Pincode - 101 - 104 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 104

પિન કોડ - 101

પ્રકરણ-104

આશુ પટેલ

ડીસીપી સાવંત મોહિનીની વાત સમજવાની કોશિશ કરી રહ્યા હતા એ વખતે જ કમિશનર શેખનો ફોન આવ્યો. સાવંતે કોલ રિસીવ કરીને કાને માંડ્યો એ સાથે એમના કાને શેખના અજંપાભર્યા શબ્દો સંભળાયા: ‘સેંટ્રલ આઈબી તરફથી ઈનપુટ્સ મળ્યા છે કે મુંબઈ પર વધુ એક આતંકવાદી હુમલાની તૈયારી થઈ રહી છે અને એ હુમલો અગાઉના હુમલાઓથી અનેકગણો વધુ ખોફનાક હશે!...’
શેખનો કોલ પૂરો થયો એ સાથે સાવંતે વાઘમારેને કોલ લગાવ્યો અને પૂછ્યું: ‘બધી જ તૈયારી થઈ ગઈ છેને? એ જગ્યામાંથી બહાર નીકળવાના બધી બાજુના રસ્તાઓ બ્લોક કરી દીધા છેને? હું થોડી મિનિટમાં જ પહોંચું છું...’
સાવંતે કોલ ડિસ્કનેક્ટ કરીને મોહિની સામે જોયું. મોહિનીને સમજાઈ ગયું કે આ અધિકારી બહુ ઉતાવળમાં છે.
મોહિની કંઈ બોલે એ પહેલાં જ સાવંતે અલ્ટિમેટમ આપી દીધું: ‘તમારી વાત ઝડપથી અને ટુ ધ પોઈન્ટ કહો.’
‘મને ખબર છે કે તમને મારી વાત ધડમાથા વિનાની લાગે છે, પણ તમે મારી પૂરી વાત સાંભળશો એટલે તમને સમજાશે કે હું જે કહેવા માગું છું એ કેટલી ગંભીર વાત છે,’ મોહિનીએ કહ્યું.
સાવંતે ઈશારાથી જ કહ્યું કે તમારી વાત પૂરી કરો.
‘મેં આ બીજાના મન પર કાબૂ મેળવવા વિશેની વાતો સાંભળી અને વાંચી ત્યારે મને થયું કે કોઈક તો એવી રીત હશે જેને લીધે સાયન્સની મદદથી પણ આ બધું કરી શકાય. મેં આ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું કારણ કે જો આ રીતે માણસના મનને ક્ધટ્રોલ કરી શકાતું હોય તો ગુનેગારોના, ભાંગફોડિયા પ્રક્રૃતિ ધરાવતા માણસોના મન પર કાબૂ મેળવીને કેટલા બધા અપરાધ અટકાવી શકાય. કેટલી બધી દુર્ઘટનાઓ નિવારી શકાય અને માનસિક રોગનો ભોગ બનતા માણસોની મદદ માટે પણ આ શોધનો ઉપયોગ કરી શકાય.’ મોહિની બોલતાં-બોલતાં અટકી. તેણે એક ઊંડો શ્ર્વાસ લીધો અને વાત આગળ ધપાવી.
‘એ વખતે મને કલ્પના પણ નહોતી કે મારી દુખતી રગ દબાવીને કોઈ મારી પાસે આવું વિનાશક કામ કરાવી લેશે.’ મોહિનીના ચહેરા પર પારાવાર વેદના હતી.
‘એક્સક્યુઝ મી, તમે એક્ઝેક્ટલી કહેવા શું માગો છો?’ સાવંતની અધીરાઈ વધી રહી હતી.
‘સૌથી ખતરનાક યુદ્ધ શારીરિક, જૈવિક કે રાસાયણિક નહીં પણ માનસિક હોય છે. કોઇ પણ માણસના મગજને ટાર્ગેટ કરી, તેના વર્તનને ક્ધટ્રોલ કરવું એ માનવતાની વિરુદ્ધ સૌથી મોટું શસ્ત્ર છે. જેને સાદી ભાષામાં સાઈકોલોજિકલ વોરફેર કહેવાય. વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ તમારા દિમાગ પર કબ્જો જમાવી લે અને ત્યાર બાદ તેના વિચારો કે માનસિકતા દ્વારા તે માત્ર એક કઠપૂતળી તરીકે તમારો ઉપયોગ કરે તો? તમારા વિચારો, તમારું વર્તન અને તમારું મન સંપૂર્ણપણે કોઈની ઈચ્છા અનુસાર વર્તવા માંડે તો? માણસોના મન પર કાબૂ મેળવવાના પ્રયોગો દુનિયામાં લાંબા સમયથી થઈ રહ્યા છે. આ બધું એટલી ગુપ્ત રીતે થતું રહ્યું છે કે સામાન્ય લોકો સુધી એ માહિતી પહોંચી જ ન શકે. છતાં આવી કેટલીક વાતો બહાર આવી છે. જેમ કે ૧૯૫૦માં સૌથી પહેલાં સીઆઈએએ પ્રોજેક્ટ એમકે અલ્ટ્રા દ્વારા માણસના દિમાગ પર કબ્જો જમાવવાના પ્રયોગો કર્યા. જોકે એ પણ એક હકીકત છે કે આ રીતના પ્રયોગો તે પહેલાં પણ વર્ષોથી થતા જ રહ્યા હતા. ડરની લાગણી કે આંચકાઓ અથવા ઉત્તેજના જેવાં આયુધો દ્વારા દિમાગનો કબ્જો જાળવી રાખવાની કોશિશ થતી રહી છે. મેં એ દિશામા સંશોધન કર્યું અને મને સફળતા મળી. પણ મારી શોધનો સદુપયોગ થવાને બદલે દુરુપયોગ થયો. અને મારી આ શોધનો ઉપયોગ તેમણે મારા પર પણ કર્યો!’
‘એટલે તમે એમ કહેવા માગો છો કે આ માઈક્રોચિપ થકી તેમના હાથમાં તમારા મગજની સ્વિચ હતી.’
‘સ્વિચ નહીં, રિમોટ ક્ધટ્રોલ. તમે રમકડાની કાર જોઈ છે? એને લેફ્ટ-રાઈટ, આગળ, પાછળ, ઊલટી-સીધી જેમ કરવી હોય એમ રિમોટ વડે કરી શકાય. બસ, એક્ઝેક્ટલી એ જ રીતે માનવીના મનના વિચારોને જેમ ઇચ્છો એમ ફેરવી શકાય અને એક વાર વિચારો પર તેમનો કાબૂ આવી જાય એટલે શરીર પર તો આવી જ જાય.’ મોહિનીએ શક્ય એટલી સરળતાથી આખી વાત સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘પણ આ બધું કઈ રીતે સંભવ બની શકે.’
‘સંભવ બની શકે નહીં સંભવ બન્યું છે અને એ પણ મેં જ કર્યું છે અથવા એમ કહું કે મારી પાસે કરાવવામાં આવ્યું છે. મારી લાગણીઓને, મારાં મા-બાપને હથિયાર બનાવીને એ લોકોએ મારી પાસે આ બધું કરાવી લીધું. તેમણે મને બંધી બનાવેલા કેટલાક માણસો પર આ રીતના હથિયારનો અભ્યાસ (એક્સપરિમેન્ટ) કરવાની ફરજ પાડી. આ માટે તેમણે સૌપ્રથમ મારી શોધના પ્રયોગો પોતાના માણસો પર કરાવ્યા અને તેમાં તેમને સફળતા પણ મળી.’ મા-બાપ યાદ આવતાં મોહિનીની આંખો ભીની થઈ ગઈ.
‘તમારી વાત હજી એક્દમ ગળે નથી ઊતરી રહી.’ સાવંતના માથા પર સળ પડી ગયા.
‘મારા મસ્તકમાંથી જે માઈક્રોચિપ કઢાઈ છે એ લો ઇલેક્ટ્રિોમેગ્નેટિક ફ્રિક્વન્સી વેવ્ઝ પર કામ કરે છે. આ વેવ્ઝ માણસના દિમાગ પર કબજો જમાવી લે છે. તેમણે મને સતત ડરમાં રાખી કે જો હું તેઓ કહે છે એમ નહીં કરું તો તેઓ મારાં મા-બાપને મારી નાખશે અને એ ભયમાં હું બધું જ કરતી રહી પણ ત્યારે મને અંદાજ નહોતો કે વાત આ હદ સુધી પહોંચશે.’
‘આ પહેલાં તમે આવા પ્રકારનો પ્રયોગ કોઈ માણસ પર કર્યો હતો?’
‘ના. મેં રિસર્ચ કર્યું હતું પણ મારી આ શોધનો ઉપયોગ કોઈ વ્યક્તિ પર નહોતો કર્યો, પણ પ્રાણી પર કર્યો હતો... પરંતુ તેમણે મને ફરજ પાડી કે હું સાઈકોટ્રોનિક વેપન્સ બનાવું અને તેમના માણસો પર આનો પ્રયોગ કરું. એનું પરિણામ પોઝિટિવ આવ્યું. મારી શોધનું સફળ પરિણામ આવ્યું એનું મને સખત દુ:ખ છે, પણ હું મજબૂર હતી.’
‘મને હજી સમજાતું નથી કે આવું કઈ રીતે બની શકે.’
‘હું હજી વધુ સરળ રીતે સમજાવું. કોઈ પણ માણસના દિમાગમાં એક માઇક્રોચિપ બેસાડી દેવાય, મતલબ કે કમ્પ્યુટરમાં હોય એવી ચિપ. આ માઇક્રોચિપની સાઇઝ ડાયામીટરમાં માત્ર ચાલીસ માઇક્રોમિલિમીટર હોય મતલબ કે તમારા કે મારા માથાના વાળ કરતાં પણ બારીક. આપણો એક વાળ પચાસ માઇક્રોમિલિીમીટર ડાયામીટર ધરાવતો હોય છે.’
‘પણ આ માઇક્રોચિપને પ્રોગ્રામ કઈ રીતે કરી શકાય. અને માની લો કે પ્રોગ્રામ કરવામાં આવે તો એ તો એક ચોક્કસ રીતે જ સંદેશાઓ આપેને? અને મગજની કોઈ નસ સાથે એ ચિપ જોડવાથી શરીરના કોઈ એક બાજુના અંગ પર કાબૂ મેળવી શકાય.’ સાવંતની બાજુમા ઊભેલા ન્યુરોસર્જને પૂછ્યું.
‘ના, મારી શોધ અત્યંત એડવાન્સ્ડ છે. દુનિયાના કોઈ પણ ન્યુરોસર્જન કે વૈજ્ઞાનિકની કલ્પના બહારની વાત છે આ...’ મોહિનીની આંખોમાં એક ક્ષણ માટે ગર્વની લાગણી ઊભરી આવી. જો કે તરત જ એ લાગણીનું સ્થાન ગ્લાનિએ લઈ લીધું! તેણે એક નિ:શ્ર્વાસ નાખીને આગળ સમજાવવા માંડ્યું.
મોહિનીએ વાત પૂરી કરી એ સાથે સાવંત અને ન્યુરોસર્જન થથરી ગયા! સપનામાં પણ વિચારી ના શકાય એવી શોધ આ યુવા મહિલા વૈજ્ઞાનિકે કરી હતી અને આખી પૃથ્વીને વિનાશ તરફ ધકેલી શકે એવી એ શોધ દુનિયાના સૌથી વધુ ખતરનાક આતંકવાદી સંગઠનના હાથમાં હતી!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED