પિન કોડ - 101 - 101 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 101

પિન કોડ - 101

પ્રકરણ-101

આશુ પટેલ

અચાનક ચર્ચગેટ સ્ટેશન ખાલી કરીને બહાર નીકળી જવાનું એનાઉન્સમેન્ટ થયું એટલે ગભરાઇ ગયેલા ઉતારુઓ બહાર જવા માટે દોડ્યા. ઓફિસમાંથી છૂટેલા મુંબઇગરાઓને કારણે સ્ટેશનમાં ભયાનક ભીડ હતી. એ અંધાધૂંધીમાં કેટલાય માણસો નીચે પટકાયા અને બીજા ઉતારુઓના પગ નીચે ચગદાયા. જો કે સ્ટેશનમાંથી ઉતારુઓ બહાર દોડ્યા એ વખતે બહારથી પણ મોટી સંખ્યામાં ઉતારુઓ અંદર આવી રહ્યા હતા એટલે તમામ દરવાજાઓ પાસે અકલ્પ્ય અંધાધૂંધી સર્જાઇ. થોડા દિવસ અગાઉ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાઓને કારણે ચર્ચગેટ સ્ટેશનમાં સામાન્ય રીતે હોય એથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. પણ સૈલાબ આવે ત્યારે તણખલાની જેવી દશા થાય એવી એમની હાલત હતી. તેમણે લોકોને પેનિક ન થવા માટે સમજાવવાની કોશિશ કરી, પણ કોઇ તેમની વાત કાને ધરવા તૈયાર નહોતું. મોતના ડરથી ભાગી રહેલા માણસમાં હોશહવાસ હોતા નથી અને એવા સમયે પોલીસનો ડર પણ રહેતો નથી. પોલીસ કર્મચારીઓ પબ્લિકને સમજાવવાની નિરર્થક કોશિશ કરી રહ્યા હતા એ દરમિયાન પબ્લિક તેમને પણ ધક્કે ચડાવી રહી હતી.
* * *
‘બધી જ ડિવાઇસ ઓન કરી દીધી ને?’ ઇશ્તિયાક પેલા વૈજ્ઞાનિકને પૂછી રહ્યો હતો. તે વૈજ્ઞાનિક અને તેના સહાયકોની એકદમ નજીક આવી ગયો હતો અને ટેબલ પર ગોઠવાયેલા જુદાં જુદાં લેપટોપના સ્ક્રીન પર નજર રાખી રહ્યો હતો.
વૈજ્ઞાનિકે હકારમાં માથું ધૂણાવ્યું. તેનું અને તેના સહાયકોનું ધ્યાન લેપટોપ્સમાં કેન્દ્રિત થઇ ગયું હતું.
‘આપણો પહેલો માણસ હમણાં ચર્ચગેટ સ્ટેશનમાં પ્રવેશી જશે.’ વૈજ્ઞાનિકે પોતાના મોબાઇલ ફોન પર જ નજર રાખીને કહ્યું.
‘બીજો માણસ મસ્જિદ બંદર અને સીએસટીની વચ્ચે છે, એ પણ અડધી મિનિટમાં સીએસટીમાં પહોંચી જશે.’
‘અલ્લાહ કા શુક્ર હૈ. અબ તુમ્હારે હાથો મેં હૈ સબ. યે નેક કામ કે લિયે તુમ સબ કો જન્નત નસીબ હોગી.’ ઇશ્તિયાકે એ બધાને પાનો ચડાવતા કહ્યું.
‘થ્રી...
ટુ...
વન.’
વૈજ્ઞાનિક બોલ્યો.
તેના એક સહાયકે પણ એ શબ્દો રિપિટ ર્ક્યા.
લેપટોપ્સના સ્ક્રીન પર નકશો આપોઆપ ઝૂમ થતો જતો હતો અને કેટલાક લાલ ટપકા ચર્ચગેટ અને સીએસટી સ્ટેશન તરફ ધસી રહ્યા હતા. ઇશ્તિયાક ઉત્તેજિત બનીને સ્ક્રીન પર જોઇ રહ્યો હતો.
* * *
ચર્ચગેટ સ્ટેશનમાં અભૂતપૂર્વ અને અકલ્પ્ય માહોલ સર્જાયો હતો. હજારો લોકો દરવાજાઓ તરફ અને સબવે તરફ ભાગી રહ્યા હતા. ગભરાઇ ઉઠેલી એનાઉન્સર એનાઉસમેન્ટ કરીને શાંતિપૂર્વક બહાર નીકળવાની વિનંતી કરી રહી હતી. જો કે ઉતારુઓને માત્ર દરવાજા સુધી પહોંચીને બહાર નીકળી જવા સિવાય બીજી કોઇ વાત સાંભળવામાં રસ નહોતો કે એવા હોશ પણ નહોતા.
એ દરમિયાન એક વિરાર ફાસ્ટ લોકલ ટ્રેન મરીન ડ્રાઈવ સ્ટેશન છોડીને ધસમસતી ચર્ચગેટ તરફ આગળ વધી રહી હતી. એ ટ્રેનમાં બેઠેલા ઘણા ઉતારુઓ મરીન ડ્રાઇવ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ અને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનથી રિટર્ન થયા હતા. ટ્રેનમાં બેસવા મળે કે બારી પાસે ઊભા રહેવા મળે એ લાલચમાં આ રીતે ઘણા મુંબઈગરા ઉતારુઓ થોડા સ્ટેશનોથી ઊંધી મુસાફરી કરી રહ્યા હતા. અને પછી એ જ ટ્રેનમાં બોરીવલી કે વિરાર તરફ જવાના હતા.
એ ટ્રેન મરીન ડ્રાઈવ સ્ટેશનથી થોડી આગળ નીકળી છતાં તેની સ્પીડ ઘટી નહીં, બલકે ટ્રેનની સ્પીડ ભયજનક હદે વધી ગઈ! ટ્રેનમાં બેઠેલા ઉતારૂઓના મોતિયા મરી ગયા. એ ટ્રેન મહત્તમ સ્પીડ પર દોડી રહી હતી. ચર્ચગેટ એક્દમ નજીક આવી રહ્યું હતું અને એ સ્ટેશનમાં ડેડ એન્ડ હોવા છતાં મોટરમેને બ્રેક મારવાને બદલે સ્પીડ વધારી દીધી હતી. એ નવી લોકલ ટ્રેન હતી, જે કલાકના એકસોત્રીસ કિલોમીટરની ઝડપે દોડી શકતી હતી. હજી ગયા મહિને જ વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવેમાં આવી કેટલીક ટ્રેનો દોડતી થઇ હતી. કલાકના એકસોત્રીસ કિલોમીટરની ઝડપે ચર્ચગેટ સ્ટેશન તરફ ધસમસી રહેલી એ ટ્રેનમાં બેઠેલા ઉતારુઓના શ્ર્વાસ જાણે રોકાઈ ગયા હતા. કેટલાક ઉતારુઓએ કાળજું કંપાવી દે એવી ચીસો પાડવા માંડી. કોઇ ઉતારુઓએ સંકટ સમયની સાંકળ ખેંચીને ટ્રેન અટકાવવાનો નિરર્થક પ્રયાસ ર્ક્યો. કોઇ કોઈ ઉતારૂઓ એવી બૂમો પાડી રહ્યા હતા કે ‘હે ઇશ્ર્વર બચાવી લે અમને’ તો કોઈ આક્રન્દ સાથે બરાડી રહ્યા હતા કે ‘યા અલ્લાહ રહમ કર.’
એકસોત્રીસ કિલોમીટરની ઝડપે ધસમસતી ટ્રેન ડેડએન્ડ પાસે પહોંચી ત્યારે પ્રચંડ ધડાકા સાથે ટ્રેક છોડીને ઉપર ચડી ગઇ. ટ્રેન એટલા પ્રચંડ વેગે ધસી આવી હતી કે તેના આગળના ડબ્બાઓ છેક સબવે સુધી પહોંચી ગયા. પાછળના ડબ્બાઓ આમતેમ ફંગોળાયા અને એની નીચે સેંકડો મુંબઇગરાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. સૌથી આગળનો ડબ્બો પ્રચંડ અવાજ સાથે સબવેની ઉપરની છત સાથે ટકરાયો અને તેનો ઉપરનો હિસ્સો ઉડી ગયો અને કાટમાળમાં ફેરવાઇ ગયેલો એ ડબ્બો સબવેની અંદર ઘૂસી ગયો. સબવેમાં પણ ભયંકર ગિરદી હતી એટલે સંખ્યાબદ્ધ મુંબઇગરાઓ એ કાટમાળની ઝપટમાં આવી ગયા. ચર્ચગેટની બહાર નીકળવામાં સફળ થયેલા ઉતારુઓને સ્ટેશનમાંથી આવતા પ્રચંડ ધડાકાના અને ચીસોના અવાજો સંભળાયા એટલે તેમને લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થયા છે. એ અવાજો શમે એ પહેલાં વળી એક પ્રચંડ ધડાકો સંભળાયો. બીજી એક લોકલ ટ્રેન ચર્ચગેટ સ્ટેશનમાં મિસાઇલની જેમ ધસી આવી હતી!
* * *
છત્રપતિ શિવાજી ટર્મિનસની બહાર સિગ્નલ પાસેના અકલ્પ્ય ટ્રાફિકમાં ફસાયેલા મુંબઇગરાઓ અકળાઇ રહ્યા હતા એ વખતે તેમણે જોયું કે સીએસટીના દરવાજા પાસે અંધાધૂંધી ફેલાઇ ગઇ છે. અંદર જવા માગતા મુંબઇગરાઓને ધક્કો મારીને અંદરથી ઉતારુઓ બહાર ધસી રહ્યા છે. આવા રસ અવર્સમાં ઉતારુઓને બહારની તરફ ધસમસતા જોઇને વાહનચાલકોને નવાઇ લાગી. જો કે તેમનું કુતૂહલ સમે એ પહેલા અચાનક એક પ્રચંડ ધડાકો સંભળાયો અને તેમના આશ્ર્ચર્ય અને આઘાત વચ્ચે એક લોકલ ટ્રેન સીએસટીની બહારની સી’ શેપમાં દેખાતી ઐતહાસિક ઇમારતની દિવાલ તોડીને વચ્ચેના કમ્પાઉન્ડમાં ધસી આવી. એ કમ્પાઉન્ડમાં સેન્ટ્રલ રેલવેના કેટલાક ઉચ્ચ અધિકારીઓની કાર્સ પડી હતી એનો સોથ વાળીને એ ડબ્બાઓ સેન્ટ્રલ રેલવેના મ્યુઝિયમવાળા ભાગની દિવાલ સાથે ટકરાયા. એક ડબ્બો કમ્પાઉંડની રેલિંગ તથા કમ્પાઉન્ડ અને રસ્તા વચ્ચેની ફૂટપાથની રેલિંગ તોડીને ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનો પર ઝીંકાયો. એ ડબ્બામા પ્રવાસ કરી રહેલા ઉતારુઓ ડબ્બાના દરવાજાઓમાથી ભયંકર વેગે બહાર ફંગોળાયા અને એ ડબ્બા નીચે આવી ગયેલા વાહનો કાટમાળમાં ફેરવાઇ ગયા અને એમાં સવાર મુંબઇગરાઓના શરીર પીંખાઇ ગયા.
એ દ્રશ્યના સાક્ષી બનેલા મુંબઇગરાઓને એક ક્ષણ તો માન્યામાં ના આવ્યું કે આ વાસ્તવિકતા છે. તેઓ હજી એ વાસ્તવિકતા પચાવી શકે એ પહેલાં તો ફરી એક પ્રચંડ ધડાકો સંભળાયો. વધુ એક લોકલ ટ્રેન સીએસટી પર ત્રાટકવા માટે મહત્તમ ઝડપે ધસી રહી હતી એ વખતે સ્ટેશનમાંથી બહાર નીકળેલી એક ટ્રેન સાથે ટકરાઇ હતી અને બંને લોકલ ટ્રેનનો તથા એમાં બેઠેલા ઉતારુઓમાંથી મોટાભાગના ઉતારુંઓનો ખુરદો બોલી ગયો હતો!
* * *
‘મુબારક હો.’
‘મુબારક હો.’
ઇશ્તિયાક અને વૈજ્ઞાનિક તથા એમના સહાયકો એકબીજાને ભેટતા પરસ્પર અભિનંદન આપી રહ્યા હતા. ઇશ્તિયાક કાણિયાને પણ ઉમળકાભેર ભેટ્યો. સફળતાના ઉન્માદમાં ઇશ્તિયાક એ નોંધી ના શક્યો કે કાણિયાનો પ્રતિસાદ ઠંડો હતો. એ તેને યંત્રવત ભેટ્યો હતો. કાણિયાને સમજાઇ ગયું હતું કે પોતે જે પ્રવૃત્તિ કરી રહ્યો છે એ પગ પર કુહાડો મારવા સમાન છે અને એમાં મુંબઇ અને દેશનું તો જે નુકસાન થાય તે પણ તેનું પોતાનું બહુ મોટું નુકસાન થઇ ચૂક્યું હતું. અત્યાર સુધી તે એક ડોન હતો, ચાલાક ગુનેગાર હતો. મુંબઇ પરના હુમલાઓમાં તેનો હાથ છે એ જાહેર થઇ ગયા પછી તેના પર દેશદ્રોહીનું લેબલ લાગી ગયું હતું. ત્યાં વળી હવે મુંબઇમાં નવો આતંક ફેલાયો હતો અને એના માટે પણ તેના નામની જ ચીઠ્ઠી ફાટવાની હતી.
કાણિયાને ડર લાગ્યો કે સાહિલ અને મોહિની નકલી એન્કાઉન્ટરમાં માર્યા જશે તો પણ હવે બચવાનું મુશ્કેલ થઇ જશે. એ વખતે તેને કલ્પના પણ નહોતી કે ઇશ્તિયાક કોઇ એવું કારસ્તાન કરવાની વેતરણમાં હતો કે જેમાં તે બંન્નેનું મોત પણ નિશ્ર્ચિત હતું!

(ક્રમશ:)