સત્યના પ્રયોગો ભાગ-1 - પ્રકરણ - 1 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો ભાગ-1 - પ્રકરણ - 1

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રસ્તાવના

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલ્સકૅપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઇથી જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું ભાઇ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઇ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય

યરવડામાં ગાળવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકતા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઇ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા

લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો નવજીવન ને સારુ જ લખી શકાય. મારે નવજીવન સારુ કંઇક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહી ?

સ્વામાએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.

પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે હું મૌનમાં હતો ત્યારે, મે ધીમેથી નીચેનાં વાક્યો સંભળાવ્યાં :

“તમે આત્મકથા શું કામ લખવાના છો ? એ તો પશ્ચિમની પ્રથા છે. પૂર્વમાં કોઇએ

લખી જાણી નથી. અને શું લખશો ? આજે જે વસ્તુને સિદ્ઘાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો ? અથવા સિદ્ઘાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો ? અથવા સિદ્ઘાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો ?

તમારાં લખાણને ઘણાં મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્ણન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઇ

જાય તો ? તેથી સાવધાન રહી હાલ તુરત આત્મકથા જેવું કાંઇ ન લખો તો ઠીક નહીં ?”

આ દલીલની મારા મન ઉપર થોડીઘણી અસર થઇ. પણ મારે આત્મકથા ક્યાં લખવી છે ? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.

તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઇ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઇ પડે એમ હું માનું છું, - અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળા તો એ વિશેપણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઇ ગયો હોઉ એવી એક પણ ક્ષણ મને યાદ નથી. મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્‌ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ઘિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારુ લખાણ બધું એ જ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.

પણ મૂળથી જ મારો અભપ્રાય રહ્યો છે કે જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય

છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા. એ સહુ જોઇ શકે એમ મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે. પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઇ. મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નિતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થ ભાવે, નિરભિમાનપણે લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગો કરવારાઓને સારુ કંઇક સામગ્રી મળે.

આ પ્રયોગોને વિશે હું કોઇ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એના સાચાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં

ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નિપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા તો એ જ ખરાં છે, એવો દાવો હું કોઇ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્યક કરું છું કે મારી એ દૃષ્ટીએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઇ

પણ કાર્ય ન રચવું જોઇએ. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું.

અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ઘિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિશે અચલિત વિશ્વાસ રાખવો જ જોઇએ.

જો મારે કેવળ સિદ્ઘાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના ઉપર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ

મેં આ પ્રયત્નો ‘સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ચ ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું-સત્ય નહીં.

આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્યે તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચક્તિ કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજુું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી. પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોઘરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું.

આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલામાં સહેલો લાગ્યો છે. એ

માર્ગે જતાં મારી ભયંકર ભલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ઘ સત્યની -

ઇશ્વરની-ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે. એ સિવાય બીજું કાંઇ જ આ જગતમાં નથી, ્‌એવો

મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધ્યો જાય છે. એ કઇ રિતે વધતો ગયો છે એ મારું જગત એટલે

‘નવજીવન’ ઇત્યાદિના વાંચનાર જાણી પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણમારી સાથે સાથે કરે. વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો કલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠવિશ્વામિત્રના આખ્યાનમાં સ્પસ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ઘ કરે છે.

જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાંનાં નીર સમાન છે.

આત્મકથા

ભાગ ૧લો

૧. જન્મ

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથી કરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઈ

ચૂક્યો છે.’

ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઈઓ ઓરમાયા હતા એવો ખ્યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્લા તુલસીદાસ ગાંધી. બંને ભાઈએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડ્યા પછી પોતે રાજસ્થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્શનર હતા.

કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઈથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું.

પિતા કુટુંબપ્રેમી, સત્યપ્રિય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસક્ત પણ હશે. તેમનો છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજ્યના બહુ વફાદાર હતા. એક વેળા કોઈ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્યું.

તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યો.

પિતાશ્રીએ દ્રવ્ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્યો. તેથી અમ ભાઈઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.

પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ

ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઈતિહાસ-ભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ

ન મળે. આમ છતાં વ્યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્નોના ઉકેલ

કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્વાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્વરે પાઠ કરી જતા.

માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તે બહુ ભાવિક હતી.

પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હમેશાં જાય. હું સમજણો થયો ત્યારથી તેણે કદી

ચાતુર્માસ છોડ્યા હોય એવું મને સ્મરણ નથી. કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વઘ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જ્યારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્ય વાત હતી. એટલેથી સંતોષ ન વળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક

ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથીઈ જાય.

માતા વ્યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઈ કોઈ કોઈ વેળા મને મા દરબારગઢમાં સાથે લઈ જતી.

‘બામાસાહેબ’ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે.

આ માતપિતાને ત્યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની ૨જી તારીખે, પોરબંદર મને મૂકવામાં આવેલો એવું યાદ છે.

મુશ્કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઈ જ યાદ નથી. તેથી હું અનુમાર કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, એ યાદશક્તિ જે કડી અમે છોકરા ગાતા એમાંના કાચા પાપડના જેવી હશે.

એ લીટીઓ મારે આપવી જ જોઈએ :

એકડે એક, પાપડ શેક;

પાપડ કચ્ચો, -- મારો --

પહેલી ખાલી જગ્યાએ માસ્તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઈચ્છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્યકતા ન હોય.