Pincode - 101 - 102 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 102

પિન કોડ - 101

પ્રકરણ-102

આશુ પટેલ

સાંજના રશ અવર્સમાં બે લોકલ ટ્રેનો ચર્ચગેટ સ્ટેશનમાં પણ અકલ્પ્ય ઝડપે પ્લેટફોર્મ પર ચડી ગઈ. એમાની પહેલી ટ્રેન તો છેક સબવે સુધી ધસી ગઇ. એ દરમિયાન જ હેરિટેજ ઇમારતોમાં સ્થાન પામતા ઐતહાસિક છત્રપતિ શિવાજી ટર્મિનસની અત્યંત મજબૂત દીવાલ તોડીને હૉલીવૂડની કોઇ ફિલ્મના દ્રશ્યની જેમ એક લોકલ ટ્રેન છત્રપતિ શિવાજી સ્ટેશનના કમ્પાઉન્ડમાં ધસી આવી! આ ખોફનાક આતંકવાદી હુમલાઓમાં હજારો ઉતારુઓ માર્યા ગયા હોવાની આશંકા છે. ફ્લાઇંગ કારથી થયેલા આતંકવાદી હુમલાઓના આઘાતમાંથી મુંબઇ હજી બહાર નહીં આવી શક્યું ત્યાં ભારતની આર્થિક રાજધાની પર વધુ ખોફનાક હુમલાઓ થયા છે. અગાઉના હુમલાઓને કારણે હજી મુંબઇમાં ટ્રાફિકની હાલત પણ થાળે નથી પડી ત્યાં તો મુંબઇના લોકલ રેલવે નેટવર્કને જબરદસ્ત ફટકો પડ્યો છે. હજી થોડા દિવસ અગાઉના આતંકવાદી હુમલાઓને કારણે મુંબઇના ઍરપોર્ટનો કેટલોક હિસ્સો પણ બંધ પડ્યો છે. ‘મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેનોનો મિસાઈલની જેમ ઉપયોગ કરીને થયેલા આતંકવાદી હુમલાઓને કારણે આખો દેશ ધ્રૂજી ઊઠ્યો છે. આ હુમલાઓને કારણે વડા પ્રધાન વિદેશની મુલાકાત ટૂંકાવીને મુંબઈની મુલાકાતે આવવા નીકળી ચૂક્યા છે...’
ટીવી પર ન્યૂઝ જોઇ રહેલા અલ્તાફ હુસેનના ચહેરા પર ખુશહાલી ઊભરી આવી અને તે અટ્ટહાસ્ય કરી ઊઠ્યો.
* * *
‘અલ્લાહ કા શુક્ર હૈ.’ ઇશ્તિયાક આઇએસના સુપ્રીમો અલ્તાફ હુસેન સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ‘પિન કોડ વન ઝીરો વન’ માટે બધી તૈયારી થઇ ગઇ છે?’ અલ્તાફ હુસેને પૂછ્યું.
‘બધું જ ગોઠવાઇ ગયું છે. બસ હવે થોડા કલાકનો ઇંતેઝાર અને આપને ફત્તેહ મેળવીશું.’
‘તું મુંબઇ છોડીને બહાર નીકળી જા હવે.’ અલ્તાફે સૂચના આપી.
‘મારું અહીં રહેવું જરૂરી છે. છેલ્લી ઘડીએ કોઇ ગરબડ ના થાય એ માટે અહીં મારી હાજરી
જરૂરી છે.’
‘તારા જેવો માણસ મારે ગુમાવવો નથી.’ અલતાફ હુસેને કહ્યું.
‘એક ઇશ્તિયાક શહીદ થશે તો બીજા દસ હજાર ઇશ્તિયાક ઊભા થશે. મારું અહી રહેવું જરૂરી છે. કોઈ પણ કાળે મિશન નિષ્ફળ સાબિત ના થવું જોઈએ.’ ઇશ્તિયાકે મક્કમ અવાજે કહ્યું.
* * *
મોહિની હોશમાં આવી ત્યારે તેને એ સમજતા થોડી વાર લાગી કે પોતે ક્યાં છે. તે બહાવરી નજરે આજુબાજુ જોવા લાગી. તેને પોતાની આજુબાજુમાં નર્સ અને પોલીસમેન દેખાયા. પોતે હૉસ્પિટલમાં ક્યાંથી આવી ગઈ એ સમજતા તેને થોડી વાર લાગી. તેને યાદ આવ્યું કે સાહિલ તેને ઈશ્તિયાકના અડ્ડામાંથી છોડાવીને ભાગ્યો હતો. અને પછી તે બન્ને પોલીસના હાથમાં ઝડપાઈ ગયા હતા. મગજ પર બહુ ભાર દીધા પછી પણ તેને છેલ્લે એ જ યાદ આવતું હતું કે તેને અને સાહિલને પોલીસ વેનમાં લઈ જવાઈ રહ્યા હતા. એ પછી શું થયું તે યાદ કરવાની એ કોશિશ કરી રહી હતી એ દરમિયાન એક સિનિયર પોલીસ અધિકારી તેને જ્યાં રખાઈ હતી એ રૂમમાં ધસી આવ્યા. તે મોહિનીના બેડ તરફ આગળ વધી રહ્યા હતા એ વખતે તેની સાથે ચાલી રહેલા ડૉક્ટરે તેમને કહ્યું: ‘આ યુવતીના લમણામાં મગજને જોડતી મુખ્ય નસમાં એક માઈક્રો ચીપ બેસાડેલી હતી.’
ડૉક્ટરના એ શબ્દો સાંભળીને મોહિની ચોંકી ઊઠી. તેણે ઊભા થવાની કોશિશ કરી. બાજુમાં ઊભેલી બે નર્સમાંની એક નર્સે તેના ખભા પર વજન આપીને તેને ઊભા થતા અટકાવી.
ડીસીપી સાવંતના આદેશથી મોહિનીને તાબડતોબ કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં લઇ જવાઇ હતી. તેને હૉસ્પિટલ લઈ જવાઈ ત્યારે તેના માથામાંથી વહી રહેલું લોહી બંધ કરવા માટે તેના માથા પર પાટો બાંધવાની અને તેના મસ્તકમાં અંદર કોઈ ઇજા થઇ છે કે હિમેટોમાં (લોહીની ગાંઠ) છે કે નહીં એ જાણવા માટે એમઆરઆઈ કરવાની સૂચના આપી હતી. એમઆરઆઈને કારણે ખબર પડી હતી કે તેના લમણામાં મગજને જોડતી મુખ્ય નસમાં માઈક્રો ચીપ બેસાડેલી છે. ડૉક્ટરોએ નાનકડી સર્જરી કરીને એ માઈક્રો ચીપ બહાર કાઢી હતી.
ડૉક્ટરના શબ્દો સાંભળીને થોડી ક્ષણો માટે સ્તબ્ધ બની ગયેલી મોહિનીને માનસિક કળ વળી એટલે તેણે નખાઈ ગયેલા અવાજે કહ્યું: ‘આઈ વોન્ટ ટુ ટેલ સમ વેરી ઈમ્પોર્ટન્ટ થિંગ્સ.’
ડૉક્ટરે તેને કહ્યું કે તમારે જે પણ કહેવું હોય એ સૂતા સૂતા જ કહો.
અચાનક મોહિનીના મનમાં એક વિચાર ત્રાટકી ગયો. તેના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. તેણે ઈશારો કર્યો કે મને કાગળ અને પેન આપો. ડૉક્ટરને અને પેલા પોલીસ અધિકારીને નવાઈ લાગી. મોહિની વિહ્વળ બનીને ઈશારો કરી રહી હતી. તેને લાગ્યું કે કદાચ આ રૂમમાં કાગળ-પેન નહીં હોય એટલે તેણે ઈશારો કર્યો કે મને તમારો મોબાઈલ ફોન આપો.
ડૉક્ટરે તેને કહ્યું: ‘તમે ધીમા અવાજે બોલી શકો છો.’
પણ મોહિનીએ પોતાના નાક પર આંગળી મૂકીને ડૉક્ટરને આગળ બોલતા અટકાવવાની કોશિશ કરી.
એ દરમિયાન એક નર્સે તેના હાથમાં કાગળ અને પેન આપી દીધા હતા.
મોહિનીએ થોડા પરિશ્રમ સાથે કાગળ પર લખ્યું કે આ રૂમમાં થઈ રહેલી તમામ વાત કોઈ સાંભળી રહ્યું છે!
એ વાંચીને ડૉક્ટર અને પેલો પોલીસ અધિકારી ચોંકી ઊઠયા.
મોહિનીએ આગળ લખ્યું: તમે જે માઈક્રો ચિપની વાત કરી રહ્યા છો એ ચિપ આ રૂમમાંથી બહાર લઈ જાઓ. નહીં તો હું જે કહીશ એ બધી વાતો આતંકવાદીઓ સાંભળશે. અને બીજું જોખમ એ પણ છે કે કદાચ આ રૂમમાં પણ આતંકવાદીઓના માણસો હોઈ શકે!
પેલા પોલીસ અધિકારીએ બન્ને નર્સ અને રૂમમાં તહેનાત પોલીસ કર્મચારીઓને રૂમની બહાર જવાનો ઈશારો કર્યો. બધા બહાર નીકળી ગયા એ પછી ડૉક્ટરે કહ્યું: એ માઈક્રો ચિપ મારી કેબિનમાં પડી છે.
પોતાની વાત કોઈ સાંભળી નથી રહ્યું એની ખાતરી થઈ ગઈ એટલે મોહિનીએ ધીમા અવાજે એ માઈક્રો ચિપ વિશે માહિતી આપવા માંડી. એ સાંભળીને ડૉક્ટર અને તેમની સાથેના પોલીસ અધિકારી સ્તબ્ધ થઈ ગયા.
* * *
‘મુંબઈ પર નવા આતંકવાદી હુમલાની તૈયારી થઈ રહી છે.’ સેંટ્રલ આઈબીના આઈજીપી પવન દીવાન પોલીસ કમિશનર શેખને ફોન પર કહી રહ્યા હતા.
‘વોટ?’ શેખ ચોંકી ઊઠ્યા.
‘હા. અમારા સિનિયર ઈંટેલિજન્સ ઑફિસર ક્રિશ્નકુમારે હમણા જ મને માહિતી આપી કે મુંબઈ પર વધુ ખતરનાક હુમલાઓની તૈયારી થઈ રહી છે.’
‘એ હરામખોરોને આટલા ખતરનાક હુમલાઓથી સંતોષ નથી થયો હજી? આથી વધુ ખતરનાક હુમલાઓ શું હોઈ શકે?’ શેખે આઘાતભર્યા અવાજે કહ્યું.
‘અમારા ઑફિસરને પણ હમણા જ માહિતી મળી. એ સાથે તેણે તરત જ મને કોલ કર્યો. વરસોવા કબ્રસ્તાન નજીકની પેલી જગ્યામાં થોડી વાર પહેલા બહુ ધમાલ મચી ગઈ હતી અને એમાં ઘણા બધા માણસો માર્યા ગયા હતા. એ લોકોએ કેટલીક વ્યક્તિઓના અપહરણ કર્યા હતા એમાંથી એક યુવાન અને એક યુવતી ભાગી છૂટ્યા છે. તે બન્ને ભાગ્યા એ દરમિયાન સામસામા બેફામ ગોળીબાર થયા હતા અને એમાં અનેક માણસો માર્યા ગયા હતા.’ દીવાને કહ્યું.
‘એ જગ્યામાંથી ભાગી નીકળેલા યુવક-યુવતી અમારા કબજામાં છે, પણ યુવતી બેહોશ છે અને યુવાન વિચિત્ર વર્તન કરી રહ્યો છે. તેણે ચર્ચગેટ અને સીએસટી પર હુમલાઓ અટકાવવાનો પડકાર ફેંક્યો હતો, પણ એ સિવાયના હુમલાઓ વિશે એ કશું બોલ્યો નથી. તમારા ઑફિસરના ખબરી પાસે કશી વધુ માહિતી છે કે હવે પછી ક્યાં અને કેવા પ્રકારના હુમલાઓની તૈયારી થઈ રહી છે?’ શેખના અવાજમાં ભયંકર તનાવ વર્તાતો હતો.
‘મારા ઑફિસરના ખબરી પાસે એટલી જ એટલી માહિતી છે કે હવે પછીના હુમલાઓની તૈયારી થઈ રહી છે અને એ હુમલાઓ માટેનો કોડવર્ડ છે: પિનકોડ વન ઝીરો વન!’

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED