ભાગ ભાદરવા ભીંડો આયો.....!
‘ વરસું તો ભાદરવો ને સળગું તો વૈશાખ, મારી પાસે બે જ વિકલ્પો ક્યાં આંસુ ક્યાં રાખ....! ‘ ભગવતીકુમાર શર્માજીની આ રચનાએ મારા ભેજાંમાં ભાદરવો નાંખી દીધો. કેવી અદભૂત રચના છે....? વૈશાખમાં લાઈટબીલ વધારે આવે, ને ભાદરવા માં ખાધ/પ્રસાદ ના બિલ વધારે આવે. શ્રાવણના પવિત્ર માસમાં ચમનિયાની ચંચીએ આખો મહિનો નકોરડા ઉપવાસ કર્યા. ચમનિયાને થયું કે, ખાધનું બિલ આ વખતે ઓછું આવશે. પણ ફળફળાદી ને સુકામેવાનું બિલ ખાધ કરતાં ત્રણ ઘણું આવ્યું. જેવી ભગવાનની માયા....!
આ લેખ વાંચતા ઘણાને એવું થવાનું કે, ભાઈ આજે ભાદરવા પાછળ કેમ ‘ ભીંડો ‘ ખાયને પડ્યા...? સાચું કહું તો આપણને આ ભાદરવો પાલવે, પણ ભીંડો નહિ. બાકી કોઈ એવું રાખે માનતા કે, બંદાને દિવાળી જોવાની ઉતાવળ છે. અલબત....! શ્રાવણ ગયાનો વસવસો ખરો. એટલા માટે કે જેવો શ્રાવણ ગયો, એટલે શિવમંદિરના ઘંટારવ પણ સાલા બંધ થઇ ગયાં...! લોકો સાચું કહે છે કે, જગતમાં કોઈ કોઈનું જ નથી. ભોલેનાથનું પણ નહિ...! ઉગતા સુરજને સલામ કરવાની ટેવ પડી ગઈ હોય એમ, હવે ગણપતિબાપાની આરતી ગાવા લાગ્યાં....! ભોલેનાથનો શ્રાવણ ગયો એટલે વાર્તા પૂરી, હવે ગણપતીબાપની જય બોલવાની, ને આસો આવ્યો, એટલે પાર્વાતીમાતાના ગરબા ચાલુ....! બસ....ચાલતી ગાડીમાં ચઢવાનું ને બારી પાસે જગ્યા લેવાની. એ જ ધંધો....!
લોકોને શ્રાવણ ફળ્યો કે નહિ ફળ્યો, એ તો ભોલેનાથ જાણે. બાકી પેટ છૂટી વાત કરું તો, શ્રાવણમાં કંઈ કેટલાં પશુ-પક્ષીઓ વેકેશન ભોગવતા હતાં. કારણ ચારેયકોર યુદ્ધ વિરામની માફક શહીદી વિરામ હોય એટલે ગેલમાં જ હોય ને...? બાકી ભાદરવો એટલે, ગણપતિબાપાનાં લાડવા ને શ્રાદ્ધનો દૂધપાક...! બીજું હોય શું....? ભીંડો.....?? ભાદરવો એવો તો આકરો લાગે કે, જાણે ભર યુવાનીમાં વિધુર ના થયાં હોય....?
ભાદરવાનો અઘરો ડુંગર ચઢીએ, ત્યારે આસોદર્શન થાય. કદાચ બાપા પણ આપણી આ મનોવેદના કળી ગયેલાં, એટલે જ એમનું પ્રાગટ્ય ભાદરવામાં થયું હશે. એ બહાને ભગતને વચગાળાની રાહત ને શ્રાદ્ધના કારણે પૂર્વજોની હુંફ મળે. બાકી ભાદરવાનું પૂંછડું હલાવીને હું કોઈ ફરિયાદ કે ફાલતું વાત કરવા આવ્યો નથી. ને જે માસમાં ગણપતિબાપાનું પ્રાગટ્ય થતું હોય, ને ઉકલી ગયેલાં પૂર્વજોનું સ્વદેશાગમન થતું હોય, ત્યારે વાહિયાત વાત કરવી આપણને શોભા પણ નહિ આપે. મોટા પગમાં નાલ્લો જોડો પહેરાય ગયો, એમ સહન કરી લેવાનું...!
બાકી મુલ વાત તો, ભાદરવાના ભીંડાની છે. તમે ક્યાં નથી જાણતાં કે, ભાદરવાના ભીંડાની સુગ મારા કરતાં પણ ચમનિયાને વધારે. માણસને માણસની સુગ હોય તે સમઝી શકાય. ને સમય જતાં એ નીકળી પણ જાય. છતાં નહિ નીકળે તો, પોતાના કરમ પોતે ભોગવે બીજું શું....? પાડોશી થોડો ડોરબેલ વગાડતો આવે કે, ‘ લાવો, આજે હું સાવ નવરો જ છું, તો તમારા થોડાંક કરમો ભોગવી આપું.....! ઈમ્પોસિબલ....! ને લોકોને સુધારવાના ઠેકા કંઈ આપણે લીધા નથી. માર્કેટમાં એવો સાબુ પણ નથી આવ્યો કે, જેને મગજ પર ઘસવાથી માણસની સુગ ને ફૂગ, બંને ધોવાઈને ચોખ્ખી થઇ જાય....! સિવાય કે પતંજલિવાળા કંઈ ટ્રાય કરે તો કહેવાય નહિ...! ટીવીમાં આવતી એમની જાહેરાત જોયાં કરવી પડે....!!
ચમનિયાનું માનવું છે કે, રામ અને રાવણને પણ ભીંડાના શાકની સુગ હોવી જોઈએ. કારણ રામાયણમાં ક્યાંય પણ ભીંડાનો ઉલ્લેખ આવ્યો જ નથી. ઇવન મહાભારતમાં પણ ભીંડા વિષે કોઈ કાંડ લખાયો નથી. એમ, અમારાં ચમનિયાને ભીંડાના શાકની ભારે સુગ...! ભીંડો જુએ ને એનું ભેજું છટકે...! ડેન્ગ્યુ-મેલેરિયા-સ્વાઈન ફ્લ્યુ કે ટાઈફોઈડના જંતુ તો એને અડવાની હિંમત નહિ કરે, પણ ભીંડાનું શાક જો થાળીમાં આવ્યું, એટલે વગર જંતુએ એને ભીંડાજન્ય તાવ ચઢવા માંડે....! નફરત તો એને ત્યાં સુધીની કે, ‘ તારક મહેતાના ઉંધા ચશ્મા “ એણે હજી એકેય એપિસોડ જોયો નથી. એટલા માટે કે, એમાં આત્મારામ ભીંડેની અટક ભીંડે છે એટલે....! એના કપાળમાં કાંદા ફોડું.....!!
કોઈને શનિ નડે, કોઈને રાહુ નડે, કોઈને મંગળ કે કેતુ નડે, ત્યારે આ બબૂચકને ભાદરવાનો ભીંડો નડે....! હવે ગ્રહોના નડતર હોય તો જપ-તપ કે મંત્રથી ભૂદેવ પણ કાઢી પણ દે. આ તો એના ભેજાંમાંથી ભીંડો કાઢવાનો....! ને આપણા ઋષિમુનિઓએ કોઈ ભીંડામંત્ર તો લખેલો નહિ. લાવે ક્યાંથી....? વિધિ કરવા માટે એકાદ તો ભીંડા નાબુદી મંત્ર જોઈએ ને...? ને જેમ ભૂદેવ નહિ મળે, એમ કથાકાર પણ નહિ મળે. પછી ભીંડાના ગુણગાન ને ભજન/આરતીથી એની વ્યથા કાઢે કોણ....? એના ભેજાંમાંથી ભીંડો કાઢવા માટે ભીંડા-યજ્ઞ પણ નહિ થાય....! આજે પણ એના મગજમાં એક જ વ્હેમ, કે પાંડવ એટલે ભીંડો, ને અંદરના દાણા એ કૌરવ....! એ ભીંડો આપણને યુધ્ધના વાઈબ્રેશન આપે બોસ...! કોઈના લગનમાં જમવા જાય તો, ચાંદલો કરવા પહેલાં પહેલાં રસોડે જઈને જાણી લાવે કે શાકમાં ભીંડો તો નથી ને....? જો ભીંડાનું શાક છે એમ જાણ્યું, તો તાબડતોબ ચાંદલા ઉપર કાપ લાવી દે....!
એ સમયે તાલ્લાકનો ચુકાદો આવેલો નહિ, પણ ભીંડામાને ભીંડામાં એની ત્રણ-ત્રણ વાઈફ તલ્લાક પામેલી. આઈ મીન ફારગતી પામેલી,,,,! કારણ એ બધીએ ચમનિયા ઉપર ધોધમાર ભીંડાનો ત્રાસ વરસાવેલો. ચોથી લાવ્યો, એ પણ ચોક પૂરી નહિ કરી શકી. એમાંય ભીંડો નીકળ્યો. પછી તો માણસ લગન કરી કરીને પણ કેટલાં કરે....? મારા જેવાંએ તો કહ્યું પણ ખરું કે, તારે વૈક બદલવાની જરૂર નથી. તું શાક બદલ....! પણ ચોથી વળી આગલી ત્રણ કરતાં આગળ વધી. એકવાર ચમનીયો ચોથીના સાસરે ગયેલો. તો સાસુએ સાત દિવસ સુધી એને ભીંડા જ ખવડાવ્યા. આટલેથી અટકી ગયાં હોત તો પણ ઠીક, પણ વિદાયમાં પાછું ભીંડાનું પોટલું પણ પકડાવી આપેલું...! આજે ૨૦ વરસ થયાં, હજી એ એના સાસરે નથી ગયો. જેના કારણે ગામમાં કહેવત પડી ગઈ કે, ‘ અટકેલો વર જ ભીંડે જાય....! ‘ભૂલમાં પણ કોઈ એ ગામમાં જાન લઈને ગયું, તો જાસાચિઠ્ઠી આવે ક , “ ભીંડા પચતા હોય તો જ ફેરા ફરજો.....! ને ફરી લીધા હોય તો ઉલટા ફરીને તરત વટી જ જજો. ભીંડા ખાયને મરી જશો....! “
જેને પણ ભીંડાની સુગ હોય, એને કહી દઉં કે, ભૂલમાં પણ કોઈ એમ કહે કે, આજે અમે રામકલીનું શાક બનાવ્યું છે, તો રામ શબ્દ સાંભળીને હરખાય નહિ જવાનું. કારણ છતીસગઢમાં ભીંડાને જ ‘ રામકલી ‘ કહેતાં હોય છે.....! આ તો ચેતતો નર સદા સુખી...!!
***