રાજા વિક્રમ અને ચંદ્ર વૈતા
"હે પરદુખ કાજ હોમ તો એ પોતાના કર્મ
હંમેશ રાખતો માં દૈવી હરસિદધી ને સાથ".
એક વખત રાજા વિક્રમ પોતાની ઉજજૈનિ નગરી માં વહેલી સવારે વેશપલટો કરી રાજા પ્રજા નાં સુખ અને દુઃખ જાણવા માટે ફરતાં હતાં. ફરતાં ફરતાં તેઓ સૌપ્રથમ બ્રાહ્મણો નાં વિસ્તારમાં આવ્યા. જોયું તો કેટલાક બ્રાહ્મણો સ્નાન કરી રહ્યા હતા તો કેટલાક મંત્ર જાપ કરી રહ્યા હતા પરંતુ કોઈ પણ કકળાટઃ કે દુખ જણાયું નહીં.
ત્યાં થી નીકળી ને વિક્રમ રાજા જયાં વાણિયા લોકો રહેતા હતા તે વિસ્તારમાં જોયું તો ત્યાં પણ મોટા મોટા પેટવાળા વાણિયા ઓ વાણોતર પાસે ચોપડા બનાવી રહ્યા હતા, કોઇક વળી દેવદર્શન જઈ રહ્યું હતું તો કેટલાંકબાળકો પાટી-પોથી ઓ લઈને ભણી રહ્યા હતા.
આવી રીતે દરેક વિસ્તારમાં લોકો ને સુખી જોયાં ક્યાંય પણ લોકો દુખી ન દેખાતા વિક્રમ રાજા ને ખૂબ જ હર્ષ થયો.
પછી વિક્રમ રાજા વાડી વિસ્તાર તરફ ફરતા ફરતા તેમણે એક વૃદ્ધ માનવી ને ખેતરમાં પરિશ્રમ કરતો જોઈને રાજા તેની પાસે ગયા અને પૂછપરછમાં જાણવામાં આવ્યું કે તેનું નામ ચંદ્ર વૈતા હતું. તેને મોટાં પાંચ દિકરા હતા અને બધાને પરણાવી પણ દીધાં હતાં. ઢોરઢાંખર પણ હતાં.
આવો સુખી વૃદ્ધ ખેડૂત ચંદ્ર વૈતા ને ધડપણમાં પણ આવી વેઠ કરતો જોઈને રાજા ને વાતમાં કાંઇક રહસ્ય લાગ્યું. ચંદ્ર વૈતા કોઈ દુઃખ ને કારણે આમ કરી રહયાં હોવા જોઈએ તેથી રાજા એ તેનું દુઃખ દૂર કરવા વિચાર્યું.
જયારે ચંદ્ર વૈતા ખૂબ થાકીને વાડીમાં થાક દૂર કરવા બેઠા ત્યારે વિક્રમ રાજા એ તેમની પાસે જઇને પૂછ્યું ભાઈ!તમારે ત્યાં જુવાન જોધ રળતા-કમાતા દિકરા છે, છતાં ઘડપણમાં ભગવાન શ્રી કૃષ્ણ નાં ગુણ ગાવાને બદલે ખેતરમાં ટાઢ-તડકો વેઠી સખ્ત મજૂરી કરો છો તો જરૂર તમને કોઈ વાત નું દુઃખ છે. તમારું દુઃખ જો તમે મને કહો તો હું તે દુર કરવા માટે પ્રયત્ન કરીશું'.
આમ સાંભળી ચંદ્ર વૈતા ગુસ્સે થઈ બોલ્યાં,'તું વળી કયાં મોટો દુઃખ ભંજનહાર?તું મારું દુઃખ શું દૂર કરીશ?ધડપણમાં બેઠા બેઠા જાત જાતના વિચાર આવે છે એટલે કામમાં જીવ પરોવી રાખું છું. તે મારી દયા ખાધી એટલે તું કોઈ દયાળુ માનવ લાગે છે. તું કોણ છે અને કયાં રહે છે?
વિક્રમ રાજા એ પોતાની ઓળખ આપી એટલે ચંદ્ર વૈતા ગળગળો થઇને વિક્રમ ના પગે પડી ગયાં,પછી ઉભા થઈને બે હાથ જોડીને બોલ્યાં,'હે મહારાજ!મારાં અહોભાગ્ય કે આપનાં પુનિત પગલાં મારા ખેતરમાં થયાં, હે મહારાજ!અમારે તો સુખ અને દુઃખ બન્ને સમાન. સુખ જોઈએ છકી જઇએ નહીં, દુઃખ પડે તો હિંમત ન હારીએ. અમે સોડ જોઈએ ને પછેડી તાણીએ એટલે અમને દુઃખી થવું ન પડે.'
વિક્રમ રાજા એ કહ્યું,'તમારી વાત સાચી છે. માણસ પોતાના કર્મ ને કારણે દુઃખી થાય છે. તમને કોઈ વાત નું દુઃખ નથી તે જાણી ને મને ખૂબ આનંદ પામ્યો તો પણ મારી તમને આપવા ની ઈચ્છા છે.'
ચંદ્ર વૈતા બોલ્યાં,'હે રાજા!મને માત્ર મોક્ષમાર્ગ ની ઈચ્છા છે. લખ ચોર્યાસી નાં ફેરા ટળે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય આટલી મારી માંગણી છે. તમે મારી આ ઈચ્છા પૂરી કરી આપો.'
ચંદ્ર વૈતા ને આટલો ધર્મ પરાયણ જોઈને રાજા વિક્રમ ને ખુશી થઈ પણ એમણે માગ્યું એવું કે કોઇ સામાન્ય માનવી ન આપી શકે તેમણે કહ્યું,'ચંદ્ર વૈતા!તમારી માંગણી વિચિત્ર છે. મૃત્યુ લોક ના માનવી ને મોક્ષ પ્રાપ્ત થાય એવું કોઈ ન કરી શકે!
આ સાંભળી ખેડૂત ચંદ્ર વૈતા ગુસ્સે થઈને બોલ્યાં,'હે રાજા, તમે તો પરદુ:ખભંજન ની નામના મેળવેલી છે, છતાં મારી મામૂલી ઇચ્છા પૂરી કરી શકતા નથી, તો પછી પરદુ:ખભંજન નો ફાકો શા માટે રાખો છો?'
ચંદ્ર વૈતા નાં આવા વચનો સાંભળી ને રાજા વિક્રમ ને હાડોહાડ લાગી આવ્યાં છતાં તેમણે ગુસ્સો ગળી જઇ કહ્યું,'હે ખેડૂત ચંદ્ર વૈતા!તમે મને મ્હેણૂં માર્યું એટલે હું મારા પ્રાણના ભોગે પણ તમારી ઈચ્છા પૂરી કરી આપીશ. તમે એ બાબતે નિશ્ચિંત રહેજો.
બીજા દિવસે સવારે દરબાર ભરાયો ત્યારે રાજા વિક્રમ એ પંડિત ને પૂછ્યું,'પંડિતજી મને એ બતાવો કે મોક્ષમાર્ગ કયો?શું કરવાથી આ મૃત્યુ લોકના માનવી ને મોક્ષ પ્રાપ્ત થાય?'
દરબારમાં ધણાં પંડિત હતાં. આ બે પ્રશ્ર્નો ના બધાં એ પોત પોતાની વિવેક બુદ્ધિ દ્રારા જવાબ આપ્યા પરંતુ રાજા મુંઝવણ માં પડી ગયા કંઈ પણ રસ્તો ન સૂઝતા તે હરસિદધી માતાના મંદિરે ગયાં અને પ્રાર્થના કરી. માતા પ્રસન્ન થયા ત્યારે વિક્રમ રાજા એ મોક્ષમાર્ગ માટે પૂછ્યું તો માતા એ કહ્યું,'હે રાજા વિક્રમ!તમે વૈતાળ ની મદદથી ઇન્દ્ર રાજા પાસે જાવ, તેઓ તમને યોગ્ય માર્ગદર્શન આપશે.
હવે વિક્રમ રાજા એ સહાય માટે વૈતાળ નું સ્મરણ કર્યું ને તેને બધી હકીકત કહી એટલે વૈતાળ તેમને ઈન્દ્ર રાજા નાં દરબારમાં લઈ ગયા અને મોક્ષ માટે પૂછ્યું તો જવાબ માં જણાવ્યું કે તમે કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ પાસે જાવ તે તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
તેઓ કૈલાસ માં ભગવાન શિવ પાસે ગયા અને પ્રશ્ર્ન કર્યો તો ભગવાન શિવ ઉત્તર આપતા કહ્યું કે,'હંમેશાં સત્ય બોલવાથી, ધર્મ કર્મ કરવાથી, પુણ્ય દાન કરવાથી અને પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવાથી મોક્ષ નો અધિકારી બને છે. બાકી મોક્ષ મેળવવાની ઈચ્છા રાખનારે કાશી માં જઇને વસવું અને ધર્મ ધ્યાન કરવું. જયારે મૃત્યુ નો સમય નજીક હોય ત્યારે તેને પવિત્ર મણિકર્ણિકા ના ધાટ લઈ જઈ ને ત્યાથી તેના મૃતદેહ ને ગંગાજી માં પધરાવવામાં આવે તોતે જરૂર મોક્ષ પામે છે અને જન્મ મરણ નાં લક્ષ ચોર્યાસી ફેરા ફરવામાથી મુકિત મળે છે.'
સર્વ વૃતાંત સાંભળીને રાજા વિક્રમ વિર વૈતાળ ની મદદથી ઉજજૈનિ નગરીમાં પાછા ફર્યા અને તેમણે ચંદ્ર વૈતા ખેડૂત ને તેડું મોકલ્યું, પણ ચંદ્ર વૈતા માંદગી ને લીધે પથારીવશ હતાં. આથી વિક્રમ રાજા જાતે તેમના ઘરે ગયા અને ખબર અંતર પૂછી મોક્ષ કેવી રીતે મળે તે સર્વ વૃતાંત ની બીના સંભળાવી.
ચંદ્ર વૈતા મોક્ષ મેળવવા કાશીક્ષેત્ર માં જવા તૈયાર થયા એટલે વિક્રમ રાજા ચંદ્ર વૈતા ના કુટુંબી ઓ સાથે કાશીક્ષેત્ર માં લઈ ગયાં. ત્યાં એક ધર્મ શાળા માં બધાને ઉતારો આપી બીજે દિવસે સવારે ચંદ્ર વૈતા ગંગાજીમાં સ્નાન કરવાની ઈચ્છા દર્શાવી એટલે વિક્રમ રાજા બધાને મણિકર્ણિકા ના ઘાટ પર લઈ ગયા. ત્યાં ચંદ્ર વૈતા અને તેમની પત્ની એ 'શિવ...... શિવ......' કરતાં સ્નાન કર્યું અને ભગવાન ના નામ નો જાપ કરતાં જ બન્ને નું મૃત્યુ થયું.
ચંદ્ર વૈતા નાક કુટુંબમાં ખુબ આક્રંદ થી રડવા લાગ્યા ત્યારે વિક્રમ રાજા એ સૌને આશ્ચાસન આપીને છાના રાખ્યાં.પછી ચંદ્ર વૈતા નાં મોટા પુત્ર પાસે બન્ને મૃતદેહ નો અંતિમ સંસ્કાર કરાવ્યો. થોડાંક દિવસો બધાં ત્યાં રહ્યા અને મૃત્યુ બાદ ની બધી ક્રિયા ઓ પતાવી વિક્રમ રાજા બધાને ઉજજૈનિ નગરીમાં લઈ આવ્યા ત્યારથી ચંદ્ર વૈતા નાં ઘરના બધાં ધર્મ ધ્યાન કરવા લાગ્યા.
વિક્રમ રાજા ની આ ભલાઈ ની વાત ઉજજૈનિ નગરીમાં ફેલાતા કવિઓ અને લેખકો ધન્યવાદ આપવા લાગ્યાં.
"હે વિક્મ રાય તું જ જેવો માનવ ન મળે
આ ઘોર કળિકાળ મા.
તે તો કર્યા લાખોના દુખડા દુર
તુજ મહાન તુજ કરુણાકારી
તારો યશ થાઓ અજર અમર"
***