પિન કોડ - 101
પ્રકરણ-96
આશુ પટેલ
‘વર્સોવાના કબ્રસ્તાન નજીકની એક ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક મૌલવીજીનું ઘર છે. એના એક બેડરૂમમાં થઈને બેઝમેન્ટમાં જવાય છે. ત્યાં કાણિયાનો અને આઈએસનો વિશાળ અડ્ડો છે...’
ઓમર હાશમીના શબ્દો સાંભળીને સિનિયર ઇંસ્પેક્ટર દીઘાવકર ચોંકી ગયા. ‘આઈએસનો અડ્ડો પણ ત્યાં છે?’ તેમણે પૂછ્યું.
‘હા, સાહેબ. આઈએસની ભારતની પાંખનો ચીફ કમાન્ડર સૈયદ ઈશ્તિયાક અહેમદ પણ ત્યાં જ છુપાયો છે.’ ઓમરે કહ્યું.
દીઘાવકર ઉશ્કેરાઈને ઊભા થઈ ગયા. તેમણે ઝનૂનપૂર્વક ઓમરની છાતીમાં લાત મારતા બરાડો પાડ્યો. %*, તને આ બધી ખબર હતી તો તું પકડાયો એ દિવસે બોલ્યો કેમ નહીં? અમે મુંબઈને બચાવી શક્યા હોત!
ઓમર ખુરશી સહિત પાછળની બાજુએ ઊથલી પડ્યો.
દીઘાવકરે ડાબા હાથેથી તેનો કાન પકડીને તેને ઝટકા સાથે ઊભો કર્યો અને જમણા હાથે તેને પૂરી તાકાતથી ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા. ઓમરને લાગ્યું કે તેનો કાન છૂટો પડી જશે અને તેનો ગાલ ફાટી જશે.
ઓમર થરથર કાંપી રહ્યો હતો. તે ગરીબડી ગાયની જેમ તેમની સામે જોઈ રહ્યો. ‘માફ કરી દો સાહેબ.’ તેણે કહ્યું. ડરને કારણે તેણે તેમની સામે હાથ જોડી દીધા.
‘હવે માફી માગે છે, %*’ દીઘાવકર ફરી બરાડ્યા. વળી એકવાર તેઓ ઓમર પર ફરી વળ્યા. ઓમર રહેમની ભીખ માગવા લાગ્યો.
માણસ ગમે એટલો સોફિસ્ટિકેટેડ હોય અને કડકડાટ ઈંગ્લિશ બોલીને બીજાઓને આંજી દેતો હોય પણ જ્યારે તેને ભય ઘેરી વળે ત્યારે તે પોતાની અસલ ભાષાનો ઉપયોગ કરવા લાગે છે. ઓમર પણ ઉર્દૂની છાંટવાળી હિન્દી ભાષામાં દીઘાવકરને આજીજી કરવા લાગ્યો.
દીઘાવકરને યાદ આવ્યું કે એંકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પંકાયેલા વાઘમારે વર્સોવામાં એ જગ્યાએ ગયા હતા ત્યારે સ્થાનિક રહેવાસીઓએ કેવી ધમાલ મચાવી હતી અને મીડિયાએ પણ વિલન જેવી ભૂમિકા ભજવી હતી. એક મોડેલ યુવતીને બચાવવા જતા વાઘમારેએ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. એ વખતે વાઘમારેની ટીમને અવરોધ ન નડ્યો હોત તો મુંબઈને ખોફનાક આતંકવાદી હુમલાઓમાંથી બચાવી શકાયું હોત. પણ હવે ‘જો’ અને ‘તો’ વિશે વિચારવાથી કોઈ ફાયદો નહોતો. પરંતુ હજી કાણિયા અને આઈએસના અડ્ડામાં ઘુસીને ગુંડાઓ અને આતંકવાદીઓને ઝડપી લેવાય તો તેમના બીજા કારસ્તાનો પર બ્રેક લગાવી શકાય.
દીઘાવકર થોડા શાંત પડ્યા. તેમણે સ્વસ્થ થવાની કોશિશ કરતા ઓમરને કહ્યું, ‘ખુરશી સીધી કરીને બેસ અને જેટલી પણ ખબર હોય એ બકવા માંડ.’
દીઘાવકરનો ગુસ્સો થોડો ઓછો થયો એ જોઈને ઓમરને પણ થોડી ધરપત થઈ. તે દીઘાવકરનું રૌદ્ર સ્વરૂપ જોઈને ડરી ગયો હતો કે તેઓ ક્યાંક હમણાં જ તેને ગોળી મારી દેશે!
‘મૌલવીજીના ઘરમાંથી...’
‘મૌલવીજી! હજી તું મૌલવીનો માનાર્થે ઉલ્લેખ કરે છે!’ .... ફરી ઉશ્કેરાઈ ગયા. તેમણે પોતાની રિવોલ્વર કમર પાસે લટકતા હોલ્સ્ટરમાંથી કાઢીને ટેબલ પર મૂકતા કહ્યું, ‘હવે એનો ઉલ્લેખ દેશદ્રોહી કે હલકટ તરીકે કરજે. નહીં તો હું મારો વિચાર બદલીને તને અહીં જ ગોળી મારી દઈશ. ભલે મારે વાઘમારેની જેમ ઘરે બેસી જવું પડે. કે પછી તારા જેવાની માના ધણીઓ કે તારા જેવાને પોતાની માતાના ધણી સમજનારાઓ મને ફાંસીએ ચડાવવા માટે માગણી કરે! તારી જીભ ભૂલ કરશે એ સાથે તારા મોઢામાં નાળચું ભરાવીને હું બધી ગોળી ધરબી દઈશ. હવે બોલવા માંડ!’
‘એ મૌલવીના...’ ઓમર બોલ્યો
એ સાથે દીઘાવકરે રિવોલ્વર તેના ચહેરા તરફ ધરી.
‘સોરી, સર. એ હલકટના, એ દેશદ્રોહીના બેડરૂમમાંના બાથરૂમમાં એક લાકડાનો દરવાજો છે. એ દરવાજો ખોલશો એટલે વોર્ડરોબ દેખાશે. એ વોર્ડરોબમાં કપડાની પાછળ એક છૂપો દરવાજો છે. એ દરવાજો એક નાનકડા રૂમમાં પડે છે, એ રૂમમાં એક ગાદી છે એની નીચે એક ગુપ્ત દરવાજો છે. એ રૂમની એક દીવાલ પર એક પિક્ચર ફ્રેમ છે. એ ફ્રેમની પાછળ એક સ્વીચ છે. એ સ્વીચ દબાવવાથી ફ્લોરમાંથી લાકડાનું પાટિયું એક તરફ સરકી જશે. એ રસ્તો ખૂલશે એટલે નીચે ઊતરવા માટે પગથિયા દેખાશે. એ પગથિયાં ઊતરીને એક નાનકડા પેસેજમાં જવાય છે. એ પેસેજમાં થોડા ફૂટ ચાલીને એક દરવાજો છે ત્યાં એક બટન છે એ બટનથી એક મોટા હોલમાં દરવાજો ખૂલે છે, જ્યાં કાણિયા અને તેના કેટલાક માણસો બેઠા હોય છે. એ ભૂલભૂલૈયા જેવી જગ્યામાં ઘણાં બધા રૂમ્સ છે. બીજો એક હોલ છે એનો ઈશ્તિયાક ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. તે રાતે એ જ હોલમાં જ ઊંઘી જાય છે. ઈકબાલભાઈ, સોરી સોરી, કાણિયો એક રૂમનો બેડરૂમ તરીકે ઉપયોગ કરે છે. અને કાણિયો જ્યાં બેસે છે એ વિશાળ હોલ રાતે મોટા ભાગના માણસો માટે બેડરૂમ સમો બની જાય છે. જો કે મેં પણ આખી જગ્યા તો નથી જોઈ.’ ઓમરે ખુલાસો કર્યો.
‘કેટલાં માણસો છે એ જગ્યામાં?’ દીઘાવકરે પૂછ્યું.
‘કાણિયા અને ભાઈજાન સહિત...’
ઓમરનું વાક્ય પુરું થાય એ પહેલાં દીઘાવકરે રિવોલ્વરનું નાળચું તેના તરફ ધર્યું. ફફડી રહેલા ઓમરે ઉતાવળે પોતાની ભૂલ સુધારી લીધી, ‘સોરી. ઈશ્તિયાકને બધા ભાઈજાન કહે છે. કાણિયા અને ઈશ્તિયાક સહિત આશરે બે ડઝનથી વધુ માણસો એ જગ્યામાં છે. પેલા દેશદ્રોહી મૌલવીના ઘરમાં રહેતા સભ્યો અલગ.’
‘આજુબાજુમાં કોઈને ખબર નથી કે ત્યા કાણિયા અને આઈએસનો અડ્ડો છે?’
‘આજુબાજુની ઈમારતોમા રહેતા લોકોને એટલી ખબર છે કે કાણિયા ત્યાં રહે છે, પણ અંદર ગુપ્ત જગ્યા વિશે બહુ ઓછા લોકોને ખબર છે. અને એ વિસ્તારના ઘણા માણસોને કાણિયાએ મદદ કરી છે. એટલે બધા તેને બહુ આદર આપે છે. કાણિયાના વફાદાર બિલ્ડરે એ ઈમારત બનાવી ત્યારે એના બેઝમેન્ટમાં બાંધકામ કર્યું હતું. એ બાંધકામ કરનારા મજૂરો અને બિલ્ડર તથા કાણિયાના ખાસ માણસો સિવાય કોઈને ખબર નથી કે એ બિલ્ડિંગમાં જવા માટે ગુપ્ત રસ્તો છે.’
‘આમાંની કોઈપણ વાત ખોટી હશે તો...’
દીઘાવકરે ફરી રિવોલ્વરનું નાળચું ઓમર તરફ ફેરવ્યું.
‘કસમથી કહું છું. મારી પાસે જેટલી માહિતી હતી એટલી મેં તમને આપી દીધી છે.’
દીઘાવકરે કહ્યુ: ‘મેં તને ખાતરી આપી છે એટલે તારું એન્કાઉન્ટર નથી કર્યું, પણ તારી માહિતી ખોટી નીકળશે તો હું તને લોકઅપમાંથી છોડી દઈશ!’
ઓમર મૂંઝવણભરી નજરે તેમની સામે તાકી રહ્યો એટલે દીઘાવકરે ફોડ પાડ્યો, ‘હું તને છોડી મૂકીશ એ સાથે કાણિયાના ગુંડાઓ તને મારી નાખશે. અને તારા એન્કાઉન્ટરની પળોજણ અને એના કારણે થનારા વિવાદથી પણ હું બચી જઈશ. સાપ મરી જાય અને લાઠી ભાંગે નહીં એવો રસ્તો હું અપનાવીશ. હવે તને જેમ ઠીક લાગે એમ કરજે. અને હા, ‘કાણિયાના અડ્ડા પર ત્રાટકતી વખતે હું તને સાથે રાખીશ!’
* * *
‘સાહિલ સગપરિયા અને મોહિની મેનનને લઈ જઈ રહેલી પોલીસ વેન વરસોવા પોલીસ સ્ટેશનમાં પહોંચશે એ પછી તે બન્ને ત્યાંથી બહાર નહીં આવે, તે બન્નેની લાશ જ બહાર આવશે!’ વાઘમારેએ કહ્યું.
‘વોટ?’ વાઘમારેના શબ્દોથી ડીસીપી સાવંતને જોરદાર આંચકો લાગ્યો.
હા, સર. ‘કાણિયાએ તે બન્ને માટે સુપારી’ આપી દીધી છે. ભારતના અંડરવર્લ્ડમાં એ આજ સુધીની સૌથી મોટી રકમની સુપારી છે. કાણિયાએ પચ્ચીસ કરોડમાં સોદો કર્યો છે અને એમાંથી પાંચ કરોડ રૂપિયાની એડવાન્સ રકમ હવાલાથી એક માણસને વિદેશમાં મળી ગઈ છે. જેણે ‘સુપારી’ લીધી છે એ વરસોવા પોલીસ સ્ટેશનનો એક પોલીસ અધિકારી છે. અને જેને એડવાન્સ રકમ પહોંચી ગઈ છે એ માણસ તે અધિકારીનો સાળો છે!’ વાઘમારેએ કહ્યું.
(ક્રમશ:)