પિન કોડ - 101 - 111 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 111

પિન કોડ - 101

પ્રકરણ-111

આશુ પટેલ

ઈન્ડિયન એરફોર્સ અને આર્મિના ઉચ્ચ અધિકારીઓને હોટલાઈનથી માહિતી મળી હતી કે કેવી અકલ્પ્ય અને કટોકટીભરી સ્થિતિ સર્જાઈ હતી, જેમા ભારતના વડા પ્રધાન પ્રવાસ કરી રહ્યા હતા એવું ઍરફોર્સનુ પ્લેન ફ્લાઈટ પાથ બદલીને ભાભા એટમિક રિસર્ચ સેંટર તરફ ધસી રહ્યું હતું અને ઍર ટ્રાફિક ક્ધટ્રોલર તરફથી અપાતી સૂચનાઓનો પાઈલટ તરફથી કોઈ પ્રતિસાદ નહોતો મળી રહ્યો. તે પાઈલટને પ્લેન ફરી ઍરપોર્ટ તરફ વાળવા માટે સતત ચેતવણી અપાઈ રહી હતી, પણ તેને અવગણીને પ્લેન ભાભા એટમિક રિસર્ચ સેંટર તરફ આગળ વધી રહ્યું હતું.
આઈએસની ભારતની પાંખના ચીફ કમાન્ડર સૈયદ ઈશ્તિયાક અહમદે ગજબનાક ત્રાગડો રચ્યો હતો. વડા પ્રધાનનું પ્લેન ભાભા એટમિક રિસર્ચ સેંટરની અણુભઠ્ઠી પર ક્રેશ થાય તો મુંબઈ અને આજુબાજુના અનેક શહેરોનો નાશ થઈ જવાનો ભય હતો અને મિસાઈલથી પ્લેન ફૂંકી મારવાનું પગલું ભરાય તો પ્લેનની સાથે વડા પ્રધાન પણ ફૂંકાઈ જવાના હતા. બન્ને સ્થિતિમા ઈશ્તિયાકની જ જીત હતી!
ઍરફોર્સ અને આર્મિના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે હોટલાઈન ધણધણી ઊઠી અને અકલ્પ્ય ઝડપે સૈન્યની ત્રણેય પાંખના વડા એવા રાષ્ટ્રપતિનો પણ સંપર્ક કરાયો અને નિર્ણય લેવાઈ ગયો. અને એ પ્લેન ભાભા એટમિક રિસર્ચ સેંટર સુધી પહોંચે એ પહેલા ફૂંકી મારવાનો આદેશ અપાઈ ગયો.
* * *
સાલા %*#$@%, તારા કમ્પ્યુટર બંધ કર નહીં તો હું તને ગોળી મારી દઇશ. તને પણ તારા જીવની નથી પડી?’ કાણિયો દેશદ્રોહી વૈજ્ઞાનિક સામે જોઇને બરાડ્યો.
વૈજ્ઞાનિકે નિ:સહાય નજરે ઇશ્તિયાક તરફ જોયું. તે પણ થથરી ગયો હતો. કાણિયા ચેકમેટ જેવી સ્થિતિમાં મુકાઇ ગયો હતો. તેણે તેની આખી જિંદગીમાં આવી સ્થિતિનો સામનો નહોતો કર્યો. તેણે ફરી વાર ઈશ્તિયાક સામે પિસ્તોલ તાકી દીધી અને કહ્યું: હું તને અને આ બધાને મારી નાખીશ.’
ઈશ્તિયાક હસ્યો. તેણે કહ્યું: ‘હવે બહુ મોડું થઈ ગયું છે! તું મને મારી નાખીશ તો પણ તું વિનાશ અટકાવી નહીં શકે.’ ‘હવે બાજી તારા કે મારા હાથમાં નથી, આ કોમ્પ્યુટર્સના હાથમાં છે. અને આ વૈજ્ઞાનિક્નો વિચાર બદલાય અને તે કમ્પ્યુટર્સ સાથે કોઈ રમત કરવાનું વિચારે તો પણ એ પહેલા જ હું તેને ગોળી મારી દઈશ!’
કાણિયા ઇશ્તિયાક સામે પિસ્તોલ તાકીને ઊભો હતો અને ઈશ્તિયાકે વૈજ્ઞાનિકની ગરદન પર પિસ્તોલનું નાળચું દબાવી રાખ્યું હતું એ જ વખતે નતાશા એ રૂમમાં વાવાઝોડાની જેમ ધસી આવી. એ વખતે કાણિયાની પીઠ તેના તરફ હતી. નતાશાએ કાણિયા પર ગોળી છોડી. ચોંકી ગયેલા ઇશ્તિયાકે વૈજ્ઞાનિકની ગરદન પરથી પિસ્તોલ હટાવીને નતાશા તરફ તાકી. એ જોઈને કાણિયા એવું સમજ્યો કે ઇશ્તિયાક તેને ગોળી મારી રહ્યો છે એટલે તેણે ઇશ્તિયાક પર ગોળી ચલાવી દીધી, પણ પીઠમાં ગોળી વાગી એનું ભાન થયું એટલે કાણિયા નિશાન ચૂકી ગયો. તેણે છોડેલી ગોળી ઇશ્તિયાકની ગરદનને ઘસરકો કરીને તેની પાછળ ઊભેલા ડોક્ટરના કપાળમાં ધરબાઇ ગઇ.
એ જ વખતે બેકરી તરફથી ધસી આવેલા ગુંડાઓ અંગ્રેજી ‘સી’ આકારના પેસેજના એક છેડેથી પ્રવેશીને ઈશ્તિયાકવાળા રૂમ તરફ ધસ્યા, પણ તેઓ એ રૂમમાં પ્રવેશે એ પહેલા તેમણે તેમના એક સાથીદારને પેસેજની બીજી બાજુથી દોડતા આવતો જોયો અને તેની પાછળ ધસી આવતા વાઘમારે અને પોલીસ કમાન્ડોને જોયા. તેઓ કઈ વિચારે એ પહેલા તો તેમણે પોતાના સાથીદારને પડતા જોયો. વાઘમારે અને પોલીસ કમાન્ડોએ છોડેલી અનેક ગોળીઓ તેની પીઠમાં ધરબાઈ ગઈ હતી.
બેકરી તરફથી ધસી આવેલા ગુંડાઓએ પોતાના સાથીદારને પટકાતો જોયો એટલે તેઓ પાછા બેકરી તરફ નાઠા. તેઓ ભૂલી ગયા હતા કે પોલીસથી જીવ બચાવવા માટે જ તેઓ એ તરફથી ભાગીને આ બાજુ આવ્યા હતા.
ઇશ્તિયાક મરણિયો બન્યો હતો. એક-એક સેક્ધડ કિંમતી હતી. મુંબઇનો વિનાશ માત્ર થોડી સેક્ધડ દૂર હતો ત્યારે જ આ બધી ધમાલ થઇ ગઇ હતી. એકબાજુ કાણિયા આડો ફાટ્યો હતો અને બીજી બાજુ જેને તે પોલીસને ખાળવા ઢાલ બનાવવા માગતો હતો એ નતાશા તેની સામે પિસ્તોલ સાથે આવી ગઈ હતી!
એ દરમિયાન એક સાથે અનેક ઘટનાઓ બની. પેલા વૈજ્ઞાનિકે સિસ્ટમ ડિએક્ટિવેટ કરી નાખી!
કાણિયા એવું સમજ્યો હતો કે ઈશ્તિયાકના કોઈ માણસે તેની પીઠમાં ગોળી મારી દીધી છે અને ઈશ્તિયાકે તેને મારી નાખવા માટે તેની સામે પિસ્તોલ તાકી છે. કાણિયાએ ઈશ્તિયાક સામે ગોળી છોડી. એ વખતે ઈશ્તિયાકે કાણિયાની પાછળ ઊભેલી નતાશાના સામે નિશાન તાકવા માટે હાથ ઊંચો કર્યો એટલે કાણિયાની પિસ્તોલમાથી છૂટેલી ગોળી તેની છાતીમાં વાગવાને બદલે તેના પિસ્તોલવાળા હાથમાં વાગી. ઈશ્તિયાકના હાથમાથી પિસ્તોલ ફેંકાઈ ગઈ.
અચાનક કાણિયાના મનમાં એક વિચાર આંધીની જેમ ત્રાટક્યો. તેની કોઠાસૂઝને કારણે તેણે ત્વરિત નિર્ણય લીધો અને તેણે ટેબલ પર પડેલા બધા લેપટોપ્સ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી દીધી.
ઇશ્તિયાક હેબતાઇ ગયો. વળતી પળે તેણે કાણિયાની છાતીને નિશાન બનાવીને ગોળીઓ ચલાવી દીધી.
કાણિયાની આંખો ફાટેલી જ રહી ગઇ. તે કપાયેલા થડની જેમ ફર્સ પર પટકાયો.
ઈશ્તિયાક કાણિયા પર ગોળીઓ છોડી રહ્યો હતો એ દરમિયાન નતાશાએ ઈશ્તિયાકને નિશાન બનાવીને ગોળીઓ છોડવા માંડી. એ વખતે ઈશ્તિયાકે પણ એક ગોળી તેના તરફ છોડી દીધી હતી. એ ગોળી નતાશાના ડાબા બાવડામાં વાગી.
નતાશાએ છોડેલી ગોળીઓ ઈશ્તિયાકના કપાળમાં અને છાતીમાં ધરબાઈ ગઈ. ઈશ્તિયાક પણ લથડિયું ખાઈને નીચે પડ્યો.
છેલ્લા શ્ર્વાસ લઈ રહેલા ઇશ્તિયાકના ચહેરા પર એક જ અફસોસ વર્તાતો હતો કે એક સાવ સામાન્ય છોકરીને કારણે દુનિયાનો સૌથી મોટો હુમલો નિષ્ફળ ગયો. હિરોશીમા અને નાગાસાકીની જેમ મુંબઇ અને આજુબાજુના શહેરો નેસ્તનાબૂદ થઇ જાત અને ભારતની ઇકોનોમીને પ્રચંડ ફટકો મારવાના તેના ફૂલપ્રૂફ પ્લાનને એક છોકરીએ નાકામિયાબ બનાવ્યો હતો. એ પ્લાનમાં તેણે માત્ર એક પ્યાદા તરીકે મોહિની મેનનની હમશકલ છોકરીને મારીને પોલીસને અવળે પાટે ચડાવવાનું વિચાર્યુ હતું એ છોકરીએ વિશ્ર્વના સૌથી મોટા અને ખતરનાક આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
* * *
ઍરફોર્સના પ્લેનમાંથી રનવે દેખાયો એ પછી પ્લેન લેન્ડ થવાને બદલે વળી ગયું એટલે પ્રાઇમ મિનિસ્ટર અને એમના કાફલાના બધાને એવું લાગ્યું હતું કે ઍરપોર્ટ પર કંઇક ગરબડ છે એટલે પ્લેનને લેન્ડિંગ માટે સિગ્નલ નથી મળી રહ્યું. મુંબઈમાં ઉપરાછાપરી ખોફ્નાક આતંકવાદી હુમલાઓને કારણે જે સ્થિતિ હતી એના કારણે તેમના જીવ પડીકે બંધાઈ ગયા.
ઍરટ્રાફિક કંટ્રોલર તરફથી પાયલટને સતત સૂચના અપાઇ રહી હતી, પણ જેના હાથમાં પ્લેનનું સુકાન હતું એ પાયલટના દિમાગનો કંટ્રોલ આઇએસના માણસોના હાથમાં હતો.
* * *
પ્રાઇમ મિનિસ્ટરનું પ્લેન ઉડાવી રહેલા પાયલટના દિમાગમાં અચાનક ઝણઝણાટી થઇ. તેને આશ્ર્ચર્ય સાથે આઘાતની લાગણી થઇ કે પ્લેન કઇ દિશામાં ઊડી રહ્યું છે. તેને સમજાતા થોડી સેક્ન્ડ લાગી. પાયલટે તરત જ પ્લેનનું ડિરેક્શન ચેન્જ ર્ક્યું.
* * *
ઍરફોર્સનો અધિકારી મન મક્કમ કરીને મિસાઇલ છોડવા માટે બટન દબાવવા જતો હતો એ જ વખતે તેના સાથી અધિકારીએ પ્રાઇમ મિનિસ્ટરના પ્લેનને ફ્લાઇટ પાથ ચેન્જ કરતા જોયું. ‘તેણે બૂમ પાડી: પ્લેન ઍરપોર્ટ તરફ પાછું વળી રહ્યું છે.’
ઍરફોર્સના અધિકારીએ પ્લેનને ફૂંકી મારવા મિસાઈલ છોડવા માટે બટન દબાવવા લંબાવેલો હાથ છેલ્લી ક્ષણે પાછો ખેંચી લીધો.

(ક્રમશ:)