બડે અરમાનસે રખ્ખા હૈ મૈને તેરે નામ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડે અરમાનસે રખ્ખા હૈ મૈને તેરે નામ

બડે અરમાનસે રખ્ખા હૈ મૈને તેરા નામ....!

અસ્સલ તે અસ્સલ...! નામ પાડવાના મામલે ફોઈને કોઈ જાતનું ટેન્શન હતું જ નહિ. જે બચ્ચું જે વારે જન્મ્યું એ વાર ઉપરથી એના નામનો સિક્કો બિંદાસ લગાવી દેવાનો. બહુ બહુ તો રાશિનો મામલો સેટ નહિ થાય, તો જ તિથી-મહિનો કે ઋતુ પકડીને નામ પાડવાના. એ જમાનામાં ગામડામાં મેટરનીટી હોસ્પિટલ તો ક્યાંથી હોય...? લગભગ ઘરે જ બધી ડીલીવરી થતી. એટલે હોસ્પિટલનું નામ રાખવાનું પણ ચલણમાં નહિ. આજે જ્યાં જ્યાં આપણે જેઠિયા, મહાનંદ, શ્રાવણીયા, આસુ વગેરે નામ જોઈએ છે, એ બધી મહિનાના નામ ઉપરથી પડેલા નામની પેદાશ છે, એવું લાગે....! ને ચોથીયા, પુનમીયા, પાંચિયા, સાતમકાકા, આઠમભાઈ, નેમા ને ચૌદશીયા એ બધાં જાણે જે તે, તિથીએ જન્મેલાની ઉપજ હોય એવું લાગે. બાકી રહી ગયા, રવલા, સોમલા, મંગળીયા, બુધિયા ગુરિયા, શુક્કરીયા, શનીયા....આ બધાં જાણે જે તે વારે જન્મેલા ની નિશાની હોય એવું ફિલ થાય. આમાં શું છે કે, પહેલાં અત્યારની જેમ ગુગલ નહિ હતું, આપણી ફોઈઓ જ ગુગલ, ને ફેસબુક....!. એના ભેજાના સર્ચિંગમાં જે આવ્યું, તે નામ એ ચોંટાડી દેતી. આજે તો ફોઈપ બધી ગુગલમાં જતી રહી. નામ પાડવાનો મધુરો અધિકાર ગુગલે લઇ લીધો. એમાં થી શોધી શોધીને એવાં નામ પાડે કે, બોલવા માટે આપણે એક ભણેલો માણસ ભાડે રાખવો પડે. એના કપાળમાં કાંદા ફોડું....!

ચમનીયાને કોલેજ ગયાં પછી નોલેજ આવ્યું કે, છોકરીઓ આપણી તરફ ડાચું ફેરવીને સાલી જોતી કેમ નથી...? ક્યાંથી જુએ....? છોકરો ભલે ને ઢાકાની મલમલ જેવો ફાંકડો દેખાતો હોય...! પણ નામમાં પણ દમ હોવો જોઈએ કે નહિ....? છોકરીને બધ્ધું સેટ થઇ જાય, પણ ‘ ચમનીયો ‘ નામ સાંભળીને જ એનું મોઢું “ જી.એસ.ટી. “ લાગ્યો હોય એવું થઇ જાય...! પછી ચમનીયાને કોણ ‘ બોયફ્રેન્ડ ‘ બનાવે...? હાય....ચમનીયા...! ‘ કહીને બોલાવતી વખતે, ચમનીયા ભૂતને બોલાવતી હોય એવું લાગે....! ને બહેનપણાં મ્હેણાં મારે તે જુદું કે, ‘ અલી...પેલો તારો ચમનીયો આવ્યો જો...! ‘ બિચારી ભોંઠી પડી જાય કે નહિ....?

ચમનીયાનું ઓરીજીનલ નામ આમ તો ‘ ચર્ચિલ....! ‘ પણ અક્ષરજ્ઞાનની ખામીવાળા ઘરવાળાને ચર્ચિલ બોલવાનું ફાવે...? ચર્ચિલ બોલવા પણ જાય, પણ ફાવે નહિ એટલે ‘ ચચરું...ચચરું ‘ કરી નાંખેલું. પછી, અક્ષરજ્ઞાન વધ્યું, એટલે ‘ ચચરું ‘ માંથી, ચમનીયામાં ફેરવાયો. પછી તો કોલેજકાળ સુધી એમાં કોઈ ક્રાંતિ આવી જ નહિ. જેમ ‘ પાડો ‘ જન્મે ત્યારે પણ પાડો કહેવાય, ને મરે ત્યાં સુધી પણ ‘ પાડો ‘ કહેવાય. એમ ચમનીયો પણ કોલેજકાળ સુધી ચમનીયો જ રહ્યો....! ‘ નામ બદલવાના મામલે, ચમનીયાથી આંદોલન તો કરાય નહિ, એટલે ચમનીયાએ પરિવારને એલટીમેટમ આપ્યું કે, ‘ આજથી કોઈએ મને ચમનીયો નહિ કહેવો. આમ છતાં પણ જો કોઈ ચમનીયો કહેશે તો હું ગૃહત્યાગ કરીશ.....! મારૂ નામ ચર્ચિલ છે, તો મને ચર્ચિલના નામથી જ બોલાવવો. કારણ હવે હું ઘોડિયામાં પણ નથી, ને બાળોતિયામાં પણ નથી, કે બધાં મને “ ચમનીયો...ચમનીયો “ કહીને પંપાળો છો...! સાલું કુતરું રડે ત્યારે પણ એવું સંભળાય કે, જાણે મને ‘ ચમનીયો ‘ કહીને જ બરાડા નહિ પાડતો હોય....?

વાતને હસી કાઢવા જેવી તો છે જ નહિ...! કારણ ચમનીયો હવે નથી ઘૂઘરે રમતો કે, નથી ઘોડિયામાં સુતો. વગર હાલરડે હવે એ ડબલબેડ ઉપર નસકોરાં બોલાવી શકે છે. હા, એની મસોટી જોયા પછી એવું લાગે કે, ‘ ક્યાં પેલો ઓરીજીનલ ચર્ચિલ, ને ક્યાં આ ફારમના મરઘા જેવો ચમનીયો....? ‘ જોતાવેંત એવું જ ફિલ થાય કે, આ મેઈડ-ઇન-ચાઇનીશ ‘ ચર્ચિલ ‘ છે. એના લખ્ખણ પણ જોવા પડે ને યાર....? ચમનીયાનો નકશો ભલે ભૂતનાથ સાથે મળતો આવતો હોય, તો પણ આ જમાનામાં ‘ ચમનીયો ‘ નામ તો ઠીક નહિ જ લાગે. અસ્સલના ગામડામાં તો ભૂતના નામ પણ આવાં જ રહેતાં. એ આપણે ક્યા નથી જાણતા....? પણ ‘ ચીકની ચમેલી ‘ માં સમઝ પડતી થઇ જાય, પછી પણ એને ‘ ચમનીયો/ ચમનીયો ‘ કહ્યા કરીએ, તો બેહુદું તો લાગે જ....! એટલે તો એ કહે છે કે, જોઈએ તો મને ચર્ચિલ ૧-૨-૩ જે નંબર આપવો હોય તે નંબર આપીને તમે બોલાવો, પણ મને હવે ‘ ચમનીયો ‘ કહેવાનું ટાળો ભાઈ સાહેબ....!

આ નામની બાબતમાં તો, ખાલી ચમનીયાના ડોહાઓએ જ નહિ, ઘણાના ડોહાઓએ છોકરાના નામની પથારી ફેરવી નાખી છે. જન્મે એટલે એવાં હરખઘેલાં થઇ જાય કે, ‘ મારો બકો, મારો બચુડો, મારો ડીકુ, મારો ટપુડો કે મારો ચમનીયો કહીને બોલાવે નહિ, ત્યાં સુધી એમને ગલીપચી નહિ ઉપજે. પેલાના મૂછના દોરા ફૂટે ત્યાં સુધી તો કોઈને ખબર જ નહિ પડે, કે બકાનું ઓરીજીનલ નામ શું છે....? સરકારે એનો ચૂંટણીકાર્ડ પણ છાપી નાંખ્યો, ને એ બકાને પણ હવે બબ્બે બચુડાની બેલેન્સ થઇ ગઈ, છતાં ડોહાઓ જુના અભ્યાસક્રમને અભરાઈએ ચઢાવે તો બીજા...! એમને કોણ સમઝાવવા જાય કે, આપણા જોડામાં બચુડાનો પગ આવી જાય, ને આપણી લેંઘી એને ઓલટ્રેશન વગર ફીટીંગમાં આવી જાય, તો માનવું કે, એ આપણો હવે બચુડો નથી, પણ આપણો આધારકાર્ડ છે. કલમ નો ક બોલવાને બદલે, હવે એ ક કરીના કપૂરનો ક બોલતો થઇ ગયો છે. છતાં ડોહાઓ તાણીતાણીને ઝભલા / ટોપી પહેરાવ / પહેરાવ કરતાં હોય, એમ ‘ ચમનીયો...ચમનીયો ‘ કહ્યા કરે તો કેવું લાગે....? અરે ભાઈ, એના મૂછના દોરાની તો શરમ રાખો....? જેને મૂછના દોરા સમઝો, એ વાસ્તવમાં મૂછ નથી, એ જ પેલી લક્ષ્મણ રેખા છે. સુર્પણખાંઓ માટે પહોંચવાનું સરનામું છે....!

મને ખબર છે કે, મારી આ વાતથી ડોહાઓ નારાજ થવાના. એ લોકો આક્રોશ કરશે કે, ‘ તો શું અમારે અમારા લાડકોડને હવે દફનાવી દેવાના કે....? પોતાનાને લાડથી નહિ બોલાવવાના, તો શું પાડોશીના છોકરાને લાડ કરવાના....? પાડોશીના છોકરાઓને ખોળે લેવાના બૂચા...? ને લેવાદેવા વગર તે પાડોશીના છોકરાઓને જબદસ્તીથી ખોળે થોડાં લેવાય....? “

મહાત્મા ગાંધીજીએ તો એટલું લખી જવું હતું કે, ‘ કોઈનું કામ નહિ બગાડો, એમ કોઈનું નામ પણ નહિ બગાડો. બનવા જોગ છે કે, જેને આપણે ‘ કલ્લુ...કલ્લુ ‘ કહીએ, એ જ આવતીકાલે કવિ કાલીદાસ પણ બની જાય. કહેવાય નહિ ....! ‘ ઘણા તો છોકરું જન્મે એટલે સ્પેરપાર્ટસ ચેક કરવાને બદલે, કોલંબસ બનીને ગુગલમાં એનું નામ જ શોધવા માંડે. ને એવું નામ શોધી લાવે કે, આપણે નક્કી નહિ કરી શકીએ કે, આ નામ ચાઈનીસ છે, ફ્રેંચ છે કે, તમિલ છે...! એમાં મુશીબત એ આવે કે, ઘરના ડોહાને તો બોલતાં પણ નહિ ફાવે. એક તો ડોહાના મોઢામાં ફર્નીચર હોય નહિ. ને નામ બોલવા જાય તો, કરાટેના ખેલની માફક, મોઢામાંથી ‘ ફૂઊઊફૂઊઉ ‘ થઈ જાય. આપણને એમ જ લાગે કે, બાપાને ફેફરું આવ્યું કે શું.....? છેલ્લે ઘરવાળા જ વચલો રસ્તો કાઢી આપે કે, ‘ દાદા તમે આ ‘ ફૂઊઊઉ...... ફૂઊઊઉ કરો છો, એમાં નાનકો થુંકે નવાય જાય છે, એટલે તમારે એને ‘ ગોટીયો ‘ જ કહેવાનું....!

આજકી ઉઘડતી પેઢીકા યે સબ કમાલ હૈ.....! ફેસબુક, ગુગલ ને વોટ્સેપની પ્રોડક્ટ માલ ભલે ગમે તેવો હોય, પણ નામમાં નવીનતા હોય...! ભારતમાં મંદિરો બાંધવામાં ભલે વધારો થયો હોય, પણ આજે વિષ્ણુ-શંકર-પાર્વતી-રામચંદ્ર-મહાદેવ જેવાં નામ તો હવે કોઈ પાડતું જ નથી. ફેસબુકમાં વોટ્સેપમાં ઝામે એવાં જ નામ રાખે....! ને વોટ્સેપવાળું તો હવે એવું ઝામ્યું છે કે, સવાર ઉગે કે નહિ ઉગે, પણ મોબાઈલની ઉઘડતી બેલેન્સમાં કોઈનો ને કોઈનો મેસેજ તો હોય જ....! સુરજ તો ઘરનાં ઓટલે પછી આવે, એ પહેલાં મેસેજ આવી જાય કે, ‘ હેવ એ નાઈસ ડે.....! ‘ પછી પોતે ઊંઘણીયો ભલે પથારીમાં લપેટાયેલો હોય...!

પાછા આટલેથી અટકતાં હોય તો બીજા. શેર / શાયરી ને કવોટેશન તો એવાં મોકલે કે, જાણે એના બાપદાદાઓ પેઢી દર પેઢીથી સાધુસંતો-કવિઓ-ગઝલકારો ને સુફીસંતો સાથે જ જાણે રાતવાસો કરતાં નહિ આવેલાં હોય....? ભાઈ શુભકામના પાઠવવાની ખાસ જરૂર તો સોનિયાગાંધી અને રાહુલગાંધીને ખાસ છે. પણ ચર્ચામાં આપણું નામ જીવતું રહેવું જોઈએ, એટલે બધો એંઠવાડ ગમે ત્યાને ગમે ત્યાં ઠાલવતાં જ હોય. એમાં શાયરીઓ તો એવી એવી મોકલે, કે ગાલીબ જીવતો હોત, તો એણે પણ શાયરી વાંચીને આપઘાત કરવો પડ્યો હોત. ઉંચી કક્ષાનો સાબુ વાપરવાથી, આપણો કાલીદાસ, કદી ‘ સફેદમલ ‘ થવાનો નથી....! તેમાં ચમનીયો પાછો લખે કે, ‘ અડીકડીને નવઘણ કુવો, મોબાઈલ ના જોયો એ જીવતો મુઓ.....! ‘ એના કપાળમાં કાંદા ફોડું....!

સારું છે કે, સરકારે ‘ લેટેસ્ટ ‘ નામ પાડવા માટે જી.એસ.ટી. લગાવ્યો નથી. ખરેખર તો બાકીના માલ ઉપરથી ‘ જીએસટી ‘ ઉઠાવીને, મોર્ડન નામ ઉપર જ જીએસટી ઠોકવા જેવો છે. જેથી કરીને આપણા પૂર્વજોના નામ છગન-મગન-છબીલ-પ્રેમજી-વ્હાલજી વગેરે પાછા જીવતા થાય....! શેક્સપીયરે ભલે એમ કહ્યું હોય કે, ‘ વ્હોટ ઈઝ ધેર ઇન અ નેઈમ ‘ છતાં, એની ફોઈએ એનું નામ ‘ શેક્સપીયર ‘ જ રાખેલું. બાકી આ ટુજી-૩જી-૪જી તો હમણાં આવ્યું. આપણા બાપદાદાઓ તો પહેલેથી જ જી વાપરતાં. પોણી સદીના માણસોના નામ જોશો તો સમ્ઝાશે કે, આ કાનજી, પ્રેમજી, લવજી, માવજી, મગજી, વ્હાલજી જેવાં જ એ નામ રાખતાં. કારણ એ લોકો જાણતા કે, આ દુનિયામાં શિવજી સિવાય કોઈ ટાવર પાવરફુલ નથી....!

***