નસીબ - પ્રકરણ - 5 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ - પ્રકરણ - 5

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ -

‘‘હે ભગવાન પ્રેમ... તને આ શું થયું...?’’ પ્રેમને જોતા જ સુસ્મીતાનું એ પહેલુ રીએક્શન હતુ. તેની ભુખરી આંખોમાં આશ્ચર્ય ઉભરી આવ્યુ. પ્રેમ અને અજય લીફ્ટમાં દાખલ થયા ત્યાં સુધીમાં નીચે રીશેપ્શન એરીયામાં ઉભેલા તમામ વ્યક્તિઓના ચહેરા પર આજ સવાલ રમતો હતો. એટલે જ પ્રેમ ઝડપથી અજયનો હાથ ખેંચીને લીફ્ટમાં દાખલ થઈ ગયો હતો. જુલી, વંદના અને પીન્ટો તો પ્રેમને સુપેરે ઓળખતા હતા એટલે તેમને સૌથી વધારે આશ્ચર્ય થયુ તુ અને પ્રેમની સાથે ચાલતા વ્યક્તિને જોઈને તેઓનું આશ્ચર્ય બેવડાઈ ગયુ હતુ. પ્રેમ અત્યારે કોઈના સવાલોના જવાબ આપવા માંગતો નહોતો કારણ કે તેને ખુદને પણ ઘણા સવાલો અજયને પુછવાના હતા. છતા જ્યારે એ લોકો ત્રીજા માળે સુસ્મીતાના સ્યુટ પાસે પહોંચીને બેલ માર્યો ત્યારે સુસ્મીતાએ દરવાજો ખોલીને સૌ-પ્રથમ એ જ સવાલ પુછ્યો જેનો જવાબ પ્રેમ પાસે નહોતો.

‘‘અરે યાર... પહેલા અંદર તો આવવા દે, પ્રશ્ન પછી પુછ તો કદાચ મને જવાબ યાદ આવે કે મને થયુ છે શું...? આમ દરવાજે તો અજનબીને પ્રશ્નો પુછાય...’’

‘‘ઓહ સોરી...’’ કહીને સુસ્મીતાએ જગ્યા કરી. પ્રેમ અને અજય સ્યુટમાં દાખલ થયા. સુસ્મીતા અજયને જોઈ રહી. પ્રેમ સાથે આ કોણ છે ? કદાચ આ જ તો પેલો મહેમાન નથીને જેના વીશે ફોન પર પ્રેમે કહ્યુ હતુ... આના કપડા જોઈને લાગતુ તો નથી આવુ વિચારતી સુસ્મીતા અજયને એકીટશે નિહારી રહી.

‘‘ઓહ...વેલ... આ છે અજય...અજય જોષી... માય ફ્રેન્ડ...’’ સુસ્મીતા અજયને ધ્યાન પુર્વક જોઈ રહી હતી એ જોઈને પ્રેમે અજયનો પરીચય કરાવ્યો.

‘‘યોર...ફ્રેન્ડ...?’’

‘‘હા, આજે હમણા થોડીવાર પહેલા જ મળ્યા અને મિત્રો બની ગયા. હવે પ્લીઝ... વધુ પ્રશ્નો ન પુછતી કે કેવી રીતે મળ્યા...? ક્યાં મળ્યા...? વગેરે...વગેરે... તમામ જવાબો થોડીવાર બાદ. સૌ-પ્રથમ તો અમારા બન્ને માટે નહાવાની વ્યવસ્થા કરાવી દે જેથી થોડા ફ્રેશ થવાય...’’ પ્રેમે સુસ્મીતાના ભવ્ય બેડ પર બેસતા કહ્યું. અજય ત્યાં જ થોડો સંકોચવશ ઉભો રહ્યો.

‘‘ઓ.કે.... એઝ યુ વિશ...’’ ખભા ઉછાળીને કંઈક અલગ રીતે મો બનાવતા સુસ્મીતાએ નીચે રીશેપ્શન પર જુલીને ફોન કરી ત્રીજા માળે જ તેની બાજુનો સ્યુટ જે ખાલી હતો તેની ચાવી મંગાવી એ સ્યુટમાં બધી વ્યવસ્થાઓ જલદીથી ગોઠવાઈ જાય એવી સુચનાઓ આપી.

‘‘તમે લોકો નહીને ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું જમવાની વ્યવસ્થા કરાવુ છું...’’

‘‘ધેટ્‌સ ગ્રેટ... થેંક્સ સ્વીટહાર્ટ...’’ પ્રેમે અજયનો હાથ ખેંચ્યો. ચાવી લઈને તેઓ બાજુના સ્યૂટમાં દાખલ થયા. અજય હજુ સુધી કંઈ જ બોલ્યો નહોતો. તે સાવ ખામોશ હતો. તે શાંતીથી જે બની રહ્યુ હતુ તેના વિશે વિચારવા માંગતો હતો. તેને એટલી તો સમજમાં આવ્યુ હતુ કે જ્યાં સુધી તે પોતાના વિતી ચૂકેલા પાછલા વર્ષોનું સરવૈયુ નહિ કાઢે ત્યાં સુધી આગળની જીંદગી શાંતીથી જીવી શકશે નહિ. તેને એ પણ સમજાયુ હતુ કે જે નિરાંતની, શાંતીની તેને જરૂર હતી એ અહી ‘‘બ્લ્યૂ હેવન’’ તેને સાંપડશે. અહી આ લોકો માટે તે અજાણ્યો હતો અને પ્રેમ કે જેણે તેને કિડનેપરના હાથમાંથી છોડાવ્યો હતો પોતાનો ભુતકાળ નહોતો જાણતો એટલે જ અજયે ચૂપ રહેવાનું નક્કી કર્યું. એકવાર તે આ સ્થિતિની સમીક્ષા કરી લે ત્યારબાદ જ તે બહાર પડવા માંગતો હતો અને પછી જે લોકોએ તેને ડ્રગ્સ અને જાલીનોટોના કેસમાં ફસાવ્યો હતો અને જે લોકોએ તેની પ્રીયતમા તુલસીનું મોત નિપજાવ્યુ હતુ એ લોકોને શોધીને નશ્યત કરવા માંગતો હતો. અજયને એક વાતની તો ખાત્રી થઈ ચૂકી હતી કે તેણે એ લોકોને શોધવા બહુ મહેનત નહિ કરવી પડે. એ ગુનેગારો જ તેને સામેથી શોધતા આવશે. અને એ વાતની સાબીતી જેલમાંથી બહાર નીકળતા જ તેનું અપહરણ કરવામાં આવ્યુ એ સ્વરૂપે તેને મળી હતી.

દોલુભાએ જીપ સરકારી ગેસ્ટહાઉસના કંપાઉન્ડમાં વાળી, બ્રેક મારી અને ઉભી રાખી. ઘણા વર્ષો બાદ આજે સવારે ફરીથી તેના ઉપર એક ફોન આવ્યો. જેના અનુસંધાનમાં તે અત્યારે મીઠાપુરના આ સરકારી ગેસ્ટ હાઉસમાં ઘસી આવ્યો હતો. એક નાનકડા એવા કામના જો પાંચ લાખ રૂપિયા મળતા હોય તો એ કામ હાથમાંથી જવા દે એ મુરખ જ ગણાય અને દોલુભા એવો મુર્ખ માણસ નહોતો. સૌથી મહત્વની વાત તો એ હતી કે પાંચ લાખ રૂપિયા તેને સાત વર્ષ પહેલા મળવાના હતા હવે તો એ જ કામના તે દસ લાખ રૂપિયા માંગવાનો હતો. દોલુભા બરાબર જાણતો હતો કે તેની દસ લાખની માંગણી સંતોષવા સિવાય એ વ્યક્તિનો છુટકારો જ નહોતો કારણ કે આવુ ખતરનાક કામ કરવા માટેની માસ્ટરી બહુ ઓછા વ્યક્તિઓ પાસે હતી. અને એ તમામ વ્યક્તિઓમાં દોલુભા અને તેના માણસો અવ્વલનંબરના ખેલાડીઓ હતા.

કામ શું હતુ...? કંઈ જ નહિં... મધદરીયે થોડી પેટીઓની હેરફેર જ કરવાની હતી. એક હોડકામાંથી થોડી પેટીઓ ઉંચકીને તેને પોતાની બોટમાં લેવાની હતી અને તે પેટીઓ સુરતના દરીયાકિનારે જે જગ્યા નક્કી થાય ત્યાં ડીલીવર કરવાની હતી. આ સાવ નાનકડા કામના બદલામાં દસ લાખ જેવી માતબર રકમ તેણે ઉસેટી લેવાની હતી.

જો કે દોલુભા કંઈ નાનો કિકલો નહોતો. જમાનાનો ખાધેલ ખુર્રાટ માણસ હતો. તેની પોતાની માલીકીની પંદર બોટો કાયમી ગુજરાતનો દરીયા કિનારો ખુંદતી... મુળે તો માછીમારીનો તેનો વ્યવસાય. પરંતુ ક્યારેક તે નાના મોટા કે જેને કાયદાની ભાષામાં ગેરકાનુની કહી શકાય એવા કામો પણ તે કરી લેતો. એવી જ રીતે ધીરે ધીરે કરતા તે પંદર બોટોનો માલિક બની બેઠો હતો. એક જીપ ગાડી પણ હમણા જ તેણે ખરીદી હતી. દોલુભા બરાબર સમજતો હતો કે જે પીટીઓ તેણે સુરત પહોંચાડવાનું કન્સાયમેન્ટ સ્વીકાર્યું હતુ એ પેટીઓમાં કંઈ ફુલ-પાંદડીઓ તો ભરેલા નહિ જ હોય. તેમાં ચોક્કસ બે-નંબરી માલ જ હોવાનો... અને તેને આ કામ કરવામાં રહેલા ખતરાનો પણ અંદાજ હતો જ. તેમાંય જ્યારથી મુંબઈવાળી ઘટના બની અને જે રીતે આતંકવાદીઓ દરીયાના રસ્તેથી બોટ દ્વારા મુંબઈમાં ઘૂસ્યા અને ત્યારબાદ જે આતંક વર્તાવ્યો હતો એ ઘટના બાદ ઈન્ડીયન નેવી ડિપાર્ટમેન્ટ ઘણો જ સતર્ક બની ગયો હતો. બીજી વાર આવી ઘટના ન બને એની તકેદારી રૂપે ફક્ત ગુજરાત જ નહિ દેશને આવરી લેતા સમગ્ર દરીયા કિનારે સઘન ચેકિંગ અને ઘનિષ્ટ પેટ્રોલીંગ ચાલુ થઈ ગયા હતા. આ બાબતનો અણસાર દોલુભાને હતો જ. એટલે તેણે એક વાત નક્કી કરી હતી કે આ વખતે એ પેટીઓમાં શું માલ હશે તે એ ચોખવટથી પુછી લેશે... જેથી તેને કામ કેવીરીતે પાર પાડવું તેની સમજણ પડે.

‘‘એ...રામ રામ દરબાર...’’ દોલુભાએ બે હાથ ભેગા કરીને સોફા પર બેઠેલા હિંમતસિંહ દરબારને રામ-રામ કર્યા.

‘‘રામ રામ દોલુભા... આવો...’’ હિંમતસીંહ દરાબરે પ્રત્યુત્તર આપ્યો. દોલુભા બરાબર તેની બાજુના સોફામાં ગોઠવાયા. આ હિંમતસિંહ દરાબર પણ કંઈ ઓછી માયા નહોતો. તેની ક્રાઈમકુંડળી ઉકેલીએ તો એક આખી અલગ નોટબુક ભરાઈ જાય. પરંતુ એ વાત પછી... હિંમતસિંહ ‘‘દરબાર’’ના ઉપનામે કુખ્યાત હતો. તે ‘‘દરબાર ટ્રાન્સપોર્ટ’’ના નામે એક ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતો હતો. દોલુભા જે પેટીઓ સુરતના દરીયાકિનારે ઉતારવાનો હતો તેની ડિલીવરી આ હિંમતસીંહને લેવાની હતી. એ પેટીઓ તેણે પોતાના ટ્રકમાં ભરીને નક્કી કરેલા ગંતવ્ય સ્થાને પહોંચાડવાની હતી.

‘‘દરબાર...ઘણા દિવસે યાદ કર્યા...?’’

‘‘હા દોલુભા... ઉપરથી નક્કી થાય એ પછી જ કામ આગળ વધેને...’’

‘‘આ વખતે તો પહેલા જેવુ નહિ થાયને...?’’ દોલુભાએ સાત વર્ષ પહેલા કેન્સલ થયેલા આ જ સોદા અંગે પુછ્યુ.

‘‘અરે નહિ ભા... તમને તો ખબર છે ને કે સાત વર્ષ પહેલા આપણે આ જ કન્સાઈનમેન્ટ પુરુ કરવાનું હતુ અને ત્યારે એ શા-માટે કેન્સલ રહ્યું હતું ? જો પેલો મોહનબાબુ આડો ન ફાટ્યો હોત તો આ નોબત ન આવી હોત. તેને આ બાબતની માહિતી મળી અને આપણો ખેલ ચોપટ થઈ ગયો. જો કે તેને પણ એની ભારે મોટી કિંમત ચૂકવવી પડી હતી. તેણે પોતાનો જીવ ખોયો હતો એ તું ક્યાં નથી જાણતો...’’

‘‘હા... જાણુ તો છુ પણ બધુ નહિ. મોહનબાબુનું મોત હાર્ટ-એટેકથી થયુ હતુ એવું સાંભળ્યુ હતુ...’’

‘‘એ એક બહાનુ હતુ. તેનુ મોત કુદરતી નહોતુ. તેનુ ખુન થયુ હતુ... કરવામાં આવ્યુ હતુ.’’

‘‘હં...તો એમ વાત છે... બિચારો...’’

‘‘બિચારો નહિ, બેવકુફ કહે... મનો ખ્યાલ છે ત્યાં સુધી તેને ઘણી મોટી રકમની ઓફર આપવામાં આવી હતી. છતા તે માન્યો નહોતો એટલે તેને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યો... એ દિવસ મોહનબાબુના પરીવાર ઉપર બહુ ઘાતક વીત્યો... તને ખબર છે એ વાતની...?’’

‘‘ના દરબાર... કંઈક ખુલાસો કરો તો મેળ પડે...’’ દોલુભાએ કુતુહલતાથી પુછ્યુ.

‘‘જો સાંભળ... પણ વાત તારા સુધી જ રાખજો... આ વાતનો ખ્યાલ તો મને પણ નહોતો તેમ છતા ખોતરતા-ખોતરતા થોડી માહિતી જો મેળવી હતી... આજે તને કહુ છુ.’’ દરબારે ખોંખારો ખાતા કહ્યુ. દોલુભાને ખરેખર રસ પડી રહ્યો હતો.

‘‘તે દિવસે મોહનબાબુનું બહુ જ સફાઈથી ખુન કરવામાં આવ્યુ હતુ અને તેને સીફતથી કુદરતી મોતનું નામ અપાયુ હતુ... એ જ દિવસે તેનો છોકરો ડ્રગ્સના કૌભાંડમાં પકડાયો. સાથે સાથે એ છોકરાની પ્રેમિકાનું ભયાનક રીતે એક્સીડન્ટમાં મોત નિપજાવવામાં આવ્યુ જેનો ઈલ્જામ એ છોકરા ઉપર આવ્યો... એ બિચારી ફુલ જેવી કોમળ બાળકીનું મોત બહુ ખરાબ રીતે કરવામાં આવ્યુ હતુ એવુ મેં સાંભળ્યુ હતુ...’’ હિંમતસીંહ દરબારે કહ્યુ. એ દરમ્યાન ત્યાનો કર્મચારી ચા લઈને આવ્યો એટલે થોડીવાર માટે વાતોમાં મધ્યાંતર પડ્યુ.

ચા પીવાઈ રહી એટલે કર્મચારી કપ-રકાબી લઈ ગયો ત્યારે વાતનું ફરીથી અનુસંધાન જોડાયુ. દોલુભા સ્તબ્ધ બનીને દરબારની વાત સાંભળી રહ્યો હતો.

‘‘મોહનબાબુના છોકરાનું પછી શું થયું...?’’

‘‘એ જેલમાં છે. કદાચ થોડા વર્ષોમાં છુટી જશે.’’

‘‘કેમ...?’’

‘‘કારણ કે તેના ઉપર ફક્ત જાલીનોટો અને ડ્રગ્સના કેસની જ સુનવાઈ થઈ શકી અને એની તેને સજા મળી. તેની પ્રેમિકાવાળો કેસ ખુબ નબળો હતો એટલે એ કેસમાં તેને કોઈ સજા ન થઈ...’’ દરબારે કહ્યું.

‘‘પરંતુ દરબાર... મને એક વાત નથી સમજાતી... એ પેટીઓમાં શું માલ ભર્યો છે...? એવુ તો મહત્વનું શું છે એમા કે જેને આજે આટલા વર્ષોના વહાણા વીતી ગયા બાદ ફરીથી અહી લાવવાની તજવીજ થઈ રહી છે...?’’ આખરે દોલુભાએ પોતાના મનમાં ઉઠતી ઉત્કંઠાને વાચા આપી. આ પ્રશ્ન તેના મનમાં ક્યારનો ઘોળાતો હતો અને તેનો જવાબ મેળવવો તેના માટે જરૂરી હતો. દોલુભાને એટલી તો સમજ હતી કે એ પટીઓમાં જરૂર કોઈ ખૂબ અગત્યની અને ખતરનાક ચીજો હોવાની... અને એ ચીજોની હેરફેર ફક્ત તેનાથી જ થઈ શકે એમ હશે એટલે જ વિતેલા સાત વર્ષોની અંદર એ કામ બીજા પાસે કરાવવાને બદલે ફરી તેને જ સોંપવામાં આવ્યુ હતુ. અથવાતો સાત વર્ષની અંદર ક્યારેય એ પેટીઓનો ખપ પડ્યો ન હોય... પ્રશ્નો ઘણા હતા જેનો જવાબ દોલુભા મેળવવા માંગતો હતો. ભલે તે કામ ગેરકાનુની કરતો હોય પણ એક વાતનું તે ખાસ ધ્યાન રાખતો કે ક્યારેય તે કે તેના સાથીઓ પકડાઈ ન જાય... પોલીસની ગીરફમાં આવ્યા બાદ પોલીસ ગુનેગારોની શી હાલત કરે છે એ તે બરાબર જાણતો હતો એટલે ખતરો પણ જોઈ સમજીને વિચારીને ઉઠાવતો હતો. જો દોલુભાને સહેજ પણ શંકા હોય કે કામમાં વળતર કરતા ખતરો વધુ છે તો એ પોતાના હાથ તરત જ પાછા ખેંચી લેવામાં પોતાની ભલમનસાઈ સમજતો...

‘‘જુઓ ભા...’’ દરબારે દોલુભાને કહ્યું, ‘‘આ દરીયાની અફાટ અને વિશાળ છાતી ઉપર કંઈ કેટલાય ગુનાઓ બનતા રહે છે. એમના ઘણા કામ તમે ખુદે પાર પાડ્યા છે. તો ક્યારેય નહિને આજે આ સવાલ કેમ પુછવો પડ્યો...?’’ દોલુભાના સાવલે હિંમતસીંહના મોઢામાં થોડી કડવાહટ ભરી દીધી હતી... ‘‘આપણે તો કામ કરીને પૈસા ગણવા સાથે મતલબ છે. ખન-ખન ખણકતા રૂપિયા સામે બધા જ સવાલો નિરર્થક છે.’’

‘‘દરબાર... આ તો મારી પોતાની અંગત જાણ ખાતર તમને પુછ્યુ...’’ દોલુભાએ ખાસીયાણા પાડતા કહ્યું. પોતાના સવાલો ખરેખર નિરર્થક હતા એ દોલુભા પોતે જાણતો જ હતો. અને હિંમતસીંહને તે બરાબર ઓળખતો પણ હતો. તેઓ અત્યારે જે સરકારી ગેસ્ટ હાઉસમાં બેઠા હતા એ ગેસ્ટહાઉસ એના બાપનું જ હોય એમ કાયમ તે અહી જ પડ્યો-પાથર્યો રહેતો હતો. આમ પણ હિંમતસીંહ મીઠાપુરનો સરપંચ હતો. પહેલેથી જ તેની મેલી મથરાવટીને કારણે મીઠાપુર અને તેની આજુ-બાજુના ગામોમાં તેની જબરી ધાક હતી. અને તેમાંય જ્યારથી તેણે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં જંપલાવ્યુ હતુ ત્યારથી તેની પહોંચ અને વસ્તાર દુર દુર સુધી વિસ્તર્યા હતા. તેના ટ્રકોમાં ધમધોકાર ગેરકાનુની માલ સપ્લાઈ થતો જેમાંથી હિંમતસીંહને તકગડી આવક થતી.

‘‘જુઓ ભા... એ પેટીઓમાં શું છે એની તો મને પણ ખબર નથી. એ જાણવાની આપણને જરૂર પણ નથી. આપણેતો એ પેટીઓને તેની મંઝીલે પહોંચાડવાની છે ત્યારબાદ આપણે બન્ને છુટા સમજ્યા ભા...’’ દરબારે કહ્યું.

‘‘ઠીક છે દરબાર... તમે કહો તેમ.’’ દોલુભા પાસે હિંમતસીંહની વાત માનવા સીવાય છુટકો નહોતો. અંધારી આલમના આવા ગોરખધંધાની રીત રસમો તે બરાબર જાણતો હતો. બેઈમાનીના ધંધામાં ઈમાનદારી અને એકબીજા ઉપર વિશ્વાસ એ જ સૌથી મોટુ પરીબળ કામ કરતુ હતુ. કોઈપણ કોન્ટ્રાક્ટ... પછી ભલેને એ હેરાફેરીનો હોય, લુટ માર કે ધાડ પાડવાનો હોય, કોઈનું કાસળ કાઢી નાખવાનું હોય કે પછી આતંક ફેલાવવાનું હોય. આવા તમામ કામોમાં કોન્ટ્રાક્ટ સ્વિકારનારે સામેની પાર્ટી ઉપર વિશ્વાસ રાખીને જ આગળ વધવુ પડતુ હોય છે અને એવી ચોખવટ મેળવવાનો કોઈજ અધીકાર મળતો નહોતો. કામ કયા મકસદથી કરવાનું છે તે પુછવાનો કામ લેનારને કોઈ હક હોતો નથી. તેણે તો પોતાનું કામ પતાવી પેમેન્ટ લઈ ખામોશ થઈ જવાનું રહેતુ... ખાયા-પીયા ઔર ભુલ ગયા જેવી વાત હતી...

પરંતુ આ કિસ્સામાં એવુ નહોતુ બનવાનું દોલુભા અને હિંમતસીંહ દરબારનું નસીબ ક્યારનું એક-બીજા સાથે જોડાઈ ચૂક્યુ હતુ.

***