Hathni Sundarta Tamara Hathma books and stories free download online pdf in Gujarati

હાથની સુંદરતા તમારા હાથમાં

હાથની સુંદરતા તમારા હાથમાં

મીતલ ઠક્કર

સુંદર, કોમળ અને નાજુક હાથોની ઈચ્છા કોને નથી હોતી? અને હોય પણ કેમ નહિ? કેમકે વાત કરતી વખતે લોકોનું ધ્યાન ચહેરા પછી હાથ પર તરફ જાય છે. હાથને સુંદર બનાવવા અહીં કેટલીક ટિપ્સ આપી છે. એટલે હવે હાથની સુંદરતા તમારા હાથમાં છે!

* કાયમ બાંયવાળો બ્લાઉઝ પહેરનારી મોટાભાગની સ્ત્રીઓના હાથનો ખુલ્લો ભાગ, ઢંકાયેલા ભાગ કરતાં વધારે શ્યામ હોય છે. આથી પહેલાં આખા હાથની ત્વચાનો રંગ એકસરખો થાય તે માટે દરરોજ હાથની સફાઈ કરો. એ માટે ચણાનો લોટ, લીંબુ અને ચપટી હળદરનું મિશ્રણ કરો. આ લેપ હાથ પર લગાવી સારી રીતે ચોળીને ઘસો. એ ધોઈ નાખ્યા પછી હાથ કોરા કરી કોઈ સારું મોઈશ્ચરાઈઝર લગાવી મસાજ કરો. સ્નાન કરતાં પહેલાં દરરોજ ખભા અને પીઠના ભાગને ખાટા દહીં અને ચણાના લોટથી સાફ કરો. દહીં કુદરતી બ્લીચિંગનું કામ કરે છે. આનાથી હાથની કાળાશ દૂર થઈ જશે.

* રાત્રે સુતી વખતે કોલ્ડક્રીમ અથવા ઓલિવ ઓઈલ કે પછી સૂર્યમુખીનું તેલ હાથ પર લગાવીને સુઓ. અઠવાડિયામાં એક વખત ટરકીશ ટુવાલ વડે હાથને ઘસીને સાફ કરો. શક્ય હોય તો અઠવાડિયામાં એક વખત હુંફાળા (સહન કરી શકાય તેટલાં) સૂર્યમુખીના તેલમાં પંદરેક મિનિટ સુધી હાથ ડુબાડી રાખો. અથવા તો આ પ્રયોગ કરો. હાથને હુંફાળા પાણીથી ધોઈને અર્ધા સુકા કરો. ત્યારબાદ તરત જ તેની ઉપર ક્રીમ લગાડી હાથને પ્લાસ્ટિક વડે ઢાંકી દો. પ્લાસ્ટિક ઉપર હુંફાળા પાણીમાં ભીંજવેલાં ટુવાલ વીંટાળી દો. પંદરેક મિનિટ રહેવા દો. આટલું કરવાથી તમારા હાથનો સ્પર્શ તમને પોતાને જ ગમવા માંડશે.

* એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી ટામેટાંનો રસ. આ ત્રણેયને મેળવી હાથ પર લગાવો. આનાથી હાથના ત્વચાની કાળાશ દૂર થાય છે અને ત્વચા નિખરવા માંડે છે.

* ક્લીન્ઝર તરીકે હાથ માટેના પેકની માહિતી. એક ચમચી મધ, એક ઇંડાનો સફેદ ભાગ, એક ચમચી ગિલ્સરિન, બે ચમચી જવનો લોટ ભેળવી પેસ્ટ બનાવવી અને હાથ પર લગાડવી. સુકાઇ ગયા બાદ અડધો કલાક રહીને હાથ ધોઇ નાખવો.

* તમારા હાથ શુષ્ક હોય તો નાઈટ ક્રીમથી મસાજ કર્યા પછી કલીનઝીંગ ક્રીમ કે જેલ લગાડી હૂંફાળા પાણીથી ધોઈ કોરા કરી દેવા. છેવટે હાથ પર લગાડવાના ક્રીમ વડે હાથ પર માલીશ કરો.

* હાથ અને બગલના ભાગની પૂરી સફાઈ માટે વેક્સ પણ જરૂર કરો. વેક્સ કરેલું નહીં હોય તો ગમે તેટલી સફાઈ કરી હશે તો પણ નકામી ગણાશે. ઉનાળામાં જો બહાર જવાનું થાય તો બહાર નીકળતાં પહેલાં ખુલ્લાં રહેતા ભાગ પર સનસ્ક્રીન અચૂક લગાવો અને છત્રી લેવાની ભૂલશો નહીં.

* હાથ વધુ પડતા ખરબચડા હોય તો હાથને થોડીવાર સુધી હૂંફાળા પાણીમાં રાખો. પછી હાથોને સૂકવી બદામનું તેલ લગાવો. અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી ચણાનો લોટ મેળવી પાણીની મદદથી પેસ્ટ બનાવો. સાબુને બદલે આ પેસ્ટથી હાથને સાફ કરવાથી મેલ તથા ખરબચડાપણું દૂર થઈ જાય છે.

* હાથ પર કસમયે આવેલી કરચલીઓ દૂર કરવા માટે એક ચમચી જૈતુનનું તેલ મેળવી હલકું ગરમ કરી ધીરે ધીરે હાથ પર માલિશ કરો. કરચલીઓ દૂર થઈ હાથ કોમળ અને સુંદર બને છે.

* મોટા ભાગની વ્યક્તિઓ હાથ ઝટપટ ધોઇ નાખતા હોય છે. હાથ ધોવાની સાચી રીતમાં જે પણ સાબુ વાપરતા હો તેનો ઉપયોગ કરી ઓછામાં ઓછી ૩૦ સેકન્ડ સુધી વહેતા પાણીમાં રાખવા જોઇએ.

* હાથ પરની મૃત ત્વચા દૂર કરી હાથને મુલાયમ કરવા ૫૦ ગ્રામ ઘઉંની થૂલી, ૧૦ ગ્રામ મીઠું, ૨૦ ગ્રામ કોઇ પણ તેલ અને પાણી લઇ પેસ્ટ બનાવવી. સ્નાન પૂર્વે હાથ પર લગાડી સુકાઇ જાય પછી ઉબટન દૂર કરવું. હાથની મૃત ત્વચા દૂર થશે. સ્નાન બાદ હાથ પર મોઇશ્ચરાઇઝર લગાડવું. રાતના સૂતા પહેલાં હાથ પર ૨૫ મિ.લી. જૈતૂનનું તેલ, ૧૫ મિ.લી. ગ્લિસરીન, ૨.૫ મિ.લી.તલનું તેલ લઇ ભેળવી એક શીશીમાં રાખી લેવું. નિયમિત લગાડવું. આ ઉપાય કરતી વખતે ફાયદા માટે હાથ પર સાબુ લગાડવો નહીં.

* હાથ અને નખ રોજ સારી રીતે સ્વચ્છ કરવા. જેથી તેમાં ફસાયેલો મેલ નીકળી જાય. જેથી બેકટેરિયા ઇન્ફેકશન થવાની શક્યતા ન રહે.

* હાથની સંભાળ માટે સાકર અને લીંબુને ભેળવી હાથ પર સાકર ઓગળે ત્યાં સુધી હળવે હાથે રગડવું. અને પછી હાથ ધોઇ નાખવા. સંતરાની તાજી છાલને હાથ પર રગડવી. ત્વચા સાફ થઇ જશે. બદામ અને મધ સપ્રમાણ માત્રામાં ભેળવી નખ અને ક્યુટિકલ્સ પર હળવે હળવે માલિશ કરવું અને ૨૦ મિનિટ બાદ હાથ ધોઇ નાખવા.

* ગરમીમાં, બપોરના તાપમાં સ્લીવલેસ પહેરીને ફરવાથી આખા હાથ ઉપર સનટેનીંગ થાય છે. હાથનો બધો ભાગ ખૂલ્લો રહે છે તેથી તેને સૂરજનો તાપ લાગતાં રંગદ્રવ્યો (વિગમેન) વધે છે અને તેથી તે કાળાશ પકડે છે. આથી ઘરની બહાર સ્લીવલેસ પહેરીને ફરવું હિતાવહ નથી. ઘરમાં પહેરો તો ચાલે.

* હાથની ત્વચાને ગોરી અને સુંદર બનાવવા માટે સંતરાની છાલને સુકવી એનો પાવડર બનાવો. ત્યારબાદ પાવડરમાં યોગ્ય માત્રમાં દૂધ ઉમેરી એનો ગાઢ પેસ્ટ બનાવો. આ પેસ્ટને હાથ અને પગ પર લગાવી થોડી વાર મસાજ કરીને સ્વચ્છ પાણીથી હાથ પગને સાફ કરો. ફરક જરૂર દેખાશે.

* ઉનાળામાં વધારે ધૂળ ઊડવાને કારણે હાથ-પગની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેથી સ્નાન કરતી વખતે તેને બ્રશ વડે સારી રીતે સાફ કરો અને દર ૧૫ દિવસે મેનીક્યોર અને પેડીક્યોર કરાવો. હાથપગમાં એવા રંગની નેલપોલિશનો ઉપયોગ કરો કે જેથી તે વધુ સ્વચ્છ અને સુંદર દેખાય. બહાર નીકળતી વખતે હાથ, ગરદન-પીઠ અને પગ પર સનસ્ક્રીન લોશન અવશ્ય લગાવો.

* પગની આંગળીઓ વચ્ચે પાઉડર લગાવો તથા પગનાં તળિયે પણ પાઉડર લગાવો, જેથી પરસેવાની દુર્ગંધ આવે નહીં.

* એક ચમચી મધ, એક ચમચી બદામનું તેલ બંનેને મેળવી હાથ પર ઘસો. એક કલાક સુધી કોઈ કામ ન કરો. તે પછી હાથને તાજા પાણીથી ધોઈ લો. આ રીતે દરરોજ કરતાં રહેવાથી સખત હાથ પણ કોમળ બની જાય છે અને કરચલીઓ પણ મટી જાય છે.

* મહિલાઓના હાથ કિચનમાં, ઘરમાં અને અન્યત્ર કામ કરીને ખરાબ થઈ જાય છે. જેની સીધી અસર નખ ઉપર પડે છે. નખ સૂકા ખરબચડા કે બટકણા થઈ જાય છે. આમ હાથ સ્વસ્થ રાખવા માટે હોટ ઓઈલ મેનિક્યોર કરાવવું જરૃરી છે. આ ટ્રિટમેન્ટ પાર્લર અથવા સ્પામાં જઈને કરાવવું મોંઘુ પડે છે. જો તમારે નાણાનો વ્યય ન કરવો હોય તો તમે ઘરે જ મેનિક્યોર કરી શકો છો.

* લીંબુ અને મધને ભેળવી હાથ પર લગાડવું, સુકાઇ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઇ નાખવું. ત્વચા મુલાયમ તેમજ ચમકતી થશે.

* બહારથી ઘરમાં આવ્યા બાદ સૌથી પહેલાં સાબુથી હાથ ધોવા. ફક્ત સાબુ લગાડવાથી બેકટેરિયા દૂર થતા નથી, પરંતુ સાબુવાળા હાથ પાણીથી ધોવાથી બેકટેરિયા પાણી સાથે વહી જાય છે.

* હાથ પરની કરચલી મટાડવા માટે હાથ પર બટાકાનો રસ ઘસો.

* જો તમારે પાણીમાં વધારે સમય સુધી કામ કરવાનું હોય તો પ્લાસ્ટિકના મોજાનો ઉપયોગ કરો. આવી જ રીતે વાળમાં મહેંદી નાંખતી વખતે પણ મોજાનો જ ઉપયોગ કરો.

* તડકામાં બહાર જતી વખતે ચહેરાની સાથે સાથે હાથ પર પણ સનસ્ક્રીન લગાવવાનું ન ભુલશો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED