નસીબ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રવિણ પીઠડીયા
પ્રકરણ - ૭
સવારના નવ વાગ્યે પ્રેમ આળસ મરડીને પથારીમાં બેઠો થયો. તે ઘણુ ઉંઘ્યો હતો. તેને ઘણીસારી ઉંઘ આવી હતી જેના કારણે તેના શરીરમાં તાજગી વર્તાતી હતી. એક મોટુ બગાસુ ખાઈને તેણે ફરી આળસ મરડી. તેણે પથારીના બીજા છેડે નજર નાખી. અજય ત્યાં નહોતો કદાચ તૈયાર થવા ગયો હશે એમ વિચારીને તેણે ફોનનું રીસીવર ઉપાડી ચા અને હેવી નાસ્તાનો ઓર્ડર આપ્યો. થોડીવાર રાહ જોવા છતા અજય બાથરૂમમાં બહાર ન નિકળ્યો આશ્ચર્ય થયું કે અજય સવાર-સવારમાં ક્યાં ગયો હશે. પરંતુ પછી વધુ વિચાર્યા વગર તે બાથરૂમમાં ઘુસી ગયો. લગભગ અડધાએક કલાક બાદ તે નાહિ-ધોઈને કમરે ટુવાલ વિંટાળી બહાર નીકળ્યો.
‘‘ગુડ મોર્નીંગ...’’ બેડની સામે મુકેલી ખુરશીમાં અજય બેઠો હતો તેણે નહાઈને બહાર આવતા પ્રેમને જોઈને કહ્યુ.
‘‘વેરી ગુડ મોર્નિંગ મી.જોષી... શું વાત છે...! આટલી વહેલી સવારે ક્યાં જઈ આવ્યા...?’’ પ્રેમે અજયને નોટીસ કરતા કહ્યુ ‘‘રાત્રે ઉંઘતો આવી હતીને...?’’
‘‘સાચુ કહુ... આખી રાત જાગવામાં જ ગઈ છે. સવારે થોડીવાર માટે આંખ લાગી ગઈ છતા વહેલા જાગી જવાયુ એટલે પછી તૈયાર થઈને દરીયાકીનારે એક લટાર મારી આવ્યો. ઘણાવર્ષો બાદ આજે ખુલ્લી હવાનો અહેસાસ થયો. જીવતો હોવુ એવું લાગ્યુ. ઘણા લાંબા અંતરાળ બાદ દરીયાનો ઘુઘવાટ સાંભળ્યો ત્યારે એવુ મહેસુસ થયુ કે બસ હવે જીંદગીભર અહી જ રહી જાઉ. થેંક્સ ટુ યુ પ્રેમ...જો તુ ન હોત તો મને આ લહાવો ન મળ્યો હોત અને હજુ પણ હું એ બદમાશોની કેદમાં સબડતો હોત. તારુ આ અહેસાન જીંદગીભર મારી સાથે રહેશે...’’
‘‘હવે એ બધુ છોડ... મને આવી ભારેખમ વાતો ક્યારેય સમજાતી નથી. સૌથી પહેલાતો આપણે થોડો બ્રેકફાસ્ટ કરીએ અને પછી આરામથી તારે મને તારી સ્ટોરી સંભળાવવાની છે.’’ પ્રેમે કહ્યુ. હજુ એમની વાતો ચાલતી હતી કે બારણે ટકોરા પડ્યા અને હોટલનો રૂમબોય અંદર આવી ચા નાસ્તાની પ્લેટો ગોઠવવા લાગ્યો. પ્રેમે તેને ઉદ્દેશીને કહ્યું.
‘‘ઓ ભાઈ... તુ જરા નીચે જઈને તારા સુસ્મીતા મેડમના કમરામાંથી મારા બે જોડી કપડા લાવી આપને...’’
‘‘જી સર...’’ કહીને રૂમબોય બહાર નીકળ્યો. પ્રેમે નોટીસ કર્યું હતું કે અજયે પણ ગઈકાલવાળા જ કપડા પહેર્યા હતા એટલે જ તેણે રૂમબોયને સુસ્મીતાના કમરામાંથી બે જોડી કપડા લાવવાનું કહ્યુ હતુ. આ તેની કાયમીની ગોઠવણ હતી. તે જ્યારે પણ દમણ આવતો ત્યારે અહી જ રોકાતો. તેની જરૂરીયાતનો તમામ સામાન તેણે સુસ્મીતાના સ્યૂટમાં અલગથી જ વ્યવસ્થા કરીને મુકાવી રાખ્યો હતો કે જેથી તેને અગવડતા ન પડે. રૂમબોય ઝડપથી પાછો ફર્યો હતો અને સાથે સુસ્મીતાનો સંદેશો પણ લાવ્યો હતો કે તે બન્નેને તેણે પોતાના સ્યૂટમાં બોલાવ્યા હતા. પ્રેમ અને અજયે ફટાફટ કપડા ચેન્જ કર્યા, થોડો નાસ્તો કર્યો અને થોડીવાર પછી તે લોકો સુસ્મિતાના ભવ્ય સ્યૂટમાં હતા. સુસ્મીતા હજુ હમણા જ નાહિને બહાર આવી હતી. તેના ભીના સુવાળા કેશમાંથી પાણીની બુંદો સરકી તેની સીધી ટટ્ટાર પીઠ પર રેલાઈ રહી હતી તેના કારણે તેણે પહેરેલુ ઓપનગળાનું વ્હાઈટ ટી-શર્ટ ભીનું થઈને તેની પીઠ સાથે ચીપકી ગયુ હતુ. વ્યાઈટ ટી-શર્ટ સાથે તેણએ એકદમ ડાર્ક બ્લ્યુ કલરનું જીન્સ પસંદ કર્યું હતુ. જીન્સ, ટી-શર્ટમાં તે હતી તેના કરતા પણ વધુ ઉંચી અને ખુબસુરત દેખાતી હતી. ટી-શર્ટને તેણે બખૂબીથી પેન્ટમાં ઈન કર્યુ હતુ. ટી-શર્ટનુ લાયકા કાપડ થોટુ ખેંચાઈને તેના પાતળા દેહ ઉપર ચપોચપ ફીટ થઈ ગયુ હતુ જેના કારણે તેના ઉરોજોનો ઉભાર વધુ ઉન્નત, વધુ ધ્યાનાકર્ષક બન્યો હતો. તેના ભરાવદાર ઉરોજો, પાતળી કમર, સીધી ટટ્ટાર પીઠના સંયોજને તેને એક અલૌકીક રૂપ બક્ષતુ હતુ. તે સવારના પહોરના ખીલેલા પુષ્પજેવી તરોતાજા અને ખુશનુમા દેખાતી હતી. પ્રેમ સ્યૂટમાં દાખલ થયો ત્યારનો અપલક દ્રષ્ટીએ સુસ્મીતાને નીહાળી ઉતારી રહ્યો હતો. તેને શરારત કરવાનું મન થતુ હતુ પરંતુ અજયના કારણે તેણે પોતાના પર સંયમ જાળવ્યો... સુસ્મીતાને પ્રેમની નજરોમાં દેખાઈ રહેલા તોફાનની જાણ થઈ ત્યારે તે થોડી શરમાઈને રૂમમાં ગોઠવાયેલા સોફા ઉપર બેઠી. જ્યારે તમારી સામે કોઈ વ્યક્તિ અપલક દ્રષ્ટીએ જોઈ રહે ત્યારે જેવા પ્રકારની મુંઝવણ અનુભવાય, બસ એવુ જ કંઈક સુસ્મીતા અનુભવી રહી. હા, એ અલગ વાત હતી કે એ મુંઝવણ બહુ મીઠી હતી...
‘‘તો... આપણે થોડી વાતો કરીશુ...? પહેલા હું કંઈક મંગાવી લઉ.’’ આખરે તેનાથી રહેવાયુ નહિ એટલે વાતોની શરૂઆત તેણે જ કરી. સાથે ફોન ઉપર ચા-કોફી અને હળવા નાસ્તાનો ઓર્ડર આપ્યો. પ્રેમ અને અજય ત્યાં મુકેલા સોફા કમ ચેરમાં ગોઠવાયા.
‘‘પ્રેમ...’’ સુસ્મીતાએ કહ્યુ... ‘‘કાલે તું શુ પરાક્રમ કરીને આવ્યો છે એ મને કહે. અને આ તારા નવા મિત્રને હું કેમ નથી ઓળખતી એ પણ જણાય...’’
‘‘આ અજય છે... અજય જોષી... ગઈકાલે જ અમે મિત્રો બન્યા. એ થોડો મુસીબતમાં હતો એટલે મેં તેની મદદ કરી અને અમે મિત્રો બની ગયા. ઠીક છે...?’’
‘‘કશુ ઠીક નથી. તુ મને ઉઠા ન ભણાવ... તે જરૂર કંઈક તો પરાક્રમ કર્યુ જ છે. મારે એ જાણવુ છે... સો... કમ ટુ ધ પોઈન્ટ...’’ સુસ્મીતા જાણતી હતી કે પ્રેમ સીધી રીતે કઈ કહેશે નહિ એટલે તેણે થોડા ગુસ્સામાં પુછ્યુ.
‘‘ઓકે... ઓકે... તું આમ મોં ન ફુલાવ...’’ એક લાંબો શ્વાસ છોડીને પ્રેમે ગઈકાલે બપોરે જે ઘટના બની હતી તે કહી સંભળાવી. સુસ્મીતા આશ્ચર્ય અને હેરતથી તેની વાત સાંભળી રહી.
‘‘માયગોડ...પ્રેમ... તું પાગલ છે કે શું...? તને ખબર છે... આ પોલીસકેસ બને છે અને તુ હજુ સુધી અહી શાંતીથી બેસી રહ્યો છે...! કમાલ છે તુ... આ બાબત જેમ બને તેમ જલ્દીથી પોલીસને કહેવી પડશે નહિતર નાહકના તમે બન્ને મુસીબતમાં મુકાશો... આઈ કાન્ટ બીલીવ કે તને આ વાતની ગંભીરતા સમજાતી નથી. તું ખરેખર આવો જ છે કે પછી તને કંઈ પરવા નથી... મને સાચે જ આશ્ચર્ય થાય છે...’’ સુસ્મીતાએ ફોન પાસે લીધો અને પોલીસ સ્ટેશનનો નંબર ડાયલ કરવા લાગી. પ્રેમે જે કહ્યુ તે સાંભળીને તેને ખરેખર ચીંતા પેઠી હતી. તે નહોતી ઈચ્છતી કે નાહકનો પ્રેમ કોઈ મોટી મુસીબતમાં ફસાય. અને તે પણ એક અજાણ્યા વ્યક્તિ માટે થઈને...
‘‘શું કરે છે તું...?’’ પ્રેમે પુછ્યુ.
‘‘ડી.આઈ.જી. અંકલને ફોન કરુ છુ... બીજુ શું...?’’ સુસ્મીતાએ કહ્યુ... પ્રેમ ઝપટ મારીને ઉભો થવા ગયો પરંતુ એ પહેલા અજયે ઉભા થઈને ફોન કટ કરી નાખ્યો.
‘‘પ્લીઝ... પહેલા મારી વાત સાંભળો પછી તમને જે યોગ્ય લાગે તે કરજો...’’ તેણે સુસ્મીતાને ઉદ્દેશીને કહ્યુ. તેના અવાજમાં ભાર વર્તાતો હતો. સુસ્મીતાએ અજયની નજરોમાં આવેલી ભીનાશ જોઈ... તેણે ધીરેથી રીસીવર નીચે મુક્યુ. અજય નામના કોયડાનો ઉકેલ તો પ્રેમને પણ જોઈતો હતો પરંતુ તે ખામોશ રહ્યો. તેનું કામ સુસ્મીતાએ કરી નાખ્યુ હતુ. છતા પ્રેમને એક બાબતની ખાતરી હતી કે અજય ખરેખર નિર્દોષ વ્યક્તિ છે. અને એ ખાતરી તેણે અજયને પેલા કીડનેપરના હાથમાંથી છોડાવ્યો ત્યારથી થઈ હતી.
આ બધી ગડમથલ ચાલતી હતી ત્યાં સુધીમાં રૂમબોય આવીને ચા-કોફી સેન્ડવીચ મુકી ગયો, એટલો સમય ખામોશીમાં પસાર થયો... ત્યારબાદ અજયે પોતાની સાથે શું શું બન્યુ હતુ એ પુરી ઘટના સચ્ચાઈ અને ઈમાનદારીથી સુસ્મીતા અને પ્રેમને જણાવી... આશ્ચર્ય અને અવિશ્વાસથી એ બન્ને સાંભળી રહ્યા. તેમના મોં હેરતથી ખુલી ગયા હતા. જાણે કોઈ નવલકથામાં આવતી રોમાંચક ઘટના એમની આંખો સામે ભજવાઈ રહી હોય એવી લાગણી તેમને થઈ આવી. આખરે અજયે પોતાની કહાની પુરી કરી ત્યારે એ સ્યૂટમાં એક ભારેખમ સ્તબ્ધતા છવાઈ ગઈ. કોઈને શું બોલવું એ સુજતુ નહોતુ. શબ્દો હતા છતા એ વ્યક્ત કરવાની સ્થીતી ન હતી. આખરે પ્રેમે ખામોશી તોડી...
‘‘વેલ... તો તું મોહનબાબુ નો પુત્ર છો...?’’
‘‘હાં... તમે ઓળખો છો...?’’
‘‘એમને કોણ નહોતુ ઓળખતુ... મોહનબાબુ જેવા વ્યક્તિ આ સમયમાં ભાગ્યે જ થાય છે... તારુ એવા વ્યક્તિના પુત્ર હોવુ ગર્વની બાબત છે... તારી આપવીતી સાંભળીને મને ઘણુ ખરાબ લાગી રહ્યુ છે. તારી સાથે આવુ નહોતુ થવુ જોઈતુ... વેલ... તેમ છતા તું ઘણો મજબુત વ્યક્તિ છે...’’
‘‘પણ... પ્રેમ તને નથી લાગતુ કે આપણે અજયના અપહરણવાળી ઘટના પોલીસને જણાવવી જોઈએ...’’ સુસ્મીતાએ ફરીથી જુનો રાગ આલાપ્યો.
‘‘શું કામ...?’’ પ્રેમે પૂછ્યુ.
‘‘આ બાબતમાં પોલીસ વધુ સારી રીતે તપાસ કરી શકશે...’’
‘‘તે સાંભળ્યુ નહિ કે તેની ઉપર શું શું જુલમ થયા છે... તેમા પોલીસ પણ સામેલ હતી જ ને... હવે અત્યારે જ્યારે તે આઝાદ થયો છે ત્યારે તુ ફરી પાછો તેને પોલીસના ચક્કરમાં નાખવા માંગે છે...’’ પ્રેમ તાડુકી ઉઠ્યો.
‘‘એમ મારી ઉપર ગુસ્સે થવાની જરૂર નથી... મારા પપ્પાને જ્યારે આ વાતની જાણ થશે ત્યારે તેઓ પણ આ જ સલાહ આપશે...’’
‘‘એ પપ્પાની લાડકી દીકરી... ખબરદાર જો આ વાત તે કોઈને કહી છે... સમજીને... તારા પપ્પા બહુ મોટા વ્યક્તિ છે તે વડીલ છે. તેને આપણા છોકરાઓની બાબતમાં વચ્ચે નાખવાની જરૂર નથી... ઓ.કે...’’ પ્રેમે સુસ્મીતાને ખખડાવતા કહ્યુ. હકીકતમાં તો એ તેનો ઢોંગ હતો. તે જાણતો હતો કે આ વાત સાંભળવા જ તે ભડકી ઉઠશે અને પછી પ્રેમને આખો દિવસ તેને મનાવવા તેની આગળ પાછળ ફરવુ પડશે. છતા પ્રેમે સુસ્મીતાને ચીડવવામાં અને પછી મનાવવામાં ખુબ જ મજા પડતી...
‘‘ગો ટુ હેલ... તુ આને છોકરાઓની રમત માને છે...? તારી અક્કલ ઘાસ ચરવા ગઈ લાગે છે... ગમે ત્યારે આ ઘટના બહાર આવ્યા વગર હેવાની નથી ત્યારે તું શું કહીશ પોલીસને...? એમ કહીશ કે અમે તો છોકરાઓ છીએ એટલે મજાક કરતા હતા અને પછી એ લોકો તમને જવા દેશે... હે ભગવાન... હું ક્યાં તારા જેવાના ચક્કરમાં પડી...?’’ સુસ્મીતાએ ધુંવાપુવા થતા કહ્યું.
‘‘તો ધ્યાન રાખવુ હતુ ને... પહેલા પુરતી તપાસ કરીને પછી મારા પ્રેમમા પડવુ હતુ...’’ પ્રેમને ખબર હતી કે સમગ્ર વાત અવળા રસ્તે ચડી ગઈ હતી. અને તે એવુ જ ઈચ્છતો હતો કે અજયના મામલામાં સુસ્મીતા કોઈ ગરબડ ન કરે. એટલીસ્ટ ત્યાં સુધીતો નહિ જ કે જ્યા સુધી તે આખા મામલાનો ક્યાસ ન કાઢી લે...
તેને અજયમાં દિલચસ્પી જાગી હતી. અજયના પીતા મોહન જોષીને તે જાણતો હતો. સારી રીતે ઓળખતો પણ હતો અને એટલે જ જ્યારે અજયે તેની અટક જોષી કહી અને તેનું નામ અજય ત્યારે તે થોડુક તો સમજી જ ગયો હતો. મોહનબાબુ અને તેના પિતા ચીમનભાઈ બહુ જ સારા મિત્રો હતા. તે નાનો હતો ત્યારે ઘણીવાર તે મોહનબાબુના ઘરે પોતાના પિતાજી સાથે જઈ આવ્યો હતો. કદાચ નાનપણમાં તેણે અજયને જોયો પણ હશે. એટલે જ જ્યારે અજયે પ્રેમને પોતાનું નામ કહ્યુ ત્યારથી જ તેને ખ્યાલ તો આવી જ ગયો હતો કે અજય જોષી એ મોહનબાબુનો દિકરો છે... અને એટલે જ તે અજયને પોતાની સાથે લેતો આવ્યો હતો. નહિતર તેને એકવાર એવો વિચાર આવી જ ગયો હતો કે આ ઘટનાની જાણ પોલીસને કરવી જોઈએ પરંતુ અજય જોષીનું નામ સાંભળીને તે અટકી ગયો હતો... અજય અને તેના પરીવાર સાથે શું ઘટના બની હતી એ બાબતથી તે સાવ બેખબર હતો કારણ કે એ વખતે એટલે કે આજથી સાત વર્ષ પહેલા તેની ઉંમર માત્ર તેર-ચૌદ વર્ષની હતી અને તે દિલ્હીમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.
અત્યારે તો પ્રેમની દલીલો સાંભળીને સુસ્મીતા ધુંવાપુંવા થઈને ઉઠી હતી. તેને પ્રેમ સાથે જોરદાર ઝઘડો કરવો હતો પરંતુ અજયની ઉપસ્થીતીમાં તે કંઈ કહી શકે એમ નહોતી એટલે ત્યાંથી ઉભી થઈને તે પગ પછાડતી બાલ્કનીમાં ચાલી ગઈ. અજય થોડા આશ્ચર્ય, થોડી ગંભીરતા અને વધુ તો રમુજથી પ્રેમ અને સુસ્મીતાની જીભાજોડી જોઈને મલકી રહ્યો હતો. ખરેખર બન્ને વ્યક્તિ અદભુત છે. થોડીવાર માટે તો તે પોતાની પરીસ્થીતી ભુલીને એ બન્નેની મીઠી તકરારને જોઈ રહ્યો. અચાનક તેને તુલસી યાદ આવી ગઈ. ફરી પાછો તે ઉદાસ થઈ ગયો.
પ્રેમ લગભગ અડધા કલાક બાદ પોતાની ફેક્ટરીએ જવા નીકળી ગયો. સુસ્મીતા હોટેલની દિનચર્યામાં પરોવાઈ હતી. પ્રેમે અજયને પોતાની સાથે આવવા કહ્યુ પણ અજયનુ મન તુલસીની યાદોમાં ભટકવા લાગ્યુ હતુ એટલે તે ઉપર જઈને રૂમમાં ભરાઈ ગયો હતો.
‘‘પ્રેમ સાવ બેફીકરો છે, ક્યારેક તે અજીબ વર્તન કરી નાખે છે...’’ મોટા રાઉન્ડ ટેબલ પાછળ ગોઠવાયેલી મુલાયમ લેધર ચેરમાં બેઠેલી સુસ્મીતા મનોમન પ્રેમને યાદ કરતી હતી. સાચી વાતતો એ હતી કે તેને પ્રેમ કંઈ નવાજુની કર્યે જ રાખતો. તેના સ્વભાવમાં જ બખડજંતર વણાઈ ગયુ હતુ. સુસ્મીતા પ્રેમને દિલોજાનથી ચાહતી હતી સામાપક્ષે પ્રેમ પણ સુસ્મીતા માટે કંઈપણ કરી નાખવા તૈયાર થઈ જાય એટલે પ્રેમ કરતો હતો. તેઓ બન્ને એકબીજાના પર્યાય બની ચૂક્યા હતા છતા ક્યારેક સુસ્મીતા ઉકળી ઉઠતી. પ્રેમના બેફીકરા સ્વભાવને કારણે તે ગુંગળાઈ જતી. પરંતુ કરે પણ શું...? પ્રેમ હતો જ એવો... હોનહાર... હોંશીયાર... માયાળુ... બેફીકરો અને મસ્તમૌલા. તેનો કોઈ ઈલાજ નહોતો. એ વિચારી રહી કે... અત્યારે પણ તેણે પેલા અજયને એવી ધરપત આપીને રોકી રાખ્યો છે કે તે એના મામલામાં કંઈક રસ્તો ખોળશે... નો ડાઉટ કે અજય એક સારો વ્યક્તિ હશે. છતા પણ તે છે તો એક ગુનેગાર જ ને... હજુ તો એ કાલે જેલમાંથી છુટ્યો અને બહાર નિકળતા વેંત જ તેનું અપહરણ થયુ... મતલબ કે તેની પાછળ હજુ પણ કોઈક ખતરનાક માણસો લાગેલા છે અને જો એ લોકોને ખ્યાલ આવશે કે પ્રેમે જ અજયને એમના હાથમાંથી છોડાવ્યો છે તો એ લોકો કંઈ હાથ ઉપર હાથ ધરીને થોડા બેસી રહેવાના... જરૂર તે પ્રેમને ખોળી કાઢશે... ઓફફ... સુસ્મીતાનું માથુ દુખવા આવ્યુ. ‘‘પ્રેમ ક્યાં આ જંજાળમાં ફસાયો. મારે જ કંઈક કરવુ પડશે.’’ એમ વીચારીને તેણે ડેસ્ક પર પડેલો ફોન ઉઠાવ્યો અને એક નંબર ડાયલ કર્યો. થોડીવાર બાદ ફોન રીસીવ થયો.
‘‘હેલ્લો...’’ કોઈક યુવતીનો અવાજ આવ્યો.
‘‘મારે બૉસ્કીનું કામ છે... પરેશ બોસ્કી...’’
‘‘જસ્ટ હોલ્ડ ઓન મેમ... આપ કોણ બોલો છો...?’’
‘‘મી.બોસ્કીને કહેજો કે સુસ્મીતા સેનનો ફોન છે... તે ઓળખી જશે...’’
‘‘ઓ.કે. મેમ...’’ થોડીવાર ખામોશી છવાયેલી રહી. સુસ્મીતાને બોસ્કીની ઓફીસમાં થતી ધડબડાટી સ્પષ્ટ સંભળાતી હતી. કોઈક મોટેથી ઘાંટા પાડી પાડીને ચીલ્લાઈ રહ્યુ હતુ. ટેબલ ઉપરથી સામાન હટવાના અને નીચે પડવાના અવાજો આવી રહ્યા હતા. કદાચ કોઈ ભયાનક અરાજકતા ફેલાવી રહ્યુ હતુ. પછી એ તરફથી ફોન ઉંચકાયો.
‘‘હેલ્લો...’’ એક હાંફતો જાડો અવાજ સંભળાયો.
‘‘માય ગોડ... બોસ્કી... ત્યાં શું ચાલી રહ્યુ છે તારી ઓફીસમાં...?’’
‘‘અરે કંઈ નહિ... જસ્ટ રૂટીન’’
‘‘રૂટીન...?’’
‘‘હાં... હમણા-હમણા ઓફીસમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે એટલે તેને પકડવાની કોશીશ કરતા હતા.’’
‘‘હે ભગવાન... મને કેવા કેવા નમુનાઓ ભટકાયા છે...? તું ડીટેક્ટીવ છે કે કોઈ મ્યુનીસીપાલીટીનો ઉંદરમારુ ગેંગનો કર્મચારી..?’’
‘‘સોરી ડાર્લીંગ... આતો જરા હમણા નવરાઈનો સમય છે અનો સદઉપયોગ કરતા હતા...’’
‘‘આ ડર્લીંગને માર ગોળી, તુ મને ક્યારે મળે છે એ કહે. તારુ કામ પડ્યુ છે. અને ભાઈસાબ... આવા ઉંદરવેડા કરવાના રહેવા દે. મારે તને એક કામ સોંપવાનું છે. ક્યારે મળીશ બોલ...?’’
‘‘હાફ એન અવર ડાર્લીંગ... ઓન્લી હાફએન અવરમાં હું તારે ત્યાં પહોંચુ છુ... ઓ.કે...’’
‘‘ઓ.કે. બટ ફાસ્ટ...’’
‘‘ડન...’’ બોસ્કીએ કહ્યુ અને ફોન મુક્યો.
અને ખરેખર તે અડધા કલાકમાં સુસ્મીતાની ભવ્ય ઓફીસમાં તેની સામે બેઠો હતો. આ પરેશ બોસ્કી પણ જાણવાજેવું કરેક્ટર છે... હાઈટમાં તે લગભગ ટુંકો કહી શકાય એવો તેની ઓળખાણો બહુ ઉંચા લોકો સાથે હતી એટલે તેની ડિટેક્ટીવ એજન્સી ધમાકેદાર ચાલતી હતી... સુસ્મીતા સાથે તેની ઓળખાણ એક પાર્ટીમાં થઈ હતી અને પછી બન્ને વચ્ચે સારી એવી દોસ્તી જામી ગઈ હતી. સુસ્મીતા જાણતી હતી કે તે જે વિચારે છે એ કામને અંજામ ફક્ત બોસ્કી જ આપી શકશે એટલે તેણે બોસ્કીને પ્રેમ અને અજયની વીશેની વિગતવાર માહિતી આપી. બોસ્કી તેનું ભરાવદાર માથુ ધુણાવતો ખુબ ગંભીરતાથી એ વિગતો પોતાના જહેનમાં ઉતારી રહ્યો હતો.
સાંજ પડવા આવી હતી. અજય સ્યૂટમાંથી બહાર નીકળી લીફ્ટ દ્વારા નીચે રીશેપ્શન ફોયરમાં આવ્યો. અત્યારે તે ઘણુ રીલેક્ષ ફીલ કરી રહ્યો હતો. ઘણા લાંબા અંતર બાદ તે આટલી વ્યવસ્થીત ઉંઘ લઈ શક્યો હતો. રીલેક્ષ થવાનું બીજુ કારણ એ પણ હતુ કે તે ધીમે ધીમે પોતાનું મનોબળ પાછુ ફરી રહ્યુ હોય એવુ મહેસુસ કરી રહ્યો હતો. તેણે મનોમન એક સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી તે એને ફસાવનાર ગુનેગારોને શોધીને નશ્યત નહિ કરે ત્યાં સુધી તે જંપીને બેસસે નહિ. પોતાની જીંદગીના એ સાત સપ્તરંગી, મહામુલા વર્ષોનો બદલો તે વાળીને રહેશે. તેના જીવનમાં હવે બીજુ કોઈ લક્ષ નહોતુ. તેને પોતાના ઘરે પણ ફોન કરવો હતો...
હોટલમાંથી તે ચાલતા જ બહાર નીકળ્યો. પગદંડી વટાવીને તે મુખ્ય ગેટે આવ્યો. ઘણા વર્ષો પહેલા તે એક કે બે વખત તેના મિત્રો સાથે દમણ આવ્યો હતો. એટલે તેને દમણની ભૂગોળનો થોડો ઘણો અંદાજ તો હતો જ. બહારનીકળી તે જમણી બાજુ ચાલ્યો આ તરફનો રસ્તો દમણની મુખ્ય બજાર તરફ જતો હતો. ‘‘બ્લ્યુ હેવન’’ દેવકાબીચની બરાબર સમાંતરે હતી જ્યારે અહીંથી આ બીચથી દમણ સીટીની મેઈન બજાર ત્રણેક કીલોમીટર દુર હતી એટલે તેણે થોડુ ચાલીને રીક્ષા કરી. પંદરેક મીનીટ બાદ તે મેઈન બજારના ચોકમાં ઉતર્યો.
ચોકના ચારેય રસ્તા અલગ-અલગ દિશામાં ફંટાતા હતા. એક રસ્તો તો તે આવ્યો હતો એ દેવકાબીચનો હતો. બરાબર તેની સામેનો રસ્તો નાની દમણ તરફ જતો હતો. તેનાથી જમણી બાજુનો રસ્તો સીધો જ દરીયા કિનારે પુરો થતો હતો. એ રોડ પર ઘણી હોટલો, પબ, બાર, રેસ્ટોરન્ટો આવેલી હતી. જ્યારે તે જ્યાં ઉભો હતો એની ડાબી તરફનો રસ્તો દમણ શહેરને વીંધીને વાપી પહોંચતો હતો. દમણ ખરેખર ખૂબ જ શાંત અને રંગીલુ શહેર હતુ. ભારતની આઝાદી બાદ પણ પોર્ટુગીઝના તાળામાં રહેલુ દમણ પોતાનો એક અલગ જ ઈતિહાસ ધરાવતુ હતુ. અત્યારે કેન્દ્ર શાષીત પ્રદેશ ગણાતા દીવ-દમણ અને ગોવા ભારતને આઝાદી મળી ત્યારે પણ વિદેશીઓના હાથમાં જ રહ્યા હતા. ભારત સરકારની સમાંતરે આ પ્રદેશોમાં પોર્ટુગલ સામ્રાજ્યના ઝંડા હેઠળની સરકાર ચાલતી હતી. પોર્ટુગીઝોએ બહુ જ વ્યુહાત્મક રીતે આ ત્રણેય બંદરોને પોતાના શાસનની ધુરી હેઠળ સંભાળી રાખ્યા હતા. પરંતુ આ પ્રદેશોની પ્રજામાં આઝાદીની પ્રચંડ લાગણી ઉઠી હતી. પ્રજાની આ લાગણીને જોતા એ સમયની તાત્કાલીન નહેરુ સરકારે પોર્ટુગીઝ શાસન પર લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશોને ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. જો એમ ન થયુ હોત તો આજે પણ અહી પોર્ટુગલ સરકારની ધજા ફરકતી હોત. દમણમાં આજે પણ પોર્ટુગીઝ શાસનની ઘણી બધી નીશાનીઓ અને તેનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ખેર, અજયને અત્યારે દમણના ઈતિહાસમાં કોઈ જ રસ નહોતો. તેણે ચોકમાં ઉભા રહી ચારેકોર નજર ફેરવી. તેણે સામે જ દેખાતા એક બીયરબાર કમ રેસ્ટોરન્ટ બાજુ પગ ઉપાડ્યા. તેનુ લક્ષ્ય એ બીયરબાર નહોતો. તેને તો એક ફોન કરવો હતો... પોતાના ઘરે... મમ્મીને... તે બીયરબારના એક ખૂણે બનાવેલા નાનકડા પાનના ગલ્લે આવ્યો. એ ગલ્લાની એક બાજુ બહાર પી.સી.ઓ.નું ડબલુ લટકતુ હતુ. તેણે પોતાના ખીસ્સામાંથી રૂપીયાનો સીક્કો કાઢી ફોનમાં નાખ્યો અને પોતાના ઘરનો નંબર ડાયલ કર્યો. તેણે પોતાના મનમાં ગોઠવી રાખ્યુ હતુ કે જો મમ્મી ફોન ઉઠાવે તો તેની સાથે શું વાત કરવી... અને ખરેખર તેની મમ્મીએ જ ફોન ઉપાડ્યો...
‘‘હલ્લો...’’ એક જાજરમાન પ્રભાવશાળી અવાજ આવ્યો. અજયે ઘણા દિવસો બાદ પોતાની મમ્મીનો અવાજ સાંભળ્યો હતો. તેના ગળે ડુમો ભરાયો. ઘડીભર તો તેને સુજ્યુ નહિ કે તેણે શું વાત કરવી. તે અવાચક બનીને ઉભો રહ્યો...
‘‘હલ્લો... કોણ બોલે છે...?’’ અજયના મમ્મીએ અધીરાઈથી પુછ્યુ. અજયની આંખોમાં ઝાકળ ઉભરાયુ. ‘‘મમ્મી...’’ તે માંડ-માંડ એટલુ જ બોલી શક્યો.
‘‘અજય... બેટા...’’ અજયની મમ્મીના અવાજમાં ભારોભાર આશ્ચર્ય અને લાગણી ઘુટાયેલી હતી.
‘‘મમ્મી... કેમ છે તુ...?’’
‘‘..........’’
‘‘મમ્મી... તું રડ નહિ...’’
‘‘તું ક્યાં છે દિકરા...?’’
‘‘ઘણો દુર... ગઈ કાલે જ છુટ્યો છુ... તને ફોન એટલા માટે કર્યો છે કે હમણા હું ઘરે આવીશ નહિ. મારાથી નહિ આવી શકાય. તું મારી ચીંતા ન કરતી... ઘરમાં બધાને કેમ છે...? તને કેમ છે...?’’
‘‘અહીં બધુ એમનું એમ છે. પણ તુ ઘરે કેમ નથી આવ્યો...’’
‘‘એ હું તને જણાવીશ... પછી...’’ અજયે કહ્યું.
‘‘તારી રીહાઈના સમાચાર અમને ગઈકાલે સાંજે મળ્યા. પોલીસ સ્ટેશનેથી કોઈ ભાઈ આવ્યા હતા તને પુછતા પુછતા ત્યારે જ અમને ખબર પડી કે તને રજા આપવામાં આવી છે. તારે કમસેકમ મને તો જણાવવુ હતુ. હું તને લેવા આવત દિકરા...’’
‘‘શું કહ્યુ તે મમ્મી...? પોલીસ સ્ટેશનથી કોઈ ભાઈ આવ્યા હતા મને શોધતા...?’’ અજયને આશ્ચર્યનો ઝડકો વાગ્યો. તે હજુ તો ગઈકાલે સવારે જ છુટ્યો હતો તો પછી સાંજે તેના ઘરે પોલીસવાળા શું કામ તપાસ કરવા આવે...? તેના મનમાં આ પ્રશ્ન ઘોળાઈ રહ્યો... પછી અચાનક તેને જવાબ મળી ગયો. જરૂર પેલા લોકોએ જ તેના ઘરે તપાસ કરી હશે કે જેણે તેનું અપહરણ કર્યું હતુ... ‘‘સાલા બેવકુફો...’’ તે મનોમન બોલ્યો. તેને હસવુ પણ આવ્યુ. હવે મમ્મી સાથે વધારે વાત કરવી એ પણ જોખમી હતુ.
‘‘મમ્મી... જો સાંભળ... હું એકદમ હેમખેમ છુ. તુ મારી બિલકુલ ચીંતા ન કરતી. સમય આવ્યે હું ઘરે આવીશ... અને હા... હવે પછી કોઈપણ વ્યક્તિ મારી પુછપરછ કરવા આવે તો તેને કંઈ જણાવતી નહિ. મેં તને ફોન કર્યો હતો એ પણ નહિ... ઠીક છે... હું ફરી ફોન કરીશ... તુ તારુ ધ્યાન રાખજે...’’ કહીને અજયે ફોન મુકી દીધો. જરૂર તેના ઘરનો ફોન ટેપ થતો જ હશે એવી દહેશત તેના મનમાં ઉઠી. હવે ધ્યાન રાખવુ પડશે... ફોન મુકીને તેણે પાનના ગલ્લેથી સીગારેટનું પાકીટ ખરીદ્યુ અને કંઈક વીચારીને તે એ બારમાં દાખલ થયો. એકદમ ખૂણાની જગ્યા પસંદ કરીને તે બેઠો અને એક બીયરનો ઓર્ડર આપ્યો... વેઈટર બીયર લઈને આવ્યો એટલે તેણે એક ઘુંટ પીધો અને પાકીટમાંથી એક સીગારેટ કાઢી સળગાવીને ઉંડો કશ ભર્યો... બીયર અને ઉપરથી સીગારેટના કસે તેના રોમ-રોમમાં ગરમી પ્રસરાવી દીધી... તો આ વાત છે. એ લોકોએ મારા ઘરને પણ નીગરાની હેઠળ રાખ્યુ છે. પણ છે કોણ એ માણસો...? તેઓનો મકસદ શું છે ? મને જેલ મોકલાવીને તેઓ શું કરવા માંગતા હતા...? તુલસીને શું કામ મોત મળ્યુ...?...? મનોમન તે આ સવાલોના જવાબ મેળવવા મથી રહ્યો. વિચારવુ પડશે, પહેલેથી વિચારવુ પડશે...
તે એ ગોઝારો દિવસ ક્યારેય નહોતો ભુલ્યો. એ દિવસ તેની જીંદગીમાં આફત બનીને ઉગ્યો હતો. પોતાને સજા થઈ અને જેલમાં જવુ પડ્યુ એના કરતા વધુ આઘાત તેને તુલસીના મોતનો લાગ્યો હતો... તુલસી... જેને તે બેતહાશા ચાહતો હતો. જેની સાથે ક્યારેક તેણે લગ્ન કરીને સુખી સંસાર માંડવાના સપનાઓ જોયા હતા. એ લાવણ્યભર્યા ખુબસુરત ચહેરાને તેણે પોતાના જીગરના ઉંડાણથી ચાહ્યો હતો, અને તેના જસ્મની ભીનીભીની ખુશ્બુને પોતાના શરીરના અણુએ અણુમાં સમાવી હતી. એ જ તુલસીનું પોતાની નજરો સમક્ષ ભયાનક મોત થયુ હતુ. કેટલુ ભયાવહ અને બિભત્સ મોત હતુ એ... તે સમયે તેને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. સાવ સુનમુન બની ગયો હતો તે. તેની આજુ બાજુ શું ચાલી રહ્યુ છે એ પણ તેને ભાન નહોતુ રહ્યુ. પેલો કમબખ્ત ઈન્સ.મકવાણા અને દેશપાંડે થેલામાંતી કોઈક ચીજ કાઓઢીને ધારી ધારીને જોઈ રહ્યા હતા અને પછી તેમણે મને કંઈક પુછ્યુ હતુ. એ લોકો તુલસીનો થેલો વીંખી રહ્યા હતા... એ જ થેલો કે જે જીવતી જાગતી તુલસીએ થોડીવાર પહેલા જ તેના હાથમાં મુક્યો હતો. શું ખાખાખોળા કરી રહ્યા હતા એ પોલીસવાળાઓ એમાં...શું...? યસ... એ થેલામાંથી નકલી નોટોના બંડલો નિકળ્યા હતા. ડ્રગ્સના બે કે ત્રણ પેકેટો નિકળ્યા હતા... પરંતુ એ થેલો તો તુલસીનો હતો... તેણે મને આપ્યો હતો... તો પછી એમા નકલીનોટોના બંડલો અને ડ્રગ્સના પેકેટો ક્યાંથી આવ્યા...? શું તુલસીએ લઈને આવી હતી...? ધેટ્સ ટોટલી એબ્સર્ડ, ટોટલી નોટ પોસીબલ તુલસી પાસે એવી ચીજો ક્યાંથી હોય...? ઓહ... અજય જેમ જેમ વિચારતો ગયો તેમ એ ઘણા બધા પ્રશ્નોના જાળામાં ગુંચવાતો ગયો. ના, એ શક્ય જ નથી. એ શક્ય જ નથી કે તુલસી જેવી સીધી સાદી અને સરળ યુવતી પાસે અચાનક એ થેલો આવી પડે. તો શું તેને કોઈકે ફસાવી હશે...? યસ્સ્સ્... પુરેપુરી શક્યતા હતી કે તેને કોઈકે ભયાનક કાવતરામાં ફસાવી હોય. એ દિવસે તુલસીનું વર્તન પણ સાવ બદલાયેલુ અને વિચિત્ર હતુ. તેને જ્યારે મેં ફોન કર્યો ત્યારે પણ તેના અવાજમાં ગભરામણ ભળેલી હતી. કદાચ તે રડતી પણ હતી. અને પછી તેનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. શું કામ...? શું બન્યુ હશે...? રીલેક્ષ...રીલેક્ષ અજય રીલેક્ષ... તેણે પોતાની જાતને કહ્યુ. તેણે બીયરનો એક મોટો ઘુંટ ભર્યો. મનને એકદમ શાંત ચીત્તે વિચારવા દે... એકદમ શરૂઆતથી સમગ્ર ઘટના વિચારવા દે. તે દિવસે શું શું બન્યુ હતુ...? અજય પોતાની જાત સાથે જ વાત કરી રહ્યો હતો અને થોડીવાર બાદ તે એકદમ રીલેક્ષ બનીને એ દિવસની એક એક ક્ષણ યાદ કરવા લાગ્યો...
એક પછી એક ઘટનાઓ તેના મનમાં કોઈ ચિત્રપટની જેમ વહેવા લાગી... અને જ્યારે એ ચિત્રપટ પુરુ થયુ ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો... ઓહ માય ગોડ... આ તો... આ... તો... ખરેખર ભયાનક છે... તે હલબલી ઉઠ્યો... તેને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો કે આવી સાવ સીધી વાત કેમ તેને સમજાઈ નહિં...? જેલમાં તેણે કેમ ક્યારેય આના વીશે વિચાર્યું નહોતુ...? હે ભગવાન... સમગ્ર હકિકતનો તો એક જ મતલબ નીકળે છે કે તુલસીનું મોત મારા કારણે થયુ હતુ... મારા કારણે જ તુલસીને આટલી ભયાનક રીતે મારી નાંખવામાં આવી હતી અને હું એ વિચારી વિચારીને પાગલ થઈ ગયો કે તુલસીએ મને ફસાવ્યો હતો. અજયના મનમાં એક પછી એક સત્ય ઉજાગર થઈ રહ્યા હતા. થોડુ થોડુ તે સમજી રહ્યો હતો... હકિકતમાં તો તુલસીના મોત પાછળ હું જ સૌથી વધારે જવાબદાર હતો. તેણે વિચાર્યું... હે ભગવાન... તેના હ્ય્દયમાં અચાનક એક ટીસ ઉઠી, એક દાવાનળ સળગ્યો જે તેના અંગે-અંગને દઝાડતો રહ્યો... કોઈકે મને ફસાવવા માટે જ યેનકેન પ્રકારે તુલસીને એ થેલો મારી સુધી પહોંચાડવા બ્લેકમેલ કરી હશે અને પછી તુલસીએ સચ્ચાઈ બયાન ન કરી શકે એટલા માટે તેનું એક્સિડન્ટ કરી મોત નીપજાવી નાખ્યુ અને એ ઈલ્જામ બખુબીથી મારી ઉપર ઓઢાડી દેવામાં આવ્યો... એક ઘુંટડે તેણે બિયરનો આખો ગ્લાસ ખાલી કરી નાખ્યો. તેના મોમાં કડવાહટ ફરી વળી પરંતુ તેના દિમાગમાં ચાલતા ઘુઘવાટ સામે એ કડવાહટ સાવ સામાન્ય હતી. અજયને હજુ કંઈક વધારે સ્ટ્રોંગ પીવાની ઈચ્છા થઈ. તેણે વેઈટરને બોલાવી જોની વોકરનો લાર્જ પેગ ઓર્ડર કર્યો. વેઈટર આશ્ચર્યથી અજય સામે જોઈ રહ્યો. તે સમજી ગયો કે આ નવો નિશાળીયો છે. કારણ કે બિયરનો ગ્લાસ પીધા પછી દારૂ પીવાની હિમાકત તો જેને તેની અસર વીશે ખબર ન હોય એ જ કરી શકે... અને... વેઈટર ખરેખર હોંશીયાર નિકળ્યો.
‘‘સર... આપ જોની વોકર કરતા જીંગારો લેશો તો વધુ સારુ રહેશે... એ વધુ સ્ટ્રોંગ સાબીત થશે...’’ અજયને સ્ટ્રોંગ પીણુ પીવુ હતુ અને સામે ઉભેલો વેઈટર પણ કંઈક એવુ જ કહી રહ્યો હતો એટલે તેણે એ ઓર્ડર કર્યો. વેઈટરને હાશ થઈ અને તે ફટાફટ જીંગારોની એક બોટલ લાવીને મુકી ગયો. અજયનું મગજ અત્યારે સાતમા આસમાને હતુ એટલે વેઈટરે જે લાવી આપ્યુ એ પેટમાં પધરાવવા લાગ્યો. સાથે તેણે આખુ પેકેટ સીગારેટનું પણ ફુંકી માર્યુ. તેણે ઘણા વર્ષો બાદ આજે બિયર પીધો હતો અને સીગારેટો પણ ફૂંકી હતી એટલે એ બેવડા નશાની નાનકડી કીક તેના દિમાગમાં વાગી હતી જેમા કારણે તે ઝુમી ઉઠ્યો હતો. તેના મગજમાં હળવો નશો છવાઈ રહ્યો હતો અને તેની આંખો ભારે થવા લાગી હતી. ઘણીવાર સુધી એ જ અવસ્થામાં તે બેસી રહ્યો. તેને હવે ઘણુ સારુ લાગી રહ્યુ હતુ. મન ઉપર છવાયેલો બોજો હળવો થયો હતો. એ નશાની અસર હતી કે તેણે જે નિર્ણય કર્યો એની... એ તો અજય પોતે પણ નહોતો જાણતો.
આઘરે લગભગ બે કલાક બાદ એ ત્યાંથી ઉભો થયો. તેનો નશો ઘણો હળવો થઈ ચૂક્યો હતો. વેઈટરને બોલાવી બીલ ચૂકવી તે બહાર નીકળ્યો. અંધારુ થવાને હજુ થોડી વાર હીત છતા રોડ ઉપર આવેલી દુકાનોની નીયોન લાઈટો ધીમે ધીમે ચાલુ થવા લાગી હતી. રસ્તા ઉપર વાહનો કરતા પગપાળા ચાલવા વાળા રાહદારીઓ વધુ હતા. ઘણાખરા ટુરીસ્ટો હતા જે અહી તહી શાંતીથી મહાલી રહ્યા હતા. કોઈ જ દેખીતા કારણ વગર અજય અહી આવ્યો હતો. તેનું આશય થોટુ ટહેલીને મન હળવુ કરવાનું હતુ. તે થયુ પણ ખરુ. તે હવે ઘણુ સારુ મહેસુસ કરી રહ્યો હતો. તેના મનમાં છવાયેલો ઘુઘવાટ હટ્યો હતો. તે કંઈક ચોક્કસ નિર્ણય પર આવ્યો હતો. તે બાર કમ રેસ્ટોરન્ટના દરવાજેથી થોડુ ચાલીને ફુટપાથ પર આવ્યો. તે રસ્તો ક્રોસ કરીને સામેની બાજુ જવા માંગતો હતો કે જેથી એ બાજુથી રીક્ષા કરીને ‘‘બ્લ્યુ હેવન’’ પહોંચી શકે. ‘‘બ્લ્યુ હેવન’’ પહોંચ્યા બાદ તે પોતાના નિર્ણયને અમલમાં મુકવા માંગતો હતો. તે નહોતો ઈચ્છતો કે તેના નિર્ણયનું જે પરીણામ આવે તેના છાંટા પ્રેમ અને સુસ્મીતા પર ઉડે. તેના માટે એ જ બહેતર હતુ કે તે આજ સાંજ અથવા કાલ સવારે ‘‘બ્લ્યુ હેવન’’ છોડીને પોતાની રીતે અલગ વ્યવસ્થા કરી લે... તેણે પ્રેમનો આભાર પણ માનવાનો હતો. સાવ અજનબી હોવા છતા પ્રેમે તેની જે મદદ કરી હતી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી. જો અચાનક પ્રેમ ત્યાં આવી ન પહોંચ્યો હોત તો હજુ પણ તે પેલા અપહરણકારોના સકંજામાં જ ફસાયેલો હોત. પ્રેમે તેના ઉપર જીંદગીભર ન ભુલાય એવો ઉપકાર કર્યો હતો... એકધારુ વિચારતો તે રીક્ષાસ્ટેન્ડ સુધી આવી પહોંચ્યો. ત્યાં ચાર-પાંચ રીક્ષાઓ પાર્ક થયેલી હતી. છેલ્લે જે રીક્ષા ઉભી હતી એ તરફ તે ચાલ્યો... કે... અચાનક...
‘‘હેલ્લો મિસ્ટર... એક મીનીટ... તેની પીઠ પાછળ એક રણકતો અવાજ સંભળાયો તે પાછળ ફર્યો. થોડી દુરથી એક સુંદર યુવતી ઝડપી ચાલે તેની તરફ આવી રહી હતી. તેણે જ અજયને સાદ પાડીને ઉભો રાખ્યો હતો. વીસ-બાવીસ વર્ષની એ યુવતી ખૂબસુરત હતી તેણે ખૂબજ ટૂંકા કહી શકાય એવા કપડા પહેર્યા હતા. સ્લીવ લેસ ઓપન ગળાના ચૂસ્ત ફીટીંગ ટી-શર્ટમાં તેના શરીરના ઉભારો સ્પષ્ટ વર્તાતા હતા. બ્લયુ કલરની જીન્સના શોર્ટ અને રેડ કલરના ટી-શર્ટમાં તે કામણગારી લાગતી હતી. શોટ્ર્સ પર મોટા ગર્ડલવાળો બેલ્ટ બાંધેલો હતો. અજયે એક નજરમાં એ યુવતીને આવરી લીધી. ઉતાવળી ચાલે તો અજયની નજીક આવીને ઉભી રહી. તે કદાચ ખૂબ ઝડપથી ચાલી હશે એટલે તેનો સીનો શ્વાસોશ્વાસની તાજ ગતીના લયમાં ઉછળી રહ્યો હતો. તેના એક હાથમાં કઈક કાગળ હતો. કદાચ તે કવર હતુ. એ તેણે અજય તરફ લંબાવ્યુ.’’
‘‘આ કવર પેલા ભાઈએ તમને આપવા કહ્યું છે...’’ તેણે રોડની પેલી તરફ હાથ લંબાવીને ઈશારો કર્યો. ‘‘અરે... ક્યાં ગયા એ ભાઈ...? મને કહે કે મારાથી ચાલી નથી શકાતુ એટલે આ કવર તમારી સુધી પહોંચાડી દઉ... અને જુઓને... આટલીવારમાં તો એ ભાઈ ક્યાંક ચાલ્યા પણ ગયા.’’ એ ખુબસુરત યુવતીના ગોરા ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયુ. તેનો કવરવાળો હાથ હજુ અજય તરફ લંબાયેલો જ હતો.
‘‘જુઓ મીસ... આ શહેરમાં હું અજાણ્યો છુ. એટલે આ કવર મારા માટે નહિ હોય. કદાચ બીજા કોઈને તેણે આપવા કહ્યુ હશે...’’
‘‘નહિ, એમણે સ્પષ્ટ તમારી તરફ જ ઈશારો કર્યો હતો. એટલે તો મે આ કવર લીધુ. નહિતર થોડી હુ તમારી પાછળ આવુ...’’ કંઈક વ્યગ્ર અવાજે યુવતીએ કહ્યુ.
અજયને પણ આશ્ચર્ય થયુ એક અજાણ્યા શહેરમાં એક અજાણી ખુબસુરત યૌવના તેને એક કવર આપી રહી હતી અને એ કવર આ યુવતીને આપવાવાળો કોણ હતુ એ તે યુવતી પણ નહોતી જાણતી. ખેર... જોઈ તો લઈએ કે ખરેખર આ કવર તેના માટે જ છે કે પછી ભુલથી તેને મળી રહ્યુ છે. એવું વિચારીને અજયે કવર લીધુ અને ખોલ્યુ... અંદર એક ગડીવાળીને કાગળ મુકેલો હતો એ અજયે બહાર કાઢ્યો. ગડી ખોલીને એ વાંચવા લાગ્યો... અને... તેની ભ્રકુટીઓ તંગ થઈ... જાણે એ કવરમાં વીંછી હોય એમ તેને ઝટકો વાગ્યો... આશ્ચર્ય અને અવિશ્વાસથી તેણે ફરીથી એ કાગળ વાંચ્યો... તેના મનમાં એક જોરદાર વાવાઝોડુ ફુંકાયુ. તે ખળભળી ઉઠ્યો. આશ્ચર્યથી તેનું મોં ખુલ્લુ રહી ગયુ. તેની આંખોમાં રતાશ છવાણી... એક જ લીટીના લખાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય અને તે હવામાં ફંગોળાયો હોય એવુ તેને મહેસુસ થયુ... પેલી યુવતીતો અજયની હાલત જોઈને ડઘાઈ જ ગઈ. તે હળવેક રહીને ત્યાંથી સરકી ગઈ.
અજય હજુ પણ સાવ દિશાશુન્ય અવસ્થામાં ત્યાં જ ઉભો હતો. જાણે કે કોઈએ વિજળીનો જોરદાર ઝટકો આપ્યો હોય અને તે મડદુ બની ગયો હોય. એ કાગળ તેના હાથમાં જ લટકી રહ્યો હતો.
***