21મી સદીનું વેર - 24 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 24

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

શિખરને જાણે આંખ સામે દ્રશ્ય દેખાતુ હોય એમ તેણે તેની વાત કહેવાની શરૂઆત કરી.

આજથી લગભગ 7 વર્ષ પહેલાની વાત છે જ્યારે મે અમદાવાદમાં આવેલ એલ. ડી એન્જીનીયરીગ કોલેજ જોઇન કરી. એલ ડી એન્જીનીયરીંગ કોલેજ ગુજરાતની ટોપ કોલેજમાં સ્થાન ધરાવે છે તેથી ત્યાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ કોલેજમાં મે સીવીલ બ્રાંચમાં એડમીશન લીધુ હતુ. સીવીલ બ્રાંચમાં મોટાભાગે બધા છોકરાજ હોય છે પણ અમારા ક્લાસમાં ત્રણ છોકરીઓ હતી. તેમાં એક શીતલ નામની છોકરી ખુબ સુંદર હતી. એકદમ ગોરો વાન અને કાળી ભમ્મર આંખ અણીદાર નાક અને નસીલા હોઠ અને તેની ઓળખ સમાન હોઠ પર તલ. વિદ્યાર્થીના આકર્ષણનું સૌથી મોટુ કારણ હતુ તેનુ ભરાવદાર શરીર. આમપણ મને પહેલેથીજ એકદમ પાતળી છોકરી પસંદ નહોતી. તેથી જાણે મારા ઓર્ડર પર ભગવાને તે છોકરી બનાવી હોય તેવી તે હતી. મે કોલેજના પહેલે દિવસે તેને જોઇ ત્યારથીજ હું તો તેના પ્રેમમાં પડી ગયો. નાનપણથીજ છોકરી સાથે વાત કરવામાં મને બહુ ડર લાગતો. તેથી હુ દૂરથીજ તેને જોતો રહેતો પણ મારા કલાસના બીજા છોકરાતો તેની સાથે વાત કરવા માટે પડાપડી કરતા. હું તેને જોતો હોય ત્યારે તેનુ ધ્યાન મારા તરફ પડતા હુ નજર ફેરવી લેતો આવુ ઘણી વખત બનતું. એક બે વાર તેણે મારી સામે સ્માઇલ પણ કર્યુ પણ મારી તો હિંમત જ નહોતી કે કંઇ કરી શકુ. આમનેઆમ થોડા દિવસો ચાલ્યુ ધીમે ધીમે ક્લાસમાં મિત્રો પણ બની ગયા. એક દિવસ હું કોલેજના પાર્કિંગમાં મિત્રો સાથે ગપ્પા મારતો હતો ત્યાં પાછળથી મીઠો રણકો સંભળાયો. એક્સક્યુઝમી. મે પાછળ ફરીને જોયુ તો સામે શીતલ ઉભી હતી. મને તો મારી આંખ પર વિશ્વાશ નહોતો બેસતો કે શિતલ મારી સામે ઉભી છે. હું થોડીવાર તો બાઘાની જેમ ઉભો રહ્યો તેણે કહ્યુ શિખર તમે મને તમારી ગઇકાલના લેક્ચર્સની નોટ્સ આપશો? હુ કાલે કોલેજ નહોતી આવી તેથી મારે લખવાનું બાકી છે.

હું તો હજુ પણ ગાંડાની જેમ તેને જોઇને ઉભો હતો. મને તો વિશ્વાસજ નહોતો આવતો કે આખી કોલેજ જેની સાથે વાત કરવા તડપે છે તે સામે ચાલીને મારી પાસે આવી છે. મને આમ બાઘાની જેમ ઉભેલો જોઇને પાછળથી એક મિત્રે ઠોસો માર્યો. હું એકાએક વિચારમાંથી બહાર આવ્યો અને થોથવાતા બોલ્યો કોલેજ પુરી થશે એટલે તમને આપીશ. તેણે થેંક્સ કહી મારી સાથે હાથ મિલાવ્યા અને જતી રહી. હુ તો તેને પાછળથી તેને જતી જોતો રહ્યો. આ જોઇ મારા મિત્રો મને કહેવા લાગ્યા એલા તુ તો છુપો રૂસ્તમ નીકળ્યો. અમને તો ખબર પણ ન પડીને તે આપણા ક્લાસનો સૌથી હોટ માલ પટાવી લીધો.

મે તે લોકોને સમજાવતા કહ્યુ એલા ભાઇ એવુ કંઇ નથી. મને તો એજ ખબર નથી પડતી આટલા બધા છોકરાઓમાં તે મારી પાસેજ નોટ માગવા કેમ આવી?

એક મિત્ર હસતા હસતા બોલ્યો તને લોટરી લાગી ભાઇ. અને બધા મિત્રો હસી પડ્યા.

ત્યારબાદ બધા લેક્ચર્સ ભરવા ક્લાસમાં જતા રહ્યા કલાસમાં પણ તે ઘણીવાર મારી સામે જોતી હતી. અને અમારી બન્નેની નજર ટકરાતા તે હસતી. કોલેજ પુરી થતા હું પાર્કીગ તરફ ગયો તો તે ત્યાં મારી રાહ જોઇને ઉભી હતી. હું તેની પાસે ગયો અને તેને મારી નોટ્સ આપી. તેણે મને થેંક્સ કહ્યુ એટલે મે કહ્યુ અરે એમા આટલી બધી વાર થેંકસ કહેવાની કંઇ જરૂર નથી. પણ મને એક વાતની સમજ ન પડીકે તમે બીજા કોઇ પાસે નહી અને મારી પાસે જ કેમ નોટ માંગી. મે તો બીજાની જેમ ક્યારેય તમારી સાથે વાત પણ નથી કરી. આ સાંભળીને તે હસી પડી અને બોલી એ તમને નહી સમજાય એટલુ કહીને તે ચાલવા લાગી હું તો તેને દીગ્મુઢ થઇને જતા જોઇ રહ્યો. ત્યારબાદ તો અમે ઘણી વાર કલાસમાં અને પાર્કીંગમાં વાતો કરતા. ધીમે ધીમે હું પણ તેની સાથે ખુલીને વાત કરતો થઇ ગયો. અમે બન્ને ખુબ સારા મિત્રો બની ગયા. આટલી સરસ છોકરી મારી મિત્ર બની તે માટે મે ભગવાનનો આભાર માન્યો. મારા ક્લાસના ઘણા છોકરાની આંખમાં મારા માટે ઇર્ષા દેખાતી હતી. પણ અમને બન્ને ને એથી કોઇ ફેર પડતો નહોતો.

થોડા દિવસો પછી હું એક દિવસ કોલેજથી છુટીને રૂમ પર જતો હતો ત્યાં રસ્તામાં શીતલ રીક્ષાની રાહ જોઇ ઉભી હતી. મે તેની પાસે જઇ બાઇક ઉભી રાખી અને કહ્યુ ચાલ બેસીજા હુ તને તારા રૂમ સુધી છોડી જાઉ.

ના ના મને હમણા રીક્ષા મળી જશે. શિતલે કહ્યુ

મે હસતા હસતા કહ્યુ તને રીક્ષા તો મળી જ જવાની છે પણ મારા જેવી કંપની નહી મળે.

તે પણ હસી પડી અને મારી પાછળ બેસી ગઇ. મે તેને તેના રૂમ પર ઉતારી અને પછી મારા રૂમ પર ગયો.

તે પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો હું તેને દરરોજ તેના રૂમ પર ઉતારીને જ મારા રૂમ પર જતો. કયારેક અમે રસ્તે કોફી સોપમાં બેસીને ગપ્પા પણ મારતા. આમને આમ અમારી મિત્રતા ગાઢ થતી ગઇ. હવે અમે બન્ને એકબીજા સાથે ખુલીને વાત કરતા હતા. કોઇપણ ટોપીક હોય તે મારી સાથે શેર કરતી. કોલેજના બીજા બધા તો અમને પ્રેમી તરીકે જ જોતા હતા પણ હજુ સુધી અમે એ સ્ટેજ પર ઓફીશિયલી પહોંચ્યા નહોતા. જો કે અમને બન્ને ને ખબર હતીકે અમે એકબીજાને પસંદ કરીએ છીએ. માત્ર પ્રપોઝ કરવાનુ બાકી હતું જે મે વેલેંટાઇન ડેના દિવસે કરી દીધુ. તેણે મને પહેલી કિસ કરી સંમતી આપી દીધી. એ મારી લાઇફની પહેલી કિસ હતી જે હુ ક્યારેય ભુલી શક્યો નથી.

તે દર મહીને બે ત્રણ દિવસ તેના ગામ જતી. તેનુ ગામ સુરત જીલ્લાનુ માંડવી ગામ હતુ.

શિતલ જ્યારે પણ ગામથી આવતી ત્યારે બે ત્રણ દિવસ ખુબ ઉદાસ રહેતી. મે તેને ઘણીવાર આ વિશે પુછ્યુ તો તે કહેતી એ તો ઘરથી આટલુ બધુ દૂર આવીએ એટલે થોડી હોમ સિકનેશ લાગે.

મને લાગ્યુ કે જરૂર કંઇક વાત છે જે તે મારાથી છુપાવે છે પણ શિતલે ક્યારેય તે મને કહ્યુ નહી.

આમનેઆમ અમે કોલેજ પુરી કરી અને તે તેના ગામ જતી રહી. ત્યાં સુરતમાં તેણે જોબ જોઇન કરી. એંજીનીયરીંગમાં ખુબ ફુગાવો થઇ જતા તેને ખુબજ ઓછા પગારની જોબ મળી હતી. મે તો બે વર્ષ માસ્ટર કરવાનુ નક્કી કર્યુ હતુ તેથી બરોડા એમ. એસ યુનિવર્સિટિમા એમ. ઇ જોઇન કર્યુ હતુ. મહીને એકાદ વખત અમે સુરતમાં મળતા. આમનેઆમ મે એમ. ઇ પુરૂ કરી લીધુ મારે તો નોકરી કરવાની હતીજ નહી. જુનાગઢ આવી પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. ત્યારબાદ એક વખત હું સુરત શીતલને મળવા ગયો અને મે એને લગ્ન કરવા માટે વાત કરી તો તે બોલી તારા ઘરવાળા મને સ્વીકારશે? એક તો અમે આદીવાસી છીએ અને વળી અમારી આર્થિક સ્થિતી એકદમ નબળી છે. મે તેને કહ્યુ તુ તેની ચિંતા ન કર એ બધુ હું સંભાળી લઇશ. તારા ઘરે બધા સંમત થશે ખરા?

આ સાંભળી તે થોડી વાર તો વિચારમાં પડી ગઇ પછી બોલી જો શિખર મારી ઘરે તો કોઇ આ માટે તૈયાર નહી થાય એટલે આપણે તેનાથી છુપી રીતે કોર્ટ મેરેજ જ કરવા પડશે. પણ તું પહેલા તારા ઘરે વાત કર જો તે લોકો સંમત ન થાય તો પછી આપણે એકબીજાથી જુદા થવુ પડશે. આ બોલતી વખતે તેના ચહેરા પર જે પીડાના ભાવ હતા એ જોઇ મે કહ્યુ તુ ચિંતા ન કર મારા ઘરવાળાને તો હું ગમે તેમ કરી મનાવી લઇશ. ત્યારબાદ મે મારા ઘરે વાત કરી તો મમ્મીએ વિરોધ કર્યો પણ પપ્પાએ મમ્મીને સમજાવી કે તું એકવાર છોકરી જોઇ તો લે પછી આપણે વિચારીશું. ત્યારબાદ અમે એક દિવસ બધા સુરત ગયા અને ત્યાં શીતલને મળ્યા અને સાથે જમ્યા. શીતલની સુંદરતા, સાદગી અને વિવેક મમ્મીને પણ સ્પર્શી ગયા. તેથી તેણે પણ હા પાડી દીધી અને પછી અમે કોર્ટ મેરેજ કર્યા. પછીના દિવસે મે શિતલને કહ્યુ કે આપણે તારા મમ્મી પપ્પાને મળવા જઇએ. શરૂઆતમાં તો તેણે આનાકાની કરી પણ મારા બહુ આગ્રહ પછી તે ગઇ અને અમે બન્ને તેના ગામ ગયા. મે જોયુતો તેની સ્થિતી એકદમ જ ગરીબ હતી. તેના પપ્પાને દારૂ નું વ્યસન હતુ અને તેની મમ્મી મજુરી કરતી હતી. શરૂઆતમાં તો તે લોકોને અમારું આગમાન ગમ્યુ નહી પણ પછી તે લોકો એ અમારા લગ્ન સ્વીકારી લીધા અમે ત્યાંથી પાછા સાંજે નીકળી ગયા.

આટલુ એક સાથે બોલવાથી શિખર થાકી ગયો. એટલે કિશને તેને કહ્યુ કોઇ વાંધો નહી આપણે ચા નાસ્તો કરીએ પછી આગળ વધીશું એમ કહી તેણે ચા વાળાને ફોન કરી ચા અને સામેથી નાસ્તો પણ લાવવા કહ્યુ. શિખર બોલીને થાકી ગયો હતો તેથી કિશને થોડી વાર તેને શાંતિથી બેસવા દીધો. થોડીવાર બાદ એક છોકરો ચા અને નાસ્તો લઇને આવ્યો એટલે બન્નેએ ચા નાસ્તો કર્યા અને થોડીવાર એમજ બેઠા પછી. શિખરે કહ્યુ ફરીથી શરૂ કરીશું? સાંભળવાની ઇચ્છાતો કિશનને પણ હતી. પણ શિખર સામેથી વાત શરૂ કરે તેની તે રાહ જોતો હતો. શિખરે બોલવાનું શરૂ કર્યુ એટલે કિશને ફરીથી રેકોર્ડરની સ્વિચ દબાવીને રેકોર્ડીંગ ચાલુ કરી દીધુ.

શિખર ફરીથી વિચારો માં ખોવાઇ ગયો અને બોલ્યો ત્યાર બાદ પણ તે દર મહીને એકાદ બે દિવસ તેના ગામ જતી. મને હવે તેની આર્થિક પરિસ્થિતિની ખબર હતી. તેથી હું તેને દર વખતે થોડા રૂપિયા ત્યાં આપવા માટે આપતો. પણ તે જ્યારે ત્યાંથી પાછી આવતી ત્યારે ઉદાસ થઇ જતી. પણ હવે મને તેની આર્થિક પરિસ્થિતિ અને ઘરની સ્થિતિ વિશે ખબર હતી એટલે હું તેને પુંછતો નહી પણ તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો અને તે બેચાર દિવસમાં પાછી રેગ્યુલર થઇ જતી. શિતલ એકદમ અમારી સાથે હળીમળી ગઇ હતી. તે મારા ઘરનો તમામ વહેવાર સંભાળતી હતી. અને મારી મમ્મી તો તેને દીકરી જ માનતી અને શિતલ પણ તેને પોતાની મા જેવો જ આદર આપતી. આમને આમ ચાલતુ હતુ.

ત્યાં એક વખત દર વખતની જેમ તે તેના ઘરે ગઇ અને ચાર પાંચ દિવસ સુધી પાછી ન આવી તેથી મે તેને ફોન કર્યો તો તેણે કહ્યુ આ વખતે મારે થોડા દિવસ રોકાવું છે અહી મારા પપ્પાની તબિયત ખરાબ થઇ ગઇ છે. આમને આમ 15 થી 20 દિવસ થઇ ગયા. અને કહ્યુ કે હજુ મારે રોકાવુ પડશે એટલે મને શંકા ગઇકે કંઇક વાત અલગ છે. એટલે હું તેને મળવા ગયો તો મે જોયુ કે તેના પપ્પાની તબિયત તો સારીજ હતી. તેણે કહ્યુ હજુ હમણાજ સારું થયુ છે. હું થોડા દિવસ પછી આવીશ,. તેનુ વર્તન એકદમ જ અલગ હતું. તે મારી સાથે એ રીતે વાત કરતી હતી જાણે કોઇ અજાણ્યા સાથે વાત કરતી હોય. આ જોઇ હું તો ખુબ દુ:ખી થઇ ગયો હતો. પણ મે એમ માની મન મનાવ્યુ કે કદાચ તેના પપ્પાની તબિયત ખરાબ છે એના ટેન્સનને લીધે આવુ કરતી હોય.

પણ મારી આ માન્યતા થોડાજ દિવસમાં ભાંગી ગઇ. મે તેને બીજા 15 દિવસ પછી ફોન કર્યો તો તેણે ચોખ્ખુજ કહી દીધુકે હવે તે જુનાગઢ આવવા માંગતી નથી. મે તેને કારણ પુછ્યુ તો તેણે કહ્યુ બસ મારે અહીજ રહેવુ છે મારી ફેમીલીને મારી જરૂર છે. મે તેને કેટલી મનાવી તો પણ તે એકની બે ન થઇ. મે મારા મમ્મી પપ્પાને વાત કરી તો તેણે પણ તેને સમજાવવાની કોશિશ કરી. મને એવુ લાગતુ હતુ કે તે કંઇક મારાથી છુપાવે છે. મે તેને ઘણીબધી વાર કહ્યુ કે તને કંઇ પણ સમસ્યા છે તુ ખુલીને મને કહે. હું તારી સાથેજ છુ પણ તે મારી કોઇ વાત સાંભળવા તૈયાર ન હતી. આમને આમ એક વર્ષ ચાલ્યુ. હું ત્રણથી ચાર વાર તેને મળવા ગયો પણ તેણે મારી સાથે સરખી વાત પણ ન કરી. છેલ્લા બે મહીનાથી તો તેણે મારો ફોન પણ ઉપાડવાનો બંધ કરી દીધો. અને છેલ્લે આ નોટીસ મળી. એમ કહી શિખરે કિશનને નોટીસનો કાગળ આપ્યો. શિખર વાત કરીને એટલો થાકી ગયો હતો જાણે તેણે આટલા વર્ષો એક જ દિવસમાં જીવી નાખ્યા હોય.

કિશનનાં મનમાં ઘણા સવાલો થયા હતા જે તેણે નોટ કરી રાખ્યા હતા. પણ શિખરની હાલત જોઇ તેણે તે સવાલો પછી પુછવાનુ નક્કી કર્યુ. થોડીવાર શિખર ને શાંત બેસવા દીધા બાદ કિશને તેને પુછ્યુ ચા કે કોફી કંઇ પીવુ છે. શિખરે કિશનને ઇસારાથીજ ના પાડી. ત્યારબાદ કિશને શિખરને કહ્યુ હું તમને ફરી પાછા એક દિવસ બોલાવીશ ત્યારે થોડા પ્રશ્નો પુછીશ અને બીજી બધી વાત કરીશ. આ સાંભળી શિખર ઉભો થયો અને કિશન સાથે હાથ મિલાવી નીકળી ગયો. શિખરના ગયા પછી ક્યાય સુધી કિશન વિચાર કરતો બેસી રહ્યો.

શિખરના કેસમાં તેને હજુ કંઇક ખુટતુ હોય એવુ લાગ્યુ.

એ વિચારમાંજ હતો ત્યાં નેહા આવી એટલે કિશને નેહાને શિખરની ફાઇલ તૈયાર કરવા કહ્યુ એટલે નેહા એ એક નવી ફાઇલ લઇ તેના પર શિખર નુ નામ લખી તેમા કિશને આપ્યા તે બધા પેપર તેમા મુક્યા. અને ફાઇલ કિશનને આપી.

કિશને નેહાને કહ્યુ આ ટેપરેકોર્ડરમાં રેકોર્ડીંગ છે તે તુ તારા અને મારા મોબાઇલમાં નાખી દે અને તેની એક સીડી બનાવી આપણા કેસ ની જે બધી સીડી છે તેમા મુકી દે.

આ સાંભળી નેહા એ કોમ્પ્યુટર પર બેસી બન્ને મોબાઇલ કનેક્ટ કરી અને રેકોર્ડીંગ તેમા કોપી કરી દીધું.

ત્યાર બાદ કિશને નેહા ને કહ્યુ જો તારી નોટ અને પેન લઇ અહી આવીજા. શિખરની આખી વાત તો તું રેકોર્ડીંગમાંથી સાંભળી લેજે . તેના પર આપણે કાલે ચર્ચા કરીશું. અત્યારે કેસ પેપર તૈયાર કરવાની સુચના હું તને આપુ છુ તે નોટ કરી લે. ત્યાર બાદ કિશને નેહા ને સુચના આપતો ગયો તેમ નેહા લખતી ગઇ.

લખાવ્યા પછી કિશને નેહાને કહ્યુ આ બધુ હજુ કાલે આપણે કેસની ચર્ચા કરીએ પછી તૈયાર કરવાનુ છે. આજે તુ આ આખુ રેકોર્ડીંગ સાંભળી અને તને થતા પ્રશ્નો તૈયાર કરજે અને હુ પણ કરીશ. કાલે આપણે બન્ને તેના વિશે ચર્ચા કરીશું પછી નક્કી કરીશું કે આગળ શું કરવું.

આમ કહી અચાનક તેને કંઇક યાદ આવતા તેણે ફાઇલ ખોલી અને અંદરથી કાગળ કાઢી અને વાંચવાની શરૂઆત કરી. જેમ જેમ વાંચતો ગયો તેમ તેના ચહેરા પર ના ભાવ બદલાતા ગયા. એ જોઇને નેહા ને અણસાર આવી ગયો કે તેમા કઇંક તો અસ્વાભાવિક છે.

ક્ર્મશ:

કિશને કાગળમાં શુ વાંચ્યુ ? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com