સત્યના પ્રયોગો - ભાગ-4 - 13 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-4 - 13

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩. ‘ઈન્ડિયન ઓપીનિયન’

હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બેત્રણ અગત્યની વસ્તુઓની નોંધ લેવાની આવશ્યકતા છે.

એક પરિચય હમણાં આપી દઉં. મિસ ડિકને દાકલ કર્યેથી જ મારું કામ હું પૂરું કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિશે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઠીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની

મેં સૂચા કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.

આ અરસામાં જ શ્રી મદનજીતે ‘ઈન્ડિયન ઓપીનિયન’ છાપું કાઢવાનો વિચાર કર્યો.

મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનં તો તે ચલાવતા જ હતા. છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉતપત્તિ ૧૯૦૪માં થઈ મનસુખલાલ નાજર અધિપતિ થયા.

પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડ્યો. મારે નસીબે ઘણે ભાગે હમેશા દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.

મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કંઈ નહોતું. તેમણે તો દેશમાં ઘણાં છાપાંને સારુ લખાણો કર્યા હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેકો લખવાની તેમણે હિંમત જ ન કરી. મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાન બોજો મારા પર ઢોળતા.

આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી, તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા.

તે વાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.

આ છાપામાં મારે કંઈ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી જ મુદતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું ન જ ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારુ જવાબદાર હતો, એમ હિંદી અને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢ્યા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકશાન થતું હતું એમ મને

લાગ્યું.

હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ

કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉન્ડ મોકલવા પડતા.

પણ આટલાં વર્ષો પછી મને લાગે છે કે એ છાપાએ કોમની સારી સેવા કરી છે.

તેમાંથી પૈસા પેદા કરવાનો ઈરાદો તો કોઈનો મૂળથી જ નહોતો.

મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’ મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ ‘ઈન્ડિયન ઓપીનિયન’ હતું. તેમાં હું પ્રતિસપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દશ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના ‘ઈન્ડિયન ઓપીનિયન’ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં

વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણીજોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારુ એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું, મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું, ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એનાં લખાણો ટીકાકારને પોતાની કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાડતાં. એ છાપા વિના સત્યાગ્રહની

લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.

આ છાપા વાટે રંગબેરંગી મનુષ્યસ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હ્ય્દય

ઠાલવનારા કાગળોના ઢગલા થતા. તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતના લખાણો

મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમાંથી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ

મારે સારુ ઉત્તમ શિક્ષણ થઈ પડ્યું. તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મળ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય થઈ, શોભી ને તેને જોર મળ્યું.

વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવાં જોઈએ એ હું ‘ઈન્ડિયન ઓપીનિયન’ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ

નિરંકુશ પાણીનો ધોધ ગામમાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે.

અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે ? પણ નકામાંને બંધ કોણ કરે ? કોણ કોને નકામું ગણે ? કામનું તે નકામું સાથે સાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.