‘સત્યના પ્રયોગો
અથવા
આત્મકથા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૨. અંગ્રેજી પરિચયો
જોહાનિસબર્ગમાં મારી પાસે એક વેળા ચાર હિંદી મહેતા થઈ ગયા હતા. તેમને
મહેતા ગણવા કે દીકરા એ નથી કહી શકતો. એટલેથી મારું કામ ન સર્યું. ટાઈપિંગ વિના તો ન જ ચાલે. ટાઈપિંગનું કંઈકે જ્ઞાન હતું તે માત્ર મને જ. આ ચાર જુવાનોમાંના બેને ટાઈપિંગ શીખવ્યું, પણ અંગ્રેજી જ્ઞાન કાચું હોવાને લીધે તેમનું ટાઈપિંગ કદી સારું ન થઈ
શક્યું. વળી આમાંથી જ મારે હિસાબ રાખનાર પણ તૈયાર કરવાના રહ્યા હતા. નાતાલથી
મારી ઈચ્છા પ્રમાણે કોઈને બોલાવી શકતો નહોતો, કેમ કે પરવાના વિના કોઈ હિંદી દાખલ
ન થઈ શકે. અને મારી સગવડને ખાતર અમલદારોની મહેરબાની માગવા હું તૈયાર નહોતો.
હું મૂંઝાયો. કામ એટલું વધી પડ્યું કે ગમે તેટલી મહેનત કરતાં છતાં મારાથી વકીલાતને અને જાહેર કામને પહોંચી વળાય તેમ ન રહ્યું.
અંગ્રેજ મહેતો કે મહેતી મળે તો હું ન લઉં એમ નહોતું. પણ ‘કાળા’ માણસને ત્યાં ગોરા તે નોકરી કરે ? આ મારી ધાસ્તી હતી. પણ મેં પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો. હું ટાઈપરાઈટિંગ એજન્ટને કંઈક જાણતો હતો તેની પાસે ગયો, ને જેને ‘કાળા’ માણસની નીચે નોકરી કરવામાં અડચણ ન હોય તેવી ટાઈપરાઈટિંગ કરનાર બાઈ કે ભાઈ મળે તો શોધી દેવા કહ્યું. દક્ષિણ આફ્રિકામાં શૉર્ટહેન્ડ લખવાનું ને ટાઈપ કરવાનું કામ કરનાર ઘણે ભાગે તો બાઈઓ જ હોય છે. આ એજન્ટે મને તેવું માણસ મેળવી આપવા મહેનત કરવાનું વચન આપ્યું. તેને મિસ ડિક નામે એક સ્કૉચ કુમારિકા હાથ લાગી. તે બાઈ તાજી જ સ્કૉટલૅન્ડથી આવી હતી. આ બાઈને પ્રામાણિક નોકરી જ્યાં મળે ત્યાં કરવામાં વાંધો નહોતો. તેને તો તુરત કામે વળગવું હતું. પેલા એજન્ટે આ બાઈને મારી પાસે મોકલી. તેને જોતાં જ મારી આંખ તેની ઉપર ઠરી.
તેને મેં પૂછ્યું, ‘તમને હિંદીની નીચે કામ કરતા અડચણ નથી ?’
તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો, ‘મુદ્દલ નહીં.’
‘તમને પગાર શું જોઈએ ?’
‘સાડા સત્તર પાઉન્ડ તમે વધારે ગણશો ?’ તેણે જવાબ આપ્યો.
‘તમારી હું જે આશા રાખું છું તે કામ તમે આપશો તો હું મુદ્દલ વધારે નથી ગણતો. તમે ક્યારે કામે ચડી શકશો ?’
‘તમે ઈચ્છો તો હમણાં જ.’
હું બહુ રાજી થયો ને તે બાઈને તે જ વખતે મારી સામે બેસાડીને કાગળો લખવાનું શરૂ કર્યું.
એણે કંઈ મારી મહેતીનું નહીં, પણ એમ માનું છું કે સગી દીકરીનું કે બહેનનું પદ
તુરત જ સહેજે લઈ લીધું. મારે તેને કદી ઊંચે સાદે કંઈ કહેવું નથી પડ્યું. ભાગ્યે જ તેના કામમાં ભૂલ કાઢવી પડી હોય. હજારો પાઉન્ડનો વહીવટ પણ એક વેળા તેના હાથમાં હતો, અને ચોપડા પણ તે રાખતી થઈ ગઈ હતી. તેણે તો મારો વિશ્વાસ સંપૂર્ણપણે સંપાદન કર્યો હતો, પણ તેની ગુહ્યતમ ભાવનાઓ જાણવા જેટલો વિશ્વાસ હું સંપાદન કરી શક્યો હોત તે મારે મન મોટી વાત હતી. તેનો સાથી પસંદ કરવામાં તેણે મારી સલાહ લીધી. કન્યાદાન આપવાનું સદ્ભાગ્ય પણ મને જ પ્રાપ્ત થયું. મિસ ડિક જ્યારે મિસિસ મૅકડોનલ્ડ થયાં ત્યારે
મારાથી તેણે છૂટાં તો પડવું જ જોઈએ. જોકે વિવાહ પછી પણ ભીડને પ્રસંગે તેની પાસેથી હું ગમે ત્યારે કામ લેતો.
પણ ઑફિસમાં જાથુ એક શૉર્ટહેન્ડ રાઈટરની જરૂર તો હતી જ. એ પણ મળી રહી. આ બાઈનું નામ મિસ શ્લેશિન. તેને મારી પાસે લાવનાર મિ. કૅલનબૅક હતા, જેમની ઓલખાણ વાંચનાર હવે પછી કરશે. આ બાઈ એક હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે.
મારી પાસે તે આવી ત્યારે તેની ઉંમર સત્તર વર્ષની હશે. તેની કેટલીક વિચિત્રતાથી મિ.
કૅલનબૅક અને હું હારતા. તે કંઈ નોકરી કરવા નહોતી આવી. તેને તો અનુભવો મેળવવા હતા. તેના હાડમાં ક્યાંય રંગદ્વેષ નહોતો જ. તેને કોઈની પરવા પણ નહોતી. ગમે તેનું અપમાન કરતાં ન ડરે, અને પોતાના મનમાં જેને વિશે જે વિચાર આવે તે કહેતાં સંકોચ
ન રાખે. આ સ્વભાવથી તે કેટલીક વાર મને મુશ્કેલીમાં મૂકતી, પણ તેનો નિખાલસ સ્વભાવ બધી મુશ્કેલીઓ દૂર કરતો. તેનું અંગ્રેજી જ્ઞાન મેં હમેશાં મારા કરતાં ઊંચા પ્રકારનું
માન્યું હતું તેથી, ને તેની વફાદારી ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી તેણે ટાઈપ કરેલા ઘણા કાગળોમાં હું ફરી તપાસ્યા વિના સહી કરતો.
તેની ત્યાગવૃત્તિનો પાર નહોતો. તેણે મારી પાસેથી ઘણા કાળ લગી તો દર માસે છ જ પાઉન્ડ લીધા, ને છેવટ લગી દસ પાઉન્ડ કરતાં વધારે લેવાની તેણે ચોખ્ખા ના જ પાડી. હું જો વધારે લેવાનું કહેતો તો મને ધમકાવતી ને કહેતી, ‘હું કંઈ પગાર લેવા નથી રહી. મને તો તમારી સાથે આ કામ કરવું ગમે છે ને તમારા આદર્શો મને ગમે છે તેથી રહુ છું.’
મારી પાસેથી તેણે તેને જરૂર હોવાથી ૪૦ પાઉન્ડ લીધેલા, પણ તે ઉછીના કહીને.
ગયે વર્ષે તે બધા પૈસા તેણે પાછા મોકલી દીધા.
તેને ત્યાગવૃત્તિ જેવી તીવ્ર હતી તેવી જ તેની હિંમત હતી. સ્ફટિકમણિ જેટલી પવિત્રતાવાળી અને ક્ષત્રીને અંજાવે એવી વીરતાવાળી બાઈઓને મળવાનું સદ્ભાગ્ય મને
પ્રાપ્ત થયું છે, તેમાંથી એક આ બાળાને હું માનું છું. આજે તો તે મોટી પ્રૌઢ કમારિકા છે.
આજની તેની માનસિક સ્થિતિથી હું પૂરો વાકેફ નથી, પણ મારા અનુભવોમાંનો આ બાળાનો અનુભવ મારે સારુ હમેશાં પુણ્યસ્મરણ રહેશે તેથી હું જે જાણું છું તે ન લખું તો હું સત્યનો દ્રોહી બનું.
તેણે કામ કરવામાં નથી રાતનો કે નથી દિવસનો ભેદ જાણ્યો. તે અધરાત મધરાત એકલી ગમે ત્યાં જવાનું હોય તોયે ચાલી જાય, ને હું જો દાઢીવાળા તેની સાથે મોકલવાનું ધારું તો તે મારી સામે રાતી આંખ કરે. હજારો દાઢીવાળા હિંદીઓ પણ તેને માનની નજરથી જોતા ને તેનું વચન ઝીલતા. જ્યારે અમે બધા જેલમાં હતા, જવાબદાર પુરુષ ભાગ્યે કોઈ બહાર હતો, ત્યારે તે એકલી આખી લડતને સાંભળી રહી હતી. લાખોના હિસાબ તેના હાથમાં, બધો પત્રવ્યવહાર તેના હાથમાં, ને ‘ઈન્ડિયન ઓપીનિયન’ પણ તેના હાથમાં, એવી સ્થિતિ હતી. પણ તેને થાક નહોતો લાગ્યો.
મિસ શ્લેશિનને વિશે લખતાં હું થાકું તેમ નથી. પણ ગોખલેનું પ્રમાણપત્ર ટાંકીને હું આ પ્રકરણ પૂરું કરું છું. ગોખલેએ મારા બધા સાથીઓનો પરિચય કર્યો હતો. તે પરિચય
કરીને તેમને ઘણાને વિશે બહુ સંતોષ થયો હતો. તેમને બધાંનાં ચારિત્રના આંક મૂકવાનો શોખ હતો. બધા હિંદી અને યુરોપિયન સાથીઓમાં મિસ શ્લેશિનને તેમણે પ્રધાનપદ આપ્યું હતું. ‘આટલો ત્યાગ, આટલી પવિત્રતા, આટલી નિર્ભયતા અને આટલી કુશળતા મેં
થોડામાં જોઈ છે. મારી નજરે તો મિસ શ્લેશિન તારા સાથીઓમાં પ્રથમ પદ ભોગવે છે.’