લગ્નમાં ચાંલ્લો Anya Palanpuri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્નમાં ચાંલ્લો

લગ્ન માં ચાંલ્લો

લગ્ન એટલે અમુક સમય માટે આવેલી ખુશીની એક વણઝાર. અને અમુક સમય પછી એજ વણઝાર આપણને વળગણ જેવી લાગે. લગ્ન કરવાથી ફાયદા અને નુકસાન શુ છે, એ જણાવવાની જરૂર તો છે જ નહિ... કારણકે પરણેલાં ને અનુભવ છે અને નપરણેલા એ સાંભળ્યુ બહુ છે. પણ લગ્નમાં આવતી ચિંતાઓ બધા માટે અલગ-અલગ હોય છે. જેનાં ઘરમાં લગ્ન હોય તેને લગ્નમાં કોઇ કચાશ ન રહી જાય એની ચિંતા, મિત્રોને અને સહેલીઓને એમનો મિત્ર કે સહેલી ખરાબ ન દેખાય કે ઇમ્પ્રેસન ખરાબ ન થાય એની ચિંતા. અને હા લગ્નમા આવનારને લગ્નમા કેટલો ચાંલ્લો આપવો એની ચિંતા. આમ તો એનો જવાબ એકદમ સરળ છે અને તે ન્યુટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે “આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે” એટલે કે સામે વાળાએ જેટલો આપણાં લગ્નમાં લખાવ્યો એટલો જ આપણે એમનાં લગ્નમાં લખાવાનો. કોઇના લગ્નમા જતાં પહેલા જ પત્ની પતિ ને કહી દે “ આપણે એમને ત્યાં ૧૦૦ જ લખાવાના છે હો..” પરંતુ ધર્મસંકટ તો ત્યારે ઉભુ થાય જ્યારે શરૂઆત જ આપણે કરવાની હોય. શરૂઆત કરવાનો વારો આવે ત્યારે તો બહુ લાંબુ રીસર્ચ કરવાનું થાય. નવુ થીસીસ લખતો વિધાર્થી જેટલુ લીટરેચર સ્ટડી નથી કરતો એટલુ સ્ટડી સ્ત્રીઓ માત્ર એક ચાંલ્લા માટે કરતાં હોય છે. પુરુષો ને તેમનાં બધા જ ભાઇઓ ને ફોન કરી પુછવાનો ઓર્ડર મળી જાય છે અને પુછાય છે કે “તમે જરા નોટબુકમા જોઇને કહો ને બકાભાઇ એ આપણા તરૂણના લગ્નમા કેટલા લખાવ્યા હતા?” સ્ત્રીઓની ગણતરી પુરૂષોનાં વિચારોની બહારની વાત છે, તેઓ બે-ચાર મિનિટમા તો એટલુ બધુ વિચારી લે અને પુરૂષ તો હજુ મોંઢામાં મુખવાસ જ વાગોળતા હોય. તેઓને કોઇ નોટબુક ચેક કરવાનીની જરૂર જ હોતી નથી. બધુ જ મોંઢે યાદ હોય, ભલે એ વાત ૫ વર્ષ જુની જ કેમ ના હોય? અને એમનાં કોઇ પણ વાત પાછળના કારણ તો એનાથી પણ જોરદાર હોય છે. “એમણે મને ગઈકાલે રસ્તામાં મળ્યા ત્યારે બોલાવ્યા નહોતા ને...તો હું તેમના બાબાનાં લગ્નમા ૫૧ જ લખાવીશ” ભાઇ બિચારા સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન પણ ન કરે કારણ કે ખબર જ છે કે ખોટુ લાંબુ ચાલશે.

મોટી-મોટી સેલિબ્રેટીઓને સારૂ, એક તો લગ્નમાં જવા મળે અને મહત્વની વાત કે ચાંલ્લો લખાવવાનો તો નહિ જ પરંતુ સામેથી ચાંલ્લો લઇને આવવાનો. હા...પણ મને એક વિચાર આવ્યો કે જ્યારે કોઇ મોટી વ્યક્તિ, બીજી કોઈ વ્યક્તિના છોકરા કે છોકરીના લગ્નમાં જતાં હશે તો તેઓ કેટલો ચાંલ્લો લખાવતાં હશે? દાખલા તરીકે જો મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલના ત્યાં જાય તો એમને ૫૦૧, ૧૦૦૧ કે ૫૦૦૧ તો લખાવાય નહિ, એતો સીધો લાખો માંજ લખાવે. પછી જ્યારે સામે મુકેશ અંબાણીના ત્યાં તેઓ જાય ત્યારે એમનાં પત્ની કહેતાં હશે “મુકેશે ગઇ વખતે ૧૦ લાખ લખાવ્યાં હતાં.તો હવે આપણે ૧૧ લાખ જ લખાવજો પાછા...વધારે પડતા વાયડા ના થતા...”

ચાંલ્લો લખાવવો એક પ્રથા થઇ ગઇ છે, પણ એનાં પાછળ ની કથા શુ હશે? એનાં વિશે વિચાર કરવાં જેવો જણાય છે. એમાં પણ પુરૂષો અને સ્ત્રીઓનાં મંતવ્ય દરેક વખતની જેમ અલગ જ છે. મે જ્યારે આ સવાલ મારી પત્ની ને પુછ્યો ત્યારે બીજી જ સેકંડે જવાબ આપ્યો “આપણે ચાંલ્લો એટલે લખાવીએ છીએ કે જેથી આપણા આપેલા પૈસાથી એ સ્ત્રીનાં ચાંલ્લાના અને પછી વધારાનાં મેક-અપ નો સામાન લાવી શકાય” લ્યો કરો વાત...આટલુ લાંબુ અને વિચિત્ર સ્ત્રી સિવાય કોઇ વિચારી શકે ખરા!!!! અને જ્યારે આ જ સવાલ મે મારાં મિત્ર સુનીલ ને પુછ્યો ત્યારે એને મને કાંઇક અલગ જ, આવો જવાબ આપ્યો “મને તો હોટલમાં અને લગ્નમાં માત્ર એક જ ફરક લાગે છે. હોટલ માં આપણે બીલ પર પૈસા આપવાનાં અને લગ્નમા ફીલ પર. હોટલમાં જેટલુ ખાઇએ એટલાનુ બિલ આપવાનુ થાય જ્યારે અહીં ખાઇએ કે ન ખાઇએ, ભાવે કે ન ભાવે અમુક ફિક્સ તો આપવાનાં થાય જ.” પણ મારા મત મુજબ લગ્નમાં ચાંલ્લો એટલે “સંબંધ સાચવવાની અનિવાર્ય એક કડી”

ઘણા બધાનાં સંબંધો લગ્નનાં ચાંલ્લાનાં કારણે સુધરે પણ અને બગડે પણ ખરા...પાછુ એ લગ્નમાં ચાંલ્લો લખનાર પર પણ આધારિત છે, એણે લખવામાં એકાદ મીંડુ આઘુ-પાછુ કર્યુ તો બહુ મોટો લોચો પડે અંને બહુ બધાનાં સંબંધો તુટી શકે. એટલે જ ચાંલ્લો લખવા માટે મોટેભાગે શિક્ષકો કે બેંક્માં નોકરી કરતાં લોકો ને જ બેસાડાય છે. એનુ જીવતું અને જાગતુ ઉદાહરણ અમારી સોસાયટીમાં રહેતાં બાબુકાકા. એમનુ અને એમનાં ભાઇ રમણભાઇ સાથે વર્ષોથી નહોતુ બનતુ, જો કે ન બનવાં પાછળનુ કારણ પણ આ ચાંલ્લો જ. વાત જાણ એમ હતી કે રમણભાઇના છોકરાંનાં લગ્ન સંપન્ન થયાં અને લગ્ન પછી એમણે નોટબુક ખોલી ચાંલ્લાનો સરવાળો મારવાનુ ચાલુ કર્યુ. પાછુ લગ્ન પત્યા પછી સૌથી પહેલુ કામ આ જ થાય!!! એની મદદથી જે થોડા ઘણાં ઉધાર માંથી ઓછા થાય એ. તો જ્યારે બાબુકાકાનુ નામ આવ્યુ તો તેમનાં નામની સામે તેમણે માત્ર ૫૦/- લખેલુ વાંચ્યુ. એમણે થોડુ વિચાર્યા પછી ઘરમાં બધાને જણાવ્યું. ઘરના બધાજ લોકો ધુંઆપુંઆ થઇ ગયા,રમણભાઇ કરતા એમનો છોકરો કાળુ વધારે ગરમ થઇ ગયો અને બોલ્યો “ લખાવ્યા ૫૦ અને ખાધુ ૫૦૧ નુ. હું જોઈ રહ્યો હતો, તેઓ દબાઇ-દબાઇ ને જમતાં હતા અને પેલી મોંઘા ભાવની આઇસ્ક્રીમ તો ૪-૫ દાબી ગયા હતાં” અને પાછુ અમારા બાબુકાકાને જોઇને લાગી જ આવે કે ૫૦૧ નુ તો એમણે એકલા એ ઓછામાં ઓછુ ખાધુ જ હશે. ઘરમાં બધાને ખોટુ લાગ્યુ હતુ કે ભત્રીજાનાં લગ્નમાં માત્ર ૫૦ જ રૂપિયાં લખાવ્યા? બીજા દિવસ થી જ તેમણે બાબુકાકા સાથે બોલવાનુ બંધ કરી દીધુ. બાબુ કાકા મોજીલા માણસ. એમને તો કાંઇ સમજાયુ જ નહિ કે બાબત શુ છે? અને હા...સ્ત્રીઓ થી સારી એક્ટિંગ તો કોઇએ ભાગ્યે જ કરી હશે... બાબુકાકાનાં પત્ની અને રમણ કાકાનાં પત્ની જ્યારે પણ મળે ત્યારે એવુ કાંઇ લાગે જ નહિ કે કાંઇ થયુ છે.

બે વર્ષ સુધી અબોલા ચાલ્યાં. રમણકાકાનાં બીજા છોકરાનાં લગ્ન પણ આવી ગયાં, આજે પણ તેઓ એ કામ થી કામ વાળી વાત રાખી. આ વખતે લગ્નમાં ચાલ્લો લખવા ખુદ કાળુ બેઠો હતો. આ વખતે પણ બરાબર દબાઇને ખાધા પછી બાબુકાકા ચાંલ્લો લખાવા કાઉન્ટર પર પહોચ્યાં. બાબુ કાકાને જોઇને કાળુ બોલ્યો “મારાં લગ્નમાં લખાવ્યાં હતા એટલાં જ લખુને?” બાબુ કાકા ઓડકાર ખાતા-ખાતા બોલ્યા “હા બેટા..એટલા જ” અને કાળુએ બધો જ ગુસ્સો પેન પર કાઢતાં દબાઇને ૫૦ લખ્યાં. બાબુ કાકાએ તેમનાં ખીંચા માંથી ૫૦૧ કાઢીને આગળ ધર્યા. બાબુ બઘવાઇ ગયો અને બોલ્યો “મારાં લગ્નમા ૫૦ અને મારા ભાઇનાં લગ્નમા ૫૦૧... આવો ફરક કેમ?” બાબુકાકાને આશ્ચર્ય થયુ, એમને કાંઈ સમજાયુ નહિ એટલે પુછ્યુ “કેમ? ૫૦? મે તો તારાં લગ્નમા પણ ૫૦૧ જ લખાવ્યાં હતા” કાળુની પાંપણો ઊંચી થઇ ગઇ, એ વિચાર કરવા લાગ્યો અને પછી મનમાં ને મનમાં બોલ્યો “ઓ..તારી!!! અમે ચાંલ્લો લખવા માટેપેલા કનુ કમજોર ને બેસાડ્યો હતો!!! નક્કી એણે જ ભુલ કરી હશે”

બીજા જ દિવસે રમણકાકા સહકુટુંબ બાબુકાકાને ત્યાં ગયા અને થયેલી ભુલ બદલ માફી માંગી, અમારા બાબુકાકાનુ દિલ પણ એમનાં પેટની જેમ બહુ મોટુ એટલે એમને તરત જ માફ કરી દીધા.આ વખતે રમણ કાકાએ અને એમનાં કુટુંબે બાબુકાકાને ત્યાં ભરપેટ ખાધુ.

----અન્ય પાલનપુરી