સત્યના પ્રયોગો - ભાગ-1 - 8 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-1 - 8

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૮. ચોરી અને પ્રાયશ્ચિત

માંસાહારના કાળનાં તેમ જ તે પહેલાંના કાળનાં કેટલાંક દૂષણોનું વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વનાં કે તે પછી તુરતના સમયનાં છે મારાએક સગાની સાથે મને હીડી પીવાનો શોખ થયો.અમારી પાસે પૈસા ન મળે.

બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાઠે ન મળે, એટલે કાકા બીડીનાં ઠુંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું.

પણ ઠુંઠાં કંઈ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડાયે ન નીકળે. એટલે ચાકરની ગાઠે બેચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડી ને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહીં એ ખબર હતી. જેમતેમ કરી બેચાર દોકડા ચોરીને થોડાં અઠવાડીયાં ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ (તેનું નામ તો ભૂલી ગયો છું) થાય છે, તેની ડાંખળી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા!

પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડયું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો.

પણ આપઘાત કઈ રીતે કરવો ? ઝેર કોણ આપે ? અમે સાંભળ્યું કે ધતૂરાના ડોડવાનાં બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો. કેદારજીને મંદિરે દીપમાળમાં ધી ચડાવ્યું, દર્શન કર્યાં ને એકાંત શોધી. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરત મૃત્યુ નહીં થાય તો ? મરીને શો લાભ ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું ? છતાં બેચાર બી ખાધાં. બીજાં ખાવાની હિંમત જ ન ચાલી. બન્ને મોતથી ડર્યા, અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.

હું સમજયો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી.

આથી જયારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્‌લ થતી જ નથી એમ કહું તો ચાલે.

આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બન્ને એઠી બીડી ચોરીને પીવાની તેમ જ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા.

મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ, અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબામાં ઘણી બીડી ફુંકાતી હોય ત્યાં બેસવું મને ભારે પડે છે ને તેના ધુમાડાથી હું ગૂંગળાઈ જાઉં છું.

બીડીઓનાં ઠુંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાના હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નકકર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.

કડું કપાયું. કરજ ફીટયું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું.

જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ

માથું ફૂટશે તો ? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ઘિ ન થાય, એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો.

આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે

લાકડની પાટ વાપરતા.

તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકયાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠાં થયા હતા તે પાછા સૂતા.

હું પણ રડયો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.

એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્યો. હું શુદ્ઘ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે :

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે.

મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં અમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે ? એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.

આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સાંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભર થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.