Pin code - 101 - 99 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 99

પિન કોડ - 101

પ્રકરણ-99

આશુ પટેલ

વરસોવા પોલીસ સ્ટેશનમા પીઠભેર પટકાયેલા સાહિલ અને મોહિની સામે ડઝનેક જેટલા પોલીસમેન રિવોલ્વર્સ અને રાઈફલ્સ તાકીને ઊભા રહી ગયા એ જ વખતે સાહિલને કોઇની બૂમ સંભળાઇ: ‘અહીં પોલીસ સ્ટેશનમાં નહીં! તેમને બહાર લઈ જઈને ફૂંકી મારવાના છે!’
‘ઊઠ સાલા %*%...’ કહેતા એક પોલીસમેને કાંઠલો પકડીને સાહિલને બેઠો કર્યો. બીજા પોલીસમેને પણ તેને બોચીએથી પકડ્યો. મોહિની હજી મૂર્છાવસ્થામાં હતી.
એ જ વખતે એક કાર તેમની નજીક ધસી આવી. એ કાર ઊભી રહી એ સાથે એક સિનિયર અધિકારી બહાર ધસી આવ્યા. તેમણે કારમાંથી ઊતરતા ઊતરતા જ બૂમ પાડી: ‘ડોન્ટ શૂટ ધેમ, ધિસ ઇઝ માય ઓર્ડર.’
એ સાથે સાહિલની સામે શસ્ત્રો તાકીને ઊભા રહી ગયેલા પોલીસમેન ચોંકી ઉઠ્યા. જો કે તેઓ કંઇ વિચારે એ પહેલાં તો પાછળથી દોડી આવેલા બીજા પોલીસમેન સાહિલ તથા મોહિનીને ઘેરીને ઊભેલા પોલીસમેન પર નિશાન તાકીને ઊભા રહી ગયા.
જો કે પીઠભેર પટકાવાને કારણે વાગેલા મૂઢમારમાંથી સહેજ કળ વળી એ પછી સાહિલે જે વર્તન કર્યું એના કારણે બધા પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા.
ડઝનબદ્ધ પોલીસમેનની વચ્ચે ઘેરાઇ ગયેલા સાહિલે અટ્ટહાસ્ય ર્ક્યું અને પછી કહ્યું, ‘સાલા કાફરો, તમારી ઔકાત નથી અલ્લાહના બંદા પર ગોળી ચલાવવાની! તમે બધાં આપસમાં જ લડી મરશો. હું એક મરીશ તો બીજા હજાર બંદા ઊભા થશે. હિંમત હોય તો ચલાવો ગોળી!’
સાહિલના એ શબ્દો સાંભળીને પાછળથી ધસી આવેલા પોલીસમેનની આંખોમાં પણ રોષ અને ધિક્કારની લાગણી ઊભરી આવી. એ દરમિયાન વેનમાં હતા એ પોલીસકર્મીઓ પણ બહાર ધસી આવ્યા હતા. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે આ બન્ને હરામખોરે અમારા પર હુમલો કરી દીધો હતો.
‘સર આવા માણસને જીવતો રાખવો એ ઝેરીલા કોબ્રાને પથારીમાં સાથે રાખીને સૂવા જેવું છે. આ બેયને કોર્ટમાં લઇ જઇશું તો ત્યાંથી તેઓ આઠમા દિવસે જામીન મેળવીને બહાર આવી જશે. અને ફરી તક મળશે તો આપણા કોઇ માણસને મારી નાખશે.’ એક પોલીસ અધિકારીએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું.
જો કે એ બધાના ઉપરી જેવા લાગતા પોલીસ અધિકારીએ ફરી વાર બૂમ પાડી: ‘ડોન્ટ શૂટ હિમ.’ અને પછી પેલા અધિકારી તરફ જોઇને તેમણે ટોણો માર્યો. ‘તમને એન્કાઉન્ટર એન્કાઉન્ટર રમવાનો બહુ શોખ જાગ્યો લાગે છે!’
‘ના, સર. આઈ મીન, સર...’ સાહિલ અને મોહિનીને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવાનું સૂચન કરનારો અધિકારી ગેંગેફેંફે થઈ ગયો.
એ દરમિયાન બીજા બે અધિકારી ત્યાં ધસી આવ્યા. પેલા ઉપરી અધિકારીએ એમાંથી એક અધિકારીને આદેશ આપ્યો: ‘શહાણે એ બન્નેને ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં લઇ આવો.’ અને મૂર્છાવસ્થામાં પડેલી મોહિનીને સામે ઈશારો કરતા તેમણે બીજા અધિકારીને સૂચના આપી: ‘આને તાત્કાલિક સારવાર અપાવો.’
સાહિલ અને મોહિનીને મારી નાખવાનું સૂચન કરનારા અધિકારી સામે જોઈને તે ઉપરી અધિકારીએ આદેશ આપ્યો: ‘શેટ્ટી, તમે પણ મારી સાથે આવો.’
ઉપરી અધિકારી એટલે કે ડીસીપી સાવંત અડધી મિનિટ પણ મોડા પડ્યા હોત તો તેના અને મોહિનીના શરીર મૃતદેહમાં ફેરવાઈ ગયા હોત!
***
સાહિલ અને મોહિનીને મારી નાખવાનું સૂચન કરનારા વરસોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સપેક્ટર શેટ્ટીને ડીસીપી સાવંતે આદેશ આપ્યો: ‘શેટ્ટી, તમારો મોબાઈલ ફોન મને આપી દો!’
સાવંત ડી. એન. નગરના સિનિયર ઈન્સ્પેક્ટર સુનિલ ગુપ્તેની કેબિનમાં બેઠા હતા. તેમની સામે સુનિલ ગુપ્તે, ક્રાઈમ બ્રાંચના યુનિટ આઠના સિનિયર ઈન્સ્પેક્ટર કપિલ શહાણે અને વાઘમારે બેઠા હતા.
સાવંતે શેટ્ટીને બેસવા માટે નહોતું કહ્યું.
શેટ્ટી ડઘાઈ ગયો. તેણે કહ્યું: ‘સર, હું તો...’
સાવંતે કહ્યુ: ‘નો આર્ગ્યુમેન્ટ.’
શેટ્ટીનો ચહેરો પીળો પડી ગયો. તેના હાથ ધ્રૂજવા લાગ્યા. સાવંતે આગળ કશું પણ બોલ્યા વિના તેના તરફ પોતાનો હાથ લંબાવ્યો. શેટ્ટીએ ધ્રૂજતા હાથે પોતાનો ફોન તેમના હાથમાં આપ્યો.
‘આ ફોન નહીં, તમારા ખિસ્સામાં બીજો ફોન પડ્યો છે એ આપો!’ સાવંતે કહ્યું.
શેટ્ટીએ ફફડતા ફફડતા પોતાના ખિસામાંથી બીજો મોબાઈલ ફોન કાઢીને આપ્યો.
સાવંતે એ ફોનના ટચ સ્ક્રીન પર જમણા હાથની પહેલી આંગળીનું ટેરવું ફેરવીને મેસેજીસ ચેક કર્યા. એમાં ડોન કાણિયા અને શેટ્ટીએ એકબીજાને મોકલેલા મેસેજીસ વાંચીને તેમના રુંવાડા ઊભા થઈ ગયા.
તેમણે ઊભા થઈને શેટ્ટીને એક લાફો ઝીંકી દેતા કહ્યું: ‘તારા જેવા અધિકારીઓને કારણે જ કાણિયાઓ પેદા થાય છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે. કાણિયાની સાથે તારા દિવસો પણ ભરાઈ ગયા છે.’
‘સર, મારી કરિયર બચાવી લો. હું તમને હાથ જોડું છું.’ શેટ્ટી કરગરી પડ્યો.
‘તારી કરિયર તો પૂરી જ થઈ ગઈ, પણ નોકરીમાંથી બરતરફી સાથે તું જેલમાં પણ ધકેલાશે. મારા હાથ કાનૂનથી બંધાયેલા ના હોત તો અત્યારે તારી જિન્દગી પણ પૂરી થઈ ગઈ હોત!’ સાવંતનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.
***
સાહિલ અને મોહિનીની સાથે શું થઈ રહ્યું છે એ સાંભળી રહેલા ઈશ્તિયાક અને કાણિયાએ કોઈના મોઢે બોલાયેલા શબ્દો સાંભળ્યા: ‘અહીં પોલીસ સ્ટેશનમાં નહીં! તેમને બહાર લઈ જઈને ફૂંકી મારવાના છે!’
એ સાંભળીને કાણિયાના ચહેરા પર ખુશીની અને રાહતની લાગણી તરી આવી, પણ ઈશ્તિયાક ચોંકી ઊઠ્યો.
જો કે, તરત જ બીજા કોઈની બૂમ સંભળાઈ: ‘ડોન્ટ શૂટ હિમ, ધિસ ઈઝ માય ઓર્ડર.’
એ સાથે કાણિયા અને ઈશ્તિયાકના ચહેરા પરના ભાવ વિપરીત થઈ ગયા!
થોડી વાર જુદા જુદા અવાજો સંભળાયા પછી કોઈએ સાહિલની પૂછપરછ શરૂ કરી હોય એવું સમજાયું.
ઈશ્તિયાકના ચહેરા પર એક વિકૃત સ્મિત આવી ગયું. તેણે પેલા વૈજ્ઞાનિકને કઈક સૂચના આપી. અને બીજી પળે સાહિલના મોઢે બોલાયેલા શબ્દો સંભળાયા: ‘કોણ સાહિલ? હું સૈય્યદ ઈશ્તિયાક અહમદ છું, આઈએસની ભારતીય વિંગનો ચીફ કમાંડર!’
ફરી તેના શબ્દો સંભળાયા : ‘મોહિની મેનન! કોણ મોહિની મેનન? આ છોકરી તો નતાશા નાણાવટી છે, મારી પ્રેમિકા! એને કંઇ થયું તો હું તમને બધાને છોડીશ નહીં.’
***
કાગડાને રમત થાય અને દેડકાનો જીવ જાય એવી રમત ઈશ્તિયાક રમી રહ્યો હતો. ઈશ્તિયાકની એ રમતથી બેખબર સાવંત સાહિલ પાસેથી બધી માહિતી જાણવાની કોશિશ કરી રહ્યા હતા.
સાહિલે પોતાને આઈએસની ભારતીય વિંગનો ચીફ કમાંડર ગણાવ્યો અને મોહિનીને નતાશા નાણાવતી ગણાવી એથી સાવંત જેવા અનુભવી અધિકારી પણ ગૂંચવાઈ ગયા. તેમણે કહ્યું: ‘મને ખબર છે કે તું સાહિલ સગપરિયા છે અને તારી સાથે પકડાયેલી યુવતી વૈજ્ઞાનિક મોહિની મેનન છે. એટલે સમય બગાડ્યા વિના સીધી વાત કર એ જ તારા હિતમાં રહેશે. હમણા તારો દોસ્ત રાહુલ પણ આવી જશે. તારા વિશે અને તારી ગર્લફ્રેન્ડ નતાશા વિશે ગુજરાત પોલીસ પાસેથી અમને તમામ માહિતી મળી ગઈ છે. તારી પ્રેમિકા કદાચ આઈએસના કબજામાં છે એટલે તું તેને બચાવવાની કોશિશમાં કદાચ અમને આડા પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ તેને છોડાવવા માટે અમે બધી તૈયારી કરી લીધી છે એટલે અમને સહકાર આપ એમાં જ તારું અને આખા મુંબઈનું હિત છે.’
સાહિલ વિચિત્ર રીતે હસતા બોલ્યો: ‘મારું ભલું થશે કે કેમ એની ચિંતા રહેવા દો. મુંબઈનું ભલું ઈચ્છતા હો તો હું તમને બહું અગત્યની માહિતી આપી દઉં. દસ મિનિટમાં જ મુંબઈ પર ફરી ખોફનાક હુમલાઓ થવાના છે. અને આ વખતે ચર્ચગેટ રેલવે સ્ટેશન અને છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ અમારા નિશાન પર છે. હું ઈશ્તિયાક હુસેન, આઈએસ તરફથી તમને કાફરોને ખુલ્લી ચેલેંજ કરું છું કે એ બન્ને જગ્યાએ હુમલાઓ થતા અટકાવી જુઓ. તમારી તમામ તાકાત અજમાવી જુઓ. તમારી પાસે ત્રણ મિનિટનો સમય છે!’

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED