આઇ વૉન્ટ ટુ લીવ.
“બસ પુરૂ હવે, કોઇ પણ રસ્તો મળતો નથી. દડો અને ઢીંગલી તો ઘણી વખત નીચે ફેંકીને રમતો કરી પણ જીવનમાં આજે એક અનેરો ખેલ મારો જીવ દાવ પર મુકીને રમવા જઇ રહી છું. આમ તો ખુબ જ બીક લાગે છે પણ છેવટે આંખ બંધ કરીને ઝંપલાવી દઉ. કાબુ જતો રહ્યો. ખુબ ઝોરથી નીચે પટકાઇ હું. દર્દ અને પીડાથી મારી ચીસ પડી ગઇ. ઓય મા, બહુ જ દર્દ....... “અરે આ શું થયુ? આટલી હળવી ફુલ કેમ બની ગઇ હું? થોડીવાર પહેલાની પીડા દર્દ બધુ ક્યાં ગાયબ થઇ ગયુ? આવા વિચારોમાં હું એકાકાર હતી ત્યાં મારી નજર મારી પ્રતિકૃતિ પર પડી. ઘણા લોકો મારી આસપાસ એકઠા થઇ ગયા હતા અને દુઃખની વાતો કરતા હતા. આટલી ઉંચી ઇમારત પરથી પટકાઇ હતી એટલે તેઓ બધા જાણતા જ હતા કે હું હવે આ દુનિયામાં રહી નથી પણ તેઓને ક્યાં ખબર કે મરે છે તો માણસનું શરિર જ, બાકી આત્મા તો અમર છે.”
“અરે ઓ બહેનો-ભાઇઓ, હું મરી નથી, જુવો હું અહી જ છું તમારી વચ્ચે, અરે આ તો મારુ શરિર છે બાકી તેમા રહેલો આત્મા હજુ અહી જ છે. હું બધા સામે જોઇને બુમો પાડતી હતી પણ ન તો કોઇ મને સાંભળી શકતુ હતુ કે ન મને કોઇ જોઇ શકતુ હતુ. આમ પણ ન જોવાનું જ ટેવાયેલો છે ઇન્સાન. ખેર એ બધા તાણાવાણા હવે તૂટી ગયા, હવે કોઇ જાતનું ટેન્શન નહી.” “મમ્મી-પપ્પા પ્લીઝ તમે આટલા કોચવાઓ નહી. તમારી લાડકવાયી પરી તમારી પાસે જ છે, જરા મનની આંખોથી મને જુવો હું તમને તમારી નજીક જ જોવા મળીશ. મારી મુશ્કેલીઓનો અંત અહી થઇ ગયો. હવે હું આઝાદ છું પણ મારા આ કૃત્ય પાછળ પાપા તમે પોતાને જવાબદાર ન ગણો.” અવસાનક્રિયા બાદ ઘરે આવતા જ પાપા ચોધાર આંસુએ હોલ વચ્ચે બેસી રડ્યા ત્યારે હું તેની પાસે જ હતી અને તેમને સમજાવતી હતી પણ મને ક્યાં ખબર કે હવે મને સાંભળવાવાળુ અહી કોઇ નથી. “એ પાપા તમે મને ખીજાયા તેનો મને કોઇ રંજ નથી. મારી જ ભૂલ હતી કે મે પરીક્ષામાં જરા પણ મહેનત ન કરી. હું એ પણ જાણતી હતી કે તમારો ગુસ્સો ફક્ત દેખાવ પુરતો જ હતો અસલમાં તો તમે મને ખુબ જ પ્રેમ કરો છો. હું તમારી લાડકવાયી છું એ હું જાણું છું. પાપા અંદર રૂમમાં જુઓને મમ્મી હૈયાફાટ વલોપાત કરે છે, ચાલો નહી તો તેને કાંઇક થઇ જશે. તમે બન્ને એકબીજાના આધાર સ્તંભ બની એકબીજાને સંભાળો પ્લીઝ....” “ખુબ લાચાર મેહસુસ કરી રહી હતી હું. મને સાંભળવાવાળુ કે જોવાવાળુ કોઇ અહી છે જ નહી. બસ બધા મારી પાછળ રડીરડીને અડધા થઇ રહ્યા છે. મારા ફોટા પર સુખડનો હાર લગાવી દીધો હતો. બધાની આવી હાલત જોઇ હું પણ ખુણે બેસી રડમશ બની ગઇ. શું મે જે કર્યુ તે સાચુ પગલુ ભર્યુ કે મારાથી બહુ ભયંકર ભૂલ થઇ ગઇ????” “અરે, આ બધી કેમ અહી આવી?” દૂરથી રેહા,સુહાની દર્શના બધી મારી ફ્રેન્ડસને જોઇને હું સીધી દરવાજા તરફ દોડી. આ બધી મારી સાહેલીઓ મારો શોક વ્યક્ત કરવા આવી હશે. “બધી કેવી રોતલ ચહેરો કરી વાતો કરે છે? પહેલા તો મારી બહુ મજાક કરી છે તમે બધીએ સાથે મળીને. હવે રડો નહી તમે, આ બધી જંજાળ છોડીને હવે હું નીકળી ગઇ છું. અને હા..... પેલુ સિક્રેટ હવે અહી ખોલતી નહી કોઇની સામે......ઉપ્પ્સ... જરા ઉંચા સ્વરે બોલી ગઇ.” “ધત્ત તેરી કી, અહી આત્માના અવાજને સાંભળનાર ક્યાં કોઇ છે? નકામી ડરી ગઇ હું. હવે તો સિક્રેટ કહી દે તો પણ શું? દેહના બંધન તો દેહ સાથે જ જતા રહ્યા, હવે જ્યાં દેહ જ નથી ત્યાં ડર પણ શેનો?”
***
“આન્ટી સ્નેહાના રૂમની તમે તપાસ કરી? કોઇ ચિઠ્ઠી કે કાંઇ મળ્યુ તમને?” સુહાનીએ મારી મમ્મીને પુછ્યુ ત્યાં મારા ભંવા ખેંચાઇ ગયા, આ દોઢી સુહાની પણ ચીઠ્ઠીનું યાદ કરાવવાનું કોણે યાદ કર્યુ હશે? મને પણ શું સુઝ્યુ કે મે પણ મરતા પહેલા ચીઠ્ઠી લખી, હવે નક્કી આ બધા સાથે મળીને એ ચીઠ્ઠી શોધીને જ રહેશે. “એક કામ કરો, તમે ચાલો મારી સાથે સ્નેહાના રૂમમાં પ્લીઝ.”
મમ્મી મારી બધી ફ્રેન્ડસને મારા રૂમમાં લઇને જતા હતા અને પપ્પા પણ તેની પાછળ ગયા, એ જોઇ મને લાગ્યુ કે નક્કી કાંઇ ગરબડ છે, મારે પણ જવુ જ પડશે. હજુ તો મે પગ ઉપાડ્યો કે રૂમનુ બારણુ બંધ થવાનો અવાજ આવ્યો પણ આત્માને શું વાંધો હોય બારણા ખુલ્લા હોય કે બંધ?
***
“દિકરીઓ સ્નેહા તો હવે જતી રહી આપણી વચ્ચેથી. હવે ક્યારેય આપણી પાસે તે આવવાની નથી. હવે તમે બધી જ સ્નેહાની જેમ મારી દીકરીઓ છો. તમારા કહ્યા મુજબ તેના રૂમના કબાટમાંથી આ કવર મળ્યુ છે, તેમા તેણે ઘણું લખ્યુ છે, મારે તેમાંથી તમારી પાસેથી થોડુ જાણવુ છે, પણ મહેરબાની કરીને આ ચીઠ્ઠી વિષે કોઇને કાંઇ કહેજો નહી. બાંધી મુઠ્ઠી લાખની જ રાખવાની છે.”
“હા અંકલ અમે કોઇને કાંઇ નહી કહીએ. આખરે એ અમારી બેસ્ટ ફ્રેન્ડ હતી, પણ એવુ તે ચીઠ્ઠીમાં શું લખ્યુ છે?”
“બેટા તુ જ વાંચી લે, મારાથી તો વાંચીને સંભળાવી શકાય તેવી પણ સ્થિતિ નથી.” મૌસમીબહેનના મોઢામાંથી ડુસકુ નીકળી ગયુ.
વ્હાલા મમ્મી-પપ્પા હું તમારી લાડકી સ્નેહા, તમારા પ્રેમ સ્નેહની છત્રછાંયામાં તમે મને મોટી કરી છે. તમે બન્નેએ મારા જીવનમાં બસ પ્રેમ અને હુંફ જ આપ્યા છે. તમે મારી નાની નાની ઇચ્છાઓને સંતોષવા તમારી મોટી ખ્વાહીશોને તિલાંજલી આપી છે. હું તમારી લાડકવાયી પુત્રી આજે તમને હંમેશાને માટે છોડીને જઇ રહી છું. મને મારુ જીવન અને તમે બધા ખુબ વ્હાલા છો, મારા માટે આ નિર્ણય લેવો ખુબ જ કપરો છે પણ હું મજબુર છું, હવે પરિસ્થિતિ જ એટલી વણસી ગઇ છે કે મારુ જીવન ટુંકાવવા સિવાય કોઇ રસ્તો જ નથી મારી પાસે. મને પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા અને તમે મને ખીજાયા તેના કારણે મે આવો નિર્ણય લીધો નથી, આવી ગેરસમજ તમે મનમાં ન રાખો એટલા માટે જ મે આ ચિઠ્ઠી લખી છે. મને ખબર છે તમે મને ખુબ જ ચાહો છો, પાપા તમારી કોઇ વાતનું મને માઠુ ન લાગે. તમે જે મને ખીજાયા તે તમારો હક હતો. મારી ભૂલ, મારો અપરાધ બહુ મોટો છે અને અક્ષમ્ય છે. અત્યારે આ બધુ લખતા મારા હાથ કંપી રહ્યા છે. આટલો અપાર પ્રેમ અને અખુટ સ્નેહ આપનાર માતા-પિતા તમને મે બહુ મોટો છેહ દીધો છે. હું મારા હાથે કાંઇ લખી શકુ તેમ નથી પરંતુ મારી સખીઓ રેહા, સુહાની અને દર્શના જે મારી બહેનો જેવી છે, તેમની સામે મારા જીવનના તમામ પાના ખુલ્લા જ છે. મે શું કામ આત્મહત્યા કરી છે તે તમે તેની પાસેથી જાણી લેજો અને બની શકે તો તમારી આ ફુલપરીને માંફ કરી દેજો. ભગવાન કરે આવતા જન્મે પણ તમે જ મને માતા-પિતા સ્વરૂપે મળો. બાય.......પાપા, બાય..........મમ્મી......
તમારી વ્હાલી સ્નેહા.....
ચિઠ્ઠી વાંચતા વાંચતા જ સુહાની ધૃસકે ધૃસકે રડી પડી અને સાંભળનાર રેવા અને સુહાની અને સ્નેહાના માતા પિતા બધા રડી પડ્યા. સારુ થયુ તમે અહી આવી ગઇ, નહી તો અમે બન્ને જ તમને મળવા આવવાના હતા. બેટા અમારે બસ એટલુ જ જાણવુ છે કે અમારી દિકરી સાથે એવુ તે શું બની ગયુ કે તેણે પોતાનુ જીવન ટુંકાવી નાખવા સુધીનો વિચાર કરી લીધો અને અમને સુધ્ધા કાંઇ વાત જ ન કરી?” મૌસમીબહેને ત્રણેય સખીઓને પુછ્યુ. ત્રણેય સખીઓ એકબીજાની સામે જોવા લાગી અને બધાના મોઢા પડી ગયા. શું કહેવુ તે વિષે કાંઇ સમજ પડતી ન હતી. “રેવા હવે જે થવાનુ હતુ તે થઇ ગયુ, તુ કહી દે અંકલ-આન્ટીને બધુ.” સુહાનીએ રેહાને કોણી મારતા કહ્યુ. “ના મારી તો હિમ્મત જ ચાલતી નથી. દર્શના યુ સે પ્લીઝ.” રેહા ધીમેથી બોલી. “ના હો મારાંથી કાંઇ કહેવાય તેમ નથી, સોરી.” “મારી દીકરીએ તો આ દુનિયા છોડી દીધી, તેની આત્માની શાંતિ અને અમારા જીવની ધરપત માટે મહેરબાની કરીને અમને કહો કે સ્નેહા સાથે શું બન્યુ હતુ?” આલોકભાઇ વિનંતીના સ્વરે હાથ જોડી પુછવા લાગ્યા. “સ્નેહા આ બધાની વચ્ચે ઉભીઉભી તમાશો જોતી હતી, “મરી ગયા હવે તો. ચિબાવલીઓ તમે બધીઓ ચુપ રહેજો, બધા રાઝ ખોલી ન નાખજો. મે પણ ક્યાં આ ચિઠ્ઠી મુકી?” “અંકલ સ્નેહા ખુબ જ ભોળી, ડાહી અને માસુમ છોકરી હતી. આજના સમાજ અને જમાના પ્રમાણે તે ખુબ ભલી હતી, તેનામાં કોઇ જાતનુ છળ કપટ ન હતુ. અમે બધાય હંમેશા તેની મજાક ઉડાવતા પણ તેના મનમાં અમારા પ્રત્યે ક્યારેય ધૃણાના ભાવ જાગ્યા ન હતા. તેનુ મન સાફ પાણી જેવુ નિર્મળ હતુ. અમે બધા તેની હાંસી ઉડાવવાનુ ચુકતા નહી અને અમારા મજાકના કારણે જ તેનો જીવ ગયો. આન્ટી માફી શબ્દ અમારા માટે યોગ્ય જ નથી. તમારે જે સજા આપવી હોય તે અમને આપી દ્યો. અમારા મોઢામાંથી ચુ. પણ અવાજ નહી નીકળે.” સુહાનીથી રહેવાયુ નહી અને તે હાથ જોડી રડમશ ચહેરે બોલવા લાગી. “સુહાની બેટા, જવા વાળી તો જતી રહી. આપણી સાથે તેની લેણા દેવી પુરી થઇ ગઇ. સજા આપવાવાળા અમે કોણ કહેવાયે? ન્યાય કરવાવાળો તો ઉપર બેઠો છે.” મૌસમીબહેન બોલ્યા. “આવી જ નિર્મળતા અને સાફ દિલ જેવા તમામ ગુણો સ્નેહામાં ઉતરી આવ્યા હતા. તન અને મનથી તે ખુબ જ પવિત્ર હતી. તેના આ બધા ગુણ અમારી કોલેજમાં સાથે અભ્યાસ કરતા ઉમંગના દિલમાં વસી ગયા હતા. ઉમંગ તેની પાછળ પાગલ હતો. તે સ્નેહાને દિલથી ચાહતો હતો.” “આ ચિબાવલીઓ સાફ સાફ જુઠ્ઠુ બોલી રહી છે. જો ઉમંગ આટલી હદે મને ચાહતો હતો તો તેણે કેમ મને છોડી દીધી?” સ્નેહા ગુસ્સે થતી બોલી. “ઉમંગ સ્નેહાની જેમ જ ખુબ જ શાંત, હોંશિયાર અને સાફ હ્રદયનો છોકરો છે. તેનામાં આટલી નાની વયે પણ ખુબ પરિપક્વતા છે. આજના કોલેજીયન યુવાનો મોજ શોખ અને પૈસા ઉડાવવામાં જ મશગુલ હોય છે જ્યારે ઉમંગનો સ્વભાવ આ બધી કુટેવોથી તદ્દન વિરૂધ્ધ હતો. સ્નેહાને પણ ઉમંગના આ બધા ગુણો મનમાં વસી ગયા હતા એટલે જ તે પણ ઉમંગની પાછળ આસક્ત હતી. બન્નેનો પ્રેમ જ એકબીજાને અભ્યાસમાં બાધારૂપ બનવા લાગ્યો હતો. તેઓ બન્ને એક બીજા વિના રહી પણ શકતા ન હતા અને અભ્યાસ પ્રત્યે ધ્યાન પણ આપી શકતા ન હતા આથી જ અભ્યાસમાં સૌથી અગ્રેસર રહેનારી સ્નેહા ધીમે ધીમે અભ્યાસમાં પાછળ રહેવા લાગી. ધોરણ ૧૨ જેવા મહત્વપુર્ણ વર્ષની પ્રથમ સત્રની પરીક્ષામાં તે ત્રણ વિષયમાં ફેઇલ થઇ ત્યારે મનોમન તે પણ બહુ દુઃખી અને હતાશ થઇ ગઇ હતી. તે બધુ સમજતી હતી પરંતુ ઉમંગ પ્રત્યેની તેની લાગણી અને લગાવને તે છોડી શકતી ન હતી. સ્નેહાના આવા પરિણામ શા માટે આવ્યુ તેની પાછળનુ મુખ્ય કારણ ઉમંગ સમજી ગયો હતો, આથી તેણે સ્નેહાને પોતાનાથી દૂર કરવા માટે ઝઘડો કરવાનુ નાટક કર્યુ અને તેને છોડી દેવા સુધી તે તૈયાર થઇ ગયો. તેના માટે આ નિર્ણય ખુબ કપરો હતો પણ તે કોઇપણ સંજોગોમાં સ્નેહા પોતાના કારણે અભ્યાસમાં પાછળ રહે તે ઇચ્છતો ન હતો. “નાટક????? ઉમંગે નાટક કર્યુ હતુ??? ઓહ માય ગોડ? કાંઇ પણ ચોખવટ કર્યા વિના આ પગલુ મે કેમ ભરી લીધુ?” સ્નેહાના ભંવા તણાઇ આવ્યા આ બધુ સાંભળીને અને તે આંખ ફાટી કરી ત્રણેય સખીઓને જોતી રહી. “હા આન્ટી, ઉમંગે પોતાના હ્રદય પર પથ્થર મુંકીને સ્નેહા સાથે બ્રેક અપ કરવાનું નાટક કર્યુ. સ્નેહા જેવી ભોળા હ્રદયની છોકરી માટે આ આઘાત જીરવવો ખુબ મુશ્કેલ હતો. તે ખુબ ડિપ્રેશનમાં આવી ગઇ હતી. અમે બધાએ તેને સમજાવવાની ખુબ કોશિષ કરી. તમને અને અંકલને આ બાબતે વધુ ખબર ન પડે એ માટે અભ્યાસના બહાને અમે લોકો મોટે ભાગે તેને અમારા ઘરે જ રોકી રાખતા. “સ્નેહાના કહેવાથી અમે એક વખત ઉમંગના ઘરે તેને સમજાવવા પણ ગયા હતા ત્યારે ઉમંગે અમને સાચી વાતથી અવગત કર્યા ત્યારે અમને ઉમંગ પર અને સ્નેહાની પસંદ પર ખુબ ગર્વ થયો પરંતુ ઉમંગે અમને સ્નેહાની કસમ આપીને આ વાત તેને ન કહેવા માટે રોકી રાખી હતા. એક તરફથી અમને શાંતિ હતી કે જે ઉમંગ કરી રહ્યો છે તેમાં બધાનુ સારૂ જ છે પણ બીજી બાજુ સ્નેહાને સમજાવવી ખુબ જ મુશ્કેલ હતી. ટેન્શન લેવાના કારણે તેના શરિર પર પણ અસર વર્તાવા લાગી હતી આથી તેનો મુડ ઠેકાણે લાવવા માટે અમે ત્રણેએ મજાક મસ્તીનો સહારો લેવા લાગ્યા અને તેને હસાવવાની કોશિષ કરવા લાગ્યા પણ...........” રેહાએ વાક્ય અધુરૂ છોડી દીધુ. “પણ શું બેટા? અમને કહી શકે છે તુ. ડરવાની જરૂર નથી તમારે.” સ્નેહાના મમ્મીએ રેહા પાસે બેસી તેના માથે હાથ પસવારતા કહ્યુ. “એ સમય દરમિયાન સ્નેહા પોતાનો પિરીયડ ચુકી ગઇ, દસ દિવસ ઉપર જતા રહ્યા આથી અમે લોકો તેને ગાઇનેક પાસે લઇ ગયા. લેડી ડોક્ટરે સ્નેહાની તપાસ કરી અમને એકાંતમાં બોલાવી કહ્યુ કે બધુ નોર્મલ જ છે, ચિંતાની કોઇ જરૂર નથી, માનસિક તણાવ અને ટેન્શનના કારણે ક્યારેક આ રીતે બનતુ હોય છે. તેનુ ટેન્શન દૂર કરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે, બની શકે તો તેને મનોવૈજ્ઞાનિક પાસે લઇ જાઓ. અમને એ બધુ યોગ્ય ન લાગ્યુ અને અમને એમ થયુ કે હસતા હસતા એકાદ વીકમાં બધુ સારૂ થઇ જશે અને અમે તેની સાથે એક ખતરનાક મજાક કરી નાખ્યો જેના કારણે સ્નેહાનો જીવ લેવાયો.” બોલતા બોલતા રેહા રડી પડી. “અમે ત્રણેયે સ્નેહાને એમ કહ્યુ કે ડોક્ટરના મત મુજબ રિપોર્ટ પોઝીટીવ છે અને તુ પ્રેગ્નેન્ટ છે. અમારે મન એમ હતુ કે તે આવુ જાણવાથી ઉમંગ પ્રત્યે ધૃણાના ભાવ જાગતા તેને નફરત કરવા લાગશે અને ઉમંગે તેને છોડી દીધી તે આઘાતમાંથી બહાર આવી જશે પણ અમારા મજાકની ખુબ અવળી અસર થઇ સ્નેહા પર. તે ખુબ ડરવા લાગી. ડર અને ટેન્શન એમ બન્નેના સંયુક્ત પ્રહારથી તે એ પણ ભૂલી ગઇ હતી કે તેની અને ઉમંગની વચ્ચે એવુ કાંઇ આગળ વધ્યુ જ નથી જેના કારણે તે પ્રેગ્નેન્ટ હોય. છેવટે અમને પણ કાંઇ દિલની વાત કર્યા વિના સ્નેહાએ આ અવળુ પગલુ ભરી લીધુ.” સુહાનીએ રેહાએ શરૂ કરેલી વાતને અંત આપતા કહ્યુ. “હે ભગવાન, મારી ફૂલ જેવી દીકરી સાથે આટલુ વીતી ગયુ અને તે મને પણ કાંઇ કહી શકી નહી???? તમે લોકોએ જરા પણ ન વિચાર્યુ? આવો ગંદો મજાક હોય????” મૌસમીબહેન ચોધાર આંસુએ પોંક મુકી રડી પડ્યા. “અંકલ આન્ટી, અમે લોકો તમારા ગુનેગાર છીએ. સ્નેહાને એક બહેનની જેમ અમે ચાહતા હતા. અમે તેને હતાશામાંથી બહાર લાવવા માંગતા હતા અને તેની મદદ કરવા ઇચ્છતા હતા પણ બધા પાસા ઉલ્ટા પડ્યા અને આવી ગોઝારી ઘટના બની ગઇ.”
“યુ બ્લડી, ઇડિયટસ, તમને ત્રણેયને તો હું દિવાલમાં જીવતી ચણી નાખીશ. હે ભગવાન મે આ શું કરી નાખ્યુ? મમ્મી પાપા મને તમારી સાથે રહેવુ છે, મારે તમારી સાથે જીવન જીવી જાણવું છે. એ પાપા, મમ્મી હું અહી જ છું. મને બોલાવી લો તમારી પાસે, મને લઇ ચાલો ફરી મનુષ્ય દેહમાં. મારે જીવવું છે, એક નવી આશા, વિશ્વાસ અને જોશ સાથે મારે જીવનને માણવું છે. પ્લીઝ ગોડ આઇ વોન્ટ ટુ લીવ, આઇ વોન્ટ ટુ લીવ અગેઇન.”
“સ્નેહા મારા દિકરા શું થયુ??? શું બકવાસ કરે છે ઊંઘમાં તું?” મૌસમીબહેનને સ્નેહાના રડવાનો અને બકવાટ કરવાનો અવાજ સંભળાતા તે આલોકભાઇ સાથે દોડતા તેના રૂમમાં આવ્યા અને હળબળાવીને સ્નેહાને ઉઠાડી. સ્નેહા વારાફરથી તેના મમ્મી અને પપ્પા સામે સ્તબ્ધ બની જોતી હતી તો ઘડીકવાર પોતાના હાથ અને ચહેરાને સ્પર્શ કરતી તો ક્યારેક તેના મમ્મી પપ્પાના હાથને સ્પર્શવા લાગી.
“કાંઇ નહી મમ્મી પાપા. તમે સુઇ જાઓ, લાગે છે મને બહુ ખરાબ સ્વપ્ન આવ્યુ હતુ એટલે જ હું બકવાટ કરતી હોઇશ. તમે સુઇ જાઓ. આઇ એમ ઑલરાઇટ.” “હે ભગવાન સારૂ થયુ તમે અંત ઘડીએ આ સ્વપ્ન થકી મને બધુ સમજાવ્યુ. કદાચ આ સ્વપ્ન સાચુ ઠરે તો સારૂ પણ કદાચ હવે ઉમંગ મારા જીવનમાં ફરી આવે કે ન આવે, હું આપે બક્ષેલા આ માનવદેહ સમાન અમૂલ્ય વરદાનને આ રીતે આત્મહત્યા કરીને તો નહી જ ટુંકાવુ. થેન્ક્સ અ લોટ ભગવાન.” ભગવાનને પ્રાર્થના કરી સ્નેહા ચહેરા મુશ્કાન સાથે ફરી નિંદ્રાધીન થઇ ગઇ.
***