સુંદરતાની સમસ્યાઓમાં સલાહ
મીતલ ઠક્કર
ભાગ-૪
* હાથની ત્વચા ચહેરા અને શરીરની ત્વચાની સરખામણીમાં વધારે પડતી કાળી, રુક્ષ અને ભદ્દી હોય તો શરમ ના અનુભવશો. આ પ્રયોગ કરી જુઓ. અડધા કપ ગરમ દૂધમાં અડધો ચમચો ગ્લિસરિન ભેળવી પંદર મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખવું. ત્યાર બાદ કોઇ સ્વચ્છ સુતરાઉ કપડાથી ચહેરો લૂછી નાખવો. અને મોઇશ્ચરાઇઝર લગાડવું. નિયમિત આ ઉપચાર કરવો. આ ઉપરાંત ગ્લિસરીનમાં શિશુને આપવામાં આવતા દૂધનો પાવડર ભેળવી તેમાં વીસ ટીપાં હાઇડ્રોજન વોલ્યૂમ તેમજ ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને શરીરે લગાડવી. વીસ મિનિટ બાદ સ્નાન કરવું. લાભ થશે.
* વાળના ગુંચળા બહુ વળી જવાની સમસ્યામાં જો રુક્ષ, ગુંચડિયા વાળ તમારા પરિવારનો વારસો હોય તો તમે આમાં ખાસ કાંઇ નહીં કરી શકો. પરંતુ જો વાતાવરણમાંના પ્રદૂષણ, તાણ, તમારી જીવનશેલીમાં બદલાવને કારણે આ સમસ્યા ઉદભવી હોય તો ઉપચારથી ફાયદો થશે. એ માટે વિટામિન 'એ'વાળા ખાદ્યપદાર્થોનું પ્રમાણ રોજિંદા આહારમાં વધારો. જેમ કે ગાજર, કોથમીર-ફૂદીનાનો રસ. પપૈયું અને બ્રોકલીથી પણ ફાયદો થશે. તબીબની સલાહ પ્રમાણે વિટામિન એ અને ઝિન્કની ગોળી લેવાથી પણ ફાયદો થશે. વાળના સેલને હાનિ પહોંચી હશે તો વિટામિન સી- જેમ કે લીંબુ, મોસંબી અને સંતરા તેને રિપેર કરવામાં ઉપયોગી થશે. વાળમાં નિયમિત તેલ અને કંડિશનિંગથી વાળની ગુણવત્તા સુધરશે.
* તડકામાં વારંવાર બહાર જવું પડતું હોવાથી ત્વચા કાળી પડી જતી હોય તો તડકામાં નીકળતા પૂર્વે ત્વચા પર સનસ્ક્રિન લોશન લગાડવું. શક્ય હોય તેટલું અંગ ઢાંકવું. ચહેરા પર લીંબુના રસનો ઉપયોગ કરવો. છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે.
* વાળની સુરક્ષા માટે મહેંદી એક ફાયદાકારક ધરગથ્થુ ઉપચાર છે. એટલું જ નહીં તે એક ઉત્તમ કંડિશનર પણ સાબિત થઇ છે. મહેંદીને આંબળા સાથે વાટી વાળમાં લગાડવાથી માથાની ગરમી દૂર થાય છે. સાથે સાથે વાળ પણ કાળા રેશમી થાય છે. ૫૦ ગ્રામ મહેંદીમાં ૨૫ ગ્રામ આંબળાનું ચૂરણ અને અડધો ચમચો કોફી લઇ દૂધમાં ભેળવી વાળમાં લગાડવું. બે કલાક બાદ વાળ ધોઇ નાખવા. અઠવાડિયામાં એક-બે વાર કરવાથી વાળ કાળા, ચમકીલા અને મજબૂત થાય છે.
* સામાન્ય રીતે હોઠ કાળા થવાનું કારણ મુખ્યત્વે સ્મોકિંગ, વિટામિન બી ટુ, ઝિન્ક, આયર્નની કમી હોઇ શકે, વારંવાર હોઠ પર જીભ ફેરવવી અથવા તો લિપસ્ટિકની એલર્જી પણ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. તેથી તમારી તકલીફનું કારણ શોધી તેના ઉપાય કરો. દરમિયાનમાં લિપસ્ટિક ઊચ્ચ ગુણવક્તાયુક્ત વાપરો તથા વપરાશ ઓછો કરી નાખો. હોઠ પર જીભ ફેરવવાની આદત હોય તો તે દૂર કરવી. દહીં અને મધનું મિશ્રણ હોઠ પર લગાડી ૧૫ મિનિટ બાદ ધોઇ નાખશો. આ પ્રયોગ નિયમિત કરવો.
* વેક્સિંગની યોગ્ય પદ્ધતિ ઘણાને આવડતી નથી. વેક્સિંગ કરતી વખતે એક બુઠ્ઠી છરી અથવા બટર-નાઇફમાં થોડું વેક્સ લેવું. જે દિશામાં વાળ ઉગતા હોય તે દિશામાં લગાડવું. તેના પર કપડાંની પટ્ટી લગાડી બરાબર પ્રેસ કરવું. પછી વાળ ઉગતા હોય તેની વિરુદ્ધ દિશામાંથી પટ્ટીને ઝાટકા સાથે ખેંચવી. બ્યુટી પાર્લરમાં તો હવે મોટા ભાગે ડિસપોઝિબલ પટ્ટીઓ ઉપયોગમાં લેવાતી હોય છે. વેક્સ કર્યા બાદ ભીના કપડાથી તે જગ્યા લૂછી કાઢવી અને ટેલ્કમ પાવડર લગાડવો. અંડર આર્મ્સમાં વેક્સ કરવું હોય તો શક્ય હોય ત્યાં સુધી કોલ્ડ વેક્સ જ વાપરવું.
* શિયાળામાં ત્વચાના નિખાર કાજે ચહેરાને દિવસમાં બે વખત હુંફાળા પાણીથી ધોવો. ચણાના લોટમાં કાચું દૂધ ભેળવી ગાઢો લેપ બનાવી સવાર - સાંજ ચહેરા, ગરદન, હાથ-પગ પર લગાડવું. તૈલીય ત્વચા હોય અઠવાડિયામાં ત્રણ વખત અને રુક્ષ ત્વચાવાળાએ બે વખત ચહેરા પર વરાળ (સ્ટીમ) લેવી આવશ્યક છે.
* ૧૬-૧૭ વર્ષની ઉંમરે જો વાળ નિસ્તેજ તથા રુક્ષ થઇ ગયા હોય તો નારિયેળનું દૂધ અને એક લીંબુનો રસ ભેળવી વાળની જડને પહોંચે તે રીતે હળવે હાથે મસાજ કરવો. એક કલાક બાદ ઇંડાયુક્ત શેમ્પૂથી વાળ બરાબર ધોવાથી વાળ ખરતા અટકી જશે અને વાળ સુંદર ચમકીલા થશે.
* ખીલની તકલીફથી રાહત પામવા સંતરા, લીંબુ અને તરબૂચ ખાવા. તેમાં વિટામિન એ, સી, અને ઇ સમાયેલા છે. જેથી નવા ખીલ ફૂટવાનું પ્રમાણ ઓછું થાય. પેટ સાફ રહે છે. અધિક તૈલીય ત્વચા માટે સ્ટ્રોબેરી, અનાનાસ અથવા લીંબુ જેવા ખાટા ફળ અને ટમેટાયુક્ત કુદરતી ફેસિયલનો ઉપયોગ કરવો. જેથી ત્વચા સાફ રહેશે. ખીલના ડાઘ આછા થશે અને ત્વચા ચમકીલી થશે.
* આંખોની આસપાસ ઘેરા રંગના ડાઘા હોય તો આંખની આસપાસ બદામની પેસ્ટથી દસ મિનિટ મસાજ કરવું. લાંબા સમય સુધી જો ફાયદો ન થાય તો ત્વચા નિષ્ણાતને બતાવવું.
* ત્વચાને ઉજળી, ડાઘરહિત કરવા દહીંમાં ચણાનો લોટ, હળદર, લીંબુનો રસ ભેગા કરી ચોપડવાથી ડાઘ નીકળી જાય છે.
* વાળ રુક્ષ થતાં નબળા પડે છે અને તૂટી જાય છે. એવામાં કંડિશનર વાળને મજબૂતી આપે છે. તેને ગુમાવેલી ચમક આપે છે. વાળના પ્રકાર પ્રમાણે શેમ્પૂ તથા કંડિશનરનો ઉપયોગ કરવો. શેમ્પૂ પછી દરેક વખતે કંડિશનર કરવું જરૂરી છે. પર્મ કરાવેલા રંગ અને તડકાથી ખરાબ થયેલા વાળને સુધારવા ડિપ કંડિશન કરવામાં આવે છે.
* લાંબા વાળના કારણે ગરમીમાં પરસેવો ખૂબ થાય છે. જો કે ઉનાળામાં વાળની તંદુરસ્તી અને સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ઘણા ઉપાયો છે. નિરોગી અને ચમકદાર વાળ માટે નિયમિત રીતે વાળનાં મૂળમાં તેલથી માલિશ કરો. મહેંદી લગાવો. મહેંદી કન્ડિશનરનું કામ કરે છે. વાળને ધોવા કૃત્રિમ શેમ્પૂ વાપરવાને બદલે આંબળા, અરીઠા તથા શીકાકાઇ ૫૦-૫૦ ગ્રામ લઇ બે લીટર પાણીમાં ખૂબ ઉકાળો. જ્યારે પાણી અડધું થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો. આ દ્રાવણ ઠંડુ થાય પછી તેનાથી વાળ ધુઓ. વાળનાં મૂળ મજબૂત થાય તે માટે એક-એક ચમચી આંબળા, શીકાકાઇ અને અરીઠાનો પાઉડર ભેગો કરી, તેમાં બે ઇંડા અથવા અડધો પ્યાલો દહીં મેળવી વાળમાં લગાવો. ૩૦ થી ૪૫ મિનિટ સુધી રહેવા દઇ પાણીથી ધોઇ નાખો.
* બગલમાંથી અણવાંચ્છિત વાળ દૂર કરવામાં આવે ત્યારે રેસિશ થઇ જતા હોય તો વાળ દૂર કરવાના જે પ્રસાધનો એટલે કે રેઝર તેમજ સ્ટ્રીપ્સ કે પ્લાસ્ટિકનું સાધન જે હેર રિમૂવર ક્રીમ સાથે આવે છે તે સ્વચ્છ છે કે નહીં તે પ્રત્યે ધ્યાન આપશો. ત્વચાને સાફ કરતી વખતે સુતરાઉ કાપડની ચોખ્ખી પટ્ટીને બરફના ઠંડા પાણીમાં બોળી નિચોવીને કરશો. ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં. વાળ કાઢ્યા પછી ઠંડા ગુલાબજળથી એ ભાગ લૂછશો. અને કેલેમાઇન લોશન અથવા ચંદનની પેસ્ટ લગાડશો તો રાહત થશે.
* લિપસ્ટિક હોઠની બહાર ફેલાઈ જતી હોય તો લિપસ્ટિક લગાવવાથી પહેલાં લિપ લાઈનર લગાવી લેવું. વળી લિપ લાઈનરથી હોઠના આકારમાં મામૂલી ફેરફાર કરીને તેને આકર્ષક લુક આપી શકાય છે. જેમ કે જો કોઈનો નીચેનો હોઠ વધુ ભરાવદાર હોય તો તે અધરની કિનારીના ભાગથી થોડી અંદર તરફ લિપ લાઈનર લગાવે. ત્યારબાદ લિપસ્ટિક લગાવવાથી નીચેનો હોઠ બહુ મોટો નહીં દેખાય. તેવી જ રીતે જોઈ કોઈનો ઉપરનો હોઠ બહુ નાનો હોય તો તે ઓષ્ટની કિનારીના બહારના ભાગમાં લિપ લાઈનર લગાવીને પછી લિપસ્ટિક લગાવે તો તેના ઉપરના અધરનો આકાર સુંદર લાગશે.
* યુવાનીમાં વાળ ખરવા લાગ્યા હોય તો અઠવાડિયે બે વખત ભૃંગરાજ તેલ નાખશો. ધોયેલી અડદની દાળ અને મેથીની પેસ્ટ બનાવી અઠવાડિયામાં ત્રણ વખત લગાડવી. કાકડીનો રસ વાળમાં માલિશ કરવાથી રક્તભ્રમણ બરાબર થશે તેમજ વાળને પોષણ મળશે.
* ઉનાળામાં વધુ પડતા પરસેવાથી વાળ પણ ચિકણા થઈને ઝડપથી ગંદા દેખાવા માંડે છે. ગરમીમાં વાળ રુક્ષ અને સખત બની જાય છે. બને ત્યાં સુધી વાળ છૂટા ન રાખો. પોની કે અન્ય સ્ટાઈલમાં બાંધો. જો વાળ બંધાય તેવા ન હોય તો તેને થોડા વધુ કપાવીને નાના કરી દો. જેથી ગરદનમાં અકળામણ ન કરાવે. ઉનાળામાં વાળ અને માથાની ત્વચા ખૂબ સ્વચ્છ રાખો. હેરસ્ટાઈલ સહેલી, સાદી અને ઊંચી બાંધેલી રાખો.
*****