પિન કોડ - 101 - 97 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 97

પિન કોડ - 101

પ્રકરણ-97

આશુ પટેલ

‘સ્પીકર ઓન કરી દો.’ સાહિલ અને મોહિની વર્સોવા પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહ્યા છે એવું પેલા વૈજ્ઞાનિકે કહ્યું એ સાથે ઇશ્તિયાકે આદેશ આપ્યો હતો.
વૈજ્ઞાનિકે હકારમાં માથું ધૂણાવ્યું અને પોતાના સહાયકો તરફ જોયું. જો કે ત્યાં સુધીમાં તેમણે લેપટોપના સ્પીકર ઓન કરી દીધા હતા.
બીજી ક્ષણે સાહિલનો આજીજીભર્યો અવાજ સંભળાયો: ‘મહેરબાની કરીને અમને જવા દો, કોઈના જીવનમરણનો સવાલ છે.’
‘સાલા હલકટ, હજારો નિર્દોષ લોકોના જીવ લીધા પછી તને અત્યારે કોઈના જીવનમરણની પડી છે!’ કોઈ પોલીસ કર્મચારીનો અવાજ આવ્યો અને તરત જ એક જોરદાર લાફાનો અવાજ સંભળાયો.
ઈશ્તિયાક હસ્યો. તેને સમજાઈ ગયું કે સાહિલ અને મોહિની સામે ચાલીને પોલીસ પાસે નથી ગયાં, પણ તે બન્ને પોલીસના હાથમાં ઝડપાઈ ગયાં છે. તેણે પેલા વૈજ્ઞાનિકને કહ્યું: ‘તેમની પાસે પોલીસવાળાઓ પર હુમલો કરાવી દો અને તે બન્નેના મોઢે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવો. પછી તે બન્ને કશું પણ બોલશે એના પર પોલીસ ભરોસો નહીં કરે!’
થોડી સેક્ધડના પોઝ પછી પછી કોઈની બૂમ સંભળાઇ: ‘હરામખોર, નજર નીચી કર.’ એ જ અવાજમાં એક ગાળ પણ સંભળાઈ.
બીજી જ ક્ષણે મોહિનીની ઉશ્કેરાટભરી બૂમ સંભળાઇ અને તરત જ એક પોલીસ અધિકારીની વેદનાભરી ચીસ સંભળાઇ.
બીજા થોડા અવાજો પછી સાહિલ અને મોહિનીના મોઢે અલ્લાહુ અકબરના નારા સંભળાયા.
ઇશ્તિયાકે વિજયી સ્મિત સાથે કાણિયા સામે જોયું. કાણિયા મૂંઝવણભરી નજરે તેની સામે તાકી રહ્યો એટલે ઇશ્તિયાકે તેને ફોડ પાડીને સમજાવ્યું કે આવું કઈ રીતે શક્ય બની રહ્યું છે!
ઈશ્તિયાકના શબ્દોથી કાણિયાના ચહેરા પર થોડી રાહત પથરાઇ. હવે તેને ધરપત થઇ રહી હતી કે પોતે સલામત રહી શકશે. ઇશ્તિયાકે તેને પહેલા જ કહ્યું હતું કે પેલા બંને ભલે અહીંથી ભાગી ગયા પણ તે બેય પોલીસ પાસે પહોંચી જાય તોય ફિકર કરવાની જરૂર નથી કારણ કે એ બંને એમ જ વર્તશે જેમ આપણે ઇચ્છીશું. એ વખતે કાણિયાને ભરોસો નહોતો બેઠો, પણ અત્યારે તેને પુરાવો મળી ગયો હતો. આ બધું કઈ રીતે થઈ રહ્યું હતું એ તો હજી કાણિયાની સમજમાં નહોતું આવ્યું, પણ પેલો વૈજ્ઞાનિક અને તેના સહાયકો સાહિલ અને મોહિનીને કઠપૂતળીની જેમ નચાવી રહ્યા હતા એ હકીકત હતી!
જો કે કાણિયા ‘દેશી’ માણસ હતો એટલે તેને વધુ ધરપત એ હતી કે તેના વફાદાર પોલીસ અધિકારીએ ખાતરી આપી દીધી હતી કે તે ગણતરીની મિનિટોમાં સાહિલ અને મોહિનીને નકલી એન્કાઉન્ટરમાં ખતમ કરી નાખશે.
કાણિયાએ જેની સાથે પચ્ચીસ કરોડમાં સોદો ર્ક્યો હતો. એ પોલીસ અધિકારી ખુશખુશાલ અને ઉત્તેજિત હતો. સાહિલ અને મોહિનીને નકલી એન્કાઉન્ટરમાં ઉડાવ્યા પછી પોતાને ઘરે બેસવાનો વારો આવે તો પણ તેને કોઇ ચિંતા નહોતી. એક તો તે પોતે ગોળી ચલાવવાનો નહોતો. બીજુ, તેને પચ્ચીસ કરોડ રૂપિયા એક સાથે મળવાના હતા. અને બીજી બાજુ અત્યાર સુધી કાણિયાની વફાદારી કરીને મળેલા કરોડો રૂપિયા તો તેની પાસે પડ્યા જ હતા!
બીજી બાજુ કાણિયા એવી રાહત અનુભવી રહ્યો હતો કે એક લાખ પચ્ચીસ હજાર કરોડ રૂપિયાના આર્થિક સામ્રાજ્ય સાથે પોતાનો જીવ પણ માત્ર પચ્ચીસ કરોડ રૂપિયા ખર્ચીને બચાવી લેવાની વ્યવસ્થા તેણે કરી લીધી હતી.
સાહિલ અને મોહિનીની સુપારી લેનારો પોલીસ અધિકારી પચ્ચીસ કરોડ મળવાના હતા એટલે ખુશ હતો અને કાણિયા પચ્ચીસ કરોડ ગુમાવીને પોતાનું અસ્તિત્વ અને આર્થિક સામ્રાજ્ય જોખમમાં મુકાતું બચાવી લેવાને કારણે ખુશ હતો. ઘણી વાર જીવનની એવી બાજી રમાતી હોય છે જેમાં જીતનારાઓની સાથે હારનારાઓ પણ રાજી થતા હોય છે. પણ એ બન્ને ભૂલી ગયા હતા કે સંસારના તમામ જીવોના જીવનની રમત છેવટે તો ઉપરવાળાએ ગોઠવી હોય એ પ્રમાણે જ ચાલતી હોય છે!
* * *
‘ડોન ઇકબાલ કાણિયાએ ઓટોમોબાઇલ એન્જિનિયર સાહિલ સગપરિયા અને વૈજ્ઞાનિક મોહિની મેનનની સુપારી’ આપી છે એ વાઘમારે પાસેથી જાણીને ડીસીપી સાવંત ચોંકી ગયા. તેમણે વાઘમારેને કહ્યું: ‘તમે તાત્કાલિક વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચો. હું પણ થોડી મિનિટોમાં ત્યાં પહોંચું છું. હું અત્યારે ઓલરેડી લોખંડવાલા સર્કલ પહોંચવા આવ્યો છું.’
એ પછી તેમણે ડ્રાઇવરને કહ્યું, ‘આપ્ટે, શક્ય એટલી ઝડપે કાર વર્સોવા પોલીસ સ્ટેશન તરફ ભગાવ.’ સામાન્ય માણસને વીઆઇપીની કારમાં બેસવાની તક મળે તો એવી કારનો ડ્રાઇવર જે રીતે અને જે ઝડપે કાર ચલાવતો હોય એનાથી તેના હૃદયના ધબકારા જ વધી જાય. સાવંતનો ડ્રાઇવર પણ અત્યંત કુશળ હતો અને તે શક્ય એટલી ઝડપે જ કાર દોડાવતો હતો, પણ અત્યારે એક-એક સેક્ધડ કિંમતી હતી એટલે સાવંતે તેને તાકીદ કરી. એ વિસ્તાર આતંકવાદી હુમલાઓનો ભોગ બન્યો નહોતો અને બપોર પછીનો સમય હતો એટલે ટ્રાફિક પ્રમાણમા ઓછો હતો. છતાં બોસના આદેશથી આપ્ટેએ કારની સાયરન શરૂ કરીને આગળના વાહન ચાલકોને રસ્તો કરવાનો સંદેશ આપી દીધો અને કારની ઝડપ ઓર વધારી દીધી.
એ દરમિયાન સાવંતે વર્સોવાના સિનિયર ઇન્સ્પેક્ટર ઉદય શેટ્ટીને કોલ લગાવી દીધો હતો. પણ તેનો નંબર બંધ હતો. સાવંતને ગુસ્સો આવી ગયો કે આખું મુંબઇ આતંકના ઓથાર હેઠળ છે ત્યારે કોઇ પોલીસ સ્ટેશનનો અધિકારી ફોન બંધ કઇ રીતે રાખી શકે.
તેમણે તરત જ વર્સોવા પોલીસ સ્ટેશનથી થોડા મીટરના જ અંતરે આવેલા ડી. એન. નગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ગુપ્તેને કોલ ર્ક્યો.
‘સર.’ ગુપ્તેનો અવાજ સંભળાયો.
‘ગુપ્તે, તમે ક્યા છો હમણા?’
‘સર, હું ઓશિવરા નજીક ઇન્ફિનિટી મોલ પાસે પહોંચ્યો છું, પાંચ-સાત મિનિટમાં ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં પહોંચીશ.’ ગુપ્તેની પત્નીની તબિયત અચાનક લથડી હતી એટલે તેઓ મલાડમા પોતાના ઘરે જવા નીકળ્યા હતા. એ જ વખતે સાવંતનો આદેશ આવ્યો એટલે તેઓ મલાડથી ડી. એન. નગર પોલીસ સ્ટેશન તરફ પાછા ધસી રહ્યા હતા.
‘તમે ડી. એન, નગરને બદલે તાબડતોબ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ધસી જાઓ. હું પણ ત્યાં પહોંચું છું. ત્યાં...’ સાવંતે ઉતાવળે તેમને સ્થિતિ સમજાવી.
તેમણે બીજો કોલ ક્રાઇમ બ્રાંચના યુનિટ આઠના સિનિયર ઇન્સ્પેક્ટર કપિલ શહાણેને જોડ્યો.
‘ક્યાં પહોંચ્યા તમે?’ શહાણે લાઇન પર આવ્યા એટલે સાવંતે પૂછ્યું. સાવંતે થોડી વાર પહેલા જ તેમને બધી તૈયારી કરીને તેમની ટીમ સાથે વર્સોવા કબ્રસ્તાન તરફ જવાનો આદેશ આપ્યો હતો.
‘જી સર, હું સાત બંગલોના વળાંક પાસે પહોંચવા આવ્યો છું.’
‘તમે તરત જ પાછા વળો અને વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચો...’ સાવંતે તેમને પણ આદેશ આપ્યો.
‘સર.’ શહાણેએ કહ્યું અને પોતાના ડ્રાઇવરને સૂચના આપી, ‘વર્સોવા પોલીસ સ્ટેશન લે લો.’
શહાણેની પાછળ ક્રાઇમ બ્રાંચના યુનિટ આઠનાં બીજાં વાહનોએ પણ યુ ટર્ન લીધો.
* * *
‘ડીસીપી સાવંત સર ગમે ત્યારે આવી ચડશે. કોઈ પણ ગરબડ ના થવી જોઈએ.’ વરસોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ઉદય શેટ્ટી તેના સાથી પોલીસ કર્મચારીઓને આદેશ આપી રહ્યા હતા.
એ જ વખતે એક આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરે તેમના હાથમાં પોતાનો મોબાઈલ ફોન આપ્યો. એમાં કોઈનો કોલ ચાલુ હતો.
સિનિયર ઈન્સ્પેક્ટર શેટ્ટીએ ફોન કાને માંડ્યો. સામે છેડેથી કહેવાયેલા શબ્દો સાંભળીને તેમના કપાળ પર સળ પડી ગયા અને તેમની આંખોમાં ઉચાટની લાગણી તરી આવી.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

Binita

Binita 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Vipul Petigara

Vipul Petigara 2 વર્ષ પહેલા