પિન કોડ - 101 - 91 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 91

પિન કોડ - 101

પ્રકરણ-91

આશુ પટેલ

નતાશા વિશે ખબર પડી એની પાંત્રીસ મિનિટ પછી નતાશાના એનઆરઆઇ માતાપિતા તેમના પ્રાઇવેટ પ્લેનમાં મુંબઇ જવા માટે રવાના થઇ ચૂક્યા હતા. નતાશાની મમ્મીની આંખો રડી રડીને લાલ થઇ ગઇ હતી અને તે હજી થોડી થોડી વારે રડી પડતી હતી. રોહિત નાણાવટીએ પોતાની જાત પર દેખીતી રીતે કાબૂ મેળવી લીધો હતો અને તેઓ પત્નીને સાંત્વના આપી રહ્યા હતા, પણ અંદરથી તેઓ પણ વિચલિત થયેલા હતા. કલાકના પંદરસો કિલોમીટરની ઝડપે ધસી રહેલા અલ્ટ્રા મોડર્ન પ્લેનની ગતિ પણ તેમને ગોકળગાય જેવી લાગી રહી હતી. તેમના મનમાં અફસોસ થઇ રહ્યો હતો કે પોતે દીકરી સાથે અહમની દીવાલ ના ચણી હોત તો કદાચ દીકરી આવી સ્થિતિમાં ના મુકાઇ હોત. એ જ વખતે તેમના મનમા વિચાર ઝબકી ગયો કે ક્યાંક ખરેખર નતાશા પેલી કાર સાથે સ્યૂસાઇડ બૉમ્બર બની ગઇ હોય અને તેણે પોતાની જાતને ફ્લાઇંગ કાર સાથે ફૂંકી મારી નહીં હોય ને! એ વિચાર માત્રથી ફરી વાર તેમના રૂંવાડા ઊભા થઇ ગયા.
* * *
‘કાફરોને વિચારવાની તક મળે એ પહેલા આપણી યોજના ફટાફટ અમલમાં મૂકી દો. એટલે પોલીસને આ જગ્યા સુધી પહોંચવાની તક કે સમય જ ના મળે.’ આઇએસનો સુપ્રીમો અલતાફ હુસેન ઈશ્તિયાકને કહી રહ્યો હતો. તેણે કોલ કર્યો હતો એ વખતે સાહિલને કારણે અંધાધૂંધી મચી ગઈ હતી એટલે ઈશ્તિયાક તેનો કોલ રિસિવ કરી શક્યો નહોતો. ઈશ્તિયાકે તેને કોલ લગાવ્યો હતો અને માહિતી આપી હતી કે કાણિયાના અડ્ડામાં થોડી વાર પહેલા શું બન્યું હતું. તેણે એ પણ કહ્યું હતું કે કાણિયાને લાગે છે કે આપણે તાબડતોબ આ જગ્યા ખાલી કરવી પડશે. આ દરમિયાન ઈશ્તિયાકે નતાશાને પાછી પેલા રૂમમાં મૂકી આવવાનો આદેશ તેના એક સાથીદારને આપ્યો હતો.
‘મે આપણા બધા માણસોને સાબદા કરી
દીધા છે.’
‘પેલી વૈજ્ઞાનિક ઔરત પાછી નહીં આવે તો આપણું કામ નહીં અટકે ને?’
‘બિલકુલ નહીં. આપણા વફાદાર વૈજ્ઞાનિકે તેની પાસેથી બધુ જાણી લીધુ છે. અને તે ઔરતના માતાપિતા અને પેલા કાફરની માશૂકા આપણા કબજામા છે એટલે તેમની પાસે પાછા આવ્યા વિના છૂટકો જ નથી. અને તે બન્ને કદાચ પાછા ના પણ આવે તો પણ આપણી પાસે બીજો રસ્તો છે.’
‘બસ તો હવે ફત્તેહ કરો. આગળનું નેક કામ પાર પાડી દો. અલ્લાહ આપણી સાથે જ છે. બીજી કોઈ મદદની જરૂર નથી ને?’
‘ના. બધું જ ગોઠવાઈ ગયું છે. થોડા કલાકોમાં કામ પાર પડી જશે. હા, આપણું બજેટ થોડું વધી ગયું છે.’ ઈશ્તિયાકે કહ્યું.
‘પૈસાની કોઇ જ ફિકર કરવાની નથી. આપણને આ વખતે માત્ર મિડલ ઇસ્ટના દેશોમાંથી જ ત્રીસ હજાર કરોડ રૂપિયાની સહાય મળી છે. આપણું કામ કોઈ પણ હિસાબે પાર પડી જવું જોઈએ.’ અલતાફે કહ્યું.
‘આજે સાંજે બધુ પાર પાડી દઈશું. ઈન્શાલ્લાહ.’ ઈશ્તિયાકે કહ્યું.
એ જ વખતે પેલા વૈજ્ઞાનિકે ઈશ્તિયાક તરફ જોતા ઊંચા અવાજે કહ્યું: ‘પેલા બંને અહીં પાછા વળવાને બદલે વર્સોવા પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહ્યા છે!’
‘હું આપને થોડી વારમાં કોલ કરું છું.’ ઈશ્તિયાકે અલતાફ હુસેનને કહ્યું અને કોલ ડિસ્કનેકટ કરીને પેલા વૈજ્ઞાનિક સામે જોયું.
પણ તે પેલા વૈજ્ઞાનિકને કઈ કહે એ પહેલા કાણિયા ફરી એકવાર બોલી ઊઠ્યો. ‘આપણે તરત જ આ જગ્યા ખાલી કરી દેવી પડશે.’
ઈશ્તિયાકે કાણિયાના શબ્દોને અવગણીને પેલા વૈજ્ઞાનિક તરફ જોતા કહ્યું, ‘સિસ્ટમ ઓન કરી દીધી છે ને?’
‘હા. ફિકરની કોઇ વાત નથી.’ તે વૈજ્ઞાનિકે અવાજમાં સહેજ પણ આશંકા વિના કહ્યું. ઇશ્તિયાક સાથે વાત કરતી વખતે પણ તેની નજર મોબાઇલ ફોનના સ્ક્રીન પર જ સ્થિર થયેલી હતી.
ફરી વાર કાણિયાએ કહ્યું: ‘આપણે...’
પણ તે આગળ કઈ બોલે એ પહેલા જ તેની વચ્ચેથી અટકાવીને ઈશ્તિયાકે તેને સહેજ અકળાયેલા અવાજે કહ્યું: ‘મેં કહ્યું ને કે તે બંને પોલીસ પાસે જશે તો પણ આપણો વાળ સુધ્ધાં વાંકો નહીં થાય.’
‘અહીં નજીકમાં જ એક વિશ્ર્વાસુ માણસનો ફ્લેટ છે જ્યાં આપણે એકદમ સલામત રહી શકીશું.’ કાણિયાના અવાજમાં ઉચાટ અને તણાવ સ્પષ્ટ રીતે વર્તાતો હતો. તેને ઈશ્તિયાકના શબ્દોથી ધરપત નહોતી થઈ.
‘પણ આટલા લોકો એકસાથે એ સોસાયટીમાં જશે તો કોઇને શંકા નહીં જતી હોય તો પણ જશે,’ ઇશ્તિયાકે દલીલ કરી.
કાણિયાને તેની એ દલીલ ગળે ઊતરી ના હોય એમ તે કઈક બોલવા ગયો, પણ ફરી વાર તેને બોલતો અટકાવીને ઈશ્તિયાકે કહ્યું, ‘તે બંને પોલીસને શું કહે છે એ પણ આપણને ખબર પડી જશે. એ સાંભળ્યા પછી તો તમને ખાતરી થઇ જશે ને કે આપણે બિલકુલ સલામત છીએ?’
‘અત્યારે મને ખાતરી નથી કે વર્સોવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ વફાદારી નિભાવશે. વળી હવે મારો દોસ્ત ગૃહ પ્રધાન નથી રહ્યો એટલે બધા અધિકારીઓ મને મદદ કરતા અગાઉ દસ વાર વિચારશે!’ કાણિયાએ કહ્યું અને પછી નિ:શ્ર્વાસ નાખ્યો.
‘અરે! હું તમારા પાલતું પોલીસવાળાઓની મદદની અપેક્ષા નથી રાખતો. હું તો મારા પર વિશ્ર્વાસ રાખવાનું કહું છું.’ ઇશ્તિયાકે કહ્યું. ‘અને પછી ઉમેર્યું, છતાં ભરોસો ના બેસતો હોય તો બે-ચાર મિનિટ રાહ જુઓ. હમણાં જ તમને ભરોસો બેસી જશે.’
એ દરમિયાન નમાજનો સમય થયો એટલે પેલા વૈજ્ઞાનિકને બાદ કરતાં તમામ માણસો નમાજ પઢવામાં વ્યસ્ત થઇ ગયા. કાણિયા પાક્કો નમાજી હતો. તે કોઇ પણ સંજોગોમાં પાંચ વખતની નમાજ પઢવાનું ચૂકતો નહોતો. એ જ રીતે ઇશ્તિયાક પણ નમાજનો સમય ચૂકતો નહોતો.
તે બધા નમાજ પઢી રહ્યા હતા એ દરમિયાન ત્રણ ડૉક્ટર આવી ગયા હતા. એ વખતે પેલો વૈજ્ઞાનિક સતત પોતાના મોબાઇલ ફોનના સ્ક્રીન પર નજર ખોડીને સાહિલ અને નતાશાનું લોકેશન જોઇ રહ્યો હતો. તેણે મોબાઇલ ફોન સાથે જોડાયેલા ઇયરફોન પોતાના કાનમાં લગાવી રાખ્યા હતા. તેનો એક સહાયક પણ પોતાના મોબાઇલ ફોનના સ્ક્રીનમાં નજર નાખી રહ્યો હતો, જ્યારે બીજા બે સહાયક તેમની સામે પડેલા લેપટોપના સ્ક્રીન પર નજર રાખી રહ્યા હતા.
ઇશ્તિયાક, કાણિયા અને તેમના બધા માણસોએ નમાજ પઢી લીધી એટલે કાણિયાએ ફરી વાર ઉચાટ સાથે ઇશ્તિયાકની સામે જોયું. ઇશ્તિયાકે તેને આંખોથી જ કહ્યું કે ધરપત રાખો. પોલીસ આપણા સુધી કોઇ કાળે નહીં પહોંચી શકે.
આ દરમિયાન ડૉક્ટરોએ કાણિયાની અને ઇશ્તિયાકની સારવાર શરૂ કરી દીધી હતી. કાણિયાને યાદ આવ્યું કે નીચે હોલમાં પણ રશીદે તેના બે માણસોના પગમાં ગોળી મારી હતી. તેણે ડૉક્ટરોને કહ્યું કે નીચે જાઓ. કાણિયાના વફાદાર ડૉક્ટરે કહ્યું, ‘નીચે પણ બે ડૉક્ટર સારવારમાં લાગી ગયા છે.’
એમાના સિનિયર જણાતા ડૉક્ટરે કહ્યું, મારી હૉસ્પિટલમાં જઇશું તો સહેલું પડશે. ગોળી કાઢવા માટે એનેસ્થેશિયા આપીશું તો તમને પીડા નહીં થાય.’
કાણિયાએ કહ્યું, ‘ઠીક છે.’ પછી તેણે ઇશ્તિયાકની સામે જોયું.
ઇશ્તિયાકે કહ્યું, ‘તમારી હૉસ્પિટલમાંથી એનેસ્થેટિસ્ટને અહીં બોલાવી લો. અને એનેસ્થેટિસ્ટ અહીં ના આવી શકે એમ હોય તો એનેસ્થેશિયા આપ્યા વિના જ ગોળી કાઢી લો!’
‘અરે પણ...’ કાણિયા વિરોધ કરવા ગયો.
‘આપણે અહીંથી ક્યાંય જવાનું નથી.’ ઇશ્તિયાકે સત્તાવાહી અવાજે કહ્યું. કાણિયા મનોમન સમસમી ગયો. તેણે કાળા ગોગલ્સ પહેરી રાખ્યા હતા એટલે તેની આંખો તો નહોતી દેખાતી પણ તેના ચહેરા પરથી પણ ખ્યાલ આવી જતો હતો કે ઇશ્તિયાકના શબ્દો તેને અપમાનજનક લાગ્યા છે.

(ક્રમશ:)