Positive - Negative books and stories free download online pdf in Gujarati

પોઝીટીવ –નેગેટીવ

પોઝીટીવ – નેગેટીવ

રાકેશ ઠક્કર

''આજે નવું પંખી આવે છે...'' સવારે વ્યાસ આવ્યો એવો જ બધાના ટેબલ પાસે આનંદના સમાચાર આપતો હોય એમ કહીને પસાર થઇ ગયો.

શહેરની થોડી ઓછી જાણીતી એક ખાનગી કંપનીમાં નીરવ વ્યાસ કામ કરતો હતો. ઓફિસમાં બીજા બાર કર્મચારી હતા. પરંતુ વ્યાસ બધાથી વધુ બોલકણો હતો. ક્યારેક તો મહિલાઓને પણ પાછળ પાડી દેતો. આ ઓફિસમાં તો અત્યારે એકપણ મહિલા કર્મચારી ન હતી. એટલે તે નવી છોકરી આવી રહી હોવાની જાણ કરી રહ્યો હતો. છેલ્લા આઠ વર્ષમાં આઠ જેટલી છોકરીઓ આવી ગઇ હતી. પરંતુ ઓફિસના બોસ કમ જનરલ મેનેજર રેવાનના રંગીન સ્વભાવને કારણે કોઇ ટકતી ન હતી. ઘણા કર્મચારીઓ રેવાનને રાવન પણ કહેતા હતા, ખાસ કરીને વિતાન. આખી ઓફિસમાં આમ તો ઘણા રોમેન્ટીક હતા. પરંતુ વિતાન કુંવારો હોવાથી રોમાન્સ માટે વધુ તરસતો હતો. બોસ તેને તક આપતા જ ન હતા. કોઇપણ નવી છોકરી આવે એટલે ચક્કર ચલાવવાનું શરૂ કરી દેતા. છોકરીઓ મજબૂરીમાં શરૂઆતમાં કંઇ બોલતી નહીં પણ પછી અચાનક નોકરી છોડી જતી. અને રેવાન પણ રોતો રહી જતો. એટલે બધાને ખબર હતી કે નવી છોકરી પણ બોસની ભ્રમરવૃત્તિને કારણે લાંબા સમય સુધી રહેવાની નથી.

આજે બધાની નજર દરવાજા પર હતી. બરાબર અગિયારના ટકોરે એક યુવતી આવીને ઊભી. તે ઓફિસમાં દાખલ થતી હતી ત્યારે અસમંજસમાં હતી એ પરથી જ બધાને ખ્યાલ આવી ગયો કે આ વ્યાસે કહેલું નવું પંખી જ છે. વિતાન તો રાહ જોઇને જ બેઠો હતો. તેણે ખાનગીમાં વ્યાસ પાસેથી તેના વિશે મળે એટલી માહિતી મેળવી લીધી હતી. તે પોતાની ખુરશીમાંથી કૂદીને દરવાજા પાસે પહોંચી ગયો. અને આવકાર આપતો હોય એમ બોલ્યો:"..તમે મિસ મહેક જ ને..?'

મહેક હસીને બોલી:"હા... રેવાન સાહેબને મળવું છે."

વિતાન તેને બોસની ઓફિસ સુધી દોરી ગયો.

અને બહાર આવી વ્યાસની પાસે જઇ કહે:"યાર, આ તો હજુ નવું ઉડતા શીખેલુ પંખી લાગે છે. કોલેજમાંથી સીધું જ આવી ગયું છે."

વ્યાસ કહે:"ના રે ના, પચીસની તો છે. પણ રૂપ એવું છે કે કોલેજની યુવતી જ લાગે છે. તારો નંબર દર વખતની જેમ આ વખતે પણ લાગવાનો નથી. ખોટી ફિલ્ડીંગ ભરવાનું રહેવા દેજે...."

એક કલાક પછી પણ મહેક બહાર આવી નહીં એ પરથી વિતાનને ખ્યાલ આવી ગયો કે વ્યાસની વાત ફરી સાચી પડશે. બોસ પહેલા જ દિવસથી દાણા નાખવા લાગ્યા છે.

થોડી વાર પછી રેવાને બહાર આવી મહેકનો ટૂંકો પરિચય કરાવ્યો અને તેને રીસેપ્શન પરની તેની જગ્યા બતાવી.

મહેક થોડા દિવસોમાં બધા સાથે ભળી ગઇ. પણ કોઇની સાથે અંતરંગ રીતે વાત કરતી ન હતી. પોતાના વિશે કંઇપણ કહેવાનું ટાળતી હતી. તેના વિશે વધુ જાણવાનો ઘણાએ પ્રયત્ન કર્યો. વિતાન તો સમય મળે ત્યારે તેની પાસે કોઇ કામ લઇને પહોંચી જતો. પણ તે કોઇને મન આપી રહી ન હતી. લાંબી વાતમાં પડતી જ ન હતી. પોતાના કામ સાથે મતલબ રાખતી હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે પહેલા દિવસે પોતાની ઓફિસમાં દોઢ કલાક મહેકને બેસાડી રાખનાર બોસે તેને ફરી પાંચ મિનિટ પણ બેસાડી ન હતી. આટલી સુંદર મહેક પર રેવાનનું દિલ ના આવ્યું તેનું કારણ શોધવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. ઘણી વખત તો રેવાન જાતે બહાર આવીને મહેકને કોઇ સૂચના આપી જતો.

વિતાન તો આ વાતથી ખુશ હતો. પહેલી વખત કોઇ છોકરી માટે બોસ વિલન બની રહ્યો ન હતો. નહીંતર તો આખો દિવસ તેની સાથે ચર્ચા કરતો અને ક્યારેક તો ઓફિસના કામે સાંજ સુધી શહેરમાં ફેરવતો હતો. વિતાનની તકલીફ એ હતી કે મહેક પ્રેમના ચક્કરમાં પડી રહી ન હતી. વિતાનની ધીરજ ખૂટી રહી હતી. તેણે એક દિવસ વ્યાસને કહ્યું:"યાર, ખરેખર, મારું દિલ એના પર આવી રહ્યું છે. સાચા દિલથી હું તેને ચાહી રહ્યો છું. પણ એ તો કોઇ ઇશારો પણ સમજતી નથી."

વ્યાસ કહે:"તું એકવાર સીધું જ પૂછી લે ને કે મારી સાથે લગ્ન કરીશ?"

વિતાન કહે:"અરે ભાઇ, એમ તો ના પૂછાય. ચપ્પલ ખાવાનો વારો આવે. તેનું મન તો જાણવું જ પડે...."

"તો રહેજે કુંવારો ને કુંવારો... આવી તો ઘણી આવી અને ગઇ..." કહીને વ્યાસ તેના કામે લાગી ગયો.

વિતાન આખો દિવસ વિચારતો રહ્યો. છેલ્લે તેણે નક્કી કરી લીધું કે આ અઠવાડિયામાં જે હોય તે જવાબ મેળવી જ લેવો. સાંજે ઓફિસ છૂટવાના સમય પહેલાં તે મહેક પાસે ગયો.

"મહેક, આજે મોડું થશે કે શું? બહુ કામ છે?"

"ના. બસ હવે નીકળવું જ છે."

"..જો વાંધો ના હોય તો મારી સાથે બાઇક પર આવીશ... એક નવી કોફી શોપ ખૂલી છે. જતા આવીએ. મજા આવશે. પછી હું તને તારા ઘરે છોડી દઇશ..." હિંમત કરીને બોલેલા વિતાનનો ઇરાદો આ રીતે તેનું ઘર જોઇ લેવાનો પણ હતો. જેથી તેના પરિવારને મળીને કંઇ વાત થઇ શકે. પણ મહેક જાણે આ ઇરાદો પામી ગઇ હોય એમ સહજ રીતે નિર્ણય જાહેર કરતા બોલી:"સોરી, આજે મારી બહેનપણીને ત્યાં જવાનું છે. હું ઓટોમાં જઇ રહી છું..."

અને એક મિનિટમાં તો તે ઓફિસની બહાર નીકળી ગઇ.

એક અઠવાડિયા સુધી વિતાન કોઇને કોઇ કારણ આપી તેને લીફ્ટ આપવા પ્રયત્ન કરતો રહ્યો. પણ તેણે દાદ આપી નહીં.

એક દિવસ સાંજે મહેક ઓફિસના બિલ્ડીંગની બહાર નીકળી ગઇ પછી તરત જ વ્યાસ તેની પાસે આવીને કહેવા લાગ્યો. ''મજનૂજી, પંખીને બોસના પીંજરામાંથી કોઇ અજાણ્યો જ લઇ ઉડ્યો છે..."

"વ્યાસ, કંઇ સમજાય એવું તો બોલ."

"આજે સવારે કોઇ યુવાન મહેકને પોતાની બાઇક પર મૂકી ગયો હતો.. અને અત્યારે પણ તેની સાથે જ ગઇ છે..."

બીજા દિવસથી વિતાને પણ વોચ ગોઠવી. વ્યાસની વાત એકદમ સાચી હતી. મહેક જે રીતે મલકાતી, મસ્તીમાં બેસીને તેની સાથે આવતી-જતી હતી એ જોઇને તેને સમજાઇ ગયું કે એ ભાઇ તેનો કોઇ સગો નથી પણ સગાઇ માટે થનગની રહ્યો છે. તેને પોતાનું પત્તું કપાઇ ગયું હોવાની લાગણી થઇ.

વિતાન વિચારવા લાગ્યો. પોતે તો એના માટે પોઝીટીવ હતો. પણ તે હંમેશા એના માટે નેગેટીવ જ રહી હતી. તેણે આગળ વિચાર્યું. કદાચ બોસને પહેલાથી જ પણ ખબર પડી ગઇ હશે કે મહેક કોઇની સાથે 'એંગેજ્ડ' છે એટલે દૂર જ રહ્યા હશે.

અને દસેક દિવસ પછી વ્યાસ ખબર લાવ્યો. વ્યાસના અવાજમાં મશ્કરી કરતાં દુ:ખ વધુ ડોકાતું હતું. "વિતાન, ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત હૈ...મહેકના આવતા અઠવાડિયે લગ્ન છે. તે આ નોકરી પણ છોડી ગઇ છે. ફક્ત બોસને આમંત્રણ આપી ગઇ છે...."

વિતાનને એકદમ લાગી આવ્યું:"વ્યાસ આટલી બધી બેરુખી... આટલા મહિના સાથે કામ કર્યું તો પણ કોઇને આમંત્રણ નહીં? મારી વાત તો છોડ બીજાને પણ પોતાની ખુશીમાં સામેલ થવાને લાયક ગણ્યા નહીં?"

"અરે યાર, શું કહું તને? બોસની પાસેથી એના લગ્નની વાત જાણી ત્યારે પહેલા તો મને પણ આંચકો લાગ્યો. થયું કે વિતાન આટલો રસ બતાવી રહ્યો હતો છતાં તેનો કોઇ પોઝીટીવ કે નેગેટીવ જવાબ આપવાને બદલે ટાળી કેમ રહી હતી. પણ જ્યારે હકીકત જાણી ત્યારે હું ચોંકી ગયો. અને મનોમન એને સલામ થઇ ગઇ.."

વિતાનના મોં પર અનેક પ્રશ્ન દોરાવા લાગ્યા.

વ્યાસે તેને વધુ ન તડપાવતા કહેવાનું શરૂ કર્યું:"વિતાન, મહેકને બોસના કોઇ સંબંધીની ભલામણથી નોકરી આપવામાં આવી હતી. દરમ્યાનમાં તેના માટે છોકરો શોધવામાં આવી રહ્યો હતો. તેને ખબર હતી કે તું એના માટે પોઝીટીવ છે. એની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જશે. પણ એને જરૂર હતી તેના જેવા જ એક પોઝીટીવની...."

"હવે તું કેટલા રહસ્યો ઊભા કરીશ વ્યાસ?" વિતાનનો સ્વર સહેજ ઊંચો થઇ ગયો.

"વિતાન, મહેક એચઆઇવી પોઝીટીવ છે. તે બીજા સ્વસ્થ છોકરાની જિંદગી બગાડવા માગતી ન હતી. અને એચઆઇવી પોઝીટીવ સાથે જ લગ્ન કરવા માગતી હતી. સદનસીબે એવો યુવાન તેને મળી ગયો અને લગ્ન પણ તરત ગોઠવી દીધા. તે નહોતી ઇચ્છતી કે એક એચઆઇવી પોઝીટીવ તરીકે આપણા સૌ સામે ઊભી રહે. તેણે એ બદલ સૌની ક્ષમાયાચના પણ ચાહી છે...."

"ખુશ રહે તુ સદા યે દુઆ હૈ મેરી..." ગણગણતો વિતાન ઘર તરફ જવા નીકળ્યો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED