Nasib - 14 books and stories free download online pdf in Gujarati

નસીબ - પ્રકરણ - 14

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૪

ટંડેલે આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. તેના ખબરી અલીએ જે બાતમી તેને આપી હતી એ વિસ્ફોટક હતી. ટંડેલને અલી ઉપર આંધળો વિશ્વાસ હતો. અલીની બાતમી એટલે પથ્થરની લકીર એવું તે માનતો. આજદિન સુધીમાં અલીએ જે પણ તેને કહ્યું હતું, જે પણ ખબર તેને આપી હતી એ સો ટકા સાચી નીવડી હતી અને ટંડેલ હંમેશાં કામયાબ નિવડ્યો હતો... અને એટલે જ આ વખતે પણ તે કોઈ ચૂક કરવા માગતો નહોતો.

અલીની માહિતી પ્રમાણએ મીઠાપુરનો દોલુભા પોતાની બોટમાં મધદરિયે ‘ખેપ’ મારવાનો હતો. અને એ ખેપ તે સુરતના ‘હજીરા’ના કિનારે ઉતારવાનો હતો... એ ખેપમાં જે માલ હતો એ માલની ડિલિવરી દરબાર ટ્રાન્સપોર્ટની ટ્રક દ્વારા લેવાવાની હતી અને એ સામાન કોઈક જગ્યાએ ડિલિવર કરવાનો હતો. અલીએ આ તમામ વિગતો ટંડેલને પહોંચાડી હતી અને હજુ પણ તે દોલુભા ઉપર નજર રાખી રહ્યો હતો.

એ સમયે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. ટંડેલે બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લેતાં કમિશનર સાહેબને ફોનથી માહિતગાર કર્યા એટલે તાબડતોબ તેઓ પણ ઊંઘમાંથી જાગીને પોતાની ઑફિસમાં આવી ગયા હતા. તેમણે ટંડેલ પાસેથી ઘટનાઓનો રિપોર્ટ મેળવ્યો અને પછી જરૂરી મુદ્દાઓ અલગ તારવ્યા. એક અલગથી નાનું યુનિટ રચવામાં આવ્યું જે ફક્ત આ બાતમી ઉપર જ કામ કરે અને જરૂરી એક્શન લે. અલીની બાતમી પ્રમાણે દોલુભા એક જ બોટમાં હેરાફેરીનો સામાન લાવવાનો હતો, એટલે વધુ માણસોને લઈ જવાની જરૂર નહોતી જણાતી. અલીના કહ્યા પ્રમાણે દોલુભાએ જે બોટ આ કામ માટે ફાળવી હતી તે એક સામાન્ય પ્રકારની ફેરીબોટ હતી એટલે એવો અંદાજ મુકાયો કે દોલુભા બોટમાં વધુ માણસો સાથે લઈને નહીં જ જાય... છતાંય તૈયારીરૂપે ટંડેલની સાથે દસ હથિયારબંધ કોન્સ્ટેબલો, એક પી.એસ.આઈ. પરમાર અને ટંડેલ પોતે એમ બાર વ્યક્તિઓની ટીમ મોકલવાનું નક્કી થયું. હિંમતસિંહ દરબારની ટ્રાન્સપોર્ટની એક જ ટ્રક આવવાની હતી એટલે એ ટ્રકમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર માણસો સાથે હશે એવી પણ ગણતરીઓ મુકાઈ હતી. આ ઑપરેશન સફળ રીતે પાર પાડવાની તમામ જવાબદારી ટંડેલે લીધી હતી એટલે કમિશનર સાહેબ બેફિકર બનીને ફરી પાછા પોતાના ઘરે ચાલ્યા ગયા. આમ તો જોકે એમને એવું જ લાગતું હતું કે આ મામલો ટંડેર ધારે છે એટલો ગંભીર નહીં હોય. આ એક સામાન્ય દાણચોરીનો કેસ હશે, તેમ છતાં તેઓ ટંડેલનો આત્મવિશ્વાસ જોઈને કંઈ બોલ્યા નહોતા. એમણે એવી આશા રાખી હતી કે ટંડેલ જે ગંભીરતાથી આ કેસને લઈ રહ્યો છે એટલો મોટો દલ્લો દુલભાની બોટમાંથી પકડાય તો પોતે પણ એની વાહવાહી લૂંટી શકે.

દોલુભાની બોટ લગભગ આશરે રાતના બાર વાગ્યાની આશપાસ હજીરાના દરિયાકિનારે લાંગરવાની હતી એટલે ટંડેલ પાસે આજનો આખો દિવસ હતો. છતાં પણ તે આ મામલામાં જરાપણ રિસ્ક લેવાના મતનો નહોતો. તે જાણતો હતો કે દોલુભા અને હિંમતસિંહ દરબાર સામાન્ય કામમાં પોતાનો હાથ નાંખે નહીં એટલે ટંડેલે સમયનો સદ્‌ઉપયોગ કરતાં વહેલી સવારમાં જ ‘ઑપરેશન દોલુભા’ની રૂપરેખા તૈયાર કરી તેના પર કામ ચાલુ કરી દીધું હતું. સવારે છ વાગ્યે જ્યારે તે પોલીસ સ્ટેશનેથી પોતાના ઘરે જવા નીકળ્યો ત્યારે તે પોતાની યોજના પર મુસ્તેદ હતો કે આજે રાત્રે તો દોલુભા અને હિંમતસિંહ બન્ને પોતાની ગિરફ્તમાં હશે... એ જ મુસ્તેદીમાં તે પોતાની જીપમાં ગોઠવાયો હતો અને પોતાના ઘર તરફ જીપને ધમધમાવીને ભગાવી હતી... ટંડેલના પોલીસચોકી છોડ્યાની ત્રીજી જ મિનિટે કોન્સ્ટેબલ હરિએ પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો અને સામેથી ફોન રિસિવ થયો ત્યારે તેણે ટંડેલના ‘ઑપરેશન દોલુભા’ની સમગ્ર વિગત ફોનમાં જણાવી દીધી.. રઘુનાથ ટંડેલ પોતાના આયોજન ઉપર મુસ્તાક હતો પરંતુ કોન્સ્ટેબલ હરિએ તેના પ્લાનમાં ફાચર મારી દીધી હતી... તેણે કોઈકને તમામ તૈયારીઓની માહિતી પહોંચાડી દીધી હતી.

આવનારા ચોવીસ કલાક કંઈ કેટલીય ઉથલપાથલ લઈને આવવાના હતા. આ ઘટના સાથે જોડાયેલા તમામ પાત્રો પોતપોતાની રીતે પ્લાન ઘડીને તૈયારીઓ કરી રહ્યા હતા અને તમામને પોતાના પ્લાન ભૂલપ્રૂફ-ફૂલપ્રૂફ લાગતા હતા... પરંતુ થવાનું તો એ જ હતું જે એમના નસીબમાં લખાયેલું હતું. આવનારા સમયે પણ પોતાનો પ્લાન તૈયાર જ રાખ્યો હતો... અને... કુદરતના પ્લાન આગળ બીજા બધાના પ્લાનો ઊંધા વળવાના હતા.

આર. કે.ખન્નાના મોબાઇલની રિંગ વાગી ઉઠી. ખન્ના પોતાના ભવ્ય સ્યૂટની મુલાયમ પથારીમાં આળોટતો પડ્યો હતો. રાત્રે વિમલરાય સાથે મિટીંગ પતાવીને આવ્યા બાદ તે કંઈક ઉત્તેજના અને ઉશ્કેરાય અનુભવી રહ્યો હતો. આજે ઘણા વર્ષો બાદ તેનો મક્સદ પૂરો થવાની ઘડીઓ ગણાઈ રહી હતી... અને ત્યારે તે પોતે કેમ આટલી વિહ્‌વળતા અને બેચેની અનુભવી રહ્યો છે એ તેને પોતાને પણ સમજાતું નહોતુ.ં એ જ અજંપામાં તેણે રાત વિતાવી હતી. અત્યારે સવારના છ વાગ્યે જ્યારે તેનો મોબાઈલ ચીખી ઊઠ્યો ત્યારે તંદ્રાવસ્થામાં પણ તે ઉછળી પડ્યો.. ઝપટ મારીને તેણે ફોન ઉઠાવ્યો. સ્ક્રીન ઉપર વિમલરાયનું નામ ઝબકતું હતું. વિમલરાય તેની બાજુના સ્યૂટમાં જ હતો છતાં તે ફોન કરી રહ્યો હતો એટલે જરૂર કોઈ ગંભીર બાબત હશે એમ વિચારીને તેણે ફોન ઉઠાવ્યો.

‘હલ્લો...’

‘ખન્ના... મુસીબત થઈ છે...’ વિમલરાયે કહ્યું. તેના અવાજમાં થડકારો હતો.

‘એની મુસીબત...?’

‘આપણો પ્લાન લીક થયો છે... પોલીસને કોઈક રીતે જાણ થઈ છે... અને રાત્રે દોલુભાના સ્વાગત માટે પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે.’

‘વૉટ...?’ ખન્ના તેની પથારીમાં ઉછળીને બેઠો થઈ ગયો. તેનો અધખુલ્લો મજબૂત દેહ હલી ઊઠ્યો... ‘પણ કેમ...? કેવી રીતે...? મતલબ કે પોલીસને કોણે ઇન્ફોર્મ કર્યુ.ં..?’ એક સાથે ઘણા બધા પ્રશ્નો દેના દિમાગમાં ઉદ્‌ભવ્યા એટલે બોલવામાં તેનાથી લોચા વળતા હતા.

‘હજુ હમણા પાંચ મિનિટ પહેલાં જ કરમાકરનો ફોન હતો... તેને કોઈક હરિ નામના તેના ઓળખીતા કોન્સ્ટેબલે ફોન કરીને જણાવ્યું હતું કે સુરતના પોલીસ કમિશનર અને પી.આઈ. ટંડેલે સુરતના હજીરા કાંઠે આજે રાત્રે કોઈક દોલુભાની બોટ આવવાની છે તેને ગિરફ્તમાં લેવા માટે જાળ બિછાવી છે.’

‘પરંતુ... પેલા કોન્સ્ટેબલે કરમાકરને શા માટે ફોન કર્યો...? તેને ક્યાંથી ખબર કે દોલુભાની બોટ સાથે કરમાકરને કંઈક કનેક્શન હશે...?’ ખન્નાએ આશ્ચર્યથી પૂછ્યું. તે આ ઘટનાની ગંભીરતા સમજતો હતો. જો કોઈપણ રીતે બોટ વિશેની વાત લીક થઈ હોય તો એ ઘણી ખતરનાક બાબત હતી. અને આમાં તો તે વિમલરાયને એની રાજકીય વગ વાપરવાનું પણ કહી શકે તેમ નહોતો. જો વિમલરાય ટંડેલને કે કમિશનરને તેનું ઑપરેશન મોકૂફ રાખવાનું જણાવે તો એમાં સીધું જ વિમલરાયનું નામ જોડાઈ જાય... અને એવી ભૂલ ખન્ના કરવા માગતો નહોતો.

‘ખન્ના... કરમાકર સુરતનો નામચીન આદમી છે. એટલે કદાચ એ કોન્સ્ટેબલે તેનું દિમાગ લડાવ્યું હશે કે જો ટંડેલ જેવો બાહોશ ઇન્સ્પેક્ટર આ મામલામાં પડવાનો હોય તો મામલો જરૂર ગરમ હશે... અને કરમાકર ત્યાંના ઘણા પોલીસવાળાઓને સાચવીને બેઠો છે એટલે પેલાએ કરમાકર સુધી આ ખબર પહોંચાડી હશે... પરંતુ એ મહત્ત્વનું નથી કે કોણે, કોને, શું કહ્યું...? મહત્ત્વનું એ છે કે દોલુભા ખેબ લઈને સુરત પહોંચવાનો છે એ માહિતી લીક થઈ ગઈ છે અને આ ઘણી ગંભીર બાબત છે...’ વિમલરાયનો અવાજ બોદો થઈ ગયો હોય એવું ખન્નાએ અનુભવ્યું. ખન્ના પોતે જમાનાનો ખાધેલ ખૂંખાર આદમી હતો અને તે ઉપરાંત તે લશ્કરી માહોલનો માણસ હતો એટલે ગમે એવી વિપરીત પરિસ્થિતિમાં પણ તે પોતાનું દિમાગ ઠંડું રાખીને વિચારી શકતો... વિમલરાયે જે કહ્યું તે એની વર્ષોની મહેનત અને તપસ્યાને ધૂળમાં મેળવી નાખવા પૂરતું હતું. એ વિચાર તેને પણ આવતો હતો, એટલે તાત્કાલિક કોઈ ફેંસલો લેવો જરૂરી હતો અને તેના માટે તેણે વિચારવું જરૂરી હતું... ખન્ના હાથમાં ફોન પકડીને થોડી વાર વિચારતો એમ જ બેસી રહ્યો... એ સમય દરમ્યાન બન્ને છેડે ખામોશી છવાયેલી રહી.

‘હેલ્લો... ખન્ના...’ વિમલરાયને એ થોડી સેકન્ડોની ખામોશી પણ અકળાવી ગઈ, ‘તું ચૂપ કેમ થઈ ગયો...? દોલુભા જો પોલીસના હાથમાં આવી ગયો તો ભારે મુસીબત ઉભી થયા વગર રહેવાની નથી. અને પેલો કમબખ્ત હાજી કાસમ પણ દોલુભાની સાથે આવવાનો છે એટલે જરૂર મોટો વિસ્ફોટ થશે...’

‘એવું નહીં થાય...’ ખન્નાનું શેતાની દિમાગ ઝડપથી વિચારી રહ્યું હતું. તેના મગજમાં ઝબકારો થયો અને તે બોલ્યો, ‘તું બધું મારા પર છોડી દે અને હું તને જેટલું કહું એના પર તાત્કાલિક અમલ કરી નાંખ... જો ધ્યાનથી સાંભળ મારી વાત...’ અને તેણે સમજાવ્યું કે શું કરવાનું હતું... ખન્ના જાણતો હતો કે વિમલરાય આ વાત સાંભળીને ઉછળી પડશે, પરંતુ તેની પાસે ખન્નાએ કહ્યું એમ કર્યા સિવાય બીજો રસ્તો નહોતો બચતો. અને થયું પણ એમ જ... ખન્નાની વાત સાંભળીને વિમલરાયનો શ્વાસ અધ્ધર થઈ ગયો...

‘માય ગોડ ખન્ના... એ શક્ય કેમ બને...?’

‘એ હવે તારે વિચારવાનું છે કે તારે આનો અમલ કેમ કરવો... તું ગૃહમંત્રી છે... તું ધારે તે કરી શકે... મારે તને સમજાવવાનો ન હોય.’

‘પણ... મારે આનો જવાબ આપવો પડશે.’

‘તો આપજે ને...’

‘પરંતુ...’

‘હવે આ પરંતુ છોડ... ઉભો થા, અને ગાંધીનગર દોડ. અહીંનું હું સંભાળી લઈશ... અને હા... એક વાતનું ધ્યાન રાખજે. મેં તને કહ્યું તેમાં જરાપણ ગરબડ ન થવી જોઈએ. નહીંતર આપણે બધા એક સાથે મરીશું... જા હવે તૈયાર થા અને ફતેહ કર...’ કહીને ખન્નાએ ફોન ડિસ્કનેક્ટ કર્યો અને ઝડપથી બીજો ફોન નંબર ડાયલ કર્યો.

‘દરબાર... ખન્ના બોલુંછું...’ જેવો ફોન લાગ્યો કે તે બોલ્યો, ‘સાંભળ, આજ રાતના પ્લાનમાં એક નાનકડો ફેરફાર કરવાનો છે. તારા ટ્રાન્સપોર્ટનું કામકાજ દમણમાં છે કે નહીં...?’ સામા છેડેથી કંઈક કહેવાયું.

‘વાહ... સરસ... તો એક કામ કર. સુરતમાં જે ટ્રક અને તેની સાથે માણસો તું મોકલવાનો હતો તેને તાબડતોબ અત્યારે જ તારી દમણની ઑફિસે રવાના કર...’ ફરી થોડી વાર ખામોશી છવાઈ.

‘હા...હા... બસ એમ જ... સુરતનું કન્સાઇનમેન્ટ હવે દમણમાં ઉતરશે એટલે તારે અહીં વ્યવસ્થા કરવાની છે. હું દોલુભાને પણ જણાવી દઉં છું... પછીતમે બન્ને આપસમાં નક્કી કરી લેજો કે કેવી રીતે માલ પહોંચાડવાનો છે ?’ કહીને ખન્નાએ હિંમતસિંહને પ્લાનમાં ફેરફારની પૂરી જાણકારી આપી ને ફોન મુક્યો... પછી દોલુભાને ફોન કરી તેને સમજાવ્યું... અને ત્યારબાદ તેણે એક બીજો નંબર લગાવ્યો... સામા છેડે રીંગ વાગી... એ નંબર ભારત બહારનો હતો... પાકિસ્તાનનો હતો.

‘સલામ આલેકુમ...’ ખન્નાએ વાતની શરૂઆત કરી. તેણે હાજી કાસમને ફોન લગાવ્યો હતો. તે જાણતો હતો કે હવે જ ખરેખરી કસોટી થવાની હતી એટલે તેણે સાવચેતીપૂર્વક વાત શરૂ કરી. જો તેને જરા સરખો પણ અણસાર આવી જાશે કે અહીં ભારતની પોલીસને તેના કન્સાઇનમેન્ટની જાણકારી મળી ચૂકી છે તો એ તરત જ એ કન્સાઇનમેન્ટ કેન્સલ કરી નાખશે અને આટલાં વર્ષો બાદ ફરી પાછી બની-બનાવેલી બાજી વિખેરાઈ જશે...

‘વાલેકુમ અસ્સલામ... કહીએ ખન્નાજી, સુબહ સુબહ મેં ક્યું યાદ કિયા...? સબ ખૈરિયત તો હૈ ના...? રાત કોતો હમ મિલને વાલે હી હૈં...’ કંઈક ઘોઘરો અને કર્કશ અવાજ ખન્નાના કાને અફળાયો. ‘ઔર ઐસે ફઓન કરને કા જોખમ તુમ જાનતે હો ના...?’

‘જી... જાનતા હૂં જનાબ, લેકિન બાત કરની જરૂરી થી. પ્રોગ્રામ મેં થોડા ચેંજ કરના પડેગા જનાબ...’

‘ક્યું...? કુછ ગરબડી હુઈ હૈ ક્યા...?’

‘જી જનાબ....’ ખન્નાને ખબર હતી કે કાસમને ના પાડવાનો કોઈ મતલબ નથી એટલે તેણે હા પાડી અનમે સાથે સાથે વિચારી પણ રાખ્યું હતું કે તેને શું કહેવું.

‘હમ જહાં માલ ઉતારને વાલે થે વો જગહ સુરત કે હજીરા ઇલાકે મેં હૈ... ઔર વહાં રાત કો એક છોટા-સા હાદસા હો યા હૈ...’

‘કૈસા હાદસા...?’

‘જી... વો જહાં હજીરા મેં ભારત સરકાર કી માલિકી કી એક નેચલ ગૈસ નિકાલનેવાલી કંપની હૈ... ઉસ કંપની મેં કલ રાત કો કુછ ગરબડી કી વજહ સે યા ફિર કુછ તકનીકી વજહ સે ગૈસ લે જાનેવાલી પાઇપલાઇન લીકેજ હો ગઈ હૈ... જીસકે કારણ ગૈસ લાઇન મેં આગ લગ ચૂકી હૈ... ઇસલિયે વો પૂરે ઇલાકે મેં ફાયરબ્રિગેડવાલોં ઔર પુલીસવાલોં કા મેલા સા લગ ચૂકા હૈ. પુરા ઇલાકા સાવધાની કી વજહ સે કોર્ડન કર લિયા ગયા હૈ... ઐસે મેં હમારા માલ આજ રાત તો ઉસ જગહ લાના ઠીક નહીં હોગા... ઇસલિયે પ્લાન મેં બદલાવ કરના જરૂરી બન ગયા હૈ...’ ખન્નાએ બહુ જ સાવધાનીથી આખી વાત ઉપજાવી કાઢી. તેને ખબર હતી કે આ વાત એક તુત જ છે પણ હાજી કાસમ આટલા ટૂંકા સમયમાં ક્યાં તપાસ કરવા જવાનો છે. અને તેમ છતાં જો તેને આ વાતની જાણકારી મળે તો પછી પડશે એવા દેવાશેની નીતિ તેણે અખત્યાર કરી જ રાખી હતી... પણ... તેના ધાર્યા કરતાં બહુ સરળતાથી હાજી કાસમ માની ગયો હતો.

‘ઓહ... ઐસી બાત હૈ... તો બતાઓ તુમ્હારા પ્લાન ક્યા હૈ...?’

અને... ખન્નાએ કાસમને સમજાવ્યું કે માલક્યાં ઉતારવાનો છે. હાજી કાસમે બીજી કાંઈ માથાકૂટ કર્યા વગર ખન્નાની વાત માની લીધી એ જ તેના માટે રાહતની વાત હતી. ખન્નાએ કાસમનો ફોન મુક્યો ત્યારે તેના કપાળે પરસેવો ઊભરી આવ્યો હતો. ફોન પૂરો થતાં તેણે રાહતનો શ્વાસ લીધો અને તેના કરડા ચહેરા પર આછી મુસ્કાન ઉપસી... જાણે તેના મન ઉપરથી બહુ મોટો ભાર હળવો થયો હોય...

આ ઘટના સાથે સંકળાયેલા તમામે તમામ પાત્રો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા હતા. કોઈની પાસે વધુ સમય નહોતો.

જે સમયે સીમા અને સુસ્મિતા, સુસ્મિતાના સ્યૂટમાં પહોંચ્યા તે જ સમયે વિમલરાયે ખન્નાને ફોન કર્યો હતો... એ પછી જ્યારે ખન્ના કાસમ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ ડૉ. પ્રિતમસિંહ પોતાની પ્રાઇવેટ વાનમાં ભુપતને લઈને ‘બ્લ્યૂ હેવન’ પર આવી પહોંચ્યો હતો... બોસ્કી પણ સાથે જ આવ્યો હતો... ડૉ. પ્રિતમસિંહ જ્યારે હોટલ પહોંચ્યા તેના કલાક પહેલાં જ... મતલબ કે રૂમ નં. ૩૦૪ને તાળું મરાયું ત્યારે... જોરાના માણસોએ મંગાની લાશને દરિયાકિનારેથી ઉપાડીને સવારના આછા અંધકારમાં નાળિયેરની ઝૂંડ વચ્ચે રેતીમાં ઊંડો ખાડો ખોદીને તેને દફનાવી દીધો હતો... અને તે જ સમયે ટંડેલ સુરતના પોતાના પોલીસ સ્ટેશનેથી નીકળીને ઘરે જઈને ગાઢ નિદ્રામાં સરી પડવાની તૈયારી કરી રહ્યો હતો... તમામ ઘટનાઓ ખૂબ જ ટૂંકા ગાળામાં ભયાનક ઝડપે બની રહી હતી... અને આપસમાં સંકળાયેલી આ તમામ વ્યક્તિઓને આનો જરા સરખો પણ અણસાર નહોતો.

ડૉ. પ્રિતમસિંહ ભુપતને લઈને ‘બ્લ્યૂ હેવન’ના પાર્કિંગ એરિયામાં આવ્યા. તેમણે પોતાની એમ્બ્યુલન્સ કમ વાનને સીધી જ સ્ટોરરૂમના દરવાજા પાસે લીધી. વાનને રિવર્સ લઈને તેનો પાછળનો ભાગ દરવાજા તરફ ખૂલે એવી રીતે ઉભી રાખવામાં આવી. સુસ્મિતાએ પોતાના બે વિશ્વાસુ માણસોને અગાઉથી જ તૈયાર રાખ્યા હતા. તેમણે ભુપતને વાનમાંથી ઊંચકીને વેલજીની બાજુમાં સુવાડ્યો... તે ભાનમાં હતો પણ ઉભો થઈ શકે કે પોતાની જાતને હલનચલન કરી શકે એવી સ્થિતિમાં નહોતો. સીમાએ છોડેલી ગોળી તેની પીંડીના સ્નાયુઓને વીંધીને અંદર અટવાઈ ગઈ હતી, જેના કારણે તેનો આખો પગ ખોટો પડી ગયો હોય એવું તેને લાગતું હતું. તેનો ખભો પણ સૂઝીને દડા જેવો થયો હતો. પોતાની જ બેવકૂફીને કારણે તેના પોતાના હાથમાં હતું એ ચાકુ તેના ડાબા સોલ્ડરમાં ઘુસી ગયું હતું. અત્યારે તેમાંથી ભયાનક લવકારા નીકળી રહ્યા હતા અને એ દર્દના કારણે તેના આખા ધડના ભાગમાં ધ્રુજારી ઉઠતી હતી... પ્રિતમસિંહે જોકે તેની એકદમ પરફેક્ટ કહી શકાય એવી સારકાર કરી હતી, જેથી ભુપતને ઘણી રાહત લાગતી હતી... તેને પોતાને ફરી પાછો અહીં લાવવામાં આવ્યો તેનું પારાવાર આશ્ચર્ય થઈ રહ્યું હતું. તે વારેવારે આંખો ફાડીને આજુબાજુ જોઈ રહ્યો હતો. તે સમજી ચૂક્યો હતો કે આ લોકો તેને આસાનીથી છોડવાના નથી... જિંદગીમાં જાણે પહેલી વાર હાર માની રહ્યો હોય તેમ ચૂપચાપ ટગર-ટગર રૂમમાં ઉભેલા ચહેરાઓ સામે તે જોઈ રહ્યો... ભુપતથી ઘણી સારી હાલત વેલજીની હતી. તેમ છતાં તે લગભગ કલાકેક કે તેથી વધુ સમયથી બેભાન અવસ્થામાં પડ્યો હતો. અજયે તેને જે બેરહમીથી માર્યો હતો એનો ભયાનક માનસિક આઘાત લાગ્યો હતો. તેણે કદાચ પહેલી વાર આટલો ખરાબ રીતે માર ખાધો હશે... સાચે જ... અજયે પાગલની જેમ તેને ઠમકાર્યો હતો.

ભુપતને અને મંગાને જે પલંગ પર સુવડાવવામાં આવ્યા હતા તેની આસપાસ સહુ ખુરશી પર ગોઠવાયા. સુસ્મિતાએ તેના પેલા બન્ને પઠ્ઠાઓને ચા-પાણીની વ્યવસ્થા કરવા રવાના કર્યા.. બોસ્કીને પણ રવાના કરવો જરૂરી હતો કારણ કે તેના ચહેરા પર આખી રાતના ઉજાગરાના કારણે થાક સ્પષ્ટ વર્તાતો હતો એટલે પ્રેમે પોતાના સ્યૂટની ચાવી તેને આપી થોડો ફ્રેશ થવા ઉપર મોકલી આપ્યો... પછી ભુપતની પૂછપરછ શરૂ કરવામાં આવી. પ્રેમે જ શરૂઆત કરી.

‘હા તો ભુપતભાઈ... કેમ છે તને હવે...?’ તેણે વ્યંગમાં પુછ્યું... ભુપતે જવાબ ન આપ્યો. તેની લાલઘુમ આંખો પ્રેમના સોહામણા ચહેરા ઉપર સ્થિર થઈ... તે સમજી ચૂક્યો હતો કે હવે બાજી તેના હાથમાંથી નીકળી ચૂકી છે અને આ લોકોને બધું જણાવ્યા વગર તેનો છુટકારો નથી... જો તે ચૂપ રહેશે અને જો પ્રેમ ફરી પાછો તેની ધોલાઈ શરૂ કરશે તો આ વખતે તેની બહુ બૂરી વલે થશે... તેણે અંદર આવતાં જોયું હતું કે આ લોકોએ વેલજીને પણ બહુ બૂરી રીતે ધોયો હતો... તે જાણી ચૂક્યો હતો કે તેની સામેની ખુરશીમાં બેઠેલા સુકલકડી છોકરામાં ગજબની તાકાત હતી. બે-બે વખત આ છોકરો તેના જેવા રીઢા વ્યક્તિ ઉપર ભારે પડ્યો હતો.

‘જો તું જવાબ આપવા ન માગતો હોય તો મને વાંધો નથી. તકલીફ તને જ થશે. હું બિલકુલ નથી ઇચ્છતો કે મારે હવે તને કોઈ તકલીફ આપવી પડે...’

‘શું જાણવું છે તમારે...?’ સાવ નંખાઈ ગયેલા અવાજે ભુપતે પુછ્યું.

‘વેરી ગુડ... જો તું અમારા પ્રશ્નોના સીધી રીતે અને સાચા જવાબ આપીશ તો હું તને વચન આપું છું કે તારી અને આ વેલજીની વ્યવસ્થિત સારવાર થશે અને પછી તમને મુક્ત કરીશું...’ પ્રેમે કહ્યું. તે ભુપતની આંખોમાં તરતા નિઃસહાયતાના ભાવોને સ્પષ્ટ વાંચી શકતો હતો. તેને ખાતરી હતી કે ભુપત પાસે હવે સાચુંબોલવા સિવાય બીજો રસ્તો નહોતો.

‘હું તને શું પુછવા માગું છું એ તું સમજતો નહિ હોય એવું હું માનતો નથી એટલે બહેતર છે કે તું જ શરૂઆત કર... મને, અમને પહેલેથી, મતલબ કે એકડે એકથી જાણવામાં રસ છે... મોહનબાબુની હત્યા, સીમાનું અપહરણ, તુલસીનું મોત, અજયને જેલ અને સૌથી અગત્યનું એ કે આ બધું કરવા પાછળનો મસકદ શું છે...? કોણ-કોણ અને કેટલા માણસો આમાં સંડોવાયેલા છે...? આજે રાત્રે શું બનવાનું છે...? આ તમામ પ્રશ્નોના સાચા ઉત્તર જોઈએ...’

ભુપત ઘીસ ખાઈ ગયો. પ્રેમના સવાલો સાંભળી તેને હેરત થયું. આ છોકરડાઓ ઘણુંબધું જાણી આવ્યા હતા એનું આશ્ચર્ય તેના ચહેરા ઉપર પ્રસર્યું.

‘જુઓ... હું જે જાણું છું એ બધું જ તમને કહીશ, પણ મારી એક શરત છે...’ તેના મોઢામાંથી ઘોઘરો અવાજ નીકળ્યો. તેને બોલવામાં તકલીફ થતી હતી.

‘તને લાગે છે કે તું અત્યારે કોઈ શરત મુકવાની સ્થિતિમાં છો...?’

‘જો તમારે સત્ય જાણવું હોય તો મારી શરત તમારે માન્ય રાખવી પડશે, નહીંતર તમે લોકો ગમે એટલો મને મારશો તો પણ હું બોલીશ નહીં...’

‘પ્રેમ... આ સીધી રીતે તો નહીં જ માને... હમણા બે-ચાર લાતો પડશે એટલે પોપટની જેમ બધું બકવા માંડશે...’ અજયે કહ્યું. તેનો ગુસ્સો હજુ પણ શાંત થયો નહોતો. સીમા તેની બાજુમાં જ બેઠી હતી. તેણે અજયના હાથ ઉપર પોતાનો હાથ મુક્યો અને આંખોથી જ ઇશારો કર્યો કે તે શાંત રહે અને પ્રેમને એની રીતે ભુપતની પૂછપરછ કરવા દે... અજય એ સમજ્યો. એ જોઈને ભુપતના હોઠ થોડા વંકાયા જાણે તે જાણતો જ હોય કે આ લોકોએ તેની શરત માન્ય રાખ્યા વગર છુટકો નથી.

‘ઠીક છે... વોલ... શું શરત છે...?’ પ્રેમે પુછ્યું.

‘મને, આ વેલજી અને મારો ત્રીજો સાગરિત મંગાને તમારે આ સમગ્ર ઝમેલાથી દૂર રાખવા પડશે... મને ખાતરી છે કે હું જે કહીશ એ સાંભળ્યા બાદ તમારે પોલીસને ઇન્વોલ્વ કર્યા વગર રહેશે નહીં... પરંતુ તમારે અમને ત્રણેયને બાકાત રાખવાનું વચન આપવું પડશે તો જ હું આગળ વાત કરીશ... બોલો છે મંજૂર...?’ ભુપતે કહ્યું.

પ્રેમ તેની વાત સાંભળીને વિચારમાં પડ્યો. ભુપતની વાત એક રીતે તો સાચી જ હતી. વહેલા-મોડા પણ પોલીસને ખબર તો આપવી જ પડશે... હજુ સુધી તેઓએ નક્કી કર્યું નહોતું કે આમાં પોલીસને ઇન્વોલ્વ કરવી કે નહીં ? સુસ્મિતા તો ક્યારની કહેતી હતી પણ તે જ ના પાડતો હતો. અહીં એકઠા થયેલા લોકોમાં ભુપત અને વેલજી સિવાય કોઈનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નહોતું. અરે... અહીં જે લોકો હતા એ તો સમાજમાં બહુ મોટું નામ અને પ્રતિષ્ઠા ધરાવતા હતા. તે પોતે અબજોપતિ હતો. સુરત અને વાપીમાં તેના હાથ હેઠળ ઘણાબધા કારોબાર ચાલતા હતા... સુસ્મિતા અહીં દમણમાં સમગ્ર ‘બ્લ્યૂ હેવન’ પોતાના દમ અને દિમાગથી ચલાવતી હતી... ડૉ. પ્રિતમસિંહ દમણના ખ્યાતનામ સર્જન હતા... અજય ભલે જેલવાસ ગાળીને આવ્યો હોય પણ તેની પાસે પણ બાપદાદાની અઢળક સંપત્તિ હતી. અને સીમા... સીમલામાં તે ભવ્ય રીતે એશોઆરામથી રહેતી હતી... તેઓ પાંચેય કોઈ ગુનાહિત ભૂતકાળ ધરાવતા નહોતા કે નહોતા તેના જીન્સમાં એવા લક્ષણો, છતાંય તેઓએ અત્યારે જે કર્યું હતું એ કોઈ ખૂંખાર ગુનેગારોને છાજે એવું કૃત્ય હતું. સીમાના હાથે મંગાનું મોત થયું એ જરૂર કોમ્પ્લીકેટેડ બાબત હતી તેમ છતાં પ્રેમને ખાતરી હતી કે જોરાએ જરૂર તેનો બંદોબસ્ત કરી નાખ્યો હશે... અને એટલે જ અત્યારે તે ભુપતે મુકેલી શરતને માન્ય રાખવાના મૂડમાં આવ્યો હતો. તે પોતે કંઈ થોડો હરિશ્ચંદ્રનો અવતાર હતો કે એક વખત વચન આપ્યા બાદ ફરી નહીં જાય.... જેવા સમય અને સંજોગો એવું વર્તન એવી ફિલસૂફીમાં માનતા પ્રેમે ભુપતને હાલ પૂરતું વચન આપી દીધું કે તે પોલીસને તેમના વિશે નહીં કહે. આમ પણ હવે માત્ર બેનો જ સવાલ હતો ને, મંગો તો ક્યારનો ઠેકાણે લાગી ચૂક્યો હશે.

‘તારી શરત મંજૂર છે... હવે બોલવા માંડ....’

‘ઠીક છે, તો સાંભળો... મને તમારા પર વિશ્વાસ છે એટલે તમે કહ્યું કે અમને પોલીસને નહીં સોંપો એટલે તમારી જબાનનો વિશ્વાસ કરતાં મને એટલી ખબર છે, હું જેટલું જાણું છું એટલું તમને જણાવું છું...’ ભુપતે કહ્યું. તે પ્રેમને તું, તાં...ની જગ્યાએ તમેથી બોલાવવા લાગ્યો હતો.

‘શરૂઆત થઈ હતી આજથી સાત-સાડાસાત વર્ષ પહેલાં. એ સમયે વિમલરાય રાજકારણમાં એક નાનો, અદનો કાર્યકર્તા હતો. અને તે આ અજયના પિતા મોહનબાબુની છત્રછાયામાં, એમની આંગળી પકડીને ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. સામે પક્ષે મોહનબાબુને પણ વિમલરાયમાં પોતાનો ભવિષ્યનો વારસદાર દેખાવા લાગ્યો હતો. મોહનબાબુએ તેને પોતાના સૌથી પ્રિય શિષ્ય તરીકે નવાજ્યો હતો અને તેઓ ઇચ્છતા હતા કેતેમના બાદ વિમલરાય તેમની ખુરશી સંભાળે... પરંતુ વિમલરાયના ખ્વાબ ઊંચા હતા. તેને માત્ર પાર્ટીના અધ્યક્ષ બનીને જીવન નહોતું ગુજારવું. તેમને તો ગુજરાતના મુખ્યમંત્રી બનવું હતું અને ત્યાંથી સીધું દિલ્હી જવું હતું. તે જાણતા હતા કે તે જે સ્વપ્ન જુએ છે એ પૂરું કરવા માટે ઘણા મોટા ફંડની જરૂર પડવાની છે એટલે વિમલરાયે કોઠા-કબાડા, હવાલા અને ફાઈલોની અદલાબદલી જેવા ગોરખધંધા ચાલુ કર્યા હતા... એમાં સાવ અચાનક એક દિવસ તેનો ભેટો આર. કે. ખન્ના નામના શખ્સ સાથે દિલ્હીમાં યોજાયેલી એક પાર્ટી મિટીંગમાં થયો. આર. કે. ખન્ના ભારતીય લશ્કરમાં ઉચ્ચ હોદ્દા પર હતો. તે પોતાના હોદ્દાનો નાજાયઝ ફાયદો ઉઠાવતો હતો. શસ્ત્રોની હેરાફેરી અને દુશ્મન દેશને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી પહોંચતી કરીને મબલખ રૂપિયા બનાવ્યા હતા. વિમલરાય અને આર. કે. ખન્નાની દોસ્તી જામી પડી અને એ દોસ્તીએ એક ખતરનાક કાવતરાને જન્મ આપ્યો.’

ચા-નાસ્તાની પ્લેટ સાથે બે કર્મચારીઓ રૂમમાં દાખળ થયા એટલે ભુપત અટક્યો. રૂમમાં એક બાજુ ખૂણામાં પડેલી ટીપોઈને ઉંચકીને બધાની વચ્ચે મુકાઈ અને તેના પર નાસ્તાની ડીશો ગોઠવાઈ... ચાનાસ્તો ચાલતો હતો એ દરમ્યાન જ બોસ્કી આવ્યો હતો. તેનો નાનકડો ગોળ ચહેરો તરોતાજા લાગતો હતો. તે પણ નાસ્તામાં સાથે જોડાયો... થોડી વાર બાદ નાસ્તાની ખાલી પ્લેટો લઈને એ ચપરાશીઓ રવાના થયા એટલે ફરી પાછો વાતનો તંતુ સંધાયો...

‘પછી....?’ સીમાએ પૂછ્યું.

‘તે બન્નેએ ભેગા મળીને જે કાવતરું ઘડ્યું હતું એ ગુજરાતના રાજકારણમાં ધરતીકંપ પેદા કરત એ નક્કી હતું... તેઓએ જે યોજના બનાવી હતી તેનાથી હું અજાણ હતો કારણ કે ત્યારે હું ચિત્રમાં આવ્યો નહોતો... મારી એન્ટ્રી તો સાવ અચાનક જ થઈ હતી. જો મોહનબાબુનું કાસળ કાઢવાનું નક્કી થયું ન હોત તો કદાચ મને બોલાવવામાં આવ્યો ન હોત... એમ કહો કે ન છુટકે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો... મોહનબાબુને કોઈક રીતે વિમલરાયના ષડયંત્રની માહિતી મળી અને તેઓ ધુંધવાઈ ઊઠ્યા. તે હતા નખશીખ સજ્જન માણસ, અને તેમનો જ શાગીર્દ વિમલરાયને તેઓ પોતાનો રાજકીય વારસો સોંપવાના હતા તે આવી કોઈ ભયાનક સાજિશ રચે એ તેમનાથી બર્દાસ્ત થયું નહીં અને તેમણે વિમલરાયને પોતાની ઑફિસમાં બોલાવીને ખુલાસો માગ્યો... વિમલરાય ફફડી ઉઠ્યા. તેમને પળભર તો એવું લાગ્યું કે જાણે એના પગ નીચેથી કોઈએ જમીન સરકાવી લીધી હોય... પરંતુ... તેમણે તરત બાજી સંભાળી લીધી. તેણે કાકલુદી કરીને મોહનબાબુને મનાવવાની કોશિષ કરી. તેમ છતાંય મોહનબાબુ માન્યા નહોતા અને તેણે વિમલરાયને ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપી દીધું... વિમલરાય ગમ ખાઈને ત્યાંથી નીકળ્યા અને તરત તેમણે ખન્નાને ફોન કર્યો. બસ, એ જ સમયે મને તેમની યોજનામાં દાખલ કરવામાં આવ્યો. મેં જે હમણા આગળ તમને લોકોને કહ્યું એ વાતોની તો મને પછીથી ખબર પડી હતી.’

‘એ લોકોની યોજના શું હતી...? કેવો વિસ્ફોટ તેઓ કરવા ધારતા હતા...? અને એવું તો મોહનબાબુ શું જાણી ગયા કે તેમને રસ્તામાંથી હટાવવા પડ્યા...?’ સીમાએ ફરી વખત પુછ્યું. તે ભુપતની રગ-રગથી વાકેફ થઈ ચૂકી હતી. તે અત્યારે તો સાચું બોલી રહ્યો હતો છતાં પણ તેનો ભરોસો કરવો યોગ્ય નહોતો.

‘હું નથી જાણતો...’ ભુપતે કહ્યું.

‘નથી જાણતો મતલબ...’ સીમા તાડુકી ઊઠી. તેને આવી જ કંઈક આશંકા હતી.

‘મતલબ કે મને નથી જાણ કે વિમલરાય શું કરવા ધારે છે...? તેઓનો પ્લાન શું હતો... અને શું છે ?’

‘વાહ... તું પૂરી રીતે આમાં સંડોવાયેલો છે અને તને ખબર જ નથી આ બધું શું કામ કરવામાં આવી રહ્યું છે...? તું શું અમને ઉઠા ભણાવે છે...’

‘મેં ક્યાં એવું કહ્યું... હું કહું છું કે મને વિમલરાયે તેના પ્લાન વિશે બધી માહિતી નથી આપી... બસ.’

‘અને અમે માની લઈએ...?’ સીમાની ભ્રકૂટી તણાઈ.

‘ન માનો... મારે શું...? મેં તમને પહેલા જ કહ્યું હતું કે જેટલું હું જાણું છું એટલું બધું જ ઇમાનદારીથી જણાવીશ... શરત એટલી જ કે તમારે મને અને મારા માણસોને આમાંથી અળગા રાખવાના. એટલું તો તમે કરી જ શકશો... બાકી મારી વાત માનવી કે નહીં એ તમારી મરજી...’

‘એ વતન તને પ્રેમે આપ્યું છે, એટલે પ્રેમ એ નિભાવશે. હું એવા કોઈ બંધનમાં નથી. જો તું સત્ય નહીં જણાવે તો તારી બૂરી વલે થશે... અને આ મારી તને આખરી ચેવણી છે...’ સીમા ક્રોધથી કાંપી ઉઠી. તેની આંખોમાં લાલાશ તરી આવી. ભુપત એ લોકોને રીતસરને બેવકૂફ બનાવી રહ્યો હોય એવું તેને લાગતું હતું. અને હવે વધુ સમય તેની પાસે નહોતો. જો ભુપતની ઉલટતપાસમાં જ તેઓ સમય વગાડે તો જરૂર મોડું થઈ જાય એમ હતું. હવે તો આર-યા-પારની લડાઈ બાકી રહેતી હતી... સીમા એના માટે તૈયાર હતી.

સીમાના તેવર પ્રેમે જોયા અને તે વચમાં બોલ્યો...

‘ઠીક છે... તારી વાત માની લઈએ ભુપત... પછી...? પછી તેં શું કર્યું એ કહે.’ તેણે સીમાને આંખોથી જ શાંત રહેવાનો ઇશારો કર્યો. તેને ફડક હતી કે વાત ક્યાંક આડાપાટે ચડી ન જાય.

‘વિમલરાયે મને બે કામ સોંપ્યા હતા...’ ભુપતે કહ્યું, ‘એક મોહનબાબુને પતાવી દેવાનું, બે તેના છોકરાને તેની જ પ્રેમિકાના ખૂનમાં સલવાડી દેવાનો... સાથે સાથે તેમણે અજય સુધી એક જાલીનોટો અને ડ્રગ્સ ભરેલો થેલો પહોંચાડવાનું પણ નક્કી થયું કારણ કે જો તુલસીના મોતના સમયે જ તેની પાસેથી એ વસ્તુઓ બરામદ થાય તો અજયને બરાબરનો કાનૂની સકંજામાં ફસાવી શકાય અને સમાજમાં મોહનબાબુના નામ ઉપર માછલાં ધોવાય... એ પ્લાન ખરેખર જબરદસ્ત હતો. અને થયું પણ એમ જ... જે દિવસે મોહનબાબુની ગેમ ખતમ કરવાની હતી એના બે દિવસ પહેલાંથી અમે તુલસીના ઘર ઉપર નજર રાખવાનું ચાલુ કર્યું હતું. અમારી બાતમી મુજબ તેની એક નાની બહેન તે દિવસે જ તેને મળવા આવી હતી... અમે તૈયાર હતા. તત્કાલ પ્લાન ઘડાયો અને જેવી આ છોકરી તુલસીના ઘરેથી બહાર નીકળી, અમે તેનું અપહરણ કરી લીધું અને એક અવાવરુ બિલ્ડિંગમાં ગોંધી રાખી. અમે તેનો ‘લીવર’ તરીકે ઉપયોગ કરવા માંગતા હતા... સીમા, એટલે કે આ સામે ઊભી છે એ છોકરીના અપહરણની વાત સાંભળીને તુલસી અમારું કામ કરવા તૈયાર થઈ ગઈ હતી... તેણે ફક્ત એક થેલો જ અજય સુધી પહોંચાડવાનો હતો એટલે તે જલદી માની ગઈ હતી... તુલસી નહોતી જાણતી કે તે સામે ચાલીને પોતાના મોતને મળવા જવાની હતી... એ કામ મંગો કરવાનો હતો. તે ટ્રક લઈને તૈયાર જ હતો. મારું કામ મોહનબાબુને ખતમ કરવાનું હતું. મેં તે દિવસે સવારે જ એ કામ પતાવી નાખ્યું હતું. મોહનબાબુને ખતમ કરવા બહુ આસાન હતા... અને એટલી સફાઈથી મેં એ કર્યું હતું કે બધાને એમ જ લાગે કે મોહનબાબુને અચાનક હાર્ટ-ઍટેક આવ્યો હશે અને તેઓ ગુજરી....’ પણ ભુપતના આગળના શબ્દો તેના ગળામાં જ અટવાઈ પડ્યા.

‘તડાક...’ અચાનક એક અવાજ આવ્યો અને પછી ભુપતની રાડ સંભળાઈ... અને પછી ચીખોની શૃંખલા ચાલુ થઈ. જાણે કે તેને ચીખોનો હિસ્ટિરીયા આવ્યો હોય. એ નાનકડા એવા સ્ટોરરૂમમાં ધમાચકડી મચી. કોઈને તરત ખ્યાલ ન આવ્યો કે શું થયું... બધા ડઘાઈને જોઈ રહ્યા... અને, સૌથી પહેલા પ્રેમ ધસ્યો. તેણે ઊભા થઈને પીઠ પાછળથી પોતાના બન્ને હાથ અજયની બગલમાં સરકાવીને કોઈ નાના બાળકને ઊંચકતો હોય એમ ઊંચકીને ગોળ ફર્ય. હાથ ખુલ્લા કરીને અજયને છોડ્યો અને તેને ઊલટી દિશામાં ધક્કો માર્યો.

‘સ્ટોપ ઇટ અજય... સ્ટોપ ધીસ નોનસેન્સ.... આ શું છોકરમત માંડી છે...? પ્રેમે લગભગ ચિલ્લાઈને બોલી ઊઠ્યો. અજય સ્ટોરરૂમના દરવાજાની નજીક ધ્રુજતો ઉભો રહ્યો. તેની આંખોમાં ભયાનક ખુન્નસ છવાયેલું હતું. તેના હાથમાં ત્રણેક ફૂટ લાંબો પતલી સોટી જેવો લાકડાનો ટુકડો હતો. એ ટુકડો તે બેઠો હતો એ ખુરશી નીચેથી સેરવ્યો હતો... ભુપતે તેના પિતાજીનું મોત નીપજાવ્યું હતું એ તો તેની જાણમાં હતું જ, તેમ છતાં જે ઉદ્ધતાઈ અને નફ્ફટાઈથી તે બોલ્યો એ સાંભળીને તેનું મગજ ભમી ગયું હતું. તેને ભયાનક ગુસ્સો આવ્યો અને એ ગુસ્સામાં એ લાકડાનો ટુકડો ઉઠાવીને ભુપતના પગ ઉપર ઠોક્યો હતો. ભુપતનો જે પગ સાજો હતો તેના નળા ઉપર જ અજયે વાર કર્યો હતો અને પછી વાર ઉપર વાર કરતો રહ્યો... એક..બે...ત્રણ.. અને પ્રેમે તેને પાછળથી પકડીને દૂર ધકેલ્યો હતો. જો પ્રેમે જલદીથી તેને પકડ્યો ન હોત તો જરૂર અજપ ભુપતના પગનો છુંદો કરી નાખત... ભુપત ભયાનક રીતે રાડો પાડી રહ્યો હતો. કદાચ તેના પગના નળાના હાડકાંનો ચૂરો બોલી ગયો હતો. કદાચ તેને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હતું. તે બેવડ વળી ગયો હતો. તેણે બન્ને હાથે પોતાના જખમી પગના ગોઠણ પકડી રાખ્યા હતા અને એ ભડભાદર આદમીની આંખમાં દર્દ અને નિઃસહાયતાના કારણે આંસુ ધસી આવ્યાં હતાં. ભુપતની ચીખો એ નાનકડા સ્ટોરરૂમમાં પડઘાઈને બહાર પાર્કિંગ પ્લેસ સુધી ફેલાઈ... સુસ્મિતાના પેલા બન્ને નોકરી, દિનેશ અને મુરલી બહાર દરવાજે ઉભા હતા. તેઓ દોડીને સ્ટોરરૂમમાં ઘુસ્યા અને અંદરનું દૃશ્ય જોઈને હેબતાઈને ઉભા રહી ગયા.

‘ભુપત... તું ચિલ્લાવાનું બંધ કર... તું કાંઈ મરી નથી ગયો... સમજ્યો... તારા અવાજના કારણે જો કોઈ અહીં આવી ચડ્યું તો સૌથી વધારે તકલીફ તને જ પડશે.... માટે ચૂપ મર...’ પ્રેમે કહ્યું. ભુપત નાના છોકરાની જેમ બરાડા પાડી રહ્યો હતો એની ફડક પ્રેમને પેઠી. તેણે ડક્ટર તરફ ફરીને કહ્યું, ‘ડૉક્ટર સાહેબ... તમે....’ પણ પ્રેમને વધારે બોલવાની જરૂર ન પડી. ડૉકટરે એનું કામ ચાલુ કરી દીધું હતું. તેમણે ભુપતનું પેન્ટ ઉપર ચડાવ્યું અને ઘાવને તપાસ્યો. બહુ બૂરી રીતે તેનો પગ ભાંગી ચુક્યો હતો. નળાના હાડકાંના બે-ત્રણ ટુકડા થયા હશે એવું તેનું અનુમાન હતું.

‘તમે લોકો ખરેખર જંગલી છો... મને તો આ બન્નેની દયા આવે છે. હવે એક મિનિટ પણ હું આને અહીં નહીં રહેવા દઉં... આમ પણ આ બન્નેને હૉસ્પિટલ ભેગા કર્યા વગર છુટકો નથી. આના પગમાં મલ્ટીપલ ફ્રેક્ચર થઈ ચૂક્યું છે એટલે તેની સારવાર તો કરવી જ પડશે...અને તે પણ જેમ બને તેમ જલ્દી. નહીંતર આ ચોક્કસ ગુજરી જશે....’ ડૉક્ટર પ્રિતમસિંહે રોષપૂર્ણ અવાજે કહ્યું.

લગભગ બધાને ડૉક્ટરની વાત સમજાતી હતી. અજયે બીજી વખત ઉતાવળ કરીને બાજી બગાડી નાખી હતી. પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. ભુપત તેની જાતે બધી કબૂલાત કરી રહ્યો હતો અને તેની કબૂલાત રૂમમાં લગાવેલાં કૅમેરામાં રેકોર્ડ થઈ રહી હતી... એ વ્યવસ્થા સુસ્મિતાએ જ કરાવડાવી હતી. ભુપતની તમામ કબૂલાત એમાં ટેપ થઈ રહી હતી. જો ભુપત બોલતો રહ્યો હોત તો વિમલરાય અને ખન્નાએ શું બાજી ગોઠવી છે એ... તેની સાથે સામેલ તમામ માણસો, એમની ઓળખ અને તેઓ શું કરવા માગતા હતા એ તમામ વિગતો જાણવા મળી જાત. અને કૅમેરા દ્વારા થયેલું શુટિંગ એક જોરદાર સબૂત તરીકે કામ આવી શકત... પરંતુ બધું પાણીમાં ગયું હતું. જેટલું શુટિંગ થયું હતું એ પૂરતું નહોતું... હવે ડૉક્ટર પ્રિતમસિંહ પણ માનવાનો નહોતો. તે ભુપત અને વેલજીને પોતાની હૉસ્પિટલ ભેગા કર્યા વગર રહેવાનો નહોતો.. અને જો તે બન્ને એક વાર અહીંથી બહાર નીકળે પછી તેઓથી કંઈ થઈ શકે નહીં એ પણ નક્કી હતું.

કંઈક ખિન્નતા અને વિહ્‌વળતા અનુભવતો પ્રેમ ઝડપથી વિચારી રહ્યો હતો. પ્રેમની જેમ જ સીમા અને સુસ્મિતા આવી પડેલી પરિસ્થિતિને અનુલક્ષીને વિચારતા ઉભા હતા. મામને એ સમજાતું હતું કે અજયે ઉતાવળ કરી નાખી હતી. તેણે થોડી ધીરજ રાખવાની જરૂર હતી. અને એવું નહોતું કે અજયને આ સમજાયું ના હોય, તે ત્યાં ખૂણામાં મુકેલી ખુરશી પર બેસી ગયો હતો. તેનું શરીર હજુ પણ ધ્રુજી રહ્યું હતું. તેના જીગરમાં, તેના હૃદયમાં કંઈક વિચિત્ર સ્પંદનો થતાં હતા. તેના પેટમાં સળો પડતી હતી... તેના પિતાજીનો કાતિલ તેની જ સામે બેસીને ગર્વથી અને મગરૂબીથી પોતે શું કર્યું હતું એ બયાન કરી રહ્યો હોય અને તે પોતે કંઈ જ કરી શકતો નથી એ લાચારીએ તેના દિમાગમાં વિસ્ફોટો સર્જ્યા હતા, અને તેના પરિણામ સ્વરૂપે તેનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તે સમજતો હતો કે ભુપતને અત્યારે મારવાની જરૂર નહોતી પણ તેનો પોતાના પર કાબૂ જતો રહ્યો હતો... અને હવે કંઈ જ થઈ શકે તેમ નહોતું. ડૉક્ટરે પોતાની તૈયારી પૂરી કરી અને તેમણે દિનેશ અને મુરલીની જોડીની મદદથી ભુપતઅ ને મંગાને પોતાની વાનમાં ઊંચકીને ચડાવ્યા હતા... તેઓ વાનના સ્ટીયરિંગ તરફ આગળ વધ્યા હતા...

‘ડૉક્ટર... એક મિનિટ....’ સુસ્મિતાએ વાનની ડ્રાઇવર સીટ પર બેસવા જતા પ્રિતમસિંહને દૂરથી જ સાદ પાડ્યો અને તે દોડતી તેમની પાસે પહોંચી. પ્રિતમસિંહ ખચકાઈને ઉભા રહ્યા. સુસ્મિતા તે કંઈક કહેવા માગતી હતી એ તેમને સમજાયું. તેમણે સુસ્મિતાના ખભે વાત્સલ્યપૂર્વક હાથ મુક્યો અને બોલ્યા...

‘જો બેટા, હું જાણું છું કે અત્યારે તમને લોકોને આ બન્નેની જરૂર છે. મેં પણ ભુપતની વાત સાંભળઈ છે. અને મને લાગે છે કે હવે આ મામલો તમારે પોલીસને હવાલે કરી દેવો જોઈએ. નાહકના તમે લોકો મુસીબતમાં મુકાવ એવું હું ક્યારેય ન ઇચ્છું... હાલની સ્થિતિ જોતાં મને નથી લાગતું કે આ બન્ને તમારી પાસે સુરક્ષિત રહે. પહેલાં મને લાગતું હતું કે તમે લોકો જરૂર કોઈ ક્રાઇમ કરવા માગતા હશો, પરંતુ ભુપતની વાતો સાંભળીને મને આંચકો લાગ્યો છે... હું પણ માનું છું કે આવા લોકો ભયાનક સજાને લાયક જ છે પરંતુ એ કામ કાનૂનનું છે આપણું નહીં ! જો આ બન્નેમાંથી એક પણ આદમી મરી જશે તો તમે બધાં ઉપાધિમાં મુકાશો... અને એટલે જ હું આ લોકોને લઈ જાઉં છું.’

‘ડૉક્ટર... તમારી વાત સાચી છે અને અમને બધાને એ સમજાય પણ છે, તેમ છતાં અજયે જે કર્યું એ કદાચ તેની જગ્યાએ હું કે તમે હોત તો આપણે પણ એ જ કર્યું હોત... છતાંય તેને સમજાવીશું કે તે શાંત રહે. તમે સમજો ડૉક્ટર કે આ વાત ફક્ત તેના પિતાજીના ખૂન કે તેના જેલવાસ પૂરતી સીમિત નથી... વિમલરાય અને તેની ગેંગ કોઈ એવું કાવતરું પાર પાડવા માગે છે કે જેના લીધે સમગ્ર ગુજરાતમાં અંધાધૂંધી ફેલાય, અને તેના છાંટા સમગ્ર દેશ ઉપર ઊડે.... અમારા માટે એ જાણવું જરૂરી છે કે એ કાવતરું શું છે...? અને તેના માટે ભુપતનું બોલવું જરૂરી છે...’ સુસ્મિતાએ વ્યગ્રતાથી કહ્યું. તે કાંઠે આવેલું વહાણ ડુબવા દેવા માગતી નહોતી.

‘મને નથી લાગતું કે હવે ભુપત તમને કંઈ કહે...’

‘કહેશે ડૉક્ટર... જો તમે ઇચ્છો તો એ જરૂર બોલશે...’ સુસ્મિતાએ ચાલાકીથી કહ્યું. તે ડૉક્ટર પ્રિતમસિંહ પાછળ દોડી હતી કારણ કે પ્રેમે તેને એમ કરવાનું કહ્યું હતું. પ્રેમે જ્યારે જોયું કે ડૉક્ટર હવે માનશે નહીં ત્યારે તેણે સુસ્મિતાને ઝડપથી સમજાવ્યું હતું કે શું કરવાનું છે... અને અત્યારે પ્રેમનો એ દાવ સફળ થઈ રહ્યો હતો. પ્રિતમસિંહ મુંઝવણ અનુભવી સુસ્મિતા સામે જોઈ રહ્યા.

‘મતલબ...? મારા ઇચ્છતા, ન ઇચ્છવા સાથે ભુપતને શું લેવાદેવા...? તેમને સુસ્મિતાની આંખોમાં વિચિત્ર ચમક દેખાઈ હતી.

‘લેવાદેવા છે ડૉક્ટર... તમે જો સાથ આપશો તો ભુપત જરૂર બોલશે કે આજે રાત્રે વિમલરાય અને ખન્ના શું ધમાકો કરવા ધારે છે... અમારે ફક્ત થોડીક જ મિનિટો જોઈએ છે, પચી તમે એ બન્નેને લઈને ચાલ્યા જજો....’ સુસ્મિતાએ કહ્યું. ડૉક્ટર વિચારમાં પડ્યા. સુસ્મિતા જોઈ શકતી હતી કે તીર નિશાને લાગ્યું છે.

‘તું શું કરવા ધારે છે...? ચોખવટથીકહે, આમ ઉખાણાની ભાષા મને સમજાતી નથી.’

‘ચાલો મારી સાથે, પ્રેમ તમને સમજાવશે...’ કહીને તેણે ડૉક્ટરનો હાથ પકડ્યો અને સ્ટીરયિંગ પરથી તેમને ઉતારીને ગાડીના પાછળના દરવાજે લઈ આવી. ડૉક્ટરની એમ્બ્યુલન્સ કમ વાનનો પાછલો દરવાજો ઉપરની તરફ ખુલ્લો હતો. વાનમાં પાછળની સીટો કાઢી નાખવામાં આવી હતી અને તેની જગ્યાએ ઑપરેશન થિયેટરમાં હોય એવા ડનલોપના ગાદીવાળા સ્ટ્રેચર બન્ને બાજુ બનાવવામાં આવ્યા હતા, જેથી તેમાં દર્દીને આરામથી સુવડાવી શકાય. ભુપત અને વેલજીને અત્યારે તે સ્ટ્રેચર ઉપર જ સુવરાવવામાં આવ્યા હતા. વેલજી હજુ એકધારી બેહોશીમાં જ પડ્યો હતો. જ્યારે ભુપતના ડુસકાં શમ્યાં હતાં અને તે પગમાં ઉઠતા સણકાને લીધે પારાવાર દર્દ અનુભવતો કણસી રહ્યો હતો. તેની આંખોમાંથી રહી-રહીને પાણી નીકળી આવતું હતું. તે ઇચ્છતો હતો કે જેમ બને તેમ જલ્દીથી તેને હૉસ્પિટલ ભેગો કરવામાં આવે.

ડૉક્ટર અને સુસ્મિતા વાનના પાછલા દરવાજે આવ્યા અને સુસ્મિતાએ બૂમ પાડી... ‘પ્રેમ...’ પ્રેમ જાણે આ ક્ષણની જ રાહ જોઈ રહ્યો હોય તેમ સ્ટોરરૂમના દરવાજામાંથી બહાર નીકળીને લગભગ દોડતો વાન પાસે આવ્યો. સુસ્મિતાએ આંખોથી જ ઇશારો કર્યો કે ડૉક્ટર માની ગયા છે એટલે તે ઝડપથી વાનમાં ઘુસીને ભુપત સામે ગોઠવાયો. ભયાનક દર્દથી કરાહતો ભુપત ડઘાઈને પ્રેમ સામે જોઈ રહ્યો. તેની આંખોમાં પ્રશ્ન ઉઠ્યો કે આ વળી શું નવી રમત માંડી છે આ લોકોએ... ભુપતની જેમ ડૉક્ટર પણ અવાક્‌ બનીને તમાશો નિહાળી રહ્યા.

‘ભુપત... ફક્ત એક જ સવાલ, પછી તું અહીંથી જઈ શકશે... આજે રાત્રે વિમલરાય અને ખન્ના શું કરવા માગે છે, અને કઈ જગ્યાએ...?’ પ્રેમે ભુપતની નજરો સાથે નજરો મિલાવતાં સવાલ પુછ્યો અને પછી હળવેક રહીને પોતાનો જમણો હાથ ભુપતના જખ્મી પગ ઉપર મુક્યો... ધ્રુજી ઉઠ્યો ભુપત... તેને અને પ્રિતમસિંહ, એ બન્નેને એકસાથે સમજાયું કે પ્રેમનો ઉરાદો શું છે...? પ્રિતમસિંહના મનમાં અચાનક પ્રેમ પ્રત્યે અહોભાવ જન્મ્યો. તેમના ઘરડા ચહેરાની કરચલીઓમાં સ્મિત ફેલાયું. તે પ્રેમનું પ્રયોજન સમજી ગયા. હવે તેમણે કંઈ જ કરવાનું નહોતું. ફક્ત ચુપચાપ જોયે રાખવાનું હતું અને જો ભુપત કરગરે તો એટલું જ કહેવાનું હતું કે, ‘પહેલા પ્રેમના સવાલોના જવાબ આપ, સારવાર ત્યારબાદ થશે...’ સુસ્મિતાએ ડૉક્ટર પાસે આવી જ કંઈક ફેવર માંગી હતી તે હવે તેમને સમજાયું. તેમને સુસ્મિતાની પસંદગી ઉપર ગર્વ થયો કે તેણે પોતાના જીવનસાથી તરીકે એક હોનહાર અને બાહોશ યુવકને પસંદ કર્યો હતો. તેમની આંખોમાં પ્રેમની પ્રશંસા ઉભરી આવી... વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના દિમાગને શાંત રાખીને જે વિચારી શકે તેની જ જીત થાય છે એ પ્રેમ પુરવાર કરી રહ્યો હતો... સામેની તરફ ભુપત પાસે હવે કોઈ વિકલ્પ બચતો નહોતો. તેને પ્રેમના ભયાનક ઇરાદાઓ સમજાઈ ચૂક્યા હતા. ગનીમત એ જ હતી કે પ્રેમના હાથે રીબાવા કરતાં તે તેને વિમલરાયના પ્લાન વિશે જણાવી દે. તે અંદરથી ભાંગી ચૂક્યો હતો. બે બદામનો મામૂલી છોકરડો તેના જેવા ખતરનાક માણસ ઉપર વારે-વારે ભારે પડી રહ્યો હતો એ હકીકત તેની હિંમતને વિખેરીને તોડી નાખતી હતી... અને જાણે તે પ્રેમની શરણાગતિ સ્વીકારતો હોય તેમ પોપટની જેમ બોલવા માંડ્યો... હવે જાણે તેના મનમાં કોઈનો ડર રહ્યો નહોતો.

‘કોઈક પેટીઓ આવી રહી છે... અફગાનિસ્તાનથી એ કન્સાઇનમેન્ટ ભરાયું છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના દરિયાકાંઠે એ પેટીઓ એક બોટમાં ચડાવવામાં આવનારી છે અને ત્યાંથી આપણા દેશમાં ઘુસાડાશે. એ પેટીઓમાં શું સરસામાન છે એ મને નથી ખબર... પાકિસ્તાનથી રવાના થયેલી બોટમાંનો સામાન, હિન્દુસ્તાન અને પાકિસ્તાનની જળસીમાની બોર્ડર પર મીઠાપુરના દોલુભા નામના શખ્સની બોટમાં મધદરિયે ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યાંથી પાકિસ્તાનની બોટ પરત રવાના થશે. દોલુભા પાસે ઘણી બોટો છે અને તેની પાસે માછીમારીની પરમિશન પણ છે એટલે ભારતની જળસીમામાં તેની બોટનું ચેકિંગ નહીં થાય... એટલે દોલુભા આરામથી એ પેટીઓને હિન્દુસ્તાનની ધરતી ઉપર ઉતારી શકશે...’

‘પેટીઓ... મતલબ...?’ પ્રેમે પૂછ્યું, ‘કેવી પેટીઓ...?’

‘મને નથી ખબર...’

‘ક્યાં ઉતારવાની છે એ પેટીઓ...?’

‘સુરતના દરિયાકાંઠે... હજીરા પાસે ક્યાંક... મને પાક્કી જાણકારી નથી...’

‘આમાં તારે શું કરવાનું છે...? મતલબ તારી શું ભૂમિકા છે...?’

‘હજુ સુધી મને જણાવાયું નથી. તમારા કારણે કદાચ મને બાકાત પણ રખાયો હોય.’

‘અમારા કારણે...?’ પ્રેમે આશ્ચર્યથી પૂછ્યું.

‘હા... તમે મારા હાથમાંથી અજયને છોડાવી ગયા તે વિમલરાય અને ખન્નાને નથી ગમ્યું. તેઓ બોલ્યા નથી પણ મને તેમના ચહેરાના હાવભાવ પરથી સમજાયું હતું કે એ વાત તેમને પસંદ નથી આવી એટલે શક્ય છે કે મને કોઈ કામગીરી ન પણ સોંપાય...’

‘અચ્છા... કુલ કેટલી પેટીઓ આવવાની છે...?’

‘નથી જાણતો...’

‘પેટીઓ કેવડી છે...?’

‘ખબર નહિ...’

‘કેમ...?’

‘ક્યારેય વાત નથી થઈ....’

‘એ પેટીઓની અહીં ભારતમાં ડિલિવરી કોણ લેવાનું છે...?’

‘દરબાર ટ્રાન્સપોર્ટવાળો હિંમતસિંહ....’

‘કેવી રીતે...?’

‘તેના ટ્રાન્સપોર્ટની એક ટ્રકમાં...’

‘એક જ ટ્રક...?’

‘હા... એક જ...’

‘તે પેટીઓના બદલામાં શું અપાયું છે...?’

‘નથી જાણતો...’

‘અહીં લાવ્યા બાદ, હિંમતસિંહ એ પેટીઓની ડિલિવરી કોને આપવાનો છે...?’

‘એ પણ નથી જાણતો... કહું છું ને કે લગભગ મને આમાં બાકાત રખાશે...’

‘બીજું તું શું જાણે છે...?’

‘બસ, આટલું જ....’ ભુપત ખામોશ થઈ ગયો.

‘તો... તારું કહેવાનું એમ થાય છે કે પાકિસ્તાનથી એક બોટમાં થોડીક પેટીઓ, જેમાં કશુંક ભર્યું હશે એ પેટીઓ મધદરિયે દોલુભાની બોટમાં ચડાવવામાં આવશે... ત્યારબાદ દોલુભા પોતાની બોટને સુરતના દરિયાકિનારે લાંગરશે અને તેણે જે પેટીઓ મેળવી છે એ તે હિંમતસિંહની ટ્રકમાં ચડાવશે... ત્યારબાદ હિંમતસિંહ એ પેટીઓ લઈને કોઈક જગ્યાએ, અથવા તો કોઈક વ્યક્તિઓને ડિલિવર કરશે...?’ પ્રેમે આખા આયોજનનો ચિતાર રજૂ કરતાં પૂછ્યું.

‘હા... મારા ખ્યાલ મુજબ એવું જ કાંઈક થશે...’

‘હમ્‌...’ પ્રેમ વિચારમાં પડ્યો. ભુપત પાસે ખોટું બોલવાના કોઈ કારણો નહોતા અને તે અત્યારે ખોટું બોલતો નહોતો એ તેની ખાત્રી હતી. તેમ છતાં તેની વાતોથી કોઈ સ્પષ્ટ ચિત્ર ઉભરતું નહોતું. ખન્ના અને વિમલરાય એન્ડ પાર્ટીએ ભયાનક કાવતરું રચ્યું હતું. તેમણે અફઘાનિસ્તાનથી કંઈક પેટીઓ મંગાવી હતી તેનો મતલબ એ થતો હતો કે તેઓ કોઈ જબરદસ્ત ફિરાકમાં હતા. પરંતુ શેની...? શું હશે એ પેટીઓમાં...? આર.ડી.એક્સ.... ડ્રગ્સ... શસ્ત્રો કે એ સિવાય બીજું કંઈક...? અને એ પેટીઓના બદલામાં શું કિંમત ચુકવાશે...? મામલો ગંભીર અને પેચીદો બનતો જતો હતો.

‘તું ખરેખર નથી જાણતો કે એ પેટીઓમાં શું છે...?’

‘મારી પાસે ખોટું બોલવાનું હવે કોઈ કારણ બચતું નથી.’

‘વિમલરાય અને ખન્ના સિવાય બીજું કોઈ આમાં શામિલ છે...?’

‘મારા ખ્યાલ મુજબ કોઈ નહીં... છતાં કંઈ કહેવાય નહીં. બીજા કોઈની જાણ મને નથી... પ્લીઝ... હવે મને જલ્દી દવાખાને પહોંચાડો, નહીંતર આ દર્દથી હું અહીં જ મરી જઈશ...’ ભુપતે રીતસરના બે હાથ પ્રેમ સમક્ષ જોડ્યા. તે ખરેખર રીબાઈ રહ્યો હતો. અસહ્ય દર્દના કારણે તેની આંખો ઘેરાતી હતી અને બોલવામાં લોચા વળતા હતા. તેના મોંમાંથી શબ્દો અટકી-અટકીને નીકળતા હતા. પગના સ્નાયુઓ બૂરી રીતે છુંદાયા હતા અને તેમાંથી ઉઠતા સણકા તેના મગજમાં ઝટકા પેદા કરતા હતા. તે ઝટકાથી તે વારેવારે ધ્રુજીને ટટ્ટાર થઈ ઉઠતો હતો. તેની આંખોમાંથી પાણી નીકળીને તેની કાળી-ધોળી ગુચ્છાદાર મુછોમાં ઉતરી રહ્યું હતું. અત્યારે ભુપત ફક્ત અને ફક્ત પોતાના મજબૂત શરીરના કારણે જ ટકી રહ્યો હતો, નહીંતર ક્યારનોય તે બેહોશ થઈને પડી ગયો હોત કે ગુજરી ગયો હોત.

‘ઠીક છે... તને અત્યારે જવા દઉં છું કારણ કે તારે સારવારની જરૂર છે, પરંતુ મને જ્યારે તારી ફરી જરૂર પડશે ત્યારે તારે જવાબો આપવા પડશે...’ કહીને પ્રેમ અટક્યો અને તેને પોતાનો હાથ ભુપતના પગેથી હટાવ્યો. ભુપતે રાહતનો શ્વાસ લીધો. પ્રેમ ઠેકડો મારીને વાનમાંથી બહાર કુદ્યો. વાનનો દરવાજો બંધ કર્યો અને પ્રિતમસિંહ તરફ ફર્યો.

‘થેંકયુ ડૉક્ટર... તમારો પેશન્ટ તમારા હવાલે. તેની સારવાર એવી રીતે કરજો કે તે બન્ને વધુ સમય બેહોશ ન રહે. મારે ેતની કદાચ ફરી વાર જરૂર પડે... ત્યારે એ ભાનમાં હોવો જરૂરી છે...’

‘હું એ કરી શકીશ... પરંતુ આ પોલીસકેસ છે..’ પ્રિતમસિંહને મામલો વિસ્ફોટક લાગતો હતો અને તેમનો પહેલો મત જલ્દીથી પોલીસને આ ઘટનાની જાણ કરવાનો હતો.

‘નહીં... હમણા નહીં... તે અમે કરીશું. પોલીસને જાણ કરવી પડશે પરંતુ સમજી-વિચારીને... તમે જાવ, હું તમને પછી ફોન કરીશ...’

‘ઓ.કે...’ કહીને પ્રિતમસિંહ વાનના સ્ટીયરિંગ પર ગોઠવાયા અને ઝટકા સાથે વાન પાર્કિંગ એરિયાની બહાર નીકળી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED