તે નથી લખ્યો.” મન ના પાડે છે, શરીર ના પાડે છે, પરંતુ મારી અંદર રહેલો અને આખો દિવસ મારી સાથે સેલ્ફ-ટોક કરતો માણસ મને ધમરોળે છે.

કામ. કામ. કામ.

ચિક્કાર કામ કરવું છે, આ કામ જ બધું છે. સર્વસ્વ. સૌથી મોટો યોગ. દરેક પીડાની દવા. દરેક દુઃખ ભૂલવાનો મલમ. ઊંડી ઊંઘ માટેનો ઉપચાર. આ કામ કરતા-કરતા મારી અંદરનો માણસ હારી જાય છે. નાલાયક-સાલો બહાનાં આપે છે. કહે છે: લેખક ખુબ લખીશ તો ધાર નીકળી જશે, સ્પાર્ક મરી જશે, લોકો ભૂલી જશે. હું આ માણસને સમજાવું છું (હકીકતમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એ ખુદ જ પોતાની જાતને સમજાવે છે!) કે કેટલા એક્સક્યુઝ આપીશ? કેટલા બહાનાં? માણસને આવતીકાલનો ઉત્સાહ હોય ચિંતા નહી. કેમ તારી જાતને કામ કરવાથી રોકી રહ્યો છે, કેમ આટલી ભૂંસાઈ જવાની ઉપાધી.

રાત્રે બે વાગ્યે આ લખી રહ્યો છે ત્યારે અંદરનો એ માણસ હારી ગયો છે. ચુપ છે. કામે વળગ્યો છે. ખુશ પણ છે.

દોસ્તો...આ અંદરનો માણસ છે જે આખો દિવસ તમારી સાથે વાતો કરી રહ્યો છે. કડક શબ્દોમાં કહું છું: જગતનું કોઈ મોટીવેશન કાળા દિવસોમાં કામ આવશે નહી, કોઈ પોઝીટીવ વાત કે ક્વોટ દુઃખ માંથી ઉગારશે નહી. જયારે માણસ અંધકારમાં ઉભો છે અને ઈચ્છે છે કે એ સ્થિતિ માંથી બહાર નીકળે ત્યારે લાગે છે તમારી અંદરનો માણસ પોતાની જાતને જોર આપશે અને સંધર્ષ કરવા પ્રેરશે? જો હા...તો તમે જીતી ગયા છો. જો ના...તો તમે એ પરિસ્થિતિ ઉપર રડવા બેસવાના છો અંનત સમય માટે. આપણી અંદર રહેલો આપણો ‘આતમ’ છે આ. હજાર બહાનાં આપે છે પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટે, એને માત્ર ખુશ રહેવું છે, ફિલ્મો જોવી છે, ચેટ કરવી છે, ગેમ રમવી છે, દોસ્તો સાથે રખડવું છે, દોસ્ત આડું બોલે તો દુઃખી થવું છે, પરંતુ નાલાયકના પેટના ને ગાંડું કામ કરવું નથી કારણ કે એમાં એને ઘસાવું પડે છે. એને ન ગમતું કામ દેખાડો તો નિરાશ-ગુસ્સે થાય છે, દિમાગને કહે છે તું ફ્લોપ છે. જો ગમતું કામ દેખાડો તો થોડીવાર ખુશ થાય છે પણ બહાનાં બતાવે છે, દુનિયાથી ડરાવે છે, ‘લોકો શું કહેશે’ એવા સૌથી બોગસ સવાલ પૂછે છે, અને પોતાની જાતને ફરી કમ્ફર્ટઝોનમાં લઇ જાય છે. સમય પોતાનું ભાગવાનું કામ કરતો રહે છે અને એક દિવસ આ બહાનાં બનાવતા માણસને લીધે તમે હારી જાઓ છો. (હકીકતમાં એ ખુદ હારતો હોય છે, પછી દિલ-દિમાગને માત્ર લાગણીઓ મોકલે છે જે આંસુ-ક્રોધ કે અમુકવાર આત્મહત્યા સ્વરૂપે બહાર આવે છે.)

આપણી જાતને જીતવાની વાત છે આ. જગતનું સૌથી ભગીરથ યુદ્ધ છે આ. પોતાની અંદર રહેલા વિલનને માત આપવાની છે. ઘણીવાર થાય છે ક્યાં સુધી આ ફિલોસોફી લખીશ? લાગે છે તારો વાંચક એને સાર્થક જીવશે? ના. મોટાભાગના વાંચક આ શબ્દોનું અને પોતાની અંદર રહેલા માણસનું સેક્સ કરાવશે, થોડીવાર એ માણસ ‘હા એ હા, સાચીવાત’ આવું કહેશે, પણ પછી? પછી છે તો એ ઔકાત પર! પોતાનું ધાર્યું કરશે. ક્યારેય કોઈ વાંચકને એ સવાલ થશે કે જિંદગીભર મોટીવેશન વાંચતો રહ્યો, કેમ એની અસરથી હું સફળ માણસ ન બન્યો? હજુ કેમ ખુશી શોધું છું?

જવાબ હું આપું છું: યાદ રાખજો: ગાંડી મહેનતથી પર આગળ ઘણું છે જીત પામવા માટે, અને હજુ આપણે આ મહેનત પણ કરી નથી. વાંક કોનો? તમારો. જો મહેનત કરો તો જીત કોની? તમારી. કામની સાર્થકતા કોની? તમારી. તો વ્હાલા...એક સનાતન સત્ય સ્વીકારી લે કે જયારે તારી હાર-જીત-સુખ-દુખ-સંઘર્ષ-સાર્થકતા-નિષ્ફળતા આ દરેક સત્યનો શોધક-સર્જક તું જ છે તો ખાક છે તને. કેમ શોધવા નીકળે છે તારી જાતને? હરાવ તારી જાતને. જીતાડ તારી જાતને. માર-મરોડ-પછાડ તારી અંદરના માણસને. દરેક સત્ય ખબર છે એને. તારી જાતને પણ બધું ખબર છે. શું નથી ખબર કે ગમતું કામ કરવું જ જોઈએ તો વધુ ખુશી મળે? તો શેના બહાનાં આપે છે તારો આતમ? નથી ખબર કે ઘસાઈશ તો જ ઉજળો થઈશ? તો કેમ ગઈકાલ કરતા આજે વધુ મહેનત નથી કરી? શું નથી ખબર કે ગમતું કામ કરવામાં રસ્તે પણ રઝળવું પડે? તો એકવાર રોડ પર આવે એવું કામ તો કર. નથી ખ્યાલ કે જીવનના છેલ્લા શ્વાસે અંતિમયાત્રા સમયે અંતિમ સત્ય શું હશે? ના ખબર હોય તો કહી દઉં. એ સત્ય એ છે કે: માણસો આવે અને જાય, જીંદગી ભાગતી રહી છે, કપડા વિનાનો આવ્યો હતો અને કપડા વિના ચાલતી પકડવાનો છું તે તને પહેલેથી જ ખબર હતી, પરંતુ દુનિયાને જોઇને તે જે દુનિયાદારીની વાતો જ ઠોકી છે તે સાર્થક કરે છે કે અત્યારે તારી નનામીમાં કેવા માણસો છે, તારા વિષે કેવી વાતો કરી રહ્યા છે. એટલે સમજીલે: કોઈ મળે, કોઈ જાય, પોતાના કામથી મોજ કરતા, લોકોનો સાથ ઉજવતા તું મોત ભણી સરકી જવાનો છે તે તને ખબર છે. આનંદ-ખુશી-જીવન-પ્રેમ-સંઘર્ષ-મોત આ જ અમર સત્ય છે.

બસ...આપણી અંદરના માણસને શું આ ખબર નથી? ખબર જ છે. આ તો આત્મજ્ઞાન છે. ઓટલે સુતેલા કુતરાને પણ ખબર છે કે હું મોત ભણી સરકી રહ્યો છું, પણ એ કુતરા અંદરનો કુતરો એને એમ કહી રહ્યો છે કે ‘કામ’ નામની કાશીયાત્રા નથી કરવી, તું ઓટલે આરામ કર. એ કુતરો ત્યાં પડ્યોપાથર્યો જીવન ગુજારે છે, બહાનાં બનાવે છે, રડે છે જાત પર, ટુકડો રોટલી માટે જીવે છે, અને ભૂંસાઈ જાય છે.

એક ફૂલઝરની જેમ જીવવાનું છે. આખા વિશ્વનો એક નિયમ છે: “અહી કોઈ જીવે કે કોઈ મરે, ઉર્જાનો જથ્થો અચળ રહે છે. તમારા જીવવા-મરવાથી આ દુનિયાને કશું ફર્ક પડવાનો નથી. પણ હા...તમારા જીવવાના અંદાજથી તમે જે ઉર્જા છૂટી પાડશો તેનાથી રોશની થશે આ જગતમાં.”

આપણી અંદરનો માણસ એ કુતરો છે. પૂછડી પકડીને ઉભો કરો, પ્રેમથી સમજાવો. કામ કરવા પ્રેરો. જો શરીર નામની ફૂલઝર નહી બળે તો ઉર્જા છૂટી નહી પડે, જીવ ઓટલે પડ્યો રહેશે, અંદરનો માણસ બહાનાં આપતો રહેશે, પણ જાતને બુલંદ કરી દેશો તો એ ખુદ જ ઉભો થશે અને મચક નહી આપે.

આ લખ્યા પછી રાતના ત્રણ વાગ્યા છે. હજુ એક કામ બાકી છે. ઊંઘ કહે છે કે તું બેડ પર જા. અંદરનો નાલાયક કહે છે તું ઊંઘ પૂરી કર. પરંતુ હું એને સમજાવું છું, પટાવું છું: તેલ લેવા ગઈ ઊંઘ. અધૂરા કામ પુરા કર. કામથી પરમાનંદ મળશે. ઊંઘ કરતા પણ અદભુત આનંદ. ઊંઘ તો આવશે આ શરીર હારી જશે ત્યારે.

અંતિમ ઊંઘ આવે એ પહેલા હું શરીરને જ ઘસી નાખીશ. જાતને જ ઘસી નાખીશ. ઉજળો થઈશ. અંદરના માણસને ઉજળો કરીશ.

અસ્તુ.

***