નસીબ - પ્રકરણ - 13 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ - પ્રકરણ - 13

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૩

સુસ્મીતાએ દરવાજો ખોલ્યો. દરવાજામાં અજય અને સીમા ઉભા હતા. અજય સીધો જ પ્રેમ તરફ ઘસી ગયો. સીમા ધીરા પગલે રૂમમાં દાખલ થઈ. સીમાને જોઈને સુસ્મીતાના દિમાગમાં ઘણા પ્રશ્નો ઉભા થતા હતા છતા તે કંઈ બોલી નહિં.

ઓહ... આઈ એમ સોરી પ્રેમ... આ બધુ મારા લીધે થાય છે... અજયે પ્રેમના ઘાવ તરફ જોતા કહ્યું. તે પ્રેમની આ હાલત માટે પોતાને જવાબદાર માની રહ્યો હતો. તેને પારાવાર અફસોસ થઈ રહ્યો હતો.

ડોન્ટવરી દોસ્ત... આ તો મામુલી ઝખમ છે. સામાન્ય ઉઝરડા પડ્યા છે એમા તારે અફસોસ કરવાની જરૂર નથી. અગત્યનું તો એ છે કે હવે શું કરવું...? આ લોકો કરવા શું ધારે છે એ હજુ સુધી આપણે સમજી શક્યા નથી.

એનો થોડોઘણો સંદેશો છે મને... સીમાએ કહ્યું. પ્રેમે સીમા તરફ જોયું. તેણે આ પહેલા આ યુવતીને ક્યારેય જોઈ નહોતી. લાંબો સોટા જેવો સપ્રમાણ દેહ તેણે પહેરેલો નાઈટ ગાઉનમાંથી ઉજાગર થઈ રહ્યો હતો... હાં તે ઘણી સુંદર હતી. પ્રેમે એક નજરમાં તેને આવરી લીધી. તે જ્યારે નીચે રીશેપ્શનીસ્ટ જુલી પાસેથી ભુપતનો રૂમ નંબર જાણીને અહી ઉપર આ કમરામાં આવ્યો હતો ત્યારે અહી અજબ ટેબ્લો રચાયો હતો... આ ખુબસુરત યુવતી ત્યારે દરવાજો ખોલીને તેની પાછળ ભરાઈ હતી અને ભુપત એની સામે રીવોલ્વર તાકતો દોડ્યો હતો. ત્યારબાદ રૂમમાં જે ઝપાઝપી થઈ એમા આ યુવતીએ ગઝબનો તેનો સાથ નીભાવ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આ છોકરીએ ભારે કુનેહ દાખવી હતી. પરંતુ તે કોણ છે એ હજુ સુધી તેની સમજમાં આવ્યુ નહોતુ... અત્યારે પ્રેમની નજરમાં એ જ સવાલ રમી રહ્યો હતો... અને જાણે સીમાએ પ્રેમની નજરમાં ઉદભવેલા સવાલને વાંચી લીધો હોય એમ સામેથી જ હમણા થોડીવાર પહેલા અજયને પોતાના વીશે જે કહ્યુ હતુ એ તમામ આપવીતી તેણે પ્રેમ અને સુસ્મીતાને કહી સંભળાવી... તેઓ બન્ને હેરતથી એ સાંભળી રહ્યા...

મંગાના મોત વીશે જ્યારે તેમણે સાંભળ્યુ ત્યારે એ બન્નેને ઝડકો લાગ્યો હતો કારણ કે ભુપત ઘાયલ થયો ત્યાં સુધી તો બધુ ઠીક હતુ કારણ કે પ્રેમ એ સુસ્મીતાની લાગવગથી અઓ મામલો સંભાળી શકાય એમ હતો. પરંતુ ખુન કેસમાં તો એ બન્નેના હાથ પણ ટૂંકા પડવાના હતા. ખુનનો મામલો તો સીધો જ પોલીસ કેસ બનતો હતો અને કોઈપણ પોલીસવાળો હોય તે ઝટ દઈને આવા કેસમાં ભીનું સંકેલવાની કોશીષ કરે જ નહિ... આ વાતની ગંભીરતા એ રૂમમાં એકઠા થયેલા તમામ વ્યક્તિઓ સમજતા હતા.

પ્રેમ... ટંડેલને ફોન કરીએ તો કેમ રહે...? એ તારો જુનો દોસ્ત છે... અચાનક સુસ્મીતાને પ્રેમના દોસ્ત પી.આઈ. રઘુવીર ટંડેલની યાદ આવતા કહ્યું. એ જરૂર આપણી મદદ કરી શકશે... સુસ્મીતાની વાત સાંભળી પ્રેમે માથુ ધુણાવ્યું.

નો... નો... નો... મને નથી લાગતુ કે તેનાથી કંઈ થઈ શકે. તારી વાત સાચી છે કે તે આપણને મદદ કરી શકે પણ તે ગુજરાત પોલીસમાં છે. અને અહીં દમણની હદમાં તેની પહોંચ ન હોય એ સ્વાભાવિક છે...

છતા પોલીસ બેડામાં દરેક વ્યક્તિ બીજા સ્ટેટના અથવા બીજા શહેરના પોલીસ અફસરોને ઓળખતા હોય અથવા તો પોતે જાતભાઈને હિસાબે બીજા પાસે પોતાના હોદ્દાની રૂએ કામ કરાવી શકતો હોય એવું બને કે નહિ...? તને તો ખબર જ છે ને આ પોલીસખાતાની રસમો વીશે... ટંડેલ કદાચ અહી જાતે ન આવી શકે તો અહીના પોલીસ સ્ટેશનમાં પોતાની ઓળખાણ ચલાવીને આપણું કામ કરાવી શકે એવું ન બની શકે...?

‘‘હંમમ્‌... પણ મને તે ઠીક નથી લાગતુ. ધાર કે ટંડેલ અહીના પોલીસ સ્ટેશને ફોન કરે અને અહીનો અફસર સીધો ન નીકળ્યો તો...? અને એક શક્યતા એ પણ છે કે જે કામ ટંડેલ કરી શકે એટલી સફાઈથી બીજાથી ન પણ થાય... અને આ તો ખુનનો મામલો છે. જો વાત ચહેરાઈ જાય તો પછી ઘણી મુસીબતો થાય. ખુનમાં વપરાયેલી ગન પણ આપણી પાસે છે અને તેના બે સાથીદારો આપણા વિરૂધ્ધ ગવાહી આપી શકે... નો... નો... ટંડેલને હમણાતો વચ્ચે ન જ નંખાય. બીજુ કંઈક વિચારવુ પડશે...’’ પ્રેમે કહ્યું. તેણે પલંગ ઉપર ઘોરતા વાલજી તરફ જોયુ. અચાનક તેના દિમાગમાં કંઈક સુઝ્‌યુ. તેના ચહેરા પર હળવી મુસ્કુરાહટ ઉપજી. તેણે અજય તરફ જોઈને કહ્યું.

‘‘અજય... તું જરા પેલા જગમાંથી પાણી લાવીને આના મોઢા પર છાંટતો... આપણા માટે એ જાગે તે મહત્વનું છે. આપણા બધામાંથી કોઈના દિમાગમાં આ વાત કેમ ન આવી કે તેઓનો ત્રીજો સાગરીત અહી આપણી પાસે જ પડ્યો છે... આ વ્યક્તિ આપણને જરૂર જણાવી શકશે કે તેઓ શું કરવા ધારતા હતા... અને જો એ વાત આપણે જાણી શકીએ તો... કદાચ... વેલ... આ લોકો જ તેના સાથીદાર મંગાની વ્યવસ્થા કરી નાખે...’’

પ્રેમની વાતમાં દમ હતો. રૂમમાં થયેલી ધમાચકડીમાં વેલજીતો ખરેખર ભુલાઈ જ ગયો હતો. તેની વાત સાચી હતી. અજયે ટીપોઈ ઉપર પડેલો જગ ઉઠાવ્યો અને વેલજીને ચત્તો કરી એના મોઢા ઉપર પાણી છાંટ્યુ... એક... બે... ત્રણ વખત... ચોથી છાલકે વેલજી થોડો સળવળ્યો. તેની આંખોના પોપચા ફરક્યા. તેનું શરીર થોડુક હલ્યુ. અજયે ફરીવાર તેના મોઢા ઉપર પાણી છાંટ્યુ. વેલજી એકધારુ ઘણુ ઘોર્યો હતો. લગભગ પાડાની જેમ એ ચાર-પાંચ કલાકથી સૂતો હતો એટલે અત્યારે તેના મગજમાં છવાયેલો નશો થોડો હળવો પડ્યો હતો. ઉપરથી ચહેરા પર છંટાએલા ઠંડા પાણીના કારણે તેની તંદ્રાવસ્થામાં ખલેલ પહોંચી હતી. તેણે ભારે જહેમતે આંખો ખોલી. તેના મગજમાં હજુ પણ શૂન્યાવકાશ જ છવાયેલો હતો. તે પલંગમાં અધુકડો બેઠો થયો અને બાઘાની જેમ સામેની દિવાલ તરફ તાકી રહ્યો... કદાચ તે ક્યાં હતો અને કઈ સ્થિતિમાં હતો એનો પણ ખ્યાલ તેને આવતો નહોતો. તેનો કાળો, ભારેખમ દેહ એક હાથના ટેકે ખળાઈ રહ્યો હતો. તે હજુ પરેપુરો ભાનમાં આવ્યો નહોતો. અજય તેને ઉભો થતા એની પછી સ્થીતપ્રતની જેમ પલંગમાં અધુકડો બેસી રહેતા જોઈ રહ્યો. તેને ગુસ્સો આવતો હતો. તેણે હાથમાં પકડેલો જગ સીમા તરફ લંબાવ્યો અને જેવો સીમાએ જગ લીધો કે તે વેલજી ઉપર ઘસી ગયો. સાવ અચાનક જ તેણે દાંત ભીંસીને તેનો જમણો હાથ વેલજીના ચહેરા પર ઝીંક્યો... ચટાક... રૂમમાં અવાજ ગુંજી ઉઠ્યો. અજયના ઉંધા હાથની એક જ ઝાપટે વેલજીને પત્તાના મહેલની જેમ ઢેર કરી નાખ્યો. તેનું નીચેનું જડબુ હલી ગયુ અને તેના મોઢામાં લોહીની ખારાશ છવાઈ. રાત્રે ઢીંચેલા દારૂનો નશો પળવારમાં ઉડન છૂ થઈ ગયો. તે સાવ ઓચીંતા થયેલા વારના કારણે લથડ્યો અને પલંગમાં ફેલાઈ ગયો. રૂમમાં થોડી સકેન્ડો માટે સ્તબ્ધતા ફરી વળી. ત્યાં ઉભેલી એકપણ વ્યક્તિને જરા સરખો પણ અંદેશો નહોતો કે અજય આવુ કંઈક કરશે. અજયે વેલજીનો કાંઠલો પકડીને તેને બેઠો કર્યો. તેની એક જ થપ્પડથી વેલજીનો હોઠ ચીરાયો હતો અને હોઠના ખૂણેથી લોહી નીકળવા લાગ્યુ હતુ. વેલજી હજુપણ સમજી નહોતો શક્યો કે પોતે ક્યાં છે અને તેની સામે ઉભેલી વ્યક્તિઓ કોણ છે...? અને આ અજાણ્યો શખ્સ તેને શું કામ મારે છે...? તેણે રૂમમાં નજર ઘુમાવી...ના આ રૂમ તો પોતાનો જ છે.... તો પછી ભુપત અને મંગો ક્યાં...? બે-પાંચ મીનીટ તે એમ જ અજયના હાથમાં ખલાઈ રહ્યો. તેનો નશો ઉભરી ચૂક્યો હતો... વેલજી પણ જમાનાનો ખાધેલ ખૂર્રાટ અને રીઢો ગુનેગાર હતો. એટલે તેને આટલું તો સમજાયું હતું કે અહીં જરૂર કંઈક ગરબડ થઈ ચૂકી છે નહિતર ભુપત કે મંગો જરૂર અહીં હાજર હોત. તેણે પોતાના ઉપર હાથ ઉઠાવનાર અજય તરફ નજર માંડી અને હોઠના ખૂણે આવેલા લોહીને આંગળીઓથી લુછ્યુ... તેની આંખોમાં લોહી તરી આવ્યુ અને તે ખુન્નસથી અજયને જોઈ રહ્યો અને બોલ્યો...

તું જે પણ હોય તે... મારી ઉપર હાથ ઉપાડનાર હજુસુધી કોઈ પેદા નથી થયો... હવે જો તે એકપણ હરકત કરી છે તો હું તને... પણ વેલજી તેનું વાક્ય પુરુ કરી શક્યો નહિં. અજયને તેના પર કાળ તો ચડ્યો જ હતો એમા જ્યારે તેણે ધમકી ભર્યા સ્વરે અજયને ચેતવણી આપવાની કોશીષ કરી એમા તેનો પીત્તો છટક્યો. તેણે વેલજીનો કોલર છોડ્યો અને તેના ગઠ્ઠાદાર વાળ હાથમાં પકડીને જમણા હાથનો એક જોરદાર મુક્કો તેના જડબા પર ઠોક્યો... અજયના ખુદના હાથમાં તમરા બોલી ગયા અને વેલજી ફરીપાછો પલંગ પર ઝીંકાયો... તેના હાથમાં વેલજીના વાળનો ગુચ્છો ખેંચાઈ આવ્યો... અને... અજયને જાણે પોતાના પિતાના ખુનનો, પોતાને થયેલી જેલનો, તુલસીના મોતનો બદલો વાળતો હોય એમ રીતસરનો વેલજી પર તુટી પડ્યો. વેલજીના શરીરના કયા-કયા ભાગો પર અજયના હાથના વાર થતા હતા એ તો ત્યાં ઉપસ્થીત હતા એ લોકો પણ સમજી નહોતા શકતા. ભયાનક રોષથી તેના રોમ-રોમમાં એક અજીબસી તાકાત પેદા થઈ હતી અને તે કોઈ પાગલની જેમ વેલજીના શરીર ઉપર આડેધડ હાથ-પગ વીંઝી રહ્યો હતો... વેલજી ચીખી ઉઠ્યો હતો અને બ્લ્યુ હેવનના એ કમરામાં ફરી પાછુ ધમાસણ મયુ હતુ... સીમા અને સુસ્મીતા અજયને આવા રૂપમાં જોઈને ગભરાઈ ઉઠ્યા હતા. ઘણીવાર પછી એ બન્નેને ભાન થયુ હતુ કે અજયને રોકવો જોઈએ. તેઓ અજય તરફ ઘસી ગયા... તેમને અજયના દેદાર જોતા બીક લાગતી હતી કે ક્યાંક તે વેલજીને મારી ન નાંખે... નહિતર વળી પાછી કોઈ નવી મુસીબત ઉભી થાશે. પણ... અજયને રોકવો તે બન્નેના હાથની વાત નહોતી એટલે સુસ્મીતાએ બરાડીને પ્રેમને કહ્યું... પ્રેમ હવે સ્વસ્થ હતો, તેણે ક્યારનું શર્ટ પહેરી લીધુ હતુ અને તે કંઈક વિચિત્ર આનંદ પામતો વેલજીને માર ખાતો જોઈ રહ્યો હતો.

પ્રેમ... અજયને રોક પ્લીઝ... માય ગોડ... તું નફ્ફટની જેમ હસવાનું બંધ કર અને આને રોક નહિતર એ આદમી ગુજરી જશે... સુસ્મીતાએ રોષ ભર્યા અવાજે પ્રેમને જોઈને કહ્યું.

અજય... માર સાલાને... એ હરામખોર એ જ લાયક છે... પ્રેમે ચિલ્લાઈને અજયને વધુ ઝનુન ચડાવ્યું. ‘પ્રેમ...’ સુસ્મિતાએ રાડ નાખી અને તે પ્રેમ તરફ ધસી. ‘તું પાગલ છે... એકદમ પાગલ... તને કોઈ વાત સમજાતી કેમ નથી...? તે મરી જશે... પ્લીઝ સ્ટોપ અજય...’ તેણે પ્રેમના હાથ પકડીને હચમચાવતાં કહ્યું.

‘ઓ.કે... ઓ.કે... આટલું બધું ચિલ્લાવાની જરૂર નથી. એ આદમી એના કર્યાની સજા ભોગવી રહ્યો છે...’ કહીને તે અજય તરફ ધસ્યો અને પલંગ પર ચડીને તેને કમરેથી પકડ્યો... ‘કમ ડાઉન અજય... કમ ડાઉન... છોડી દે તેને... તે બેહોશ થઈ ગયો છે...’ પરંતુ પ્રેમના હાથમાંથી છટકીને અજયે ફરી પાછી એક લાત વેલજીની પીઠ પર ઠોકી. પ્રેમે ફરી વાર અજયને પકડ્યો.

‘જો તું એને મારી નાખીશ તો આપણે ક્યારેય નહીં જાણી શકીએ કે તે કોણ છે...? તારાપિતાજીના ખૂનનું રાઝ... રાઝ જ રહેશે. માટે છોડી દે તેને...’ કહીને પ્રેમે તેને પલંગ નીચે ઉતાર્યો. ભયાનક ગુસ્સાથી ધ્રુજતા અજયને પણ પ્રેમની વાત સમજાતી હતી એટલે તે શાંત પડ્યો અને ત્યાં મુકાયેલી ખુરશીમાં બેસી ગયો. તેનું આખું શરીર રીતસરનું ધ્રુજી રહ્યું હતું. તેને ખુદને આશ્ચર્ય થતું હતું કે તે કોઈને મારી પણ શકે છે... સીમાએ ત્યાં ટીપોઈ ઉપર મુકેલા જગમાંથી પાણી ગ્લાસમાં ભર્યું અને અજયને આપ્યું. અજય એક જ ઘુંટડે આખો ગ્લાસ પાણી પી ગયો અને આંખો મીંચીને બેસી રહ્યો. સીમા તેની પીઠ પાછળ હાથ પસવારવા લાગી... જે બેરહમીથી અજયે વેલજીને માર્યો હતો એ જોઈને તેને પણ પ્રેમની જેમ જ આનંદ થયો હતો. ડબલબેડના વિશાળ પલંગ ઉપર ફાટી ગયેલા ગાદલા વચ્ચે ફસડાઈને બેહોશ થઈ ગયેલા વેલજીને જોઈને સીમાની આંખોમાં એક અજબ ચમક ઉભરી આવી હતી. જાણે કોઈએ તેના સળગતા જીગર ઉપર મલમપટ્ટો કર્યો હોય એવી રાહત તેણે અનુભવી હતી.

‘તમે લોકો ખરેખર જંગલી છો... કોઈ માણસને આટલી બેરહમીથી મરાતો હશે... જો એ મરી ગયો હોત તો...? ક્રોધની પણ હદ હોવી જોઈએ... આ તો નરી જંગલીયત છે...’ સુસ્મિતાએ કહ્યું. તેણે પોતાના જીવનમાં ક્યારેય આવું દૃશ્ય જોયું નહોતું. તેના માટે આ ઘટના ક્રૂરતાની સીમા સમાન હતી. તે હંમેશાં સુંવાળપમાં જ રહી હતી એટલે વેલજીની હાલત જોઈને તેની છાતીના ધબકારા વધી ગયા હતા. ડર અને ક્રોધના કારણે તેની ખૂબસુરત લાંબી આંખોમાં લાલાશ તરી આવી હતી.

‘તો...? તારું કહેવાનું એમ છે કે કોઈપણ માણસને મારવો હોયતો તેને શાંતિથી પાસે બેસાડીને ધીમે ધીમે મારવો જોઈએ...?’ પ્રેમે વ્યંગપૂર્વક સુસ્મિતાને કહ્યું. જોકે આવું કહેતાં તેને દુઃખ જરૂર થતું હતું. તે સુસ્મિતાના ગુસ્સાથીતપેલા લાલચોળ ચહેરાને જોઈ રહ્યો. તેને આવા સંજોગોમાં પણ પ્યાર ઉભરાઈ આવ્યો, પણ તેણે પોતાના સંવેગો ઉપર કાબૂ રાખ્યો. ‘સુમી... તેં હજુ દુનિયા જોઈ નથી. આ સામે પલંગમાં જે પડ્યો છે તેણે કેટલાય માણસોના કલેજા ક્રૂરતાથી કાઢી લીધા હશે. કેટલાય લોકોના ખૂનથી એના હાથ રંગાયેલા છે... અને જો તું એકલી તેની ગિરફ્તમાં ક્યાંક ફસાણી હોત તો પછી તેણે તારી શી હાલત કરી હોત એ મારે તને સમજાવવાની જરૂર નથી... આવા હરામખોરો માટે તો મોત પણ ઓછી સજા ગણાય....’ પ્રેમે કહ્યું. સુસ્મિતા લાચારી અનુભવતી તેની સામે જોઈ રહી. તેને પ્રેમની વાત સમજાતી તો હતી પણ અહીં જે ઘટનાઓ બની રહી હતી એનો ડર પણ લાગતો હતો. ખૂબ ટૂંકા ગાળામાં તે ઘણા બધા ભયાનક બનાવોની સાક્ષી બની હતી એટલે તેનું કોમળ હૃદય હેબતાઈ ગયું હતું.

‘ઓ.કે... આપણે આ વિષય પર ચર્ચાઓ પછી કરીશું, પરંતુ હવે આગળ શું કરવું તે વિચારવું રહ્યું.’ સીમાએ કહ્યું. ‘મને જેટલી જાણકારી છે એ મુજબ અજયના પિતાજીનું ખૂન ભુપતે કર્યું હતું અને જે ટ્રકની અડફેટે તુલસીનો જીવ ગયો એ ટ્રક મંગો ચલાવતો હતો... અને આ વેલજી પણ ક્યાંક તેમાં સામેલ હતો... સૌથી મહત્ત્વપૂર્ણ અને હેરતની વાત એ છે કે આ ત્રણેયનો દોરીસંચાર આપણા રાજ્યના ગૃહમંત્રી વિમલરાય કરતા હતા... વીતી ગયેલા પાછલા વર્ષોમાં મેં એટલી માહિતી એકત્ર કરી લીધી છે કે આ તમામ લોકોએ ભેગાં મળીને કંઈક ભયંકર કાવતરું રચ્યું હતું, જેમાં કદાચ મોહનબાબુ અને અજય આડખીલીરૂપ બન્યા હશે એટલે એમને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા... અને હા, આ સિવાય પણ બીજા ઘણા માણસો આ કાવતરામાં સંડોવાયેલા છે. કોઈક મેજર...’ સીમાના જહેનમાં નામ યાદ ન આવ્યું એટલે તે અટકી. તે મગજ પર જોર દઈને વિચારવા લાગી.

‘મેજર આર. કે. ખન્ના....’ પ્રેમે ધડાકો કર્યો. સુસ્મિતા અને અજય આશ્ચર્યથી પ્રેમને જોઈ રહ્યા. સૌથી વધુ આશ્ચર્ય સીમાને પ્રેમના મોઢેથી આર. કે. ખન્નાનું નામ સાંભળીને થયું. તેણે જે માહિતી મેળવી હતી તેમાં કોઈ લશ્કરનો કર્નલ કે મેજર કક્ષાનો આદમી પણ સંડોવાયેલો હતો, અને તેનું નામ આર. કે. ખન્ના કે આર. કે. શર્મા એવું કંઈક હતું.

‘આમ હેરતથી મારી સામે જોવાની જરૂર નથી... આ નામ મેં હજુ હમણા, સાંજે નીચે રિસેપ્શન કાઉન્ટર પરથી, જુલી પાસેથી જાણ્યું છે...’ પ્રેમે કહ્યું. છતાં જાણે કોઈને તેના પર વિશ્વાસ ન આવતો હોય એમ તેને તાકી રહ્યા.

‘અચ્છા... ઓ.કે... હું તમને વિગતે કહું છું. પરંતુ સૌથી પહેલા આને ભાનમાં લાવીએ, જેથી તે હોશમાં આવીને આપણને કંઈક જણાવી શકે...’ કહીને પ્રેમે પોતાનો મોબાઈલ કાઢ્યો અને સુસ્મિતા સામે લંબાવી અર્થસભર નજરે તેની સામે જોયું. સુસ્મિતા એ નજરમાં રહેલા ભાવો સમજી... તેણે તરત ફોન લઈને ડૉ. પ્રિતમસિંહનો નંબર ડાયલ કર્યો. તેને ખબર હતી કે ડૉક્ટર ભડક્યા વગર રહેવાના નથી... થયું પણ એમ જ... જેવો ડૉક્ટરે ફોન ઉપાડ્યો એ સાથએ જ તેણે સુસ્મિતાને ખરી-ખોટી સુનાવવાની શરૂ કરી દીધી, પણ સામે સુસ્મિતા પણ ક્યાં ઓછી હતી.

‘સૉરી ડૉક્ટર... મને ખબર છે કે હું તમને ડિસ્ટર્બ કરી રહી છું પણ શું થાય ? તમારે અર્જન્ટ અહીં આવવું પડે એમ છે... હા...હા... ઠીક છે... તમે આવો પછી હું તમને કહીશ.... હા... ઓ.કે....’ સુસ્મિતાએ ફોન મુક્યો. ભારે સમજાવટ બાદ ડૉક્ટર આવવા રાજી થયા હતા એ રાહતની વાત હતી.

‘તે આવે છે...’ રાહતનો શ્વાસ છોડતાં સુસ્મિતાએ કહ્યું. તેણે ફોન પ્રેમ તરફ લંબાવ્યો... ‘હા... હવે તું કહે...?’ પછી પ્રશ્નાર્થ નજરે તેની સામે જોઈને તે પ્રેમની સામે બેસી ગઈ. પ્રેમને સુસ્મિતાની નજરોમાં રહેલો મતલબ સમજાયો, એટલે તેણે વાતનું અનુસંધાન જોડ્યું.

‘તને યાદ છે, સાંજે આપણે જમીને તારા સ્યૂટમાં આવ્યા, ત્યાર પછી થોડી વાર માટે હું નીચે ગયો હતો...? નીચે હું રિસેપ્શન કાઉન્ટરે જુલી પાસે ગયો હતો. તેની પાસેથી મેં આજે અહીં આવ્યા હતા એ તમામ ગેસ્ટનું લીસ્ટ માગ્યું હતું... અને, તું બીજો પ્રશ્ન પૂછે એ પહેલાં તને એ પણ જણાવી દઉં કે... આપણે જમતા હતા ત્યારે આ અજય અચાનક ઊભો થઈને ટૉઇલેટ બ્લોકમાં ગયો હતો એ વાત મને થોડી અજુગતી લાગી હતી એટલે મેં હૉલમાં નજર ફેરવી હતી... ત્યારે હું પણ ચોંક્યો હતો કારણ કે જે માણસોના સકંજામાંથી હું અજયને છોડાવી લાવ્યો હતો એ લોકો ત્યારે નીચે રેસ્ટોરન્ટમાં લહેજતથી જમી રહ્યા હતા. મારા માટે એ મહાઆશ્ચર્યની બાબત હતી કે એના જેવા રીઢા અપરાધીઓ ‘બ્લ્યૂ હેવન’ જેવી ફાઇવસ્ટાર હોટલમાં કેવી રીતે પહોંચ્યા...? જરૂર એ લોકો કોઈકની સાથે હોવા જોઈએ. મને એક વાત તો સમજાઈ હતી કે તેઓને કોઈક મોટા ગજાના વ્યક્તિનું પીઠબળ જરૂર હશે જ... અને મારે તેની ખાતરી કરવી હતી. પરંતુ જ્યાં સુધી તું મારી સાથે હોય ત્યાં સુધી મારાથી કંઈ થઈ શકે એમ નહોતું એટલે સૌ પ્રથમ હું તને ઉપર રૂમમાં મૂકીને નીચે આવ્યો. રિસેપ્શન પર જુલીએ મને જે માહિતી આપી તે સ્ફોટક હતી. તેણે મને તે દિવસે હોટલમાં ઉતરનારા જે વ્યક્તિઓ હતા એમના નામ કહ્યા હતા ત્યારે હું ઉલઝનમાં મુકાઈ ગયો હતો...’ પ્રેમે કહ્યું. કમરામાં હતા એ બધા પ્રેમને આશ્ચર્યભરી નજરે તાકી રહ્યા.

‘તે દિવસે ત્રણ કમરાનું બુકિંગ થયું હતું. એક ભુપતના નામે, બીજો રૂમ મેજર આર. કે. ખન્નાના નામે અને ત્રીજો કમરો વિમલરાયના નામેથી... અને આ ત્રણેયનું પેમેન્ટ વિમલરાયના એકાઉન્ટમાંથી જવાનું હતું. મારા માટે આ હકીકત આશ્ચર્યજનક હતી. બે વત્તા બે કરતાં મને વાર ન લાગી. જો વિમલરાયે ભુપતની ટોળકીને અહીં બોલાવી હોય તો એનો સીધો મતલબ એક જ થાય કે ભુપત અને તેના સાગરિતો વિમલરાય માટે કામ કરે છે... અને જો ભુપત વિમલરાય માટે કામ કરતો હોય તો... પછી... વેલ... હવે તમે સમજી ન શકો એટલા નાદાન તો નથી જ... છતાં, ચોખવટથી કહું તો અજયના અપહરણ પાછળ વિમલરાયનો હાથ હોઈ શકે... અને... અને... તો પછી કદાચ... બીજી પણ એક સંભાવના... વેલ... આ તો ફક્ત મારું અનુમાન છે કે... મોહનબાબુની હત્યા પણ તેણે જ કરાવી હોય... મે..બી... આ તો ફક્ત મારું અનુમાન જ છે... કદાચ એવું ન પણ હોય... છતાં મારે તપાસ કરવી જરૂરી હતી એટલે હું ભુપતનો રૂમનંબર લઈને અહીં ઉપર આવ્યો... દરવાજે ઉભા રહીને મેં ટકોરા માર્યા... અને જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે... વેલ... આ સીમા મારી ઉપર ધસી આવી... તે અહીં શું કામ હતી એ તો તેણે હમણા થોડી વાર પહેલાં જ કહ્યું. તે પછીની ઘટનાઓ તો તમે જાણો જ છો...’ કહીને પ્રેમ અટક્યો. તે હવે ઘણી સ્વસ્થતા અનુભવી રહ્યો હતો. ભુપતના ચાકુનો વાર ગંભીર નહોતો. જાણે કોઈ ખીલીથી દીવાલ પર લીટા થયા હોય એવા લીટા તેના શરીરે થયા હતા... અને આવા મામૂલી ઘાની તેને પરવા નહોતી.

બરાબર એ જ સમયે ડોરબેલ રણકી. બધાના જહેનમાં ડૉક્ટર પ્રિતમસિંહનું નામ ઝબક્યું. એ અનુમાન સાચું હતું. સીમાએ ઉભા થઈને દરવાજો ખોલ્યો ત્યારે ડૉ. પ્રિતમસિંહ જાણે ભરઊંઘમાંથી જાગીને આવ્યા હોય એવા દીદાર સાથે દરવાજે ઉભા હતા. એમની હવે ઉંમર થવા આવી હતી. સ્વાભાવિકપણે એની અસર તેમના ચહેરા અને શરીર પર વર્તાતી હતી. એ ઉપરાંત તેઓ હમણાં જ થોડી વાર પહેલાં ભુપતને અહીંથી લઈ ગયા હતા. ભુપતની સારવારમાં ઘણો સમય લાગ્યો હતો એટલે એ ઉજાગરાનો ભાર પણ એમની આંખોમાં વર્તાતો હતો. તેઓ હળવી ચાલે અંદર દાખલ થયા અને કમરામાં નજર ફેરવી. પલંગ ઉપર વેરવિખેર થયેલું ગાદલું અને ગાદલામાં એક આદમી અધમરી હાલતમાં ટૂંટિયું વાળીને પડેલો જોયો... અને એમનો પિત્તો છટક્યો.

‘આ શું રમત માંડી છે તમે લોકોએ... હજુ હમણા થોડી વાર પહેલાં જ એક વ્યક્તિને ગંભીર હાલતમાં હું અહીંથી લઈ ગયો હતો, અને હવે તમે લોકોએ આ બીજાની હાલત પણ બગાડી નાખી...!! તમે મને સમજાવશો કે આ બધું શું છે...? જ્યાં સુધી મને ખ્યાલમાં નહીં આવે કે આ રૂમમાં ભેગા મળીને તમે બધાં શું કરી રહ્યા છો... અને આ બન્ને વ્યક્તિઓની આવી બૂરી હાલત કેમ થઈ ત્યાં સુધી હું આને હાથપણ લગાવવાનો નથી...’ તેમણે મક્કમતાથી કહ્યું. સુસ્મિતા ડૉક્ટર તરફ આગળ વધી.

‘ડૉક્ટર....’

‘નો ડૉક્ટર... પહેલા વાત પછી કામ...’

‘પહેલા તમે એને તપાસી તો લો...’

‘બિલકુલ નહિ... તમે લોકોએ અહીં શું માંડ્યું છે એ પહેલાં કહો... અને જો તમે મને કહેવા માગતા ન હો તો પછી હું પોલીસને બોલાવી લઉં... આ પોલીસનો મામલો છે. તેઓ કહેશે એટલે હું આની સારવાર કરીશ, એ પહેલા નહિ. આવા અપરાધિક મામલામાં મારાથી હાથ નંખાય નહિ...’

પ્રિતમસિંહની વાત સાંભળીને પ્રેમના ચહેરા પર કંટાળાના ભાવ આવ્યા... તે જાણતો હતો કે પ્રિતમસિંહ પોલીને ખબર ક્યારેય નહિ કરે... તેમ છતાં જ્યાં સુધી તેમના દિમાગમાં આખો મામલો ઉતરશે નહિ ત્યાં સુધી તેઓ વેલજીને હાથ સુધ્ધા લગાવશે નહીં. એટલે ઘણી બધી ઘટનાઓને અધ્યાહાર રાખીને તેણે ડૉક્ટરને સમજ પાડી કે અહીં શું થયું હતું. પ્રેમની વાતો સાંભળીને એ બુઢ્ઢાના ચહેરા પર આશ્ચર્યના ભાવો ઉભરી આવ્યા... પછી તેમણે વેલજીને તપાસ્યો.

‘કંઈ નથી થયું આને... વધુ પડતા મારના કારણે તેને આઘાત લાગ્યો છે એટલે બેહોશ થઈ ગયો છે. હું એક ઇન્જેક્શન આપું છું એટલે દર્દમાં રાહત થતાં તે ભાનમાં આવી જશે...’ કહીને ડૉક્ટરે વેલજીની કમરમાં કુલા પર ઇન્જેક્શન ઘુસાડ્યું.

‘પેલાને કેમ છે ડૉક્ટર...?’ અજયે ભુપત વિશે પૂછ્યું.

‘તેનેય જબરદસ્ત આઘાત લાગ્યો છે. કદાચ આ પહેલાં તેણે જિંદગીમાં ક્યારેય માર નહીં ખાધો હોય... આ લોકોની મેન્ટાલિટી પણ ગજબ હોય છે. જ્યાં સુધી પોતાનો હાથ ઉપર હોય ત્યાં સુધી તેઓ પોતાને આખી દુનિયાના રાજા સમજે છે, પણ જેવો થોડોક પણ સામેવાળો હાવી થવા લાગે કે તરત જ તેઓ મિયાંની મિંદડી બની જાય છે. હું લઈ ગયો એ ભુપતનું પણ એવું જ છે. તેના ચાકુનો ઘા ઊંડો છે પણ જીવલેણ નથી. હા... તેની પગની પીંડીમાં વાગેલી ગોળી મેં કાઢી લીધી છે પણ એ ઝખમ ભરાતા સમય લાગશે. કદાચ એ ખોડ કાયમી - જીવનભર રહી જાય. પણ તે સવાર સુધીમાં ભાનમાં તો આવી જ જશે...’

‘તો સારું... કારણ કે તેની પૂછતાછ કરવી ખૂબ જરૂરી છે.’

‘એ થઈ શકશે... પણ જો એ સમયે તમે ઉત્તેજિત થઈ જવાના હોવ તો હું અનુમતિ કદાપિ નહીં આપું. તે હવે મારો પેશન્ટ છે... શું સમજ્યા...?’

‘ઓ.કે. ડૉક્ટર... તમે કહો એમ. સવારે તે ભાનમાં આવે એટલે તરત અમને ફોન કરજો...’

ડૉ. પ્રિતમસિંહ પોતાનું કામ પતાવીને ફરી પાછા ઘરે ચાલ્યા ગયા. હવે બાકીના લોકોએ રાહ જોયા વગર છુટકો નહોતો. રાહ જોવાની હતી વેલજીના ભાનમાં આવવાની... જો અજયે આવેશમાં આવીને તેને માર્યો ન હોત તો અત્યારે વેલજી પોપટની જેમ બધું બકી રહ્યો હોત એની પ્રેમને ખાતરી હતી. પરંતુ હવે જ્યાં સુધી વેલજી ભાનમાં ન આવે ત્યાં સુધી કશું થઈ શકે એમ નહોતું.

પ્રેમ, સુસ્મિતા, સીમા અને અજયના મનમાં વિચારોનાં વાવાઝોડાં ઉમટ્યાં હતાં, છતાં એ વિચારોની દિશા એક જ હતી. એ વિચારોમાંથી જે તારણો નીકળતા હતા તે થડકાવનારા હતા. બધાને એક વાત સ્પષ્ટપણે સમજાતી હતી કે અજયની સાથે જે કાંઈ બન્યું એમાં સૌથી અગત્યની વ્યક્તિ વિમલરાય હતો. અત્યાર સુધીમાં જે પણ પ્રશ્નો એમના દિમાગ ઉપર છવાયેલા હતા એ પ્રશ્નોના વાદળો ધીરે ધીરે વિખરાવા લાગ્યા હતા. વાદળો હટતા જેમ સામે ચોખ્ખું અને ખુલ્લું આકાશ દેખાય તેમ બધું સ્પષ્ટપણે સમજાઈ રહ્યું હતું... હા, મંગાની ચિંતા હતી. તે બીચ ઉપર મરેલી હાલતમાં પડ્યો હતો. સવાર થતાં જ તેના ખૂનની વાત વાવાઝોડાની જેમ આખા દમણમાં ફરી વળવાની હતી. બધાને એ જ ચિંતા હતી કે જો મંગાના ખૂનની તપાસમાં અજય, સીમા કે બોસ્કીનું નામ ભૂલેચૂકેય સંડોવાયું તો આખી બાજી હાથમાંથી સરકી જવાની હતી, કારણ કે અહીં ઉપસ્થિત હતા એમાંથી જો એક પણ વ્યક્તિ પકડાય તો નો ડાઉટ કે પોલીસ બાકીના બધા વ્યક્તિઓનો પણ પત્તો પળવારમાં મેળવી લે અને તરત જ બધું સમેટાઈ જાય... એટલે સૌથી પહેલાં મંગાની વ્યવસ્થા કરવી જરૂરી બન્યું હતું. પ્રેમે મંગાનો કોઈપણ રીતે નિકાલ કરી નાખવો એવું નક્કી કર્યું. તેણે સુસ્મિતા સામે જોયું અને મોબાઈલ હાથમાં લઈને એક નંબર ડાયલ કર્યો. તેને ખબર હતી કે આ વાત સુસ્મિતાને ક્યારેય નહિ ગમે... સામે રીંગ વાગી અને થોડી વાર બાદ ફોન ઊંચકાયો.

‘જોરા... એક કામ પતાવવાનું છે...’ પ્રેમે કહ્યું.

જોરાનું નામ સાંભળીને સુસ્મિતા ચમકી અને પછી ભડકી... જોરા... જોરાવરસિંહ... દમણનો નામચીન બુટલેગર હતો. આખા દમણને તે પોતાના બાપની જાગીર સમજતો. દમણમાંથી ગુજરાતમાં ઘુસતો મોટાભાગનો ગેરકાયદેસરનો દારૂ તેના નામની ધાક હેઠળ સપ્લાય થતો. આ ઉપરાંત પણ તેના ઘણા ધંધા હતા. ખાસ તો દમણની હોટલવાળાઓ તેનો શિકાર હતા. તેણે દમણની લગભગ તમામ હોટલો દીઠ હપ્તા નક્કી કરી રાખ્યા હતા. જો કોઈ હોટલમાલિક એ હપ્તાની રકમ ચૂકવવાની આનાકાની કરે કે ના-મૂકર જાય તો જોરાના માણસો એ હોટલમાં કાળો કેર વર્તાવતા. એ હોટલમાં આવતા દેશી-વિદેશી પ્રવાસીઓને તે રંજાડતો, કે જેથી એ હોટલની આબરૂ ખરાબ થાય અને ત્યાં પ્રવાસીઓ ન આવે. પોલીસમાં પણ તેની જબરી ઘૂસપેઠ હતી. પોલીસવાળાઓને તે નિયમિત હપ્તા પહોંચાડી દેતો એટલે તેઓ જોરાના કરતૂતો સામે આંખ મીંચામણા કરતા... પરંતુ, ચાર-પાંચ હોટલો અને રિસોટ્‌ર્સ હજુ સુધી જોરાના લીસ્ટમાં ચડી નહોતી. તેમની એક ‘બ્લ્યૂ હેવન’ની રેપ્યુટેશન અને સુસ્મિતાના પિતાજીની ઓળખાણ એટલી જબરદસ્ત હતી કે જોરાના હાથ ત્યાં ટૂંકા પડતા હતા... એટલે જ્યારે જોરાવરસિંહને ફોન કર્યો ત્યારે સુસ્મિતાના ભવાં ખેંચાયાં હતાં. તેને હવે પ્રેમ ખરેખર ખતરનાક લાગવા માંડ્યો હતો. ‘પ્રેમ જોરાને કેવી રીતે ઓળખે ?’ એ સવાલ તેના જહેનમાં ઘુમરાઈ ઉઠ્યો. તે પ્રેમને કંઈ પૂછે કે તેને રોકે એ પહેલાં જોરાએ પ્રેમનો ફોન ઉઠાવ્યો હતો... સામેની બાજુથી જોરાએ શું કહ્યું એ કોઈને સંભળાયું નહિ.

‘કામ જોખમવાળું નથી... ના...ના... કોઈના હાથપગ ભાંગવાના નથી કે નથી કોઈ હેરાફેરી કરવાની... એક સિમ્પલ કામ છે. ‘બ્લ્યૂ હેવન’થી થોડે દૂર બીચ ઉપર એક આદમી પડ્યો છે તેને સગેવગે કરવાનો છે...’ પ્રેમે કહ્યું. ફરીવાર ખામોશી છવાઈ.

‘હવે એ બધી પંચાતમાં તારે પડવાનું નથી... એ માણસને ગમે ત્યાં ગૂમ કરી નાખ... તને કિંમત મળી જશે... બોલ, થાશે કે બીજાને ફોન કરું...?’ પ્રેમ પણ ઓછી માયા નહોતી. તેને જોરાની રગ-રગની માહિતી હતી. દમણમાં એને છોડીને બીજા પાસે કામ જાય એ તેને ક્યારેય મંજૂર થાય એવી વાત નહોતી.

‘તો ઠીક છે... પરંતુ કલાકમાં કામ પતી જવું જોઈએ... અને કોઈને તેનો અણસાર સુધ્ધાં આવવો જોઈએ નહી... હવે ફોન મૂક...’ કહીને પ્રેમે ફોન કટ કર્યો. તેણે સુસ્મિતા સામે જોયું. તેની નજરોમાં ઉઠતા પ્રશ્નો પ્રેમને વંચાતા હતા. કંઈક પુછવા માગતી હતી પણ ચૂપ રહી.

‘ચાલો એક ઉપાધિ તો ટળી... હવે શું કરવું છે...?’ પ્રેમે વેલજી પાસે પલંગ પર બેસતાં પૂછ્યું. તેના મનમાં સ્પષ્ટ હતું કે શું કરવાનું છે, છતાં અત્યારે બીજાનો અભિપ્રાય લેવો પણ જરૂરી હતો... ખાસ તો તેણે સીમાને ઉદ્દેશીને સવાલ પુછ્યો હતો. તેને એ છોકરીમાં ‘ગટ્‌સ’ દેખાતો હતો. તે એની બહાદૂરી અને સમજદારીથી ઇમ્પ્રેસ થયો હતો. તેને લાગ્યું હતું કે એ છોકરીમાં દમ છે. સીમા પણ જાણે પ્રેમનો પ્રશ્ન સમજી હોય તેમ બોલી...

‘મારા માનવા પ્રમાણે સૌથી પહેલાં આપણે આ વેલજી અને ભુપત પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ખરેખર એમનો પ્લાન શું છે...? જો એ જાણવા મળે તો આગળની રણનીતિ નક્કી થઈ શકે.’ તેણે ઊંડો શ્વાસ લેતાં કહ્યું. તેણે આ વિશે ઘણું વિચાર્યું હતું. દિવસોના દિવસો જાતજાતના અનુમાનો લગાવ્યા હતા. તુલસીના મોતથી લઈને અજયના જેલવાસ અને તેના છુટવાના દિવસ સુધીના સમયગાળા દરમ્યાન તેણે ઘણીબધી માહિતીઓનો ઢગલો એકઠો કર્યો હતો... તેમ છતાં તેને લાગતું હતું કે તે પોતે માત્ર અંધારામાં હવાતિયાં જ મારે છે. એ લોકોનો મેઈન ‘મક્સદ’ તો હજુ સુધી તેને સમજાયો જ નહોતો. અને બીજું કે આ ઘટનાઓ પાછળ ખરેખર કોણ છે...? આ બે પ્રશ્નો તેને પારાવાર મુંઝવી રહ્યાં હતાં... અત્યારે એ સમય આવ્યો હતો કે તે ભુપત અથવા વેલજી થ્રુ પોતાને મુંઝવતા પ્રશ્નોનો જવાબ મેળવી શકે તેમ હતી.

તેણે જે પાછલા સાત વર્ષમાં જાણ્યું હતું એ ઘણું ભયાનક અને વિસ્ફોટક હતું. તેના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે આવતીકાલનો દિવસ ઘણો મહત્ત્વનો હતો. કદાચ એ લોકો આવતીકાલે, મતલબ કે આજના દિવસે ચોક્કસ કોઈ ‘એક્શન’ લેવાના હતા, કારણ કે અત્યારે સવારના ચાર-સાડાચાર તો થવા આવ્યા હતા... ચોક્કસ તો તેને પણ ખબર નહોતી કે આજે દિવસ દરમ્યાન શું બનવાનું છે... પરંતુ જે પણ ઘટના ઘટવાની હતી એ ગુજરાત અને સમગ્ર દેશને હચમચાવી નાખશે એ નક્કી હતું. સીમા આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખવા ઇચ્છતી હતી કે જે પણ ડિસિઝન લેવાય એ ત્વરિત લેવાય... કારણ કે સમય ખૂબ ઝડપથી વહી રહ્યો હતો.

‘અજય... તારે શાંતિ રાખવાની જરૂર હતી. હવે જ્યાં સુધી આ વેલજી ભાનમાં નહીં આવે ત્યાં સુધી આપણે કંઈ જ નહીં કરી શકીએ...’ તેણે અજયને કહ્યું.

‘આનો એક સાથીદાર ભુપત હૉસ્પિટલમાં છે... તે જરૂર ભાનમાં આવ્યો હશે. આપણે તેની પાસે ઓકાવીશું કે તેઓ શું કરવાના છે ? એ તો કહેશે જ...’ તેને પણ થતું હતું કે તેણે વેલજીને મારવાની જરૂર નહોતી, પરંતુ એ સમયે તે પોતાની જાત પ્રત્યે જ ઉપજેલા ગુસ્સાને વેલજી ઉપર ઉતારી રહ્યો હતો. પોતે કંઈ જ કરી શકતો નહોતો એ વિવશતાનું ઝનૂન તેણે વેલજી ઉપર ઉતાર્યું હતું.

‘ઓ.કે...’ પ્રેમે કહ્યું, ‘હું પ્રિતમસિંહને ફોન કરીને પૂછું છું કે ભુપત ભાનમાં આવ્યો કે નહીં...?’ તેણે ડૉ. પ્રિતમસિંહના ક્લિનિક ઉપર ફોન લગાવ્યો. તે જાણતો હતો કે ડૉક્ટર અત્યારે તેના ઘરે સૂતા હશે એટલે તેમને જગાડીને ડિસ્ટર્બ કરવા કરતાં સીધો જ ક્લિનિક પર ફોન કરીને જાણી લેવું કે ભુપત ભાનમાં આવ્યો કે નહીં... ભુપતની પાસે બોસ્કી હતો. અહીંથી બોસ્કીને ત્યાં ધ્યાન રાખવા મોકલવામાં આવ્યો હતો એટલે બીજી ચિંતા નહોતી... એ ઠીંગણો ડિટેક્ટિવ પણ પહોંચેલી માયા હતો. પ્રેમનો ફોન ઊંચકાયો.

‘હલ્લો... ડૉ. પ્રિતમ્સ ક્લિનિક...’ સામે કોઈ નર્સ હતી.

‘હલ્લો... ડૉક્ટર સાહેબ છે...?’

‘સાહેબ તો નથી.. તમારે શું કામ હતું...?’

‘અચ્છા... સિસ્ટર... તમે મારું એક કામ કરી શકશો...? હમણાં કલાક પહેલાં તમારા ક્લિનિક પર જે પેશન્ટને લાવવામાં આવ્યો છે તેમની સાથે જે ભાઈ હતા, મારે એમનું કામ છે. તમે જરા પ્લીઝ એમને બોલાવી આવશો...?’ પ્રેમે કહ્યું.

‘કલાક પહેલા...?’ નર્સે આશ્ચર્ય ઉછાળ્યું. અને પછી એકાએક યાદ આવ્યું હોય તેમ બોલી, ‘તમે એ જ પેશન્ટની વાત કરો છો ને જેને ડૉક્ટર સાહેબ પોતાની જાતે પોતાની ગાડીમાં લઈ આવ્યા હતા...?’

‘હા...એ જ... એ પેશન્ટ સાથે એક ભાઈ છે. પરેશ નામ છે એમનું... પરેશ બોસ્કી. મારે એમનું કામ છે. પ્લીઝ જરા જલ્દી... મારે અર્જન્ટ કામ પડ્યું છે.’

‘ઓ.કે. હોલ્ડ પ્લીઝ...’

સામા છેડે થોડી વાર ખામોશી છવાઈ. બોસ્કીને ફોન પર આવતાં ખાસ્સી વાર લાગી. પછી રિસિવર ઊંચકાયું.

‘હલો... કોણ....?’

‘પ્રેમ...’

‘ઓહ પ્રેમ... શું હતું બોલ ?’

‘ત્યાંના રિપોર્ટ શું છે...? તે ભાનમાં આવ્યો...?’

‘હા... હમણાં થોડી વાર પહેલાં જ એને હોશ આવ્યું. પણ તમે મને સમજાવશો કે આ બધી શી માથાકૂટ છે...?’ બોસ્કીએ પૂછ્યું. સુસ્મિતાએ બોસ્કીને ઘણીખરી વાત અધ્યાહાર રાખીને જ કામ સોંપ્યું હતું. તેણે ફક્ત એક વ્યક્તિ ‘અજય’ પર નજર રાખવાની હતી અને તેનો રિપોર્ટ કરવાનો હતો. પરંતુ તેણે જે ‘બ્લ્યૂ હેવન’ના રૂમ નં. ૩૦૪માં જોયું હતું એ દૃશ્યે તેના ડિટેક્ટિવ માઇન્ડમાં ખળભળાટ મચાવી દીધો હતો. એ ત્યારે જ સમજી ગયો હતો કે તે કોઈ અસાધારણ ઘટનાનો સાક્ષી બની રહ્યો છે. તાત્કાલિક તેને આ ભુપત સાથે આવવાનું ન થયું હોત તો તેણે સુસ્મિતા સાથે ચોખવટ કરી જ હોત.

‘એ તને જાણવા મળશે. તેની હાલત કેવી છે...? એ બોલી શકશે...?’

‘બોલી તો શકશે જ... ડૉક્ટર ખરેખર જાદુગર છે. તેણે ભુપતની સારવાર એટલી જબરદસ્ત રીતે કરી છે કે કદાચ બે-ત્રણ દિવસમાં તો ભુપત ચાલતો તેના ઘરે જઈ શકશે.’

‘ઓ.કે... તું ત્યાં જ રહે. હું થોડી વારમાં પાછો ફોન કરું છું.’

‘તું મને મારા મોબાઇલ પર કોન્ટેક્ટ કરજે.’ બોસ્કીએ કહ્યું.

‘ઓ.કે....’ કહીને પ્રેમે ફોન કટ કર્યો. ‘એ ભાનમાં આવ્યો છે...’ પ્રેમે ન કહ્યું હોત તો પણ બધાને એ વાત સમજાઈ ચૂકી હતી.

‘નાઉ... આઇ થીંક કે આપણે કોઈ સ્ટ્રેટેજી નક્કી કરીએ...’ કહીને પ્રેમે સીમા તરફ જોયું. સીમા અજય જે ખુરશીમાં બેઠો હતો તેના પહોળા હાથા પર બેઠી હતી. પ્રેમ તેની આંખોમાં અજય પ્રત્યેનો સ્નેહ સ્પષ્ટ જોઈ શકતો હતો.

‘સીમા... હું તારી કહાની સાંભળવા માગું છું. તું શું શું જાણે છે એ ફરીથી કહે. બની શકે કોઈ બાબત આપણા ધ્યાન બહાર ગઈ હોય જે અગત્યની હોય. તારી વાત સાંભળ્યા બાદ આપણે ભુપતની પૂછપરછ કરીશું...’

‘હું જેટલું જાણતી હતી એ મેં તમને કહ્યું. આ લોકોની ટોળકી કોઈ મોટી ફિરાકમાં છે અને એ કાવતરાનો અંજામ આ લોકો કદાચ આવતીકાલે આપવાના છે. આવતીકાલ, મતલબ કે હવે તો આજનો દિવસ અગત્યનો છે.’

‘એ કાવતરું શું છે...? વિમલરાય શું કરવા ધારે છે...?’

‘એ જ રામાયણ છે. હું પોતે હજુ અંધારામાં છું. મને પણ ખબર નથી કે આ લોકો કઈ ફિરાકમાં છે...? છતાં જે પણ થશે એ ભયાનક હશે.’

‘કંઈક સમજાય એવું કહે... તને ખબર છે છતાં નથી ખબર. એનો મતલબ શું...? અને તને ખબર કેવી રીતે પડી કે આ લોકોએ કાવતરું રચ્યું છે...?’ પ્રેમે પૂછ્યું. રૂમમાં સન્નાટો છવાયેલો હતો. અજય અને સુસ્મિતા અધ્ધર શ્વાસે તે બન્નેની વાતો સાંભળી રહ્યા હતા.

‘જ્યારે મારું અપહરણ કરવામાં આવ્યું ત્યારે ભુપત અને મંગાએ મને એક બંધિયાર રૂમમાં પૂરી રાખી હતી... એ રૂમના દરવાજાની બહાર ઉભા ઉભા તે બન્ને વાતો કરી રહ્યા હતા. એ વાતો મેં સાંભળી હતી. મંગો ભુપતને પુછી રહ્યો હતો કે...

‘હવે શું કામ આ છોકરીને પકડવામાં આવી છે...? મોહનબાબુનું કામ તો તું તમામ કરવાનો છે પછી આ છોકરીનું વચમાં શું છે...?’

‘ગેમ છે મંગા... ગેમ... એ તને નહીં સમજાય.’ ભુપત બોલ્યો હતો.

‘જો ભુપત... હું તારો સાથીદાર છું. એટલે તારે મને બધું કહેવું પડશે. જો મને કોઈ વાતની જાણ ન હોય અને તેના લીધે જો હું કંઈક ઊંધું મારું તો પછી તું મને કહેતો નહીં...’

‘આ મામલામાં એવું નહીં થાય. સાંભળ... વિમલરાયને તો તું ઓળખે જ છે... એ વિમલરાયની એક બહુ જૂની દુશ્મની આ મોહનબાબુ સાથે... આ વિમલરાય પણ ઓછી માયા નથી. કુત્તો છે કુત્તો સાલો... તે પોતાના જ દુશ્મન મોહનબાબુનો સહારો લઈને આગળ આવ્યો... હવે એ જ મોહનબાબુ વિમલરાયના એક કામમાં આડો ફાટે છે એટલે તેણે તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી નાખ્યું છે. પણ... સાથે સાથે મોહનબાબુના એકના એક ફરજંદ અજયને બીજા એક અલગ મામલામાં ફીટ કરાવીને તે રાજકારણમાંથી જોષી કુટુંબની બાદબાકી કરવા માગે છે. મોહનબાબુના એ પીલ્લાને ફસાવવા આપણે આ છોકરીનો ઉપયોગ કરવાનો છે. સમજ્યો હવે...?’

‘હમ્‌... સમજ્યો. પણ મોહનબાબુ વિમલરાયના કયા કામમાં આડખીલી બન્યા છે...?’

‘હવે તું બહુ ઊંડો ન ઉતર... છતાં જો તારે જાણવું જ હોય તો સાંભળ... વિમલરાય આ રાજ્યનો મુખ્યમંત્રી બનવા ચાહે છે. એ માટે તેણે એવું કંઈક કરવું પડે કે જેથી હાલના મુખ્યમંત્રીની ખુરશી હલી જાય... એ માટે વિમલરાયે લશ્કરના કોઈ કર્નલ કે મેજર સાથે, મતલબ કે લશ્કરના કોઈ આદમી સાથે હાથ મેળવ્યા છે. તેઓએ ગુજરાતમાં બહુ મોટો ધમાકો થાય એવો પ્લાન બનાવ્યો છે... હવે જો એ કાવતરું પાર પડે અને ધાર્યા મુજબનો ધમાકો થાય તો હાલના મુખ્યમંત્રીના નામ ઉપર માછલાં ધોવાય અને તેમણે ફરજિયાતપણે રાજીનામું આપવું પડે, અથવા તેમને એવી ફરજ પાડવામાં આવે... જો તત્કાલીન મુખ્યમંત્રી એ ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તો તેના પછી ગુજરાતના રાજકારણમાં મોહનબાબુ સિવાય બીજા કોઈને પણ મુખ્યમંત્રીની ખુરશી મળે નહીં... હવે, વાત એમ છે કે મોહનબાબુ રહ્યા સીધા-સાદા અને સન્નિષ્ઠ વ્યક્તિ. તેઓ ક્યારેય મુખ્યમંત્રીનો કાંટાળો તાજ પોતાના માથે પહેરે નહીં. એટલે મોહનબાબુ જાતે જ એ તાજ પોતાના સૌથી પ્રિય વ્યક્તિ એવા વિમલરાયને માથે મુકે...’

‘અરે, સામે ચાલીને જો વિમલરાય મુખ્યમંત્રી બની શકે તેમ છે તો પછી એ મોહનબાબુને મારવા શું કામ જોઈએ...? આ તો ઊલટાનો નુકસાનીનો સોદો થાય...’ મંગો એકાએક ભુપતને અટકાવીને બોલી ઉઠ્યો.

‘તારી વાત બરાબર છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જે ધમાકો વિમલરાય કરવા ધારે છે એની આછી-પાતળી જાણકારી મોહનબાબુના કાને પહોંચી ગઈ છે. અને એમણે વિમલરાયને ધમકી આપી છે કે એ આ બધા ધંધા બંધ કરી દે, નહીંતર તેની કારકિર્દી જેલના સળિયા પાછળ સમેટાઈ જશે. હવે સમજાયું તને... હવે વિમલરાય પાસે એક જ રસ્તો બચે છે. મોહનબાબુની હત્યા...’

‘અને તેનો છોકરો...?’

‘તે મોહનબાબુનો વારિસ છે. મોહનબાબુના મોત બાદ પાર્ટીના કાર્યકરો અજયને જ પાર્ટી લીડર બનાવે... અને જો એમ થાય તો એ પણ વિમલરાયના રસ્તાનો કાંટો ભવિષ્યમાં બની શકે. એટલે તેને પણ રસ્તામાંથી હટાવવાનું નક્કી થયું છે.’

‘ઓહ... તો એમ વાત છે. હવે સમજાયું મને. હવે જો હું આ ફટકડીનો કેવો ઉપયોગ કરું છું તે...’

સીમાએ હમણા જ તેની નજર સમક્ષ ભુપત અને મંગાનો વાર્તાલાપ ચાલતો હોય એમ અક્ષરસઃ કહી સંભળાવ્યું. તેની વાત પૂરી થઈ ત્યારે કમરામાં સન્નાટો છવાઈ ગયો હતો. એક ભયાનક કાવતરાના એક પછી એક પડળ ઉખડી રહ્યા હતા. જેમ જેમ ખુલાસાઓ મળતા હતા તેમ આ આખી ઘટનાનો સંદર્ભ વધુ ખતરનાક વળાંક લેતો હતો.

‘વિમલરાયની યોજના શું કરવાની હતી...? મતલબ કે તે કયો ધમાકો કરવા માગતો હતો એ તને ખબર પડી હતી...?’ પ્રેમે સીમાને પૂછ્યું.

‘નહિ... એ સમયે બસ આટલું જ જાણવા મળ્યું હતું. એ પછી ભુપત અને મંગો ત્યાંથી ચાલ્યા ગયા હતા...’

‘ઓહ... પરંતુ જો વિમલરાયે કોઈ કાવતરું ઘડ્યું હતું તો પછી એ કાવતરાનો અમલ થયો કે નહિ...? જો ન કર્યો તો કેમ...? અને કેમ છેક આજે સાત વર્ષ પછી તેઓ ફરીથી મેદાનમાં આવ્યા...? સાત-સાત વર્ષ એવું તો શું બન્યું હતું કે તેઓએ ખામોશ બેસી રહેવું પડ્યું...? હું અને મારા પપ્પા જો એ સમયે એમને નડતા હતા તો અમને રસ્તામાંથી હટાવી નાખ્યા બાદ એમણે કેમ બધું સમેટી લીધું...?’ અજયે વ્યાકુળતાથી પોતાનો તર્ક ઠાલવ્યો. સીમાના કથન મુજબ તો અજય અને મોહનબાબુને રસ્તામાંથી ખસેડ્યા બાદ તેઓએ કંઈક એક્શન લીધું હોવું જોઈએ, પણ એવું થયું નહોતું. અને એવું કેમ નહોતું થયું એ પ્રશ્ન તેના મનમાં ઉદ્‌ભવ્યો હતો. શું એ લોકોના પ્લાનમાં બીજી કોઈ આડખીલી ઊભી થઈ હતી...?

‘તું સાચો છે અજય... તમે બન્ને બાપ-દીકરાને હટાવ્યા બાદ એ લોકોએ કેમ પોતાનો પ્લાન અમલમાં ન મુક્યો એ સવાલ તો મનેય ઉદ્‌ભવ્યો હતો. અને મેં તપાસ પણ કરી હતી, પરંતુ એ ઘટના બાદ ભુપત અને મંગો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. અને ત્યારે મારી માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. એ લોકોનો પત્તો મેળવવાની મેં ઘણી કોશિષ કરી હતી પણ પરિણામ શૂન્ય હતું. આખરે થોડા સમય પછી હું થાકી-હારીને, નિરાશ થઈને ફરી પાછી સીમલા જતી રહી હતી. મેં ત્યાં ઘણા વર્ષ એમ જ વિતાવ્યા હતા. હજુ હમણાં વરસ દિવસ પહેલાં જ્યારે મેં ત્યાંના લોકલ ન્યૂઝપેપરમાં ગુજરાતના ગૃહમંત્રી તરીકે વિમલરાયની નિમણૂકના સમાચાર વાંચ્યા ત્યારે જ મને વિમલરાયનો ચહેરો જોવા મળ્યો. વિમલરાયના ફોટાએ મારા જૂના જખમને ફરીથી તાજો કરી દીધો અને હું પાછી ગુજરાત આવી... આ વખતે હું વિમલરાયને ઓળખતી હતી. મેં રાત-દિવસ જોયા વગર તેનો પીછો કર્યો. વરસ દિવસમાં તો મારી પાસે માહિતીઓનો ઢગલો ખડકાઈ ગયો. એટલે અત્યારે એટલું હું ચોક્કસપણે કહી શકું છું કે એ સમયે એવું કંઈક બન્યું હતું કે જેના કારણે વિમલરાયે પોતાની યોજના અમલમાં મૂકી નહોતી. હવે, આટલા વર્ષો બાદ ફરીથી એ જ ઘટનાઓ ફરીથી ઘટવાની છે. જે કાવતરું એ લોકોએ મુલતવી રાખ્યું હતું એ ફરી પાછું અમલમાં મુકાવાનું છે... અજય, યોગાનુયોગ એ લોકોએ જે સમય નક્કી કર્યો છે તેના થોડા દિવસ પહેલાં જ તને જેલમાંથી છોડવામાં આવ્યો. એટલે મારા અંદાજ મુજબ તું જેલમાંથી છુટીને કંઈક ગરબડ ન કરે એટલે જ તારું અપહરણ કરીને તને ગોંધી રાખવાનો એ લોકોનો પ્લાન હશે...’

‘આઈ થીંક... સીમા ઇઝ રાઇટ. જો તું થોડો મોડો છુટ્યો હોત તો કદાચ તારું અપરહણ ન થાત.’ પ્રેમે કહ્યું. કમરામાં ખામોશી છવાઈ. જે બાબતો ઉભરીને સામે આવી રહી હતી એ ખતરનાક હતી. કોણે શું બોલવું એ ગડમથલમાં બધા ખામોશ થઈ ગયા. બધાના દિમાગમાં આખું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું હતું, છતાં અમુક પ્રશ્નોના ઉત્તર મેળવવા જરૂરી બન્યા હતા. આખરે... ભુપતની ઉલટતપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું, કારણ કે મંગા કરતાં ભુપતવધુ જાણતો હતો. તેણે પહેલેથી છેલ્લે સુધી આ કાવતરામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની પૂછપરછ હૉસ્પિટલમાં કરવી શક્ય બનવાની નહોતી એટલે તેને ફરી પાછો ‘બ્લ્યૂ હેવન’માં લાવવાનું નક્કી થયું. ડૉ. પ્રિતમસિંહને મનાવવાની જવાબદારી સુસ્મિતાના શીરે આવી. સુસ્મિતાને પણ હવે ધીરે ધીરે આ આખી બાબતમાં રસ પડવા લાગ્યો હતો. તે જાણે કોઈ ખૂંખાર પાત્રોની વચ્ચે આવી ચડી હોય એવું મહેસુસ કરવા લાગી હતી. એક એડવેન્ચર તરીકે તેણે પોતાનું કામ સ્વીકાર્યું. તેમ છતાં તેને પ્રેમની ચિંતા થતી હતી કે તે ક્યાંક કોઈ મોટી મુસીબતમાં ન ફસાઈ જાય.

સુસ્મિતાએ પ્રિતમસિંહને ફોન કરીને ભુપતને ફરી પાછો હોટલ પર શિફ્ટ કરવા મનાવી લીધા હતા, પણ એ શરતે કે તેઓ પણ સાથે આવશે. એમાં કોઈને કાંઈ વાંધો નહોતો. ભુપત અને વેલજીને હોટલના બેઝમેન્ટમાં બનાવાયેલા પાર્કિંગ એરિયાના એક ખૂણે બનાવવામાં આવેલા સ્ટોરરૂમમાં રાખવાનું નક્કી થયું. એ સ્ટોરરૂમ આમ તો મોટેભાગે ખાલી જ રહેતો હતો છતાં તેની દર અઠવાડિયે નિયમિત સફાઈ કરવામાં આવતી. પાર્કિંગ એરિયામાં ફરજ બજાવતા કર્મચારીને રહેવા અને થોડોઘણો સામાન રાખવા માટે એ રૂમ બનાવવામાં આવ્યો હતો. જોકે હાલ એ રૂમ ખાલી હતો. ત્યાં જરૂરી તમામ સગવડતાઓ હતી એટલે અત્યારે તો પ્રેમ આણી મંડળી માટે આ જગ્યા બેસ્ટ હતી... જાણે કોઈ મહાભયાનક યુદ્ધે ચઢવાનું હોય એવી ઝડપે તડામાર તૈયારીઓ થવા લાગી. સુસ્મિતાએ ઇન્ટરકોમ પર નીચેનો સ્ટોરરૂમ ખોલવાનો હુકમ આપ્યો. સાથે સાથે ત્યાં થોડી ખુરશીઓ અને બીજી વ્યવસ્થાઓ કરાવી.

ડૉ. પ્રિતમસિંહ સવારના છ-એક વાગે ભુપતને લઈને આવવાના હતા એટલે તેઓ આવે એ પહેલાં વેલજીને સ્ટોરરૂમમાં શિફ્ટ કરી નાખવામાં આવ્યો. ત્યાં મુકેલા પલંગ પર તેને સુવડાવ્યો. એ બધું કામ પતાવવા લગભગ કલાકેકનો સમય નીકળી ગયો. પ્રેમ, અજય, સુસ્મિતા અને સીમા જે સ્ફૂર્તિથી અને ઝડપથી એક પછી એક કામ કરી રહ્યા હતા એ જોતાં એવું લાગતું નહોતું કે તેઓએ આખી રાત ઉજાગરો કર્યો હોય. આખરે તમામ વ્યવસ્થા પતાવીને તે ચારેય નાહી-ધોઈને ફ્રેશ થવા પોતપોતાના સ્યૂટમાં ચાલ્યા ગયા. સીમાને સુસ્મિતા પોતાની સાથે લઈ ગઈ હતી. હોટલના ચપરાશીએ સુસ્મિતાની સૂચના મુજબ રૂમ નં. ૩૦૪ની સાફસફાઈ કરીને તેના દરવાજે લોક માર્યું. તમામ બાબતો ખૂબ જલદીથી સમેટાઈ ગઈ હતી. હવે રાહ હતી તો આવનારા સમયની... શતરંજની બાજીમાં ચાલતા પ્યાદાંઓની જેમ આ ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓએ પોતાની ચાલ નક્કી કરી રાખી હતી. કોણ ‘વીન’માં જશે અને કોણ ‘લુઝ’માં એ આવનારો સમય નક્કી કરવાનો હતો.

***