ગઝલ સંગ્રહ
વાતમાં ને વાતમાં
રાકેશ ઠક્કર
પ્રસ્તાવના
જ્યારે કોઈ તેમના નવા સર્જન વિષે વાત કરવાનું કહે ત્યારે આપણી ભાષામાં એક સારું સર્જન થઇ રહ્યું છે એ વાતનો મનને આનંદ થાય છે. આજે મારે શ્રી રાકેશ ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહની વાત કરવાની છે. આ સંગ્રહમાંથી પસાર થતાં એમ લાગે છે કે જ્યારે તેમના મનમાં કોઈ નવીન કલ્પન આવ્યું છે કે અંતરમાં કંઇક ઘૂંટાયું છે કે પછી તેમના મનની ડાળે કોઈ શબ્દપંખી આવીને બેઠું છે ત્યારે તેમણે કલમ ઉપાડી છે. તેમની ગઝલોમાં સચોટ રીતે ખેડાયેલ છંદ અને સીધી હૃદયને સ્પર્શી જાય તેવી કવિતા વાંચીને હર્ષ થાય છે. અહીં કદાચ તમને છંદની વિવિધતા જોવા નહીં મળે પરંતુ તેમની રચનાઓની ગુણવત્તા જરાય ઓછી નથી. અહીં તેઓ કંઇક અંશે પોતીકી મુદ્રા ઉપસાવવામાં સફળ રહ્યા છે. તેમના સ્વભાવની સરળતા અને સહજતા તેમની રચનાઓમાં દેખાય છે. એ તેમનું જમા પાસું કહી શકાય. કંઇ ખાસ પ્રકારના અભિનિવેશ વિના આ કવિ આજે પણ પોતાના સર્જનમાં રત છે. તેમના થોડાક શેર માણીએ જે સીધા જ ભાવકના હૃદય સાથે વાત કરે છે...
આ શેર જાણે ‘ગીતા’નો જ સંદેશ -
કર્મ એ તો આપણું છે કર્તવ્ય,
રોપણી કર, ફાલની ચિન્તા ન કર.
કહે છે કે સારી આદતો સેવતા ક્યારેક અજાણતા ખરાબ આદત પણ વળગે છે -
રોજ ઊઠી ફૂલનું કરતો જતન,
છાબમાં કંટક ભરી ચાલ્યું વરસ.
ક્યારેક આપણે કંઇ જ કહેવું નથી હોતું અને દિલ પરના ભાર વશ આપણી જાત ઉકેલી બેસીએ છીએ.
ક્યાં કશું કહેવું હતું મારે કદી પણ એમને,
વ્યક્ત થઇ ગઈ જાત, વાતમાં ને વાતમાં.
માનવ દિલનો કુદરત સાથેનો તાલમેલ જોવા જેવો છે...
મોર દિલનો આજ લાગ્યો નાચવા,
રાગ એવો સંભળાવે મેઘ તું.
કામના તો અંધારની છાયા છે, એને તો અંતરનો દીવો જ અજવાળે.
દુન્યવી કંઇ કામનાથી ભાગ તું,
અંતરે દીવો કરીને જાગ તું.
જીવવા માટે શ્વાસ જ નહીં પ્રેમ પણ એટલો જ જરૂરી છે એ વાત કેવી ખૂબીપૂર્વક કવિ કહે છે.
તાપ સૂરજનો જરૂરી હોય છે,
ખીલતો ક્યાં માત્ર જળથી છોડ છે.
જિન્દગીમાં કદીયે હાર ના માનવી એ જ સાચી સફળતા...
એ જ સાચી છે સફળતા, જાણજો
જિન્દગીમાં હારથી ના હારીએ.
જીવનનો સાચો અર્થ સમજાવતા કવિ કહે છે...
અર્થ શું લાંબી કથાનો માનવો,
હોય ના ભલીવાર એના સારમાં.
આવા તો અનેક શેર તેમની રચનાઓમાં માણવા મળશે.
તેમના આ સંગ્રહને હું સહર્ષ, સહૃદય આવકારું છું. ભવિષ્યમાં તેમની પાસેથી આવા સરસ ગઝલ સંગ્રહો મળતા રહે તેવી આશા સાથે હું અહીં વિરમું છું.
- પ્રવીણ શાહ
મારી વાત...
આમ તો હું છેલ્લાં ૨૫ વર્ષથી ગઝલનો રસિક રહ્યો છું. તેમ છતાં મારો પહેલો ગઝલ સંગ્રહ આટલો જલદી પ્રગટ કરવાની તક મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું! એ માટે માતૃભારતી એપનો આભારી છું. મારી ગઝલ શીખવાની શરૂઆત તો વીસથી વધુ વર્ષ અગાઉ થઇ હતી. કોલેજમાં ભણતો હતો ત્યારે બીલીમોરાના ડૉ. મોહનભાઇ પટેલના સંપર્કમાં આવ્યો અને દર રવિવારે વાપીથી બીલીમોરા તેમના ગઝલ પ્રશિક્ષણ વર્ગમાં અભાયાસ માટે જતો હતો. એ પછી થોડા વર્ષો સર્જન વગર નીકળી ગયા. અને ભાવનગરના કવિશ્રી સુધીર પટેલનો પત્રથી સંપર્ક થયો. તેમણે લાંબો સમય પત્રવ્યવહારથી ગઝલ અને તેના છંદ વિશે માર્ગદર્શન અને જાણકારી આપ્યા. તો પણ ન જાણે કેમ ખાસ ગઝલો લખાઇ નહિ. પણ છેલ્લા એક વર્ષથી વડોદરાના મુરબ્બી કવિ શ્રી અશોક જાની 'આનંદ' અને શ્રી પ્રવીણ શાહનો સંપર્ક થયા પછી તો પાનખરમાં વસંત આવી હોય એવું થયું. તેમની પ્રેરણાથી જ મારો બ્લોગ શરૂ થયો છે. તેઓ મને સતત માર્ગદર્શન અને પ્રતિભાવ આપતા રહ્યા છે. ગઝલના છંદ જાણવા-સમજવા માટે ઘણા પુસ્તકો વાંચ્યા છતાં આ બંને કવિમિત્રોએ મને જે શિખવ્યું એ અદ્ભુત હતું. મારામાં રહેલા કવિને તેઓ બહાર કાઢીને સતત ખીલવતા રહ્યા છે. તેમના ગુર્જર કાવ્યધારા બ્લોગ પર મારી ગઝલોને મૂકી પોરસ પણ ચઢાવતા રહ્યા છે. એમની અનુમતિ અને મહોર મળે પછી જ ગઝલ તૈયાર હોવાનું માનું છું. એટલે આ બંને વડિલ કવિ મિત્રોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સંગ્રહ માટે સમય કાઢીને પ્રસ્તાવના લખી આપવા બદલ શ્રી પ્રવીણ શાહનો અને છંદ વૈવિધ્ય, અભિવ્યક્તિમાં સરળતા જેવા જરૂરી સૂચનો કરવા બદલ શ્રી અશોક જાની 'આનંદ' નો ઋણી છું. મને મારી સાહિત્ય પ્રવૃત્તિ માટે સતત પ્રોત્સાહન આપનાર પરિવારનો સાથ હોવાનો પણ આનંદ છે. આશા છે મારા પ્રથમ પ્રયાસને આપ સૌ આવકારી આપનો પ્રતિભાવ આપશો. મારી ગઝલોને વાંચી- માણી પ્રોત્સાહન આપતા સૌનો આભારી છું.
- રાકેશ ઠક્કર, વાપી
વાતમાં ને વાતમાં
પૂર્ણ વીતી રાત ! લે આ વાતમાં ને વાતમાં,
ના હતી કૈં વાત ! લે આ વાતમાં ને વાતમાં.
ક્યાં કશું કહેવું હતું મારે કદી પણ એમને,
વ્યક્ત થઇ ગઇ જાત ! લે આ વાતમાં ને વાતમાં.
શેર એના દુ:ખનો એણે કહ્યો જ્યાં જોશમાં,
બોલવું ક્યા બાત ! લે આ વાતમાં ને વાતમાં.
લગ્નની એણે હજી તો વાત કૈં અમથી કરી,
લઇ ગયો બારાત ! લે આ વાતમાં ને વાતમાં.
માત્ર દેખાડો હતો એનો બધામાં બ્હારથી ,
જોઇ મેં ઓકાત ! લે આ વાતમાં ને વાતમાં.
ચિંતા ન કર
આજને જો, કાલની ચિંતા ન કર.
સામનો કર, હાલની ચિંતા ન કર.
કર્મ એ તો આપણું છે કર્તવ્ય,
રોપણી કર, ફાલની ચિંતા ન કર.
હો નસીબે એ મળે, ના માન તું,
છો લખ્યું ત્યાં, ભાલની ચિંતા ન કર.
ને મદદ ભગવાન તો કરશે જરૂર,
ભાર લઇ લે, ટાલની ચિંતા ન કર.
જિંદગી ‘રાકેશ’ નચવે નાચ છે,
નાચ તું બસ, તાલની ચિંતા ન કર.
સરી ચાલ્યું વરસ
રેત થઇને લ્યો સરી ચાલ્યું વરસ,
પાંદ સૂકું થઇ ખરી ચાલ્યું વરસ.
રોજ ઊઠી ફૂલનું કરતો જતન,
છાબમાં કંટક ભરી ચાલ્યું વરસ.
જોત જોતામાં ઘણાં વીત્યાં વરસ,
જિંદગી ટૂંકી કરી ચાલ્યું વરસ.
ના કદી મેં ઓળખ્યો છે ખુદને,
આયનો સાચો ધરી ચાલ્યું વરસ.
આખરે ‘રાકેશ’ પામ્યો એ ગઝલ,
આમ સૌનું સુધરી ચાલ્યું વરસ.
ધારની આ વાત છે
એમના ભણકારની આ વાત છે,
મન મહીં ઓથારની આ વાત છે.
તીર ને તલવારથી પણ છે વધુ,
જો શબદની ધારની આ વાત છે.
દીસતા એ બહારથી હળવા ભલે,
ના કળાતા ભારની આ વાત છે.
ખુદના સામે જ લડવાનું થયું,
જીતમાંની હારની આ વાત છે.
મેં હ્રદય પર એ ટકોરા મરેલા,
ના ખુલેલા દ્વારની આ વાત છે.
છંદ ને બીજું બધું 'રાકેશ' પણ,
આ ગઝલના સારની આ વાત છે.
ઉડાવી છે
એમ ખુશીને સજાવી છે,
કંઇક ઈચ્છાઓ છુપાવી છે.
એ જ તણખો નાખશે પાછા,
આગ જેણે પણ બુઝાવી છે.
આંખ એની રહે સતત ભીની,
દીકરી જેણે વળાવી છે.
તોય મારે હાથ ના રહે દોર,
ખૂબ ઊંચે ક્યાં ચગાવી છે !
એમ જગજાહેર પણ થઇ ગઈ,
વાત 'રાકેશે' ઉડાવી છે.
મેઘ તું
રાહ થોડી જોવરાવે મેઘ તું,
આજ આવે કાલ આવે મેઘ તું.
એમની યાદો સતાવે છે ઘણી,
આંખમાં ચોમાસું લાવે મેઘ તું.
છત્રી શું માગે શું માગે છાપરું,
એમ વરસે, જેમ ફાવે, મેઘ તું.
મોર દિલનો આજ લાગ્યો નાચવા,
રાગ એવો સંભળાવે મેઘ તું.
બાગ તો ‘રાકેશ’નો ખીલશે પછી,
પ્રેમ કેરા બીજ વાવે મેઘ તું.
ઢાળ આવી પહોંચશે
અબ ઘડી આ કાળ આવી પહોંચશે,
ચેત પંખી, જાળ આવી પહોંચશે.
વેર-ઈર્ષ્યાની અગન મનમાં હશે,
ક્યાંકથી તો ઝાળ આવી પહોચશે.
ક્યાં બધા સૌન્દર્યના પુજારી છે?
કોઈ કામૂક લાળ આવી પહોંચશે.
પગ વળ્યા જ્યાં સાવ ખોટા રાહ પર,
ત્યાં જ લીસ્સો ઢાળ આવી પહોંચશે.
એટલી બસ છે શરત, તું કામ કર,
રોજ ચોખા-દાળ આવી પહોંચશે.
ગીત છે
જો સમયની આ જ તો રીત છે,
હાર થાયે સો પછી જીત છે.
બોલબાલા હો ભલે જૂઠની,
સાચમાં જીવન તણું હિત છે.
કોઇપણ અવસર ભલે આવતો,
ગુંજવાને હોઠ પર ગીત છે.
આવતી હર પળને સત્કારજો,
સુખ અને દુઃખ આપણાં મિત છે.
કહો એ શક્ય છે?
કોઇ તો રોકી શકે આ ક્ષણ, કહો એ શક્ય છે?
ઝાંઝવા વિના કદી હો રણ, કહો એ શક્ય છે?
દુન્યવી જો હોય તો એ થાય છે કૈં દૂર પણ,
ભીતરે ના કોઇ હો અડચણ, કહો એ શક્ય છે?
જે હશે દેખાડશે , ખોટું કદી ના એ કહે,
સત્યથી જુદું કહે, દર્પણ કહો એ શક્ય છે ?
સાધનાની લો મદદ કે યોગની, વિચાર-ધણ,
રોકવાનું કોઇનાથી પણ, કહો એ શક્ય છે?
બારણે તો હોય છે
યાદ કૈં સંભારણે તો હોય છે,
પંખીઓ જો આંગણે તો હોય છે,
આ જનમ સુધારજો નહીંતર બધું-,
ગત જનમના કારણે તો હોય છે,
પ્રેમની જ્યોતિ જલાવી રાખજો,
હૂંફ એવા તાપણે તો હોય છે.
કાન દઇને જો ટકોરા સાંભળો,
જો ઉભા એ બારણે તો હોય છે,
લોભ-લાલચમાં ન દેખાતું કશું,
સિંહ ફસતો મારણે તો હોય છે.
અંધારમાં
રાખતા મદ એ ભલે તલવારમાં,
છે વધુ દમ આ કલમની ધારમાં.
અર્થ શું લાંબી કથાનો માનવો,
હોય ના ભલીવાર એના સારમાં.
જોર છે તો તું બતાવી દે પવન,
આજ છોડી નાવ મેં મઝધારમાં.
છીનવીને લઈ ગયા છો સૂર્યને,
એક દીપક છે ઘણો અંધારમાં.
હાર આરંભે મળે તો ખુશ છું,
જીતનો આરંભ છે આ હારમાં.
ઝૂઝવાનું મન થયું
પ્રેમને જ્યાં ઘૂંટવાનું મન થયું,
એમને બસ રુઠવાનું મન થયું
કોણ છે ને કેમ તું સામે ઊભો ?
આયનાને પૂછવાનું મન થયું.
શબ્દ-દોલત મારી પાસે જોઇને,
આ જગતને લૂંટવાનું મન થયું.
વાયુને પડકારવો છે આજ તો,
આ શમાને ઝૂઝવાનું મન થયું.
ફૂલ પર 'રાકેશ'ની આંખો ઠરી,
ઇશ ચરણે મૂકવાનું મન થયું
ધારીએ
છે મરેલા, એમને શું મારીએ,
તક મળે તો ડૂબતાને તારીએ.
એક પંખી ટહૂકતું જે બારીએ,
એ જો આવે યાદ, આંસુ સારીએ.
એ જ સાચી છે સફળતા, જાણજો
જિંદગીમાં હારથી ના હારીએ.
જિન્દગીની એવી કહેજો વારતા,
એક બે પ્રકરણ- અમે જે ધારીએ
જો હવા લાગી તો એ ભડકી જશે,
ક્રોધની આ આગ પહેલા ઠારીએ.
દાદમાં
શું કહું ફરિયાદમાં,
આવ તું વરસાદમાં.
જાતને ક્યાં મૂકવી,
બ્રહ્મ કેરા નાદમાં.
મોતનું છે આવવું,
હાલમાં કે બાદમાં.
મન તો અવઢવમાં પડ્યું,
વાદ ને વિવાદમાં.
છે ગઝલ 'રાકેશ'ની,
કંઇક દમ છે દાદમાં.
કોડ છે
હાંફતી આ જિન્દગીની દોડ છે,
એકની સાથે બીજાની હોડ છે.
છે મનોબળ જે ચઢાવે પર્વતો,
જન્મથી એના પગે તો ખોડ છે.
શાંત મન કરવું હવે મુશ્કેલ છે,
કેમકે અઢળક તને તો કોડ છે.
તાપ સૂરજનો જરૂરી હોય છે,
ખીલતો ક્યાં માત્ર જળથી છોડ છે.
જિંદગી ''રાકેશ'' લાંબી છે સફર,
અંત સમજો ત્યાં જ મળતો મોડ છે.
તાગ તું
દુન્યવી કૈં કામનાથી ભાગ તું,
અંતરે દીવો કરીને જાગ તું.
તું ખુદાને યાદ કરશે ક્યાં સુધી,
મેળવી લે જિન્દગીનો તાગ તું.
રણ સમી આ જિંદગી છે આમ તો,
છેડજે મલ્હાર જેવા રાગ તું.
છે ઘૃણા-નફરત જગતમાં એટલે,
વાંસળી થઇને હમેશા વાગ તું.
- રાકેશ ઠક્કર