Nasib books and stories free download online pdf in Gujarati

નસીબ - પ્રકરણ - 3

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

 

પ્રવિણ પીઠડીયા

 

પ્રકરણ -

 

‘‘ભુપત... હું બોલુ છું...’’ ફોનમાં એક કર્કશ અવાજ સંભળાયો.

‘‘બોલો શેઠ... આજે કેમ મને યાદ કર્યો...?’’

‘‘તારુ કામ પડ્યુ છે.’’

‘‘હુકમ કરો માલિક... આ બંદા તો હંમેશા આપની સેવામાં તત્પર છે.’’ કાથીના ગંદા ખાટલા પર આળોટતા ભુપતે પોતાની ભરાવદાર પુળા જેવી મુછો પર હાથ ફેરવતા કહ્યું.

‘‘એક છોકરાને ઉઠાવવાનો છે... અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તેને તારી કેદમાં રાખવાનો છે.’’ ફોનમાં સામા છેડેથી હુકમ સંભળાયો.

‘‘ભલે માલિક... કામ થઈ જશે. પાર્ટીનું નામ અને ઠેકાણુ આપો એટલે અબઘડીએ કામે વળગુ.’’ ભુપતે એની કરડી લાલઘુમ આંખોને ઝીણી કરતા કાન સરવા કર્યા. તેણે પોતાનો મહાકાય દેહ ખાટલામાં બેઠો કર્યો. હમણાથી તેના ખીસ્સામાં રૂપિયાની તંગી ઉભી થઈ હતી એટલે કામની વાત સાંભળી એ કામ ઝટ પુરુ પાડવાની તાલાવેલી ઉપડી કે જેથી તેની કંગાળીયત થોડી દુર થાય.

‘‘અજય નામ છે તેનું... પચ્ચીસ-સત્તાવીસ વર્ષનો છોકરો છે. ઠેકાણું છે સેન્ટ્રલ જેલ. કાલે સવારે સાડા-દસની આસપાસ એ જેલમાંથી બહાર નીકળશે. જેવોએ બહાર નીકળે કે સિધો જ તારી જેલમાં હોવો જોઈએ... બોલ થાશે...?’’

‘‘અરે શેઠ... એ પણ કંઈ પુછવાની વાત છે...? તમારો હુકમ થયો એટલે કામ પાર પડ્યુ સમજો. કામ તો થઈ જશે પણ કિંમત શું મળશે ?’’

‘‘દસ પેટી... એડવાન્સ... તારે ત્યાં પહોંચતા થઈ જશે.’’

‘‘ઠીક છે ત્યારે... કાલે તમારુ એ પંખી મારા પાંજરામાં પુરાયેલુ હશે.’’ ભુપતે એના ગંદા દાત બતાવતા કહ્યુ. સામેથી ફોન મુકાયો.

સવારથી જ આકરી ગરમી સમગ્ર વાતાવરણ ઉપર પોતાનો કબજો જમાવવાની કોશીષ કરી રહી હતી. સુરજદાદાતો જાણે વહેલા જાગી ગયા હોય એમ ક્યારના આકાશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને વધુને વધુ ગરમ થતા જતા હતા. બપોરના બાર વાગતા સુધીમાં તો સુરજદાદાના ગરમ કિરણો હવામાં ભળીને જોરદાર લૂના સ્વરૂપે હાઈવેના રસ્તા ઉપર પથરાઈ ગયા હતા. પ્રેમને પોતાની ભુલ હવે સમજાઈ રહી હતી. તેણે આજે બાઈકને બદલે પોતાની હોન્ડાસીટી કાર લઈને નિકળવાની જરૂર હતી. એક તો સવારે જ એ મોડો ઉઠ્યો હતો અને તેમાં પણ તૈયાર થઈને ઘરેથી નિકળતાજ ખાસ્સો સમય ગયો હતો. અને એટલે જ અત્યારે તેને આ ગરમ વરાળ જેવી લૂ નો સામનો કરવો પડ્યો હતો. જેમ બને તેમ જલદીથી દમણ પહોંચી જવા માટે તેણે બાઈકના એક્સિલેટર પર પોતાનો હાથ દબાવ્યો. તે વિચારી રહ્યો હતો કે એકવાર તે દમણ પહોંચી જાય પછી તો સુસ્મીતાના સુંવાળા સહવાસમાં શીતળતા જ શીતળતા મળવાની હતી. તે વલસાડથી આગળ નિકળી આવ્યો હતો. લગભગ ઉદવાડા ગામ સુધી પહોંચ્યો હતો. અહીંથી બે રસ્તા દમણ સુધી જતા હતા. એક રસ્તો સીધો જ હાઈવે વાપી પહોંચતો હતો અને વાપીથી દમણ પહોંચાતુ હતું. જ્યારે બીજો રસ્તો હાઈવેથી જમણી બાજુ ફંટાઈને ઉદવાડા ગામમાં થઈને સીધો જ દમણમાં પ્રવેશતો હતો. એ રસ્તો થોડો સાંકડો અને ઓછા ટ્રાફીક વાળો હતો. એ ડાયરેક્ટ દમણ પહોંચવા માટે બેસ્ટ હતો એટલે પ્રેમ હાઈવે પરથી જમણીબાજુનું ઈન્ડીકેટર ચાલુ કરીને બાઈકને ઉદવાડા ગામમાં હંકારી. રેલ્વેના પાટા ક્રોસ કરી તે ઉદવાડામાં ઘૂસ્યો. આ રસ્તેથી પ્રેમ ઘણીવખત પસાર થયો હતો એટલે આ રસ્તાનો તે અજાણ્યો નહોતો. ઉદવાડા ગામ વીંધીને તે આગળ વધ્યો. અહીંથી સાંકડા ટુ-વે રસ્તાની બન્ને તરફ વૃક્ષોની લાંબી કતાર ઉભી હતી જેના કારણે વાતાવરણમાં થોડી શીતળતા જણાતી હતી. ગરમીમાં થોડી રાહત જણાતા પ્રેમે બાઈકની રફતાર તેજ કરી. તેને થોડી રાહત જરૂર થઈ હતી. રસ્તાની બન્ને તરફ છુટા-છવાયા મકાનો પણ બનેલા હતા. જે વટાવતો એ દમણની દિશામાં ફુલ સ્પીડથી ઉડી રહ્યો હતો. અને સાવ અચાનક જ તેનું હ્ય્દય ધબકવાનું ભુલી ગયું.

‘‘ચી...ઈ...ઈ...ઈ...’’ તેણે ભયાનક રીતે બ્રેક મારી હતી. મારવી પડે એમ જ હતી. આગળ રોડ ઉપર એક ખતરનાક વળાંક હતો જે વળાંક પ્રેમે જબરદસ્ત સ્પીડમાં વટાવ્યો અને જેવો એ વળાંક પુરો થયો કે સામે જ એક બ્લેક કલરની સ્કોર્પીયો ગાડી રસ્તા ઉપર પાર્ક થઈને ઉભી હતી. એક તો રોડ મુશ્કેલીથી બે વાહનો સામ સામે પસાર થઈ શકે એટલો સાંકડો... તેમાં પણ જોરદાર વળાંક અને બાઈકની ફુલ રફતાર... પ્રેમને એ સ્કોર્પીયો રસ્તામાં ઉભી રાખેલી છે એ વળાંકને હિસાબે દેખાયું નહિ અને જેવી એ ગાડી દેખાી કે તરત જ તેનું હ્ય્દય એક ધબકારો ચૂકી ગયું. તેના શરીરની ક્વીક રીફ્લેક્શન સીસ્ટમના કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં બાઈકની હાથ-પગ બન્નેની પાવરફુલ બ્રોકો એક સાથે દબાઈ. ડામરના રોડ પર રબ્બરના ટાયરો ઢસડાયા અને એક કાળો લીટો તાણતા એ સ્કોર્પીયોની સાવ લગોલગ આવીને થોભી ગયા. વાતાવરણમાં ટાયર બળવાની સુગંધ ફેલાઈ. પ્રેમની બાઈક અને સ્કોર્પીયો ગાડી વચ્ચે માત્ર બે-ત્રણ ઈંચનું જ અંતર રહી ગયુ હતું. જો પ્રેમે બ્રેક મારવામાં જરાક અમથુ પણ મોડુ કર્યું હોત તો તેની વજનદાર યામાહા બાઈક એક જોરદાર ધડાકા સાથે સ્કોર્પીયો સાથે ભટકાઈ હોત અને તે ઉછળીને સીધો જ કારનો પાછલો કાચ તોડીને સ્કોર્પીયોની અંદર ઘુસી ગયો હોત. સેકન્ડના સોમા ભાગે પ્રેમના શરીરે જબરદસ્ત રીફ્લેક્શન આપ્યુ હતુ અને એ ભયંકર રીતે ભટકાતા સહેજમાં બચી ગયો હતો. બાઈક ઉભી રહી ગયાના બે મીનીટ સુધીનો એ પોતાના હ્ય્દયના ધબકારા નીયંત્રીત કરતો એમ જ ઉભો રહ્યો. તેના શ્વાસોશ્વાસ તેજગતીએ દોડતા હતા અને હ્ય્દયમાંતો જાણે ધડબડાટી મચી ગઈ હતી. ખુલ્લા મોંએ હાંફતો પ્રેમ ગાડીનું સાઈડ સ્ટેન્ડ ચડાવીને નીચે ઉતર્યો. તેના કપાળે પરસેવાની બુંદો ઉભરી આવી અને મગજ ફાટફાટ થવા લાગ્યુ. સૌથી પહેલાતો તેને સ્કોર્પીયોના ચાલક ઉપર ભયંકર દાઝ ચડી આવી. શું એ બેવકુફને એટલુ પણ ભાન નહોતુ કે આવા ભયાનક વળાંક પાસે ક્યારેય ગાડી પાર્ક ન કરાય... કયો હરામખોર ડ્રાયવર છે એવુ વિચારતા પ્રેમે સ્કોર્પીયોની ડ્રાઈવીંગ સીટ તરફ પગ ઉપાડ્યા. પરંતુ ડ્રાઈવીંગ સીટ પર કોઈ જ નહોતુ... આખી ગાડીમાં કોઈ જ નહોતુ. ગાડી ખાલી હતી. પ્રેમના દિમાગમાં ક્રોધની આંધી ઉમડી. એક જોરદાર લાત આગલા વ્હીલ પર ફટકારી સાવ નધણીયાત એ ગાડી કોઈ આમ રોડ ઉપર પાર્ક કરીને ક્યાં ગયુ હતું. તે સહેજમાં મરતા બચ્યો હતો. જો તેની યામાહા આટલી પાવરફુલ ન હોત કે પછી તેના શરીરના રીફ્લેક્શન જો બે સેકંડ પણ મોડા પડ્યા હોત તો આજે-અત્યારે તેના રામ રમી ગયા હોત. જોરદાર ગુસ્સામાં એક મુક્કો તેણે ગાડીના બોનેટ પર જમાવી દીધો અને તના મોઢામાંથી સરસ્વતી વહેવા લાગી. તેને સમજમાં નહોતું આવતુ કે આવી બેવકુફીભર્યુ કામ કરવાવાળો એ સ્કોર્પીયોનો ડ્રાયવર છે ક્યાં...? કદાચ તે આજુબાજુમાં લઘુશંકા કરવા ગયો હશે એમ માનીને તેણએ ચો તરફ નજર ફેરવી જોઈ. પરંતુ સાવ વ્યર્થ, ક્યાંય કોઈ નજરે ના ચડ્યુ. અને જો કોઈ હોય તો એ પ્રેમની બાઈક ઢસડવાનો અવાજ સાંભળીને અહી બહાર આવ્યા વગર રહે જ નહિ પરંતુ એમ ન થયું. દુર-દુર સુધી બન્ને બાજુના રોડ સુમસામ હતા. પ્રેમના મનમાં ખુન્નસ છવાયુ. તેના સુકલકડી શરીરમાં ગરમી વ્યાપી ગઈ. તેના પાતળા પણ મસલદાર હાથ સ્કોર્પીયોના ડ્રાયવરને મેથીપાક ચખાડવા બેતાબ બન્યા. મુઠ્ઠીઓ ઉઘાડ-બંધ કરતો એ બધી બાજુ જોઈ વળ્યો પરંતુ એ ગાડી સાવ નધણીયાત જ રહી...

‘‘હવે શું કરવું...?’’ મનોમન તેણે વિચાર્યું. અહી ઉભા રહીને આ ગાડીના માલિકની રાહ જોવી કે એ આવે એટલે તેને મેથીપાક ચખાડવો કે જેથી આવી ભયંકર ભુલ એ બીજીવાર ન કરે... કે પછી દમણ તરફ રુખ કરવી. આમ તો જો કે તેને ક્યાંય સહેજ નાની અમથી ખરોચ પણ થઈ નહોતી કે નહોતુ થયુ તેની બાઈકને કોઈ નુકશાન. સહેજમાં માત્ર બે-ત્રણ સેકન્ડના ફાસલે તે ભટકાતા બચી ગયો હતો. તો જ્યારે તે ભટકાયો જ નથી અને ક્યાંય તેને ઈજા નથી થઈ તો પછી નકામો ઝઘડો કરીને શું ફાયદો એવું વિચારતો પ્રેમ થોડીવાર ત્યાં જ અસમંજસભરી સ્થિતીમાં ઊભો રહ્યો. ભારે ગડમથલના અંતે તે પોતાની બાઈક તરફ ચાલ્યો. તેણે ફરી એક નજર ચો-તરફ ફેરવી. બન્ને બાજુના રોડ ખાલી ખમ હતા અને આજુબાજુમાં આવેલા ખેતરોમાં પણ કોઈ હલચલ નહોતી. સ્કોર્પીયોનો માલિક તો જાણે હવામાં ઓગળી ગયો હતો અને બીજીબાજુ ગુસ્સાને ગળવાની કોશીષ કરતો પ્રેમ સ્કોર્પીયોના નંબરને મનોમન યાદ રાખીને પોતાની બાઈક પર સવાર થયો... તેણે સ્ટેન્ડ ચડાવ્યું... સહસા તે ચોંક્યો...

‘‘હેલ્પ... હેલ્પ...’’ એકદમ ધીમો અવાજ તેના કાને અફળાયો. જાણે દુર-દુરથી અવાજ આવ્યોહોય અથવા તો કદાચ તેના કાનોને એવા અવાજનો ભ્રમ થયો હતો. હજુ તો એ બાઈકને સેલ મારવા જતો હતો ત્યાં તેના કાને કોઈકનો મદદ માટેનો અવાજ આવ્યો. અવાજ ઘણે દુરથી આવ્યો હોય એવું તેને લાગ્યુ. તે બાઈક પરથી નીચે ઉતર્યો. જે દિશામાંથી ચીખ સંભળાઈ હતી એ દિશામાં તેણે નજર ઘુમાવીને જોઈ લીધુ. ક્યાંક કશુ અજુગતુ નહોતુ. જો કે અજુગતુ તો ઘણુબધુ બન્યુ હતુ. સાવ સુમસામ રસ્તા પર આમ કોઈનું કાર મુકીને જવુ અને એ પછી આ મદદ માટેની ચીખ સંભળાવી. કોઈ દેખાતુ નહોતુ છતા કોઈક તો હતુ જ... ભુત-પ્રેત તો નહિ હોય ને...? જો કે એવી દુન્યવી બાબતો ઉપર પ્રેમને વિશ્વાસ નહોતો એટલે એ વિચાર આવતા વેંતજ મનમાંથી ખંખેરીને જે દિશામાંથી અવાજ સંભળાયો હોવાનો તેને ભાસ થયો હતો એ દિશામાં તેણે ચાલવાનું શરૂ કર્યું.

રોડનો ઢોળાવ ઉતરીને રસ્તાની બાજુમાં ઉભી નીકળેલા ઝાડી-ઝાંખરામાંથી રસ્તો કરતો એક નાનકડી કેડી જેવા રસ્તા ઉપર તે આગળ વધ્યો. ઉંડે ઉંડે પણ પ્રેમને અહેસાસ થતો હતો કે એ મદદ માટેનો અવાજ એના મનનો ભ્રમ તો નહોતો જ... સાચ્ચે જ કોઈએ બુમ પાડી હતી. એક નહિ બે વાર ‘‘હેલ્પ...હેલ્પ...’’ એવી ચીખ તેના કાને અફળાઈ હતી એટલે જરૂર કોઈક તો ક્યાંક મુસીબતમાં હતુ જ... સાવ સહજતાથી માનવસહજ કુતુહલતાથી અને કોઈકને મદદ કરવાની ભાવનાથી પ્રેમ એ અવાવરુ ઝાડી-ઝાંખરા વાળા જંગલ જેવા વિસ્તારમાં ઘુસ્યો હતો. ચો તરફ બપોરનો તડકો અને ખામોશી પથરાયેલા હતા. ક્યાંયથી કોઈ હલચલ કે ઈત્તર પ્રવૃત્તિનું કોઈ નીશાન નજરે ચડતું નહોતુ. વૃક્ષમાંથી ચળાઈને આવતા સૂર્યના કિરણો અહી થોડી શીતળતા બક્ષતા હતા. રોડ ઉપર જે લૂ ફેલાઈ હતી એ અહી ખેતરાઉ વગડા જેવી જગ્યામાં થોડી શાંત પડી હતી. તેમ છતા પ્રેમને બોચીએ પરસેવાનો રેલો ઉતર્યો હતો. વૃક્ષો ઉપરથી ખરી પડેલા સૂકા પાંદડા ઉપર ચાલતો તે થોડો વધુ ઉંડો ઉતર્યો... ક્યાંક કોઈ હરકતનું નામોનિશાન નહોતુ.

લગભગ પંદર-વીસ મીનીટ ચાલ્યા બાદ પ્રેમ કંટાળ્યો. પરસેવાની બુંદો તેના ચહેરા પરથી નીતરવા લાગી હતી. આ જંગલ જેવા વિસ્તારમાં તે એકલો જ હોય એવો ભાસ તેને થતો હતો. દુર-દુર એક ખેતર દેખાતુ હતુ જેમાં એક ઝુંપડા જેવુ નળીયાનું કાચુ મકાન નજરે ચડતુ હતુ... પ્રેમે આંખ ઉપર હાથનું નેજવુ કરીને એ મકાનને ધારીને જોયુ. કદાચ એ મકાનમાં કોઈ રહેતુ નહિ હોય એટલે દુરથી જ એ સાવ ખખડધજ અને અવાવરુ હોય એવુ દેખાતુ હતુ. એ મકાન કે તેની આજુ-બાજુના ખેતરોમાં દુર સુધી કોઈ જ હલચલ પ્રેમને દેખાતી નહોતી એટલે તેણે પાછા ફરી જવાનું મન બનાવ્યુ... જેવી તેણે પીઠ ફેરવી કે સહસા તે ચોંક્યો. પેલા અવાવરૂ મકાનમાંથી કોઈ વ્યક્તિ દરવાજો ખોલીને બહાર નિકળતો તેણે જોયો. દુરથી પણ તેણે એક છ ફુટ ઉચા પહાડી માણસને બહાર નીકળી મકાનના એક ખૂણે જતા જોયો... એ વ્યક્તિએ એક તરફ જઈ ખિસ્સા ફંફોસ્યા અને પછી ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી સીગારેટ સળગાવી. પ્રેમ હળવેકથી એક ઝાડ પાછળ લપાયો. આટલો દુર જો કે એ વ્યક્તિ પ્રેમને જોઈ લે એવી સંભાવનાઓ તો નહિવત હતી તેમ છતા સાવચેતી ખાતર તે એક ઝાડના થડ પાછળ ભરાયો. તેની શંકા સાચી નીકળી. તેના કાનોએ મદદ માટેની જે બુમો સાંભળી હતી એ હકીકત હતી. નહિંતર આવા વન-વગડામાં સાવ અવાવરુ મકાનમાં પેલો પેન્ટ-શર્ટ પહેરેલો પહાડી વ્યક્તિ ક્યાંથી હોય...? પ્રેમના મનમાં ખતરાની ઘંટી વાગી. જરૂર કંઈક તો ગરબડ હતી. પહેલા રોડ ઉપર ઉભેલી નધણીયાત સ્કોર્પીયો અને હવે અહી એક સુમસાન અવાવરુ મકાનમાં છ-ફુટ ઉંચો ગુંડા જેવો લાગતો વ્યક્તિ... શું હોઈ શકે એ તો પ્રેમ નહોતો જાણતો છતા કુતુહલતાવશ તે ત્યાં જ ઉભો રહ્યો અને આગળ શું થાય છે એ જોવા લાગ્યો. પ્રેમને અંદરખાને એવો અહેસાસ થતો હતો કે તેણે આ બધી ઉપાધીઓમાં પડવા જેવું નથી. તેમ છતા કોઈ અગમ્ય કારણોસર એ ત્યાં જ ઉભો રહ્યો. તેના સ્વભાવમાં પહેલેથી જ આ કમજોરી કે પછી આદત વણાઈ ગઈ હતી કે તે ગમેતેવા ખતરનાક મામલામાં પોતાની ટાંગ ઘુસાડી દેતો. પછી ભલે એનું પરીણામ ગમેતેટલુ ભયાનક આવે... આજ સુધીમાં તેણે ઘણા એવા ઝઘડાઓ કર્યા હતા કે જેમાં તેને કંઈ જ લેવા-દેવા નહોય. છતા તે કાયમ પારકી પંચાતમાં કુદી પડતો.

તેણે જે મામલામાં બખેડો કર્યો હોય એમાં એક વળતો નક્કી જ રહેતી કે નુકશાન હંમેશા સામાવાળાનું જ થતુ. પ્રેમ કરાટેમાં બ્લેકબેલ્ટ હતો. તેની સામે જે કોઈપણ હોય અને શારીરિક નુકશાન તો થતુ જ, એ ઉપરાંત પ્રેમની પોલીસખાતામાં પણ સારી એવી ઓળખાણ હોવાથી તે હંમેશા બચી જતો અને સામેવાળી પાર્ટી ફીટ થઈ જતી. અત્યારે પણ તે કંઈક એવું જ કરવાની તૈયારીમાં હતો. પરંતુ આજે પરિસ્થિતિ થોડી અલગ હતી તેને એકવાતની ગળાસુધીની ખાતરી હતી કે તેણે જે સ્કોર્પીયો ગાડી જોઈ હતી અને જેના કારણે તેનો અકસ્માત થતા સહેજમાં રહી ગયો એ ગાડી અને આ ખેતરમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેનો જરૂર આસપાસમાં કોઈ સંબંધ હોવાનો જ... કારણ કે આ સુમસાન જગ્યામાં તેની સિવાય બીજુકોઈ હતુ જ નહિં. હવે જો આ વ્યક્તિ જ એ સ્કોર્પિયો ગાડીનો માલિક હોય તો પછી તેના પર હાથ સાફ કર્યા વગરતો જવાયજ નહિને...! તેને સબક તો શિખવાડવો જ પડે એવા જ કઈક ઈરાદા સાથે પ્રેમ આગળ વધ્યો. વળી તેણે કોઈકની મદદ માટેની બુમો પણ સાંભળી હતી. એ બુમો જરૂર એ મકાનમાંથી જ આવી હોવી જોઈએ. પારાવાર જીજ્ઞાષા અને કુતુહલતાએ તેને એ મકાન તરફ આગળ ધકેલ્યો. વૃક્ષોની અને ઝાડીઝાંખરાની આડાશ લેતો તે એ મકાન તરફ આગળ વધ્યો. તેને એ ખ્યાલ નહોતો કે એ ખખડધજ અવાવરુ મકાનમાં કેટલા માણસો હશે એટલે તે બહુ સાવધાનીથી અને જરા જેટલો પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખતો લપાતો છુપાતો ચાલ્યો... પ્રેમને ખ્યાલ નહોતો કે તે આગ સાથે રમત રમવા જઈ રહ્યો છે. તે સામે ચાલીને મુસીબતોને આમંત્રણ આપવા જઈ રહ્યો હતો જેનાથી તેની જીંદગીની રાહ બદલાઈ જવાની હતી... પરંતુ શું થાય..? પ્રેમના લોહીમાં જ સામે ચાલીને મુસીબતો વધેરવાના ગુણધર્મો વહેતા હતા. જન્મથી જ તે આવો હતો. જેમા તેનું ખુદનું પણ કંઈ ચાલતુ નહિં... ખેર... તે હવે એ મકાનની ઘણે નજીક પહોંચી ચૂક્યો હતો.

પેલા પહાડી દેહાતી વ્યક્તિની સીગારેટ પુરી થઈ એટલે તે ફરીપાછો મકાન તરફ ચાલ્યો અને મકાનમાં અલોપ થઈ ગયો. એ જોઈને પ્રેમે ઝડપથી પોતાના પગ ઉપાડ્યા અને મકાન પાસે પહોંચીને તેની દિવાલ સાથે ચીપકીને ઉભો રહી ગયો. પ્રેમ ડાબી બાજુ ઉભો હતો તેની ઉપર જ એક નાનકડા વેનાટીલેટર જેવી બારી પડતી હતી. આવી બારી પહેલાના જમાનામાં જૂના ઘણા મકાનોમાં જોવા મળતી. પ્રેમે સાવધાનીથી પોતાના પગના પહોંચા ઉપર ઉંચા થઈને બારીની દરારમાંથી અંદર નજર નાખી... તે ચોંકી ઉઠ્યો... તે એક મોટા ગોડાઉન જેવું મકાન હતું. કદાચ ઘાસ ભરવા માટે ઉપયોગમાં લેવાતું હશે. અંદર ત્રણ વ્યક્તિઓ હતા જેમાંથી બે ઉભા હતા અને એક વ્યક્તિ લાકડની ખુરશી સાથે મુશ્કેદાર રીતે બંધાયેલો દેખાતો હતો. પ્રેમનું અનુમાન સાચુ પડ્યુ... પેલા બે વ્યક્તિઓએ ત્રીજા માણસને ક્યાંકથી ઉચડી લાવ્યા હશે... એ બેમાંથી એક તો હમણા બહાર જે સિગારેટ ફૂંકતો હતો એ પહેલવાન હતો. પ્રેમનું દિમાગ ઝડપથી વિચારતુ હતુ કે હવે શું કરવું ? પોતે અહી કંઈ જોયું જ નથી એમ સજીને પાછો ફરી શકે તેમ હતો... અથવા તો પોતાના મોબાઈલ ફોનથી પોલીસને ખબર આપી શકે એમ હતો. કોણ જાણે કેમ પણ તેનું મન માન્યુ નહિ પોલીસને ફોન કર્યા બાદ એ લોકો ક્યારે આવે...? ત્યાં સુધી તેણે અહી ઉભા રહેવુ...? અને આ પારકી પંચાત ક્યાં હતી. ભલેને આ લોકો કોઈને ઉઠાવી લાવ્યા હોય પરંતુ જો પોતે થોડીવાર પહેલા સમયસર પોતાની બાઈકને બ્રેક મારી ન હોત તો એ ગાડી સાથે ભટકાઈને તેનો તો ઘાણ જ નિકળી ગયો હોત. આ લોકોને તો સબક શિખવાડવો જ પડે નહિતર મજા નહિ આવે... અને છે પણ ફક્ત બે જ વ્યક્તિઓ. જેને તો હું ચપટીમાં મસળી નાખીશ એમ વિચારીને પ્રેમ મકાનના બારણા તરફ ચાલ્યો.

‘‘ધડામ...’’ પ્રેમના બુટની ઠોકર એ જુનવાણી ખખડધજ મકાનના દરવાજા પર ઝીંકાઈ. અંદરની તરફથી બંધ કરેલો કાટ ખાઈને સડી ગયેલો લોખંડનો આગળીયો એ પ્રહારથી મીજાગરા સહીત ઉખડી ગયો. બારણુ એક બાજુ કપાએલા વૃક્ષની જેમ ઢબી પડ્યું. પેલા બન્ને ખૂંખાર માણસોએ ચમકીને દરવાજા તરફ જોયુ... પ્રેમ સમય ગુમાવે એવો નહોતો. હજુ તો એ લોકો કંઈ સમજે, વિચારે કે અચાનક શું થયું એ પહેલાતો પ્રેમ ભયાનક ઝડપે ખુલ્લા બારણામાંથી અંદર દાખલ થયો અને એ બન્નેની સાવ નજીક પહોંચી ચૂક્યો હતો. શું કરવાનુ હતુ એ તેણે મનોમન નક્કિ કરી નાખ્યુ હતુ એટલે એ બન્ને કોઈ રીએક્શન કરે એ પહેલા તો પ્રેમ તેની ઉપર કાળ બનીને ત્રાટક્યો... ‘‘ધડામ...ઢીશૂમ...ધડામ...ચાપ...ચાપ...ચાપ...’’ પ્રેમના હાથ-પગ મશીનગનની જેમ એ બન્ને ઉપર વરસી પડ્યા અને થોડીવારમાંતો એ બન્ને ઘણખૂંટ જેવા પહેલવાનો ધૂળ ચાટતા થઈ ગયા. નીચે પડ્યા-પડ્યા એ પહાડીના મોઢામાંથી ઉહકારા નીકળવા લાગ્યા... ફક્ત દશ જ મિનીટમાં તેમનો ખેલ ખતમ થઈ ગયો. તેમને કોઈ હરકત કરવાનો સમય જ ન મળ્યો. તેઓ સમજી ન શક્યા કે એક સાવ સામાન્ય અને સુકલકડી દેખાતો યુવાન અચાનક ક્યાંથી પ્રગટ થયો અને એ યુવાનમાં આટલી અમાપ શક્તિ ક્યાંથી હોય ? એટલી ભયંકર રીતે પ્રેમે એ બન્નેને ઠમઠોર્યા હતા કે બેમાંથી એકપણ વ્યક્તિમાં ઉભા થવાના હોંશ નહોતા રહ્યા. શરીરના કયા-કયા ભાગે પ્રેમના હાથ-પગ ઉછળી-ઉછળીને વાગ્યા હતા એનો હિસાબ નહોતો અને જે જગ્યાએ પ્રેમના આડા હાથની કરાટે ચાપ વાગી હતી એ જગ્યાએ તો શરીરની નસોએ રીતસરનો બળવો પોકાર્યો હતો. એ નસો ભયાનક રીતે બહાર ઉપસી ફુટી પડવા આવી હતી. કદાચ તે બન્નેએ આજ પહેલા ક્યારેય આટલો માર એકસાથે ખાધો નહિ હોય... રખેને ઉભા થવા જતા ફરી પાછો માર ખાવો પડે... તેઓના ભીમકાય શરીર એક સાવ પાતળા યુવકની જબરદસ્ત સ્ફૂર્તી સામે હારી ગયા હતા... પ્રેમ પોતાના હાથ ખંખેરતો બન્ને તરફ ધુરકતો બોલ્યો...

‘‘હવે પછી ગાડી રોડની સાઈડમાં પાર્ક કરજો...સમજ્યા...?’’

‘‘હેં...’’ બન્નેને કંઈ સમજાયુ નહિં.

‘‘શું હેં...?’’ ‘‘બુધ્ધીના લઠ્ઠ છો કે શું...? જે તમારી માંને તમે રોડ ઉપર પાર્ક કરી છે તેનો બીજીવાર એકબાજુ પાર્ક કરવાનું રાખજો... હવે સમજાયું...?’’

‘‘અરે ભગવાન...’’ એ બન્નેના હલકમાંથી એકસાથે આશ્ચર્યના ઉદગારો નીકળ્યા. તેમને તો એમ હતુ કે આ છોકરો પેલા ખુરશી સાથે બંધાયેલા યુવાનનો સાથીદાર હશે અને તેને છોડાવવા આવ્યો હશે... જ્યારે અહી તો આખો સીન અલગ જ હતો. તેઓને જે ભયાનક માર પડ્યો હતો એ ફક્ત એક ગાડી ખોટી જગ્યાએ ઉભી રાખી તેના ફળ સ્વરૂપે મળ્યો હતો. આ વાત અને આશ્ચર્યથી તેઓના મોં ખુલ્લા જ રહી ગયા... તેઓ માની જ નહોતા શકતા કે આવી ક્ષુલ્લક બાબતમાં આવી હાલત થઈ શકે. તેમની આંખોમાં પાણી ઉભરી આવ્યા હતા...

પ્રેમે પાછળ ફરીને એ ખુરશી તરફ આગળ વધ્યો જ્યાં પેલો યુવાન બંધાયેલો હતો. પેલા બન્ને પહાડોએ તે યુવકને ખરેખર મુશ્કેદાર બાંધ્યો હતો જેના કારણે તે ગુંગળાઈ રહ્યો હતો. પ્રેમે સૌપ્રથમ તેના હાથ ખોલ્યા. પછી મોઢા ઉપર લગાવેલી ટેપ ઉખાડી મોઢામાં ભરાવેલો કપડાનો ડુચો બહાર કાઢ્યો. પછી તેના પગ ખોલ્યા. એ યુવાનની આંખોમાં આંસુ ઘસી આવ્યા. મોઢામાં ખોસેલો કપડાનો ડૂચો બહાર નીકળતા જ તે ઉંડા-ઉંડા શ્વાસ ભરવા લાગ્યો. પ્રેમને તેના ઉપર દયા આવી. તે જાણતો હતો કે વધુ સમય અહી રોકાવુ મુનાસીબ નથી...

‘‘ચલ... જલદીથી ઉભો થા... પહેલા અહીંથી નિકળીએ પછી બીજી વાતો કરીશું.’’ તેણે એ યુવાનને ટેકો આપી ઉભો કર્યો અને તેની હાથ બગલમાંથી ઉંચો કરી પોતાના ખભા પર લીધો સાવધાનીથી ચલાવીને તેને એ મકાનની બહાર લઈ આવ્યો. તેની પાસે એટલો સમય નહોતો કે તે અહી જ ઉભો રહીને તેને પુછે કે આ બધી શેની માથાકુટ છે...? સૌથી પહેલાતો એ બન્નેને અહીથી જેમ બને તેમ જલ્દીથી દુર નીકળી જવુ જરૂરી હતુ એટલે પ્રેમે બીજીકોઈ માથાકુટમાં પડ્યા વગર એ કમજોર-સુકલકડી છોકરાને લગભગ ઉચકીને જ પોતાની બાઈક જ્યાં પાર્ક કરી હતી એ તરફ લઈને ચાલ્યો. જો કે પ્રેમે નોટીસ કર્યું હતું કે એ છોકરો તેનાથી ઘણી મોટી આયુનો હતો.

‘‘શું નામ છે તારુ...?’’ પ્રેમે ઝડપથી આગળ વધતા પુછ્યુ.

‘‘અજય... અજય જોષી...’’ તેના ગળામાંથી ઘોઘરો તરડાઈ ગયેલો અવાજ નિકળ્યો.

‘‘હંમ્‌... તો બ્રાહ્મણ છો એમને...? બ્રાહ્મણ થઈને ઉલટા સીધા ધંધા કરતો લાગે છે... દેખાવમાં તો તું બહુ ભોળો અને સારા ઘરનો લાગે છે ને...’’ પ્રેમે તેના મેલા-ઘેલા ફાટેલા કપડા ઉપર દ્રષ્ટી નાખતા કહ્યું.

અજય કંઈ...બોલ્યો નહિં. તેણે ચૂપચાપ ચાલવાનું શરૂ રાખ્યુ. થોડીવારમાં એ બન્ને ફરીયાદ દમણ તરફ જતા રસ્તે આવી પહોંચ્યા... અજયે ખામોશ નજરે સ્કોર્પીયો તરફ જોયું. આ એજ ગાડી હતી જેમા તેને જબરદસ્તીથી પેલા બન્ને પઠ્ઠાઓ ઉંચકીને અહીં લાવ્યા હતા. તેના શરીરમાંથી ભયનું એક લખ લખુ પસાર થઈ ગયું. તેણે ગરદન ઘુમાવીને પ્રેમ તરફ જોયું. એ યુવાન તેના માટે ફરીસ્તો બનીને આવ્યો હતો. તેણે સ્કોર્પીયોની બરાબર પાછળ એક બાઈક ઉભેલી જોઈ...

અચાનક વાતાવરણમાં મધુર સંગીત રેલાયુ. એ સંગીત પ્રેમના ખીસ્સામાંથી રેલાઈ રહ્યુ હતુ. તેણે ખીસ્સામાં હાથ નાખીને પોતાનો મોબાઈલ કાઢ્યો... સ્ક્રીન પર ઉભરી આવેલા નામને વાંચતા પ્રેમનો ચહેરો ખીલી ઉઠ્યો. તેના ચહેરા પર હળવી મુસ્કાન છવાઈ. તેણે ફોન ઉપાડ્યો અને કાને મુક્યો...

‘‘બોલો દેવી... શું હુકમ છે...?’’ મલકાતા હોઠે તેણે પુછ્યુ...સ્ સામેથી કંઈક કહેવાયું... ‘‘હા... બસ હમણા જ પહોંચુ છું. સાથે એક મહેમાન પણ છે. તેને લઈને આવું છું.’’ ફરી થોડીવાર ખામોશી...

‘‘અરે નહિ... આ નવા મહેમાનને તો હું હમણા જ મળ્યો છુ. પુરો પરીચય લેવાનો તો મારે પણ બાકી છે. છોડ એ બધી વાતો. તું જલ્દીથી અમારા માટે લન્ચનો ઓર્ડર આપી રાખ ત્યાં સુધીમાં અમે ઉડતા તારી પાસે પહોંચીએ છીએ...’’ પ્રેમે કહ્યું અને ફોન મુક્યો.

અજય અચરજથી પ્રેમની સામે જોઈ રહ્યો. એ વિચારી પણ નહોતો શકતો કે કોઈ વ્યક્તિ કેવી રીતે આટલી બધી બેફીકર હોઈ શકે... હજુ હમણા થોડીવાર પહેલા જ તેણે બે ગુંડાઓને બેરહમીથી ઝુડી નાખીને પોતાને એ લોકોની ચૂંગલમાંથી છોડાવ્યો હતો એ કોઈ સામાન્ય ઘટનાતો નહોતી જ. જ્યારે પ્રેમ તો જાણે કંઈ બન્યુ જ નથી એવી રીતે વર્તી ર્હયો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ફોનમાં તેણે સામેવાળાને એવું કહ્યું કે તે એક મહેમાનને લઈને આવી રહ્યો છે એટલે બપોરના લંચની તૈયારી કરી રાખે... અજય છક થઈને પ્રેમને જોઈ રહ્યો. મનોમન તેની બહાદુરીને દાદ આપી રહ્યો. કોઈપણ ઘટના બન્યા પછી તેને જીરવવા છત્રીસની છાતી જોઈએ જે પ્રેમ પાસે હતી. તે બહુ જ સાહજીકતાથી વર્તી રહ્યો હતો કે જાણે કંઈ બન્યુ જ નથી. એ જ તો પ્રેમની ખાસીયત અને ખૂબી હતી... કોઈપણ વિચારવાની હાલતમાં ન હોવા છતા અજય પ્રેમથી પ્રભાવીત થયો હતો.

મસ્તમૌલા, બેફીકરી પ્રેમ કોઈ મહારાજાની અદાધી તેની બાઈકત પાસે ગયો, તેની ઉપર બેઠો અને સેલ્ફસ્ટાર્ટનું બટન દબાવ્યુ. એકદમ સ્મુધ, સુંવાળા અવાજ સાથે તેની બાઈક ચાલુ થઈ.

‘‘હવે પાછળ બેસી જવાનુ પણ આમંત્રણ આપવુ પડશે...?’’ અજયને કોઈ સ્થિતપ્રજ્ઞની જેમ કોઈ હરકત કરતો ન જોઈને પ્રેમે કહ્યું. ‘‘ભાઈ... તારા બધા વિચારોને આરામ આપ અને ગાડીની પાછલી સીટ પર તારી તશરીફ રાખ. હું તારી હાલત સમજી શકુ છુ પરંતુ સૌથી પહેલાતો આપણે અહીથી નિકળવુ જરૂરી છે. પેલા માણસોએ ક્યારનો તેના સાગરીતોને ફોન કરી નાખ્યો હતો એટલે એ લોકો નવી મુસીબત બનીને અહી આવી પહોંચે એ પહેલા આપણે ઉટન છૂ થઈ જઈએ. તારી સ્ટોરી હું પછીથી નીરાતે સાંભળવાનું પસંદ કરીશ માટે તુ પાછલ બેસ એટલે આપણે અહીથી નિકળીએ...’’ પ્રેમે સાવ નીખાલસતાથી બહુ જ સમજદારીભરી વાત કહી. અજયને તેની વાત યોગ્ય લાગી. અહીથી રવાના થવુ જરૂરી હતુ એટલે તે વિચારોને કોરાણે મુકી પગ ફલાંગીને પ્રેમની પાછળ સીટ પર બેઠો... ‘‘ઝું...ઉ...ઉ...મ્‌...મ્‌...’’ કરતી યામાહા થોડીવારમાં જ હવા સાથે વાતો કરવા લાગી. વીસ મીનીટમાં એ લોકો હોટેલ ‘‘બ્લ્યૂ હેવન’’ના ગેટ પર પહોંચી ચૂક્યા હતા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED